ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય વિવેચન

Revision as of 14:24, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નવ્ય વિવેચન (New Criticism)'''</span> : આ સદીનું અમેરિકન વિવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નવ્ય વિવેચન (New Criticism) : આ સદીનું અમેરિકન વિવેચનનું મહત્ત્વનું સૌન્દર્યનિષ્ઠ અને કૃતિનિષ્ઠ આંદોલન. એનાં મૂળ ત્રીજા દાયકામાં જોઈ શકાય છે, પરંતુ ૧૯૫૦ સુધીમાં એનો પૂરો વિકાસ થાય છે. સાતમા દાયકા સુધી વિવેચન પર અને સાહિત્યના અભ્યાસ પર એનો પૂરો પ્રભાવ વર્તાય છે. આમ તો ૧૯૧૧માં જોઅલ સ્પિન્ગાર્ને આ સંજ્ઞાનો પ્રયોગ કરેલો, પરંતુ છેક ૧૯૪૧માં જોન ક્રો રેન્સમે એના પુસ્તક ‘ધ ન્યૂક્રિટિસિઝમ’માં આ આંદોલનની સ્પષ્ટ વ્યાખ્યા કરી. એણે ટી. એસ. એલિયટ, આઈ. એ. રિચર્ડઝ, વિલ્યમ એમ્પસન અને આય્વોર વિન્ટર્ઝ વગેરેએ વિકસાવેલા સિદ્ધાન્તોનું સર્વેક્ષણ કર્યું અને નવ્ય વિવેચનની ભૂમિકા બાંધી. રેન્સમે રિચર્ડઝનો પ્રભાવમૂલક પક્ષપાતનો અને એમ્પસનનો, લેખક તેમજ વાચકના મનોવિજ્ઞાનને સંડોવવાનો પ્રયત્ન માન્ય ન રાખી એલિયટની જેમ પ્રતિઅભિવ્યક્તિવાદી વલણ બતાવ્યું. કૃતિની સ્વતંત્ર તેમજ સ્વાયત્ત સંપત્તિ પર કેન્દ્રિત વસ્તુલક્ષી-સત્તાલક્ષી (ontological) વિવેચનને પુરસ્કાર્યું. આ પછી કલીએન્થ બ્રૂક્સે અને રોબર્ટ પેન વોરને આ પ્રકારના અભિગમનું અસરકારક પ્રતિમાન ઘડ્યાું. અલબત્ત, એમાં એલિયટના બિનંગત કાર્યના સિદ્ધાન્તને, રિચડ્ઝની અર્થવિશ્લેષણપદ્ધતિ અને એમ્પસનની સંદિગ્ધતાવિભાવનાને આમેજ કર્યાં, પણ કાવ્યસમજ માટે બાહ્ય ધોરણોનો ત્યાગ કર્યો. સાહિત્યનું વર્ણન અને તેનું મૂલ્યાંકન, તેની પોતાની અંતર્ગત કોટિઓ વડે જ થવું ઘટે એવો મત દૃઢ કર્યો. સાહિત્યકૃતિને ઇતિહાસ મૂળસ્રોત કર્તાનું જીવનચરિત્ર કે એનો મનોભાવ, યુગદૃષ્ટિ કે પ્રવર્તમાન વિચારધારા વગેરે કૃતિબાહ્ય ધોરણોથી તપાસવા – મૂલવવાની જે પૂર્વવર્તીપરંપરા હતી તેનો અહીં છેદ ઊડ્યો. બીજી રીતે કહીએ તો, લેખકના આશયને ભેળવવાથી થતા ‘આશયદોષ’ અને વાચકની પ્રતિક્રિયાના ધોરણને ભેળવવાથી થતા ‘પ્રતિભાવદોષ’ જેવા બંને છેડાઓથી કૃતિને