ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી નવલકથા

Revision as of 16:43, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગુજરાતી નવલકથા : પ્રથમ ગુજરાતી નવલકથા તરીકેનું ગૌરવ ‘La Chaumieve Indienne’ નામની ફ્રેન્ચકથાના અંગ્રેજી અનુવાદ ‘Indian cottage’ના સોરાબશા દાદાભાઈ મુનશાકૃત અનુવાદ ‘હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું’(૧૮૬૨)ને આપીએ કે પછી ગદ્યમાં લખાતી વાર્તાઓની ગુજરાતી ભાષામાંની ખોટ પૂરી પાડવા ‘અંગ્રેજી ગાથા તથા વાર્તાનાં જેવાં’ પુસ્તકો તૈયાર કરવાની રસેલસાહેબની મરજીથી પ્રેરાઈને લિટન, વોલ્ટર સ્કૉટ અને મેકૉલે જેવા વિદેશી સર્જકોનો પ્રભાવ ઝીલીને નંદશંકરે લખેલી કથા ‘કરણઘેલો : ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા’(૧૮૬૮)ને બક્ષીએ, એક હકીકતનો સ્વીકાર કરવો જ પડશે કે વસ્તુસામગ્રી કે ભાષાનિરૂપણશૈલીની દૃષ્ટિએ સૂચિત બન્ને કથારચનાઓ મૌલિક અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનાં સર્જનો નથી. ગુજરાતી પ્રજાને, ગુજરાતી ગદ્યમાં ધર્મમય જીવનનો બોધ કરતો પ્રથમ ગ્રન્થ ‘વચનામૃત’ ૧૮૨૦/૨૪માં મળે છે, જે સંયોગે કરીને તત્કાલીન ગુજરાતી સામાજિકતા, સાંસ્કૃતિક ભૂમિકા અને ગુજરાતી ગદ્યની સટીક તાસીર સૂચવતું દૃષ્ટાંત પણ નીવડે છે. આમ, પ્રથમ ગુજરાતી નવલકથાકારે, ત્રણ દાયકાની ગદ્યપરિપાટી અને ધર્મસંપ્રદાયથી આગળ વધીને ઇતિહાસ-ભૂગોળ જેવા જ્ઞાનમાહિતીમૂલક પ્રાથમિક વિષયોમાં પણ ભોંયતળિયાથી આરંભ કરવો પડે એવો અને એટલો જ વારસો એને સાંપડ્યો હતો. અલબત્ત, અંગ્રેજી શાસનકાળ દરમ્યાન, વેપાર ખીલવવાની પ્રાથમિક જરૂરિયાત ઊભી કરવા માટે આરંભાયેલી રેલવે અને તારટપાલ સેવા તેમજ સ્થાનિક પ્રજામાંથી સુલભ નોકરિયાત વર્ગ મેળવવાના આશયથી સ્થપાયેલી શિક્ષણવ્યવસ્થાનાં આડકતરાં પરિણામ રૂપે પ્રજાજીવનમાં શાસકવર્ગની સંસ્કૃતિનો જે પ્રભાવ ઝિલાયો તેણે નવજાગૃતિકાળને જન્મ આપ્યો હતો. વાહન અને સંદેશાવ્યવહાર તેમજ મુદ્રણકળા અને યુનિવર્સિટીશિક્ષણે, બદ્ધમાનસ ગુજરાતી પ્રજાને ઢંઢોળીને નવું જોવા-વિચારવાની જે તક આપી તેનું એક પરિણામ એ આવ્યું કે ગુજરાતી પ્રજામાનસ યુરોપીય ઉદારમતવાદ અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના તુલનાત્મક અભ્યાસ તથા સમન્વય માટે અગ્રેસર થયું. તોપણ સૂચિત પ્રજાજીવનના સિંહાવલોકન બાદ રમણભાઈ નીલકંઠે કરેલું નિદાન ‘આપણા સંસ્કારજીવનમાં