ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારીપાઠ

Revision as of 04:51, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નારીપાઠ/નારીવેશ : ઓગણીસમી સદીની શરૂની રંગભૂમિ સાથે સંકળાયેલા ગુજરાતી જનમાનસમાં નાટક કરનારને હલકા ગણવાની વૃત્તિ દૃઢ હોવાથી ગુજરાતી તખ્તા પર સ્ત્રીભૂમિકામાં કોઈ અભિનેત્રીનું આવવું મુશ્કેલ હતું. સ્ત્રીઓને તો નાટક જોવાની પણ મનાઈ હતી. સમાજની આવી મનોદશા વચ્ચે નટી ન મળતાં સ્ત્રીનો પાઠ પુરુષોએ જ કરવાનો રહેતો. નાટકની કલાની સૃષ્ટિમાં અન્ય સ્વીકૃતિની જેમ પ્રેક્ષકોએ આ પરિસ્થિતિનો પણ સ્વીકાર કરેલો. લોકનાટ્યની જેમ ગુજરાતની શરૂની ધંધાદારી નાટ્યમંડળીઓમાં નારીપાઠ સર્વસામાન્ય હતો. નારીપાઠમાં પ્રતિષ્ઠા પામનાર જયશંકર ‘સુંદરી’નું ઉદાહરણ અત્યંત જાણીતું છે. ચં.ટો.