ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુનરુત્થાનકાળ

Revision as of 07:26, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



પુનરુત્થાનકાળ (Renaissance) : સમગ્ર યુરોપમાં ચૌદમીથી સત્તરમી સદી સુધી વ્યાપી વળેલો નવજાગૃતિનો આ કાળ ‘મધ્યકાળના મૃતસમુદ્રના કાંઠા પર ઉપેક્ષિત’ જે કાંઈ હતું તેમાં નવો પ્રાણસંચાર કરવાનું કાર્ય કરે છે; અને મધ્યકાળને અર્વાચીનકાળમાં સંક્રાન્ત કરે છે. જીવનના દરેક ક્ષેત્રમાં થયેલી નવી શોધો અને વહેતા નવા પ્રવાહોએ પ્રકૃતિ અને વિશ્વના સ્વરૂપ વિશેના મનુષ્યના વિચારોને ધરમૂળથી બદલી નાખ્યા. બૌદ્ધિક અને સાંસ્કૃતિક કાયાપલટમાં અજ્ઞાનપણું, સંકુચિતપણું પછાતપણું, અંધશ્રદ્ધા, અસંસ્કૃતતા દૂર થયાં અને એનું સ્થાન જ્ઞાન, ઉદારતા પ્રગતિશીલતા, મુક્તવિચારશક્તિ અને સંસ્કૃતતાએ લીધું. મુદ્રણકલા, કોપરનિકન ખગોળવિદ્યા, નવી ટેક્નોલોજીથી સુગમ પ્રવાસો, વેપારના નવા માર્ગો, અમેરિકાની શોધ, સામન્તશાહીમાં મનુષ્યને વ્યક્તિ તરીકે ન-ગણ્ય ગણતી જીવનદૃષ્ટિમાં આવેલું અમૂલ પરિવર્તિન, નગરોનો વિકાસ – આ બધાંને કારણે અર્વાચીન પશ્ચિમ જગતનો પ્રારંભ થયો. ગ્રીક અને રોમન અભ્યાસમાં રુચિ વધતાં પ્રશિષ્ટ રચનાઓ પૂર્ણતાનો આદર્શ બની અને એ રચનાઓનું અનુસરણ મુખ્ય ધ્યેય બન્યું. આ ગાળાના ચિત્રકારો, શિલ્પીઓ, સ્થપતિઓની સિદ્ધિઓનું સર્વેક્ષણ દર્શાવે છે કે ઉત્તમ સર્જનાત્મક પ્રવૃત્તિ અપૂર્વ રીતે વિસ્તરી. માયક્લ એન્જેલો, રાફીલી, લિયોનાર્દો વિન્સીની અનન્ય સિદ્ધિ જગજાહેર છે. મુદ્રણકલા અને પ્રશિષ્ટ કૃતિઓના અભ્યાસને કારણે સાહિત્યક્ષેત્રે નવી ક્રાંતિ ઉદ્ભવી. એનો પ્રારંભ ઇટાલીમાં પેટ્રાર્ક અને દાન્તેથી થયો. બોકાસિયો અને માક્યાવેલી એને અનુસર્યા. નેધરલેન્ડમાં ઈરાસમુસ, ફ્રાન્સમાં મોન્તેન અને રાબ્લે, સ્પેનમાં લોપ દ વેગા અને સર્વાન્તિસ, ઇન્ગલેન્ડમાં સર થોમસ મોર, સર થોમસ વાયટ, એડમન્ડ સ્પેન્સર, સર ફિલીપ સિડની, શેક્સપિયર, સર ફ્રાંસિસ બેકનનું કામ આગળ તરી આવ્યું. સગવડ ખાતર ઇતિહાસકારોએ આ ગાળાને પ્રારંભિક, ઉગ્ર અને અંતિમ પુનરુત્થાનકાળમાં વહેંચ્યો છે. ચં.ટો.