કૌતુકમય વિચિત્રતા જ ઓછી’ અપ્રસ્તુત તો નથી જ બનતું. વિશિષ્ટ પ્રજાકીય જીવનના આવા અભાવમાં, આરંભે ગુજરાતી નવલકથા લેખે પારસી લેખકો દ્વારા અંગ્રેજી-રોમાંચકથાઓના પારસીશાઈ ગુજરાતી ભાષામાં તરજુમા થયા, તો પછીથી એક તરફ રોમાંચકથાની અદ્ભુતરસની લ્હાણ કરાવતી ધાટીએ અને બીજી તરફ અધકચરા સુધારાવાદી લેખકમાનસે પસંદ કરેલા સામાજિક કથાવસ્તુના ઢાળે ઐતિહાસિકસામાજિક કથાઓનો બહોળો ફાલ ઊતર્યો. આ તબક્કાની રચનાઓમાં ‘વનરાજ ચાવડો’, ‘સધરા જેસંગ’ તથા ‘સાસુવહુની લડાઈ’ ઉલ્લેખનીય છે. યુનિવર્સિટીશિક્ષણ પામેલા નવદીક્ષિત તરુણોમાં, યુરોપીય ઉદારમતવાદ અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સમન્વય દ્વારા એક નવબૌદ્ધિકવર્ગ ઊપસી આવ્યો હતો. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીસૂચિત સંસ્કૃતિ-સમન્વય પ્રક્રિયાનું ઊડીને આંખે વળગે એવું પરિણામ છે. ગુજરાતી ભાષાના એક સમર્થ નવલકથાકાર તરીકે એમણે ‘સરસ્વતીચંદ્ર’(૧૮૮૭)માં સામગ્રી સંદર્ભે, રાજકીય ભૂમિકાએ કોઈ નવો અભિગમ અલબત્ત, નથી દાખવ્યો પરંતુ કલાસ્વરૂપ સંદર્ભે, ગુજરાતી નવલકથાએ વર્ષોથી પકડી રાખેલો રંજનકથાનો પરંપરિત ઢાંચો છોડીને વાસ્તવલક્ષી નિરૂપણની પહેલ કરી છે એટલું જ નહીં, બહુધા ઇતિહાસસિદ્ધ શૂરવીર ચરિત્રો તેમજ સાસુ-વહુની લડાઈમાં રાચતી ગુજરાતી નવલકથાને, સમાજકુટુંબ અને એથી ય આગળ વધીને વ્યક્તિલક્ષી બનાવીને માનવમનનાં અતાગ ઊંડાણોને પામવાના એક બહુપરિમાણીય ઉપકરણ લેખે પ્રયોજવાનું સાહસ પણ દાખવ્યું છે. સંધિકાળના સર્જન તરીકે જ નહીં, પરંતુ સંસ્કૃતિકથા લેખે પણ ‘સરસ્વતીચંદ્ર’ એની તમામ કથાસ્વરૂપગત મર્યાદાઓ પછી પણ અન્ય ભારતીય ભાષાઓમાં ખેડાઈ રહેલા કથાસ્વરૂપની તુલનાએ અગ્રેસર રચના નીવડે છે. ગોવર્ધનરામ અને કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા અનુક્રમે પ્રશિષ્ટ અને રંગદર્શી નિરૂપણશૈલી ધરાવતા મૂર્ધન્ય નવલકથાકારોની વચ્ચે રમણભાઈ નીલકંઠ નોંધપાત્ર હાસ્યરસિક નવલકથા ‘ભદ્રંભદ્ર’(૧૯૦૦) લખીને ગુજરાતી નવલકથાલેખનક્ષેત્રે એક નવી દિશા ખોલી આપે છે. પરંતુ તત્કાલીન વિવેચકવર્ગે આ રચનાના વિષયવસ્તુ સંદર્ભે એમની જેટલી ટીકા-પ્રશંસા કરી હતી તેટલું ધ્યાન, લેખકે હાસ્યરસના નિરૂપણમાં દાખવેલા વૈવિધ્ય અને સિદ્ધહસ્તતા તરફ આપ્યું ન હતું. હાસ્યરસનું નિરૂપણ કેવું તો કઠિન અને દુર્લભ છે એ હકીકત, ‘ભદ્રંભદ્ર’ પછી એ સ્તરની કૃતિ આટલા લાંબા સમય પછી પણ સાંપડી નથી એ તથ્ય દ્વારા સ્પષ્ટ થાય છે. ‘સરસ્વતીચંદ્ર’ની ધાટીએ થયેલું અનુકરણાત્મક કથાલેખન એ કૃતિનો વિરલ પરિવર્તી પ્રભાવ અલબત્ત, સૂચવે છે પરંતુ ગોવર્ધનરામનો વારસો સમુચિત સ્વરૂપે આગળ વધારવાની ક્ષમતા એમના સમકાલીનો કે અનુયાયીઓમાં ન હતી એ હકીકત પણ આ સમયગાળામાં ‘સરસ્વતીચંદ્ર’માં પ્રયોજાયેલા કથાવસ્તુની આગળપાછળ લખાયેલી અનુકરણાત્મક કૃતિઓથી છતી થાય છે. અંગ્રેજોના આગમન અને શાસન પછીની આ સમયની મહત્ત્વપૂર્ણ ઘટના જો કોઈ હોય તો તે, દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર સફળ સત્યાગ્રહ આંદોલન કરનારા મોહનદાસ કરમચંદ ગાંધીનું સ્વદેશાગમન છે. ૧૯૧૫ના તબક્કામાં સમાજમાં તેમજ સાહિત્યમાં પણ ભાષાના પંડિતયુગીન વાણીવિલાસ, કૃતક ગાંભીર્ય અને નિરર્થક મેદસ્વિતા ક્રમશ : ઘટવા લાગ્યાં હતાં. ભોગીન્દ્રરાવ દિવેટિયાની સામાજિક નવલકથાઓમાં આ પરિવર્તન સૌપ્રથમ નજરે ચડે છે પરંતુ એ એક નોંધપાત્ર પરિબળ લેખે કનૈયાલાલ મુનશીની નવલકથાઓમાં પ્રગટે છે. આરંભે અંગ્રેજી રહેણીકરણી અને માનસિકતાને વરેલા બૅરિસ્ટર મુનશી એમની ‘ગુજરાતનો નાથ’ નવલત્રયીમાં ગુજરાતી અસ્મિતાનું નિરૂપણ કરી સ્વદેશ-વતનપ્રેમની નવી વ્યાખ્યા કરે છે. વિષયવસ્તુની દૃષ્ટિએ મુનશીએ બહુ મોટો ચીલો અલબત્ત, નથી ચાતર્યો પરંતુ પશ્ચિમમાં થયેલાં સાહિત્યિક પરિવર્તનોને જાણે અહીં અનુસરતા હોય એમ ગોવર્ધનરામની શિષ્ટ સાહિત્યશૈલીને પરહરીને પોતાની કૌતુકરાગી નવલકથાઓ દ્વારા ભારોભાર રંગદર્શી સાહિત્યશૈલીનું નિર્માણ કરે છે. મુનશીના આવા પ્રયાસથી ગુજરાતી નવલકથાનાં હવડ પાણી ખળભળ્યાં છે. મુનશીની ઐતિહાસિક નવલકથાઓને માથે દૂષિત ઇતિહાસઆલેખનનો આરોપ અલબત્ત, છે પરંતુ એ કથાઓની અદ્ભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પરનો પ્રભાવ આજેય અક્ષીણ છે. જોકે નવ્ય વિવેચનાએ મુનશીની કૃતિઓની ઉપર્યુક્ત ત્રિવિધ વિશિષ્ટતાઓને પ્રતીતિકરતાની સરાણે ચડાવીને, પાત્રોના ક્રિયાવેગનાં નિરૂપણોમાં મુનશીને જેટલો રસ હતો તેટલી ધીરજ, એમનાં ચૈતસિક સંચલનોના નિરૂપણ માટે એમણે દાખવી નથી એવી સ્થાપના કરી છે. વિપુલ નવલકથાલેખન દ્વારા બહુધા ગાંધીયુગીન દેશકાળનું આલેખન કરનારા રમણલાલ વ. દેસાઈને, એમની નવલકથાઓને, વાતાવરણ અને વસ્તુસામગ્રીના મળતાપણાએ કલાત્મક બનતી અટકાવી છે – એનો અંદાજ હતો. ઇતિહાસનું વિરૂપ આલેખન કરવા છતાં જે રીતે મુનશી લોકપ્રિય નવલકથાકાર નીવડ્યા એ જ શૈલીએ રમણલાલે પણ કાલવ્યુત્ક્રમદોષની પરવા કર્યા વિના, ગાંધીયુગીન ભાવનાનું નિરૂપણ કરતા રહીને યુગમૂર્તિ વાર્તાકારનું બિરુદ હાંસલ કર્યું છે. એમના સમકાલીન લેખકોમાં ચુનીલાલ વર્ધમાન શાહ, ‘ધૂમકેતુ’ અને ગુણવંતરાય આચાર્યે પણ નવલકથાલેખન કર્યું છે. ગુણવંતરાયે એમની, રોમાંચકથાના ગોત્રની સાગરકથાઓથી, વિશાળ સાગરકાંઠો ધરાવતા ગુજરાતના સાહિત્યમાં સાગરકથા નથી-નું મહેણું અલબત્ત, ભાંગ્યું છે પરંતુ એ સાગરકથાઓ પાછળ એમની નિરીક્ષણ-અવલોકનશક્તિ કરતાં કલ્પનાશક્તિ વિશેષ ખપ લાગી છે. ‘કરણઘેલો’માં નાયક તરીકે એક રાજવીનું આલેખન છે, ‘સરસ્વતીચન્દ્ર’માં એક સંપત્તિશીલ સુસંસ્કૃત કુટુંબનો યુવક નાયકપદ પામ્યો છે તો, ‘ગુજરાતનો નાથ’ નવલત્રયીમાં લાટપ્રદેશનો એક સેનાનાયક (ભટ્ટ) ક્રમશ : નાયક તરીકે ઊપસી રહે છે. અહીં સુધી ગુજરાતી નવલકથાકાર બહુધા ઇતિહાસસિદ્ધ શૂરવીર અથવા સમાજનાં ઉચ્ચવર્ગીય સુસંસ્કૃત ચરિત્રો સાથે કામ પાડતો હતો. ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘સોરઠ તારાં વહેતાં પાણી’(૧૯૩૦)માં ગુજરાતી નવલકથામાં, સૌપ્રથમ તળપદ ગ્રામીણજીવનનું વાસ્તવલક્ષી થવા જતું રંગદર્શી નિરૂપણ થાય છે. મેઘાણીએ આ કૃતિ દ્વારા, તળપદ લોકસમાજનો ધબકાર પમાય એ રીતે, પ્રદેશ-વિશેષનું પ્રતિનિધિત્વ કરવા સમર્થ એવી પાત્રસૃષ્ટિ તથા તેને અનુરૂપ ભાષાશૈલીના આલેખનથી ગુજરાતી નવલકથામાં જાનપદીય કથાલેખનની પહેલ કરી છે. હિન્દી ભાષામાં ‘આંચલિક’ વિશેષણથી ઓળખાઈ એ કથાકૃતિઓમાં ગ્રામીણ અને નગર એમ ઉભય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરનારા અંચલ-પ્રદેશ-વિશેષનું નિરૂપણ થતું રહ્યું છે. જ્યારે ગુજરાતી નવલકથાકારે આ પ્રકારની, પ્રદેશ અને સમય-વિશેષનું નિરૂપણ કરતી કૃતિઓમાં માત્ર જનપદ – ગ્રામીણઇલાકાના આલેખનનો આગ્રહ રાખ્યો છે. લોકસમૂહ દ્વારા પ્રદેશ-વિશેષની અને પ્રદેશ-વિશેષના નિરૂપણ દ્વારા લોકસમૂહની તાસીર ઊપસી આવે એવા કલાપ્રપંચથી રચાયેલી કૃતિઓમાં જાનપદીય વાતાવરણ નિરૂપવાનું વલણ મેઘાણી ઉપરાંત પન્નાલાલ પટેલકૃત ‘વળામણાં’(૧૯૩૯), ‘મળેલા જીવ’(૧૯૪૧), ‘માનવીની ભવાઈ’(૧૯૪૭) તથા પુષ્કર ચંદરવાકરની કૃતિ ‘બાવડાના બળે’(૧૯૫૪) જેવી નવલકથાઓમાં પુષ્ટ અને પુખ્ત થતું રહ્યું છે. વિષયવસ્તુ અને નિરૂપણશૈલીની દૃષ્ટિએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગોવર્ધનગોત્રના નવલકથાકાર છે. ‘બંધન અને મુક્તિ’ (૧૯૩૯), ‘દીપનિર્વાણ’(૧૯૪૪), ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ ૧-૨-૩ (૧૯૫૨-’૫૮-’૮૫), ‘સૉક્રેટિસ’(૧૯૭૪) અને ‘કુરુક્ષેત્ર’(૧૯૯૨) જેવી એમની નવલકથાઓ દૂર-નજીકના તેમજ દેશ-વિદેશના ભૂતકાળને કથાસામગ્રી તરીકે પ્રયોજે છે. છતાં ઓર્તેગાએ ઐતિહાસિક નવલકથાલેખનસંદર્ભે ચીંધેલી, ‘ઇતિહાસની તથ્યાત્મક અને કથાની કલ્પનોત્થ સૃષ્ટિ વચ્ચે ભાવકને અનુભવાતી ભાવસંદિગ્ધતાની અકળામણ’ને દર્શક ઇતિહાસસિદ્ધ ચરિત્રોના વિશ્વસનીય પાત્રાલેખન તેમજ દેશકાળજન્ય પરિવેશના પ્રતીતિકર નિરૂપણથી નિવારી શક્યા છે. મુનશીની નવલકથાઓમાં કલ્પાયેલી પણ સમુચિત રીતે ચરિતાર્થ ન થઈ શકેલી ભારતીય મહાનુભાવની ભવ્યોદાત્ત ચરિત્રવિભાવના ‘દીપનિર્વાણ’નાં, ભગવાન મહાકાશ્યપ અને મહર્ષિ ઐલ જેવાં પાત્રો દ્વારા નિરૂપાઈ છે. અલબત્ત, સુરેશ જોષી જેવા મર્મજ્ઞ વિવેચકે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના ગોપાળબાપાને અનુલક્ષીને ‘સદ્ગુણોનો કોથળો’ જેવું વિશેષણ પ્રયોજીને, દર્શકની પાત્રસૃષ્ટિની આદર્શમયતા થોપાયેલી હોઈ કૃતક અનુભવાય છે એવું વિધાન પણ કર્યું છે. ઔદ્યોગિક ક્રાંતિના એક અવિનાભાવિ પરિણામ લેખે માનવજીવનમાં સરજાયેલી અસહ્ય-અનિયંત્રિત ગતિશીલતાની ભીંસથી નીપજેલાં અકળામણ, સંત્રસ્તતા, કંટાળો અને જીવનજન્ય નિરર્થકતાનો બોધ જેવાં પરિબળોએ મનુષ્યને ક્રમશ : વધુ ને વધુ વ્યક્તિવાદી બનાવ્યો છે. પહેલી નજરે સામાજિક કે આર્થિક જણાતી એની સમસ્યાઓ ઉત્તરોત્તર માનસિક વિટંબણા રૂપે વિકસતી રહી છે. આ સમય-વિશેષનું પ્રતિબિંબ સાહિત્યમાં મનોવિશ્લેષણવાદી નવલકથાલેખન સ્વરૂપે ઝિલાયું છે. જયંતિ દલાલકૃત ‘ધીમુ અને વિભા’(૧૯૪૩) આપણી પ્રારંભિક મનોવિશ્લેષણવાદી નવલકથા છે. સ્થૂળ ઘટનાઓના બાહુલ્યના વિકલ્પે લેખક અહીં, પાત્રોના જીવનમાં મહત્ત્વપૂર્ણ બનતી મનોઘટના અને તેની સંકુલ ગતિવિધિના નિરૂપણને કથાવિકાસનો મુખ્ય આધાર બનાવે છે. સર્જકના સૂચિત વલણને આધુનિક ગુજરાતી નવલકથાના બીજનિક્ષેપ રૂપે મૂલવી શકાય. પરંતુ આ પ્રકારના કથાલેખનને આવકારવાનો સમય કદાચ પાક્યો ન હતો. વાચકવર્ગ તો ઠીક; મેઘાણી જેવા, નવોદિતો અને નવોન્મેષને આવકારવામાં ઉત્સાહી ગણાયેલા વિવેચક પણ ‘ધીમુ અને વિભા’ની નોંધ લેવા એ કાળે આગળ આવ્યા ન હતા. વિવેચકવર્ગની સૂચિત ઉદાસીનતાનું પરિણામ એ આવ્યું કે ગુજરાતી નવલકથાક્ષેત્રે, છઠ્ઠા-સાતમા દાયકામાં ફરી એકવાર ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ, ‘સુહાસી’, ‘સોપાન’ અને સારંગ બારોટ જેવા નવલકથાકારોની કલમે નગર અને ગ્રામીણ પરિવેશના છદ્મ વાસ્તવને નિરૂપતાં સીધાં-સાદાં કથાનકોનો વિપુલ ફાલ ઊતરે છે. ‘અમૃતા’(રઘુવીર ચૌધરી), ‘એક ને એક’(ચંદ્રકાન્ત બક્ષી) ‘ચહેરા’(મધુ રાય), ‘ધુમ્મસ’(મોહમ્મદ માંકડ) અને ‘પળનાં પ્રતિબિંબ’(હરીન્દ્ર દવે) જેવી નવલકથાઓનાં પ્રકાશનથી ગુજરાતી નવલકથાની રચનારીતિમાં આધુનિકતાવાદી અભિગમનાં પગરણ થાય છે. જાગૃતિનું મૂલ્ય ચૂકવવાની વફાદારી દાખવતી અસ્તિત્વવાદી પાત્રસૃષ્ટિ, પોતાના વૈયક્તિક સંઘર્ષોમાં શી ખુવારી શી રીતે વેઠે છે તેનું નિર્મમ નિરૂપણ, આ કૃતિઓમાં વિવિધ કથનપરિપ્રેક્ષ્ય તેમજ ચૈતસિક સમયનિરૂપણપદ્ધતિએ થયું છે. આધુનિક ગુજરાતી નવલકથાધારાની અન્ય ઉલ્લેખનીય કૃતિઓમાં ‘કામિની’, ‘આકાર’, ‘આવરણ’, ‘અનાગત’, ‘સોનલ છાંય’, ‘છિન્નપત્ર’, ‘ફેરો’, ‘વાંસનો અંકુર’, ‘સમયદ્વીપ’, ‘રેતપંખી’, ‘કાયર’, ‘ઝંઝા’ વગેરેનો સમાવેશ થાય છે. નવલકથાલેખનના આ જ તબક્કામાં રચનારીતિગત નાવીન્ય પર વિશેષ ભાર દઈને અતિઉત્સાહથી જે કથાપ્રયોગો થયા તેમાં બીજા અંતિમે પહોંચી જતી કૃતિઓ પણ નીપજી આવી છે. ‘મરણોત્તર’, ‘મહાભિનિષ્ક્રમણ’, ‘અસ્તી’, ‘કોણ?’ ‘નિશાચક્ર’ વગેરે નવલકથાઓ એ દૃષ્ટિએ નોંધપાત્ર છે. આઠમા અને નવમા દાયકામાં ગુજરાતી નવલકથાકાર લઘુનવલ તરફ પક્ષપાત દાખવે છે. આ સમય દરમ્યાન નવલકથાલેખનનો આરંભ કરનારા લેખકોમાં ધીરેન્દ્ર મહેતા, અને વીનેશ અંતાણીની અનુક્રમિત કૃતિઓ ‘ચિહ્ન’, ‘અદૃશ્ય’ અને ‘દિશાન્તર’ તેમજ ‘પ્રિયજન’, ‘આસોપાલવ’ અને ‘જીવણલાલ કથામાળા’માં પરંપરા અને પ્રયોગધર્મિતાનો સમન્વય જોવા મળે છે. એમના સમકાલીનોમાં રામચન્દ્ર બ. પટેલ, જયંત ગાડીત, જ્યોતિષ જાની, મફત ઓઝા, હસુ યાજ્ઞિક, કિશોર જાદવ., રાધેશ્યામ શર્મા અને સરોજ પાઠક પણ ઉલ્લેખનીય છે. નવમા દાયકામાં ભાનુપ્રસાદ ત્રિવેદી, કાનજી પટેલ, જોસેફ મેકવાન, મણિલાલ હ. પટેલ, યોગેશ જોશી અને સુમન શાહે, અનુક્રમે ‘શેષપાત્ર’, ‘કોતરની ધાર પર’, ‘આંગળિયાત’, ‘અંધારું’, ‘સમુડી’ અને ‘બાજબાજી’ જેવી કૃતિઓથી વાચક અને વિવેચકનું ધ્યાન આકષિર્ત કર્યું છે. આઠમા, નવમા અને દસમા દાયકામાં સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભવાળું વસ્તુ પુનઃ નવલકથામાં સ્થાન પામે છે. નવમા દાયકામાં ઇલા આરબ મહેતાની ‘બત્રીસ પૂતળીની વેદના’ (૧૯૮૨) અને કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) નારીચેતનાનાં દ્વાર ખોલી આપે છે. બંને નવલકથામાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની સ્ત્રીઓના પ્રશ્નો મુકાયા છે. ‘બત્રીસ પૂતળીની વેદના’માં ઇલાબહેને ધર્મસત્તાને સ્ત્રીઓના સંદર્ભે પ્રશ્નાર્થ હેઠળ મૂકવાની જે હિંમત દાખવી છે તે અનન્ય છે. આ પરંપરા વિવિધ સર્જકો દ્વારા આગળ વધતી રહી. બિંદુ ભટ્ટે ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ (૧૯૯૨)માં કોઢગ્રસ્ત એક નારીની પ્રણયઝંખના છીછરા માણસો વડે વીંખાઈ જતાં અનુભવાતી એકલતાની વાત કરે છે તો ‘અખેપાતર’(૧૯૯૯)માં કંચનબાના નિમિત્તે સ્ત્રી-વ્યથાને ઉજાગર કરી છે. કાઠિયાવાડી પ્રદેશ અને વાતાવરણને કારણે પણ આ નવલકથા મહત્ત્વની છે. સુવર્ણાબહેનની નવલકથા ‘આષાઢ તું આવ’ (૧૯૯૬)માં વ્યાપક લગ્નેતર સંબંધોમાં ખોવાયેલા જડ પતિથી કંટાળેલી એક સ્ત્રીનું આલેખન છે. હિમાંશી શેલતે ‘આઠમો રંગ’ (૨૦૦૧)માં માત્ર ઓગણત્રીસ વયની નાની ઉંમરે મૃત્યુ પામનાર અમૃતા શેરગિલ વિશે જીવનચરિત્રાત્મક નવલકથા આપી. વર્ષા અડાલજાની ‘શગ રે સંકોરું’ (૨૦૦૪)માં પણ ધર્મસત્તાને પડકાર ફેંકવામાં આવ્યો છે. અશોક ગોસ્વામીની ‘કૂવો’ (૧૯૯૬), રવીન્દ્ર પારેખની ‘લટહૂકમ’ (૧૯૯૮), ધીરેન્દ્ર મહેતાની ‘ભંડારીભવન’ (૨૦૦૨), જયંત ગાડીતની ‘એક અસ્વપ્ન સુખી જીવન’ (૨૦૦૩), અમૃત બારોટની ‘વડમામી’ (૨૦૧૨) વગેરે નવલકથાઓએ પણ નારીજીવનના વિવિધ કોણને આલેખ્યા છે. કાનજી પટેલ ‘કોતરની ધાર પર’ (૧૯૮૨) આદિવાસી અને પટેલ સમાજની પંચમહાલના પરિવેશની કથા લઈને આવે છે. ‘આદિ’(૨૦૦૯)માં તેઓ આદિવાસીના પ્રશ્નોને સમકાલીન સંદર્ભમાં મૂકી આપે છે. મણિલાલ હ. પટેલ ‘અંધારું’ (૧૯૯૦)માં આદિવાસી નાયક લઈને આવે છે. કિશોરસિંહ સોલંકીની ‘અરવલ્લી’(૨૦૦૭)માં આદિવાસીઓનું જગત નિરૂપાયું છે. આદિવાસી સમાજમાંથી આવતો નવલકથાકાર સૂરમલ વહોણિયાની ‘મંડોળ’ (૨૦૦૬) અને ‘દાપુ’(૨૦૧૦)માં આદિવાસી વિશ્વ પ્રગટ થયું છે. ૧૯૮૦-૮૪ના અનામત આંદોલને ગુજરાતને તળેઉપર કરી દીધું. જયંત ગાડીતે ‘બદલાતી ક્ષિતિજ’(૧૯૮૬)માં શિક્ષિત દલિતની સ્વસમાજ અને પરસમાજ વચ્ચેની ભીંસથી ઊભી થતી એકલવાયાપણાની સ્થિતિ રસપ્રદ રીતે આલેખી તો જોસેફ મેકવાને ‘આંગળિયાત’(૨૦૦૬)માં દલિતનાયક ટીહારામને નિમિત્તે ચરોતરના સવર્ણ-દલિતોના સંબંધો આલેખ્યા છે. દલપત ચૌહાણે ‘મલક’ (૧૯૯૨), ‘ગીધ’ (૧૯૯૯), ‘ભળભાંખળું’ (૨૦૦૫) અને ‘રાશવા સૂરજ’ (૨૦૧૨) જેવી દલિત સંવેદનની સફળ નવલકથાઓ આપી. હરીશ મંગલમ્ની ‘અગનઝાળ’ (૨૦૦૭) હીરુભા અને