પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩.

Revision as of 15:33, 20 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈનું ભાષણ | ત્રીજી ગુજરાતી સાહિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈનું ભાષણ

ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ

રાજકોટ ઑક્ટોબર: ૧૯૦૯


સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈ
(ઈ.સ. ૧૮૪૪થી ૧૯૧૪)

પ્રધાનતઃ જેમને સાહિત્યકાર ન ગણાય એવા આ અંબાલાલભાઈ ગુજરાતના એક સુપ્રસિદ્ધ નાગરિક, એમના કાળના એક મહાન યોજક અને સંસ્કારપ્રેરક હતા. શક્ષિક હતા તે દરમ્યાન એમણે અનેકને પ્રેરણા આપી અને તેમાંના અનેક એમની પ્રેરણા પીને ગુજરાતની એક કે બીજે પ્રકારે સેવા કરવા પ્રવૃત્ત થયા. શ્રી. નરસિંહરાવના ‘સ્મરણમુકુર’માં પડેલું એમનું ચિત્ર આજે પણ ગુજરાતને જોવું હોય તો મોજૂદ છે. પ્રધાનતઃ ઉદ્યોગ અને એવી પ્રવૃત્તિઓ દ્વારા દેશની આર્થિક સ્થિતિ સુધારવી એ અંબાલાલભાઈનું સ્વપ્ન હતું. એકનિષ્ઠાથી એમણે પોતાના જીવન દરમ્યાન એ કાળમાં પણ સ્વદેશીની ભાવના જાગ્રત કરવા અને જાગ્રત થઈ હોય ત્યાં એ ભાવનાને સદોદિત રાખવા પ્રયાસો કર્યા છે. એક નાની સરખી ‘શાન્તિદાસ’ની વાર્તામાંથી પણ એમનો આ જીવનમંત્ર આપણને મળી આવે છે. તે ઉપરાંત ‘અર્થશાસ્ત્રના સિદ્ધાન્તો’ અને એમનાં ભાષણો તથા લેખોનો સંગ્રહ પણ આજે તો ગુજરાતને ઉપલબ્ધ છે. જીવનની સુધારણાની જે જે દિશાઓ છે, તે બધીને સ્પર્શતું અંબાલાલભાઈનું વ્યક્તિત્વ આપણને દર્શાવે છે કે, તે એક મહાન ગુજરાતી હતા. અને એક મહાન ગુજરાતી તરીકે જ સાહિત્યકારોએ પણ એમને પરિષદનું સુકાન સોપ્યું હતું અને કુનેહથી એમણે એ સુકાન સંભાળ્યું હતું, એ તો ઇતિહાસ કહે છે.

ઉપોદ્‌ઘાત

શ્રીમતી મહારાણીસાહેબ, ગોંડળના નેક નામદાર ઠાકોરસાહેબ સર ભગવતસિંહજી, લીંબડીના નેક નામદાર ઠાકોરસાહેબ દોલતસિંહજી, રાજકોટના નેક નામદાર ઠાકોરસાહેબ લાખાજીરાજ અને પરિષદનાં સન્નારીઓ ને સદ્ગૃહસ્થો! આપ જેવાં ગુર્જરખંડનાં મહા શિષ્ટ ને સંસ્કારી સ્ત્રીપુરુષોનાં દર્શનથી મારા મનને અપૂર્વ હર્ષ થાય છે. આવા મહાન વિદ્વાનમંડળનાં દર્શન કરી, થોડો સમય તેમના સન્નિકર્ષ તથા સંગમાં કાઢવો એ લહાવો આ જીવનના જે મોટા ને અનુપમ લહાવાઓ છે, તેમાંનો છે. આવા પ્રકારના મોટા સમાજની સેવામાં એક અંગ તરીકે સામેલ રહેવું એ પણ મોટું માન છે. તેમાં વળી પ્રમુખના આસન ઉપર રહી એ સેવા બજાવવી, એ ઘણી અસાધારણ પ્રતિષ્ઠા છે. તમે સર્વ શિષ્ટ સજ્જનોએ એ પ્રતિષ્ઠા મને આપવાનું યોગ્ય ધાર્યું માટે હું સર્વનો મારા અંતરથી આભાર માનું છું. એ આસન લેવાની તમારી ખુશી છે કે નહિ, એમ મને અવકાશથી પૂછવામાં આવ્યું હોત તો હું શો ઉત્તર દેત તે કહેવાને હાલ અસમર્થ છું; પણ એટલું જ કહેવું બસ છે કે, દેશ સમસ્તનાં કાર્યોમાં નિમંત્રણ થાય એ જ દેશની આજ્ઞા સમાન છે. એ નિમંત્રણ માથે ચઢાવવામાં આનાકાની કરવાની મારા જેવાની મગદૂર નથી. હવે આ સામાન્ય આજ્ઞાને તાબે થતાં માત્ર એક કૃપા માગી લઉં છું; તે એ કે, જેવી ઉદાર વૃત્તિથી આ આસનનું કાર્ય ઉપાડવાનું મને સોંપવામાં આવે છે, તેવી જ વૃત્તિથી મને અંત લગી આપ સર્વ સહાય થઈ નિભાવી લેશો.

