નિરંજન/૧૪. ભાઈની બહેન

Revision as of 11:01, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૪. ભાઈની બહેન

કાગળ ઉપાડતાં ઉપાડતાં આંગળીઓ કંપી ઊઠી. હૈયાનો એક એક ધબકારો એક એક હથોડાનો પ્રહાર બની ગયો. કલ્પનાએ વગર વિચાર્યો વેગ કર્યો. હજુ પરબીડિયું ફોડે ત્યાં તો વિચારચક્રો કોઈ તોપખાનાનાં પૈડાં જેટલો છૂંદો બોલાવતાં ગયાં. બાપુજીનું અવસાન હશે? મારા અહીંના ખર્ચને પહોંચી વળવા સારુ કોઈકને ઘેર કથા વાંચવા ગયા હશે ને રસ્તામાં પડી ગયા હશે? ત્યાં ને ત્યાં ખોપરી ફાટી ગઈ હશે? એક રીતે ઠીક જ થશે. બહેન રેવાને હું અહીં ઉઠાવી લાવીશ. મારી જોડે રહીને એ અહીં ભણશે. એનું કાંડું હું સુનીલાને ભળાવીશ. સુનીલા જેવી એ મર્દ બનશે ને પછી અમે ભાઈબહેન... ત્યાં તો પરબીડિયું ઊઘડ્યું. અંદરથી બાપુજીના જ હસ્તાક્ષરો નીકળી પડ્યા. લગભગ અંધાપો વેઠતા એક વૃદ્ધની થરથરતી આંગળીઓએ માંડ માંડ પાડેલા એ ડાઘાડૂઘીથી ભરેલા અક્ષરો હતા. ચિ. ભાઈ, આજે સવારે બેન રેવાનો દેહ પંચત્વને પામ્યો છે. ઈશ્વરના ઘર આગળ આપણો ઉપાય નથી. નીચે તા. ક. કરીને વિગત લખી હતી: ચાર દા'ડા અગાઉ તો દીવાનસાહેબના સાળા વેરે રેવાનો સંબંધ નવાણું ટકા નક્કી થઈ ગયો હતો. મુરતિયો રેવાને જોવા પણ આવેલો. તારાં માતુશ્રી જૂના જમાનાનાં, તેથી રેવાને મોઢામોઢ મળી પ્રશ્નો પૂછવાની તો ના પાડી હતી. મુરતિયો સંતોષ બતાવીને ગયો હતો. પણ કોણ જાણે શાથી, આપણાં અભાગ્ય, કે તે દિવસથી જ રેવાનું મોં ફરી ગયું. એ વારે વારે ચમકતી હતી; રાતે ફફડીફફડીને જાગતી હતી. સવારથી તાવ લાગુ પડ્યો. કોઈ કારમો કાળ જાણે કે ચડી આવ્યો. ચડ્યો તે ચડ્યો, ઊતર્યો જ નહીં. વૈદરાજની મૂલ્યવતી માત્રાઓ નિરર્થક ગઈ. સનેપાત ઊપડ્યો. તારું નામ લેતી હતી. સનેપાતમાં `નિરુભાઈ! નિરુભાઈ! મને લઈ જાઓ!' એવું લવતી લવતી ઊઠી ઊઠી દોડવા જતી હતી. હવે ભાઈ, એ બધું વીસરી જજે. એક રીતે સવળું થયું છે એમ વિચારી આશ્વાસન લેજે. આંહીં દોડ્યો આવીશ નહીં. આ મહિને મારાથી ખરચી મોકલી શકાઈ નથી. જેમ બને તેમ વેળાસર મોકલું છું. લિ. પિતાના આશીર્વાદ `એક રીતે સવળું થયું છે' એ વાક્યનો, શોકસાગરમાં ડૂબતા નિરંજનને પ્રથમ-પહેલાં તો આધાર મળી ગયો. થોડી વાર તો એના માથા પરથી કોઈ મોટી શિલા ઊતરી ગઈ. સ્વજનના મરી જવા સાથે આવી