ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી રંગભૂમિ

Revision as of 09:22, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)



ગુજરાતી રંગભૂમિ: ગુજરાતી રંગભૂમિનો ઉદ્ભવ ગુજરાતના લોકનાટ્ય ભવાઈમાંથી થયો છે અને નથી થયો – એવાં ઉભયપક્ષી વિધાનો-વિવાદો આજપર્યન્ત થતાં રહ્યાં છે. સૂચિત વિધાનો અને તેની પાછળનાં દલીલ-દૃષ્ટાંતોનો વિચારસાર એટલો જ કે ઋણસ્વીકાર કે નકારની ભૂમિકાએ પણ પ્રથમ નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામે એમના ‘જયકુમારી’ નાટકની પ્રસ્તાવનામાં નોંધ્યું છે: “ભવાઈ ઉપર અભાવ ઊપજવાથી પ્રથમ મારું લક્ષ નાટક ઉપર ગયું અને મનમાં એમ આવ્યું કે નાટક વિષય ગુજરાતીમાં ખેડાવો જોઈએ.” રણછોડભાઈએ નિર્દેશેલા ‘ભવાઈ પરના અભાવ’નાં એકાધિક કારણોમાં ભવાઈના ખેલોનું એ જ પુરાણું વિષયવસ્તુ અને લપટી પડી ગયેલી રજૂઆત-પરંપરા તો હતાં જ પરંતુ ભવાઈના કલાકારોનાં ક્ષીણ થતાં જતાં કલાનૈપુણ્ય ને વ્યવસાયપ્રેમભક્તિને કારણે લોકરંજનને નામે પ્રવેશેલી અભદ્રતા બીભત્સતા-અશ્લીલતાએ બહોળા પ્રેક્ષકવર્ગને તેનાથી વિમુખ કરી દીધો હતો. અલબત્ત, આ સ્થિતિમાં પણ ભવાઈનું ભક્તિભર્યું મૂળ કલાત્મક સ્વરૂપ સંપૂર્ણ લુપ્ત થઈ ગયું ન હતું. છેક ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં પોતાના શિષ્ય-મિત્રની પુત્રીના શીલની રક્ષા માટે, નાતજાતનાં બંધનોને નિરર્થક માનીને તોડનાર અસાઈત ઠાકરકૃત, ભરતની નાટ્યમીમાંસા ‘સર્વશિલ્પ પ્રદર્શકમ્’ અનુસાર શબ્દ, સૂર અને અભિનય કલા પર જ મુસ્તાક રહીને અઢારમી સદીના પૂર્વાર્ધ લગી નિરંતર માત્ર લોકરંજન નહીં પરંતુ સમસ્યાકથન અને ઉખાણાંથી ભરપૂર એવા ૩૬૦ વિવિધ ખેલો દ્વારા લોકશિક્ષણ કરતા રહેલા લોકનાટ્ય ભવાઈ પાસેથી ગુજરાતી રંગભૂમિએ પ્રહસનના સંસ્કાર, સંગીતની પરિપાટી તેમજ કલાવિદ્ અભિનેતાઓ અને સંગીતકારો પણ મેળવ્યા છે. ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ના આરંભકાલીન ‘લલિતાદુ:ખદર્શક’, ‘મૂળરાજ સોલંકી’, ‘કનકતારા’, ‘સુંદરવેણી’, ‘નરસિંહ મહેતા’, ‘માલતી માધવ’ જેવાં નાટકો તેની લેખનશૈલી, અભિનયશૈલી તથા કાફી, આશાવરી માઢ, ધનાશ્રી, કલિંગડો, સારંગ અને ભૈરવી જેવા શાસ્ત્રીય રાગ આધારિત ગીતરચનાઓ ધરાવતી સંગીતશૈલી પણ લોકનાટ્ય ભવાઈની દીર્ઘ પરંપરાની જ ઋણી હતી, વળી, વિષયવસ્તુની દૃષ્ટિએ પણ વિવિધ આખ્યાનોની સીધી તેમજ નાટ્યરૂપ રજૂઆતો કરતી ભવાઈ સાથે ગુજરાતી રંગભૂમિ તેમજ નાટક સીધાં સંકળાયેલાં છે તેનું નજીકનું દૃષ્ટાંત રમણભાઈ નીલકંઠકૃત ‘રાઈનો પર્વત’ છે. એ નાટકનું કથાબીજ લેખકને ‘સાંઈયા સે સબકુછ હોત હૈ – એવા ઈશ્વર-આદરસૂચક ઉપાડવાળા, ભવાઈમાં પ્રયોજાતા દોહરામાંથી સાંપડ્યું હતું તે હકીકત સુવિદિત છે. અલબત્ત, ગુજરાતી રંગભૂમિ એના પ્રારંભકાળે ભવાઈની ઋણી છે તો, સમાન્તર રીતે એ જ તબક્કામાં તે પાશ્ચાત્ય રંગભૂમિ સાથે પણ સંકળાઈ છે. ભારતમાં વેપાર મિશે આવેલી પોર્ટુગીઝ પ્રજાએ સોળમી સદીના પૂર્વાર્ધમાં મુંબઈ અને દીવ ટાપુઓ પર પોતાનું શાસન સ્થિર કર્યું એ અરસામાં (૧૫૩૪)માં દીવ ટાપુની આસપાસના