સાહિત્ય પરિષદની ભાવના

આવા પ્રકારે સાહિત્યની પરિષદો ભરવાના લાભાલાભ વિષે કોઈ કંઈ શંકા ઉઠાવે, તો તેથી કોઈ રીતની અવગણના થઈ એમ સમજવું દુરસ્ત નથી. હરકોઈ નવીન સંસ્થા વિષે એવો સવાલ ઊભો થવો સાહજિક છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેરકો હવે આ પ્રશ્નનો ઉત્તર અનેક રીતે આપી શકે છે. મહારાષ્ટ્રના વિદ્વાનોએ આ જ અરસામાં એવી પરિષદ વીરક્ષેત્રમાં આ વર્ષે ભરી છે ને બંગાળામાં પણ ન્યાયમૂર્તિ શારદાચરણ મિત્રની અધ્યક્ષતા નીચે બંગભાષાની પરિષદ ભરાઈ હતી. આ ઉપરથી વિનય સાથે એટલું તો કહી શકાય કે, ગુજરાતે આવું મંડળ એકઠું કરવામાં કંઈ અલૌકિક પગલું ભર્યું નથી. ગયાં ચાર વર્ષના અનુભવનો આધાર લઈને ઉઠાવેલી શંકાનું કેટલેક અંશે સમાધાન કરી શકાય છે. આ પરિષદના કારણથી ગુજરતના સર્વ જાતના તથા ઇતર પ્રાંતોના સદ્ગૃહસ્થો જેમાંના ઘણાએક વિદ્વત્તાથી, સાક્ષરતાથી, શિષ્ટતાથી, જ્ઞાનથી, ડહાપણથી, વિવેકથી, જગતના અનુભવથી ને શુદ્ધ જીવનથી સર્વત્ર પંકાયલા છે, તે એક સ્થળે ભેગા થાય, એ કંઈ નાનોસૂનો લાભ નથી. મહાકવિ ભવભૂતિ કહે છે કે– संता सद्भिः संगः कथमपि हि पुण्येन भवति । સન્તનો સન્ત જોડે સમાગમ ખરા પુણ્યના યોગથી થાય છે. વળી એવા સમાગમથી લોકોમાં સાહિત્ય પ્રત્યે ઉત્સાહ અને પ્રેમ ખીલે છે, સાહિત્યની બૂજ વધતી જાય છે ને સાહિત્યરૂપી દીપકનું તેજ વૃદ્ધિ પામે છે. પરિષદના પ્રાસંગિક લાભમાંના આ લાભ છે. આ ઉપરાંત વિદ્વત્તાવાળા, સૂક્ષ્મ વિચારવાળા, ઊંડી મનભાવનાવાળા ગ્રંથો, નિબંધો, કાવ્યો, કવનો આ પરિષદને લીધે જ લખાયાં છે ને તેથી આપણી ભાષાના સાહિત્યમાં અમૂલ્ય વધારો થયો છે. વળી આપણી ભાષાના ઇતિહાસ અને ઉત્પત્તિ વિષે આ પરિષદોને લીધે જ કંઈ નવો પ્રકાશ પડ્યો છે. એમ કહેવામાં આવે કે પરિષદ ન ભરાતી હોત તો પણ આમાંના કેટલાક પ્રબંધ લખાયા વગર રહેત નહિ, તો તે તકરાર માત્ર થોડે અંશે ખરી છે. કેટલાક તો પરિષદની પ્રેરણાથી જ લખાયા છે ને પરિષદ ન હોત તો ભાગ્યે જ લખાત. આ પ્રમાણે આ પરિષદનો મેળાવડો વિદ્વજ્જનોને પ્રેરણારૂપ થઈ ગયો છે એ પણ પરિષદનો સાક્ષાત્ લાભ છે. આ પ્રમાણે આવતા બધા નિબંધ સાંભળવાનો બધાને લાભ મળતો નથી, એવો દોષ કાંઈક અંશે પરિષદના કાર્યવિધિ ઉપર મૂકી શકાય. અન્ય દેશોમાં કામ ચલાવવાની સુગમતા સારુ પરિષદના વિષયવાર ખંડ પાડી, જુદા જુદા વિષય જુદા જુદા સ્થળમાં વંચાવવામાં આવે છે ને તેથી જેને જેનો પ્રેમ તે તે ખંડમાં બેસે છે ને એકંદર નિબંધો ઘણા લઈ શકાય છે. વળી એક કરતાં વધારે વિષયના શોખીનોની સગવડ સાચવવાને સારુ જુદા જુદા ખંડોના ક્રમમાં