નિરંજન/૪૩. વિસર્જન કે નવસર્જન?

Revision as of 10:04, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs)


૪૩. વિસર્જન કે નવસર્જન?

શાક-રોટલીનો કોળિયો નિરંજનના હાથમાં થંભી રહ્યો. પિતામાતા વચ્ચેના વાર્તાલાપે મનમાં કંઈ કંઈ મૂર્તિઓ સરજી. એના હૃદયમાં મગરૂબીનાં મોજાં ચડ્યાં. પિતાજીની જીવનભરની કેટલીક ક્ષુદ્રતાઓ ઉપર પોતે અણગમો પામ્યો હતો. એ ક્ષુદ્રતાની રજેરજનો વિલય કરી નાખનારી શી ભવ્ય માનવતા આ મૃત્યુ-સેજ પર પડેલા હાડપિંજરની ભીતરે વિરાજી રહી છે! ઓસમાનની ખાનદાની એની કલ્પનામાં તરવરી. માતાપિતાના અદીઠ સ્નેહલ મનોરાજ્યનું એણે શબ્દો દ્વારા શ્રવણ-દર્શન કરી લીધું. ઉપમા શોધવા લાગ્યો. એ શોધ બહુ બહુ તો એટલે જ જઈ શકી: જળપ્રલયનાં ચડતાં પાણીની વચ્ચે ડૂબું ડૂબું થતા એક ખડક ઉપર બે પુષ્પો ઝૂલતાં હતાં અને પ્રલયના સુસવાટા બંનેને એકબીજા તરફ વધુ સઘનતાથી લળાવી રહ્યા હતા. એનું નામ શું, લગ્ન? કેવું લગ્ન? કયા શાસ્ત્રે શીખવેલું? કયા મનોવિજ્ઞાને નિરૂપેલું? કઈ વિદ્યાપીઠે ભણાવેલું? કોઈ ગ્રંથ, કોઈ ફિલસૂફીનું થોથું આવા લગ્નને તલસ્પર્શ કરી શકે છે? આ બેઉ ગામડિયાંને જે સહજ જડ્યું છે, તેની વ્યર્થ શોધમાં હું અટવીઓ ઢંઢોળું છું. એક તાર સાંધું છું ત્યાં મારા તેર તૂટી જાય છે. એક ઈંટ માંડું છું ત્યાં ઇમારતનું બધું જ ચણતર ભરભર ભૂકો બને છે. સુખી લગ્ન, પૂર્ણ સંવાદિત્વ પામતું લગ્ન, એ શું અકસ્માત જ છે? ને શું અકસ્માત જ રહેશે? કે જૂના જીવનનું કોઈ ચોક્કસ રસાયન હતું એ? એ રસાયન શું સદાને માટે ચાલ્યું ગયું છે? કે એને પાછું બોલાવી શકાય તેમ છે? પહેલો પ્રેમ કે પહેલું લગ્ન? પહેલી સહાનુભૂતિ કે પહેલો પ્રેમ? સહાનુભૂતિની ક્યારીમાં જ શું પ્રેમનું બીજ રોપાયેલું પડ્યું હોય છે? વિચારોમાં સરયુની આકૃતિ રચાવા લાગી. ખડકીમાં ધબકારો થયો. અંધારે કોઈક પડ્યું હતું. નિરંજન દોડ્યો. ઓસમાનને ઘેરથી પાછાં ફરતાં બાએ પોતે જ પછડાટી ખાધી હતી. ખડકીના રસ્તામાં પાડોશીએ ખાટલો રાખ્યો હતો, એ ખાટલાનો પાયો બાની ઠેશે આવ્યો હતો. બહાર અંધારું હતું. બાની આંખમાં પણ દીવા ઓલવાતા હતા. બા ચાલી ન શક્યાં. નિરંજન લગભગ ઉપાડીને એને ઓસરી પર લાવ્યો. ડોસાએ પોતાની પથારીમાંથી ઊઠવાનો પ્રયત્ન કર્યો. ન ફાવ્યા, પડ્યા પડ્યા જ બોલ્યા: ``અરે રામ! તમેય ખાટલો ઢાળ્યો કે શું? હ-હ-હ-હ! ઠીક, મારી અમીરાઈની ઈર્ષ્યા આવતી હતી, ખરું ને? આવો, હવે આપણે બેય જણાં સરખાં થયાં. મારો વહાલોજી જરૂર