સૌરાષ્ટ્રના કંઠાળ-પ્રદેશમાં વસતી ગુજરાતી પ્રજાનાં કોઠા-ડહાપણ અને વેપારી-કુનેહથી પ્રભાવિત થઈ તેની સાથે પરિચય કેળવવા અને સંબંધ બાંધવાના નામે પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે, વેપારીઓ સાથે આવેલા પાદરીઓની મદદથી મહારાષ્ટ્ર પ્રદેશના લોકનાટ્ય તમાશા અને પાશ્ચાત્ય નાટ્યશૈલીનું મિશ્રણ કરીને ‘યેસૂ મસીહાકા તમાશા’ નામના ખેલની ભજવણી કરી હતી. આ તમાશાને ગુજરાતમાં ગુજરાતી, મરાઠી, હિન્દુસ્તાનીના ત્રિવિધ ભાષામિશ્રણથી તેમજ ચીતરેલા પરદા, વેશભૂષા, રંગભૂષા ઇત્યાદિ ઉપકરણ સંદર્ભે પાશ્ચાત્ય રંગભૂમિ તરેહની સૌપ્રથમ નાટ્ય-રજૂઆત ગણવામાં આવી છે. ચાર્લ્સ બીજાના લગ્ન નિમિત્તે પોર્ટુગીઝ પ્રજા પાસેથી દહેજમાં મળેલાં મુંબઈ ટાપુના સર્વાંગી વિકાસ માટે તેમજ લશ્કરી છાવણીમાં રહેતા બ્રિટિશ સૈનિકોના મનોરંજન માટે ૧૭૫૦ના અરસામાં ૪૫૦ બેઠકો ધરાવતા ‘બોમ્બે થિયેટર’ની સ્થાપના અંગ્રેજ હકૂમત દ્વારા થાય છે. પરંતુ નિયમિત શો ન થઈ શકવાના કારણે ખોટનો ધંધો સાબિત થતાં તેનું જાહેર લિલામ કરાયું. બોમ્બે થિયેટરની નાટ્યપ્રવૃત્તિએ સ્થાનિક મરાઠી, ગુજરાતી, પારસી તથા હિન્દુસ્તાની પ્રજાને નાટ્યકલા અને પ્રવૃત્તિ તરફ અભિમુખ કરી હતી. જેના પરિણામે જમશેદજી જીજીભાઈ તથા જગન્નાથ શંકરશેઠના પ્રયત્નોથી ગ્રાંટરૉડ પર ‘રોયલ થિયેટર’ બંધાયું જે પણ ખોટમાં જતાં જગન્નાથ શેઠ દ્વારા ખરીદાઈને ‘શંકર શેઠની નાટકશાળા’ રૂપે હિન્દી માલિકીના સર્વપ્રથમ થિયેટર તરીકે કામ કરવા લાગ્યું. આ દરમ્યાન પારસી યુવાનોએ સ્થાપેલી ‘યંગ બૉમ્બે’ના નામે ઓળખાતી ‘નાટક ટોળી’ (નાઈટકલબ)એ ફરામજી ગુસ્તાદજી દલાલ, પેસ્તનજી ધનજીભાઈ માસ્તર અને માણેકજી હોરમસજી બારભાયા જેવા નાટ્યશોખીન લોકોની મદદથી નાટ્યપ્રવૃત્તિ આરંભી અને એ રીતે ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો આરંભ થયો. આ મંડળીઓ આરંભે ફિરદૌસીકૃત ‘શાહનામા’ના છૂટક પ્રસંગો તથા પછીથી શેક્સપિયરની નાટ્યકૃતિનાં ઉર્દૂ-ગુજરાતી રૂપાન્તરો ભજવતી હતી. પારસી પ્રજાની, નાટ્યપ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને સંસ્કાર તથા સમગ્ર સમાજજીવનનો વિકાસ કરવાની ખેવનાથી પ્રેરાઈને પ્રજા તથા ભાષાભેદ ભૂલીને ગુજરાતી-મરાઠી લોકોએ પણ સાંગલીકર નાટક મંડળી, મુંબઈકર નાટક મંડળી, અમરચંદ વાડીકર નાટક મંડળી સ્થાપી અને ‘રાજા ગોપીચંદ અને જલંધર’, ‘દશાવતાર’, ‘હરિશ્ચન્દ્ર’, ‘કૃષ્ણજન્મ’, ‘રુકમણીસ્વયંવર’, ‘વિક્રમચરિત્ર’, ‘ગોપીચંદ આખ્યાન’, ‘રોમિયો જૂલિયેટ’, ‘અતિલોભે સરવ જાય’, – જેવાં નાટકો ભજવ્યાં. અલબત્ત, આ સઘળા નાટ્યપ્રયોગો કાં તો પારસી પ્રચલિત ગુજરાતીમાં અથવા હિન્દુસ્તાની-ઉર્દૂમિશ્રિત ગુજરાતી ભાષામાં થતા હતા. આ અરસામાં ગુજરાતી શાળાના શિક્ષક મહેતાજી નરોત્તમે, પારસીઓ નાટક કરે, દખણીઓ નાટક કરે તો, ગુજરાતીઓ પણ નાટક કેમ ન કરે, એવી ધૂનથી, ‘નાટક ઉત્તેજક મંડળી’ના માલિક ફરામજી દલાલની મદદ માગીને નાટકનો શો રાખવાનું નક્કી કર્યું. પરંતુ ફરામજીએ કશી મદદ કરવાને બદલે ઉદ્ધતાઈથી જવાબો આપ્યા એટલે સૌ મહેતાજીઓએ ભેળા મળીને, “તું અને તારા પારહા અમારા હાથ નીચે ગુજરાતી શીખ્યા છો, એવા અમે ભાષાજ્ઞાનવાળા સમર્થ છીએ. અમે બહાર પડી જશું તો તારા બાર વાગી જશે” એવો જવાબ આપીને રણછોડભાઈ ઉદયરામની મદદ અને તાલીમ પામીને તા. ૬-૧-૧૮૭૮ના દિવસે રણછોડભાઈનું નાટક ‘લલિતાદુ:ખદર્શક’ ભજવીને ‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના કરી. પછીથી એ મંડળીએ ભજવેલાં નાટકોની સફળતાથી પ્રભાવિત થઈને નગીનદાસ કિનારીવાળાએ સ્થાપેલી ‘શ્રી આર્યસુબોધ નાટકમંડળી’(૧૮૭૮), પંડિત ગટુલાલ ઘનશ્યામદાસ સ્થાપિત ‘શ્રી નીતિદર્શક નાટકમંડળી’(૧૮૭૮) અને ‘સુબોધ નાટકમંડળી’, જેવી નાની-મોટી મંડળીઓ દ્વારા ગુજરાતી નાટ્યપ્રવૃત્તિને વેગ મળ્યો અને મુંબઈ બહાર પણ અમદાવાદ (ભારતભુવન, આનંદભુવન, શાંતિભુવન, માસ્ટરભુવન), સુરત (ક્વિન વિકટોરિયા થિયેટર, જ્યોર્જ, પ્રિન્સેસ, સૂર્યપ્રકાશ), જૂનાગઢ(વણઝારી, કાલવા), રાજકોટ (લક્ષ્મીભુવન), ગોંડલ (ભાગવત), પોરબંદર(શ્રીનાથજી), વડોદરા(મોરબી થિયેટર, વાંકાનેર, વિજયરંગ, રામવિજય) વગેરે શહેરોમાં નાનાં-મોટાં થિયેટરો બંધાયાં અને નાટ્યપ્રવૃત્તિનો પ્રસાર થયો. સૌરાષ્ટ્રમાં નાટકયાત્રા કરતી ‘સાંગલીકર નાટક મંડળી’નાં નાટકોથી પ્રભાવિત થયેલા મોરબી રાજ્યના ટ્યુટર વાઘજી આશારામ ઓઝાએ તેમના રાજવીને નાટકો દ્વારા પ્રજામાં સારા સંસ્કાર રેડી શકાવાની સંભાવના દર્શાવીને રાજ્યાશ્રય મેળવી એના નાના ભાઈ મૂળજી આશારામ તથા અન્ય જ્ઞાતિબંધુઓની મદદથી ૧૮૭૮માં ‘આર્ય સુબોધ નાટક મંડળી’ની સ્થાપના કરી. એની સફળતાથી પ્રેરાઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧૮૭૮થી ૧૮૯૦ સુધીમાં ‘વાંકાનેર આર્યહિતવર્ધક નાટકમંડળી’, ‘દ્વારકા નૌત્તમ મંડળી’, ‘હળવદ સત્ય સુબોધ નાટકમંડળી’, દેશી નાટક સમાજ’, ‘વાંકાનેર વિદ્યાવર્ધક નાટકમંડળી, પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટકકંપની’ જેવી નાટ્યશાળાઓ સમી નાટ્યસંસ્થાઓ સ્થપાઈ અને સ્થિર થઈ. આ નાટ્યમંડળીઓનાં નામમાંનાં આર્યહિતવર્ધક, સત્યસુબોધ, વિદ્યાવર્ધક, ભક્તિપ્રદર્શક – જેવાં વિશેષણોથી, નાટ્ય ભજવણી દ્વારા સિદ્ધ કરવાનાં તેમનાં લક્ષ સ્વયંસ્ફુટ થાય છે. ભવાઈની રજૂઆતમાં પ્રવેશી ગયેલી અભદ્રતાને કારણે તેની ભજવણી ભાંગી પડતાં, અભિનયનો પોતાનો પેઢીપુરાણો જ્ઞાતિધંધો ગુમાવી બેઠેલા, ઉત્તર ગુજરાતની નાયક-તરગાળા જ્ઞાતિના બેકાર પણ નાટ્યકલાના માહેર માણસોનો સાથ આ નાટકમંડળીઓને અનાયાસ મળી રહ્યો હતો. આ સમયને ગુજરાતી રંગભૂમિનો સુવર્ણકાળ કહી શકાય. ‘લલિતાદુ:ખદર્શક’થી આરંભાયેલા આ તબક્કાનાં નાટકોનાં વિષયવસ્તુ ક્રમશ: પૌરાણિક અને ઐતિહાસિક મટતાં જઈને વધુ ને વધુ સામાજિક થતાં જાય છે. એમ થવાનાં નાનાવિધ કારણો પૈકી એક કારણ નાટ્યલેખક તરીકે ગુજરાતી ભાષાના વિદ્વાનલેખકોની નાટક અને રંગભૂમિ ક્ષેત્રની સક્રિયતા વધે એ પણ હતું. રણછોડભાઈ ઉદયરામ, દોલતરામ પંડ્યા, મણિલાલ નભુભાઈ, નથુરામ સુંદરજી, ડાહ્યાભાઈ ધોળશાજી, મૂળશંકર મુલાણી, કવિ જામન, કવિ ચિત્રકાર ફૂલચંદભાઈ શાહ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, મણિલાલ પાગલ, પ્રભુલાલ દ્વિવેદી, નૃસિંહ વિભાકર, કવિ ગૌરીશંકર વૈરાટી વગેરે નાટ્યલેખકોની કલમે લખાયેલાં ‘કામલતા’, ‘સૌભાગ્યસુંદરી’, ‘સ્નેહસરિતા’, ‘દેવકન્યા’, ‘નરસિંહ મહેતા’, ‘વસંતપ્રભા’, ‘મધુવેલ’, ‘ઉદયભાણ’, ‘સ્નેહમુદ્રા’ ‘શ્રુંગીઋષિ’, ‘માલિવિકાગ્નિમિત્ર’, ‘મૂળરાજ સોલંકી’, ‘કરણ ઘેલો’ જેવાં નાટકોએ ગુજરાતી રંગભૂમિને સાહિત્યિક ઓપ આપ્યો હતો. આ સમય દરમ્યાન અભિનય અને સંગીત તથા સાહિત્ય એમ ત્રિવિધ કલાઓના સમન્વયથી નાટ્યપ્રવૃત્તિ સમૃદ્ધ થઈ હતી. વીસમી સદીના આરંભ સુધી ગુજરાતી પ્રજાની સામાજિક સ્થિતિ અનુસાર નાટકમાંનાં સ્ત્રીપાત્રો પુરુષઅભિનેતાઓ દ્વારા જ ભજવાતાં અને એમનો એ પાત્રોમાં અભિનય એવો તો હૂબહૂ થતો કે (જયશંકર ભૂધરદાસ ભોજકે ‘સૌભાગ્યસુંદરી’ નાટકમાં સુંદરીનું પાત્ર એવા ઓતપ્રોત થઈને ભજવ્યું કે એમના પૂરા નામમાંથી પિતાનું નામ અને અટક બાદ થઈ ગયાં ને પાત્રનું નામ ‘સુંદરી’ જોડાઈ ગયું) મુંબઈના શ્રેષ્ઠીવર્ગની સ્ત્રીઓ કેશસજ્જા અને વેશભૂષા માટે ‘સુંદરી’ની સલાહ-મદદ લેતી. સ્ત્રી-પાત્રોનો અભિનય કરીને પ્રસિદ્ધિ પામનારા આવા અભિનેતાઓમાં જયશંકર ‘સુંદરી’ ઉપરાંત પ્રભાશંકર ‘રમણી’, ત્રિકમ ‘કુમુદ’, સોમનાથ ‘કલ્યાણી’, ભોગીલાલ ‘માલતી’, અંબાલાલ ‘ચાંદબીબી’, રણછોડ ‘જમના ઝાપટે’ તેમજ આણંદજી પંડ્યા ઉર્ફે ‘કાઠિયાવાડી કબૂતર’નાં નામ ઉલ્લેખનીય છે. સમય જતાં, રંગભૂમિનો પ્રભાવ વધતાં અને સંકુચિતતા દૂર થતાં ગૌહરજાન, મુન્નીબાઈ, મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, સરસ્વતીદેવી, શાલિની, રામપ્યારી, મહેશ્વરી, રૂપકમલ, શારદા, રાણી પ્રેમલતા અને કુસુમ ઠાકર જેવી, નાટ્ય-અભિનય માટે પહેલ કરનારી અભિનેત્રીઓ પણ મળી આવી. આ પરિવર્તનને કારણે સ્ત્રીકંઠ સાંપડતાં નાટકનો સંગીતપક્ષ વધુ સંગીન બન્યો. રંગભૂમિના આ ઉત્કર્ષના તબક્કામાં નાયક – તરગાળા, શ્રીમાળી ઔદિચ્ય બ્રાહ્મણ, પટેલ, મીર-મુસલમાન, બારોટ અને પારસી જ્ઞાતિ-જાતિના જે ચુનંદા કલાકારોએ નાટ્યકલાને માત્ર વ્યવસાય નહીં પરંતુ શોખ તરીકે સ્વીકારી અને પ્રેમભક્તિપૂર્વક ઉપાસી એ સૌમાં વાઘજી આશારામ, મૂળજી આશારામ, ત્રંબકલાલ રાવલ (મોટો ત્રંબક), ત્રંબકલાલ ત્રવાડી (નાનો ત્રંબક), દયાશંકર, જયશંકર ‘સુંદરી’, જેઠાલાલ, દામોદર ઘીવાળો, ગોવલો, દલસુખ, ગવૈયો ચિમનિયો (ચિમનલાલ બેરિસ્ટર), મૂળચંદ મામા, કેશવલાલ કપાતર, બાપુલાલ નાયક, ભગવાનદાસ, મોહનલાલ, અશરફખાન, માસ્ટર શનિ, પ્રાણલાલ એડિપોલો, કાસમ મીર, ફત્તુજી મીર, લાલજી નંદા, છગન રોમિયો, સૂરજરામ (સ્પેશ્યલ સુંદરી), મૂળજી ખુશાલ, અલિ દાદન, ચીમનલાલ ભોજક વગેરે અલગ તરી આવે છે. આ સમયગાળામાં ભજવાયેલાં નાટકોએ ગુજરાતી પ્રજા પર કેવો પ્રભાવ સરજ્યો હતો તેનો અંદાજ, ધોતિયાની કોર પર વણાટની કિનારીને બદલે ‘મને સહાય કરશે મોરારિ રે!’ જેવું નાટકથી પ્રસિદ્ધ થયેલું ગીત મુકાય, ‘ભર્તૃહરિ’ નાટક જોઈને બે-ચાર યુવાનો ઘર-કુટુમ્બ છોડીને ભેખ લઈ લે, ‘શ્રુંગીઋષિ’ નાટક જોવા આવનારા પ્રેક્ષકોથી ભરાઈ જતી ‘મુંબઈ લોકલ’નું નામ ‘શ્રુંગીઋષિ લોકલ’ થઈ જાય, સુરત-મુંબઈ વચ્ચે, નાટકોના શોના સમય અનુસાર ખાસ ટ્રેન દોડાવાય તેમજ ચાલુ ટ્રેનના સમય બદલવામાં આવે કે મોતી બહેચર નંદવાણાની નાટક કંપની ‘આર્ય સમાજ’ સ્પેશ્યલ ટ્રેન કરીને કરાંચીની નાટકયાત્રા કરે – એવી ઘટનાઓથી આવી શકે. પરંતુ ગુજરાતી રંગભૂમિનો આ સુવર્ણકાળ બહુ લાંબો સમય ટક્યો નથી. નાટ્યકલાનાં વ્યવસ્થિત તાલીમકેન્દ્રો બની રહીને સમગ્ર નાટ્યકલા પ્રવૃત્તિની ખેવના કરતી નાટ્યકંપનીઓ ક્રમશ: તેના માલિકોની સંપત્તિલાલસા, સટ્ટાખોરી, એશોઆરામપ્રિય જિંદગી, લોકપ્રિય અભિનેતાઓનું નાટ્યલેખકો ઉપરનું, એમને ફાળે આવતાં પાત્રોને વિશેષ મહત્ત્વ અપાવવા માટેનું વધતું જતું વર્ચસ્, કિફાયતી અને સર્વસુલભ મનોરંજન તરીકે ફિલ્મકળાનું વધતું જતું પ્રચલન ને પ્રજાના બહુ મોટા વર્ગનાં બદલાઈ રહેલાં રસરુચિ તેમજ રમણભાઈ નીલકંઠ અને ન્હાનાલાલ કવિ જેવા એ સમયના પ્રતિષ્ઠિત ગણાતા નાટ્યસર્જકો દ્વારા, એમની નાટ્યકૃતિઓમાં મંચનક્ષમતાની દૃષ્ટિએ જરૂરી એવાં પરિવર્તનો ન કરવાનું દાખવાયેલું વલણ – જેવાં એકાધિક કારણોસર તૂટતી ગઈ અને પરિણામે ન નવી નટપેઢી કેળવાઈ કે ન સમાજની માંગ મુજબનાં નાટકો લખાયાં કે ભજવાયાં. આ પરિસ્થિતિમાં પણ ગુજરાતી રંગભૂમિની પ્રવૃત્તિ નામશેષ ન થઈ તેનું શ્રેય વ્યાવસાયિક રંગભૂમિ દ્વારા ભજવાયેલાં ઉત્તમ નાટકો જોઈને નાટ્યરસિક બનેલી શિક્ષિત યુવાન પેઢીને મળવું જોઈએ. ધંધાદારી રંગભૂમિની કથળેલી હાલત જોઈને ચન્દ્રવદન મહેતાએ ‘આ સડી ગયેલી રંગભૂમિનો મૃત્યુઘંટ વગાડવો જ જોઈએ’ – એવી જેહાદ કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાજિકમંડળો અને જ્ઞાતિમંડળોમાં નાટ્યપ્રવૃત્તિ કરનારા યુવાનોમાં પોતાનાં પ્રવચનો દ્વારા જગાવી. આના સીધા પરિણામરૂપે અવેતન રંગભૂમિની પ્રવૃત્તિના પ્રારંભરૂપે ‘અખો’ નાટક ભજવાયું (૧૯૨૭). મુંબઈમાં આ જેહાદને ઝીલી લઈને મુંબઈ-ભટ્ટીસેવા સમાજે કવિ જામનનાં ‘વીસમી સદી’, ‘વિનાશપંથે’, ‘કાળી વાદળી’ જેવાં નાટકો ભજવ્યાં. આ ઉપરાંત, મૂળરાજ કાપડિયા દ્વારા ‘નૂરુલા સેવાસમાજ’ના ઉપક્રમે ‘સુંદરશ્યામ’ અને ‘ગ્રેજ્યુએટ’ એ બે નાટકો અવેતન રંગભૂમિ પર ભજવાયાં તથા પ્રાગજી ડોસા અને બાબુભાઈ મર્ચેન્ટે પણ ‘નેપોલિયન’, ‘સમયનાં વહેણ’, ‘સ્નેહબંધન’ જેવાં નાટકો ભજવ્યાં. અલબત્ત, આ નાટકો જૂની પરંપરા અનુસાર અને બહુધા જ્ઞાતિઓના મેળાવડા કે વસાહતોનાં સ્નેહમિલનો તેમજ સામાજિક કાર્ય માટેનાં રાહતફંડ ઉઘરાવવાના આશયથી નાનાં નાનાં જૂથો દ્વારા ભજવાતાં હતાં. અવેતન રંગભૂમિનો ઉદ્ભવ જ્ઞાતિમંડળોનાં મેળાવડામિલનોના નિમિત્તે થયો છે તો, તેનો વિકાસ કૉલેજોમાં થતી નાટ્યપ્રવૃત્તિ નિમિત્તે થયો છે. જે યુવાનો પોતાની જ્ઞાતિ, વસાહત કે અન્ય સંસ્થાઓ માટે નાટક ભજવતા હતા એ જ યુવાનો કૉલેજમાં ઉજવાતા વાર્ષિકોત્સવ નિમિત્તે નાટ્યપ્રવૃત્તિ કરતા હતા. કૉલેજોમાં યોજાતી ટેલેન્ટ ઇવનિંગમાં રજૂ થતાં નાટકોનું ધોરણ સુધરે એવા હેતુથી ૧૯૫૩માં ભારતીય વિદ્યાભવનમાં કલાકેન્દ્રની સ્થાપના થાય છે. અને આંતરકૉલેજ નાટ્યસ્પર્ધા આરંભાય છે. અલબત્ત, આ પૂર્વે ૧૯૪૩માં ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન) અને આઈ.એન.