નિરંજન/૩. ભૂલો પડેલો

Revision as of 06:05, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. ભૂલો પડેલો| }} {{Poem2Open}} મુંબઈ આવીને કઈ કૉલેજમાં નિરંજને પ્રવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩. ભૂલો પડેલો

મુંબઈ આવીને કઈ કૉલેજમાં નિરંજને પ્રવેશ કર્યો તેનું નામ ન પાડીએ; આપવાની જરૂર પણ શી છે? દૂધપાક જેમ ચાહે તેટલાં જુદાં જુદાં વાસણોમાં આખરે તો દૂધપાક જ છે, તેમ કૉલેજનું જીવન, ચાહે તે શહેરની કોઈપણ ઇમારતમાં, કૉલેજનું ચોક્કસ જીવન છે. હોસ્ટેલમાં તો એનાથી શે રહેવાય? થોડો વખત રહ્યો, પણ હડધૂત થયો. રસોડાનો લખલૂટ ખરચ આવતો દેખી એણે એક દિવસ પોતાની ક્લબમાં એક એવો પ્રસ્તાવ મૂકવાની ધૃષ્ટતા કરી, કે ``મહિનાના ચાર જમણવારને બદલે બે જ કરી નાખીએ: રોજ રોજ સાંજે ઘીમાં તળેલી પૂરીઓ થાય છે તે કરતાં અઠવાડિયામાં બે સાંજે ઘઉંની ખાખરીઓ, એક સાંજે બાજરીના ખાખરા, એક સાંજે ખીચડી... એનો પ્રસ્તાવ હજુ પૂરો નહોતો થયો ત્યાં તો એના માથા પર `હૂડે હૂડે'ની ઝડીઓ વરસી. ક્લબના સેક્રેટરીએ રાતાપીળા થઈ, મુક્કી ઉગામી, અંગ્રેજીમાં ભાષણ કર્યું કે, ``ખરચ વધારે આવે છે એવું કહેવાનો ગર્ભિત આશય એ છે કે હું અંદરથી ઉચાપત કરી જાઉં છું, કેમ? મારી બદનક્ષી થઈ છે. કાં તો મારા ઉપર તિરસ્કારનો ઠરાવ (વોટ ઓફ સેન્શ્યોર) લાવો, નહીં તો એના ઉપર લાવો! એ કાઠિયાવાડી શું મોં લઈ આપણી ક્લબનું નાક કાપવા આવ્યો છે! આટલું બસ નહોતું. રસોડામાંથી રસોઇયાએ પણ બહાર આવી, કોઠારની ચાવી ફગાવી, કપડાં બદલવા માંડ્યાં. એ કહે કે, ``હું શું ઘીના લોંદા ખાઈ જાઉં છું? હું શું શાકવાળાની જોડે મારો છૂપો ભાગ રાખું છું? મને શું ચોર ધારો છો? સાહેબ, તમે શેઠિયાઓના પુત્રો ઊઠીને મારા જેવા ગરીબ આદમીની આબરૂ લેવા બેઠા છો? વગેરે વગેરે. ઘાટીઓ પણ બહાર ઊભા ઊભા રત્નાગિરિ જિલ્લાની મરાઠી ભાષામાં કશુંક ગરમાગરમ બબડી ઊઠ્યા. પરિણામ એ આવ્યું કે વળતા જ મહિનાથી નિરંજને એ ક્લબ છોડી. બીજી કોઈ ક્લબે એવી લપને સંઘરવા આનાકાની બતાવી. એક ક્લબના ભટે જ નિરંજનને સંભળાવી દીધું કે, ``મિસ્તર, તમે ભૂલા પડ્યા લાગો છો. ભાવનગર જાઓ, ભાવનગર! અરધી અરધી રાત્રીઓ સુધી હોસ્ટેલની ઓરડીઓમાં સિગારેટો સળગતી રહી, ને કવિતાની ચોપડીઓનાં પૂંઠાં ઉપર સિગારેટની રાખના થર પર થર ચડતા રહ્યા. મધરાતના વાર્તાલાપનો વિષય તો બચ્ચો નિરંજન જ હતો: ``આ કાઠિયાવાડીએ આપણી રહેણીકરણી પર આડકતરો આક્ષેપ નાખ્યો છે. આટઆટલી મગજમારી કરતા કરતા મહિને ચાર વાર મિષ્ટાન્ન ખાઈએ, કે પાંચ તોલા ઘી પૂરીઓ વાટે પેટમાં નાખીએ, તેમાં શાની ઉડાઉગીરી આવી ગઈ ભલા? આપણે ક્યાં થાળીમાં ઘીના રેલા ચલાવીએ છીએ? ક્લબનો સેક્રેટરી સોશિયાલિસ્ટ (સમાજવાદી) હતો. તેણે પણ પોતાની વિદ્યા વડે સમર્થન કર્યું કે, ``જીવનને `ડીસન્ટ સ્ટેન્ડર્ડ' (શિષ્ટ ધોરણ) તો હોવું જ જોઈએ ને `ક્લાસ બેઇઝ્ડ સોસાયટી' (વર્ગપદ્ધતિ પર રચાયેલી