ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રન્થસૂચિ
Revision as of 13:15, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગ્રન્થસૂચિ(Bibliography)'''</span>: આ સંજ્ઞા તેના મૂળ ગ્રી...")
ગ્રન્થસૂચિ(Bibliography): આ સંજ્ઞા તેના મૂળ ગ્રીક અર્થમાં પુસ્તક-લેખન(book-writing)ના અર્થમાં સત્તરમી સદીના અંત સુધી પ્રયોજાતી હતી. અઢારમી સદીથી આ સંજ્ઞા તેના આધુનિક અર્થમાં નિશ્ચિત વિષય કે સમયગાળાના, ચોક્કસ લેખક કે કોઈ એક શાસ્ત્ર અંગેના ગ્રન્થોની – તેના રચનાકાળ, આવૃત્તિ, મુદ્રણ, પ્રકાશન, કર્તાસહિતની પદ્ધતિસરની માહિતીવાળી – સૂચિના અર્થમાં પ્રયોજવામાં આવે છે. ગ્રન્થસૂચિ બે પ્રકારે તૈયાર થાય છે: ૧. માહિતીલક્ષી ગ્રન્થસૂચિ. ૨. મૂલ્યાંકનલક્ષી ગ્રન્થસૂચિ. પ્રથમ પ્રકારની સૂચિમાં ગ્રન્થ વિશેની ઉપલબ્ધ માહિતી પ્રાપ્ત થાય છે, બીજા પ્રકારની સૂચિ જે – તે પુસ્તકોની ગુણવત્તા નક્કી કરવામાં મદદરૂપ થાય છે. પ.ના.