ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન ગદ્ય

Revision as of 11:58, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મધ્યકાલીન ગદ્ય : મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બહુધા પદ્યમાં રચાયેલું છે. ગદ્ય જથ્થાના પ્રમાણમાં અલ્પ મળે છે. (જૈન સાધુઓ–મુનિઓએ સંસ્કૃત–પ્રાકૃત કૃતિઓ પરથી રચેલા ‘બાલાવબોધ’ અને ‘સ્તબક’ પ્રકારનું ગદ્યસાહિત્ય સેંકડોની સંખ્યામાં ચૌદમા-પંદરમા શતકથી આરંભી અઢારમા ઓગણીસમા શતકપર્યંત પ્રાપ્ત થાય છે. તે હજી અપ્રગટ હસ્તપ્રતના રૂપમાં સચવાયેલું હસ્તપ્રત ભંડારોમાં પડેલું છે, એની અત્રે નોંધ લેવી જોઈએ.) તે સમય દરમ્યાન સાહિત્યક્ષેત્રે ગદ્ય બહુ પ્રચલિત બન્યું નહોતું. સંસ્કૃત–પ્રાકૃત ધર્મગ્રન્થોનાં અનુવાદ કે ભાષ્યરૂપ ‘બાલાવબોધો’માં, બાલાવબોધોમાં પ્રાપ્ત થતી દૃષ્ટાંત કથાઓમાં, ‘ઔક્તિક’ નામના વ્યાકરણગ્રન્થોમાં અને વાગ્વિલાસરૂપ ‘પૃથ્વીચંદચરિત્ર’ જેવી ગ્રન્થકૃતિમાં જૈનોએ ગદ્યનો ઠીકઠીક ઉપયોગ કર્યો છે. પારસીઓએ પોતાના (અર્દાગ્વીરા, ઈજિસિ વગેરે) ધર્મગ્રન્થોના સંસ્કૃત દ્વારા જૂની ગુજરાતીમાં કરેલા અનુવાદ ગદ્યમાં પ્રાપ્ત થાય છે. વૈષ્ણવ પરંપરામાં ગીતા, ગીતગોવિંદ આદિનાં ભાષાન્તરો તથા સ્વામી નારાયણનાં ‘વચનામૃતો’ પણ ગદ્યમાં છે. વળી, સોળમા શતકથી અઢારમા શતક દરમ્યાન ‘વેતાલપચીસી’, ‘સિંહાસનબત્રીસી’ ‘પંચદંડ’ અને ‘શુડા બહોતરી’ની કથા–વાર્તા ગદ્યમાં પણ લખાઈ છે. અત્રે નોંધવું ઘટે કે સાહિત્ય પ્રયોજિત મધ્યકાલીનગદ્યનું પોત પાતળું છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યસાહિત્યને પ્રકારોની દૃષ્ટિએ વિલોકતાં એમાં સમજશક્તિ અને જ્ઞાનભંડોળ પરત્વે બાલદશા ગણાય એવા લોકોના અવબોધ-સમજણ અર્થે સંસ્કૃત–પ્રાકૃત કૃતિઓના સાદી ભાષામાં કરેલા સીધા અનુવાદ અથવા તેમના પર ભાષ્યાત્મક વ્યાખ્યાનરૂપ ‘બાલાવબોધ’, મૂળનો અર્થબોધ કરાવવામાં આવા બાલાવબોધમાં ઉદાહરણ અર્થે આપવામાં આવતી ‘દૃષ્ટાંતકથાઓ’, સંસ્કૃત–પ્રાકૃત આદિ મૂળગ્રન્થની પંક્તિઓના શબ્દશ : અનુવાદ આપતો ‘સ્તબક’(ટબો), સંસ્કૃત ભાષાનું વ્યાકરણ સરળ ગુજરાતીમાં શીખવવાના હેતુથી લખેલી ‘ઔક્તિક’ નામની ગદ્યકૃતિઓ જેવા મુખ્ય પ્રકારો અને ‘અધિકાર’, ‘અવચૂરિ,’ ‘કથા’, ‘ગુર્વાવવિલી–પટ્ટાવલી’, ‘ગ્રન્થ’, ‘ચરિત્ર’, ‘પ્રકાશ’, ‘ટિપ્પણ–ટિપ્પન–ટિપ્પનક’, ‘ટીકા, પચવીસીપ્રબંધ’, ‘પત્ર’, ‘મુક્તાવલી’, ‘વચનિકા’, ‘વાગ્વિલાસ’, ‘વાર્તિક’, ‘વાતો’, ‘વિવરણ’, ‘વ્યાખ્યાન’, ‘સંવાદ’, ‘સારોદ્ધાર’, ‘હૂંડી’ જેવા ગૌણ પ્રકારો સાંપડે છે. આ બધાં ગદ્યલેખનોનું કોઈ સાહિત્યપ્રકાર કરતાં ગદ્યલેખનના વિકાસ અને શબ્દકોશની દૃષ્ટિએ મહત્ત્વ રહેલું છે. મઘ્યકાલીન ગદ્યમાં વિપુલ પ્રમાણમાં બાલાવબોધો લખાયા છે. જોકે એમાંથી ઘણા અલ્પપ્રમાણમાં પ્રકાશિત થયા છે. ઘણાખરા હજી હસ્તપ્રત રૂપમાં અપ્રકાશિત છે. સૌથી પ્રાચીન બાલાવબોધોમાં તરુણપ્રભસૂરિનો રચેલો ‘ષડાવશ્યક બાલવબોધ’(૧૩૫૫) પ્રાપ્ત થાય છે. એમાં પ્રાચીન ગુજરાતી એટલેકે ગૌર્જર અપભ્રંશની બીજી ભૂમિકામાંથી ભાષા ‘ગુજરભાષા’ કિંવા મધ્યકાલીન ગુજરાતીમાં પરિણત થતી જોવા મળે છે. આ પછી વિવરણાત્મક સ્વરૂપના મેરુતુંગસૂરિના ‘વ્યાકરણ ચતુષ્ક બાલાવબોધ’(૧૪૧૫ પૂર્વે) અને ‘તદ્યિત બાલાવબોધ’ પ્રાપ્ત થાય છે. ભાષાનું વૈયાકરણીય સ્વરૂપ કેવું હતું તેના નિદર્શનરૂપ કુલમંડનસૂરિએ રચેલો ‘મુગ્ધાવબોધ ઔક્તિક’, ‘ચાતુર્માસિક વ્યાખ્યાન બાલાવબોધ’(૧૬૩૮), જ્ઞાનમૂર્તિનો ‘સંગ્રહણી બાલાવબોધ’(૧૬૩૦), કુશલધીરનો ‘પૃથ્વીચંદ્ર કૃષ્ણવેલી બાલાવબોધ’(૧૬૪૦), ધનવિમલનો ‘પ્રજ્ઞાપનાસૂત્ર બાલાવબોધ’(૧૯૪૦), નયવિલાસનો ‘લોકનાલ બાલાવબોધ’ (૧૫૯૮ પૂર્વે), ઘનવિજયનો ‘છ ક્રમગ્રન્થ બાલાવબોધ’ (૧૬૪૪) બીજા નોંધનીય બાલાવબોધ છે. સત્તર–અઢારમા શતકમાં બાલાવબોધો લખાયેલા મળી આવે છે. જેમાં જિનહર્ષ (જશરાજ)ના બે ‘દીપાલિકાકલ્પ’ (૧૭૦૭) અને ‘સ્નાત્ર પૂજાપંચાશિકા બાલાવબોધ’ ક્ષમાવિજયનો ‘કલ્પસૂત્ર બાલાવબોધ’(૧૬૫૧), હંસરાજનો ‘દ્રવ્યસંગ્રહ’ (૧૬૫૩ પૂર્વે), મહાન નૈયાયિક યશોવિજયજીનો ‘પંચનિગ્રન્થી બાલાવબોધ’, ‘મહાવીર સ્તવન સ્વોપજ્ઞ બાલાવબોધ’(૧૬૭૭), નયચકનો ‘દ્રવ્યગુણપર્યાય’ રાસ–સ્વોપજ્ઞ બાલાવબોધ’ વગેરે પ્રાપ્ય છે. વૃદ્ધિવિજયનો ‘ઉપદેશમાલા બાલાવબોધ’(૧૬૭૭), ઇંદ્રસૌભાગ્યનો ‘ધૂર્તાખ્યાન પ્રબંધ બાલાવબોધ’(૧૬૫૬), જિનવિજયનો ‘ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ’(૧૬૯૫), જ્ઞાનવિમલ– નયવિમલનો ‘પાક્ષિક ક્ષામણ બાલાવબોધ’(૧૭૧૭), જાણવામાં આવ્યા છે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં હંસરત્નનો ‘આધ્યાત્મકલ્પદ્રુમ બાલાવબોધ’(૧૭૦૦), સુમતિવિજયશિષ્ય રામવિજયનો ‘નેમિનાથચરિત્ર બાલાવબોધ’(૧૭૨૮), દેવચંદ્રગણિનો ‘સપ્તસ્મરણ બાલાવબોધ’(૧૭૪૭), રામવિજય-રૂપચંદકૃત ‘ભર્તૃહરિશતકત્રય બાલાવબોધ’(૧૭૩૨) જોવા મળે છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તમવિજયનો ‘શ્રાદ્ધવિધિ બાલાવબોધ’(૧૭૬૮), ધર્મચંદ્રનો ‘ભુવનદીપક બાલાવબોધ’ (૧૭૫૧) અને મહાવીર (હુંડી) ‘સ્તવન બાલાવબોધ’(૧૭૯૩) ઉલ્લેખનીય છે. આ ઉપરાંત આ સમયના સોમવિમલસૂરિના ‘દશવૈકાલિકસૂત્ર’ અને ‘કલ્પસૂત્ર અન્તર્વાચ્ય બાલાવબોધ’(૧૫૬૯), સાધુકીર્તિનો ‘અજિતશાંતિસ્તવન બાલાવબોધ’(૧૫૬૨) અને ચારિત્રસિંહનો ‘સમ્યકત્વ વિચારસ્તવ બાલાવબોધ’(૧૫૭૭) ઉલ્લેખનીય છે. નોંધપાત્ર વિગત એ છે કે બાલાવબોધનો પ્રવાહ સોળમી સદી પછી પણ સતત ચાલુ રહ્યો છે. સત્તરમી સદીના પૂર્વાર્ધના શિવનિધાનના ‘લઘુસંગ્રહણી બાલાવબોધ’(૧૬૨૪), ‘કલ્પસૂત્ર બાલાવબોધ’(૧૬૨૪), ‘ગુણસ્થાનગર્ભિતજિનસ્તવન બાલાવબોધ’(૧૬૩૬) અને ‘કૃષ્ણરુક્મિણીવેલી બાલાવબોધ’(૧૬૩૩) એ ચાર બાલાવબોધો, સમયસુંદરનો ‘ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ’(૧૬૨૭), રાજહંસનો ‘દશવૈકાલિકસૂત્ર બાલાવબોધ’(૧૬૦૬ પૂર્વે) ઉલ્લેખપાત્ર છે. સત્તરમા શતકમાં મેઘરાજના ‘રાજપ્રશ્નીય બાલાવબોધ’ (૧૬૧૪ આસપાસ), ‘સમવાયાંગસૂત્ર બાલાવબોધ’(૧૬૦૩ આસપાસ), ‘ઉત્તરાધ્યયનસૂત્ર