ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બૌદ્ધધર્મ

Revision as of 11:21, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



બૌદ્ધધર્મ : બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધે ભૌતિક સુખો અને સ્વર્ગકામના માટે થતા યજ્ઞ-યાગાદિ ક્રિયાકાંડો, નિર્ગ્રંથોનો તથાકથિત ક્રિયાવાદ અને અન્ય શ્રમણપંથોની પરસ્પર વિરોધી ધારણાઓનું ગહન વિશ્લેષણ કરીને ચાર આર્ય સત્ય, આર્ય અષ્ટાંગિક માર્ગ, પ્રતીત્ય સમુત્પાદ, અનાત્મવાદ, શૂન્યવાદ, અનીશ્વરવાદ, કર્મફળનો પરિપાક અને નિર્વાણ વગેરે સિદ્ધાન્તોનું પ્રતિપાદન કર્યું છે. તેમનું જ્ઞાનદર્શન કેવળ મોક્ષપ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરનારું ન હતું પરંતુ તે સમયની પ્રચલિત ધાર્મિક વિચારધારાઓમાં ક્રાન્તિકારી પરિવર્તન, સામાજિક સંરચનાનું પુન :નિર્માણ અને નવાં જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા માટે પ્રેરક જીવનદૃષ્ટિ આપનારું હતું. ગૌતમબુદ્ધે ધર્મરહસ્યના સારરૂપ દુઃખ, દુઃખસમુદય, દુઃખનિરોધ અને દુઃખનિરોધગામિની પ્રતિપદ – એમ ચાર આર્યસત્યો નિર્દેશ્યાં છે. તે દુઃખની અનિવાર્યતા જોઈ શક્યા હતા. તેમણે કહ્યું કે જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ, અપ્રિયનો યોગ અને પ્રિયનો વિયોગ – એ સર્વ દુઃખમય છે. સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપ વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન પ્રત્યેની આસક્તિ દુઃખરૂપ છે. પાંચ ઉપાદાનસ્કંધ, પ્રતીત્ય સમુત્પન્ન છે. કારણના સદ્ભાવમાં ઉત્પત્તિ અને અસદ્ભાવમાં ઉત્પત્તિનો અભાવ દર્શાવનાર પ્રતીત્ય સમુત્પાદનાં બાર અંગ છે : અવિદ્યા > સંસ્કાર > વિજ્ઞાન > નામરૂપ > ષડાયતન > સ્પર્શ > વેદના > તૃષ્ણા > ઉપાદાન > ભવ > જાતિ > જરા > મરણ. આ પરસ્પર ઉત્પત્તિના કારણરૂપ બનનાર શૃંખલા દુઃખનું નિમિત્ત બને છે. સુખ અસ્થિર હોઈને અંતે દુઃખમાં પરિણમે છે, આથી તેની ગણના પણ દુઃખમાં જ થાય છે. આ દૃષ્ટિને કારણે સમગ્ર જગત દુઃખનો અનાદિ પ્રવાહ માત્ર છે. આ દુઃખનો, સમુદય અર્થાત્ કારણ હોય છે. દુઃખનું કારણ કામ, ભવ અને વિભવ એ ત્રણ પ્રકારની તૃષ્ણા છે. તેમાં પણ છ ઇન્દ્રિયોજનિત કામતૃષ્ણા પ્રાણીઓની પુન : પુન : ઉત્પત્તિનું નિમિત્ત બને છે. દુઃખનિરોધ અર્થાત્ત દુઃખનો નાશ. તૃષ્ણાઓ અને પ્રતીત્ય સમુત્પાદના દરેક ધર્મને જાણીને તેનો સંપૂર્ણતયા નિરોધ કરવાથી દુઃખનો નાશ થાય છે. દુઃખ નિરોધગામિની પ્રતિપદ એટલે દુઃખના ક્ષય તરફ લઈ જનારો માર્ગ. ગૌતમ બુદ્ધપ્રેરિત આ માર્ગ મધ્યમાર્ગ અથવા આર્ય અષ્ટાંગિક માર્ગ તરીકે જાણીતો છે. દેહ અને