ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને ધર્મ

Revision as of 07:59, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાહિત્ય અને ધર્મ : સાહિત્ય અને ધર્મ એ બે ચીજો જુદી છે પણ સાહિત્યવિવેચનચર્ચામાં એ બંનેને જોડવાનો પ્રયત્ન થાય છે. એને અનુલક્ષીને ધાર્મિક કવિતા – આધ્યાત્મિક કવિતાની ચર્ચા પણ થાય છે. કશાક અપાર્થિવ તત્ત્વ તરફની અભિમુખતા, ઉદાત્ત તત્ત્વ પ્રત્યેનું અભિસરણ, કોઈ મંગલમય ભાવના કે પરમ તત્ત્વની ઝંખના કે અણસાર જેમાં નિરૂપાયાં હોય એવી રચનાઓને આધ્યાત્મિક કવિતા, ધાર્મિક કવિતા, અતીન્દ્રિય અનુભવની કવિતા કે ભક્તિકવિતા એમ જુદાં જુદાં અભિધાનોથી ઓળખવામાં આવે છે. પણ એનાં સંકેતો કે વ્યાવર્તક લક્ષણોની સ્પષ્ટતા થઈ નથી. મૅથ્યુ આર્નલ્ડ જેવા વિવેચક-સંસ્કૃતિ વિચારક માનતા હતા કે કવિતા ધર્મનું સ્થાન લેશે. એના કરતાં કાકાસાહેબ કાલેલકરનું વલણ વધારે સ્વીકાર્ય નીવડે એવું છે કે “કળા કોઈ કાળે ધર્મનું સ્થાન ન લઈ શકે અને તે ધર્મની વિરોધી પણ ન જ થવી જોઈએ.” કવિતા – સાહિત્ય અને ધર્મને સાંકળવાનો પ્રયત્ન નીતિવાદી વિવેચકોએ એ પછી પણ કર્યો છે. આનંદશંકર ધ્રુવે સાહિત્ય અને ધર્મના પ્રશ્નને સમ્યક્ રીતે રજૂ કરતાં કહ્યું છે કે કવિતા (એટલેકે વ્યાપક અર્થમાં સાહિત્ય)માં “...બુદ્ધિ, હૃદય અને કૃતિ ઉપરાંત એક અપેક્ષા ધાર્મિકતાની છે. આ ધાર્મિકતા ઉઘાડી પ્રતીત થવી જોઈએ એમ તાત્પર્ય નથી. જ્યાં ધાર્મિકતા પ્રગટ રૂપે હોય ત્યાં ભક્તિ અને જ્ઞાનરસની કવિતા થાય છે. પણ એ તો કવિતાનો એક પ્રકાર છે, કવિતાના સામાન્ય સ્વરૂપ નથી. કવિતાના સામાન્ય સ્વરૂપમાં જે ધાર્મિકતાની અપેક્ષા છે તે વિશ્વની પાર રહેલા તત્ત્વનું સૂચન, માત્ર કલા અને કવિતા દ્વારા ચાતુરીથી દર્શન કરાવવામાં રહેલી છે...જે જે કાવ્યો અને નાટકોમાં એ તત્ત્વનું સૂચન અને દર્શન કરાવવામાં આવે છે એ સર્વમાં આ ધાર્મિકતા આવી જાય છે એમ કહેવામાં બાધ નથી. શેક્સપિયરનાં નાટકોમાં એક પણ પાદરી દાખલ કર્યો નથી છતાં એમાં ધાર્મિકતાની સામાન્ય જરૂરિયાત પૂરી પડે છે.” એટલે સર્વસામાન્ય સ્વરૂપમાં સાહિત્યમાં ધાર્મિકતા એના વિશાળ અર્થમાં હોય જ છે અને સાહિત્ય ધર્મને, કહો કે માનવધર્મને, જીવનનાં પાયાનાં મૂલ્યોને અવિરોધી હોય છે. પરંતુ ધાર્મિક સાહિત્ય એ તો જુદી જ ચીજ છે. એને સાહિત્યનો એક પેટા વિભાગ ગણી શકાય. ધાર્મિક સાહિત્ય એટલે એવું સાહિત્ય જેમાં ધર્મ એક વિષય તરીકે ગણી શકાય અથવા હોય. આ પ્રકારની રચનાઓએ પણ ‘સાહિત્ય’તો બનવું જ પડે. એ સિવાયની ધર્મવિષયક ચોપડીઓને પણ શિથિલ રીતે ધાર્મિક સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય બાબત ‘ધર્મ’ કે કોઈપણ ઉચ્ચ તત્ત્વ (જેમ નિષ્કૃટ પણ) સાહિત્યમાં આવી તો શકે જ પણ એની છેવટની પરિણતિ, સાહિત્યકલા રૂપે થવી જોઈએ અને એની ફલશ્રુતિ રસાનંદમાં રહેલી છે. આવું ‘સાહિત્ય’ જે કામ ‘ધર્મ’ કરે છે તે તો કરે જ છે પણ એ પ્રગટ રૂપમાં કરતું નથી. પછી એ સાહિત્ય વાસ્તવવાદી હોય, અતિવાસ્તવવાદી કે અસ્તિત્વવાદી હોય, એ એની પદ્ધતિએ કશાક ઉદાત્ત તત્ત્વ પ્રત્યે વાચકને પ્રેરે છે. જીવનનાં અન્ય ક્ષેત્રોમાં જેમ જે તે ક્ષેત્રના નિયમોનું પ્રવર્તન થાય છે તેમ સાહિત્યમાં એના પોતાના નિયમો સર્વોપરી હોવા જોઈએ. સાહિત્ય ‘સાહિત્ય’ રહીને કોઈપણ વસ્તુનો એનામાં સમાસ કરી શકે પણ આખરને પલ્લે એમાંથી સાહિત્યનો આનંદ મળવો જોઈએ. સાહિત્ય અને ધર્મના સંબંધની બાબતમાં ઘણા વિવાદો થયા છે અને હજુ પણ થયા કરે છે. પરંતુ ઉમાશંકર જોશીએ એક સૂત્રરૂપ વાક્ય કહેલું કે કવિકર્મ એ જ કવિધર્મ છે. આ વાક્યને વિસ્તારીને આપણે કહી શકીએ કે સાહિત્યકર્મ એ જ સાહિત્યધર્મ છે. સાહિત્યને લાગેવળગે છે ત્યાં સુધી સાહિત્યકારને માટે સાહિત્યથી પૃથક્ બીજો કોઈ ધર્મ હોઈ ન શકે. ર.જો.