ટી. (ઇન્ડિયન નેશનલ થિયેટર)ની સ્થાપના થઈ ચૂકી હતી. જેણે સામાજિક પ્રતિબદ્ધતાપૂર્વક નાટ્યપ્રવૃત્તિ કરીને એક જુવાળ પેદા કર્યો હતો. દર વર્ષે યોજાતી આંતરકૉલેજ નાટ્યસ્પર્ધાએ દિગ્દર્શક, અભિનેતા અને નેપથ્યે રહી કસબ દાખવતા કસબી કલાકારોની નવી પેઢીને ઉછેરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. ચન્દ્રવદન ભટ્ટ, રસેશ જમીનદાર અને ગિજુભાઈ વ્યાસનાં પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતાં ગુજરાતી રંગભૂમિ પ્રાસંગિક પ્રવૃત્તિ ન રહેતાં રંગમંચ, કલાકેન્દ્ર, રંગભૂમિ, કલાક્ષેત્ર, સંગમ, રંગરંજન, સ્ટેટબેંક, જયહિન્દ કૉલેજ જેવી નાની-મોટી નાટ્યસંસ્થાઓ દ્વારા ‘દર રવિવારે સાંજનો શો’નું સાતત્ય દાખવીને સ્થિર બને છે. ૧૯૫૫માં મુંબઈરાજ્ય દ્વારા નાટ્યસ્પર્ધા યોજાવા લાગે છે અને મુંબઈ ઉપરાંત ગુજરાતનાં અમદાવાદ (રંગમંડળ, નટમંડળ, દર્શનરૂપકસંઘ રાષ્ટ્રીયનાટ્યસંઘ, લોકનાટ્યસંઘ, સેવાદળ સંસ્કાર વિભાગ, ગુજરાત કૉલેજ, એચ.એલ.કોમર્સ કૉલેજ, હ.કા.આર્ટ્સ કૉલેજ), સુરત(કલાક્ષેત્ર, એમ.ટી.બી. કૉલેજ, કલાનિકેતન, રાષ્ટ્રીય કલાકેન્દ્ર), વડોદરા(મ.સ.યુનિ. નાટ્ય વિભાગ, કલાકેન્દ્ર, ત્રિવેણી, બરોડા યુનિયન એમેચ્યોર્સ, ગુજરાત કલાસમાજ, ગુજરાત કલામંડળ, નવયુગ કલાનિકેતન, સુભાષ કલામંદિર, રંગમંડળ, લાડવાડા, વ્યાયામમંદિર), રાજકોટ (તરુણ કલોપાસકમંડળ, સૌરાષ્ટ્ર કલારસોત્સવ, સૌરાષ્ટ્ર સંગીતનાટક અકાદમી, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર) તથા નવસારી, નડિયાદ, રતલામ, ગોધરા, જામનગર, ડભોઈ અને ભાવનગર જેવાં શહેરોમાં નાટ્યપ્રવૃત્તિ પગભર થઈ સુસ્થિર થાય છે. અવેતન રંગભૂમિ દ્વારા રમણભાઈ નીકલંઠ, ચન્દ્રવદન મહેતા, ક. મા. મુનશી, ર.વ.દેસાઈ, રસિકલાલ પરીખ, પન્નાલાલ પટેલ, પ્રાગજી ડોસા, ગુણવંતરાય આચાર્ય, શરદબાબુ, ઝવેરચંદ મેઘાણી, જ્યોતીન્દ્ર દવે, મનુભાઈ પંચોળી ‘દર્શક’, શિવકુમાર જોશી જેવા નાટ્યલેખકો – નવલકથાકારની ‘રાઈનો પર્વત’, ‘અખો’, ‘આગગાડી’, ‘શેતલને કાંઠે’, ‘નાગાબાવા’, ‘આરાધના’, ‘મૂંગી સ્ત્રી’, ‘પ્રેમનું મોતી’, ‘કાકાની શશી’, ‘સ્નેહસંભ્રમ’, ‘બે ખરાબ જણ’, ‘પુત્ર સમોવડી’, ‘લોપામુદ્રા’, ‘મળેલા જીવ’,‘ સમયનાં વહેણ’, ‘સટ્ટાના છંદ’, મોહબંધન’, ઘરનો દીવો’, ‘શંકિત હૃદય’, ‘ભારેલો અગ્નિ’, ‘મેનાગૂર્જરી’, ‘અલ્લાબેલી’, ‘વેવિશાળ’, ‘વિષપાન’, ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘પરિત્રાણ’, ‘સુમંગલા’, ‘માઝમરાત’ જેવાં મૌલિક નાટકો ભજવાયાં. તો, હંસી (વાઈલ્ડ ડક), ઢીંગલીઘર (ડૉલ્સ હાઉસ), અમલદાર (ઇન્સપેક્ટર), પલ્લવી પરણી ગઈ/બેપ્સી બહાર પડી (જેન સ્ટેપ્સ આઉટ), લોકશત્રુ(એનિમિ ઑવ પીપલ), ઉરુભંગ, રંગીલો રાજ્જા, ભગવદ્જુકીયમ્, મુદ્રારાક્ષસ, કોઈનો લાડકવાયો (ઑલ માય સન્સ), પિતૃદેવોભવ (ફાધર), ધુમ્મસ (સાઈન પોસ્ટ ટુ મર્ડર), તખતો બોલે છે (સિક્સ કેરેકટર્સ ઇન સર્ચ ઑફ એન ઑથર), મસ્તરામ (હાર્વી), ચિરકુમારસભા, મહાપાપી, મહાભીરુ (ડેવિલ્સ ડિસાઈપલ્સ), અગનખેલ (શાંતતા કોર્ટ ચાલુ આહે), વિરાજવહુ, બિન્દુનો કીકો અને રામની સુમતિ જેવાં