ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેશનલ બૂક ટ્રસ્ટ

Revision as of 05:10, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નેશનલ બૂક ટ્રસ્ટ : પુસ્તક-પ્રકાશનને ક્ષેત્રે દેશની સૌથી મોટી પ્રકાશનસંસ્થા. વિવિધ ક્ષેત્રનાં અને વિવિધ વયનાં પ્રજાજૂથોને પુસ્તકાભિમુખ કરવા માટે ૧૯૭૫માં કેન્દ્ર સરકારના શિક્ષણ અને સમાજકલ્યાણ મંત્રાલય તરફથી આ સ્વાયત્ત સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થા હિન્દી, અંગ્રેજી અને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પુસ્તકો તૈયાર કરે છે. આ અંગે ‘ધ લેન્ડ ઍન્ડ ધ પિપલ’, ‘આદાનપ્રદાન’, ‘નહેરુ બાલ પુસ્તકાલય’, ‘નેશનલ જ્યોગ્રાફી’, ‘પોપ્યુલર સાયન્સ’ ‘યંગ ઇન્ડિયા લાયબ્રેરી’, ‘ફૉક્લોર ઑવ ઇન્ડિયા’, ‘વર્લ્ડ ઑવ ટુ-ડે’ એડહોક શ્રેણી જેવી અનેક એની શ્રેણીઓ છે. મૂળ પુસ્તકો, પુનર્મુદ્રિત અને અનુવાદિત પુસ્તકો મળીને આ સંસ્થાનાં પ્રકાશિત પુસ્તકોની પાંચેક હજાર જેટલી સંખ્યા થવા જાય છે. ટેક્નિકલ વિષયોમાં યુનિવર્સિટી કક્ષાનાં પાઠ્યપુસ્તકો માટે પ્રકાશકોને સહાય કરે છે. ગ્રામીણ વાચકોમાં પુસ્તક-રસ વિકસે એ માટે અને બાળકોનાં પુસ્તકોને પ્રોત્સાહન મળે એ માટે એની યોજનાઓ છે. આ સંસ્થા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુસ્તકમેળાઓનું કે પુસ્તક-પ્રદર્શનોનું આયોજન પણ કરે છે. ચં.ટો.