ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રાષ્ટ્રીય સાહિત્ય

Revision as of 12:21, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાષ્ટ્રીય સાહિત્ય (National Literature) : રાષ્ટ્રીય સાહિત્યને રાષ્ટ્રવાદી (Nationalistic) સાહિત્યથી અલગ કરવાની જરૂર છે. રાષ્ટ્રીય ઉદૃંડતા, મોટી નાની પ્રજાનો ભેદભાવ, ગુરુતાગ્રંથિનો ખ્યાલ, જૂલ્મવાદ – આ બધાથી યુક્ત રાષ્ટ્રવાદી સાહિત્ય આજે કાલગ્રસ્ત ખ્યાલ છે. પરંતુ રાષ્ટ્રીય સાહિત્ય પ્રમાણમાં તટસ્થ અને નિર્દોષ સંજ્ઞા છે. રાષ્ટ્રીય સાહિત્ય રાષ્ટ્રીય સત્ત્વ કે ચરિત્રને તાકતું હોવા છતાં વિશ્વસાહિત્યની એક શાખા છે. કોઈપણ રાષ્ટ્ર સામાજિક, રાજકીય આર્થિક, ભૌગોલિક કે ઐતિહાસિક પરિબળોથી જોડાયેલું હોય છે. આની સીમામાં રહેતું જીવન પોતાની ઓળખ, પોતાની રીતિ, પોતાની વિચારધારા, પોતાનાં મૂલ્યોને પ્રગટ કરે છે. સામૂહિક જીવન સામૂહિક વિકાસ અને સામૂહિક અસ્મિતાથી સંબદ્ધ આ પ્રકારની રાષ્ટ્રીયતાને ક્યારેક પ્રજાતિ, ક્યારેક ભાષા, તો ક્યારેક ધર્મ પોષણ આપે છે અને રાષ્ટ્રને એક એકમ તરીકે સ્થાપે છે. આ પ્રકારની રાષ્ટ્રીયતાને સાહિત્ય, એની સભ્યતા અને સંસ્કૃતિ સાથે અભિવ્યક્ત કરતું હોય છે. આથી જ ‘ભારતીય સાહિત્ય’, ‘સ્પેનિશ સાહિત્ય’ કે ‘અંગ્રેજી સાહિત્ય’ જેવી સંજ્ઞાઓ અર્થવાચક બને છે. કેમકે આ સંજ્ઞાઓ માત્ર ગ્રન્થસામગ્રી (corpus)ને સૂચવતી નથી પણ એના વિશિષ્ટ અધિનિયમો કે માનકો (canons)ને પણ સૂચવે છે. આ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રજા કે રાષ્ટ્રનાં ભિન્ન ભિન્ન સાહિત્યો હોઈ શકે છે. પણ આ બધાં ભિન્ન ભિન્ન રાષ્ટ્રો પરસ્પરથી અપાકર્ષિત એકલદોકલ રહે એવો એનો અર્થ થતો નથી. રાષ્ટ્રીય સાહિત્યની સમજ પાછળ પરસ્પર સરખું વિચારે એવો નહિ, પણ પરસ્પર સહિષ્ણુ રહે, પરસ્પરનો આદર થાય એવો ખ્યાલ રહેલો છે. રાષ્ટ્રીય સાહિત્ય અંગેની આ સહિષ્ણુતા અને આદરનો ખ્યાલ જ એને આંતરરાષ્ટ્રીય સંવાદમાં સામેલ કરી શકે છે અને છેવટે વિશ્વસાહિત્યની શાખા રૂપે સ્થાપી શકે છે. ટૂંકમાં વિશિષ્ટતાની જાળવણી પાછળ સર્વસામાન્યના આદરનો છેદ નથી ઊડતો એ વાત રાષ્ટ્રીય સાહિત્યને સમજવામાં આધારશિલા રૂપે રહેલી હોવી જોઈએ. ચં.ટો.