મુક્ત કરી, એટલું જ નહીં પણ કૃતિના પોતાના સંદર્ભ સિવાયના સર્વ બાહ્ય સંદર્ભોનો પરિહાર કર્યો. શબ્દાન્તરે કવિતા ક્યારે ય અભિવ્યક્ત ન થઈ શકે એ માટે સ્વરૂપ અને સામગ્રીના પરસ્પરાવલંબનને અગ્રેસર ગણ્યું. ગદ્યમાં સારી રીતે પ્રગટ થઈ શકે એવાં વિચાર અને ભાષાને કવિતામાં વર્ણવવા બેસનારનો ‘પ્રત્યાયનદોષ’ તીવ્ર કરી કવિતા વિચારને પ્રત્યાયિત કરવાનું ઉપકરણ નથી, કવિતાએ તો સંપૂર્ણ સૌન્દર્યનિષ્ઠ અનુભવ સ્વયં ઊભો કરવાનો છે એનું મહત્ત્વ સ્થાપિત કર્યું. ટૂંકમાં, કવિતાની ભાષાની વિશિષ્ટતાનો આદર થયો. કવિતાની ભાષા, વિજ્ઞાનની કે તાર્કિક ભાષાબંધની ભાષાથી વિપરીત છે. આવી ભાષાની પૃષ્ઠસંકુલતા પર આધારિત સઘન વાચના એ આ આંદોલનની મુખ્ય પદ્ધતિ છે. સૌન્દર્યનિષ્ઠ મૂલ્યાંકન અને અર્થઘટન એના પર જ આધારિત છે. શબ્દોની આંતરક્રિયાત્મકતા, અર્થગત સંદિગ્ધતા, કલ્પનશ્રેણી, પ્રતીકો, વિરોધાભાસો, વક્રતા વગેરેના પરસ્પર સંબંધોનો સઘન અભ્યાસ અને એનું વિગતપૂર્ણ વિશ્લેષણ કરાય છે. કૃતિની સ્થાનિક ખૂબીઓ સંચિત પોત(texture)ને અને સાવયવ અન્વિતિની ખૂબીઓ સંચિત ભાત(structure)ને ખાસ લક્ષમાં લેવાય છે. આમ, વૈયક્તિક કૃતિની ભાષાસંઘટના, એની સંકુલતા અને એની આંતરસંગતિ પર ધ્યાન કેન્દ્રિત કરી, અર્થના વિવિધ સ્તરોની શોધ કરાય છે. આથી વિવેચકોને અહીં નવી ભૂમિકા અને પ્રતિષ્ઠા મળી છે. એ તૈયાર નીપજનો નિષ્ક્રિય અભિગ્રાહક રહેતો નથી. કૃતિની આકૃતિ, એના ઘટકોની અન્વિતિ અને એની ભાષાના વિશિષ્ટ વિનિયોગમાં એ કૃતિનાં અર્થ અને મૂલ્યને શોધે છે. અલબત્ત, આ શોધપદ્ધતિ કથાકાવ્યો કે લાંબી રચનાઓ કરતાં ટૂકાં ઊર્મિકાવ્યોને વધુ માફક છે. આ આંદોલનના સૂત્રધારોમાં જોન ક્રો રેન્સમ, ક્લીએન્થ બ્રૂક્સ, રોબર્ટ પેન વૉરન, એલન ટેય્ટ, આર. પી. બ્લૅકમર, કેનિથ બર્ક વગેરે મુખ્ય છે. આજે ઇતિહાસ સંદર્ભથી અને લેખકવાચકની ચેતના તેમજ સામાજિક ચેતનાથી કૃતિને ચાતરી લઈ, માનવીય દોષ (humanist fallacy)થી મુક્ત રાખવા નવ્યવિવેચને જે અથાગ પ્રયત્ન કર્યો તે ટીકાપાત્ર બન્યો છે. સાહિત્યને ‘વસ્તુ’ કે ‘પદાર્થ’ માનવાને બદલે ફરીને એને ‘ભાવ’ કે ‘વિચાર’ માનવા તરફનો અભિગમ કાર્યરત થયો છે. ચં.ટો.