ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃત સાહિત્ય

Revision as of 11:47, 27 November 2021 by Amee (talk | contribs)


સંસ્કૃત સાહિત્ય : ઋગ્વેદ સમગ્ર સંસ્કૃત સાહિત્યનું ઉદ્ગમસ્થાન છે. ‘સંસ્કૃત’ સમ+ˆÅ¼માંથી આવેલો છે. જેનો અર્થ થાય છે. ‘સંસ્કારવાળું, મઠારેલું’ એટલેકે છે એના કરતાં વધુ સારું કરેલું. પહેલાં વેદની ભાષા અને લોકોની ભાષા એ રીતે સંસ્કૃત ભાષાને ઓળખવામાં આવતી હતી. મહર્ષિ પાણિનિની રચનામાં પણ ¨¸½™½ અને ¥¸¸½ˆÅ½ ž¸¸«¸¸¡¸¸Ÿ¸Ã જેવા પ્રયોગો મળી આવે છે. મહર્ષિ પતંજલિના મહાભાષ્યમાં ‘સંસ્કૃત’ શબ્દનો પ્રયોગ થયો છે. તો બીજી બાજુ આદિકવિ વાલ્મીકિના રામાયણમાં જ્યારે કિષ્કિન્ધાકાંડમાં હનુમાનજી રામચંદ્રને પહેલી વખત મળવા જાય છે ત્યાં ‘સંસ્કૃત’ શબ્દનો પ્રયોગ થયો છે. સામાન્ય રીતે રામાયણને કેન્દ્રમાં રાખીને તેને આદિકાવ્ય ગણીને સંસ્કૃત સાહિત્યને વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય એવા બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના પ્રથમ અને આદર્શ કવિ તરીકે મહર્ષિ વાલ્મીકિને સ્વીકારવામાં આવ્યા છે જેનો ક્રૌંચવધના પરિણામે ઉદ્ભવેલો શોક શ્લોક બની ગયો અને આદિકાવ્ય રામાયણનો તેમાંથી આવિર્ભાવ થયો. મહર્ષિ વાલ્મીકિથી આરંભાયેલી સંસ્કૃત સાહિત્યની વાક્ધારા આજે પણ અક્ષુણ્ણ રીતે વહી રહી છે. સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછી પણ ૫૦થી વધુ મહાકાવ્યો અને ૧૦૦થી વધુ નાટકો રચાયાં છે. સંસ્કૃત ભાષામાં અનેક પ્રકારનાં લખાણો થયાં છે. સાહિત્યમાં અપેક્ષિત તેવાં કાવ્ય, મહાકાવ્ય, નાટક, ચંપૂ (ગદ્ય અને પદ્યનું મિશ્રણ હોય તેવું કાવ્ય ચંપૂ કહેવાય) કથા, આખ્યાયિકા, પરિકથા, મુક્તક વગેરે. બીજી બાજુ સૂત્રસાહિત્ય, ભાષ્યો, સ્તોત્રો, પુરાણો વગેરેની પણ રચના વિપુલ પ્રમાણમાં થઈ છે. શાસ્ત્રીય ગ્રન્થોમાં પણ પ્રાંજલ ગદ્ય કે સુવ્યવસ્થિત કાવ્ય મળી આવે છે. વિશ્વની આ એકમાત્ર એવી ભાષા છે. જેમાં શાસ્ત્રગ્રન્થો પણ શ્લોકબદ્ધ રચાયા છે. આ ભાષાના શબ્દ-કોશો (Dictioneries) પણ પદ્યમાં છે. વિશ્વની અન્ય ભાષા-ઓના સંપર્કમાં આવ્યા પછી આજે આ ભાષામાં પ્રવાસકથા, પત્રલેખન, તેમજ ગઝલ, હાઈકુ, તાન્કા, સૉનેટ જેવા અન્ય