ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગાથાનવલ
Revision as of 16:00, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)
ગાથાનવલ (Saga Novel, Roman Fleure) : મૂળે નોર્વેજિયન કે આઇસલેન્ડિક ઇતિહાસના મધ્યકાલીન લાંબાં ગદ્યનિરૂપણો અને શૌર્યપરાક્રમોનાં આલેખનોને લાગુ પડતી તેમજ કૌટુંબિક ગાથા, ઐતિહાસિક અને કાલ્પનિક ગાથા જેવા ત્રણેક પ્રકારોમાં વહેંચાતી આ સંજ્ઞા હવે વિશેષ અર્થમાં નવલકથાને લાગુ પડે છે. આ નવલકથા ‘રિવર નોવેલ’ કે ‘સ્ટ્રીમ નોવેલ’ તરીકે પણ ઓળખાય છે. એમાં રાજાઓ કે પ્રદેશોની શ્રેણીબદ્ધ કથાઓ હોય છે કે પછી લાંબા ખંડોમાં વિસ્તરેલી આખેઆખા કુટુંબકબીલાની કે જનસમૂહની કથા પણ હોય છે. ડી. એચ. લોરેન્સની ત્રણ પેઢીની કથા ‘ધ રેય્ન્બો’ કે કનૈયાલાલ મુનશીની સિદ્ધરાજ જયસિંહ વિશેની નવલત્રયી ‘(પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’) ગાથાનવલ છે. ગાથાનવલ બૃહન્નવલ તરીકે પણ ઓળખાય છે.
ચં.ટો.