ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસસંપ્રદાય

Revision as of 13:21, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રસસંપ્રદાય'''</span> : કાવ્યશાસ્ત્રની પરંપરામાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રસસંપ્રદાય : કાવ્યશાસ્ત્રની પરંપરામાં રસસંપ્રદાય સૌથી પ્રાચીન છે અને આ સંપ્રદાયની વિશેષતા છે કે તેની સામે વિરોધ ક્યારેય થયો નથી, તેનું સ્થાન ભલે દરેકે પોતપોતાની રીતે નિશ્ચિત કર્યું હોય પરંતુ ‘રસ’ને કોઈ ને કોઈ સ્વરૂપે અલંકારવાદી, રીતિવાદી, ધ્વનિવાદી, વક્રોક્તિવાદી, અનુમાનવાદી આલંકારિકોએ અને ઔચિત્યવાદી ક્ષેમેન્દ્રે પણ સ્વીકાર્યો છે ભટ્ટનાયકે પણ ભલે વ્યંજનાવ્યાપાર નથી સ્વીકાર્યો પણ રસને વ્યંજનાને બદલે ભોગીકરણ અથવા ભોજકત્વ વ્યાપારથી સિદ્ધ થતો અને બ્રહ્માસ્વાદસહોદર કલ્પ્યો જ છે. મહિમભટ્ટ જેવા આચાર્યે ધ્વનિ કે વ્યંજનાને સ્વીકાર્યા નથી, પરંતુ અનુમાનથી રસાનુમિતિ સ્વીકારી છે. રસને શ્રેષ્ઠ જ કલ્પ્યો છે. સંભવત : રસનું લક્ષણ ભરતે જ પ્રથમ બાંધ્યું છે. એટલે ઈ.સ. પહેલી કે ઈ.સ. પૂર્વેની પહેલી સદીથી આ સંપ્રદાયનો આરંભ થઈ ચૂક્યો હતો. ભરત પૂર્વે પણ ઘણું ખેડાણ થયું હશે, કારણ કે ભરતમાં વ્યવસ્થિત, રસસૂત્ર જોવા મળે છે ‘નાટ્યશાસ્ત્ર’માં પ્રથમ સ્થાપિત થયેલ આ સંપ્રદાયે પાછળથી કાવ્યમાં પણ સ્થાન મેળવ્યું એટલું જ નહીં ધ્વનિવાદીઓએ રસધ્વનિ રૂપે એને અગ્રિમ સ્થાન આપ્યું અને વિશ્વનાથે वाक्यं रसात्मकं काव्यम्। એમ કહીને કાવ્યના આત્મા તરીકે રસનો લક્ષણમાં જ નિર્દેશ કર્યો. ભરતે काव्यार्थो रस। એવું સ્પષ્ટ કહ્યું છે. કારણ કાવ્ય અને નાટ્ય બન્નેમાં તે અભિલષિત છે. न हि रसादृते कश्चिदर्थः प्रवर्तते। ‘રસ વિના કોઈ અર્થ પ્રવર્તિત થતો જ નથી.’ વિભાવ, અનુભાવ, અને વ્યભિચારીના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. – એમ ભરત તેમનું પ્રસિદ્ધસૂત્ર આપે છે. રસ આસ્વાદ્ય હોવાને કારણે જ ‘રસ’ કહેવાય છે. આનો બધા જ આલંકારિકો સ્વીકાર કરે છે. જેમ વ્યંજનથી સંસ્કારાયેલા અન્નને એકાગ્ર ચિત્તવાળા, કેળવાયેલી રુચિવાળા જમનારા પુરુષો આસ્વાદે છે તથા હર્ષ વગેરે અનુભવે છે તેમજ વિવિધ ભાવોના અભિનયથી વ્યંજિત થતા વાચિક, આંગિક અને સાત્ત્વિક અભિનયોથી યુક્ત