ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સલોકા

Revision as of 09:08, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)


સલોકા : મધ્યકાલીન ગુજરાતી ભાષાનું પદ્યસાહિત્ય-સ્વરૂપ. પદ્યબદ્ધ શૌર્યસ્તુતિના સ્વરૂપની રચના માટે ‘સલોકો’ શબ્દ આવ્યો હોવાની સંભાવના છે. વિશિષ્ટ અર્થમાં વરકન્યાએ પરણતી વખતે સામસામાં બોલવાની પંક્તિઓ – એવા અર્થમાં પ્રાકૃત શબ્દ ‘સલોકા’ વપરાય છે. ભાણનો, રૂસ્તમનો, રણછોડજીનો તથા કેટલાક મારવાડી સલોકા ઉપરથી એવો નિર્ણય કરી શકાય કે સલોકામાં ઐતિહાસિક મનાતા કોઈ પ્રસંગનો આશ્રય લઈને તે સાથે સંકળાયેલી મુખ્ય વ્યક્તિની ૧૦થી માંડી ૧૫૦ કડીમાં પરાક્રમ-સ્તુતિ આપવામાં આવે છે. ઉપરાંત જેસલમેર, શંખેશ્વર જેવાં યાત્રાધામ : ક્રોધ, માયા, લોભ જેવી વૃત્તિઓ; શાલિભદ્ર, નેમિનાથ જેવા જૈન મુનિઓ, શંકર, સીતા, રામ, જેવાં જૈનેતર દેવ-દેવીઓ પણ વિષય બન્યાં છે. ‘સલોકા’ના બીજા સ્વરૂપના વિકાસમાં પંદરમી, સોળમી શતાબ્દીથી ચાલુ રહેલો હિન્દુજ્ઞાતિઓમાં લગ્ન, જનોઈ જેવા પ્રસંગે, વરની વિદ્યા કે ચાતુરીની કસોટી માટે ‘સલોકા’ બોલવાનો રિવાજ કારણભૂત છે. વરની પરીક્ષા કરવા સાળાઓ ‘શ્લોકો’ કહેતા. વર તેનો જવાબ વર્ણનાત્મક ‘શ્લોકો’થી આપતો. કન્યા પણ સલોકા રચતી. આવા બોલાતા ‘સલોકા’ દર વખતે સ્વરચિત ન હતા. જૈન મુનિઓ આવા ‘સલોકા’ઓની રચના કરતા. સત્તરમી શતાબ્દીથી ‘સલોકા’ની રચના રૂઢ થયેલા છંદમાં બોલચાલની ભાષામાં થવા લાગી. અઢારમી, ઓગણીસમી સદીમાં આ પ્રથા ચાલુ રહી છે. સમય જતાં અપકીર્તિના અર્થમાં વ્યાજોક્તિમાં ‘સલોકા’ જોડવામાં આવતા. પરિણામે મહેણાં-ટોણાવાળી પ્રશનેત્તરીરૂપ રચનાઓ પણ ‘સલોકા’ના નામે ઓળખાવા માંડી. કી.જો.