થોડીક રાહતની પળો તો સહુ કોઈ અનુભવતાં હોય છે. પણ પછી તો ધીરે ધીરે ભરતીનાં પાણી ચડતાં થયાં. પાંચ મિનિટ પહેલાં રેવા હતી: પોતાની કલ્પનાભૂમિ ઉપર રક્તમાંસે છલકાતી, ઉલ્લાસની છોળોમાં નહાતી, દુનિયાને ડારતી, સુનીલાના પંજા જોડે પંજો મિલાવી, આંગળીઓના આંકડા ભીડી, આ આલેશાન નગરીમાં છૂટે ઓઢણે ને ઉઘાડે માથે ઘૂમાઘૂમ કરતી રેવા; ગ્રામજીવનના ઊંડા ગર્તમાંથી કોઈ અજગરોની લબલબ કરતી જીભોને ચુકાવી ચાલી આવેલી રેવા; ભાઈનું ભોજન રાંધતી, આગ્રહ કરી કરી પીરસતી, બિછાનું બિછાવી દૂધમાં ઝબોળ્યા જેવી ચાદર ઓછાડતી રેવા; અલકમલકની કાલીઘેલી વાતો ને ટોળટપ્પાં ચલાવી અધરાત સુધી ભાઈને ઊંઘવા ન દેતી રેવા; દેવકીગઢના ચકુ જમાદાર, રતન પંડ્યા અને પાર્વતીડોશીનાં ચાંદૂડિયાં પાડી હસાહસ કરતી રેવા – એ રેવા પાંચ જ ઘડીમાં હતી – ન હતી થઈ ગઈ. ક્યાં ગઈ તેનો કાંઈ પત્તો નથી. પત્ર લખાય તેવો કોઈ મુકામ નથી. તેને પાછી લાવે તેવું કોઈ વાહન નથી. આકાશના ગોખમાં કોઈક બે તારલાઓને જ શું એની આંખો કલ્પી લેવી? એ આંખો મને જોતી હશે? પટપટ પલકારા કરતો એકાદ તારો રેવાનું મોં તો નહીં હોય? બોલવાની જ્યાં મનાઈ છે એવા કોઈ મુલકમાંથી રેવા એના રત્નરંગી ચળકતા હોઠ ફફડાવીને મને કશુંક કહેવા-સંભળાવવા તો નથી મથી રહીને? આ ચાંદરણાં આજ પરોઢે ગુમ થયાં હતાં તે પાછાં અત્યારે ટમટમવા લાગ્યાં, તો પછી ચાલી ગયેલી રેવા શા માટે પાછી નથી આવતી? નહીં જ આવે? હું બહેનવિહોણો બન્યો? બહેન વિના હું કોનો ભાઈ? હું કોઈનો ભાઈ જ નહીં? મારે માટે કોઈ બહેન ભાઈબીજ નહીં રહે હવે? મારી કને કોઈ બહેન વીરપસલી માગવા નહીં આવે હવે? પોષી પૂનમની સમી સાંજે સાત વર્ષની રેવા નાની ચાનકી કરીને પોતાનો આખા દિવસનો ઉપવાસ ભાંગવાની રજા માગવા આવતી, રેવાને હું રજા નહોતો આપતો, ત્યારે એ કેવી કરગરી ઊઠતી! એ રેવા, આવડી મોટી થઈ ગયેલી રેવા, આમ કેમ નાસી ગઈ? નિરંજન ખાટલા ઉપર ઢળી પડ્યો. ઓશીકા ઉપર એણે મોં દબાવી દીધું. એને ત્યાં રડતો છાનો રાખનાર કોઈ નહોતું; એ ખૂબ રડ્યો. પાડોશીઓને આ પણ નવીન સ્વરો લાગ્યા. માન્યું કે કોઈક નવું ગાન સાંભળીને આવ્યો છે; હમણાં હમણાં શોખીન બનતો જાય છે; ગાતો હશે. ખરેખર, એ ગાતો જ હતોને? ધ્રુસકે ધ્રુસકે એ `બહેન' નામના વિષય પરનું કોઈ શબ્દાતીત ગાન ગાતો