ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તર્કશાસ્ત્ર અને સાહિત્ય

Revision as of 11:24, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તર્કશાસ્ત્ર અને સાહિત્ય : કાર્લ પોપરને મતે ભાષાનાં ચાર કાર્યો છે. ૧, આવિષ્કારાત્મક કે અભિવ્યક્તિરૂપ ૨, સંકેતાત્મક ૩, વર્ણનાત્મક અને ૪, દલીલરૂપી કાર્યો. આમાં વર્ણનાત્મક કાર્યમાં જો તથ્યાત્મક વિધાનો આવતાં હોય તો તેનો નિર્ણય સત્ય/ અસત્ય એ રીતે કરવામાં આવે છે. દલીલલક્ષી કાર્યોમાં દલીલોનું મૂલ્યાંકન પ્રમાણભૂત(valid)/અપ્રમાણભૂત(invalid) એ રીતે કરવામાં આવે છે. વિધાનો હંમેશાં સત્ય/અસત્ય એ રીતે તપાસવાનાં હોય છે અને દલીલો હંમેશાં પ્રમાણભૂત/ અપ્રમાણભૂત એ રીતે તપાસવાની છે. તેથી પ્રામાણ્ય (validity) અને સત્યતા (Truth) એ બે વિભાવના તાર્કિક રીતે તદ્દન ભિન્ન છે. કારણ કે સત્ય વિધાનોવાળી દલીલો પણ અપ્રમાણભૂત હોઈ શકે અને અસત્યવિધાનોવાળી દલીલો પણ પ્રમાણભૂત હોઈ શકે. રૂપલક્ષી તર્કશાસ્ત્રને સત્ય વિધાનો સાથે નહીં પણ પ્રમાણભૂત દલીલ સાથે સંબંધ છે. કાલ્પનિક સાહિત્યનાં પાત્રોનાં કાર્યો વિશેનાં વિધાનો સત્ય છે કે અસત્ય એવો પ્રશ્ન ઉદ્ભવે છે. જો તમે એમ કહો કે તે સત્ય છે તો તે બિલકુલ વિચિત્ર લાગશે, કારણ કે તેવી કોઈ વ્યક્તિ જ અસ્તિત્વ ધરાવતી નથી. તેને અસત્ય ગણવામાં પણ આપત્તિ છે કારણકે સર્જકનો જુઠ્ઠું બોલવાનો આશય નથી. તેવાં વિધાનો અર્થવિહીન(Meaningless) છે એમ પણ કહી શકાય તેમ નથી કારણકે આપણે તેનો અર્થ અવશ્ય સમજી શકીયે છીએ. આવી આપત્તિઓમાંથી બચવા માટે એમ કહી શકાય કે કાલ્પનિક સાહિત્યના લેખકનો સત્ય/અસત્ય સ્થાપવાનો ઇરાદો જ ન હોવાથી તેનાં વિધાનોને સત્ય/અસત્ય તરીકે ઘટાવી શકાય તેમ નથી. કેટલાકને મતે તર્કશાસ્ત્રનો વિધાનોમાં સત્યતામૂલ્ય(Truth-Value)નો ખ્યાલ ફિક્શનલ વ્યક્તિ/વસ્તુ/ઘટના અંગે પ્રયોજવાનો રહેતો નથી અને તેમ છતાં સાહિત્યકૃતિ કોઈને કોઈ રીતે જીવનનાં સર્વમાન્ય સત્યોનો નિર્દેશ કરી શકે છે. આલંકારિક રજૂઆતો અને તથ્યાત્મક વિધાનો વચ્ચે ભેદ દર્શાવીને ઘણા સાહિત્યકૃતિને આલંકારિક રીતે વિચારે છે. સાહિત્યના સંદર્ભમાં સત્યની વિભાવના તેનાં તાર્કિક અર્થમાં પ્રયોજવામાં કેટલીક આપત્તિઓ આવે તેમ છે પણ વિટ્ગેન્સ્ટાઈન, ઓસ્સિટન અને સર્લે ભાષાપ્રયોગની પ્રયોજનલક્ષી વિવિધતા દર્શાવીને આ પ્રશ્નને નવી જ દિશા આપી છે. સાહિત્યક્ષેત્રે ભાષાનો સીધોસાદો વર્ણનાત્મક પ્રયોગ થયો હોતો નથી. તે સર્જનાત્મક પ્રયોગ હોવાથી વર્ણનાત્મક તથ્યનિષ્ઠ ભાષાના બધા તાર્કિક નિયમો તેને લાગુ પડે નહીં તે સ્વાભાવિક છે. તર્કશાસ્ત્રને મુખ્યત્વે દલીલોના પ્રામાણ્ય સાથે સંબંધ છે અને સાહિત્યની સર્જનાત્મક ભાષામાં દલીલો કે તેનું પ્રામાણ્ય કેન્દ્રમાં નથી અને તેથી સાહિત્યક્ષેત્રે આંતરિક રીતે સુસંગત વિધાનોનું માળખું પ્રવર્તતું હોય તો રૂપલક્ષી તર્કશાસ્ત્રની દૃષ્ટિએ તે પર્યાપ્ત છે. કૃતિબાહ્ય સત્ય સાથેના તેના સંબંધનો પ્રશ્ન ખરેખર જ્ઞાનમીમાંસાંનો છે, તર્કશાસ્ત્રનો નહીં. મ.બ.