આગળપાછળ ફેરફાર કરી ઘણાનું મન સાચવી શકાય છે. આવો વિધિ ગ્રહણ કરવાનો સમય અત્રે આવ્યો છે કે નહિ, તે જાણવા હું સમર્થ નથી; પણ ઘણા ગૃહસ્થોની મરજી થાય તો તેને દાખલ કરવાનો માર્ગ ગમે ત્યારે લઈ શકાય. ઉત્તમ ગ્રંથોને અવકાશ અને ઉત્તેજન આપવાનું આ પરિષદ મોટું સ્થળ થાય અને ઉત્તમ ગ્રન્થકારોને આ પરિષદનું અભિનંદન લેવાની વાંછના થાય, તો બેશક આપણા સાહિત્યને ઘણું જ ઉત્તેજન મળે. કાળાન્તરે પરિષદ આવું સ્વરૂપ પામે, એવી આપણે ઉમેદ રાખીએ તો તે અઘટિત નથી. ઉપર જે લાભ બતાવ્યા છે, તે જો કે ખરેખરા છે, તો પણ આવા મહાસમારંભને પૂર્ણ રીતે ઘટે તેવા તે વિપુલ, વિસ્તીર્ણ ને સ્થાયી નથી. આવી સમિતિઓના વાસ્તવિક ફાયદા તો ચિરકાળ ટકે તેવા તથા પ્રજા સમસ્તના ભીતરભાગને અસર કરે તેવા થવા જોઈએ. તેવા લાભ સાધવાને આપણે શું શું કરવું જોઈએ, તે નક્કી કર્યા પહેલાં સાહિત્ય એટલે શું તે આપણે એક વાર આપણા એક વિચારથી નક્કી કરવું જરૂરી છે. હવે વિદ્વાનોએ ઇતર દેશોમાં એવું ગ્રહણ કર્યું છે કે “માણસના મનોગત સર્વ પ્રકારના વ્યાપારની વાણી” એટલે સાહિત્ય સમજવું. બીજી પરિષદના વિદ્વાન પ્રમુખે સાહિત્યનું લક્ષણ આપ્યું છે, તે ઉપરની વ્યાખ્યાને ઘણું મળતું છે, પણ તે વધારે ચોક્કસ છે; તે એવું છે કે, “સંસ્કારી સ્થાયી ભાષામાં લોકોત્તર લેખ કે કથન” એ જ સાહિત્ય. આ બે લક્ષણ ઘણાં વ્યાપક છે, એ ઉઘાડું છે. આ અર્થથી જુદો ને કંઈક અંશે સંકુચિત અર્થ સાહિત્યનો ઘણી વાર કરવામાં આવે છે. કાવ્યો, નાટકો, સંવાદો, નવલકથાઓ, વાર્તાઓ, રૂપકો, નિબંધો અને બીજા એવા લેખો; એટલાને આ બીજા અર્થમાં સાહિત્યના કૂંડાળામાં દાખલ કરવામાં આવે છે; એટલે આ બીજા અર્થની મર્યાદામાં તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ વગેરે અનેક જાતનાં ગૌરવવાળાં સાહિત્યનો સમાવેશ થતો નથી. કોઈ પ્રસંગે કયા અર્થમાં સાહિત્ય શબ્દ વાપરવો એ લખનારની મરજી ઉપર છે. પણ વિષયનો અર્થ સંદિગ્ધ રહેવાથી, ઘણી ભ્રાન્તિ અને ભ્રાન્તિને લઈને ઘણા નકામા વાદ ઉત્પન્ન થાય છે. આ મંડળ ‘સાહિત્ય’નો વિપુલ ને વ્યાપક અર્થ લઈને પોતાનો ઉદ્યોગ આદરે છે એટલું જ કહેવું બસ છે. બીજી પરિષદના વિદ્વાન પ્રમુખે કહ્યું છે તે પ્રમાણે ગુજરાતી ભાષાનું સાહિત્ય એટલે ગુજરાતી વાઙ્મય સમજવાનું છે. આ પ્રમાણે લક્ષણબંધી કર્યા પછી, આવી પરિષદે કરવાનાં કર્તવ્યો શાં તેની સીમાનું ડોળિયું કરવું સુગમ પડે છે. પ્રથમ તો હાલનું એટલે આપણા પૂર્વજોએ તથા આપણે પેદા કરેલું સાહિત્યધન શું છે, તે કેવા પ્રકારનું ને કેવી કિંમતનું છે, તેનું આપણે ખરેખરું ને