જરૂર આપણી લાજ રાખશે એમ હવે મને ખાતરી થઈ છે. બોલતા બોલતા ડોસા દાંત કાઢતા હતા. નિરંજને બાનો ખાટલો ઢાળ્યો, ને પાડોશીને ફક્ત એટલું જ કહ્યું કે, ``ખડકીમાંથી જરા ખાટલો લઈ લેશો? જવાબમાં પાડોશી સ્ત્રીપુરુષ બેઉનાં મોંમાંથી અવળી ભાષા વછૂટી: ``અમે કાંઈ થોડાં પછાડ્યાં છે? ડોસો બેઠા બેઠા અમને શીદ સંભળાવી રહેલ છે? ન પોસાતું હોય તો બીજે રહેવા જાવને? રૂડો દીવાન દૂઝી રિયો છે ને! બાને હળદર વાટીને ચોપડ્યા પછી શેક કરતાંકરતાં રાતના પ્રહરો વીતવા લાગ્યા, પણ ડોસાડોસીની વાતોમાં ક્યાંયે નિરંજન પ્રતિનો કટાક્ષ નહોતો. છતાં જે અણબોલાયું હતું તે તો આખું ઘર જ ઉચ્ચ સ્વરે બોલી રહ્યું હતું. ઘરને એક વહુ જોઈતી હતી. આ પાડોશીની જીભો સામે જીભ અફળાવે એવી કોઈ ઘરની માલિકણ જોઈતી હતી. અત્યારે તો અમારા તરફથી આ યુદ્ધના આહ્વાનને પડકારે એવી કોઈ જીભ નથી. સરયુની જીભ અહીં બંધ બેસે કે નહીં? અમસ્તી તો મ્યાનમાં જ રહેનારી, પણ એક વાર બહાર ખેંચાયા પછી તો એ જીભ પાણીદાર દાતરડી કરતાં જરીકે કમ ઊતરે તેવી નથી. જેમ જેમ નિરંજન દીવાનબંગલાની માસ્તરગીરીના જૂના દિવસોને યાદ કરતો ગયો, તેમ તેમ સરયુની જીભ એને આવા પાડોશીધર્મોનું પાલન કરવા માટે અદલ ઉપયોગની લાગતી ગઈ. ખરે જ જાણે સરયુ અત્યારે આ લોકો જોડે ધડાપીટ બોલાવી રહેલ છે! સુનીલાની વિદ્યાપીઠ-જીવનની મર્દાઈ, અને સરયુની પાડોશીજીવનની આવી વીરતા, બેઉ શું એકસરખાં નથી? બે મૂર્તિઓમાં સામ્યની રેખાઓ દોરાતી ગઈ. ભેદની રેખાઓ પાતળી પડતી ગઈ. સરયુની વાત તો વધતી જ ગઈ! વાહ રે બદમાશ! આટલી બધી ધૃષ્ટતા તેં સંઘરીને રાખી ક્યાં હતી? બે હાથ ઝાલીને એક તમાચો ખેંચી કાઢું? નિરંજનના હાથ હવામાં વીંઝાયા. સરયુ ત્યાં નહોતી. ખેર! સરયુને તમાચો મારવા જેટલી લાગણી આવી ખરીને? પણ પ્રેમ ક્યાં? ક્યાં? તમાચો મારવાની જે સહાનુકંપા છેને, તેની ક્યારીમાં. ધીમે ધીમે સરયુ પ્રત્યેની સહાનુભૂતિ ભયંકર બનતી ચાલી. સવારે વહેલો ઊઠીને એ ઓસમાનકાકાને ઘેર ગયો. હજુ બગબગું હતું. ઓસમાનના ફળિયાની ભાંગલી ખડકીની ચિરાડે એને ઓસમાનના સંસારજીવનનો ગુપ્ત રસ બતાવ્યો. બુઢ્ઢા ઓસમાનનું માથું ખોળામાં લઈને એની આધેડ મુસલમાનણ બુઢ્ઢાની દાઢી ઓળતી હતી. સાંકળ ખખડાવીને નિરંજન આડું જોતો ઊભો. ``કોણ બલા આવી અતારમાં? કરતી પત્ની ઊઠી. ``લે મૂંગી મર. ઓસમાને ધીરેથી કહ્યું. ``ખબરદાર, બાઈ કમાડ ખોલવા જતી જતી બોલી, ``અત્યારે સો રૂપિયાનું ભાડું જડતું હશે તોય નહીં ગાડી જોડવા દઉં, મહિને