ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રતિબદ્ધતા

Revision as of 05:45, 29 November 2021 by Amee (talk | contribs)


સાહિત્ય અને પ્રતિબદ્ધતા : કોઈ સામાજિક-રાજકીય વિચાર-સરણીને, કોઈ વાદને, કોઈ વર્ગવિશેષનાં હિતોને કે માન્યતાઓને એક વ્યક્તિ તરીકે સ્વીકારતો અને પુરસ્કારતો લેખક એને પોતાની સાહિત્યકૃતિનો પણ કેન્દ્રિય વિષય કે એનું મુખ્ય પ્રયોજન બનાવે ત્યારે પ્રતિબદ્ધતાનો સાહિત્યમાં પ્રવેશ થાય છે. અમુક સામાજિક કે સાંસ્કૃતિક પરિસ્થિતિઓ કેટલાક વર્ગોની – જેમકે નીગ્રોની, દલિતોની, શોષિત સ્ત્રીઓની દારુણ વેદના માટે કારણરૂપ બનતી હોય ત્યારે આવી વ્યાપકરૂપની માનવીય સંવેદના સાહિત્યનો વિષય બનવી જ જોઈએ, આવા વર્ગવિદ્રોહ કે વિરોધનું સાહિત્ય એ પણ સાહિત્ય છે – એવા આગ્રહો ને માન્યતાઓ ધરાવનારાઓ પ્રતિબદ્ધ સાહિત્યની આવશ્યકતા પર ભાર મૂકતા હોય છે. માર્ક્સવાદી ચિંતને તથા માર્ક્સવાદી સાહિત્યવિવેચને સાહિત્યમાં પ્રતિબદ્ધતા અંગે એક લાક્ષણિક સભાનતા ઊભી કરી. યંત્રવિજ્ઞાને માણસનું પણ વિક્રય-વસ્તુરૂપે હૃસ્વીકરણ કર્યું એ સ્થિતિ સામાજિક ચિંતકો તેમજ સાહિત્યવિચારકો બંને માટે સરખી ચિંતાનો વિષય બની. શોષકવર્ગનાં વ્યથા અને આક્રોશ ઉપર ઊપસી આવ્યાં. એથી સાહિત્ય એ સામાજિક-રાજકીય વિચારણા નિરપેક્ષ હોય, કેવળ કલાપરક કે સૌન્દર્યપરક હોય એને બદલે સમસ્યાલક્ષી વલણોની સંડોવણીથી એ પ્રવર્તતું હોય, મંતવ્યપરક હોય એવો દૃષ્ટિકોણ ઊભરવા લાગ્યો. સાહિત્યનો પ્રભાવ રસકીય આનંદને બદલે વિદ્રોહ માટેની સર્વસંમતિની સમસ્યાઉકેલની સામાજિક ઉપયોગિતાની દિશામાં પ્રસરે એ લક્ષ્ય પ્રતિબદ્ધ સાહિત્યનું રહ્યું. વિચાર, વાદ, મઠ ઉપરાંત શૈલી, રીતિ આદિની પૂર્વપરંપરા સાથે દૃઢબંધ રહેતું ઉદ્દેશલક્ષી, ક્યારેક પ્રગટ પ્રચારાત્મક લખાણ એ પ્રતિબદ્ધ સાહિત્ય – એવી એની ઓળખ સ્પષ્ટ થઈ. ગુજરાતીમાં સુધારકયુગની કવિતામાં ને વિશેષે સુધારક – પંડિતયુગનાં કેટલાંક નાટકોમાં સામાજિક પ્રતિબદ્ધતાનું એક સંયત રૂપ ઊપસેલું. એ પછી ગાંધીયુગમાં ભાવનાશીલ અને વિચારકેન્દ્રી પ્રતિબદ્ધતા મુખર રૂપે ઊઘડેલી, એ પછી પેટલીકર જેવાની નવલકથાઓમાં સામાજિક વ્યવહારોના વાસ્તવને મંદરૂપે ઉપસાવતી