ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રેડિયોનાટક

Revision as of 09:12, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રેડિયોનાટક : રેડિયોના આગમન પછી નાટ્યકળાનો વિકસેલો અભિનવ પ્રકાર. એક નિર્જીવ માધ્યમ વડે કેવળ શ્રાવ્ય ભૂમિકાએ તે પ્રસ્તુત થાય છે. તખ્તા પર ભજવાતું નાટક મુખ્યત્વે દૃષ્ટિનો વિષય છે. જ્યારે રેડિયો દ્વારા રજૂ થતું નાટક માત્ર શ્રુતિનો વિષય છે. તખ્તાનાટકનો મૂળાધાર પ્રકાશ છે જ્યારે રેડિયોનાટક ધ્વનિના અભાવમાં પ્રવર્તી શકતું નથી. રેડિયોનાટકનું સ્વરૂપ ધ્વનિસ્વરૂપ છે. રેડિયોનાટકમાં ધ્વનિનો ઉપયોગ ત્રણ રીતે થાય છે : શબ્દ, સંગીત અને ધ્વનિનિક્ષિપ્તિ. રેડિયોનાટકમાં વાચિક શબ્દનો વિશેષ મહિમા છે. આ શબ્દ બે રીતે પ્રયોજાય છે : સંવાદ અને વિવરણ. રેડિયોનાટકના સંવાદો મૂળે તો લિખિત સ્વરૂપે જ હોય છે. તેમની પ્રસ્તુતિ વખતે તખ્તાનાટકના કલાકારોને આંગિક અભિનયનું જે પૂરક બળ મળે છે તે રેડિયોનાટકમાં મળવું શક્ય નથી. રેડિયોનાટકનાં પાત્રો પ્રત્યક્ષ પાત્રો નથી તેથી તેમાં સંવાદો જ શ્રોતાના માનસિક પ્રત્યક્ષીકરણનો આધાર બને છે. રેડિયોનાટકનો શ્રોતા અન્ય પ્રકારના નાટકોના આસ્વાદનની તુલનાએ રેડિયોનાટકના સંવાદો દૃશ્યતત્ત્વનો અભાવ વરતાવા ન દે તેવા હોવા જોઈએ. આ અર્થમાં રેડિયોનાટકના સંવાદો અન્ય પ્રકારનાં નાટકો કરતાં વિશિષ્ટ છે. રેડિયોનાટકમાં કેવળ ધ્વનિતત્ત્વના આધારે શ્રોતાને મનોગ્રાહ્ય દૃશ્યપ્રતીતિ આપવી અનિવાર્ય બને છે. રેડિયોનાટકનો શ્રોતા અન્ય પ્રકારનાં નાટકોના આસ્વાદની તુલનાએ રેડિયોનાટકના આસ્વાદમાં સંવાદને પ્રધાનપણે લક્ષમાં રાખતો હોય છે, કારણ કે તેનું લક્ષ્ય અન્યત્ર કેન્દ્રિત કરવાની કોઈ શક્યતા આ નાટ્યપ્રકારમાં હોતી નથી. રેડિયોનાટકના કલાકારે સંવાદોમાં જે તે પાત્રની ચરિત્રવિષયક વિશેષતાઓ પોતાના સ્વરવ્યક્તિત્વ (Vocal character) અનુસાર વાચાના વિશિષ્ટ આયામો વડે પ્રગટાવવાની હોય છે. રેડિયોનાટકમાં પ્રસ્તુત થતું વિવરણ(Narration) સંવાદ નથી. વિવરણ આપનાર પ્રવક્તાનું કાર્ય જુદું છે. સામાન્ય રીતે ભિન્ન ઘટનાઓનું અનુસન્ધાન સ્થાપવા માટે, બનતી ઘટનાઓની સમીક્ષા કરવા માટે તથા વાતાવરણનું નિર્માણ કરવા માટે રેડિયોનાટકમાં વિવરણ પ્રસ્તુત થાય છે. વિવરણ આપતા પ્રવક્તાનો રેડિયોનાટકના સંવાદોમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી. રેડિયોનાટકમાં પ્રવક્તા બે રીતે આવે છે : તટસ્થ પ્રવક્તા (impersonal narrator) અને પાત્રપ્રવક્તા(character itself a narrator) બન્ને પ્રકારના પ્રવક્તા કાર્ય તો એક જ કરે છે, પણ નાટકમાં એમની સ્થિતિઓ ભિન્ન હોય છે. તટસ્થપ્રવક્તા નાટકની ઘટનાઓનો દ્રષ્ટા હોય છે. ઘટના સાથે તેનો કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી હોતો. આ પ્રકારનો પ્રવક્તા ‘નાટકમાં’ નહિ પણ, ‘નાટક સાથે’ હોય છે. બીજા પ્રકારનો પ્રવક્તા નાટકનું જ એક પાત્ર હોય છે. નાટકમાં તે સંવાદ પણ કરે છે અને તેમાંથી બહાર નીકળી વિવરણ પણ આપે છે. રેડિયોનાટકમાં સંગીતનો ઉપયોગ ત્રણ રીતે થાય છે : સ્વતંત્ર રીતે, સંવાદોની પૃષ્ઠભૂમિ રૂપે અને કથાવસ્તુના ઘટક તરીકે. સ્વતંત્ર રીતે પ્રયોજાતું સંગીત નાટકના આરંભે, અંતે અને વચ્ચે, નાટ્યાંશ પરિવર્તન વખતે ખપમાં લેવાય છે. રેડિયોનાટકમાં સ્વતંત્ર રીતે પ્રયોજાતું સંગીત આરંભે વિષયવસ્તુનો ભાવાત્મક પ્રક્ષેપ કરે છે. અને અંતે નિષ્કર્ષરૂપ, પૂર્ણતાબોધક, નિરસિત ભાવવ્યંજના પ્રગટાવે છે. સંવાદોની પૃષ્ઠભૂમિરૂપે પ્રયોજાતું સંગીત સંવાદોમાં નિહિત ભાવને દૃઢાવવા માટે હોય છે. કથાવસ્તુના ઘટક તરીકે લગ્નગીતો, હાલરડાં, મરશિયાં વગેરેના ઉપયોગ દ્વારા અમુક ચોક્કસ પ્રકારના વાતાવરણનું નિર્માણ કરી શકાય છે. રેડિયોનાટકમાં ધ્વનિનિક્ષિપ્તિ(Sound effects) બે રીતની હોઈ શકે છે. ૧, ધ્વનિમુદ્રિત(recorded) અને ૨, સીધી (live). ધ્વનિમુદ્રિત ધ્વનિનિક્ષિપ્તિની ‘ટેપ્સ’ આકાશવાણીના પ્રત્યેક કેન્દ્રમાં રાખવામાં આવે છે. તેની રેકોર્ડ્ઝ બજારમાં પણ મળતી હોય છે જેમાં ભિન્નભિન્ન પ્રકારના ધ્વનિઓ મુદ્રિત થયા હોય છે. આમાંથી આવશ્યક ધ્વનિઓને રેડિયોનાટકમાં પછીથી ઉમેરી લેવામાં આવે છે. આ પદ્ધતિને ઉપમુદ્રણ(superimpose process) કહેવામાં આવે છે. સીધી ધ્વનિનિક્ષિપ્તિ વિશિષ્ટ પ્રયુક્તિઓ દ્વારા થાય છે. ધ્વનિનિશક્ષિપ્તિ દરેક વખતે પૂર્ણ અર્થ અવગત કરાવી શકતી નથી. પ્યાલામાં પાણી રેડવાનો અવાજ શરાબ કે દવા રેડવાનો અવાજ પણ હોઈ શકે. આવી સંદિગ્ધ પરિસ્થિતિમાં રેડિયોનાટકની સંવાદરચના એ પ્રકારની હોવી જોઈએ, જેમાં તે અવાજ વિશેની સ્પષ્ટતા કરવામાં આવી હોય. માત્ર ધ્વનિની મદદથી રેડિયોનાટકમાં દિશાનો બોધ પણ થતો નથી. વિશિષ્ટ સંવાદરચના વડે જ એ શક્ય બને છે. આ ત્રણ ઉપરાંત શાંતિ પણ રેડિયોનાટકના સ્વરૂપનું ચોથું અને મહત્વનું ઉપકરણ છે. રેડિયો નાટકમાં ચોક્કસસ્થાને અમુક પળોનો નીરવ વિરામ બહુ અર્થવ્યંજક બની શકતો હોય છે. રેડિયોનાટકના પ્રસ્તુતકર્તાનું કામ દૃશ્યમાધ્યમનાં નાટકો કરતાં તદ્દન વિલક્ષણ હોય છે. તેની નિર્માણશૈલી પણ વિશિષ્ટ હોય છે. રેડિયોનાટકનો પ્રસ્તુતકર્તા નાટકની પ્રસ્તુતિ નિતાન્તપણે યંત્રો પર આધારિત રહીને કરે છે. માઈક્રોફોન રેડિયો નાટકનો તખ્તો છે. કારણ કે તેના પર રેડિયોનાટકના સંવાદો પ્રક્ષેપાય છે. બીજા શબ્દોમાં કહીએ તો અભિનીત થાય છે. વિજ્ઞાનના વિકાસની સાથોસાથ કળાઓમાં પણ નવીનીકરણ થયું છે એ જોતાં, રેડિયોના આવિષ્કાર સાથે નાટ્યકળાની પણ એક નવી દિશા ખૂલવા પામી છે. નાટક એ જોવા માટેની ચીજ છે તેવું સમજનારા આપણે, હવે નાટકને માત્ર સાંભળવાની ચીજ પણ માનવી પડે તેવું થયું છે. વિ.જો.