એક દી તો આરામ લેવો જ જોશે. મારા ઘોડાને નહીં મારી નાખવા દઉં. ``નહીં જાઉં, પણ મારો જીવ કાં ખા? ઝટ ખડકી ઉઘાડ ને. ઓસમાને કહ્યું. ``મોટા પીરના સમ? ``મોટા પીરના સમ નહીં ખાઉં. ``ત્યારે મારા સમ? ``તારા સમ. ક્યાંય નહીં જાઉં. ``હું મરું તો તમને શું? ``બીજું શું? જીવતે મોત. તું મરત તો પગરખું ગયું ગણત તે દા'ડા તો લાલચોળ જુવાનીના હતા. તે તો ગયા, બીબી! નિરંજનને આ વાર્તાલાપે લગ્નજીવનની આ આખી વાત બતાવી. લાલચોળ દિવસો પછી પાનખર આવે છે. પાનખરના કેવા વંટોળ આ ગાડીવાનને ઘેરી વળ્યા છે! તેની વચ્ચે એનું સંસાર-ઝાડવું છૂપી ટીશીઓ સંઘરતું ઊભું છે. લગ્ન એટલે વસંતની લીલા કે સૂસવતી પાનખર વચ્ચેનો ટકાવ? ખડકી ખૂલી, ને નિરંજનને નિહાળી ઓસમાનડોસો તેમ જ બાઈ શરમાઈ ગયાં. નક્કી છોકરાએ વાત સાંભળી લીધી હશે. નિરંજનનું મોં ઓસમાનકાકાની સામે મરક મરક થઈ રહ્યું. ``આવ્યા, ભાઈ? ઓસમાને ગંભીર ભાવે પૂછ્યું, ``ઇશકની ગજલું પૂરી થઈ ગઈ? નિરંજને નીચે નિહાળ્યું. થોડી વાર શાંત રહી ખાટલામાંથી ઊભા થતા ઓસમાને કહ્યું: ``હાલો, આજ પીરને ઘૂને ઘોડો ધમારવા જાઉં છું. હાલવું છે? ``ચાલો. ``રસ્તે એક તાલ બતાવવો છે. ઓસમાનકાકો શું તાલ બતાવવાના હશે? – સમજ ન પડી. થોડો તડકો ચડ્યે ટપ્પો જોડીને બેઉ ચાલ્યા. ``કોઈક ટૂંકો રસ્તો નથી, કાકા? નિરંજને ટપ્પાને દીવાનબંગલાની સડકે જતો જોઈ સૂચવ્યું. ``ટૂંકા રસ્તા તો હોય, પણ વસમા ને છેતરામણા છે. આ સડક ખરીને, એટલે મારો જાહલ ટપ્પો, આ ઘરડો ઘોડો, ને ત્રીજો હું બુઢ્ઢો, ત્રણેયે પાછા હેમખેમ ઘેરે આવીએ. એમાં આજ તો તમેય મારે તો જોખમનો માલ કહેવાવને, ભાઈ? નિરંજન સ્પષ્ટ વાંધો ઉઠાવી ન શક્યો. ઓસમાને એને બોલવાની તક પણ ન આપી. દીવાનબંગલાની નીચી પાછલી દીવાલ આવી પહોંચી. નિરંજન સંકોડાતો રહ્યો. દીવાનબંગલાના કૂવાની એક ગરેડી જંગલના એકાકી કો તેતર સમી બોલી રહી હતી. ``આમ જોઈ લ્યો. ઓસમાને ટપ્પામાં બેઠાં બેઠાં નિરંજનને દીવાનબંગલાના પાછલા ચોગાનમાં જોવા કહ્યું. કૂવાની ગરેડી પર આખું શરીર હીંચોળતી હીંચોળતી ઘડો ખેંચી રહેલી એ સરયુ જ હતી. એની સાડી એના ખભા પરથી સરીને કમર પર ઊતરી ગઈ હતી. ઊંધું માથું ઘાલીને હાંફતી હાંફતી એ ઘડા ખેંચતી હતી. ને ગજાનન એનો છેડો ખેંચતો ખેંચતો, એને અટકાવવા મથતો હતો: ``બેન, હાલો પણ! બા બોલાવે! બા ખિજાય છે. તમારા સારુ બા બાપુને મારે છે. હાલો. નથી ભરવું પાણી... ઓસમાન દુહો લલકારવા લાગ્યો: મરિયેં માણસ માટ, (પણ) માણસના