ભાષામાં પ્રચલિત સાહિત્યપ્રકારો પણ એમાં રચાયા છે સંસ્કૃત સાહિત્યમાં નાટ્યક્ષેત્રે સૌપ્રથમ મહાકવિ ભાસની રચનાઓ આજે ઉપલબ્ધ છે. તેનાં તેર નાટકોમાં વિષયવૈવિધ્ય, પ્રકાર-વૈવિધ્ય અને સર્જનવૈવિધ્ય દૃષ્ટિગોચર થાય છે. તેનું ‘સ્વપ્નવાસવદત્તમ્’ નામનું નાટક આજના કોઈપણ સફળ માનસશાસ્ત્રીય નાટકની હરોળમાં બેસી શકે તેવું અદ્વિતીય છે. તેમની અસર મહાકવિ કાલિદાસ જેવા મહા-કવિઓએ પણ ઝીલી છે. રંગમંચની ટેકનીકની દૃષ્ટિએ ભાસની રચનાઓ સહુથી વધુ ઉપાદેય અને સ્વયંસંપૂર્ણ છે. સર્જક તરીકે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસનું નામ પ્રથમ હરોળમાં પણ પ્રથમ સ્થાન ધરાવે છે. એની વિશેષતા તેના જીવનદર્શનની અપરિમેયતામાં રહેલી છે. તેણે ભારતીય સંસ્કૃતિના વારસાને પચાવ્યો હતો, પોતાનો કર્યો હતો અને પોતાની કૃતિઓ દ્વારા પ્રજા સુધી પ્રસરાવ્યો હતો. ‘અભિજ્ઞાન શાકુન્તલ’ ‘વિક્રમોર્વશીય’ ‘માલવિકાગ્નિમિત્ર’ જેવી નાટ્યકૃતિઓ આજે પણ એટલી જ સ્પર્શી જાય તેવી છે. મહાકવિ કાલિદાસ પછી મહાકવિ ભવભૂતિનું નામ નાટ્યક્ષેત્રે અત્યંત પ્રભાવક રહ્યું છે. એની ત્રણ કૃતિઓમાંથી ‘ઉત્તર-રામચરિત’ અનેક દૃષ્ટિએ વિદ્વાનોમાં આવકાર્ય બન્યું છે ‘કરુણરસ તો ભવભૂતિ જ રેલાવી શકે’ એ ઉક્તિ આ નાટક વાંચતાં સાર્થક છે એવું સમજાય છે. આ પછી શુદ્રકનું ‘મૃચ્છકટિક’ વિશ્વનાગરિકોનું સ્થાન લઈ શકે તેવાં પાત્રો અને આજપણ સમસામયિકતા ધરાવે તેવા ‘વેશ્યાને કુલવધૂ થવાના કોડ’ જેવા વિષયને પરિણામે ભારતમાં જ નહિ વિશ્વમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેના પ્રયોગો ઠેર ઠેર થઈ રહ્યા છે. આ ઉપરાંત વિશાળદત્તનું ‘મુદ્રારાક્ષસ’ રાજકીય કાવાદાવાઓનું અદ્વિતીય નાટક છે તો પ્રણયની વાતોને બહેલાવતી હર્ષવર્ધનની ‘રત્નાવલી’ અને ‘પ્રિયદર્શિકા’ નામની નાટિકાઓ પણ નોંધપાત્ર છે. મહાભારતની યુદ્ધકથાને વિષય બનાવતા ભટ્ટ નારાયણના ‘વેણીસંહાર’નો પણ ઉલ્લેખ કરવો જ રહ્યો. મહાકાવ્યોમાં અશ્વઘોષનું ‘બુદ્ધચરિત’ અને ‘સૌંદરનંદ’, મહાકવિ કાલિદાસનાં ‘રઘુવંશ’ અને કુમારસંભવ’, ભારવિનું ‘કિરાતાર્જુનીય’ માઘનું ‘શિશુપાલવધ’ શ્રીહર્ષનું “નૈષધચરિત’ ઉપરાંત ભટ્ટ કાવ્ય હરવિજય વગેરે મહાકાવ્યો નોંધપાત્ર છે. આમાં મહાકવિ કાલિદાસનાં બે, અને