ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સંસ્કૃતિ

Revision as of 08:41, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાહિત્ય અને સંસ્કૃતિ : સંસ્કૃતિનો સમાજવ્યાપી અર્થ ઘટાવતાં સાહિત્ય સંસ્કૃતિનો ભાગ બની રહે છે. કોઈપણ સમાજની પ્રવૃત્તિઓ, વિચારવાની વિવિધતાઓ, વ્યાવહારિક અભિગમો, સાધનો, સંબંધો અને પરંપરાઓનો સરવાળો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ સમાજસાપેક્ષ છે. વ્યક્તિગત સંસ્કૃતિ જેવો શબ્દપ્રયોગ કરી તો શકાય પણ ત્યાં સંસ્કૃતિનો સંસ્કાર એવો મર્યાદિત અર્થ સ્વીકારાયેલો હોય છે. અહીં સંસ્કૃતિનો સમાજસાપેક્ષ વ્યાપક અર્થ જ ઉદ્દિષ્ટ છે પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એ સાધનો અને વિચારોની ટકરામણની પરિણતિ છે. સાધન વિચાર પ્રેરે છે, અને વિચાર સાધનને વિકસાવે છે, જે ફરી પાછું વિચાર પ્રેરે છે. આમ જીવનની હરેક પ્રવૃત્તિમાં બનતું રહે છે. આ ચક્ર ચાલતું જ રહે છે. એટલે સંસ્કૃતિ જે પ્રવૃત્તિઓ, સાધનો અને મૂલ્યોનો સરવાળો છે તે પણ વિકસતી રહે છે. સંસ્કૃતિના વિવિધ સ્તરે સમાજવ્યવહાર તો હોય છે. સમાજ સાથે પ્રસંગ પાડતાં પાડતાં, સાધનો પ્રયોજતાં, વિચારો બહેલાવતાં, ભાષા નામનું સાધન જડી રહ્યા પછી માણસે પોતાની હરેક પ્રવૃત્તિ સાથે ભાષાને સાંકળી લીધી છે. પોતાની લાગણીઓ અને વિચારોને મૂર્ત કરવાને માટે પણ એણે ભાષાનો ઉપયોગ કર્યો છે. એણે ભાષાને એટલેકે અર્થ સૂચવતા અવાજને વિવિધ રીતે ખપમાં લીધો છે. એટલે ભાષા નામનું સાધન વિવિધ પ્રકારે વિકસ્યું છે. પણ ભાષા નહોતી ત્યારે પણ સંસ્કૃતિની કોઈ ને કોઈ અવસ્થા તો મોજૂદ હતી. મનુષ્યનો મનુષ્ય સાથેનો સંબંધ સમાજની રચના કરે છે અને સમાજની જે તે સમયની સમગ્રતા તે સમયની સંસ્કૃતિ છે. ભાષા નામનું સાધન પ્રાપ્ત થયા પછી પોતાની લાગણીઓ, વિચારો અને અનુભવોને સંઘરવાનું અનુપમ સાધન મનુષ્યને પ્રાપ્ત થયું જેણે તેનામાં અધિક સભાનતા અવતારી. મનુષ્યની વિચારશક્તિને પણ વિકસાવી. અવાજ અને તેમાં અનુસ્યૂત અર્થ મનુષ્યને આનંદનો અનુભવ પણ કરાવવા લાગ્યો, એટલે બીજી આનંદાનુભૂતિઓની જેમ(સૂર, હાવભાવ, નૃત્ય વગેરે) આ આનંદાનુભૂતિને પણ મનુષ્યે વિકસાવી. એને કાળે કરીને નામ અપાયું કાવ્ય અથવા સાહિત્ય. સાહિત્ય એ ભાષાની કલા છે; અર્થપૂર્ણ અવાજની કલા છે. કલાનિરપેક્ષ ભાષાવ્યવહાર સમાજ-જીવનમાં ચાલતો જ હોય છે, પણ એ જ ભાષાનો કલાસર્જન માટે – આનંદનિર્મિતિ માટે વિશિષ્ટ ઉપયોગ પણ થતો રહ્યો છે. જેમાં મનુષ્યનાં સંવેદનો અને મૂલ્યો અને અનુભૂતિઓ ઘૂંટાયેલાં હોય છે. આમ સારાયે સમાજ સાથે સંબંધાયેલી મનુષ્યવ્યક્તિ સારાયે સમાજને પોતાની વિશિષ્ટ અનુભૂતિ ભાષાભિવ્યક્તિ દ્વારા પહોંચાડવા પ્રવૃત્ત થાય ત્યારે સાહિત્ય જન્મે છે. પણ સાહિત્યનું અવતરણ આખા ભાષાસમાજને અનુલક્ષે છે. અને ભાષાસમાજના પ્રતિભાવો સાહિત્યને પણ વિકસાવે છે. આ પ્રક્રિયા સાહિત્ય અને સંસ્કૃતિનો સંબંધ નિરમે છે. સંસ્કૃતિ સમાજગત સમગ્રતા છે અને ભાષા સમાજવ્યાપી સાધન છે. એ સાધનનું આનંદલક્ષી પ્રવર્તન પણ સંસ્કૃતિનો ભાગ બની રહે છે. આમ સાહિત્ય સંસ્કૃતિને લક્ષ્ય કરે છે. સંસ્કૃતિને વિકાસલક્ષી અને જીવનલક્ષી સંવેદનોથી પરિષ્કૃત કરે છે અને સંસ્કૃતિમાંથી અનુભવો અને વિષયો પામીને પોતાને સમૃદ્ધ કરે છે. ય.શુ.