મનમાંય નહીં! નિરંજન પાછો વળી વળીને કૂવાકાંઠે જોતો હતો. ગજુ અને સરયુ વચ્ચે ગજગ્રાહનું યુદ્ધ ચાલતું હતું. `અરે મારી બાઈ!' ઓસમાન આત્મસંભાષણ કરતો હતો: `શીદ ખુવાર મળી રહી છો? કોના સારુ? કોઈક અભણને બાપનો ઘરજમાઈ બનાવીને મોજ કર ને! આ ઇશકિયો તારું શું ઉકાળી દેવાનો છે, તે એના સારુ તપ તપછ?' હજુ પણ નિરંજનની નજર દીવાનબંગલાને પછવાડે કૂવાકાંઠે હતી. ``એઈ નાદાન! ઓસમાને નિરંજનનો કાન ઝાલી પોતાની સન્મુખ કર્યો, ``તું કિયા મુલકમાં આથડી રિયો છો, મારા બચ્ચા! એ છોકરીના તેં શા હવાલ કર્યા છે, જાણછ? ``મેં? નિરંજને પૂછ્યું. ``તેં, હા તેં. આ બગીચાનો માળી રોજ આવીને મને વાતું કરે છે. રાજના અડીખમ અમલદારની છોકરી ઘંટી દળવાની, પાણી ખેંચવાની ને લૂગડાંની ગાંસડિયું ધોવાની જીદે ચડી છે. નવી મા એને મારકૂટ કરે છે. છોકરી, મા ન હોય ત્યારે, માળીને ઘેરે આવી માળીનાં ઘરકામ કરાવે છે. સાંજ પડે ત્યાં બાપડા દીવાનસા'બના માથે કજિયાના મે' વરસે છે. આ બધું શા માટે? તારા માટે. તારા ઘરનો ભાર ઉપાડવા માટે. તારાં નામાં-કામાંની એને ખબર નથી પડી લાગતી, ભાઈ. મેં તો કેટલીય વાર આંહીં ટપ્પો ઉભાડીને કહી દેવાનું મન કર્યું, કે બાઈ, આ ગજલું જોડનારની વાંસે ખુવાર શીદ મળે છે? પણ મારે એક વાર તને મળી લેવું'તું. મારે સાંભળેલી વાતોનો તાગ લેવો'તો, એટલે મેં મનને વારી રાખ્યું છે. મારા ઘરનો ભાર ઉપાડવા માટે: વાયુની લહરો વગડાના વાંસની પોલમાંથી નાદ ગુંજાવે છે, તેવો આ નાદ ઓસમાનકાકાની ફૂંકે નિરંજનના અંતરમાં જગાડ્યો: `મારા ઘરનો ભાર ઉપાડવા માટે!' ટપ્પો છોકરાના હાથના ઘૂઘરાની માફક સડક પર ખખડતો જતો હતો. ઓસમાનકાકો ઘોડાને પૂછતો હતો: ``ભા, તને તો ઇશક કરવાનું કે'દી વેળું જ ન આવ્યું ને? હેં ભા બાળભ્રમચારી! રંગ છે તને. માણસ કરતાં તું વધુ સમજદાર, વધુ સુખી! ``ઓસમાનકાકા, નિરંજને કહ્યું, ``મારું ચિત્ત ઠેકાણે નથી આવતું. ઓસમાનને નિરંજનના અવાજમાં ભીનાશનો ભાર લાગ્યો. એણે પછવાડે નજર કરી. નિરંજનની આંખોમાં જળની સરવાણીઓ હતી. ``શું થાય છે, બેટા? ઓસમાને નિરંજનને ખભે હાથ મૂક્યો. ``પેટછૂટી વાત કરી દે, મારે માથે ઇતબાર મૂક. તારું બૂરું હું ઓસમાનકાકો નહીં કરું. બોલ, શું થાય છે તારા દિલમાં? ``નથી કહેવાતું. નિરંજનના મોં પર રુદન અને હાસ્યની કુસ્તી ચાલી. ચહેરો ખૂંદાઈને લાલચોળ બનતો ગયો. ``ઠીક, લે. હું જ પૂછું, તેનો જવાબ દેતો જા. છોકરીને માથે હેત આવે છે? ``હમણાં દીઠી ત્યારે પ્રથમ પહેલું આવ્યું. ``ત્યારે તો પછી ફત્તે કામ. ``પણ હું રઝળતી દશામાં છું, મારી આજીવિકાનું ઠેકાણું નથી. ``કારણ? કારણ કે તારું મન ગધાડે ચડેલું છે. બાકી તું થોડો દૈવત વિનાનો બાપડો છો? ચિત્ત હમણાં ઠેકાણે પડે તો હમણાં જ હહણીને ઘોડો બની જા. ``એમ? નિરંજનને આ વાતની ગેડ બેસવા લાગી. ``એમ જ! ઓસમાને પોતાના બુઢ્ઢા મસ્તકને ખાતરીસૂચક મરોડ આપ્યો. એરણ પર પડતા હથોડા માફક એ માથું વીંઝાયું. એણે નિરંજનની દાઢી પકડીને હલાવીને કહ્યું: ``દીકરા મારા, અદલોઅદલ આ હાલ મારાય હતા. તે દી આ ડોસી પદમણી જેવી રૂપાળી હતી, તોય દિલ પાછું હઠતું'તું. પણ એક વાર ઉમળકો આવ્યો – ને પછી તો, મારા લાલ! ડોસાએ દુહો ફેંક્યો: દૂધમાં સાકર ભેળિયેં કેવોક લિયે મેળ! કેવોક લિયે મેળ તે સળી ભરી ચાખિયેં...! ``હેં-હેં-હેં! ડોસાના હાસ્યના ખખડાટ ટપ્પાના ભડભડાટ જોડે એકસૂર બની ગયા. ડોસો જુવાનીના રંગમાં આવી ગયો. ``પણ મારી વાત હું એને કહીશ ત્યારે એને શું થશે? નિરંજને પૂછ્યું. ``હવે વેદિયો શા સારુ થાછ, ભાઈ? વાત કહેવાનું કારણ? ``પૂછે તો? ``તો કહેવું બેધડક, કે હા, હા, મરદ છું. બે ઘડી મનને ધોડવાનો ઢાળ આવી પડ્યો'તો; મરદાઈ કાંઈ ગીરો મૂકીને કે ગુમાવીને નથી આવતો. તારે સાડીસાત વાર ગરજ હોય તો હાલી આવ. આંહીં તો હૈયું ફાટે છે. તને ઉમળકો ન હોય તો તુંને તારું ઘર મુબારક! તેરે માગન બોત, તો મેરે ભૂપ અનેક. સમજાણું? નિરંજને ડોકું હલાવ્યું. ઓસમાનડોસાએ ઉમેર્યું: ``હા, ઈમાનમાં રે'વું હોય તો જ એને હા પાડજે. ને ઈમાની આદમી જો સાચો મરદ હોય, તો એને માથે ઓળઘોળ થાતી ન આવે એવી કોઈ અસ્ત્રી હજી મેં જાણીસૂણી નથી. અલ્લાની સાખે કહું છું, હજાર ગુના પણ ઈમાનદાર મરદાઈને માથે અસ્ત્રી માફ કરે છે. નક્કી જાણજે. અને મૂરખા! અસ્ત્રિયું તો તારામારા જેવી ગમાર નથી; મલકમાં મરદાઈ ગોતી જડતી નથી, એ વાત ઓરત બરોબર જાણે છે. એ ન ભૂલ ખાય, લાલા! વાતો કરતાંકરતાં તો ઓસમાનકાકાના ચીંથરેહાલ ફેંટામાંથી ફૂલછોગાં બહાર નીકળી પડ્યાં. ટપ્પા ઉપર એ અરધો ખડો થઈ ગયો, જાણે પોતે કોઈ નવલખા રાજ-તોખાર પર ચડ્યો હોય તેવી અદાથી પોતાની તકલાદી લગામને પણ હાથમાં રમાડતો રમાડતો હાકોટા દેવા લાગ્યો: ``ઘોડાં લઈ જાય રે તુંને ઘોડાં! નાહીને બેઉ પાછા વળ્યા ત્યારે દીવાનબંગલા પાસે ટપ્પો થંભાવીને ઓસમાને બંકી છટા કરી પછવાડે નિરંજન તરફ મોં ઝુકાવ્યું. એ મરોડમાં પ્રશ્ન હતો: પરબારો પહોંચને! નિરંજને ઠેક મારીને ટપ્પો છોડ્યો. ``ખેરિયત