ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી દલિત સાહિત્ય

Revision as of 15:35, 23 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી દલિત સાહિત્ય'''</span> : ગુજરાતી સાહિત્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગુજરાતી દલિત સાહિત્ય : ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્યનો જન્મ મહારાષ્ટ્રને મુકાબલે ઘણો મોડો થયો. આપણે ત્યાં ૧૯૮૧ના અનામત આંદોલન પછી દલિત સાહિત્યનાં સાચાં પગરણ મંડાયાં. તે વખતે મિલો બંધ થવાથી એક બાજુ ગરીબીની વ્યથા અને બીજી બાજુ સામાજિક અસમાનતા સામે ઝઝૂમવાનું માથે પડતાં દલિત જાગૃત બન્યો. કેટલાક દલિત કવિઓએ લખવાનું શરૂ કર્યું. ગુજરાતમાં થયેલા કેટલાક હત્યાકાંડોએ દલિત કવિઓની અભિવ્યક્તિને ધારદાર બનાવી. દલિત સાહિત્યનો જન્મ સામાજિક અસમાનતા, અસ્પૃશ્યતા, અત્યાચારો, ધર્માંધતા વગેરે ‘અનિષ્ટો’ સામે આક્રોશ વ્યક્ત કરવાના ભાગ રૂપે થયો. આમ જોઈએ તો મહારાષ્ટ્રમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ઝુંબેશના અનુસન્ધાને તેમના નિર્વાણ બાદ ૧૯૬૦ની આસપાસ દલિત સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. તે પછી પંદર વર્ષે એટલેકે ૧૯૭૫ની આસપાસ ગુજરાતમાં દલિત સાહિત્યનો જન્મ થયો. મહારાષ્ટ્રના દલિત સાહિત્યકારો ગંગાધર પાન્તાવણે, કેશવ મિશ્રામ, રાજા ઢાલે, એમ. બી. ચીટનીસ, દયા પવાર, બાબુરાવ બાગુલ, રાવસાહેબ કસ્બે, લક્ષ્મણ માને, યોગીરાજ વાધમારે વગેરેના સાહિત્ય અને વિચારચિંતનમાંથી પ્રેરણા લઈને ગુજરાતમાં પણ દલિત સાહિત્યે પોતાનો આગવો અવાજ સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો. ગુજરાતી દલિત સાહિત્યની શરૂઆત કવિતાથી થઈ. તે વખતના સામાયિકો ‘પેંથર’, ‘આક્રોશ’ અને ‘કાળો સૂરજ’માં દલિત કવિતાઓ વારંવાર પ્રકટ થતી રહી. સામાજિક વર્ણવ્યવસ્થા અને હત્યાકાંડો સામે જેહાદ જગવવાના ભાગરૂપે દલિત કવિતાનો જન્મ થયો. ટૂંકાગાળામાં દલિત કવિતાના અનેક સંચયો પણ પ્રકટ થયા; તેમાં ‘દલિત કવિતા’, ‘વિસ્ફોટ’ અને ‘અસ્મિતા’ મુખ્ય છે. દલિત કવિતાથી પ્રેરાઈને દલિત સાહિત્યકારોએ વાર્તા અને નવલકથામાં હાથ અજમાવ્યો ને પરિણામ ધાર્યા કરતાં વધુ સંતોષપ્રદ આવ્યું. ૧૯૮૦ પછી ગુજરાતી સાહિત્યની રૂખ બદલાઈ તેમાં દલિત વાર્તા અને નવલકથાનો મહત્ત્વનો ફાળો છે એમ કહી શકાય. એક દૃષ્ટિએ જોઈએ તો અન્યાયો સામે આક્રોશ, સવર્ણો દ્વારા દલિતોનું થતું શોષણ, અસ્પૃશ્યતા, સામાજિક વિષમતા, આર્થિક ‘અસલામતી’, આ બધાં દલિત સાહિત્યનાં મૂળભૂત અંગો છે. છતાં આ બધાંમાંથી દલિત ચેતનાનો આવિર્ભાવ થવો જરૂરી છે. દલિતસમાજનાં ચિત્રણો પડછે દલિત ચેતના સળવળતી જણાય તો જ તે ચિત્રણ દલિત