ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી કહેવત
ગુજરાતી કહેવત : ‘કહે’ શબ્દ ઉપરથી વ્યુત્પન્ન થયેલ કહેવત એટલે કહેતી, દૃષ્ટાંત, દાખલો કે ઉદાહરણ. કહેવતના મૂળમાં કથવું, કહેવું કે કહેણી એ અર્થ સમાયેલો છે. ચાલી આવતી પરંપરાથી લોકોમાં કહેવાતાં બોધરૂપ કે દૃષ્ટાંતરૂપ સૂત્રાત્મક વચનો તે કહેવત. પ્રજાના અનુભવ અને ડહાપણ કહેવતમાં સંગ્રહિત થયેલાં હોય છે. કહેવત કોઈ એક વ્યક્તિનું સર્જન નથી, પણ લોકચેતનાના અનુભવની એ વાણી છે. તેથી જ લોકપસંદગીમાંથી પસાર થયેલાં વચનો જ કહેવત ગણાય છે. કહેવતમાં શબ્દલાઘવ વડે અર્થગૌરવ સધાય છે. એ જે કંઈ કહે છે તે સચોટ, સબળ અને સુંદર રીતે કહે છે. લાઘવ, વ્યવહાર ડહાપણ, ચમત્કૃતિ, લોકરુચિ એ કહેવતનાં આગળ તરી આવતાં લક્ષણો છે. આથી જ કહેવતોનો આશ્રય વક્તવ્યને પ્રભાવક અને રસપ્રદ બનાવવા લેવાતો હોય છે.
કહેવતોમાં લોકજીવનનું પ્રતિબિંબ પડતું જોઈ શકાય છે. લોકોની રીતભાતો, આચારવિચાર, માન્યતાઓ, ધર્મશ્રદ્ધા વગેરે ઉપર કહેવતો પ્રકાશ પાડે છે. સામાજિક ઇતિહાસના અનેકવિધ અંશોના અણસાર કહેવતોમાં પડેલા હોય છે. એમાં માનવસ્વભાવ, વ્યવહાર, વસ્તુ, પંખી, નિત્યજીવન, વૈદક, જ્યોતિષ વગેરે આધારરૂપ બને છે.
જગતની દરેક ભાષામાં કહેવતો છે. ગુજરાતી ભાષા પાસે પણ કહેવતોનો સમૃદ્ધ ભંડાર છે. ગુજરાતી કહેવતોમાં ગુજરાતના સમાજજીવન, ધર્મજીવન, રાજશાસન વગેરે વિષયોને જોઈ શકાય છે. વિવિધ જ્ઞાતિઓની લાક્ષણિકતાઓ, જુદા જુદા ધંધાઓ, લોકવ્યવહારને પણ આ કહેવતો દ્વારા જાણી શકાય છે.
કેટલીક ગુજરાતી કહેવતોમાં પશુપંખીના આશ્રયે માનવજીવન અને માનવસ્વભાવ વ્યક્ત થયેલાં છે. જેમકે ‘કીડીને કણ ને હાથીને મણ’, ‘ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો’, ‘ભેંસનાં શીંગડાં ભેંસને ભારે’, ‘ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ’, ‘કાગડો દહીંથરું લઈ ગયો’, ‘કાગડાની કોટે રતન’.
કેટલીક કહેવતો જ્ઞાતિગત તથા જાતિગત લાક્ષણિકતાઓને સ્પર્શે છે : ‘બ્રાહ્મણ ભટ્ટ, લાડુ ચટ્ટ’, ‘નાગર બચ્ચા કભી ન સચ્ચા’, ‘ગાંડી માના ડાહ્યા દીકરા (વાણિયા’), ‘જમાઈ અને જમ બરાબર’, ‘જમાઈ દશમો ગ્રહ’, ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી ને વહુનાં લક્ષણ બારણામાંથી’, ‘વહુને અને વરસાદને જશ નહીં’. વિરોધી વિચાર કે ભાવ વ્યક્ત થયો હોય એવી કહેવતો પણ મળે છે : ‘સાઠી બુદ્ધિ નાઠી’, ‘ઘરડાં ગાડાં વાળે’, ‘ન બોલ્યામાં નવ ગુણ’, ‘બોલે તેનાં બોર વેચાય’, ‘નારી તું નારાયણી’, ‘નારી નરકની ખાણ’. આવી કહેવતો જે તે સંદર્ભમાં ઉચિત અર્થ વ્યક્ત કરે છે. સામાજિક અને નૈતિક મૂલ્યોને સૂચિત કરતી કહેવતો પણ છે : ‘આપ ભલા તો જગ ભલા’ ‘સંગ તેવો રંગ’, ‘દાનત તેવી બરકત’, ‘વાવે તેવું લણે’, ‘ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે’, ‘મણનું માથું જજો પણ નવટાંકનું નાક ન જજો’. જીવનમાં પૈસાનું મહત્ત્વ આંકતી કહેવતો પણ મળે છે : ‘વસુ વિના નર પશુ’, ‘પૈસો કરે કામ, બીજો કરે સલામ’. જીવનમાં કેમ વર્તવું તેનો બોધ પણ આ કહેવતોમાં પડેલો છે : ‘શંકા ભૂત ને મંછા ડાકણ’, ‘હસવું ને લોટ ફાકવો એ કેમ બને?’, ‘સંઘર્યો સાપ પણ કામ આવે’, ‘જેવા સાથે તેવા’, આ ઉપરાંત ‘પેટ કરાવે વેઠ’, ‘જીવતો નર ભદ્રા પામશે’, ‘જાગતો નર સદા સુખી’, ‘ભીંતને પણ કાન હોય’ જેવી અસંખ્ય કહેવતોમાં નક્કર જીવનના અનુભવનો રણકો છે. વ્યંગકટાક્ષ દ્વારા ટકોરતી કહેવતો પણ છે : ‘નાચવું નહીં ત્યારે આંગણું વાંકું’, ‘દોરડી બળે પણ વળ ન મૂકે’, ‘આણું કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો’. રાજશાસનની અરાજકતા સૂચવતી કેટલીક કહેવતો છે : ‘અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં, કેટલીક કહેવતો સ્થળવિશેષનું ઇંગિત કરે છે : ‘સુરતનું જમણ ને કાશીનું મરણ’, ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’, ‘ભાંગ્યું ભાંગ્યું તોયે ભરુચ’.
આમ, આ ગુજરાતી કહેવતોમાં લોકઅનુભવનો નિચોડ છે, જીવનના જુદા જુદા રંગ છે. નિંદા, તિરસ્કાર, કટાક્ષવ્યંગ અને રમૂજ છે. એમાં કવિતા છે, તુકબંધી છે, પ્રાસ અને લય છે. અનુભવનું સત્ત્વ, ઉકિતગત ચોટ અને રજૂઆતની સરળતાથી આ કહેવતો લોકગમ્ય બને છે.
ઇ.ના.