ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રકક્ષકગણ

Revision as of 08:56, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેક્ષકગણ (Audience) : પ્રચલિત અર્થમાં કલાનાં દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપો જેવાં કે નાટ્ય, નૃત્ય, કાવ્યપઠન આદિની રજૂઆત દરમ્યાન ઉપસ્થિત જનસમૂહ. નાટ્યેતર સાહિત્યસ્વરૂપોની સરખામણીમાં નાટક સંબંધે પ્રેક્ષકની ભૂમિકા વિશેષ છે. તેનું મુખ્ય કારણ ભાવક(પ્રેક્ષક)ની જીવંત ઉપસ્થિતિ, અને તેથી કલાકૃતિ અને પ્રેક્ષક વચ્ચે સ્થપાતો સીધો સંબંધ છે. ભરતમુનિ નાટ્યપ્રયોગને લોકધર્મી અને નાટ્યધર્મી એવા બે પ્રકારમાં વહેંચે છે ત્યારે પહેલા પ્રકારમાં નાટ્યસ્વરૂપ પરત્વે પ્રેક્ષકની વિશેષ ભૂમિકા અને તેના મહત્ત્વનો તેઓ સ્વીકાર કરે છે. યુરોપમાં જર્મન નાટ્યલેખક બ્રેસ્તનાં નાટકોમાં નટ દ્વારા પ્રેક્ષકોને સીધા સંબોધવાની શૈલી (જેમાં લોકનાટ્ય ભવાઈનાં લક્ષણો પણ જોઈ શકાય) દ્વારા બીજા વિશ્વયુદ્ધ પછીની વિશ્વ રંગભૂમિને મહત્ત્વનો વળાંક અપાયો છે. બ્રેખ્તનાં નાટકોમાં રૂપાન્તરો ઉપરાંત સાંપ્રત રંગભૂમિમાં પ્રેક્ષક-નાટકના સંબંધનો વિશેષ વિનિયોગ પ્રચારમાં આવ્યો છે. પ.ના.