પૂર્ણ જ્ઞાન મેળવવું એ ઘણું અગત્યનું છે. ગુજરાતી જૂના સાહિત્યનો ઘણો ભાગ હજુ ખૂણેખાંચરે પડ્યો પડ્યો ઊધઈનું પોષણ કરે છે. માટે તેવું જીર્ણ ને જૂનું સાહિત્ય કેટલું છે, તેની પ્રથમ નોંધ કરાવવી જોઈએ. પછી તે હાલના પ્રગટ થયેલા સાહિત્યની બાજુએ એક સ્થળે આપણને સ્વાધીન રહે ને તેનો લાભ આપણા સાક્ષરોને મળે તેમ કરવું જોઈએ. ઘણો ખર્ચ કરતાં પણ આ પ્રયાસને સફળ થતાં કેટલોક લાંબો કાળ લાગશે. લગભગ ૩૫-૪૦ વર્ષ થયાં, પણ હજુ સંસ્કૃત જીર્ણ પુસ્તકોની શોધખોળ પૂરી થઈ નથી. આ પ્રમાણે એક દિશાએ એ ઉદ્યોગને ચાલતો કરી બીજી દિશાએ તેના જેવો પણ તેથી વધારે કઠણ ઉદ્યોગ છે, તે ગ્રહણ કરવો જરૂરનો છે. હજુ વાર્તાઓ, રાસડાઓ, રાસો, ગાનો, કવિત, લોકકથાઓ, લોકગીત, ઇત્યાદિરૂપે ગુજરાતી ઘણું સાહિત્ય માણસના સ્મરણરૂપી નાશવન્ત આધારે રહેલું દિન પર દિન ક્ષય પામતું જાય છે. તેને કાગળ ઉપર ને અક્ષરરૂપમાં લાવવું એ આવી પરિષદનું બીજું કર્તવ્ય છે. સ્વર્ગવાસી ફરામજી બમનજી માસ્તરે એક વાર આવો પ્રયાસ કર્યો હતો. તેમની રચેલી, ‘ગુજરાત ને કાઠિયાવાડની વાર્તાઓ’ ઉપરથી આવું સાહિત્ય કેટલું બધું મૂલ્યવાન છે, તેનો ખ્યાલ આવે છે. આ પણ લાંબા પ્રયાસ અને મોટા ખર્ચનું કામ છે. આની સાથે જૂના તામ્રલેખ, શિલાલેખ, પાળિયા, સિક્કા અને હરેક જાતની જૂની વસ્તુની શોધ કરી આપણા પૂર્વજો અને પૂર્વઇતિહાસનું જ્ઞાન દહાડે દહાડે પૂર્ણ કરવાનો શ્રમ લેવો, એ પણ આ પરિષદોનાં કર્તવ્ય પૈકી એક છે, આ પ્રયાસોમાં આપણા જૈનબંધુઓના એ જ દિશાના પ્રયાસથી આપણને ઘણી સહાય મળવાની આશા છે. આપણાં સાધન અને આપણા કાર્ય કરનારા થોડાં છે, માટે દેશની બીજી આવા જ લક્ષવાળી સંસ્થાઓ જોડે એકાર્થતા કરી પ્રયાસ કરવાથી સર્વને સુગમતા અને લાભ છે. આ પ્રયાસો આરંભવાને સારુ તથા તે સતત જીવતા રાખવાને તથા સફળ કરવાને સારુ એક–બે મંત્રી તથા કાયમ કમિટીની સંસ્થા રચવી જરૂરી છે. એટલું જ નહિ પણ તેને નાણાંરૂપી પૂર્ણ સવડ ગુર્જર સાહિત્યના પ્રેમીઓએ કરી આપવી આવશ્યક છે. આ પ્રથમ પાયો રચ્યા વગર દર્શાવેલું ફળ મળવાનો ઘણો થોડો જોગ છે. પરિષદે પોતાનાં કર્તવ્ય સાધવાને આવી સ્થાયી ઘટના રચ્યા ઉપરાંત પણ બીજી દિશોઓએ પોતાની નજર સતત રાખવી પડશે ને તે ભણી પણ શ્રમનો વ્યય નિરંતર કરવો પડશે. આવી પરિષદના પ્રમુખની યોજના જો વર્ષ કે બે વર્ષ અગાઉથી કરવાનું બનતું હોય, તો તે પ્રમુખના આસન અને મુખથી અથવા બીજા શિષ્ટજનના મુખથી ગુજરાતી સાહિત્યનો બધી વર્તમાન સ્થિતિનું એક સમગ્ર પટદર્શન થોડે થોડે કાળાન્તરે આપણને મળી શકે. વળી જગતના સંસ્કારી દેશોમાંના