ભારવિ, માઘ અને શ્રીહર્ષનું એક એક એમ પાંચ મહાકાવ્યોને સંસ્કૃતસાહિત્યનાં ‘પંચપ્રાણ’સમાં ગણવામાં આવે છે. મુક્તક કાવ્યોમાં મહાકવિ અમરુનું ‘અમરુશતક’ ભર્તૃહરિનાં ‘નીતિશતક’, શૃંગારશતક અને ‘વૈરાગ્યશતક’ તથા જગન્નાથના ‘ભામિનીવિલાસ’નો ઉલ્લેખ આનિવાર્ય છે. આ ઉપરાંત અસંખ્ય નાનાંમોટાં કાવ્યો કે છૂટાંછવાયાં મુક્તકોના ઢગલાઓ મળી આવે છે, જે જુદા જુદા કાવ્યોકોશોમાં કે શ્લોકસંગ્રહોમાં સચવાયા છે. મહાકવિ બાણનો અક્ષરપ્રબંધ ‘કાદંબરી’ એક અદ્વિતીય ગદ્યકાવ્યનો નમૂનો છે. ગદ્ય પણ આટલું પ્રાંજલ, પ્રૌઢ, પ્રશિષ્ટ અને પ્રભાવક હોવા ઉપરાંત કલ્પનાપ્રચુર અને કાવ્યમય હોઈ શકે એ ભાગ્યે જ માની શકાય તેવી વાત છે. કથા, કલ્પના, અલંકાર, શબ્દસમૃદ્ધિ, રચનાકૌશલ, અભિવ્યકિતની પ્રૌઢિ, જ્ઞાન-વિજ્ઞાનનો ખજાનો, અલંકારોની અખૂટ ખાણ આ બધું એકસાથે મહાકવિ બાણની ‘કાદંબરી’માં છે. આ ઉપરાંત બાણનું ‘હર્ષ-ચરિત’ સુબન્ધુની ‘વાસવદત્તા’ અને દંડીનું ‘દશકુમારચરિત’ પણ ગદ્યસાહિત્યની સુપ્રસિદ્ધ કૃતિઓ છે. આમાં ‘દશકુમારચરિત’માં સમાજનાં અવહેલિત કે ઉપેક્ષિત પાત્રોને સારું એવું સ્થાન પ્રાપ્ત થયું છે અને દંડી એક સારો કથાકાર છે તેથી તેની કૃતિ લોકપ્રિય બની છે. પાછળથી અનેક ગદ્યકૃતિઓની રચનાઓ થઈ છે પણ તે બધી આ ચાર કૃતિઓની સાહિત્યિક ગુણવત્તા આંબી શકી નથી. ગદ્ય સાહિત્યમાં બાણ અન્ય સૌ કરતાં દશ આંગળ ઊંચો રહેનારો મહાકવિ છે જેમ કાવ્યમાં મહાકવિ કાલિદાસ છે. સંસ્કૃત સાહિત્યમાં એક આકર્ષક બની રહે તેવો પ્રાણી-કથાઓની રચનાઓનો સાહિત્યપ્રકાર વિકસ્યો છે. વાસ્તવમાં આવી કથાઓ અન્યત્ર પણ છે પરન્તુ વિદ્વાનો એ વાત ઉપર સહમત થાય છે કે દુનિયાને પ્રાણીકથાઓની ભેટ આપનાર ભારતવર્ષ સૌથી પ્રાચીન અને પ્રથમ દેશ છે. પ્રાણીઓ સાહિત્યમાં પાત્ર બને તે વાત તો છેક ઋગ્વેદના સમયથી જોવામાં આવે છે. ઉપનિષદોમાં વાતો કરતા હંસ કે કૂતરાઓની વાતો છે. મહાભારતમાં તો પ્રાણીકથા છે જ, પણ આ પ્રકારનું ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓનું માન ‘પંચતંત્ર’ને ફાળે જાય છે. એના જેવી જ બીજી કૃતિ છે ‘હિતોપદેશ.’ ઉપદેશાત્મક કથાઓ-માં જીવનનું ચલણી ડહાપણ (Current wisdom of the life) જો જોઈતું હોય, ધર્મ, શાસ્ત્ર કે રાજનીતિ અથવા માનવવ્યવહારમાં નિપુણતા મેળવવી હોય તો આ કથાઓ કાન્તાસંમિત ઉપદેશ આપવામાં અજોડ છે. સંસ્કૃત સાહિત્યે વિશ્વસાહિત્યને અમરકૃતિઓ આપી છે. એમાં સાહિત્યપ્રકારોના અનેક પ્રયોગો થયા છે. આપણે આજ જેને નાટક કહીએ છીએ તેને સંસ્કૃતમાં રૂપક કહેવામાં આવે છે. ને ‘રૂપકો’ ૧૦ પ્રકારનાં છે. જેમાં સમવકાર જેવું રૂપક છે. સમવકારમાં અનેક નાટકો હોય અને અનેક નાયકોને સ્વતંત્ર ફળ હોય. બીજા શબ્દોમાં તે આજનું મહાનાટક છે. વળી ભાણ જેવું એકપાત્રી રૂપક છે, જેમાં ફક્ત એક જ પાત્ર રંગમંચ ઉપર આવે અને આખું હાસ્યપ્રધાન નાટક ભજવી જાય. ‘નાટક’ નામનાં રૂપક પ્રકારમાં રાજા, રાણી કે દેવ-દેવી નાયક-નાયિકા બને, તો પ્રકરણપ્રકારમાં રાજા-રાણી કે દેવ-દેવી સિવાયનાં પાત્રો નાયક-નાયિકા બને, નાયિકા વેશ્યા પણ હોઈ શકે. આમ સંસ્કૃત નાટક કેવળ રાજા-રાણીઓની કે તેમની રાજસભાઓની જ કથા છે એવો આક્ષેપ આધાર વગરનો છે. વેશ્યા, શુદ્ર, સંન્યાસિની, કુલટા, ગૃહિણી, ચોર, લુંટારુ, વેપારી, સજ્જન કે રાજા સૌ કોઈને આ નાટકમાં પાત્ર કે મુખ્યપાત્ર તરીકે સ્થાન મળ્યું છે. વાસ્તવમાં સંસ્કૃત નાટકમાં પ્રયોગવિજ્ઞાન અને પ્રયોગવૈવિધ્ય બંને ધ્યાન ખેંચે તેવાં છે. સંસ્કૃતનાં ઉપરૂપકો જોઈએ તો તેમાં ૨૭ પ્રકાર ગણાવ્યા છે. પ્રકારવૈવિધ્ય દર્શાવવા માટે આ દૃષ્ટાંત પર્યાપ્ત છે. આજે આપણી વિટંબણા એ છે કે એ પ્રકારોનાં ઉદાહરણો આપણી પાસે ઉપલબ્ધ નથી. મોટાભાગનાં તો કેવળ નામો જ આપણી પાસે છે. સંસ્કૃત નાટકની એક અન્ય વિશેષતા નોંધવી રહી. સંસ્કૃત નાટક ગીત, સંગીત અને નૃત્ય વિના સંભવી શકે નહિ. ભરત મુનિના ‘નાટ્યશાસ્ત્ર’ નામના ગ્રન્થમાં નાટક કેમ ભજવવું જોઈએ તેની વિસ્તૃત ચર્ચા છે. તેમાં નૃત્યમુદ્રાઓથી માંડીને કયા કયા ભાવો કેવી રીતે વ્યકત કરવા તેની વિગતપ્રચુર ચર્ચા છે. નાટ્યની ભજવણી કેમ કરવી તે માટેનો આવો શાસ્ત્રીય ગ્રન્થ આજે પણ દુર્લભ છે એમ કહી શકાય. જેમ નાટ્યક્ષેત્રે તેમ કવિતાના ક્ષેત્રે પણ સંસ્કૃતસાહિત્યનું પ્રદાન વિપુલ છે. અલબત્ત, આરંભની રચનાઓમાં સરળ અને સહજ કવિતા હતી. પાછળથી તેમાં સહજતાનું સ્થાન કૃત્રિમતાએ લીધું. અર્થને બદલે શબ્દ પ્રધાન બન્યો. હૃદયસ્પર્શિતાને સ્થાને મસ્તિકસ્પર્શિતા આવી. પરિણામે કવિતાના સમજનાર, માણનાર તરીકે