થઈ સમજજે! એવી દુવા દેતો દેતો ઓસમાનડોસો ગામ ભણી ગયો. નજરે પહેલવહેલી સરયુ જ પડી. તાજા સ્નાને સરયુની લટો હજુ ભીની હતી. કેશમાંથી સરયુ ટુવાલની ઝાપટ મારી પાણી ખંખેરતી હતી. આંખોમાં અનંત આકાંક્ષાઓનું ઘૂંટેલું અંજન હતું. નિરંજનને નિહાળતાં એ જાળીની પછવાડે ચાલી ગઈ. ત્યાંથી એની આંખોની મીટ મંડાઈ રહી. એ હમણાં જ જાણે હસશે – કે રડી પડશે. હાસ્ય અને રુદનની વચ્ચેના કોઈક નિગૂઢ પ્રદેશમાં એ ભૂલી પડી હતી. આ જ સરયુ? આવતી કાલની આ શું ગૃહિણી? સ્વામીની સેવિકા? ભોજને માતા? શયને રંભા? કાર્યે દાસી? કર્મે સચિવ? પૃથ્વી-શી ક્ષમામૂર્તિ? મને તિરસ્કાર કેમ નથી દેતી? મારી કથા નહીં જાણી હોય? જો, એ મને ઘડીભર રોકવા તલસે છે, ખાંસી ખાય છે, ખોંખારે છે, ને છેલ્લે નિ:શ્વાસ પણ મૂકે છે. છતાં હું તો ભયનો જ માર્યો અંદર ચાલ્યો જાઉં છું! દીવાનસાહેબ તો નિરંજનને જોતાં જ હર્ષઘેલા બની ગયા. ખૂબ આદરભાવ કરીને નિરંજનને બેસાર્યો. બૂમેબૂમ પાડવા લાગ્યા: ``ગજુ! સરયુ! અરે ત્યાં કોણ છે? સહુને કહો કે નિરંજન આવી ગયા છે. ચાલો બહુ સારું થયું. બાપુસાહેબ વિલાયત જવાના છે. તે પૂર્વે જ બધું મંગળ વર્તી રહેશે. ઘણું કરીને તો બાપુસાહેબની જોડે એક મજબૂત સેક્રેટરીની જરૂર છે, તેનોય મેળ મેળવી લેવાશે. ને બાપુસાહેબને પણ હવે વતનનું અભિમાન જાગી ઊઠ્યું છે કે રામગઢ ફોર રામગઢીઝ. ઓલ ધ રેસ્ટ આર એલિઅન્સ. એ બધું પણ અમારે જ ઊભું કરવું પડ્યું છે. વસ્તીને માટે કંઈક કરી છૂટીએ તો – ``હું થોડી વાત કરવા માગું છું. નિરંજને એક વાક્ય બોલતાં એક પહાડ ઓળંગ્યો. ``હા, હા, એક શું બે વાત કરીએ. પણ હું જરા કહી દઉં, મેં મુંબઈ ખાતેની બધી `સ્કેન્ડલ' જાણી છે. મારા મનમાં એ વિશેનું કશું નથી. ``પણ એ વાતનું તત્ત્વ સત્ય છે. ``ભલે રહ્યું. એવાં બખડજંતરો તો બન્યા જ કરે. હું સાંકડી મનોવૃત્તિનો માણસ નથી. એ તો સંસાર માંડ્યા પછી એની જાતે જ ઠેકાણે પડી જવાય. મારી જ વાત કરું? હા-હા-હા-હા એ બધું જ કૉલેજ-જીવનમાં તો એવું ને એવું. માટે – ``મારી વાત બીજી જ છે. ``શી છે? તમારાં માતાપિતાને લગતી ને? અરે ભાઈસાહેબ, તમારા પિતાજી પણ કંઈ જિદ્દી! મેં કહ્યું કે હું સ્ટેટમાંથી કંઈક જિવાઈ કરાવી આપું. તમે ફક્ત એક અરજી આપો. કહે કે બસ, અરજી આપું? ગરીબ બનીને માગું? મારો દીકરો મુંબઈમાં મોં શું બતાવે? એમ કહીને ધરાર અરજી ન આપી. કહો, તમારી મુંબઈની પ્રતિષ્ઠાનો પણ ડોસાને અહીં બેઠે ઉચાટ. ગજબ છે ડોસાજી! ઠીક, પણ હવે તો