નિરંજન/૧૬. દીવાદાંડી

Revision as of 11:03, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૬. દીવાદાંડી

આ વાર્તાલાપ દરમિયાન આખો વખત એક માનવી અચલ-અબોલ બેઠું હતું. અરધા કપાળ સુધી સાડી ખેંચીને એણે પોતાના મોંને અણદીઠ રાખ્યું હતું. ``આ પોતે જ તમારાં બા? નિરંજને એ શોકાળ વસ્ત્રોવાળી સ્ત્રી પ્રત્યે તાકીને સુનીલાને પૂછ્યું. ``હા. મેં કહ્યું, ચાલો સાથે. ઘેર એકલાં શું કરે? મૂંઝાય છે. ``હું સમજું છું. નિરંજન જે સમજતો હતો તે બે વાતો હતી: એક સુનીલાનાં બા એકલવાયાં મૂંઝાય તેવી એક પાપછાયા એમના આત્મા પર છવાઈ રહી હતી; ને બીજી વાત આ, કે બાની ચોકીદારી વગર સુનીલાથી રાતની વેળાએ એક અવિવાહિત અણપ્રીછ્યા જુવાનના ઓરડા પર જઈ શકાય એટલી બધી સહનશીલતા હજુ અહીંના સમાજમાં નહોતી આવી. ``સારું થયું કે સાથે લાવ્યાં. મારે મળવાનું બન્યું. નિરંજનના એ શબ્દોમાં રહેલી દિલસોજી સુનીલાનાં બાને મન વિરલ હતી. કેમ કે જાણકારો ઘણુંખરું, એને ડાકણ જેવી ગણી એનો ઓછાયો સુધ્ધાં તજતા. નિરંજને એ કરુણ મોં ફરી ફરીને નિહાળ્યું. એ મોં પર ઇર્ષાનાં હળ ખેડાયાં હતાં, વેદનાના ચાસ ઘણા ઊંડા ખોદાયા હતા. ડાહ્યા, તત્ત્વજ્ઞ અને સ્વસ્થ સુંદર ધણીને આત્મઘાતનું શરણું શોધવા મોકલનાર પત્ની પોતે શું ઓછી પીડાઈ હશે! એ મોં નિરંજન જેવા જુવાનોની જીવન-નૌકાઓને ચેતવણી આપનાર કોઈ દીવાદાંડી સમું દેખાયું. આ દીવાદાંડી સ્ત્રીઓની ઈર્ષાવૃત્તિના કાળા ખડકો ઉપર ઊભી હતી એ ખડકોથી ભરેલો, દૂરથી દેખાવડો ને સોહામણો લાગતો ફરેબી ટાપુ દંપતી-પ્રેમનો હતો. એ ટાપુમાં વિશ્રામનું ધામ હશે સમજી અનેક વહાણો ત્યાં ઘસડાયાં છે ને અફળાઈ રસાતલમાં ગાયબ બન્યાં છે. લગ્નજીવનના એ ટાપુ ફરતા લીલાકુંજાર વેલા જીવન-નાવને અટવાવી નાખે છે. એ ગિરિમાળા પર ઊડતાં પક્ષીઓ જે કલરવ કરે છે તે તારા શરીરને ખાઈ જવાની લાલસાના સ્વરો છે, ઓ નાવિક! ઓ યુવાન! સુનીલાનાં માતાનું મોં દીવાદાંડીની ભાષામાં બોલતું કે `અહીં અમારી નજીક ન આવીશ.' ``ત્યારે અમે હવે જઈએ; સુનીલાએ રજા લીધી. ``હું તમને મૂકી જવા આવું છુંને! ચાલો. ``ના, તમારી શી જરૂર છે? વળી તમારે હજુ કાગળ પણ લખવાનો હશે. ``કાગળ તો ટૂંકો જ લખવાનો છે ને હવે એ બધું સહેલાઈથી લખી શકાશે. નિરંજને સુનીલા પાસેથી પ્રશ્નની આશા રાખી હતી, પણ એ કશું બોલી નહીં એટલે નિરંજન આપોઆપ આગળ વધ્યો. ``મારા મનમાં એક મોટી શૂન્યતા પડી હતી, એક મોટું ગાબડું પડી ગયું હતું. આ વાત પ્રત્યે સુનીલા લાપરવા રહી. છતાં પોતાનું દુ:ખ સંભળાવવાનો લોભ નિરંજન જતો ન કરી શક્યો. ``મારે એક બહેન હતી. એના મૃત્યુના સમાચાર આવ્યા છે. સુનીલા ઊભી થઈ ગઈ હતી – ને સાંભળવાને ખાતર જ જાણે સાંભળતી રહી. છતાં નિરંજન ન રહી શક્યો. ``તમારા આવવા પછી, નથી સમજાતું શાથી, પણ એ શૂન્યતાનો ખાડો પુરાયો છે. સુનીલા નીચું જોઈ ગઈ. એના જીવનમાં ભાઈભાંડું નહોતાં. ભણતાંભણતાં