ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાગાનંદ

Revision as of 14:26, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''‘નાગાનંદ’'''</span> : જીમૂતવાહનના આત્મભોગની બૌદ્ધ આખ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘નાગાનંદ’ : જીમૂતવાહનના આત્મભોગની બૌદ્ધ આખ્યાયિકાનું હર્ષવર્ધને આપેલું પંચાંકી સંસ્કૃત નાટ્યરૂપાન્તર. વિદ્યાધરરાજ જીમૂતવાહનને સિદ્ધોના રાજા મિત્રાવસુની બહેન મલયવતી સાથે પ્રેમ થાય; મલયવતીને ગૌરી સ્વપ્નમાં ભાવિપતિનાં દર્શન કરાવે, બંને વિદૂષકની સહાયથી મળે; કામસંતપ્ત જીમૂતવાહન મલયવતીના ગમન પછી પ્રિયાનું ચિત્ર દોરે, મિત્રાવસુ બહેન માટે માગું કરે તો અણજાણતાં જીમૂતવાહન ના પાડે. મલયવતી ફાંસો ખાવા તૈયાર થતાં જીમૂતવાહન આવી સાચી સ્થિતિ જાણે, પ્રમદવનમાં વિહરતા જીમૂતવાહન-મલયવતીને શત્રુઓ દ્વારા રાજ્યહરણના સમાચાર મળતા જીમૂતવાહન એ સમાચાર વધાવી લે, એકવાર જીમૂતવાહન હાડકાના ઢગ વિશે પૂછપરછ કરતા દિવ્ય ગરુડના સર્પભક્ષણ વિશે જાણે, શંખચૂડને સ્થાને ઊભો રહી ગરુડનું ભક્ષ્ય બને, જીમૂતવાહનના મુકુટમણિથી કુટુંબીઓને જાણ થાય, ગરુડ વાત જાણી શરમાય, ગૌરી જીમૂતવાહનને જીવન બક્ષી રાજ્ય આપે, અમૃતવૃષ્ટિથી હણાયેલા સર્પો જીવિત થાય. ગરુડ સર્પહત્યાનિષેધનું વચન આપે એવા આ કથાનકમાં હર્ષવર્ધનની શૈવસંપ્રદાયમાંથી બૌદ્ધધર્મમાં સ્થિર થતી આસ્થાનું પ્રતિબિંબ દેખાય છે. છતાં ગૌરીનું સ્થાન શૈવસંપ્રદાયનો અવશિષ્ટ પ્રભાવ સૂચવે છે. ‘નાગાનંદ’નો મુખ્ય રસ શાંત છે. જો કે જીમૂતવાહનની પ્રણયકથા અને ત્યાગકથા ઉપકાર્યોપકારકભાવે સંયોજાયેલી ન હોવાથી અહીં શૃંગાર અને શાંત વચ્ચે રસસંયોજન સાધી શકાયું નથી. અ.ઠા.