એ વાત નથી. બાપુસાહેબના તો તમારા પર ચાર હાથ થશે. એ વાતને તોડી નાખી નિરંજને પૂછ્યું: ``મારે એકલા મળી લેવું હોય તો? ``તો – દીવાને ઘરની અંદર જોયું. યાદ આવી ગયું કે દીવાન-પત્ની પૂજન કરવા ગયાં છે. ``તો તૈયાર છે. પણ ઉતાવળ રાખજો. બાજુના ઓરડામાં સરયુ ભોંય પર સાદડી પાથરીને બેઠી હતી. એની ચોપાસ તરેહ તરેહનાં ભરતગૂંથણની શણગાર-સામગ્રી હતી. ટેબલ-ક્લોથ, તોરણ, તકિયાની ખોળો, ઓશીકાંના ગલેફ, બારીના પડદા, ચણિયાની ને સાડીની કોર, પોલકાના ઉરપ્રદેશ, સર્વની માર્મિક જગ્યાઓ પર નિરંજન-સરયુના નામના કોઈ ન પારખી જાય તેવી સિફતથી ભરેલા પ્રથમાક્ષરો હતા. ને સરયુના ગાલો પર જે ભાતનું ભરતકામ થયું હતું, તેને તો કોણ વર્ણવશે? લોહીના જાણે હમણાં ટશિયા નીકળી પડશે, એટલું ફાટફાટ મોં: મોં પર લજ્જા જાણે આકાશની ઉષા પેઠે પોતાના અશ્વોને ફટકા વીંઝતી હતી. ``તમે – અપરાધી નિરંજને પૂછ્યું, ``તમે મારી વાતો જાણી છે? ``તમે એવું કાંઈ પૂછવાના હો તો હું ચાલી જાઉં. સરયુના દાંત હોઠ ઉપર દબાયા. મોં પર ધુમાડો નહોતો, એકલો વહ્નિ હતો. ``નહીં પૂછું. ``હવે મારી વાત સાંભળવી છે? ``બોલો. ``મારા બાપુજીના ઘરમાંથી હું એક સાડી પણ નથી લેવાની; ને રાજમાં નોકરી તમારે નથી લેવાની. પળવાર નિરંજનને પોતાના જ કાન પર અવિશ્વાસ આવ્યો. સરયુ જાણે કોઈ શિખર પર બેઠી બેઠી બોલતી હતી. ``તમારે છે કબૂલ? સરયુએ સામાં નેત્રો માંડીને પૂછ્યું. ``હમણાં જ આ પળે ઘેર તેડી જવા તૈયાર છું. સરયુ હસી: ``પહેલાં મારે પહેરવા એક જોડ કપડાંની તો લઈ આવો! ``સાચું, એ તો ભૂલી ગયો હતો. ``આખાં ને આખાં માણસ તો નહીં ભુલાય ને? નિરંજનનો આવેશ ન શમી શક્યો. એનું શરીર સરયુની નજીક ધસવા ગયું. ``વાર છે વાર હજુ! એક જોડ કપડાં અને સૌભાગ્યની ચૂડલી લઈ આવો. કહીને સરયુ બાજુના ખંડમાં જતી રહી. ``કાં? દીવાન બહારથી મોટા સાદે બોલતા બોલતા આવ્યા. નિરંજનને એકલો જોયો, પૂછ્યું: ``કેમ, કાંઈ બખડજંતર તો નથી થયું ને? ક્યાં ગઈ સરયુ? નિરંજનને હસવું રૂંધવાનો જેટલો પ્રયત્ન તે વખતે કરવો પડ્યો તેટલો અગાઉ કદી નહોતો કરવો પડ્યો. પાંચ જ દિવસ પછી પિતાના તમામ કોડને રૂંધી નાખી, સાચેસાચ નિરંજને જ લાવી આપેલ કપડાંભેર સરયુએ સપ્તપદીમાં પ્રવેશ કર્યો. છઠ્ઠે દિવસે એ ઓસમાનકાકાના ટપ્પામાં શ્રીપતરામભાઈને ઘેર આવી. પોતાના ચરણોમાં પડતી પુત્રવધૂને ડોસા આશીર્વાદ પણ પૂરો કેવી રીતે દઈ શકે? શબ્દો એના કંઠમાં જ સમાયા: ``મારી – મારી મારી રેવા પાછી આવ...