બાલાવબોધ’(૧૭મું શતક), ‘ઔપપાતિકસૂત્ર બાલાવબોધ’(૧૭મું શતક), ‘ક્ષેત્રસમાસ બાલાવબોધ’(૧૬૧૪), શ્રીપાલ ઋષિનો ‘દશવૈકાલિક બાલાવબોધ’(૧૬૦૮), યશોવિજયનો ‘લોકનાલિકા બાલાવબોધ’ (૧૬૦૯), વિમલકીર્તિના ‘વિચારષટ્ત્રિંશિકા બાલાવબોધ’ (૧૬૩૪) અને ‘ષષ્ટિશતક બાલાવબોધ’(૧૬૩૪), સહજરત્નનો ‘લોકનાલ દ્વાત્રિંશિકા બાલાવબોધ’(૧૬૧૪ પૂર્વે) ઉદયસાગરનો ‘લઘુક્ષેત્ર સમાસ પ્રકરણ બાલાવબોધ’(૧૬૨૦?), શુભવિજયનો ‘પાંચ બોલનો બાલાવબોધ’(૧૬૦૦) નોંધપાત્ર છે. વિજયશેખરના ‘જ્ઞાતાસૂત્ર બાલાવબોધ’(૧૬૨૫ આસપાસ), જયકીર્તિનો ‘પ્રતિક્રમણસૂત્ર બાલાવબોધ’(૧૬૩૭), સુરચંદ્રનો ‘ચાતુર્માસિકિવ્યાખ્યાન બાલાવબોધ/ચોમાસી વ્યાખ્યાન’ (૧૬૩૮) મળે છે. પંદરમા શતકમાં સાધુરત્નસૂરિનો ‘નવતત્ત્વ વિવરણ બાલાવબોધ’(૧૪૦૦), અજ્ઞાતકૃત ‘શીલોપદેશમાલા બાલાવબોધ’ (૧૪૧૦), આ પછી આઠ જેટલા બાલાવબોધ આપનાર સોમસુંદરસૂરિના ‘ઉપદેશમાલા બાલાવબોધ’(૧૪૨૯), ‘ષષ્ટિશતક બાલાવબોધ’(૧૪૪૦), ‘યોગશાસ્ત્ર બાલાવબોધ’(૧૪૪૩ પૂર્વે), ‘ભક્તામરસ્તોત્ર બાલાવબોધ’(૧૪૪૩ પૂર્વે), ‘પર્યંતારાધના બાલાવબોધ’(૧૪૪૩ પૂર્વે), ‘ષડાવશ્યક બાલાવબોધ’(૧૪૪૩ પૂર્વે), ‘વિચારગ્રન્થ બાલાવબોધ’(૧૪૪૩ પૂર્વે) મળે છે. જેમાં વિવરણ સાથોસાથ કેટલીક દૃષ્ટાંતકથાઓ સરળ ગુજરાતી ભાષામાં જોવા મળે છે. દયાસિંહના ‘સંગ્રહણી પ્રકરણ બાલાવબોધ’(૧૪૪૧)ની ભાષા અર્વાચીનતા તરફ ઢળતી માલૂમ પડે છે. માણિક્યસુંદરગણિનો ‘ભવભાવનાસૂત્ર બાલાવબોધ’ (૧૪૪૫), મુનિસુંદરસૂરિનો ‘કલ્યાણમંદિરસ્તોત્ર બાલાવબોધ’ (૧૪૪૫), હેમહંસગણિનો ‘ષડાવશ્યક બાલાવબોધ’(૧૪૪૫), સંવેગદેવગણિનો ‘પિંડવિશુદ્ધિપ્રકરણ બાલાવબોધ’(૧૪૪૭), ધર્મદેવગણિનો ‘ષષ્ટીશતક બાલાવબોધ’(૧૪૫૯), રામચંદ્રસૂરિનો ‘કલ્પસૂત્ર બાલાવબોધ’(૧૪૬૧) જયચંદ્રસૂરિનો ‘ચઉસરણ અધ્યયન બાલાવબોધ’(૧૪૬૩ પૂર્વે) નોંધપાત્ર છે. આ પછી બાર જેટલા બાલાવબોધ આપનાર મેરુસુંદરસૂરિના ‘શત્રુંજય સ્તવન બાલવબોધ’(૧૪૬૨), ‘પુષ્પમાળા પ્રકરણ બાલાવબોધ’(૧૫૭૨), ‘પંચનિગ્રન્થી