હતો. સાંભળનારાંઓના મનથી એ કોઈક નવા શીખેલા સૂરો ઘૂંટતો હતો. ખરેખર, એ સ્વરો નવા હતા – નિરંજને પૂર્વે કદી નહોતા સાંભળ્યા, નહોતા કલ્પ્યા. નાનાં હતાં ત્યારે ભાઈબહેન કેટલું લડલડ કરતાં! મોટી વયનો ભાઈ ઘરમાં પિતાને માતા ઉપર, માતાપિતા બેઉને પોતાના ઉપર તથા સ્કૂલમાં પિતાને પાંચસો છોકરાઓ ઉપર શાસન કરતાં દેખી શાસન કરવું એ કેમ જાણે પુરુષનો પ્રભુ-દીધો અધિકાર હોય તેવી ભાવના ધારણ કરીને રેવા ઉપર શાસન ચલાવતો. પોતાને શાસન કરવાની ફરજ બજાવવા માટે જ જાણે કે પ્રભુએ રેવાને સરજી છે તેવી એની શ્રદ્ધા હતી. એમ ન હોય તો રેવાનો જન્મ જ શા સારુ થાય? – એ એના મનમાં ચાલતી દલીલ હતી. રેવા પાસેનો કોઈપણ પાંચીકો, રેવાને જડેલ કોઈપણ ફૂટેલો કાચ, કે રેવાએ પાડોશીને ઘેરથી ચોરી આણેલું કોઈપણ રમકડું – એ બધાં ઉપર નાનો નિરંજન પોતાનો જ અગ્ર હક માની લેતો. ``નહીં રેવા, એ કાચ આમ લાવ. તને એ વાગી જાય. – એમ કહી નિરંજન ખૂંચવી લેતો. રેવા રડતી રહેતી. ઘરનો જાલિમ પાછો શેરીમાં રેવાનો રક્ષક બનતો. રેવાને નાનપણમાં કોઈ નાની-શી વાત પર પણ ગામગોકીરો કરવાની ભારે આવડત હતી. બીજાને અડપલું કરી આવ્યા પછી બીજો કોઈ છોકરો હજુ તો એની ખબર લેવા એક કદમ પણ ન ચાલ્યો હોય ત્યાં તો રેવા રીડેરીડ મચાવી મૂકતી. યુદ્ધની શરણાઈ-શો એ સ્વર સાંભળીને બાળ નિરંજન બહાર નીકળતો. શરીરે તો હતો ખડમાંકડી જેવો, પણ શા ઝનૂનથી એ રેવાને સતાવનાર પર તૂટી પડતો! ને રેવા કેવી પછવાડે ઊભી ઊભી લાગલગાટ ચીસો પાડતીપાડતી પેલા પ્રતિસ્પર્ધીની પીઠ પર ધબ્બા લગાવ્યે જતી! એવી જોડી તૂટી પડી. નિરંજનને અધરાત પછી ખાતરી બેઠી કે રેવા એવે સ્થાને ગઈ છે કે જ્યાંથી પાછા ફરાતું નથી. નિરંજનનું દિલ ઘર તરફ દોડવા લાગ્યું. એક વાર તો ઘેર જઈ આવું – માબાપ ઝૂરતાં હશે. એક વાર જઈને પેલી અભરાઈ પર નજર કરી આવું, જ્યાં રેવાએ નાનપણમાં ભેગો કરેલો ખજાનો ડબલાં ભરીને મૂકેલ છે – ભાંગેલાં તાળાં, નાખી દીધેલાં મોતી, ફાનસનાં રદ્દી મોઢિયાં, રંગબેરંગી લૂગડાંના લીરા, ઉકરડા પરથી જડેલ ચપ્પુના હાથા, બંગડીના ટુકડા વગેરે બહુ બહુ ચીજો નાની રેવા વીણી લાવતી ને રંગેરંગની તથા ગોળ, ચોરસ આકારની ઢગલીઓ જુદી પાડતી. આ રીતે રેવા પોતાની જાતે જ ઘરમાં બાળમંદિર ખડું કરતી. સંજવારી કાઢવામાં બાને વિપત પડતી તેથી બા