વીરુ દ્વારા સક્રિયતાની નોંધ લેતી નવલકથા છે. મોહન પરમાર ‘નેળિયું’(૧૯૮૮)માં દલિત ઇજનેરની સ્મૃતિ ચાલી જતાં એને મળતો માનમરતબો એની જાતખબર પડતાં જ પાછો છીનવાઈ જાય છે તે બતાવે છે. આ જ ધારામાં કાન્તિલાલ પરમારની ‘ગેબી ટીંબો’(૨૦૦૬)ને યાદ કરી શકાય. અનુઆધુનિક સમયમાં તળપદના સ્વરો પણ નોંધપાત્ર બન્યા છે. યોગેશ જોષીની ‘સમુડી’(૧૯૮૪)માં શ્રમિક કન્યા સાથે એક મધ્યમવર્ગીય યુવકનો પ્રણયવ્યવહાર અને પ્રણયવિચ્છેદ આલેખાયેલા છે. બોલી અને પરિવેશ આ કૃતિમાં પ્રભાવક છે. માવજી મહેશ્વરી ‘મેળો’(૨૦૦૭)માં પ્રભાવક પ્રકૃતિ વર્ણનોની સાથે સાથે બદલાયેલી સામાજિક પરિસ્થિતિને નિરૂપે છે. મોના પાત્રાવાલા ‘ધોરખોદિયા’(૨૦૦૮)માં સો-દોઢસો વર્ષ પહેલાંનું વાંસદા જંગલ, આદિવાસી, પારસી, મુસ્લિમ અને દેસાઈ સમાજનું જીવન આલેખે છે. સંપત્તિની લાલચ, એ પ્રાપ્ત કરવાનાં વિધિવિધાનો, અવૈધ સંબંધો, સદ્ના વાઘા પહેરેલાં અસદ્ તત્ત્વોનું અહીં પ્રસ્તારથી નિરૂપણ છે. ખાણીપીણી, પ્રકૃતિનું એક સામાન્ય વાચકથી અપરિચિત વિશ્વ આપણને સ્તબ્ધ કરી દે છે. નાઝિર મન્સૂરી ‘વેશપલટો’(૨૦૦૯)માં દીવકાંઠાના લોકસમાજને પ્રસ્તુત કરે છે. કલ્પેશ પટેલની ‘ઘરવટો’ (૨૦૧૧) નોંધપાત્ર નવલકથા છે. ધ્રુવ ભટ્ટ આ સમયના નોંધપાત્ર નવલકથાકાર છે. ‘તત્ત્વમસિ’ (૧૯૮૮) અને ‘અકૂપાર’(૨૦૧૦)માં નાયકના રઝળપાટ નિમિત્તે ભારતીય અરણ્યવાસીનું રસપ્રદ જીવન આલેખાયું છે. ‘તત્ત્વમસિ’માં સંશોધન અર્થે અરણ્યમાં આવી ચડેલો નાયક છે. ‘અકૂપાર’માં ગીરના લોકસમાજનું, એમની રહેણીકરણીનું, પ્રકૃતિ સાથેના સંતુલનનું ચિત્ર ભાવકને પ્રાપ્ત થાય છે. ગીરની બોલી પ્રભાવકપણે આલેખાઈ છે. જયંત ગાડીતની ચાર ખંડની ગાંધીજીવિષયક બૃહદ નવલકથા ‘સત્ય’ (૨૦૦૯) એકવીસમી સદીની ગુજરાતી નવલકથાની ઉપલબ્ધિ છે. આ નવલકથાની વિશેષતા એ છે કે બાહ્ય પ્રવૃત્તિના ધમધમાટમાં કથાનાયક મોહનદાસના ચિત્તની નસેનસમાં સર્જક આપણને લઈ જાય છે. કેટલાક નવીન વિષયોને કારણે થોડીક નવલકથાઓ ધ્યાનપાત્ર બની છે. ધીરુબહેન પટેલે ‘અનુસંધાન’ (૨૦૦૨)માં એક મરણાસન્ન વૃદ્ધના અહંકારવિગલનની કથા રસ પડે એ રીતે કહી છે. આ ઉપરાંત ઇવા ડેવની ‘મિશ્ર લોહી’ (૧૯૮૮), બાબુ સુથારની ‘વળગાડ’ (૨૦૦૩) અને ‘નિદ્રાવિયોગ’ (૨૦૦૩), નરોત્તમ પલાણની ‘હુહુ’ (૨૦૦૭), પ્રાગજીભાઈ ભામ્ભીની ‘ઘેરાવ’ (૨૦૦૯) વગેરે કૃતિઓએ વાચકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું છે. ર.ર.દ., ભ.મ.