ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગાંધીવાદ

Revision as of 16:01, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગાંધીવાદ : ગાંધીજીના જીવન અને દર્શનમાં પ્રાચીન અને અર્વાચીન, આચાર અને વિચાર, વ્યષ્ટિ અને સમષ્ટિ તથા નીતિ અને રાજનીતિનો એવો વિરલ સંગમ સધાયો છે કે તેની મીમાંસા કેવળ વાદ કે વિચારધારાની સીમાઓને ઓળંગી જાય. સતત આંતરખોજ, વિચારને અનુભવ, આચાર તથા અનુભૂતિની એરણ પર પારખીને અંતરાત્માના અવાજને અંતિમ ગણવાનું જીવનમાં કેન્દ્રસ્થાને રહ્યું હોવાથી ગાંધીજીએ સ્વયં ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ નથી તેવું એકાધિક વાર જણાવ્યું છે. ગાંધીદર્શનમાં સત્ય અને અહિંસાને મૂળભૂત તત્ત્વો લેખવામાં આવ્યાં છે અને તેની ભૂમિકા પ્રાચીન ભારતીય પરંપરા પર રચાયેલી છે. પરંતુ સત્ય એ જ પરમેશ્વર તથા સત્ય એ સાધ્ય અને અહિંસા સાધન – એવું સમીકરણ રચીને ગાંધીજીએ આ બન્ને તત્ત્વોનું સાયુજ્ય સત્યાગ્રહના શસ્ત્ર, શાસ્ત્ર અને સિદ્ધાન્તમાં સાધ્યું છે. આ સત્ય માટેનો અહિંસક આગ્રહ વ્યક્તિ લેખે ઉત્તરોત્તર આત્મશુદ્ધિ તરફ લઈ જાય અને સમુદાય વિશેષ લેખે સ્વરાજ્યપ્રાપ્તિ સુધી લઈ જાય એવું દિશાદર્શન તેઓની વિલક્ષણતા છે. સામ્રાજ્યવાદના મધ્યાહ્ને પીડિત અને શોષિત સમુદાય કે સમાજના અંગ લેખે તેમણે અન્યાય અને અત્યાચાર સામે સત્યાગ્રહને માર્ગે સતત પ્રસ્થાન કર્યું. આ પ્રસ્થાનમાં પ્રાચીન સિદ્ધાન્તોનું સમકાલીન અવતરણ સિદ્ધ થાય છે અને આમ ગાંધીજી કેવળ ‘વિચારક’ની નહીં પરંતુ આચારમાં વિચારને ચરિતાર્થ કરનાર તથા તેનું ભાષ્ય કરનાર આચાર્યની પરંપરામાં આગવું સ્થાન ધરાવે છે. ઓગણીસમી અને વીસમી સદીના સંધિકાળે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહની સાધના કરતાં કરતાં, છેક છેવાડાના માનવી સાથે તાદાત્મ્ય સાધ્યું અને ‘સર્વોદય’ની ભૂમિકા બાંધી. આ ગાળામાં પાશ્ચાત્ય ધર્મપરંપરાની સાથોસાથ થોરો, રસ્કિન અને તોલસ્તોય જેવા વિચારકો-સર્જકોથી અનુપ્રેરિત ગાંધીજીએ વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે, એકાંતિક આત્મશુદ્ધિ અને સામુદાયિક સ્વાતંત્ર્ય અને સ્વરાજ્યપ્રાપ્તિ વચ્ચે સેતુ રચ્યો. આમ પારલૌકિક તથા લૌકિક વચ્ચેની પ્રાચીન ભેદરેખા તો તેઓએ ભૂંસી નાખી. પરંતુ પોતાને સનાતની હિંદુ ગણાવી વર્ણાશ્રમધર્મનો મહિમા કર્યો તે તેમના જીવનકાળમાં જ વિવાદાસ્પદ મુદ્દો બની રહ્યો. એકબાજુ અસ્પૃશ્યતા સામે વ્યાપક આંદોલન અને બીજીબાજુ વર્ણધર્મનો આગ્રહ એ બન્નેની વચ્ચે જાણે કે પ્રતીતિજનક સેતુ રચાયો જ નહીં. ગાંધીજીએ પ્રાચીન તેમજ અર્વાચીન વિચારણામાંથી સંદોહક બનીને જે નવાં સમીકરણોની આત્મપ્રતીતિ કરી તે સઘળી પ્રક્રિયા પોતાની ભાષામાં સતત પ્રસ્તુત પણ કરી. આ પ્રસ્તુતિ મુખ્યત્વે માતૃભાષા ગુજરાતીમાં થઈ અને પરિણામે ગાંધીદર્શન કે ગાંધીવિચારના સીમાસ્થંભો ગુજરાતી ભાષાસાહિત્યનો અમૂલ્ય વારસો બની ગયાં. ગાંધીવિચારની આરંભિક કે બીજરૂપ પ્રસ્તુતિ ૧૯૦૮માં ગુજરાતીમાં લખાયેલા ‘હિંદ સ્વરાજ’માં છે અને મહામનોઘટનાશાળી જીવનનું આત્મવૃત્તાંત ‘સત્યના પ્રયોગો’માં શબ્દબદ્ધ બન્યું છે. આ બન્ને રચનાઓને કારણે ગુજરાતી ભાષા વીસમી સદીમાં વિશ્વના તખ્તા પર પ્રસ્થાપિત થઈ એ વિસરી શકાય એવું નથી. ગાંધીજીવન અને ગાંધીવિચાર બન્નેનું મૂર્તિમંત સ્વરૂપ એટલે ગાંધીજીએ સ્થાપેલા અને વિકસાવેલા શ્રેણીબંધ આશ્રમો. દક્ષિણ આફ્રિકામાં પહેલાં ‘ફિનિક્સ સેટલમેન્ટ’ અને પછી ‘તોલસ્તોય ફાર્મ’ તથા ભારતમાં સાબરમતીને કિનારે સત્યાગ્રહ આશ્રમ. દક્ષિણ આફ્રિકામાં સ્થપાયેલા બન્ને આશ્રમોની કથા ગાંધીજીના ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પુસ્તકમાં વણાયેલી છે અને ભારતમાં પ્રેરણાસ્રોત બનેલા આશ્રમની કથા ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’ પુસ્તક રૂપે તેઓની વિદાય પછી પ્રસિદ્ધ થયેલી છે. આ બન્ને રચનાઓ ગુજરાતીમાં આલેખાઈ તેમજ ગાંધીજીના જીવનકાળ દરમ્યાન સંકલિત ‘ગાંધીવિચારદોહન’ કિશોરલાલ મશરૂવાળાના શબ્દોમાં તેઓની સંમતિ સાથે પ્રસિદ્ધ થયું તેને કારણે એવું જરૂર કહી શકાય કે ગાંધીવિચારણાની મૂળ માંડણી ગુજરાતી ભાષામાં સ્થાપિત થયેલી છે. આત્મશુદ્ધિ અને સ્વદેશીના આગ્રહી ગાંધીજીએ ભાષાશુદ્ધિ ઉપર તથા અદના આદમીની ભાષામાં સર્જન ઉપર હંમેશાં ભાર મૂક્યો. પરિણામે ગુજરાતી ભાષામાં સર્વમાન્ય જોડણી શક્ય બની તથા સાહિત્યસર્જનમાં પાંડિત્યપૂર્ણ ભાષાનું સ્થાન સામાન્યજનની ભાષાએ લીધું એ ઘટનાઓ ઐતિહાસિક મહત્ત્વને વરી છે અને ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ તરીકે સર્વસ્વીકૃત બની છે. ગાંધીજીનો શબ્દ સાથેનો સંગાથ જીવનભર અનેક રૂપે અભિવ્યક્તિ પામ્યો છે. તેમનાં ભાષણો, વક્તવ્યો, લેખો, પત્રો, પત્રિકાઓ, પુસ્તિકાઓ આદિ મુખ્યત્વે ગુજરાતી તેમજ અંગ્રેજીમાં તેઓની બાનીમાં રહેલી સાદગી, વેધકતા અને માર્મિકતાને પ્રગટ કરે છે... ગાંધીજીના અક્ષરદેહના – સંપૂર્ણ વાઙ્મયના અનેકાનેક ગ્રન્થો અને એની ભાષા વિરલ વ્યક્તિત્વની જીવનકળાઓને કેવી રીતે ઝીલે છે અને કેવાં પરિણામો દાખવે છે તેના સાક્ષી બની રહ્યાં છે. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિના મહાઆંદોલનના મુખ્ય નાયક તરીકે ગાંધીજીની છાપ માત્ર દેશ ઉપર જ નહીં વિશ્વસમસ્તમાં, કહો કે વીસમી સદીના ઘડતર પર અંકાયેલી છે. આ છાપ અનેક રીતે અને અનેક સ્વરૂપે અંકિત થયેલી છે. ગુજરાત જન્મભૂમિ અને કર્મભૂમિ હતું તથા ગુજરાતી ભાષામાં તેઓની મુખ્ય અભિવ્યક્તિ હતી. એટલે ગુજરાત વિશે, ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે, ગાંધીનિરપેક્ષ વિચારણા માત્ર આજે જ નહીં, ભવિષ્યમાં પણ સાર્થક અને સંતર્પક નહીં ગણાય. અ.યા.