આત્માનું દમન કરનારી અતિકઠોર તપશ્ચર્યા કે અતિભોગવિલાસ આ બંને અંતોનો ત્યાગ કરીને સંયમ અને સદાચારનો મધ્યમમાર્ગ તેમણે ઉપદેશ્યો છે. આ સંદર્ભમાં તેમણે સાડત્રીસ બોધિપાક્ષિક ધર્મોનો બોધ કર્યો છે. ચાર સ્મૃતિપ્રસ્થાન, ચાર સમ્યક્પ્રધાન, ચાર ઋદ્ધિપાદ, પાંચ ઇંદ્રિયો, પાંચ બળ, સાત બોધિઅંગ અને આર્ય અષ્ટાંગિક માર્ગ. તેમાંથી આર્ય અષ્ટાંગિક માર્ગ બૌદ્ધધર્મની આચાર-મીમાંસાનું મહત્ત્વ નિદર્શન છે. તેનાં આઠ અંગો છે : સમ્યક્દૃષ્ટિ, સમ્યક્સંકલ્પ, સમ્યક્વચન, સમ્યક્કર્માન્ત, સમ્યક્આજીવ, સમ્યક્વ્યાયામ, સમ્યક્સ્મૃતિ અને સમ્યક્સમાધિ. સર્વ અંગોમાં સમ્યક્દૃષ્ટિ પૂર્વગામી બને છે. તેના ત્રણ અર્થ છે : ધર્મમાં શ્રદ્ધા, કુશળ તથા અકુશળ કર્મોનો તેમજ તેનાં પરિણામોનો વિવેક અને ચાર આર્ય સત્યોનો સાક્ષાત્કાર. સમ્યક્સંકલ્પ એટલે ચાર આર્ય સત્યોની શ્રદ્ધાને અનુરૂપ તૃષ્ણારહિતતા, અદ્રોહ અને અહિંસાના પાલન માટેનો દૃઢ નિશ્ચય. સમ્યક્વાણી એટલે અસત્ય અને કઠોર વચનનો ત્યાગ કરીને સત્ય પણ મધુર વાણી બોલવી. અન્યને દુઃખ થાય તેવાં કાયિક, વાચિક અને માનસિક અકુશળ કર્મોનો ત્યાગ અને કુશળ કર્મોનું પાલન તે સમ્યક્કર્મ છે. શસ્ત્ર, પ્રાણી, વિષ, મદ્ય, માંસાદિના વ્યાપારનો અને ચોરી, વધ, વંચના અને લાંચ દ્વારા મળતી સંપત્તિનો ત્યાગ કરીને સત્ય માર્ગે મેળવેલી આજીવિકા સમ્યક્આજીવિકા છે. સમ્યક્વ્યાયામ એટલે અકુશળ મનોવૃત્તિઓને ક્ષીણ કરીને કુશળ ધર્મોને પ્રાપ્ત કરવા અને ટકાવવા માટે કરવામાં આવતો પ્રયત્ન. સાધનામાર્ગમાં સાવધાની, અપ્રમાદ અને જાગૃતિ હોવી તે સમ્યક્સ્મૃતિ છે. કુશળ મનોવૃત્તિઓમાં ચિત્તનું પ્રતિષ્ઠિત થવું તે સમ્યક્સમાધિ છે. તેમાં ચાર રૂપાવચર ધ્યાનનો સમાવેશ થાય છે. આર્ય શ્રાવક ચાર ધ્યાનની પ્રાપ્તિથી રાગ, અવિદ્યા અને અનુશયોનો ત્યાગ કરીને આસ્રવરહિત બનીને અરૂપાવચર ધ્યાન માટે ચિત્તને તત્પર કરે છે. તેના પ્રત્યયરૂપ ચાર આયતન છે. આકાશાનન્ત્ય, વિજ્ઞાનાનન્ત્ય, આકિંચન્ય અને નૈવસંજ્ઞાના સંજ્ઞા, આ આઠ ધ્યાનો સિદ્ધ થતાં સાધક નિર્વાણનો અનુભવ કરે છે. નિર્વાણ એ આત્યંતિક દુઃખવિમુક્તની અવસ્થા છે. તેમાં સર્વ સંસ્કારોનું ઉપશમન થાય છે. ગૌતમ બુદ્ધે આત્મવાદનો અસ્વીકાર કરીને જણાવ્યું કે આત્મા, પુદ્ગલ, ચેતના, જીવ વગેરે શબ્દો દ્વારા નિર્દિષ્ટ તત્ત્વ કોઈ સ્વતંત્ર, શાશ્વત સત્તા નથી; યોગ્ય ભૂમિકામાં સ્કંધોના સંયોગથી ઉત્પન્ન થતી શક્તિ છે, જેને તે વિજ્ઞાન, સંસ્કાર, ચિત્તપ્રવાહ કે સંતતિ કહે છે. પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન અને વિલીન થવા છતાં ચિત્તનો આ પ્રવાહ શરીરની ચેતનાવસ્થામાં અને મૃત્યુ બાદ પણ અક્ષુણ્ણ રહે છે. આ અનાત્મવાદની સાથે તેમણે શાશ્વતવાદ અને ઉચ્છેદવાદની વચ્ચેનો મધ્યમ માર્ગ સ્વીકારીને ક્ષણભંગુરવાદનું પણ પ્રતિપાદન કર્યું છે. દરેક વસ્તુમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થતું રહે છે. જેને આપણે સ્થિર કે નિત્ય માનીએ છીએ તે અનેક લગભગ સમાન જણાતી ક્ષણિક વસ્તુઓની શૃંખલા છે. પ્રતીત્ય સમુત્પાદના નિયમથી એકબીજા સાથે કાર્યકારણ ભાવે જોડાયેલી હોય છે. આ પ્રકારના સાતત્યભાવને સંતતિ કહે છે. બૌદ્ધધર્મ નિત્ય આત્માનો સ્વીકાર કરતો ન હોવા છતાં કર્મફળ અને પુનર્જન્મને માને છે, પણ જીવનમાં આવતાં સુખદુઃખના કર્તા તરીકે ઈશ્વર અને નિયતિ હોવાની વાત તેને માન્ય નથી. મનુષ્યનાં શુભઅશુભ સંકલ્પો અને કર્મો જ તેના જીવનને ઘડે છે. બૌદ્ધદર્શનનાં મૂળભૂત તત્ત્વો શીલ, સમાધિ અને પ્રજ્ઞા છે. સર્વ પ્રકારનાં દુષ્કૃત્યોમાંથી વિરતિ તે શીલ છે. સદ્વિચારમાં ચિત્તને એકાગ્ર કરવું તે સમાધિ છે. સર્વ દ્વંદ્વાત્મક સ્થિતિમાં ઇષ્ટ-અનિષ્ટ વચ્ચે સમભાવ સ્થપાય છે, ત્યારે સાધક પ્રજ્ઞાવાન બને છે. આ શિક્ષાત્રયમાં સર્વ બૌદ્ધસાધનાનો સમાવેશ થાય છે. ચાર બ્રહ્મવિહાર એટલે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના – વિશ્વશાંતિને ઝંખતા માનવસમાજને બૌદ્ધધર્મે કરેલું મહત્ત્વનું પ્રદાન છે. બૌદ્ધધર્મ આરંભમાં મુખ્ય બે સંપ્રદાયો – મહાયાન અને હીનયાનમાં વિભક્ત હતો. સમય જતાં તેના અનેક ફાંટાઓ પડ્યા. બૌદ્ધદાર્શનિક ચિંતનના છ સંપ્રદાયો મુખ્ય છે : થેરવાદ, વૈભાષિક, સૌત્રાન્તિક, માધ્યમિક (શૂન્યવાદ), વિજ્ઞાનવાદ અને બૌદ્ધન્યાય. ગૌતમબુદ્ધે, પોતે મંત્ર, જપ કે પ્રતિમાનો સ્વીકાર કર્યો ન હતો. પરંતુ લગભગ સાતમી સદીથી તાંત્રિક બૌદ્ધસાધનાનો પ્રચાર-પ્રસાર વધ્યો હતો. તેના ત્રણ પ્રકાર છે : વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન. રાજ્યાશ્રય પામીને બૌદ્ધધર્મનો ભારતમાં અનેક રીતે વિકાસ થયો હતો. પરંતુ તેની અવનતિ માટે અન્ય નિમિત્તોની સાથે આ તાંત્રિક બૌદ્ધસાધના મુખ્યત્વે કારણરૂપ બની. લગભગ ૧૨૦૦-૧૨૫૦માં ભારતમાંથી બૌદ્ધધર્મનો લોપ થયો. પોતાની જન્મભૂમિમાંથી લુપ્તપ્રાય થઈ ગયેલો બૌદ્ધધર્મ ભારતની સીમા ઓળંગીને શ્રીલંકા, બર્મા, થાઈલેન્ડ, કમ્બોડિયા, નેપાલ, તિબેટ, ચીન અને જાપાન વગેરે દેશોમાં પ્રચાર પામ્યો હતો. તે સાથે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ પ્રસરાવ્યો હતો. શિલ્પ-સ્થાપત્ય-ચિત્ર, વગેરે કલાના ક્ષેત્રમાં પણ બૌદ્ધધર્મે મહત્ત્વનું પ્રદાન આપ્યું છે. ગૌતમબુદ્ધની દાર્શનિક વિચારધારા અને ધર્મશાસનનું સંકલન પાલિ ભાષાના ત્રણ ત્રિપિટકના ગ્રન્થોમાં થયું છે. નિ.વો.