ભારતીય તેમજ વિદેશી ભાષાની સમર્થ નાટ્યકૃતિઓનાં રૂપાન્તરો પણ ભજવાયાં. આ રૂપાન્તરો નિમિત્તે ગુજરાતી રંગભૂમિને જયંત પારેખ, મધુ રાય અને સિતાંશુ યશશ્ચન્દ્ર જેવા સર્જકોનો સહયોગ સાંપડે છે. આ તબક્કામાં નાટ્યપ્રવૃત્તિ સાથે સંકળાયેલાં દિગ્દર્શક અભિનય, સંગીત, ધ્વનિ, પ્રકાશ અને સંનિવેશ જેવાં નાટકનાં સઘળાં પાસાંઓમાં ઝડપી પરિવર્તનો થયાં અને નાટ્યનિર્માણ (પ્રોડ્કશન) તથા નાટ્યરજૂઆત (પ્રેઝન્ટેશન) ઉભયપક્ષે ખાસ્સો વિકાસ સધાયો. જેના અવિનાભાવિ પરિણામે ગુજરાતમાં રંગકર્મીઓનો એક વિશાળ વર્ગ ઊભો થયો જેમાં કવિ જામન, રત્નસિંહ મામા, સુંદરલાલ, પ્રાગજી ડોસા, ક.મા.મુનશી, ચન્દ્રવનદ મહેતા, ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે, ચન્દ્રવનદ ભટ્ટ, નીરુ દેસાઈ, જયંતિ દલાલ, ચીનુભાઈ પટવા, હંસાબહેન મહેતા, ર. વ. દેસાઈ, જશવંત ઠાકર, માર્કન્ડ ભટ્ટ, બંકુ લાલા, ભાનુભાઈ આર્ય, વજેન્દ્ર વ્યાસ, ચંદુ દરુ, શિવપ્રસાદ લાલા, વજુભાઈ ટાંક, રતન માર્શલ, હકુમત દેસાઈ, જ્યોતિ વૈદ્ય, રમણલાલ યાજ્ઞિક, ડી.પી.જોશી, હરકાન્ત શુક્લ, ગિજુભાઈ વ્યાસ, જયશંકર માસ્તર, હરસુખ કિકાણી, મધુકર રાંદેરિયા, ભારતી શેઠ, હંસા પારેખ, કૃષ્ણા શાહ, અદી મર્ઝબાન, જ્યંત વ્યાસ, પ્રવીણ જોશી, પ્રતાપ સાંગાણી, મીરાં તોલાટ, કાન્તિ મડિયા, પૂર્ણિમા ભટ્ટ, વિષ્ણુકુમાર વ્યાસ, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ જોશી, વર્ષા અડાલજા, પ્રદ્યુમ્ન બધેકા, વીણા પ્રભુ, લાલુ શાહ, નારાયણ રાજગોર, અરવિંદ ઠક્કર, મહેન્દ્ર પાઠક, દામિની મહેતા, કૈલાસ પંડ્યા, શિવકુમાર જોશી, પ્રાણસુખ નાયક, કલા શાહ, બાબુ પટેલ, વિજય કાપડિયા, મોહન વકીલ, નગીન રાજપૂત, તરલા મહેતા, સુવર્ણા કાપડિયા, ગૌતમ જોશી, ગોવર્ધન પંચાલ, છેલ-પરેશ વગેરે ઉલ્લેખનીય છે. ૧૯૭૪માં આઈ.એન.ટી. દ્વારા આંતરકૉલેજ નાટ્યસ્પર્ધાનો આરંભ થાય છે. આ સ્પર્ધા દ્વારા પોષાયેલી નાટ્યપ્રવૃત્તિથી સુરેશ રાજડા, શફી ઇનામદાર, લક્ષ્મીકાન્ત કર્પે જેવા દિગ્દર્શકો તથા પરેશ રાવલ, મુકેશ રાવલ, ઉત્કર્ષ મજમુદાર, સિદ્ધાર્થ રાંદેરિયા, ટીકુ તલસાણિયા, ડેઈઝી ઈરાની, લતેશ શાહ અને હોમી વાડિયા જેવા કલાકારો નીપજી આવ્યા છે. મુંબઈમાં ચન્દ્રવદન ભટ્ટ, અદી મર્ઝબાન, જગદીશ શાહ, વિજયદત્ત, લાલુ શાહ, પ્રવીણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, શૈલેશ દવે, કાંતિ મડિયા જેવા પ્રયોગશીલ નાટ્યકારો આઈ.એન.ટી, નાટ્યસંપદા, બહુરૂપી, કલાકેન્દ્ર, રંગભૂમિ, રંગમંચ જેવી નાટ્યસંસ્થાઓ દ્વારા ‘મીન પિયાસી’, ‘મોગરાના સાપ’, ‘શ્યામ ગુલાબ’, ‘કોઈનો લાડકવાયો’, ‘ચંદરવો’, ‘તિલોત્તમા’, ‘અગનખેલ’, ‘ધુમ્મસ’, ‘કુમારની અગાશી’, ‘સંતુ રંગીલી’, ‘વૈશાખી કોયલ’, ‘ખેલંદો’,‘ થેંક યૂ મિસ્ટર ગ્લાડ, ‘દીદી’, બહોત નાચ્યો ગોપાલ’, ‘ઘૂંઘટપટ’, ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘માંડવાની જૂઈ’, ‘કોઠાની કબૂતરી’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સુવર્ણરેખા’, ‘તખતો બોલે છે’, ‘વેવિશાળ’, ‘અભિનય સમ્રાટ’, ‘પારિજાત’, ‘નોખી માટીનાં નોખાં