એકાદનું સાહિત્ય લઈ, તેની જોડે સરખામણી કરવાથી આપણા ગુજરાતી સાહિત્યના કયા કયા પ્રદેશ સારા ખેડાયા છે, કયા હજુ સમૂળગા ઉજ્જડ છે, કયામાં થોડો કે ઘણો આપણે પ્રવેશ કર્યો છે, ને કયાને આપણે હાથ પણ અડકાડ્યો નથી, એ વગેરેનું સમગ્ર દર્શન આપણા સાક્ષરોના મુખથી પરિષદ આગળ આવી શકે અને તેથી પણ ઘણો અમૂલ્ય લાભ આપણા સાહિત્યને મળી શકે. વળી આપણા ભરતખંડવાસી બન્ધુઓના સાહિત્ય જોડે સરખામણી કરવાથી પણ સારો લાભ આપણને મળી શકે, માટે દરેક પરિષદના કર્તવ્ય પૈકીનું આ કર્તવ્ય છે, એમ ગણના થવાની જરૂર છે. આ પ્રમાણે સમર્થ પુરુષોના હસ્તે કાળે કાળે ગુજરાતી સાહિત્યનું સમગ્ર દર્શન થવાથી સાહિત્યની ખિલવણી તથા વૃદ્ધિ સારુ સાર્વજનિક ઉપાય શા કરવા, તે વિષે આપણને માર્ગ સૂઝશે. એમ માલૂમ પડવાનો સંભવ છે કે, કેટલાક પ્રદેશો જે હાલ પડતર ભૂમિ જેવા છે, તે આપણા કેટલાક બન્ધુઓ પોતપોતાની મેળે જ ખેડવા ઉપાડી લેશે, અને તેમાં મંડળીના મેલનથી કરવાનું કાંઈ નથી. કેટલાક ભણી આપણા ભાઈઓનું માત્ર લક્ષ દોરવાને થોડો પ્રયત્ન કરવો પડશે, કેટલાક પ્રદેશો તો નૈસર્ગિક પ્રેરણાવાળા અલૌકિક જનો મળશે તો જ ફળદ્રૂપ થશે; અને વિદેશી જ્ઞાનરૂપી ખાતરની જે પ્રદેશોમાં અપેક્ષા છે, તે પ્રદેશોમાં આવી સાહિત્ય પરિષદે ઉપાડવાનો ભાર વિશેષ માલૂમ પડશે. આ રીતે ગુર્જર સાહિત્યને પોષક અને મનોરંજક ક્ષેત્ર અને વાડી બનાવવાનો પ્રયત્ન હરેક ગુર્જર કરશે એવી આપણી સંપૂર્ણ ઉમેદ છે. તેમાં વિશેષ કરીને આપણા વિદ્વાન અને સંસ્કારી પુરુષો પોતાના ભાગનો ભાર અથવા તે કરતાં પણ વધારે ભાર ઉપાડવાને આનાકાની નહિ કરે એમ માગવાનો આપણો હક્ક છે. જ્યારે આપણા વિદ્વાન ને સંસ્કારી પુરુષો હાલ કરતાં વધારે વધારે સંખ્યામાં ને ઘણી હોંશથી આ કામમાં મંડશે, ત્યારે ગુર્જર ભાષાનો રથ કડકડાટ દોડશે. આ કર્તવ્યો કાયમની સંસ્થા વગર બનવાં અશક્ય છે. ગમે તે રીતનો પ્રયત્ન કરવામાં આવે, તો પણ એક વાત સ્મરણમાં રાખવાની અતિશય જરૂર છે, તે એ કે નૈસર્ગિક કે મૂળ સ્વતંત્ર ગ્રથો ગુજરાતીમાં રચાય, તો જ આપણું શ્રેય થશે. જગતનું સર્વ જ્ઞાન અને વિજ્ઞાન ભાષાંતર દ્વારા કે એવી જ રીતે આપણે આપણા દેશમાં વસાવવું એ ઘણું ઉપયોગી છે. પણ જ્યારે આપણો અન્તરનો આત્મા જાગૃત થઈ પોતાના મમત્વનો વિકાસ કરી, બહારનું બધું જ્ઞાન, વિજ્ઞાન, વિચાર પોતાના કોઠામાં ઉતારી, તે જ્ઞાન અને લાગણી પોતાનારૂપ કરી, પોતાની અન્તરની વાણી વડે તે બતાવી શકશે, ત્યારે જ આપણા સાહિત્યનો તેમ જ આપણા જનસમૂહનો ઉદય થયો સમજાશે. અનુકરણથી કોઈ પ્રજા મહત્ત્વને પામી નથી, ને પામનાર નથી.