સાહિત્યને ઉપકારક નીવડે. દલિત પરિવેશ હોય, તેને લગતાં અનેક ઉપકરણો મોજૂદ હોય,’ પણ દલિતને સ્પર્શતી મૂળભૂત લાક્ષણિકતાઓની ગેરહાજરી દલિત સાહિત્ય માટે અવરોધક નીવડી શકે. ઘણી દલિત કૃતિઓમાં પાત્રો કે દલિત માહોલ રજૂ થયેલો જોઈ શકાશે, પણ મૂળભૂત લાક્ષણિકતાઓ નજરે ચડતી ન હોવાથી આખી વાત ક્યાંક રોળાઈ ગયેલી લાગે. દલિત સમાજના પ્રશ્નોની છણાવટ હોય, ક્યારેક નાવીન્યપૂર્ણ ઘટના પણ હોય, છતાં બાહ્યવાસ્તવનું કલામાં રૂપાન્તર ન થાય તો તેવી કૃતિઓ ઝાઝો પ્રભાવ પાડી શકે નહિ. તેમ છતાં કેટલીક કવિતાઓ, વાર્તાઓ અને નવલકથાઓ પ્રભાવક બની આવી છે, તેની નોંધ અવશ્ય લેવાવી જોઈએ. દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, ભી. ન. વણકર, હરીશ મંગલમ્, સાહિલ પરમાર, રાજુ સોલંકી, યશવંત વાઘેલા, નીરવ પટેલ, શંકર પેન્ટર વગેરે કવિઓના કાવ્યસંગ્રહો દલિત કવિતાની ચોક્કસ દિશા દર્શાવે છે. અનામત આંદોલન પછી લખાઈ રહેલી કવિતાનાં પૂર ૧૯૮૫ની આસપાસ ઓસરવા માંડ્યાં ને દલિત સાહિત્યકારો ગદ્ય તરફ વળવા માંડ્યા. જોસેફ મેકવાનનાં રેખાચિત્રોના સંગ્રહ ‘વ્યથાનાં વીતક’ તથા નવલકથા ‘આંગળિયાત’ અને ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ ધ્યાનાકર્ષક કૃતિ છે. તેવી રીતે મોહન પરમારની ‘નેળિયું’ અને ‘પ્રિયતમા’, ‘ડાહ્યા પશાની વાડી’ હરીશ મંગલમ્ની ‘તિરાડ’ અને ‘ચોકી’ તેમજ દલપત ચૌહાણની ‘મલક’ અને ‘ગીધ’ વગેરે નવલકથાઓ નોંધપાત્ર છે. દલિત નાટ્યક્ષેત્રે દલપત ચૌહાણ, મોહન પરમાર, હરીશ મંગલમ્, રાજુ સોલંકી નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. દલિત સાહિત્યમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર સાહિત્યસ્વરૂપ ટૂંકી વાર્તાનું છે. ૧૯૮૦ પછી વાર્તાની દિશા બદલવામાં દલિત વાર્તા પણ એક અગત્યનું પરિબળ છે. વિષયવૈવિધ્યગત નાવીન્ય અને બોલીનો કલાકીય બોલીનો વિનિયોગ દલિત વાર્તાનાં આકર્ષક અંગો છે. ૧૯૮૭માં પ્રગટ થયેલું મોહન પરમાર અને હરીશ મંગલમ્નું સંપાદન ‘ગુજરાતી દલિત વાર્તા’ બધી રીતે અભ્યાસીઓને નોંધપાત્ર લાગ્યું છે. મોહન પરમાર, દલપત ચૌહાણ, હરીશ મંગલમ્, ભી.ન. વણકર, રાઘવજી માધડ, મધુકાન્ત કલ્પિત વગેરે દલિત વાર્તાકારો નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. ગુજરાતી દલિત વાર્તા ગુજરાત બહાર પરપ્રાંતમાં પણ પહોંચી છે. તે પૈકી ‘આંધું’, ‘વેઠિયા’ ‘વાડો’, ‘તણખલું’(મોહન પરમાર), ‘દાયણ’, ‘ઉંટાટિયો’(હરીશ મંગલમ્), ‘બદલો’, ‘હડકાયું કૂતરું,’ (દલપત ચૌહાણ), ‘આઘાત’(નૈહલ ગાંગેરા) વગેરે વાર્તાઓના અંગ્રેજી અને હિન્દી અનુવાદો પણ થયા છે. દલિત સાહિત્યમાં એકાંકી, નાટક, શેરીનાટક, પ્રવાસવર્ણન પણ લખાવા માંડ્યાં છે. મો.અં.પ.