વિદ્વાન કેન્દ્રમાં આવ્યો. પ્રસ્વેદપ્રાપ્ત કવિતામાં સભાનતાપૂર્વકની કૃત્રિમતા આવી. વિદ્વાનો એને પંડિતયુગની કવિતા ગણાવે છે. આ યુગનાં કાવ્યોમાંથી કાવ્યતત્ત્વ ગયું અને શાસ્ત્રીયતા વધી. બહુજન સમાજથી સાહિત્ય વિમુખ બન્યું. આ તેનું સ્વાભાવિક પરિણામ હતું. બીજી બાજુ મોગલયુગમાં સાહિત્યનું સ્થાન શાસ્ત્રોએ લેવા માંડ્યું. વિવેચનનું જોર વધ્યું. વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાન્ત જેવા વિષયો પ્રત્યેનું વિદ્વાનોનું આકર્ષણ વધ્યું. કવિતા કેવળ કહેવાતા કેટલાક પંડિતોના હૃદયની કેદી બની ગઈ અને પછી તેના પતનના યુગનો પ્રારંભ થયો. પરિણામે ઉત્તમ સાહિત્ય કહી શકાય અને આજેપણ સાહિત્યનાં શાશ્વત મૂલ્યોનો સ્પર્શ પામી શકે તેવી રચનાઓ નહિવત્ બની ગઈ. આ વાતને સંસ્કૃત સાહિત્યના વિદ્વાનો કેટલાક યુગો દ્વારા દર્શાવે છે, એ સંદર્ભમાં જોઈએ. આરંભનું વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એવા તબક્કાઓમાં વિકસ્યું છે એવો સામાન્ય મત છે. ઉપનિષદો વેદના અંતભાગમાં આવતાં હોવાથી વેદાન્ત – (વેદ+અન્ત) એવા નામથી ઓળખાય છે. આ શબ્દનો બીજો ઉપાદેય અર્થ થાય છે વેદ એટલે જાણવાની વસ્તુ અને તેનો અંત-છેડો આવી ગયો, જાણવા જેવું બધું જેનાથી જણાઈ ગયું તે ‘વેદાન્ત’ કહેવાય. વેદાન્ત પછી આવ્યું વેદાંગ સાહિત્ય. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ અને છંદ. આ છને વેદનાં અંગો હોવાથી વેદાંગ કહેવામાં આવે છે. આ પછી સૂત્ર-સાહિત્ય આવ્યું છે. જેમાં ઘણા થોડા શબ્દોમાં સંક્ષેપમાં સારભૂત રીતે કહી દેવી. એ યુગમાં મુદ્રણકલાનો આજ જેવો વિકાસ થયો ન હતો તેથી બધું મોઢે-કંઠસ્થ જ રાખવું પડતું હતું. આથી આ સૂત્ર-સાહિત્યની પદ્ધતિ અમલમાં આવી જે ગુરુપરંપરાથી મુખપાઠ રાખવામાં સરળ અને અત્યંત મદદરૂપ હતી. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્ત એવાં છ એ દર્શનોનાં સૂત્રો મળે છે. વળી, પ્રાતિશાખ્ય, વ્યાકરણ વગેરે ગ્રન્થો પણ સૂત્રશૈલીમાં રચાયા. સમયના વહેણ સાથે આ સૂત્રોના અર્થો માટે પ્રશને ઊભા થતાં તેનાં ભાષ્યો રચાયાં. અને ક્યાંક તો સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા કે તેના અનેક અર્થો થઈ શકે -ને પરિણામે અનેક અર્થઘટનો પણ અસ્તિત્વમાં આવ્યા. સાહિત્યના ક્ષેત્રે આરંભનો યુગ શૈલીની દૃષ્ટિએ – રામાયણની અને કથાનકની દૃષ્ટિએ મોટેભાગે મહાભારતની અસર નીચે ખેડાયો. આ યુગમાં ભાસની રામાયણ કે મહાભારતને આધારે થયેલી રચનાઓ કે કાલિદાસની રામાયણ-મહાભારતની અસર નીચે રચાયેલી કૃતિઓ ઉદાહરણરૂપ છે. આ કાલને વિદ્વાનો સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષકાલ ગણાવે છે. જેમાં આ સાહિત્ય તેની ચરમ સીમાએ પહોંચ્યું. અહીં કવિતા સાચા અર્થમાં પાંગરી, પ્રસરી, અહીં શબ્દોની ભરમાર નથી કેવળ અલ્પસમાસ કે અસમાસવાળી રચનાઓ સીધી જ હૃદયને સ્પર્શી જાય છે. આ યુગમાં મહાકવિ કાલિદાસ, અશ્વઘોષ, માતૃચેટ, આર્યશૂર જેવા કવિઓ અને ભાસ, શૂદ્રક જેવા નાટ્યકારોનો સમાવેશ કરવામાં આવે છે. સરળ ભાષા, સચોટ કલ્પના, મધુરછંદ, રમણીયાર્થપ્રતિપાદક પદાવલી આ આ યુગની વિશેષતા છે. આ પછી આવ્યો થોડીક કૃત્રિમતાનો યુગ. એ પંડિતયુગ તરીકે ઓળખાય છે. બુદ્ધિચાતુરીનો, અને વિદ્વત્તાનો પ્રયોગ તેમજ ગ્રન્થ-ગ્રંથિઓ યોજીને કૃતિને વધુ અઘરી બનાવવાનો પ્રયોગ આગળ તરી આવે છે. આથી સામાન્ય વાચક નહીં પણ અધિકારી વર્ગ જ તે વાંચી શકે એવું થયું. પરિણામે આ સાહિત્ય લોકાભિમુખ રહેવાને બદલે લોક-વિમુખ બન્યું. શબ્દોની રમત, કૃત્રિમબંધો અને અનુલોમ તથા પ્રતિલોમ પ્રકારની રચનાઓ થવા માંડી. ‘રાઘવપાંડવીય’ જેવાં કાવ્યો એક બાજુ તો બીજી બાજુ વ્યાકરણ અને રામાયણ કથાને એકસાથે વ્યક્ત કરતા ભટ્ટીકાવ્ય જેવાં કાવ્યો-મહાકાવ્યો અસ્તિત્વમાં આવ્યાં. આ પછી મુસલમાનોના હુમલાઓથી જીવન અસ્તવ્યસ્ત થવા માંડ્યું. પ્રાદેશિક ભાષાઓનો ઉદય થયો. ભક્તોએ જીવનને બીજી દિશામાં વાળ્યું અને આદિ શંકરાચાર્ય અને તેમના પછી આવેલી આચાર્ય પરંપરાએ ભાષ્ય કે સ્તોત્રો જેવું અદ્ભુત સાહિત્ય આપ્યું પરંતુ, નાટક-મહાકાવ્ય જેવી રચનાઓમાં શિથિલતા આવી. આ યુગને વિદ્વાનો ‘અપકર્ષકાલ’, ‘અવનતિ-કાલ’ જેવાં નામો આપે છે. ન્યાય, નવ્યન્યાય, મીમાંસા, વેદાન્ત, વ્યાકરણ અને સાહિત્યશાસ્ત્રના અદ્વિતીય ગ્રન્થો આપણને મોગલકાળ દરમ્યાન મળ્યા છે. આમાં પંડિતરાજ જગન્નાથ છેલ્લો આલંકારિક છે. આજ હવે ફરીથી સંસ્કૃત સાહિત્યમાં અનેક અવનવા પ્રયોગો સાથે જે રચનાઓ થવા માંડી છે તે કેટલેક અંશે ઉત્સાહપ્રેરક છે. ગૌ.પ.