માનવી’, ‘આંખની અટારી સાવ સૂની’, ‘અમે બરફનાં પંખી’, ‘મૂઠી ઊંચેરાં માનવી’, ‘દુનિયાને ઊંઘાં ચશ્માં’, ‘કોઈપણ ફૂલનું નામ’, ‘તોખાર’, ‘આ માણસ મદ્રાસી લાગે છે’, જેવાં પરંપરા અને પ્રયોગધર્મિતાનો સુમેળ સાધનારાં સફળ નાટકો ભજવે છે. આ જ અરસામાં અમદાવાદમાં મધુરાયના નેતૃત્વમાં આદિલ મન્સૂરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, ઇન્દુ પુવાર, રમેશ શાહ, કૈલાસ પંડ્યા, દામિની મહેતા, સરૂપ ધ્રુવ, દીવા પાંડેય વગેરે સાહિત્યકારો તથા નાટ્યકર્મીઓ ‘આકંઠ સાબરમતી’ નામની અવિધિસરની સંસ્થા તળે એકઠાં થઈને ‘લીલા નાટ્ય’ નિમિત્તે નવું નાટક શોધવાની પ્રયોગધર્મી મથામણ કરે છે. નાટ્યલેખક દ્વારા દિગ્દર્શક અને અભિનેતાઓ સમક્ષ સંભવિત નાટકના વિષયવસ્તુની રજૂઆત થયા પછી સહિયારા પ્રયત્ન રૂપે ભૂલસુધાર શૈલીથી નાટ્યઆલેખન અને મંચન ઉભય કામ સમાન્તર રીતે થાય અને એ રીતે નાટક ભજવાય અને એ ભજવણી પરથી નાટક લખાય તો જ નાટ્યલેખન અને મંચનના પ્રશ્નોનું નિરાકરણ શક્ય બને – એવી સમજથી ‘આકંઠ સાબરમતી’માં નાટકની કાર્યશાળા ચાલી. એના સીધા પરિણામ રૂપે ‘પેન્સિલ, કબર અને મીણબત્તી’, ‘ડાયલનાં પંખી’, ‘તિરાડ’, ‘પીળું ગુલાબ અને હું’, ‘હું પશલો છું’, ‘જડબે સલાક રામે જાંબું’, ‘ટીલડી’, બાથટબમાં માછલી’, ‘હું, ઉંદર અને જદુનાથ’ જેવાં નાટકો રચાયાં અને ભજવાયાં. આકંઠની પ્રવૃત્તિ મધુ રાય વિદેશ જતાં ઓસરે છે પરંતુ ઇન્દુ પુવાર વિશેષત: બાલનાટ્યપ્રવૃત્તિ કરતા રહે છે. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના સ્નાતક ભરત દવે અને રાજુ બારોટ, એચ. કે. આર્ટ્સ કૉલેજના નાટ્ય વિભાગની નીપજ સમા અરવિંદ વૈદ્ય, નિમેષ દેસાઈ, ગોપી દેસાઈ રશિયન નાટ્યજગતના અનુભવોથી સમૃદ્ધ હસમુખ બારાડી જેવા નાટ્યકર્મીઓએ અમદાવાદમાં નાટ્યપ્રવૃત્તિ આગળ વધારતાં, ‘હું તું અને રતનિયો’, ‘અંધાયુગ’, ‘મુક્તધારા’, ‘માનવીની ભવાઈ’, ‘અંતિમ અધ્યાય’, ‘બકરી’, ‘ઢોલીડો’, ‘મર્મભેદ’, ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા’ જેવાં નાટકો આપ્યાં છે. વડોદરામાંથી આ તબક્કામાં ‘ધરાગૂજર્રી’ ‘પરિત્રાણ’, ‘સિકન્દર સાની’ જેવાં નાટકો માર્કન્ડ ભટ્ટ અને યશવન્ત કેળકર દ્વારા મળે છે. વડોદરામાંથી પી.એસ.ચારી, મહેશ ચંપકલાલ, પ્રભાકર દાભાડે, રાકેશ મોદી સતત નવાં નાટકો ભજવતા રહ્યા છે. અમદાવાદમાં ‘બુટ્રેડી’ના ઉપક્રમે નાટ્યલેખન અને રંગકર્મના પ્રયોગો થાય છે. સૌમ્ય જોશી જેવા લેખક, દિગ્દર્શક અને અભિનેતાએ ગુજરાતી રંગભૂમિને નાટ્યકલા અને મૂલ્યો બેઉને જાળવીને લોકપ્રિય બનાવી છે. મનુષ્યે જેમ કથામાં પોતાના જીવાતા જીવનનું પ્રતિબિંબ પાડીને જીવનમીમાંસાના સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. એ જ રીતે નાટકમાં પણ એણે અત્યંત સંકુલશૈલીએ જીવનના ચઢાવઉતારનું આલેખન કર્યું છે અને રંગભૂમિ પર ભજવીને તટસ્થ ભાવે મૂલવવા મથતો રહ્યો છે. બંગાળી અને મરાઠી ભાષાનાં નાટક અને રંગભૂમિની તુલનાએ લગીર ઓછાં કલાત્મક ને વધુ વ્યાવસાયિક બની રહેતાં ગુજરાતી રંગભૂમિ અને નાટકે પોતીકી રીતે વિકસવાનું હજુ બાકી છે. ર.ર.દ.