વિનીત પ્રતિબદ્ધતા અને આધુનિક સમયમાં દલિત સાહિત્ય અને સ્ત્રીશોષણની નવલકથામાં તારસ્વરે આલેખાયેલા આક્રોશમાં પ્રતિબદ્ધતાનું વિલક્ષણ રૂપ ઊપસેલું છે. પ્રતિબદ્ધ એટલે કંઠીબદ્ધ એ મુદ્દા પર સાહિત્યમાંની પ્રતિબદ્ધતાનો વિરોધ થયો છે. દૃઢ પ્રતીતિઓવાળા વિદ્રોહને બદલે તત્પૂરતી ઊભી થયેલી, સપાટી પરની પ્રતિક્રિયાઓ પ્રકાશવર્તુળમાં આવતી હોવાને લીધે પ્રતિબદ્ધતા ચિરંજીવને બદલે તત્કાલીન બની રહે, સાહિત્યને મોકળું રાખવાને બદલે કુંઠિત કરે, કળાકીય સ્વાયત્તતાને બદલે સીમિતતા અને પરાધીનતાને નોતરે એ ભયસ્થાન દેખાવા લાગ્યું. સાહિત્ય જેવા મર્મસ્પર્શી, અને એથી શક્તિશાળી માધ્યમને વાદ-વિચાર-વાહક સાધન બનાવી દેવાની પ્રતિબદ્ધતાવાદીઓની દાનત પણ એમાં દેખાઈ. સાહિત્ય માનવસંબંધોમાંના વાસ્તવમાંથી જે સૌન્દર્યલક્ષી સત્ય પ્રગટ કરવા ઝંખે એ પ્રતિબદ્ધતાના આ એક પરિમાણી વાસ્તવથી સંકુચિત અને દૂષિત થાય, વાદપ્રચારની આત્યંતિકતાનો ભાર જીવનની અનેક ઝીણી ભાતોને ને ગડીઓને સપાટ કરી નાખે, એથી સાહિત્યકૃતિ સંકુલતા ઉપસાવવાને બદલે નર્યા અતિસરલીકરણનો ભોગ બને – એ પ્રતિબદ્ધતાનાં વધારે ભયાવહ જોખમો છે. એક તરફ જીવનની વિશાળ વાસ્તવિકતા પ્રત્યે ઉદાસીન રહીને અંગત સંવેદનનું ઊર્મિગાન કરતું સાહિત્ય કલાપરક હોવા છતાં ઊણું ગણાય, એમ વાદો-વિચારો-ભાવનાઓ-આતંક આક્રોશોની પ્રતિબદ્ધતાના વજન હેઠળ કલાસ્વરૂપો ભારવાહક બની રહે, એ સ્થિતિ પણ એકદમ અસ્વીકાર્ય ગણાય. એટલે વાદ-વિચારનું સામગ્રી લેખે નિરૂપણ હોય તેમ છતાં સાચો સર્જક અ-પ્રતિબદ્ધ હોય – એવી સ્થિતિ વધુ સ્વીકાર્ય બને. સામ્યવાદી હકૂમતનું, દલિતોની પીડાનું, સ્ત્રીઓનાં અપમાનનુ અને શારીરિક-માનસિક શોષણનું નિરૂપણ કરનાર લેખક એ વાદોનો પક્ષકાર કે મોં-વાજું બન્યા વિના જ માનવીય વેદના-સંવેદનાનું રસકીય ભૂમિકાએ આલેખન કરે – ભલે તે પોતે એ વર્ગનો (દલિત વગેરે) હોય, કે ન પણ હોય, વ્યક્તિ તરીકે વિચાર-પ્રતિબદ્ધ હોવા છતાં સર્જક તરીકે એનો અભિગમ પોતાના દર્શન (વિઝન)ને કેન્દ્રમાં રાખનારો અને કલાસ્વરૂપનિષ્ઠ જ હોય તો મતાગ્રહોનું એકાંગી કે ભ્રાન્ત વાસ્તવ ઊપસવાને બદલે માનવ-સમસ્યાઓનું નીતર્યું તેમજ સૌન્દર્યનિષ્ઠ સત્ય પ્રગટી શકે. ર.સો.