ભરતખંડની એક ભાષા

આપણા વિસ્તીર્ણ ભરતખંડમાં એક ભાષા થવી ઇષ્ટ ને શક્ય છે કે નહિ, ને તે થવાનો હાલ સંભવ છે કે નહિ, તે વિષે મેં મારા વિચાર અન્ય સ્થળે જણાવ્યા છે. એ વાતને છ માસ વીતી ગયા છે, પણ વચગાળામાં એ અભિપ્રાયમાં ફેરફાર કરવા જેવું કંઈ સબળ કારણ મને મળ્યું નથી. કાળાંતરે શું થશે તે ભાખવાની મારામાં શક્તિ નથી; પણ ફરી ફરીને મનન કરતાં મારો એ વિચાર દૃઢ થતો જાય છે. આપણું ૮૦૦ વર્ષનું સાહિત્ય જે આપણા આજ લગીના જીવનનો આદર્શ છે, જેનું બળ ને અબળ આપણી રગેરગમાં વ્યાપી રહ્યું છે. જે સાહિત્ય આપણા પૂર્વજોના નિરંતર વ્યાપારથી ઘડાયું છે, જે સાહિત્ય અક્ષત જાળવવા અને વધારવાના સંકલ્પથી આપણા વૃદ્ધોએ આપણને વારસામાં આપ્યું છે, તેને ભરતખંડના ઐક્યની ભાવનારૂપી વેદી પર હાલ તરત અર્પી દેવાને મારું મન હા પાડી શકતું નથી. જે ઐક્ય ઉપર કેટલાકનું મન હાલ મોહી જાય છે, તે મારે સર્વથા માન્ય છે. પણ ગુજરાતી, મરાઠી, બંગાળી, તૈલંગી, તામિલ વગેરે બધી વર્તમાન ભાષાઓના સાહિત્યના દેહોનો ભોગ આપ્યા સિવાય એ મેળવવાનો બીજો માર્ગ છે કે નહિ, તે ઠંડા મગજથી વિચારવાનું છે. મારા નમ્ર વિચાર પ્રમાણે હાલની સ્થિતિ જોતાં, સામ્રાજ્યરૂપી ઐક્ય સાધવાનો પ્રયત્ન કરવો, તે જ યોગ્ય ને ફળદાયક માર્ગ છે. તે સામ્રાજ્યની સાધારણ ભાષા હિંદી કે અંગ્રેજી કરવામાં હરકત નથી, પણ હાલ આપણી ભાષા અને સાહિત્ય છે તેવાં રાખવાથી ઐક્ય સાધવામાં હરકત કે ઢીલ થાય છે, એમ મને લાગતું નથી. જ્યારે એકતાની ભાવના અતિ પ્રબળ થઈ સર્વત્ર હિંદીનો કે બીજી સામાન્ય ભાષાનો પ્રચાર વધશે, તે વખતે સર્વ વૈભાગિક સાહિત્ય કદાચ એની મેળે તજવામાં આવશે, પરંતુ એ કાળ હજુ ઘણો દૂર લાગે છે.

