ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રીતિસંપ્રદાય

Revision as of 09:25, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



રીતિસંપ્રદાય : રીતિ સંપ્રદાયના પ્રવર્તક વામન છે પરંતુ रीति શબ્દનાં મૂળ છેક ઋગ્વેદની महीवरीतः शवसासरत् पृथक् (૧/૨૮/૧૪) અને वातेवाजुर्यानद्यवैरीतिः (૨/૩૯/૫) ઋચાઓ સુધી લંબાયેલાં છે. रींङ श्रवणे અને रीङ् गतौ પરથી એ અનુક્રમે ‘ધારા’ તથા માર્ગ-ગતિ-પ્રસ્થાન જેવા અર્થો પ્રકટ કરે છે. આના પરથી એના પદ્ધતિ, વિધિ જેવા અર્થો પણ રૂઢ થયા છે. કાવ્યનું આ રીતિતત્ત્વ અનેક નામે અને વિવિધ સ્વરૂપે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વિલસતું દેખાય છે. ભરતમાં એ काव्य રૂપે, ભામહમાં એ प्रवृत्ति રૂપે, દંડી-કુંતકમાં એ काव्य રૂપે, વામન-રુદ્રટ-રાજશેખર-મમ્મટ-વિશ્વનાથાદિમાં वृत्ति રૂપે ઉદ્ભટમાં संघटना રૂપે, આનંદવર્ધનમાં <F૧૩૯>ઠ્ઠઋદ્વઉઋક્કઙઋઋ રૂપે, તો ભોજમાં पंथ, मार्ग અને रीति રૂપે નિરૂપાયું છે. કાવ્યાચાર્યોએ પોતાના કાવ્યદર્શન અનુસાર એનું નામ તથા જુદાજુદા ઘટકોને પ્રાધાન્ય આપી એનું સ્વરૂપ અને એનું કાર્ય વિચાર્યું છે. આથી अलंकार તત્ત્વની જેમ જ रीति તત્ત્વ વિશે પણ સામસામે છેડેના વિચારો પ્રકટ થયેલા જોવા મળે છે. વામને રીતિસિદ્ધાન્ત પ્રતિષ્ઠિત કર્યો એ પૂર્વે કાવ્યશાસ્ત્રમાં એ ઠીક ઠીક વિકસી ચૂક્યો હતો. ભરતના નાટ્યશાસ્ત્રના ૧૪મા અધ્યાયમાં प्रवृत्तिની ચર્ચામાં रीतिની સંકલ્પનાનાં મૂળ પડેલાં છે. ભરત प्रवृत्तिમાં વિવિધ દેશોની વેશભૂષા, ભાષા, આચારવિચાર અને કૃષિ-વ્યાપારની વર્ણનાનો સમાવેશ કરે છે : पृथिव्यां नानादेशवेशभाषाचारवार्त्ता खापयतीति प्रवृत्तिः। ભરતની પ્રવૃત્તિ લોકવ્યવહારનાં લગભગ બધાં પાસાંને આવરી લેતી વ્યાપક સંજ્ઞા છે તો વામનની રીતિ વચોવિન્યાસરૂપ વિશિષ્ટપદરચનાને જ લક્ષિત કરતી સીમિત સંજ્ઞા છે. છતાં ભરતની प्रवृत्तिનું ભાષારૂપ ઘટક વામનની રીતિની સંકલ્પના ઘડનારું તત્ત્વ બની રહ્યું છે એ નિ :શંક છે. ટૂંકમાં प्रवृत्तिના ઘટક તત્ત્વોના વિઘટનની પ્રક્રિયામાંથી કાલાન્તરે રીતિની સંકલ્પના રચાઈ. ભરત ભારતવર્ષના વિવિધ દેશોમાં તે સમયે પ્રચલિત આવંતી, દાક્ષિણાત્ય, પાંચાલી તથા ઉડ્રમાગધી એમ ચાર પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરે છે. चतुर्विधा प्रवृत्तश्च प्रोक्तानाट्य प्रयोगतः। / आवंती दाक्षिणात्या च पांचाली चौड्रमागधी। ना. शा. ૧૪/૩૬) એમ કહી શકાય કે નાટ્યકાવ્યના સંદર્ભે ભરતે વિચારેલી પ્રવૃત્તિ શ્રાવ્યકાવ્યનું કાવ્યશાસ્ત્ર રચવાના અનુગામી આચાર્યોના પુરુષાર્થના સહજ પરિણામ રૂપે રીતિના નિશ્ચિત અને વિશદ વિચાર રૂપે સ્થિર થઈ. ભરતમાં प्रवृत्ति સાથે જે ભૌગોલિક સંદર્ભ જોડાયો હતો તે પણ વામન-કુંતકરાજશેખરમાં ઓગળી જઈ કેવળ કાવ્યભાષાનો શુદ્ધ સાહિત્યિકસંદર્ભ પ્રાપ્ત કરે છે. અલબત્ત, ભરતે સૌકુમાર્યસંદર્ભે દાક્ષિણાત્યા પ્રવૃત્તિને સાંકળી છે એ જ લાક્ષણિકતાઓ વૈદર્ભી-રીતિમાં ઊતરી આવેલી છે, એ વાતનો વિચાર કરતાં પ્રવૃત્તિઓની લાક્ષણિકતાઓ રીતિમાં અમુક અંશે જળવાઈ રહેતી એ તથ્ય સ્પષ્ટ થાય છે. ભામહ વૈદર્ભકાવ્ય પુષ્ટાર્થયુક્ત, વક્રોક્તિભર્યું, પ્રસન્ન, ઋજુ, કોમળ, વિશિષ્ટ, ગેય અને શ્રુતિમધુર તથા ગૌડકાવ્ય અલંકારયુક્ત, અગ્રામ્ય અર્થયુક્ત, ન્યાયસંગત અને અક્લિષ્ટ હોય તેને અનિવાર્ય લેખે છે. જો કે અહીં પુષ્ટાર્થતા, વક્રોક્તિયુક્તતા જેવાં લક્ષણો વૈદર્ભ કાવ્યમાં અને અલંકૃતતા, અગ્રામ્યતા, અર્થયુક્તતા, ન્યાયસંગતતા અને અક્લિષ્ટતા જેવાં લક્ષણો ગૌડકાવ્યમાં અનિવાર્ય ન હતાં પણ ભામહ જે તે કાવ્યપ્રકારમાં કાવ્યત્વ માટે એમને અનિવાર્ય બનાવે છે. આ તત્ત્વો ગુણ અને દોષપરિહારરૂપ છે. આમ ભામહ વૈદર્ભ અને ગૌડ કાવ્યને એમની અન્ય વિશેષતાઓ સાથે ગુણ અને દોષપરિહારરૂપ તત્ત્વોને પણ સાંકળી, ઉમેરી આપે છે. ભામહ વૈદર્ભકાવ્ય અને ગૌડકાવ્ય પૈકી વૈદર્ભ કાવ્યને ચડિયાતું માનવાના તત્કાલીન ખ્યાલને બુદ્ધિહીન અને ગતાનુગતિક કહીને ફગાવી દે છે. દંડી પ્રથમવાર मार्ग શબ્દ યોજી વૈદર્ભ અને ગૌડ માર્ગો ચર્ચે છે. તેઓ કવિવાણીના અસંખ્ય માર્ગોની સંભાવના સ્વીકારે છે. તેઓ ગુણ અને માર્ગ વચ્ચે અન્યોન્યાશ્રય સંબંધ સ્થાપે છે. તેઓ શ્લેષ, પ્રસાદ, સમતા માધુર્ય, સુકુમારતા, અર્થવ્યક્તિ, ઉદારતા, ઓજ, કાંતિ અને સમાધિ એમ દસ ગુણો માની, એમને વૈદર્ભ માર્ગના પ્રાણરૂપે પ્રમાણે છે. આ ગુણોથી વિપરીત સ્વરૂપવાળા ઘણાખરા ગુણો ગૌડ માર્ગમાં હોય છે : ‘इति वैदर्भ मार्गस्य प्राणाः दश गुणाः स्मृताः। / एषां विपर्ययः प्रायो दृश्यते गौडवर्त्मनि । (का. द. ૧/૪૨) દંડી વૈદર્ભ માર્ગ સમગ્ર