ગંભીર નિરંજન ઘરમાં એકાએક રમૂજી, રંગીલો, તરવરિયો બન્યો. આઠેક દિવસમાં એની આનંદ-ઔષધિએ માને ટટ્ટાર બનાવી. પિતાનેય નવશક્તિ આપી. સરયુએ કહ્યું: ``હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. નિરંજન ચૂપ રહેતો. પિતા લાગ સાધી કહેતા: ``ભાઈ, ફરે તે ચરે. નિરંજન ન બોલતો. માબાપને સમજ પડી ગઈ કે પુત્રની પાસે ગાડીભાડું પણ નથી. એક વાર એની ગેરહાજરીમાં માતાએ પતિની કને કશુંક ધરી દીધું. ``આ શું? ધ્રૂજતા હાથે વૃદ્ધ જોતા હતા. જોયું. ``ઓહો! એટલું કહી એ પત્નીની સામે તાકી રહ્યા. ઝળઝળિયાંએ એની આંખોને આવરી લીધી. ``ભલે. કહીને વૃદ્ધે આંખો મીંચી. ``ક્યાં જાઉં? ડોસીએ પૂછ્યું. ``બીજે ક્યાં? ઓસમાનભાઈની પાસે. બીજું ઠેકાણું ન હોય આપણે. ``હા, ને શો દાગીનો છે તેય એ નહીં સમજી શકે – સમજે તો માથું જ ફોડેને આંહીં ખડકી ઉપર. પોતાનું મંગળસૂત્ર – ચાળીસ વર્ષો સુધી સાચવેલું પહેલું ને છેલ્લું સોનાનું ઘરેણું – લઈને માતા ઓસમાન કને ગઈ. રાત્રિએ પત્નીએ પતિને જમાડતાં જમાડતાં પંપાળ્યો. કહ્યું: ``જુવાનજોધને વળી ઘેર શાં બેસવાં? સવારની ગાડીમાં ઊપડો. દુનિયાને ખૂંદી વળો. પતિએ ઊંચું જોયું. લાગ ભાળીને મા અંદર આવ્યાં. ``આ લે, કહી માએ એના હાથમાં દસ દસની ત્રણ નોટો ઠાલવી ને કહ્યું: ``ખબરદાર, જો કંઈ બોલ્યોચાલ્યો છે તો. ત્યાં ખડકી ઊઘડી. ઓસમાનડોસો રોષેભર્યો અંદર દાખલ થયો. એણે હાક પાડી: ``ક્યાં ગઈ ક્યાં, તારી ડોસી, નિરંજન? ``આવો આવો, કાકા! કેમ? નિરંજન ગભરાયો. ``એ રૂડા મોઢાવાળીને જરા મારે જોઈ લેવી છે. મારા ધોળામાં એણે ધૂળ નાખી છે. ``શું છે, ઓસમાન? ડોસાએ પથારીમાંથી માયાળુ અવાજે પૂછ્યું. ``એ કરતાં તો મારી કબરમાં ધૂળ વાળવા આવવું'તુંને? મને, તેં ડોસી! તેં મને દૈત્ય કલ્પ્યો? તારો રંડાપો ખરીદીને મેં તને રૂપિયા આપ્યા? ધિક્કાર છે, બાઈ! તેં મને ખોટ ખવરાવી. સમજ ન પડવાથી સરયુ થરથરતી થંભી રહી હતી. નિરંજન સમજાવતો હતો: ``પણ કાકા... ``આ જો તારી જનેતાનું પરાક્રમ, કહીને ઓસમાને મંગળસૂત્ર બહાર કાઢ્યું. ``એલા ડોસા, મારે માથે આવડું વેર વળાવ્યું? શ્રીપતરામ પડ્યા પડ્યા હસ્યા. ``આંહીં આવ, ક્યાં ગઈ મારી દીકરી, સૈરુ? નિરંજને સરયુને ઇશારત કરી બહાર બોલાવી. ``આંહીં આવ, મારી બેટી. મારી થડમાં આવ. ઓસમાને કહ્યું. સરયુને ગભરાટ હતો. એ નજીક ગઈ. ``આંહીં આવ. હું દીપડો નથી, બાઈ! હું મુસલમાન છું. મારે માથે અલ્લા છે, ને ઈમાન પણ છે. બેટા મારા! તમે હિંદુ: તમારાં મંગળસૂતર તો સૂવરનો બચ્ચો હોય તે જ વેચાવે. લે મારી બેટી. એટલું કહીને ઓસમાનના ધ્રૂજતા હાથ સરયુના માથા તરફ ઊંચા થયા. મંગળસૂત્ર સરયુની ડોકમાં પડ્યું. ઓસમાનડોસો પરસાળની કોર પર બેસી ગયો. તુળસીનો છોડ બાજુમાં જ ઝૂલી રહ્યો હતો. એની મંજરીઓ ઓસમાનના દેહને સ્પર્શી રહી.