સમાજવ્યવસ્થા)માં બીજું શું થઈ શકે? ઉપરાંત નિરંજન જૂના જમાનાનાં બ્રાહ્મણ માતપિતાનો ઉછેર પામેલો, એટલે, કંઈક સુગાળવો પણ વધુ પડતો હતો. પોતાનો સહવાસી છાત્ર (રૂમ-કમ્પેનિયન) સિગારેટનાં ખોખાં ચોપડીઓ પર ખંખેરે; ચાની તપેલીને માંજ્યા વિના કેવળ ધોઈને જ રોજ વાપરે; રકાબીમાંથી કપ લઈને ટેબલ પર મૂકે તેના પીળા ડાઘ ત્યાં છપાઈ રહે; પાણીના માટલાને ખંખાળે નહીં; પ્યાલો માટીને બદલે સાબુથી જ માંજી લે; મેલાં કપડાંનો ફાવે ત્યાં ઢગલો કરે; ને પોતાના ભીના હાથ, પોતાનો ટુવાલ ન જડે ત્યારે, નિરંજનના ટુવાલે પણ લૂછી નાખે; હજામત કરતોકરતો સાબુના ફીણનાં છાંટણાં પાણીના ગોળા પર પણ છંટકારે; પથારીની ચાદર પંદર દહાડે પણ બદલે નહીં; ને પ્રભાતમાં ટૂથબ્રશ ઘસતો-ઘસતો પેસ્ટના લચકા પરસાળ પર જ થૂંકે – એવી જે કૉલેજજીવનની નિત્યની જીવનચર્યા – તેનાથી કંટાળો પામનાર નિરંજન કયા મોટા મહાત્માનો બેટો હતો! જો એટલી બધી ચાવળાઈ હોય તો તો પછી જાય નહીં ગાંધીજીના આશ્રમમાં જ! પેલો સમાજવાદી સેક્રેટરી સવારે આઠ વાગ્યે જાગીને સિગારેટ સાથે લટાર મારતો મારતો નિરંજનને સંભળાવવા માટે સહુને એમ જ કહ્યા કરતો: ``ચોખ્ખાઈ એ પણ `બૂર્ઝવા વર્ચ્યુ' જ છે. એવી ચાબાઈ મૂડીદારવર્ગની જ મનોદશા રજૂ કરે છે! એકાદ વિદ્યાર્થીએ ભેદ ફોડી નાખ્યો કે, ``એ ભાઈસાહેબ એક પંતૂજીના પુત્ર છે, એટલે પંતૂજીવેડા કરે જ ને! આ ખુલાસાએ નિરંજનના `અનકૉલેજિયન-લાઇક' આચાર-વિચાર વિશેની સમસ્યા તમામનાં હૃદયમાં ઉકેલી આપી. ભરવસ્તી વચ્ચે એકલો પડી ગયેલો નિરંજન તે દિવસથી શહેરની એક સામાન્ય ચાલીમાં રહેતો હતો, ને એક ટંક કોઈ લોજમાં જમી બીજા ટંકને પાંઉ-ચા તેમ જ કેળાં વડે જ પતાવી લેતો. એણે ક્લબ અને હોસ્ટેલ છોડ્યા પછી વિદ્યાર્થીઓનાં મન પરનો ભાર હળવો થઈ ગયો હતો. પોતાનાં માબાપોની ગરીબીના અકાળ ભાનમાંથી તેઓ બચી ગયા હતા. અને ક્લબના સોશિયાલિસ્ટ સેક્રેટરીની રૂમમાં જ્યારે સૌ ફીસ્ટ જમીને બેસતા ત્યારે માબાપનો પ્રશ્ન ખાસ છણાતો. સેક્રેટરી સૌને સમજ પાડતો કે માબાપ પ્રત્યેની ખોટી દયા ઉશ્કેરવામાં આવે છે: માબાપ આપણા ખરચા ઉઠાવે છે તે કાંઈ નવાઈ નથી કરતાં: એમણે આપણને જન્મ આપીને કોઈ ઉપકાર કર્યો નથી. કોઈ પણ માબાપને, પોતાનાં બાળકોને ઉચ્ચ ધોરણે ભણાવીગણાવી સોસાયટીમાં જીવવાલાયક બનાવવાની શક્તિ ન હોય તો તેમને છોકરાં પેદા કર્યે જવાનો હક નથી: લગ્ન તો કેવળ એક કાયદેસરનું વેશ્યાજીવન બની રહેલ છે: આપણે તો એવી રાજવ્યવસ્થા ઊભી કરવી છે કે જેમાં કોઈપણ બાળકને ગરીબના સંતાન તરીકે ઓળખાવું ન પડે, સ્ટેટ જ એનું માતાપિતા બની રહે: ઓહો, તે દિવસે પોકળ લાગણીવેડાનો કેટલો બધો બોજો આપણા પરથી ઊતરી જશે! તે દિવસે આ ક્લબનો મહારાજ જ શું આપણી માની ગરજ નહીં મટાડી દે! આવી સમજાવટથી હળવાફૂલ બનીને વિદ્યાર્થીઓ પોતાની રૂમોમાં જતા અને ક્લબમાંથી ધાણાદાળ વગેરે મુખવાસનાં ગજવાં ભરી-ભરી આણ્યાં હોય તે ટેબલ પર ઠાલવીને આખો દિવસ ચાવતા.