ગુણોથી યુક્ત હોવાથી ઉત્તમ માને છે. ગૌડમાર્ગમાં બધા ગુણો સંભવિત ન હોવાથી તેઓ એની ટીકા કરે છે. ગૌડમાર્ગ પૌરત્સ્ય કાવ્યપદ્ધતિ છે. એમાં શ્લેષ અને સમતા ગુણોના વિરોધી અનુપ્રાસ અને અર્થાલંકારાડંબર પ્રચુરપણે હોય છે. અલંકારવાદી હોવા છતાં દંડી માર્ગમાં ગુણોનો ન્યાસ કરીને વામનના રીતિસિદ્ધાન્તની દૃઢ ભૂમિકા રચી આપે છે. જો કે ભામહ પછીના બાણ હર્ષચરિતના મંગલશ્લોકોમાં પોતાના સમયમાં પ્રવર્તતી ચાર પ્રદેશોની ચાર રચનાશૈલીઓનું વર્ણન કરે છે. ઉત્તરભારતમાં શ્લેષ, પશ્ચિમ ભારતમાં અર્થગૌરવ, દક્ષિણ ભારતમાં ઉત્પ્રેક્ષા અને પૂર્વ ભારત કે ગૌડ પ્રદેશમાં અક્ષરાડંબર તે તે પ્રદેશની રચનાશૈલીનાં વિશિષ્ટ લક્ષણો રૂપે સ્વીકૃત હતી. જો કે બાણ પોતે તો આ શૈલીઓનાં સુભગ તત્ત્વોનું સંયોજન રચવાના પક્ષના હતા. એમણે નૂતન અર્થવસ્તુ, અગ્રામ્ય સ્વભાવવર્ણન, અક્લિષ્ટ શ્લેષ સ્ફુટ રસ અને વિકટ અક્ષર બંધ એ સર્વ તત્ત્વોની એકત્ર સંસ્થિતિ સ્પૃહણીય ગણી છે. આમ દંડીપૂર્વે પણ રચનાશૈલીઓનું સ્વરૂપ અને પ્રભેદચિંતન ચાલુ જ હતું. વામન रीतिरात्माकाव्यस्य। (का.सू.वृ.૧.૨.૬ એમ રીતિને કાવ્યના આત્મા રૂપે ઉદ્ઘોષિત કરે છે. તેમણે રીતિનું विशिष्ट-पदरचना रीतिः। (का.सू.वृं. ૧.૨.૭) એમ વિશિષ્ટ પદરચના રૂપ સ્વરૂપ સ્પષ્ટ કર્યું પદરચનાની વિશેષતા દર્શાવતા વિશેષો गुणात्मा। (का.सू.वृं. ૧-૨-૮) એમ ગુણથી પ્રકટતી વિશેષતા એમણે ચીંધી આપી. આમ ગુણવતી પદરચનારીતિ કાવ્યનો આત્મા છે. દંડીએ દશ ગુણોને વૈદર્ભ માર્ગના પ્રાણ કહેલા તો વામને ગુણોને રીતિમાત્રના નિત્ય ધર્મો માન્યા. તેમણે રીતિ અને ગુણો વચ્ચે એકાત્મભાવ કલ્પ્યો. શબ્દ અને અર્થની સંઘટનાના ધર્મો એવા ગુણોને એમણે અલંકારોથી ઉત્કૃષ્ટ ગણ્યા. ગુણો કાવ્યશોભાકર ધર્મો તો અલંકાર કાવ્યશોભામાં વૃદ્ધિ કરનારા અતિશયતા આણનારા ધર્મો છે. ગુણો નિત્ય છે તો અલંકાર અનિત્ય ધર્મો છે. આમ ગુણ વધુ સૂક્ષ્મ અને કાવ્યસૌન્દર્ય માટે અનિવાર્ય તત્ત્વ છે. વામન શબ્દગુણોને બન્ધગુણ રૂપે પ્રમાણે છે. બન્ધગુણોની સરખામણીમાં અર્થગુણોનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. એ રસને પણ પોતાનામાં સમાવી લે છે. દંડીએ દસ ગુણો પૈકી કેટલાકને શબ્દગુણ તો કેટલાકને અર્થગુણ રૂપે ઓળખાવ્યા હતા. વામન એમાંથી પ્રેરણા લઈ દસેદસ ગુણોને શબ્દરૂપ તથા અર્થરૂપ એમ બે વિભાગોમાં વહેંચી કુલ વીસ ગુણ માને છે. વામન દસ શબ્દગુણોનું સ્વરૂપ આમ સ્પષ્ટ કરે છે : પદરચનામાં વર્ણોની સંશ્લિષ્ટતા ઓજ, બંધની શિથિલતા પ્રસાદ, અનેક પદો એક જેવાં લાગે તે શ્લેષ, કાવ્યમાં સાદ્યંત રીતિનો નિર્વાહ સમતા, ગુરુ વર્ણોની પ્રચુરતા રૂપ આરોહ અને લઘુવર્ણોની પ્રચુરતારૂપ અવરોહનો ક્રમ સમાધિ, દીર્ઘ સમાસરહિત પદોની પૃથકતારૂપ માધુર્ય, કોમળ શ્રુતિસુખદ બંધરૂપ સૌકુમાર્ય, બંધની વિકટતા અર્થાત્ પદો નૃત્ય કરતા હોય એવો બંધ ઉદારતા, અર્થની સ્પષ્ટ અને શીર્ઘ પ્રતીતિરૂપ અર્થવ્યક્તિ તથા બંધની ઉજ્જ્વલતા અર્થાત્ નૂતનતાનો અનુભવ કાન્તિ. વામન દસ અર્થગુણોનું સ્વરૂપ આમ સ્પષ્ટ કરે છે : અર્થના વિસ્તાર, સંક્ષેપ અને સાભિપ્રાયતા રૂપ પ્રૌઢી તે ઓજ, વિવક્ષિત અર્થને સમર્પક પદયોજનાજનિત અર્થની વિમળતારૂપ પ્રસાદ, ક્રમકૌટિલ્ય-અનુલ્વહાત્વ-ઉપપત્તિના યોગજનિત ઘટના તે શ્લેષ, અવૈષમ્ય કે અર્થગ્રહણની સુગમતારૂપ સમતા, એકાગ્ર ચિત્તથી થતા અર્થના દર્શનરૂપ અર્થદૃષ્ટિ તે સમાધિ, ઉક્તિકવૈચિત્ર્યરૂપ માધુર્ય, કઠોર અર્થના કથનમાં પણ અકઠોરતારૂપ અપારુષ્ય તે સૌકુમાર્ય, તુચ્છને ઉત્કર્ષપૂર્ણ દર્શાવવારૂપ અગ્રામ્યત્વ તે ઉદારતા, વર્ણ્ય વસ્તુની સ્પષ્ટ અભિવ્યક્તિ તથા સુગ્રાહ્યતારૂપ વસ્તુસ્વભાવની સ્ફુટતા તે અર્થવ્યક્તિ અને વસ્તુનિરૂપણમાં રસોની ઉજ્જ્વળ આભારૂપ રસદીપ્તિ તે કાન્તિ. વામન આ ગુણોને શબ્દ કે અર્થના નહીં પણ રીતિના ગુણો માને છે. આ ગુણોનો સરવાળો તે રીતિ નહીં પણ આ ગુણોનું રાસાયણિક સંયોજન તે રીતિ-વામન વૈદર્ભી, ગૌડીયા અને પાંચાલી એમ ત્રણ રીતિઓ પૈકી ગુણોના રાસાયણિક સંયોજનરૂપ સમગ્રગુણો અને સ્ફુટ ગુણોરૂપ વૈદર્ભીને ઉત્તમ અને શેષ બે રીતિઓને વર્જ્ય ગણે છે. વામન સમાસયુક્ત પદ વિનાની વૈદર્ભીને શુદ્ધ વૈદર્ભી રૂપે ઓળખાવતાં કહે છે કે એમાં ગુણોનો વૈભવ આસ્વાદ્ય હોય છે. તેમણે વૈદર્ભીને દોષોની માત્રાથી ય અસ્પૃષ્ટ, સમગ્ર ગુણોથી ગુંફિત અને વીણાના સ્વરસદૃશ સુભગ ગણી છે. ગૌડી ઓજ અને કાન્તિ ગુણોથી યુક્ત હોય છે. એ સમાસબહુલા અને અતિઉગ્ર પદોવાળી હોય છે. પાંચાલી માધુર્ય અને સૌકુમાર્ય ગુણોથી યુક્ત હોય છે. એની પદરચના અસમાસા અને કોમળ હોય છે. વામન ગુણોની સકલતા અને સ્ફુટતાને કાવ્યપાક કહે છે. અને તેને સહકારપાક તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત ક્લિષ્ટ વસ્તુગુણ અને અર્થગુણને વૃન્તાકપાક કહે છે. સહકારપાક વૈદર્ભી રીતિ સાથે તો વૃન્તાકપાક ગૌડીરીતિ સાથે સંકળાયેલા પ્રતીત થાય છે. આમ વામન રીતિની સંકલ્પના ગુણ અને કાવ્યપાક સુધી વિસ્તારી એને સર્વતત્ત્વાશ્લેષી બનાવવાનો પ્રયત્ન કરે છે. ઉદ્ભટ અલંકારસિદ્ધાન્તનું દૃઢીકરણ કરતા રીતિને वृत्ति માની અનુપ્રાસ અલંકારના પ્રકારવિશેષ રૂપે નિરૂપે છે. તેઓ વૃત્તિને કઠોર, કોમળ અને મિશ્ર વર્ણોની સંઘટના રૂપે વિચારી અનુક્રમે પરુષા, ગ્રામ્યા અને ઉપનાગરિકા કહે છે. આમ ઉદ્ભટમાં રીતિ અલંકારોમાં ય બહિરંગ મનાયેલા અનુપ્રાસાલંકાર રૂપે અવમૂલ્યાંકન પામે છે. રુદ્રટ કેવળ સમાસને આધારે વૈદર્ભી-પાંચાલી અને ગૌડી-લાટીયા એમ બે વર્ગોમાં ચાર રીતિઓને વહેંચે છે. તેઓ સમાસના અભાવે વૈદર્ભી, બે-ત્રણ સમાસોરૂપ લઘુસમાસા પાંચાલી, પાંચ-સાત સમાસોરૂપ મધ્યમસમાસા લાટીયા અને એથી વધુ સમાસોરૂપ દીર્ઘસમાસા ગૌડી એમ રીતિઓનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. તેઓ રીતિઓને સ્પષ્ટત : રસ સાથે સાંકળે છે. તેઓ વૈદર્ભી-પાંચાલીનો શૃંગાર, અદ્ભુત, કરુણ અને ભયાનક સાથે તો લાટીયા-ગૌડીનો રૌદ્ર સાથે સંબંધ સ્થાપે છે. આનંદવર્ધન રીતિને સંઘટના માની સમાસને આધારે અસમાસા, મધ્યમસમાસા અને દીર્ઘસમાસા એમ ત્રણ પ્રકારો કલ્પે છે. તેઓ રસધ્વનિને કેન્દ્રમાં રાખી રીતિનાં સ્વરૂપ અને કાર્યનો વિચાર કરે છે. તેઓ સંઘટનાને ગુણને આશ્રયે રહેલી માને છે. તેમણે સંઘટનાના નિયામક હેતુઓ રૂપે વક્તૃ-ઔચિત્ય, (વક્તા કે પાત્ર), વાચ્યૌચિત્ય (કાવ્યવિષય), વિષયૌચિત્ય (કાવ્યસ્વરૂપો) અને રસૌચિત્યનો વિચાર કર્યો છે. રાજશેખર કવિશિક્ષાની દૃષ્ટિએ રીતિનો વિચાર કરતા સમાસ, અનુપ્રાસ અને યોગવૃત્યાદિને ઘટકો માની એમના સ્વરૂપભેદે રીતિભેદ કલ્પે છે. તેઓ સમાસનો અભાવ, સ્થાનાનુપ્રાસ અને યોગવૃત્તિમાં વૈદર્ભી; અલ્પ સમાસ, અલ્પ અનુપ્રાસ અને ઉપચારમાં પાંચાલી તથા દીર્ઘસમાસ, અનુપ્રાસનું પ્રાચુર્ય અને યોગવૃત્તિપરંપરામાં ગૌડી રીતિ માને છે. આમ રીતિની સ્વરૂપવિચારણામાં રાજશેખર યોગવૃત્યાદિના સમાવેશથી નૂતન પરિમાણ ઉમેરે છે. તેણો મૈથિલી અને માગધી નામની બે રીતિઓ ઉમેરી મૈથિલીનું લોકમર્યાદાને અતિક્રમે નહીં તેવો અર્થનો અતિશય, અલ્પ સમાસવતી