એક લિપિઃ દેવનાગરી

હિંદુસ્થાનમાં એક ભાષા હાલ થવી અશક્ય હોય, તો પણ એક લિપિ થવાની પ્રાંતપ્રાંતના વસનારને એકબીજાનું સાહિત્ય સમજવામાં થોડીઘણી સુગમતા થાય, એ પક્ષમાં ઘણી તકરારની જગ્યા નથી. એક લિપિ કરવી તો તે કઈ કરવી તે વિષે મતભેદ પડ્યો છે. બનારસની નાગરીપ્રચારિણી સભા અને બંગાળની એક લિપિ-વિસ્તારક સભાએ દેવનાગરી એટલે બાળબોધ લિપિને પસંદ કરી છે, અને તેનો પ્રચાર કરવાને શ્રમ અને ખર્ચ વેઠે છે. એમનો અંતિમ ઉદ્દેશ ઘણો સ્તુત્ય છે, એ વિષે બહુ વાદ નથી. પરંતુ ઉત્તરહિંદુસ્થાનમાં ફારસી એટલે ઉર્દૂ લિપિનો ઘણો વાપર છે તેથી, તથા ઉર્દૂવાળાને નાગરી લિપિ સામાન્ય થવાથી પોતાનો રોજગાર જવાની ધાસ્તી પેઠી છે, તેથી સંયુક્ત પ્રાંતોમાં એ વિષે ઘણી તકરાર ઊઠી છે. મહારાષ્ટ્રને એ વાત અનુકૂળ છે. અને દ્રાવિડ પ્રાંતોનું મન હજુ આપણને સમજાયું નથી. આપણે અહીં ઘણા કાળથી બેઉ લિપિ ચાલે છે, અને જો કે ગુજરાતીનો સામાન્ય પ્રચાર છે, તો પણ કેટલાંક કીમતી પુસ્તકો બાળબોધ એટલે નાગરીમાં છપાયાં છે. એ લિપિ છાપવાનું ખર્ચ કંઈક વિશેષ થાય છે, તેથી સસ્તા લૌકિક સાહિત્યમાં બાળબોધ વાપર્યાથી તે મોંઘું થવાની નડતર આવે છે, ને આપણે અહીં પણ સામાન્ય લોકનો તે ઉપર ભાવ દીસતો નથી. વળી મૂળ નિશાનનું ભાન હજુ ઘણા થોડાને જ થયું છે. એટલે હાલ એકદમ પગઉપાડો થઈ શકે એમ દીસતું નથી. માત્ર ધર્મનાં ને વિજ્ઞાનનાં પુસ્તક તેમાં છાપવાનો પ્રચાર વધે તો તે ઇષ્ટ છે. આ ઉપરાંત આ વિષય સર્વની નજર આગળ હમેશ રાખી, સાહિત્ય વિષે કર્તવ્યની જે ટીપ થાય તેમાં તેને સામેલ રાખવો ઘટે છે.

હિંદી ભાષા

આખા ભરતખંડની રાજકીય એકતા થવા સારુ તથા હિંદુધર્મનું માહાત્મ્ય વધારવા સારુ હિંદી ભાષાનું જ્ઞાન પ્રસારવાની ઇષ્ટતા દર્શાવવામાં આવે છે, તે દૃષ્ટિબિંદુ આ પરિષદના ઉદ્દેશની સીમામાં ભાગ્યે જ આવી શકે; પરંતુ આપણા શિષ્ટજનોએ મનમાં વિકાસ તથા વિદ્યા ને સાહિત્યની વૃદ્ધિના અર્થે હાલની રૂઢ ભાષાઓમાંથી એક-બે કે તેથી અધિક જેટલી બને તેટલી ભણવી યુક્ત છે. હિંદી ભણવાથી તુલસીકૃત રામાયણ જેવા સાહિત્યના મહાગ્રંથોનું જ્ઞાન થાય એટલું જ નહિ, પણ તે ભાષા ભણનારાને પ્રવાસ ને વ્યાપારમાં તેમ જ સાર્વજનિક કાર્યોમાં ઘણી અનુકૂળતા ને લાભ થાય એમાં સંશય નથી. યુરોપના વેપારીઓ બીજી ભાષાઓ વ્યાપાર આગળ વધારવા શીખે છે. ઉત્તર હિંદુસ્થાન જોડે ગુજરાતનો વેપાર હાલ ઘણો છે, ને દિવસે દિવસે વધશે; સબબ હિંદી ઉપર આપણા દેશી ભાઈઓએ વિશેષ લક્ષ આપવું ઘટારત છે. ગુજરાતીનું જૂનું સાહિત્ય કેટલુંક હિંદીની શાખા જે વ્રજ છે તે ઉપરથી ઘડાયું છે. એટલે ગુર્જરીના ભાષાપંડિતને હિંદીનું સારું જ્ઞાન સંપાદન કરવું અગત્યનું છે.

