ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ધ ટેમ્પરેસ્ટ

Revision as of 10:03, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધ) ટેમ્પેસ્ટ : શેક્સપીયરે પોતાની નાટ્યકારકિર્દીના અંતભાગમાં એટલેકે ૧૬૦૯થી ૧૬૧૨ના ગાળામાં રચેલી અને સહજ રીતે ટ્રેજી-કોમેડીની કક્ષામાં આવે તેવી ત્રણ કૃતિઓ ‘સ્મિબલીન’, ‘ધ વિન્ટર્સ ટેઈલ’ અને ‘ધ ટેમ્પેસ્ટ’ છે. ‘ધ ટેમ્પેસ્ટ’૧૬૧૧માં રચાયેલું પણ એનું પ્રકાશન ૧૬૨૩માં થયું. આ નાટકમાં અગાઉનાં ટ્રેજીકોમિક નાટકો જેવું વિષય-વસ્તુ છે. ભૂલી જાવ અને માફ કરો Forget and forgive એ આ નાટકનો પણ એક મુખ્ય સૂર છે. અહીં શેક્સપીયરની કલ્પનાએ જાદુઈ ટાપુ સર્જ્યો છે. એના પર પ્રોસ્પેરોનું વર્ચસ્ છે. ત્યાં સુધી તેની ઇચ્છા એ જ કાયદો છે. એ જ ઘટનાઓ સર્જે છે. પાત્રો પર અદૃશ્ય રહીને અંકુશ જમાવે છે. કેટલાક વિવેચકોને પ્રોસ્પેરોમાં શેક્સપીયરનું વ્યક્તિત્વ પ્રગટ થતું દેખાયું છે. આ નાટકમાં મિરાન્ડા અને ફર્ડિનન્ડનું પ્રેમીયુગલ છે. પ્રોસ્પેરો ફર્ડિનન્ડના પ્રેમને કસોટીએ ચડાવે છે. પણ અંતે એમનું મિલન સાધી આપે છે. એનો પ્રેતકિંકર એરિયલ આ નાટકનાં મનોહર કાવ્યમય પાત્ર છે. પ્રકૃતિ ઉપર વૈજ્ઞાનિકના અંકુશનું પ્રતીક છે. એવું જ ચિરંજીવ પાત્ર કૅલિબનનું છે. પ્રોસ્પેરોએ કબજે કરેલા ટાપુમાં અગાઉ તેની ડાકણ માનું રાજ્ય હતું. પ્રોસ્પેરોએ તેને વિદાય કરી કૅલિબનને પોતાના અંકુશમાં લીધો. કૅલીબન જંગલી સંસ્કૃતિનું સુંદર પ્રતીક પૂરું પાડે છે. નાટકની સમગ્ર ઘટના જાદુઈ ટાપુ ઉપર અને એક જ દિવસના સમયમાં બને છે. ‘ધ ટેમ્પેસ્ટ’ અદ્ભુતરંગી નાટક છે. એમાંની રોમાંચક, કુતૂહલપ્રેરક, ચમત્કારક ઘટનાઓ, અને તેની સાથે છૂટેહાથે વેરાયેલી કાવ્યસમૃદ્ધિ આ નાટકનાં આકર્ષક તત્ત્વો છે. શેક્સપીયરે અહીં પ્રજારુચિને સંતોષવાનું કાર્ય કર્યું છે. પણ તે સાથે અગાઉની બે ટ્રેજી-કોમેડીમાં જવલ્લે જોવા મળતું કલ્પનાબળ પણ દાખવ્યું છે. ઝંઝાવાતનો સમગ્ર પ્રસંગ એની કલ્પનાનો અને આયોજનની કુશળતાનો સુંદર નમૂનો છે. નાટકનું વસ્તુ વિપુલ કે સંકુલ ન હોવા છતાં આછાપાતળા કથાતંતુને પણ તેણે કુશળતાથી ગૂંથીને એક અવનવું કૌતુકપૂર્ણ નાટક રચ્યું છે. આ કૃતિમાં બીજી અનેક કૃતિઓ જેમકે, ‘મેકબેથ’, ‘હેમ્લેટ’, ‘મિડ સમર નાઈટ્સ ડ્રીમ’ વગેરેની જેમ ભૂતપ્રેત અથવા પરીકથાનાં તત્ત્વો છે. આ જાદુઈતત્ત્વોના નિરૂપણના કારણે જ આપણને એરિયલ અને કેલિબન જેવાં અદ્ભુત અને કાવ્યમય પાત્રો મળે છે. મ.પા.