ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાવીરચરિત

Revision as of 12:13, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહાવીરચરિત : ભવભૂતિરચિત મહાવીરચરિત રામાયણના નાયક રામના પૂર્વજીવનના બાલકાંડથી યુદ્ધકાંડ સુધીના કથાનકને નાટ્યરૂપ આપવાની મહત્ત્વાકાંક્ષા રાખતું સપ્તઅંકીય નાટક છે. રામાયણની ઘણીબધી નાનીમોટી, મહત્ત્વની ઘટનાઓને ભવભૂતિએ નાટકમાં સમાવી છે. કર્તાને જ્યાં ઉચિત જણાયું ત્યાં મૂળ રામાયણની કથાથી ફંટાયા પણ છે. મંથરામાં પ્રવેશેલી શૂર્પણખા કૈકેયીનાં બે વરદાન માગીને રાજાને વનમાં મોકલે છે. રામ મિથિલાનગરીમાંથી સીધા વનમાં જાય છે. રામ વાલીને સન્મુખ થઈને – મૂળની જેમ છુપાઈને નહીં – હણે છે. આથી કેટલીક ઘટનાઓ રામાયણથી ભિન્ન રીતે નિરૂપાઈ છે. પણ આટલી દીર્ઘ કથાને શિસ્તબદ્ધ નાટ્યસ્વરૂપ આપવાના દુષ્કર કાર્યમાં ભવભૂતિની ઊઘડતી પ્રતિભા (મહાવીરચરિત, માલતીમાધવ અને ઉત્તરરામચરિત એમ રચનાક્રમ સ્વીકારીએ તો)નો સર્જનાત્મક ઉન્મેષ ક્યાંય અછતો રહેતો નથી. મહાવીરચરિત, ઘટનાઓની ભરમારના આલેખનથી વિશેષ કશું નથી. એવી ઉપલક છાપ ઊઠે પણ નાટ્યકારે આ ઘટનાઓને સાંકળતાં એકસૂત્ર તરીકે રાજકીય વિચારસરણીને ગૂંથીને નાટકને એક કેન્દ્ર સંપડાવ્યું છે. રાવણનો મંત્રી માલ્યવાન. રામ અને રાવણ એ બે પક્ષોને વિરોધાવતાં કહે છે કે રામ ‘નિસર્ગેણ ધર્મસ્ય ગોપ્તા’ છે અને આપણે ‘ધર્મદ્રુહ’ છીએ. માલ્યવાન રામને પરાસ્ત કરવા વ્યૂહરચનાઓ ઘડે છે અને તેથી નાટકનો મહદ્અંશ માલ્યવાનની કૂટનીતિ અને મુત્સદ્દી રાજનીતિનો કાર્ય-કલાપ અને કાર્યવિપાક છે. વિ.પં.