સ્થાયિભાવોને સંસ્કારી પ્રેક્ષકો આસ્વાદે છે અને હર્ષ વગેરે અનુભવે છે. માટે તે નાટ્યરસો છે. નાટ્યરસોનો આસ્વાદ એને પરખનારા = સહૃદયો વડે થાય છે. રસસંપ્રદાયમાં બીજો મહત્ત્વનો મુદ્દો છે રસભાવ સંબંધ, જે બીજ અને વૃક્ષના ન્યાયે સમજાયો છે. ભાવોમાંથી રસ નિષ્પન્ન થાય છે પણ રસમાંથી અર્થાત્ રસના અનુસન્ધાનમાં ‘ભાવ’ એવી સંજ્ઞા અપાય છે. આમ જાણવાથી રસ-ભાવ વચ્ચેના સંબંધમાં આશ્રયાશ્રયિભાવદોષ રહેતો નથી. ભરતે આઠ રસો શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર-ભયાનક, બીભત્સ અને અદ્ભુત-સ્વીકાર્યા છે. શાન્તનો સ્વીકાર તો પાછળથી થયો છે. આમાંથી શૃંગાર, રૌદ્ર, વીર, અને બીભત્સ ચાર પ્રકૃતિરસો છે, હાસ્ય, કરુણ, અદ્ભુત અને ભયાનક તેમાંથી ક્રમશ : ઉત્પન્ન થતા હોઈ વિકૃતરસો છે. રસનો આભાસ પણ આસ્વાદ્ય હોય છે અનૌચિત્યથી પ્રવૃત્ત થતા ભાવો અને રસો આભાસમાં પરિણમે છે. કરુણનો આભાસ એક નવા રસ :હાસ્યને જન્માવે છે આમ રસ પણ વિભાવરૂપ બની શકે છે. રસસામગ્રીમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનો સમાવેશ થાય છે. સ્થાયી આઠ છે. વ્યભિચારીઓ ૩૩ છે. સ્થાયી અને વ્યભિચારી બન્ને ચિત્તવૃત્તિરૂપ છે પણ સ્થાયી પ્રધાન મનાયા છે. રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય – આઠ સ્થાયી છે, નિર્વેદ. શાન્ત સ્થાયી તરીકે પાછળથી ઉમેરાયો છે. અભિનવગુપ્ત તે સ્વીકારે છે. સંભવત : ઉદ્ભટે શાન્તરસનો આવિષ્કાર કર્યો છે. સ્થાયીઓ પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી પણ સંસ્કાર રૂપે ટકી રહે છે. વ્યભિચારીઓ કારણો દૂર થતાં દૂર થઈ જાય છે. સ્તંભ, સ્વેદ, વગેરે સાત્ત્વિક ભાવોનો ફાળો પણ રસપ્રક્રિયામાં મહત્ત્વનો છે ખાસ કરીને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, ભરતે જે રસસામગ્રીનો વિચાર કર્યો તે અનુગામીઓમાં લગભગ એકસરખો રહ્યો છે. ભામહ, દંડી તથા ઉદ્ભટ આ પૂર્વાચાર્યોએ ‘રસ’ને ‘અલંકાર’ના વ્યાપક અર્થમાં અલંકાર તરીકે જ કલ્પ્યો છે. એટલું જ નહીં રસપ્રધાન હોય તો રસવત્ અલંકાર, ભાવપ્રધાન હોય તો પ્રેયોલંકાર, આભાસપ્રધાન હોય તો ઊર્જસ્વી અલંકાર અને ભાવનો પ્રશમ હોય તો સમાહિત અલંકાર. આ બધા અલંકારો રસવદાદિ અલંકારો તરીકે ઓળખાય છે. પ્રધાન ‘રસ’ એ અહીં અલંકાર છે એ ધ્યાનમાં લેવું ઘટે. આ અલંકારો પ્રબંધમૂલક છે. દંડી પણ ભામહની જેમ જ રસવત્ વગેરેને ‘અલંકાર’ જ માને છે. જોકે ‘અગ્રામ્યતા’ની ચર્ચામાં તેઓ ‘રસ’ને ‘રસનિષેકનો ભાર અગ્રામ્યતા વહન કરે છે’ – એમ કહી ‘અલંકાર્ય’ તરીકે સ્વીકારે છે ખરા, છતાં તેમનો ઝોક ભામહ, ઉદ્ભટની જેમ રસને અને ભાવને અલંકાર માનવા પરત્વે જ વિશેષ છે. વામને રસવત્ વગેરે અલંકારો આપ્યા નથી પણ ગુણવિચારણા દરમ્યાન દીપ્તરસવાળા હોવું તે ‘કાન્તિગુણ’ એવી નોંધ આપી છે. આમ રસતત્ત્વને તેમણે ગુણતત્ત્વમાં સામેલ કર્યું છે. વામનમાં આમ વધારે રસ વિષે કંઈ મળતું નથી. રુદ્રટમાં રસનિરૂપણ સ્પષ્ટ અને વિસ્તૃત છે. અલબત્ત, ભરતાનુસારી જ છે. રુદ્રટ રસવત્ વગેરે અલંકારો સ્વીકારતા નથી પણ ભાવ નામનો અલંકાર સ્વીકારે છે. જે બે પ્રકારનો છે, જેમાં વસ્તુ વ્યંગ્ય થયું છે. રુદ્રટમાં રસનિષ્પત્તિની પ્રક્રિયાની કોઈ ચર્ચા જોવા મળતી નથી. રુદ્રટના ટીકાકારે (નમિસાધુએ) રસને મહત્ત્વ આપતાં કહ્યું છે કે વક્રોક્તિ, વાસ્તવ વગેરે કટકકુંડલ જેવા કૃત્રિમ અલંકારો છે, જ્યારે, રસ એ સૌન્દર્ય વગેરે જેવા જ સહજગુણોરૂપ છે. આનંદવર્ધને એ પછી રસને ‘ધ્વનિસિદ્ધાન્તમાં’ ‘રસધ્વનિરૂપે’ રૂપાંતરિત કરીને ચરમ સ્થાન આપ્યું. વસ્તુધ્વનિ અલંકાર ધ્વનિ અને રસ-ધ્વનિમાં – ‘રસધ્વનિ’ શ્રેષ્ઠ છે. અભિનવગુપ્ત કહે છે તેમ વાસ્તવમાં તો વસ્તુ અને અલંકારધ્વનિનું પણ રસધ્વનિમાં જ પર્યવસાન થાય છે. પ્રાધાન્ય તો અમને ‘રસધ્વનિ’નું જ ઇષ્ટ છે. કદાચ પહેલીવાર આનંદવર્ધને રસ વ્યંજનાથી ધ્વનિત થાય છે તેમ સિદ્ધ કરી ‘રસ’ની પ્રક્રિયામાં નવીન દિશા ચીંધી. રસધ્વનિની સ્વશબ્દવાચ્યતાનો પણ તેમણે અસ્વીકાર કર્યો છે. આનંદવર્ધન જણાવે છે કે પ્રતીયમાનના અન્ય ભેદો વસ્તુઅલંકારરૂપ જણાતા હોવા છતાં રસ અને ભાવ દ્વારા જે ઉદાહરણ આપ્યું તે જ પ્રધાન છે. આમ ‘રસધ્વનિ’નું પ્રાધાન્ય સ્થાપીને આનંદવર્ધને સાહિત્યમાં રસનું સૌથી વધારે ગૌરવ કર્યું. વળી, રસધ્વનિમાં તેમણે ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ, બધાં તત્ત્વોનું સમાયોજન સાધ્યું. અલંકારો જો અપૃથગ્યત્નનિર્વર્ત્ય – અનાયાસે જ પ્રયોજાયેલા હોય તો કાવ્યનું અંતરંગ એટલેકે રસાંગ જ બની જાય છે. રસને અનુરૂપ અલંકારપ્રયોગ, પ્રબંધની રસવ્યંજકતા, કવિની રસાદિ વિષયે જ વસ્તુયોજના-સંકલનાની અનિવાર્યતા તમામને રસની દૃષ્ટિએ જ મૂલવ્યાં છે. ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય પણ છેવટે રસની દૃષ્ટિએ તો ધ્વનિરૂપતાને જ પામે છે. અભિનવગુપ્તે લોચન અને અભિનવભારતીમાં ‘રસ’ વિવેચના વિસ્તારથી કરી છે. કહે છે કે રસ વિષે અનેક મતો પ્રચલિત હતા. કોઈ વિભાવને, કોઈ અનુભાવને, કોઈ સ્થાયીને રસ માને છે. પરંતુ મુખ્ય મતો અભિનવભારતીમાં પ્રાપ્ત થાય છે. તેમાં લોલ્લટનો ઉત્પત્તિવાદ, શંકુકનો અનુમિતિવાદ, ભટ્ટનાયકનો ભુક્તિવાદ અને અભિનવગુપ્તનો અભિવ્યક્તિવાદ રસમીમાંસામાં પ્રસિદ્ધ છે. દંડી વગેરે પણ ઉપચિતિવાદના સમર્થક છે. શંકુકના અનુમિતિવાદનું સમર્થન મહિમભટ્ટે પોતાની રીતે જ કર્યું છે. ભટ્ટનાયકે વ્યંજનાવ્યાપારને અસ્વીકૃત કરીને ભોજકત્વવાદની સ્થાપના કરી છે અભિનવગુપ્તે અભિવ્યક્તિવાદની અભિનવગુપ્તના ઉપાધ્યાય ભટ્ટતૌતનો અનુવ્યવસાયવાદ છે. લોલ્લટે વાસ્તવવાદી દર્શન કરાવ્યું. શંકુકે કદાચ સામાજિકોને સૌ પ્રથમ જોડ્યા. ભટ્ટનાયકે સાધારણીકરણનું પ્રદાન કર્યું છે. રસની વીતવિઘ્ના પ્રતીતિ એ અભિવનગુપ્તનું પ્રદાન છે. કુંતકે પણ પોતાની વ્યાપક-યોજનામાં રસનું મહત્ત્વ સ્વીકાર્યું છે. આનંદવર્ધનની જેમ જ રસના સ્વશબ્દવાચ્યત્વનો તિરસ્કાર કર્યો છે. તેમણે કાવ્યભેદ, કાવ્યવસ્તુ અને કાવ્યમાર્ગ ત્રણેયમાં રસનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેઓ રસને ક્યારેય અલંકાર માનવા તૈયાર નથી. રસવદ્ વગેરે અલંકારોનું આથી તેમણે ખંડન કર્યું છે. ધનંજય ધનિકે રસને તાત્પર્યગ્રાહ્ય માન્યો છે. બાકી ભાવો વગેરેની ચર્ચા ભરતાનુસારી છે. વિભાવાદિથી ભાવિત થતો સ્થાયી રસત્વને પામે છે, તેવું તેઓ સ્વીકારે છે. ભોજનું રસસંપ્રદાયમાં ઘણું મોટું પ્રદાન છે. તેમણે દોષરહિત અને ગુણાલંકારસહિત કાવ્યમાં સૌન્દર્યના અતિશય માટે રસઅભિયોગનો વિચાર કર્યો છે. વ્યાપક અર્થમાં પૂર્વાચાર્યોની જેમ તેમણે પણ રસને અલંકાર કહ્યો છે. વાઙ્મયના વક્રોકિત, રસોક્તિ અને સ્વાભાવોક્તિ એ ત્રણ પ્રકારોમાં ‘રસોક્તિ’ને શ્રેષ્ઠ કહી છે. કારણ ‘રસાવિયોગ’ નિત્ય છે. ભોજનો રસવિષયક મત દંડી, લોલ્લટના ઉપચિતિવાદને મળતો આવે છે. રતિ વગેરે ૪૯ ભાવો પણ વિભાવાદિના સંયોગથી પ્રકર્ષ પામતા ‘રસ’ને નામે ઓળખવા યોગ્ય છે, એમ ભોજ કહે છે. રસ્યમાન આસ્વાદ્યમાન હોવાને લીધે ‘રસ’ કહે છે. ભોજનો શૃંગારરસ વિશિષ્ટ છે. અભિમાન-અહંકારને એ શૃંગાર કહે છે. આ રસરૂપી અર્થના અવ્યયથી કાવ્ય કમનીય બને છે. મહિમભટ્ટ વ્યંજનાવિરોધી હોવા છતાં ‘રસાનુમિતિ’ સ્વીકારે છે. રસ અનુમેય જ હોય છે. તેઓ વાચ્ય અને વ્યંગ્ય વચ્ચે લિંગલિંગીભાવ સ્વીકારે છે. કાવ્યાનુમિતિ કંઈ તર્કાનુમિતિ જેવી શુષ્ક નથી એવું તેમનું કહેવું છે. મમ્મટ-હેમચન્દ્ર અભિનવગુપ્તને અનુસર્યા છે. મમ્મટ ૯ રસ સ્વીકારતા હોવા છતાં શાંત પ્રત્યે બહુ ઉત્સાહ બતાવતા નથી. નાટ્યદર્પણે જુદો ચીલો ચાતર્યો છે. તેઓ માને છે વિભાવ અને વ્યભિચારીઓ વડે ઉત્કર્ષ પામેલો સ્થાયીભાવ કે જે સ્પષ્ટ અનુભાવોથી નિશ્ચિત કરાય છે તે સુખદુઃખાત્મક સ્વભાવવાળો રસ છે. આમ મોટાભાગના રસવાદીઓની પ્રસિદ્ધ વિચારધારા ‘રસ તો કેવળ આનંદરૂપ છે’ તે છોડીને કદાચ સાંખ્યવાદીઓને અનુસરીને નાટ્યદર્પણકારો – રામચંદ્રે, ગુણચંદ્રે રસને સુખદુઃખાત્મક માન્યો છે. વિદ્યાધર મમ્મટને અનુસર્યા છે, વિદ્યાનાથ દશરૂપકને. વિશ્વનાથ રસનું સર્વાધિક મહત્ત્વ આંકે છે. રસસંપ્રદાયમાં તેમનું પ્રદાન અદ્વિતીય છે, તેને તેઓ ‘કાવ્યાત્મારૂપ’ માને છે. આનંદવર્ધનની જેમ અસંલક્ષ્યક્રમવ્યંગ્ય રૂપે જ સ્વીકારે છે. રસની અભિવ્યક્તિને ઘટપ્રદીપ ન્યાયે ન સ્વીકારતાં દધ્યાદિ ન્યાયે, રૂપાન્તરની પ્રાપ્તિ રૂપે સ્વીકારે છે, રસપ્રક્રિયાનું નિરૂપણ અભિનવ અનુસાર છે. પાનકની ચર્વણા પેઠે તેમણે પણ રસને અખંડ માન્યો છે. જગન્નાથ, આનંદવર્ધન અભિનવગુપ્ત તથા મમ્મટને અનુસરે છે. અભિવનગુપ્તના મતની રજૂઆત વેદાન્તની પરિભાષામાં તેમણે કરી છે. સારબોધિની અને શ્રીવત્સલાંછને પણ આમ કર્યું છે. ‘रसो वै सः’ એ શ્રુતિને આધારે રત્યાદિ વિશિષ્ટ એવી ભગ્નાવરણા ચિતિ જ રસ છે. વૈષ્ણવ આલંકારિક રૂપગોસ્વામીએ ઉજ્જ્વલનીલમણિમાં ભક્તિરસ અર્થાત્ મધુરરસ કે ઉજ્જ્વલ રસની ચર્ચા કરી છે. તે દ્વારા શૃંગાર જ અભિપ્રેત છે. એમણે રસતત્ત્વમાં ધર્મવિચારને પ્રવેશ આપી એક નવી ભૂમિકા ઊભી કરી છે. પાંચ પ્રકારની ભક્તિના આધાર પર એમણે પાંચ પ્રકારના રસની યોજના કરી છે : શાંત, દાસ્ય, સખ્ય કે પ્રેયસ, વાત્સલ્ય અને માધુર્ય, ઉજ્જ્વલનીલમણિ સિવાયના પછીના ગ્રન્થોનું વિશેષ કોઈ સૈદ્ધાન્તિક મૂલ્ય નથી. પા.માં.