ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને માન્યતાઓ

Revision as of 06:17, 29 November 2021 by Amee (talk | contribs)


સાહિત્ય અને માન્યતાઓ : કોઈપણ પ્રજાની કલાઓ અને એનું સાહિત્ય એની ચૈતસિક અભિવ્યક્તિ છે. દરેક પ્રજાની આ ચૈતસિક અભિવ્યક્તિ પાછળ એની ધારણાઓ, ભાવનાઓ અને ખાસ તો માન્યતાઓ સક્રિય હોય છે. આ માન્યતાઓ એનાં મનોવલણોને ઘડે છે અને મનોવલણો એની જગતદૃષ્ટિને ઘડે છે. આ જગતદૃષ્ટિને સાહિત્યમાં નિહિત રીતે પ્રવર્તતી જોઈ શકાય છે. કાવ્યના વિષયનિરૂપણમાં કે સ્વરૂપમાં, પાત્રનાં સંવાદો કે ચિત્રણોમાં, ઘટનાઓનાં વિઘટન કે સંશ્લેષણમાં એ પ્રવર્તમાન હોય છે. સાહિત્યમાં પ્રજાકીય વિશિષ્ટતાનો પ્રવેશ એને આભારી છે. આ વિશિષ્ટતાને સમજવા સામૂહિક અચેતન(Collective unconsious), સામૂહિક ચેતના(Collective Conscience) અને સામૂહિક પ્રતિનિધાન(Collective representation)ના સંપ્રત્યયોને સમજવા જરૂરી છે. લેખક પ્રજાનું એક અંગ છે અને પ્રજાના અંગ તરીકે લેખકની વૈયક્તિક ચેતનામાં વારસા સ્વરૂપે મળેલી પ્રજાની માનસિક સામગ્રી હાજર હોય છે. યુંગનું મનોવિજ્ઞાન એને ‘સામૂહિક અચેતન’ તરીકે ઓળખે છે. લેખકની વૈયક્તિક ચેતનામાં પ્રજાકીય માન્યતાઓનો ભાગ સમજવા આ સિદ્ધાન્ત જેમ ઉપયોગી છે તેમ પ્રજાકીય માન્યતાઓમાં વૈયક્તિક ચેતનાનું સ્થાન સમજવા માટે સમાજશાસ્ત્રી એમિલ દુર્ખાઈમનો ‘સામૂહિક ચેતન’નો સિદ્ધાન્ત પણ ઉપયોગી છે. પ્રજાના સભ્યોની સર્વસામાન્ય માન્યતાઓ, ભાવનાઓના સંચય દ્વારા જે સુગ્રથિત વ્યવસ્થાની રચના થાય છે એ સ્થિતિને દુર્ખાઈમ ‘સામૂહિક ચેતના’ કહે છે. આમ પ્રજાથી વ્યક્તિ અને વ્યક્તિથી પ્રજા તરફના પરસ્પર વહેતા પ્રવાહો માન્યતાઓની ગ્રંથિને રચતા હોય છે. વળી, દરેક પ્રજામાં કેટલીક ભાવનાઓ કે માન્યતાઓ એવી હોય છે જેને વ્યક્તિ આદરથી જુએ છે. સામાજિક આંતરક્રિયા દ્વારા કે વ્યક્તિઓના પરસ્પરના પ્રભાવો દ્વારા એ જન્મે છે અને પછી એ પ્રજાનાં પ્રતીકોના રૂપમાં વિકસે છે. સામૂહિક રૂપમાં પ્રતિનિધિત્વ કરનાર આ પ્રતીકોને માટે દુર્ખાઈમે ‘સામૂહિક પ્રતિનિધાન’ સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. પ્રજા આ પ્રતીકો દ્વારા પોતાની ભાવનાઓ કે માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સાહિત્યમાં પ્રજાકીય વિશિષ્ટતાની અભિવ્યક્તિ રૂપે આવાં પ્રતીકો પોતાની ઊર્જા રચતાં હોય છે. સાહિત્યક્ષેત્રે સાહિત્યકૃતિનું સૌન્દર્યમૂલ્ય અને સાહિત્યકૃતિ જે ધાર્મિક, નૈતિક કે આચારગત માન્યતાઓને વ્યક્ત કરે છે, એ બે વચ્ચેનો વિરોધ વિવેચનની સમસ્યા ઊભી કરે છે. સૌન્દર્યનિષ્ઠ મૂલ્યો અને માન્યતાઓ અવિભાજ્ય છે એ વાતનો કેટલાક સ્વીકાર કરે છે, તો કેટલાક એનો અસ્વીકાર કરે છે. ચં.ટો.