બાલાવબોધ’(૧૫૭૨), ‘યોગશાસ્ત્ર બાલાવબોધ યોગપ્રકાશ બાલાવબોધ’(૧૫૭૮ પૂર્વે), ‘ભક્તામરસ્તોત્ર બાલાવબોધ’(૧૫૭૮ પૂર્વે), ‘કર્પૂરપ્રકરણ બાલાવબોધ’(૧૪૭૮ પૂર્વે), ‘વૃત્તરત્નાકર બાલાવબોધ’(૧૫૭૮ પૂર્વે), ‘ભાવારિવારણ બાલાવબોધ’(૧૫૭૮ પૂર્વે), અને ‘કલ્પપ્રકરણ બાલાવબોધ’ મળે છે. ઉદયવલ્લભભૂરિનો ‘ક્ષેત્રસમાસ બાલાવબોધ’(૧૪૬૪), જયવલ્લભનો ‘શીલોપદેશમાલા બાલાવબોધ’(૧૪૭૪ પૂર્વે), સુંદર હંસનો ‘પસત્થાવિચાર’(૧૪૭૪ આસપાસ), હેમવિમલસૂરિનો ‘કલ્પસૂત્ર બાલાવબોધ’(૧૫૧૨ પૂર્વે) નોંધપાત્ર છે. સુંદર ગદ્યશૈલીમાં બાર જેટલા બાલાવબોધ આપનાર પાર્શ્વચંદ્રસૂરિના ‘આચારાંગ બાલાવબોધ’, ‘દશવૈકાલિકસૂત્ર બાલાવબોધ’, ‘રાયપસેણીસૂત્ર બાલાવબોધ’, ઔપપાતિકસૂત્ર બાલાવબોધ’, ‘નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ’, ‘પ્રશ્નવ્યાકરણ બાલાવબોધ’, ‘ભાષાના ૪૨ ભેદનો બાલાવબોધ’, ‘જંબુચરિત્ર બાલાવબોધ’, ‘તંદુલવૈચારિકપ્રકીર્ણ બાલાવબોધ’, ‘પયન્ના બાલાવબોધ’, ‘સૂત્રકૃતાંગસૂત્ર બાલાવબોધ’, ‘સાધુપ્રતિક્રમણસૂત્ર બાલાવબોધ’ અને ચઉસરણ ‘પ્રકીર્ણ બાલાવબોધ’ (બધા જ ૧૫૫૬ પૂર્વે) મધ્યકાલીન ગદ્યની વિકાસદૃષ્ટિએ નોંધનીય છે. સોળમી સદીના ઉત્તરાર્ધ સમયના બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિનો ‘લોકનાલિકા બાલાવબોધ’(૧૫૯૦ પૂર્વે) સમરચંદ્ર-સમરસિંહના ‘સંસ્તારકપ્રકીર્ણક બાલાવબોધ’(૧૫૪૭), ષડાવશ્યક બાલાવબોધ અને ઉત્તરાધ્યનસૂત્ર બાલાવબોધ (બેય ૧૫૭૦ પૂર્વેના), ગુણધીરગણિનો ‘સિદ્ધહેમ આખ્યાન બાલાવબોધ (સોળ શતક), મહીરત્નનો નવતત્ત્વ બાલાવબોધ’, ઉદયધવલનો ‘ષડાવશ્યક બાલાવબોધ અને મહિમાસાગરનો ‘શ્રાવક ષડાવશ્યકસૂત્ર’ ઉપરનો ‘બાલાવબોધ વિવરણ સંક્ષેપાર્થ’ ઉલ્લેખનીય છે. ઓગણીસમી સદીના ક્ષમાકલ્યાણ વાચકનો ‘યશોધર ચરિત્ર બાલાવબોધ’(૧૭૮૩), જ્ઞાનસારનો ‘આનંદઘન ચોવીસી બાલાવબોધ’(૧૮૧૦), વલ્લભવિજયનો ‘સ્થૂલિભદ્રચરિત્ર બાલાવબોધ’(૧૮૦૮) ઉલ્લેખનીય છે. વીસમી સદીમાં પણ આ પ્રવાહ ચાલુ રહ્યો છે. આમાં કેટલાક બાલાવબોધો