પદરચના અને યોગપરંપરાના નિર્વાહરૂપ સ્વરૂપ સ્પષ્ટ કરે છે. એમણે વેશવિન્યાસક્રમ, વિલાસવિન્યાસક્રમ અને વચનવિન્યાસક્રમને આધારે અનુક્રમે પ્રવૃત્તિ, વૃત્તિ અને રીતિ માની પ્રત્યેકની પૃથક્તા પ્રકટ કરી. એમની રીતિની વચનવિન્યાસક્રમરૂપ વિભાવના ઉદ્ભટ, રુદ્રટ અને આનંદવર્ધન કરતાં વિશેષ વ્યાપક છે. તેઓ रीतिरूपं वाक्यत्रितयं काकुः पुनरनेकयति। કહી કાકુને વચનવિન્યાસક્રમરૂપ રીતિનો પ્રાચુર્યસાધક માને છે. તેઓ કાવ્યપાકની વામનની વિચારણાને વિકસાવી ત્રણ વિભાગ કરી પ્રત્યેકના પુન : ત્રણ ત્રણ પ્રભેદો માને છે : (अ) આમ્રપાક, બદરપાક, પિચુમંદપાક (ब) સહકારપાક, તિન્તિડીકપાક, વાર્ત્તાકપાક (क) નાલિકેરપાક ત્રપુસપાક, ક્રમુકપાક. આ પાકોને અનુક્રમે ગૌડી રીતિ, પાંચાલી રીતિ અને વૈદર્ભીરીતિ સાથે સાંકળતા લાગે છે. આમ રાજશેખરમાં કાયાકલ્પ પામેલી રીતિ કાકુ અને કાવ્યપાક સાથે સંયોજાઈને કાવ્યવ્યાપારનું મહત્ અન્તરંગ તત્ત્વ બને છે. કુંતક વક્રોક્તિસિદ્ધાન્તના સંદર્ભે રીતિનું પુનર્ઘટન કરતા કવિસ્વભાવ સાથે સાંકળી રીતિવિચારને નવું પરિમાણ આપે છે. તેઓ मार्गને કવિઓના પ્રસ્થાનના હેતુઓ ગણી કવિસ્વભાવના સુકુમાર, વિચિત્ર અને મિશ્રરૂપ પ્રકારોને આધારે સુકુમાર, વિચિત્ર અને મધ્યમ માર્ગો કલ્પે છે. તેઓ માર્ગોની પ્રાદેશિકતા તથા ઉચ્ચાવચતાનું ખંડન કરે છે. કવિની અમ્લાન પ્રતિભામાંથી સ્ફુરેલા નૂતન શબ્દાર્થથી મનોહર, અનાયાસ રચાયેલા સ્વલ્પ અને મનોહર અલંકારયુક્ત, રસાદિના રહસ્યના જ્ઞાતા સહૃદયોના મન :સંવાદને કારણે સુંદર, અનાયાસે સિદ્ધ થયેલા બંધની રમણીયતાથી રંજક, વગેરેથી મુક્ત માર્ગને કુંતક સુકુમાર માર્ગ કહે છે. પ્રતિભાના પ્રથમ આવિષ્કારે જ શબ્દાર્થમાં વક્રતા સ્ફુરતી ભાસે, કવિ અલંકારથી સંતુષ્ટ ન થતા હારમાં મણિની માફક એક અલંકારમાં બીજો અલંકાર ગૂંથે, ચમકતા અલંકારોથી પોતાની સ્વાભાવિક શોભા પડછે ઢંકાયેલું અલંકાર્ય પોતાની શોભાની અતિશયતાથી પ્રકાશે, ઉક્તિવૈચિત્ર્યથી અનૂતનવસ્તુ અતિ ઉત્કર્ષ પામે, મહાકવિની પ્રતિભાથી અસુંદર વસ્તુ કવિરુચિ અનુસાર લોકોત્તર બની રહે, વાચ્યવાચકથી જુદી વાક્યાર્થની પ્રતીયામાનતા નિબંધન પામે, પદાર્થોનો સરસ અભિપ્રાયવાળો સ્વભાવ કશાક કમનીય વૈચિત્ર્યથી વર્ણીત થાય, વક્રોક્તિના વૈચિત્ર્યરૂપી જીવિતવાળો, કશીક અપૂર્વ અતિશયતાભરી અભિધા સ્ફુરે તેને કુંતક વિચિત્રમાર્ગ કહે છે. સહજ અને આહાર્ય શોભાના અતિશયભર્યા સુકુમાર અને વિચિત્ર માર્ગોના સંમિશ્રણરૂપ, માધુર્યાદિ ગુણો મધ્યમવૃત્તિ અનુસાર રચનાના સૌન્દર્યને પુષ્ટ કરે, બંને માર્ગોની સંપત્તિ સ્પર્ધાપૂર્વક રહે, વિભિન્નરુચિ સહૃદયો માટે મનોહર હોય તેને કુંતક મધ્યમ માર્ગ કહે છે. કુંતક માર્ગને માધુર્ય, પ્રસાદ, લાવણ્ય, આભિજાત્ય, ઔચિત્ય અને સૌભાગ્ય ગુણો સાથે સાંકળે છે. એ પૈકીના પ્રથમ ચાર ગુણોના સ્વરૂપ પ્રત્યેક માર્ગને સંદર્ભે બદલાય છે, જ્યારે ઔચિત્ય-સૌભાગ્ય રૂપ બે ગુણો યથાતથ સ્વરૂપે રહે છે. કુંતક વિચિત્ર માર્ગને અસિધારા જેવો અત્યંત કઠિન અને દુ :સંચર ગણે છે. તેઓ માર્ગને કાવ્યરચનાની કવિસ્વભાવજન્ય પદ્ધતિ રૂપે પ્રમાણી કાવ્યજીવિત વક્રોક્તિના અંતરંગ તત્ત્વ રૂપે પુન : પ્રતિષ્ઠિત કરે છે. ભોજરાજ રીતિના સ્વરૂપ પરત્વે રાજશેખરની પરિપૂર્તિનો અભિગમ રાખે છે. તેઓ વૈદર્ભી, પાંચાલી, ગૌડી, લાટીયા, આવન્તિકા અને માગધી એમ છ રીતિઓ માને છે. આ પૈકી આવન્તિકા વૈદર્ભી તથા પાંચાલીરીતિની અંતરાલવર્તિ રીત છે, લાટી બધી રીતિઓના મિશ્રણરૂપ રીતિ છે, તો માગધી એક રીતિથી આરંભાઈ અન્ય રીતિમાં પર્યવસાન થતાં સર્જાય છે. મમ્મટ રીતિ અને વૃત્તિને એકરૂપ ગણી ગુણવ્યજંક વર્ણસંઘટનને વૃત્તિ માને છે. વિશ્વનાથ પણ ધ્વનિવાદી દૃષ્ટિકોણથી કાવ્યના વિશિષ્ટ અંગવિન્યાસ રૂપે રીતિને પ્રમાણે છે. તેઓ વર્ણસંયોજન, શબ્દગુંફન અને સમાસને રીતિના ઘટકો ગણાવે છે. શારદાતનય નાટ્યના સંદર્ભે રીતિવિચારને વિકસાવતા ભોજમાંથી સંકેત પામી રીતિને ચાર પ્રકારના અનુભાવો પૈકી બુદ્ધયારંભ અનુભાવમાં સમાવે છે. તેઓ દ્રાવિડી અને સૌરાષ્ટ્રી નામક નૂતન રીતિઓ કલ્પે છે. તેમણે રીતિની સંખ્યા ૧૦૫ માની છે. ધ્વનિવાદી આચાર્યોથી ઉપેક્ષા પામેલી રીતિને વામનને અનુસરી અમૃતાનંદ યોગી પુન : કાવ્યના આત્મા રૂપે ઉદ્ઘોષિત કરે છે : रीतिरात्माकाव्यस्य कथ्यते सा चतुर्विद्या (अं.सा.सं. ૫/૧) આમ રીતિ દંડી-વામનમાં સમગ્ર કાવ્યતત્ત્વોને આશ્લેષતા ગુણ સાથે જોડાઈને કાવ્યના આત્મા રૂપે, આનંદવર્ધનમાં ગુણના આશ્રયે રહી રસની અભિવ્યક્તિના સાધન રૂપે તો કુંતકમાં કવિસ્વભાવ સાથે જોડાઈ ગુણ સાથે એકાત્મ બની કાવ્યજીવિત વક્રોક્તિના અંતરંગ તત્ત્વ રૂપે સ્વીકૃત થાય છે. અ.ઠા.