ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી કરુણપ્રશસ્તિ

Revision as of 16:28, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગુજરાતી કરુણપ્રશસ્તિ : કરુણપ્રશસ્તિ એ ઊર્મિકાવ્યનો જ એક પેટાપ્રકાર છે. બીજા અનેક પ્રકારોની માફક ગુજરાતીમાં કરુણપ્રશસ્તિનો પ્રયોગ પણ અંગ્રેજી સાહિત્યના સંપર્કને કારણે જ થયો છે. કોઈ વ્યક્તિના મૃત્યુસંદર્ભે રાજિયા કે મરશિયા ગાવાં એ ગુજરાતી લોકસાહિત્યની કંઠસ્થ પરંપરામાં પ્રચલિત છે, પરંતુ એમાં મરનારની ઉંમર પ્રમાણેનાં શોકગીતો એનાં એ જ રહે છે, માત્ર મૃતવ્યક્તિનું નામ બદલાય છે. એમાં અંગત લાગણીનો સ્પર્શ અને આગવું તત્ત્વચિંતન નહિવત્ હોય છે. આપણે જેને કરુણપ્રશસ્તિ તરીકે ઓળખીએ છીએ તે અંગ્રેજીમાં જેને Elegy કહે છે તે, મૂળ તો ગ્રીક સાહિત્યની ભેટ છે. ગુજરાતીમાં એલિજી માટે વિરહકાવ્ય, વિલાપકાવ્ય, વિષાદકાવ્ય, શોકકાવ્ય, વિરહોર્મિકાવ્ય અને કરુણપ્રશસ્તિ જેવા પર્યાયો યોજાયા છે. પરંતુ આનંદશંકર ધ્રુવે પ્રયોજેલો ‘કરુણપ્રશસ્તિ’ પર્યાય રૂઢ થયો છે. અત્યારે સ્વીકૃત રીતે ‘કરુણપ્રશસ્તિ’ પર્યાય જેને માટે વપરાય છે તે પ્રકારનાં કાવ્યો સંસ્કૃતસાહિત્યમાં મળતાં નથી. પરંતુ જેને વિલાપકાવ્ય કહી શકાય તે પ્રકારનાં કાવ્યો ‘રઘુવંશ’માં ‘અજવિલાપ’, ‘કુમારસંભવમ્’માં ‘રતિવિલાપ’ તથા પંડિત જગન્નાથ પાસેથી ‘કરુણવિલાસ’માં એના સગડ મળે છે. આ કાવ્યો ‘વિલાપ’થી આગળ વધીને ચિંતન સુધી પહોંચતાં નથી, એમાં માત્ર શોકોદ્ગાર જોવા મળે છે. ગુજરાતીમાં કરુણપ્રશસ્તિ કહી શકાય તેવું પ્રથમ કાવ્ય દલપતરામ પાસેથી મળે છે. ‘ફાર્બસવિરહ’ આપણું પ્રથમ કરુણપ્રશસ્તિ કાવ્ય છે. મિત્ર ફાર્બસના મૃત્યુને કારણે કવિ દલપતરામ ઊંડી વિરહવેદનાને સોરઠા સ્વરૂપે રજૂ કરે છે. એમાં વિરહની સંવેદના તીવ્ર બનીને આવી છે, પણ ચિંતન ઓછું પ્રગટ થાય છે. કવિ નર્મદે ‘રિપન વિરહ’ કાવ્ય આપ્યું છે, એમાં કરુણપ્રશસ્તિ કાવ્યના સ્વરૂપ તરીકે નીખરી આવ્યું નથી. બહેરામજી મલબારી પાસેથી ‘વિલ્સનવિરહ’ કાવ્ય મળે છે, જેમાં ભારતમાતાને વિલાપ કરતી વર્ણવી છે. એમાં કેટલીક કંડિકાઓમાં કાવ્યતત્ત્વ જોવા મળે છે. કવિ રણછોડ ગલુરામ ‘માતૃવિયોગ’ લખે છે જેમાં આ સ્વરૂપ આગવી મુદ્રા ધારણ કરે છે. આ કાવ્યમાં માતા-પુત્રનો પ્રેમ સ્વાભાવિકતા ધારણ કરે છે. તો, છોટાલાલ સેવકરામનું ‘લાડકી બહેનનો વિરહ’ કાવ્ય ભાઈ-બહેનનો પ્રેમ ઉજાગર કરે છે. વિશેષ રીતે એમાં મૃત્યુના રહસ્ય સંબંધે ચિંતન પણ પ્રગટ થાય છે તેથી આ કાવ્ય નોંધપાત્ર બની રહે છે. કવિ કલાપીના અવસાનથી ક્ષુબ્ધ થઈ ગયેલા કવિ ત્રિભુવન પ્રેમશંકર ‘કલાપીવિરહ’ નામે કરુણપ્રશસ્તિ આપે છે, એમાં પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોમાં આત્માનું અનાદિ તત્ત્વ કેવી રીતે ભળી જાય છે તે અંગેનું ચિંતન કાવ્યમય રીતે રજૂ થયું છે. ‘સરસ્વતીચંદ્રકાર’ ગોવર્ધનરામ ત્રિપાઠી પત્નીના અવસાન નિમિત્તે ‘સ્નેહમુદ્રા’ કથાનકની રીતે લખે છે. તો, ખબરદારની ‘દર્શનિકા’માં પુત્રીવિરહનું ચિંતન એટલી હદે સઘન બની આવ્યું છે કે ઊર્મિકાવ્યનું સ્વરૂપ તે ઝીલી ન શકે. પરંતુ, આ બધામાં જુદી જ ભાત લઈને આવે છે નરસિંહરાવ દિવેટિયા. ‘સ્મરણસંહિતા’માં પુત્રના મૃત્યુને કારણે પિતાના હૃદયમાં જાગેલો કરુણભાવ રસમાં રૂપાન્તર થઈને પ્રગટે છે. આ કાવ્યમાં વિરહ, શોક અને ચિંતન હૃદયસ્પર્શી બન્યાં છે. અને શોકની ગતિ સમ ઉપર આવીને વિરમે છે. ત્રણ ખંડમાં વહેંચાયેલું આ કાવ્ય ચિરંજીવ કરુણપ્રશસ્તિનો આદર પામ્યું છે. ન્હાનાલાલે પિતા દલપતરામના અવસાન પછી પૂરાં બાર વર્ષે ‘પિતૃતર્પણ’ કાવ્ય આપ્યું, જેમાં કવિના પિતાનું વ્યક્તિત્વ અને શોકનો ભાવ અત્યંત સાહજિક રીતે પ્રગટી આવ્યો છે. આ કાવ્યમાંનો અનુષ્ટુપ છંદ જાણે કે ‘નવાં તેજે’ ઘડાયો છે. બ. ક. ઠાકોરની વિશિષ્ટ કૃતિ ‘વિરહ’ જેની પૂર્વાર્ધની ૧૯૬ પંક્તિ અને ઉત્તરાર્ધની ૨૨૫ પંક્તિઓમાં પચીસ વર્ષના દામ્પત્યજીવનની ઝલક જોવા મળે છે. આમાં કાવ્યનું સંકલન, ઝીણી લયસૂઝ તથા લાગણીની ઉત્કટતા તથા કાવ્યમય ભાવનિરૂપણને લીધે આ પ્રકારનાં કાવ્યોમાં પ્રથમપંક્તિમાં સ્થાન ધરાવે છે. સુન્દરજી બેટાઈકૃત ‘ઇન્દ્રધનુ’માં પુત્રના મૃત્યુનો શોક અને ‘સદ્ગત ચન્દ્રશીલાને’માં પત્નીના મૃત્યુનો શોક-ઘેરો બની આવ્યો છે. તો, ઉમાશંકર જોશીના ‘સદ્ગત મોટાભાઈ’ કાવ્યમાં કાવ્યતત્ત્વની રીતે નવાં શિખરો સર થયેલાં જોવા મળે છે. આ ઉપરાંત અન્ય કવિઓમાં પૂજાલાલ, સુન્દરમ્, રમણભાઈ નીલકંઠ, ઇન્દુલાલ ગાંધી, રા. વિ. પાઠક, રમણીક અરાલવાલા, મનસુખલાલ ઝવેરી, વેણીભાઈ પુરોહિત, હરિશ્ચન્દ્ર ભટ્ટ, હરિકૃષ્ણ પાઠક જેવા કવિઓ પાસેથી કરુણપ્રશસ્તિનાં કાવ્યો મળ્યાં છે. જેમાંનાં મોટાભાગનાં કાવ્યની કક્ષાએ પહોંચીને આજે પણ આસ્વાદ્ય બની રહ્યાં છે. હ.અ.ત્રિ.