માત્ર વિવરણ સ્વરૂપ હોય છે. જ્યારે કેટલાકમાં પ્રસંગાનુસાર દૃષ્ટાંતકથાઓ પણ આપવામાં આવી હોય છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોના શબ્દાનુસારી ભાષાન્તર જેવા ટબા (સ્તબક) પ્રકારનું ગદ્યસાહિત્ય મધ્યકાલમાં ઠીકઠીક પ્રમાણમાં પ્રાપ્ત થાય એમાં ‘કલ્પસૂત્ર સ્તબક’, ‘ષડવશ્યક’, ‘સંગ્રહણી સ્તબક’, ‘સમ્યક્ત્વ સત્તરીસ્તબક’, ‘આરાધનાકુલક સ્તબક’, ‘દીપાલિકાકલ્પ સ્તબક’, ‘ચિત્રસેન પદ્માવતી સ્તબક’ ઉદાહરણરૂપ કહી શકાય. ગુજરાતીના માધ્યમ દ્વારા સંસ્કૃત વ્યાકરણ શીખવતી કૃતિઓ ‘ઔક્તિક’ કહેવાતી. એમાંથી સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષા’, સોમપ્રભસૂરિકૃત ‘ઔક્તિક’, દેવભદ્રશિષ્યતિલકકૃત ‘ઔક્તિક’, કુલમંડનકૃત ‘મુગ્ધાવબોધ ઔક્તિક’, ઉદયરત્નકૃત ‘વાક્યપ્રકાશ ઔક્તિક’ અને સાધુસુંદરકૃત ‘ઔક્તિકરત્નાકર’ ઉદાહરણ અર્થે ઉલ્લેખનીય છે. અવચૂરિ પ્રકારમાં ‘આદિનાથ દેશોદ્ધાર અવચૂરી’, ‘પયવણા સારોદ્ધાર અવચૂરિ’ અને ‘મૂર્ખશતક અવચૂરિ’ ઉદાહરણ અર્થે નોંધપાત્ર છે. ગુર્વાવલી-પટ્ટાવલી પ્રકારની ગદ્યરચનામાં સોમકુંજરકૃત ‘ખરતરગચ્છ પટ્ટાવલી’, જિનવર્ધનગણિકૃત ‘તપોગચ્છ ગુર્વાવવિલી’, ‘કટુકમત પટ્ટાવલી’ નોંધપાત્ર છે. આ સિવાય અલંકારપ્રચુર અને ક્વચિત્ સહેલા રસાળ ગદ્યમાં રચાયેલી ગદ્યકથાઓ (‘કાલિકાચાર્થકથા’, ‘આણંદશ્રાવકની કથા’, ‘જંબૂસ્વામીકથા’, ‘વાગ્વિલાસ કથાસંગ્રહ), ચરિત્રગ્રન્થો (‘અંબડચરિત્ર’, ‘પાંડવચરિત્ર’, મનુપતિચરિત્ર’), સંસ્કૃત-પ્રાકૃતગ્રન્થો પર ગુજરાતી ગદ્યમાં લખાયેલા ટીકા-ટીપટિપ્પણ કૃતિઓ (‘કલ્યાણમંદિર ટીકા’, ‘યોગસાર ટીકા’, ‘બારવ્રતટીપ’, ‘ગણિતસાર ટિપ્પણ’), વાર્તિકો (‘સ્થાનાંગ વાર્તિક’, ‘રસિકપ્રિયા વાર્તિક’), વચનિકાઓ (‘નવપદ વચનિકા’, ‘રસિકપ્રિયાવચનિકા’) અને વિવરણો (‘શ્રાવક ષડવશ્યક વિવરણ’, ‘અલ્પબહુત્વ વિવરણ’) અને હુંડીઓ (‘લુંકાની હુંડી’, ‘હુંડીવિચાર’, ‘જિનપ્રતિમા દૃઢકરણ હુંડી’ તથા ‘વર્ણકો’) જેવી કૃતિઓ ઉલ્લેખનીય છે. ક.શે.