ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં રહસ્યવાદી સાહિત્ય

Revision as of 09:13, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતીમાં રહસ્યવાદી સાહિત્ય'''</span>: રહસ્યાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગુજરાતીમાં રહસ્યવાદી સાહિત્ય: રહસ્યાત્મક અનુભવ આત્મચૈતન્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. આ અનુભવ કાર્ય-કારણ, સ્થળ અને સમયના નિયમોથી પર છે. ચૈતન્યનું મૂળભૂત લક્ષણ ‘ઊર્ધ્વીકરણ’ છે. ભારતમાં વિવિધ સાધનામાર્ગો દ્વારા ક્રમશ: શરીર, પ્રાણ, મન અને આત્માના વિકાસની કક્ષા દ્વારા હઠયોગ, પ્રાણયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને સંતોના સુરતશબ્દયોગની સાધનાના રહસ્યાત્મક અનુભવો પ્રકટ થયા. એ રીતે રહસ્યવાદને સમજવા માટે ઈશ્વર રહસ્યવાદ, આત્મ રહસ્યવાદ, પ્રાણાત્મક રહસ્યવાદ, જ્ઞાનાત્મક રહસ્યવાદ, પ્રેમાત્મક રહસ્યવાદ, પ્રેતાત્મા રહસ્યવાદ, કૃતક રહસ્યવાદ, ભૌતિક રહસ્યવાદ જેવા વિભાગો કરવા પડ્યા. રહસ્યવાદનાં મૂળ ઋગ્વેદ સુધી જાય છે. વેદો, ઉપનિષદો, પુરાણો અને તંત્રોમાં ઈશ્વર રહસ્યવાદ, આત્મ રહસ્યવાદ અને ગૂઢવાદ જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ રહસ્યવાદી કવિ નરસિંહ મહેતા છે. તેમનાં પદોમાં ઈશ્વર અને આત્મ રહસ્યવાદ સબળ રીતે રજૂ થયો છે. મીરાંની કવિતામાં સગુણ રહસ્યની સાથે પ્રેમાત્મક રહસ્યવાદ વ્યક્ત થાય છે. પ્રીતમમાં પણ પ્રેમાત્મક રહસ્યના અંશો જોવા મળે છે. જ્યારે ભોજાની કવિતામાં અનુભવજન્ય આત્મ રહસ્યવાદનું તત્ત્વ સ્ફૂટ થાય છે. કબીરપંથ અને રવિ-ભાણ સંપ્રદાય જેવા સંતસાધનાના આરાધકો રવિસાહેબ, ભાણસાહેબ, મોરારસાહેબ, ત્રિકમસાહેબ, દાસી જીવણ, લખમો માળી, લોયણ, ગંગાસતી વગેરેમાં નિજ અનુભવમાંથી નીતરતો આત્મ રહસ્યવાદ, ઈશ્વર રહસ્યવાદ અને પ્રેમાત્મક રહસ્યવાદ જોવા મળે છે. આ ભજન અને પદોમાં વેદ ઉપનિષદ કરતાં પણ ચડિયાતી સુરત–શબ્દયોગની રહસ્યાત્મક અનુભૂતિ છે. અર્વાચીન કવિતામાં દલપતરામ, નર્મદની કૃતિઓમાં રહસ્યાત્મક આભાસ જોવા મળે છે. બાલાશંકર કંથારિયા તથા મણિલાલ દ્વિવેદીમાં અલ્પાંશે રહસ્યના અંશો પ્રકટે છે. ‘કલાપી’માં સૂફી રહસ્યવાદની છાયા છે, જ્યારે ત્રિભુવન પ્રેમશંકર ‘મસ્ત કવિ’ અને દામોદર ત્રિપાઠી ‘સાગર’માં ગૂઢતત્ત્વના સ્પર્શની રહસ્યાત્મક ઝાંખી છે. સંસ્કૃત જાગૃતિના કવિઓમાં નરસિંહરાવ દિવેટિયા અને ન્હાનાલાલની રચનામાં પ્રકૃતિ રહસ્ય અને ચૈતસિક એકાગ્રતાજન્ય અંશો છે, જ્યારે અરદેશર ખબરદારનાં કાવ્યોમાં રહસ્ય ધૂંધળું છે. બ. ક. ઠાકોરનાં કાવ્યોમાં રહસ્યતત્ત્વ કરતાં ચિંતન વધુ છે. જૂના પ્રવાહના કવિઓમાં અનવર મીયાં અને અરજુન ભગતની ગરબી તથા ભજનોમાં રહસ્યાત્મક ઝલક જોવા મળે છે. ૧૯૩૦-૪૦ના સમયમાં ‘સુન્દરમ્’ અને પૂજાલાલની કવિતામાં અરવિંદના દર્શનની ગૂઢ રહસ્યની અસરો ઝિલાઈ છે. દામોદર ભટ્ટ ‘સુધાંશુ’માં ચૈતસિક આનંદની ગૂઢતા છે, જ્યારે મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ની રચનાઓમાં આંતર – ચેતનાનો રહસ્યાત્મક સ્પર્શ છે. રાજેન્દ્ર શાહની કવિતામાં વેદ, ઉપનિષદ કે તંત્રની પરિભાષામાં જે પ્રકટ થયું છે તેના રહસ્યાત્મક અંશો વ્યક્ત થાય છે. હસિત બૂચમાં પ્રકૃતિ રહસ્યવાદની આછી છાંટ અનુભવાય છે. મકરન્દ દવેની કવિતા અને ગઝલોમાં આત્મા, ઈશ્વર અને ગૂઢ ચૈતસિક સ્વરોની રહસ્યાત્મક અનુભૂતિ રજૂ થઈ છે. તેમની રચનાઓમાં બાઉલપંથ, ટાગોર, ઉપનિષદ, નાથપંથ, શાક્તપંથ વગેરેના અંશો વ્યક્તિગત ચેતનામાં રસાઈને આવે છે. ૧૯૭૦ પછીના કવિઓની રચનાઓમાં અભિવ્યક્તિની અવનવી રીતિઓ, લઢણો અને પ્રયોગો જોવા મળે છે. રાજેન્દ્ર શુક્લની ગઝલો અને ચંદ્રકાન્ત શેઠનાં કાવ્યોમાં ચૈતસિક આનંદના અંશો રહસ્યાત્મક શૈલીમાં રજૂ થાય છે. હરીન્દ્ર દવેની કવિતામાં રહસ્યનું સપાટી પરનું આભાસી વાતાવરણ વિશેષ છે. હરીશ મીનાશ્રુની કવિતામાં આત્મ રહસ્યાત્મક અંશો પ્રકટે છે. અદ્યતન કવિઓ ચિત્તની સંકુલતાને તાગવા મથે છે. ત્યારે કૃતક રહસ્યવાદ ઊભો થાય છે. અંતે નોંધવું જોઈએ કે ગુજરાતી સાહિત્યનાં ભજનો અને પદોમાં પરમ ચૈતન્યનો ‘નિજ અનુભવ’ સરળ અને સહજ વાણીમાં રજૂ થયો છે, જેમાં ‘શુદ્ધ અને ઉચ્ચતમ રહસ્યવાદ’ વ્યક્ત થાય છે. આ ભજનો, પદોની વાણીમાં વ્યક્ત થતો રહસ્યવાદ એ ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો છે. રા.રા.