ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હમચડી

Revision as of 09:03, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હમચડી/હમચી : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું પદ્યસ્વરૂપ. હમચડી, હમચી, હીંચ આ બધા એકકુલોત્પન્ન શબ્દપરિવાર છે. એનો અર્થ થાય છે એક જાતનો હિંડોળ, અમુક પ્રકારનો આરોહ-અવરોહ. છ માત્રાનો એક તાલ કે ઠેકો. ‘હમચી ખૂંદવી’ એવો શબ્દપ્રયોગ પણ મળે છે જેમાં ઉપરોક્ત અર્થ જ અભિપ્રેત છે. હીંચનો હિંડોળ એ રાસનું ગણતત્ત્વ છે રાસની જેમ ઉત્સવ-પ્રસંગોએ આ પ્રકારની રચનાઓનું ગાન થતું હતું. સામાન્ય રીતે ૫૦થી ૧૦૦ કડી જેટલી લાંબી આ પ્રકારની રચનાઓ હોય છે પરંતુ તેમાં મનોરમ ભાવચિત્રો, પ્રસંગચિત્રો, અલંકાર અને ભાષામાધુર્ય હોય છે. ‘નેમિનાથ હમચડી’ (૧૫૦૮), ‘કૃષ્ણરુક્મિણી વિવાહ હમચડી’ વગેરે કૃતિઓ ઉપલબ્ધ છે. આ સ્વરૂપ પ્રમાણમાં ઓછું ખેડાયું છે. જોકે જૈન, તેમજ જૈનેતર કવિઓએ આ સ્વરૂપની રચનાઓ આપી છે. આ રચનાઓનો મુખ્ય હેતુ સામૂહિક નૃત્ય ગાવા માટે હતો. તેથી તેમાં સંગીતની છટા પણ પ્રયોજાયેલી દેખાય છે. કી.જો.