રેવાને મારતાં, રેવાનો આખો `ઉકરડો' ઘર બહાર ફેંકી દેતાં; ત્યાંથી પોતે ને રેવા છાનાંમાનાં પાછાં ઉપાડી આવતાં ને એના ડબા ગોઠવી પોતે પેલી અભરાઈ પર મૂકી દીધા હતા. આજ સુધી એ ત્યાં પડ્યા છે. એને એક વાર જોઈ આવું. પણ રેલભાડાના પૈસા નહોતા. પિતાજીના કેટલાક પિછાનદારો મુંબઈમાં હતા. ઘણાએક તો પિતાજીના નિશાળિયા હતા, ને અત્યારે લક્ષપતિઓ બની પેઢીઓ ચલાવતા હતા. નિરંજન તેઓને મળવા જતો ત્યારે તેઓ શ્રીપતરામ માસ્તરને `અમારા ગુરુ' તરીકે ઓળખાવી અનેક સુંદર સ્મરણો વર્ણવતા. પણ એક વાર પિતાજી તરફથી ખરચી આવવામાં વાર લાગતાં નિરંજન આમાંના એકાદ-બે શિષ્યો પાસે વીસ રૂપિયા ઉછીના માગવા ગયો તે વેળા એને જવાબ મળ્યો હતો કે, ``આપણો નાતો નાણાંની બાબતથી નિર્લેપ રહેશે તો જ લાંબો વખત ટકશે, નિરંજનભાઈ! પૈસા તો મહા ઝેરવેરનું મૂળ છે. આપણા ઘરડા કહી ગયા છે ને, કે `જર, જમીન ને જોરુ, ત્રણેય કજિયાનાં છોરુ' એ ખોટું નથી. માટે માઠું ન લગાડશો. આપણી વચ્ચે મીઠાશ સાચવવી હોય તો ઉછીઉધારનું નામ ન લેશો ભાઈ. હા, અમસ્તા મદદ લેખે જોતા હોય તો ખુશીથી લઈ જાજો! ``ના, ના, એમ તો ન જોઈએ. નિરંજને જવાબ દીધો હતો. ``ના, એમાં કાંઈ વાંધો નથી, અમારે ત્યાં તો ધર્માદાખાતું રહે છે. મતલબ કે અમે આપીએ છીએ ત્યારે ગયા ગણીને જ આપીએ છીએ. આવા અનુભવ પછી પિતાજીના શિષ્યોની પાસે ફરીથી સગવડ માગવા જવા નિરંજન તૈયાર નહોતો. પિતાજી રેવાના મૃત્યુના ખબરનો પોતાને એક તાર પણ ન કરી શક્યા એ પણ આર્થિક તંગીને જ કારણે ને? પ્રથમ ક્ષણો ઉત્તાપની ગઈ. આવા પ્રિયજનના ચિરવિચ્છેદના શોકને પણ પ્રકટ થવાનો ઉચિત માર્ગ નથી મળી શકતો એ વિચારે એના શોકને ઉતારી નાખી એના રોષને પંખો કર્યો. પછી પોતે ને પોતે પસ્તાયો – હું શોકનો પણ વૈભવ માગી રહ્યો છું, ખરુંને? બીજી રીતે વિરહ અને વિલાપની મોજ ઉડાવતાં જેઓને નથી આવડતી તે લોકો તારનાં દોરડાં પર પોતાનાં આંસુઓને નચાવવા માગે છે. નહીં, નહીં, એ મારું કામ નથી. એ મારી સ્થિતિ નથી. રેવાની રાખ મારા માટે વધુ મોંઘી છે. રેવાનાં રમકડાં છો અભરાઈ પર રહ્યાં. મારો વખત આવશે ત્યારે હું સીસમના નકશીદાર કબાટમાં એ કાચપથ્થરોની કટકીઓને સજાવી રેવાના સ્મારકનો વૈભવ ઉડાવીશ. આજે તો ચાર પૈસાના એક પરબીડિયામાં જ પિતાજીને આશ્વાસનપત્ર લખી નાખું.