ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસસંખ્યા

Revision as of 13:18, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રસસંખ્યા'''</span> : સંસ્કૃત આલંકારિકો વચ્ચે રસની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રસસંખ્યા : સંસ્કૃત આલંકારિકો વચ્ચે રસની સંખ્યા અંગે હંમેશાં વિવાદ રહ્યો છે. કેટલાકનું વલણ રસની સંખ્યા વધારવા તરફ, તો કેટલાકનું વલણ કોઈ એક રસમાં સર્વ રસને સમાવવા તરફ રહ્યું છે. રસસંખ્યાનો આ સંકોચવિસ્તારનો આલેખ રસપ્રદ છે. ભરતે તો આઠ રસને જ માન્ય કરેલા : શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત. ભરત પછી દંડીએ પણ આઠ રસને જ સ્વીકાર્યા છે. ઉદ્ભટે રસની સંખ્યા નવ સૂચવી અને શાંત નામના નવમા રસનો ઉલ્લેખ કર્યો. ભાવપ્રકાશન બતાવે છે કે વાસુકિએ શાંતરસનો પહેલવહેલો ઉલ્લેખ કરેલો છે. ધનંજયે નાટક અને કાવ્યના ક્ષેત્રને જુદાં પાડી સ્પષ્ટ કર્યું કે શાંતરસની સ્થિતિ કાવ્યમાં જ શક્ય છે પણ એ અનનુનેય હોવાને કારણે એની સ્થિતિ નાટકમાં શક્ય નથી. રુદ્રટે પણ શાંતરસનું વર્ણન કર્યું પણ શાંતરસનો સ્થાયીભાવ ‘શમ’ કે ‘નિર્વેદ’ને સ્થાને ‘સમ્યક્જ્ઞાન’ સૂચવ્યો. હરિપાલે બ્રાહ્મને આનન્દના સ્થાયીભાવ સાથે જોડી શાંતને અનિત્ય તેમજ અસ્થિર ગણ્યો છે અને મોક્ષ જોડે સાંકળ્યો નથી. આ રીતે ભરતે આઠ રસને માન્ય કરેલા હોવા છતાં સાતમી સદીથી શાન્ત રસને નવમા રસ તરીકેનું સ્થાન મળી ચૂકે છે અને કાવ્યસૃષ્ટિ ‘નવરસરુચિરા’ તરીકે ઓળખાય છે. આઠ કે નવની આ સ્થિર ભૂમિકાની આસપાસ રસની સંખ્યામાં ઉમેરો થતો ગયો છે. રુદ્રટે ‘સ્નેહ’ને સ્થાયીભાવ કલ્પી ‘પ્રેયાન્’ રસનો ઉમેરો કર્યો. તો, ભોજે પ્રેયાન, શાંત, ઉદાત્ત અને ઉદ્ધત જેવા રસ ઉપરાંત, સાધ્વસ, વિલાસ, અનુરાગ સંગમ વગેરે રસની પણ કલ્પના કરેલી છે. વિશ્વનાથે વાત્સલ્ય (વત્સલ)ને રસનું રૂપ આપ્યું તો રામચન્દ્ર ગુણીચન્દ્રએ લૌલ્ય અને સ્નેહ ઉપરાંત વ્યસન, દુઃખ, સુખને પણ રસનું રૂપ આપ્યું છે. હરિપાલકૃત ‘સંગીતસુધાકર’માં ૧૩ રસની ગણના કરી છે; અને બ્રાહ્મ, સંગમ, વિપ્રલંભ જેવા રસ દર્શાવ્યા છે. ‘અનુયોગ દ્વારસૂત્ર’ નામના ગ્રન્થમાં ‘વ્રીડનક’ રસનું નિરૂપણ થયું છે. ભાનુદત્તે સ્પૃહાને સ્થાયીભાવ કલ્પી કાર્પણ્ય એટલેકે માયારસનો ઉલ્લેખ કર્યો છે. ભારતમાં દક્ષિણથી ઉત્તરમાં વહેલી ઉત્કટ ભક્તિધારાને કારણે પણ નવા નવા રસ હયાતીમાં આવ્યા છે અને ખાસ કરીને વૈષ્ણવ ટીકાકારોએ એને માન્યતા આપેલી છે. પ્રેમલક્ષણા ભક્તિને માટે એમણે શૃંગારને બદલે મધુર કે માધુર્ય રસ શબ્દ પ્રયોજ્યો છે. ચૈતન્ય સંપ્રદાયના અનુગામી રૂપગોસ્વામીએ ‘ભક્તિર સામૃતસિન્ધુ’ અને ‘ઉજ્જ્વલનીલમણિ’માં ભક્તિરસની પ્રતિષ્ઠા કરી છે. કેટલાકે ‘સખ્ય’ અને ‘દાસ્ય’નું પણ રસ તરીકે પ્રવર્તન કર્યું છે. આવો વિસ્તાર છતાં રસની સંખ્યા ૨૦ કે ૨૨થી વધુ આગળ વધી નથી. બીજી બાજુ એક જ રસમાં અન્ય સર્વ રસનો અન્તર્ભાવ કરવાનો પ્રયત્ન પણ થયા કર્યો છે. ભોજે ‘શૃંગારપ્રકાશ’માં કેવળ શૃંગારને માન્ય રાખ્યો છે. અલબત્ત, એમાં પુરુષ સ્ત્રીના પ્રેમથી અલગ એવી કોઈ જુદી જ તાત્ત્વિક ભૂમિકા પર એનો અર્થ સ્થિર કર્યો છે. અભિનવગુપ્ત મોક્ષ સાથે શાંતનો સંબંધ યોજી શાંત રસને જ સાચો રસ માને છે. ‘સાહિત્યદર્પણકાર’ના પ્રપિતામહ નારાયણે અદ્ભુતને જ રસનો સાર ગણ્યો છે. કવિ કર્ણપૂર, બધા જ રસ પ્રેમરસમાં સમન્વિત થાય છે એવું સ્વીકારે છે. ભવભૂતિની ‘એકો રસ : કરુણ એવ’ની ઉક્તિ જાણીતી છે. {{Right|ચં.ટો.