ભાઈબહેનના વિષય પર કોઈ કવિતા કે વાર્તા આવતી ત્યારે સુનીલાના હૃદયમાં કોઈ અકળ શૂન્યતાનું વેરાન હુહુકાર કરી મૂકતું. અત્યારે નિરંજન આ શબ્દો બોલ્યો ત્યારે એના હૃદયદ્વારમાં કોઈક જાણે ડોકાઈ હાઉકલો કરી ગયું; એકાંતમાં એક અણધાર્યો ભંગ પડ્યો. પણ એણે વધુ સાંભળવાને ઇંતેજારી મોં ઉપર વ્યક્ત જ ન કરી; ફક્ત વિવેકને ખાતર પૂછતી હોય તેવું બતાવ્યું. ``તમારા બહેનનું નામ તો ... સુનીલા યાદ કરતી હતી. ``રેવા. ``હા, હા, મને યાદ હતું. ``શી રીતે? ``મને સરયુએ બધી વાત કહેલી. એ `બધી વાત' પર સુનીલાએ ગઈ કાલ સુધી કશો જ અધિકાર નિરંજનને ન આપ્યો હોત. પણ આજે સુનીલા હકદાર બની ગઈ. નિરંજને સંયમ ગુમાવ્યો: ``તમે આંહીં જ્યારે દાખલ થયાં ત્યારે મને બીજો જ ભાસ થયો હતો. મારાથી `રેવા' એવું બોલી જતાં માંડ માંડ રહેવાયું હતું. તમે પ્રોફેસરનાં પુત્રી છો. હું એક ગામડિયા મહેતાજીનો પુત્ર છું. મને કંઈક બોલી નાખવાનું મન થાય છે, બોલવા દેશો? એક જ વાર બોલવા દેશો? ફરી કોઈ વાર હું નહીં બોલું. એમ કહેતોકહેતો નિરંજન બે ક્ષણ ખુરશી પર બેસી આંખો બીડી ગયો, પણ સુનીલાને મુખેથી સહાનુભૂતિનો એકેય શબ્દ ન પડ્યો, એટલે પછી એ ઊઠ્યો: ``ચાલો, તમને મૂકી જાઉં. સુનીલાની બાને આ યુવાનની બહેનવિહોણી હાલત દયાજનક લાગી. રાત ઊંડી ને ઊંડી ઊતરતી જતી હતી છતાં વિધવાએ જુવાન પુત્રીને જરીકે ઉતાવળ ન કરી. નિરંજન જ્યારે ડગલો ચડાવી ચંપલ પહેરવા લાગ્યો ત્યારે સુનીલાએ કહ્યું: ``ના, કંઈ જરૂર નથી. ન આવશો. એ તો અમે જઈશું. અમને કશી બીક નથી. એમ કહી એ સડસડાટ પગથિયાં ઊતરવા લાગી. નિરંજન ખૂબ ખસિયાણો પડી ગયો. એને સુનીલાની આ કઠોરતા સમજાઈ નહીં. એ પોતે પણ કંટાળાની લાગણી અનુભવી રહ્યો. પુરુષજાતિના સ્ત્રી પ્રત્યેના સસ્તા લટુપણાની ઘૃણાની લાગણી એના મનમાંથી પલવારમાં પસાર થઈ ગઈ. એને છેવટે વળાવવા જતાં પગથિયાં ઊતરતે ઊતરતે એક એવી શંકા ઉદ્ભવી કે કદાચ મેં રાષ્ટ્રધ્વજની વિધિમાં શામિલ થવા ના કહી તેથી મને ભીરુ જાણીને તો સુનીલાને આ અણગમો નહીં ઊપજ્યો હોય! એટલે એણે સુનીલાને ગાડીમાં બેસારતેબેસારતે પૂછ્યું: ``આપણને એ લોકો બીકણ માનીને તો નહીં ગયા હોય? ``સંભવ છે. સુનીલાએ પોતાને કશી ખેવના ન હોય એવું બતાવતો એક જ ઠંડોગાર શબ્દ કહ્યો. ``તો પછી આપણે શું કરવું? રાષ્ટ્રધ્વજને બદલે સરસ્વતીદેવીનો ધ્વજ આવતી કાલે કૉલેજ પર ચડાવીએ તો ઠીક નહીં? ``ચડાવી જુઓ. એમ કહીને સુનીલાએ ગાડી હંકારાવી મૂકી. ઓરડીમાં પાછો આવીને નિરંજન પોતાના મનમાં સુનીલાનું સમસ્ત વર્તન યાદ કરી જઈ તેમાંથી તારતમ્ય શોધવા બેઠો. છેવટે એણે નક્કી કર્યું કે સુનીલાની દૃષ્ટિએ પોતે ભીરુ દેખાયો છે. એ માન્યતા પોતે આવતી કાલના પ્રભાતે જ ધોઈ નાખવી જોઈએ. રાષ્ટ્રધ્વજને બદલે સરસ્વતીનો ધ્વજ લઈ જઈ પોતે જ ચડાવશે. ને એ ક્રિયાને છાજતું એક કાવ્ય કરવા પણ પોતે પરોઢિયા સુધી બત્તી બાળી – વીજળીની તેમ જ ખોપરીની.