જનસમૂહની કેળવણી

જનસમૂહને શિક્ષણ આપવાથી આપણા સાહિત્યના ઉત્કર્ષને જેટલી પુષ્ટિ મળવાનો જોગ છે, એટલો બીજા કોઈ પણ એક ઉપાયથી મળવાનો નથી છેક ગરીબમાં ગરીબ સ્ત્રી કે પુરુષને પણ લેખન, વાચન ને ગણિતના સંસ્કાર તથા સામાન્ય વિજ્ઞાનનું જ્ઞાન મળવું આવશ્યક છે; જ્યારે લોક સમસ્ત વાંચવાના શોખીન થશે, ત્યારે લેખકોને અપૂર્વ ઉત્તેજન મળશે, ને સાહિત્યના સત્ત્વમાં ઘણો ઉત્કર્ષ થશે. વળી એવું પણ બનશે કે, એ ગરીબમાંથી કેટલાક સંસ્કાર પામી સાહિત્યમાં નવું બળ પ્રેરશે. ગુજરાતનાં કેટલાંક સ્વદેશી રાજ્યોમાં આવી કેળવણી મફત આપવાનો લોકોપકારક માર્ગ ઉઘાડો થઈ ગયો છે, તેનો પ્રથમ જશ શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડને તથા કાઠિયાવાડમાં ગોંડલ, લીંબડી વગેરેના સંસ્કારી રાજાઓને ઘટે છે. હું ધારું છું કે અત્રે પધારેલા સદ્ગૃહસ્થોની કામના એવી છે કે, આ પ્રાંતનાં સર્વ નાનાંમોટાં રાજ્યોમાં એ જ ધોરણે સાર્વજનિક કેળવણીનું સૂત્ર થોડા વખતમાં દાખલ થાય. માત્ર આ સંબંધમાં એક જ સૂચના કરવી ઇષ્ટ છે, તે એ કે સામાન્ય કેળવણીનો પૂર્ણ લાભ મેળવવો હોય, તો તેની રચના એવા હેતુથી કરવી જોઈએ કે, એથી લેખન, વાચન વગેરેના સંસ્કાર ઉપરાંત જન-જનના ચરિત્રનો વિકાસ થાય. તેમનાં તન અને મનનું આંતરબળ વૃદ્ધિ પામે, અને દેશાભિમાન, દેશભક્તિ, સ્વાર્પણ વગેરે ઉચ્ચ લાગણીઓની અભિવૃદ્ધિ થાય. અને તેની જોડે નિર્વાહનો કસબ હરગિજ શીખે. આથી જુદી કેળવણી બહુ ફળદાયી ભાગ્યે જ થાય. જનસમૂહની કેળવણીનું પૂરેપૂરું ફળ મેળવવા સારુ બીજી એક વાત અત્રે સૂચવવાની છૂટ લઉં છું. તે એ કે પ્રાથમિક કેળવણીનો લાભ પામેલાને શાળા છોડ્યા પછી વાંચવાલાયક પુસ્તકો રચાવવાં જોઈએ. શ્રીમંત ગાયકવાડ મહારાજે આ વાત ઉપર મારું લક્ષ ખેંચ્યું હતું અને આ પરિષદના નિયામકોની પણ એ દિશાએ નજર ગયેલી દીસે છે. માત્ર કંઈક સૂચના કરવી ઉચિત હોય તો તે એટલી જ છે કે, ગરીબને વાસ્તે રચાયેલાં ચોપાનિયાં કે પુસ્તકોની ભાષા કેવળ સરળ, તરત સમજાય એવી અને નકામા સંસ્કૃત શબ્દના આડંબરથી મુક્ત હોવી જોઈએ. વિષય અને તેનું વર્ણન પણ તેમનાં જ્ઞાન અને કેળવણીના ગજા ઉપરાંત હોવું ન જોઈએ. તેવું સાહિત્ય સસ્તું જોઈએ, એ વિષે તો વાદ જ નથી.

સ્ત્રી–કેળવણી

સાહિત્યનો ઉત્કર્ષ સાધવાનો એક ઘણો ફળદાયક માર્ગ સ્ત્રીકેળવણીનો પ્રચાર કરવાનો છે. તે સ્ત્રીકેળવણીનો થોડોઘણો પ્રારંભ સર્વત્ર થયો છે, પણ તે બસ નથી. હાલ શિક્ષણનો લાભ માત્ર કાચી વયની કન્યાઓ લે છે, તેથી વધારે વયની કન્યાઓને બહોળી કેળવણી આપવાનો આ સૂચનાનો આશય છે. આવું ઊંચા પ્રકારનું શિક્ષણ આપણી સ્ત્રીઓને ગુજરાતી ભાષા દ્વારા આપવું જોઈએ, ને તેવું આપવાને સ્ત્રીઓ સારુ ઉચ્ચ શાળાઓ (high schools) સ્થાપવી જોઈએ. તેવી શાળાઓમાં આગળ જતાં ગુજરાતીમાં વિજ્ઞાનનું શિક્ષણ આપી, છેક બી.એ.ના ક્રમની કેળવણી આપી શકાશે. હાલ તુરત આ બધું બનવું દુર્ઘટ દીસે છે, તો પણ તેમાં આજકાલની કન્યાશાળાઓ કરતાં ઘણા સારા સંસ્કાર આપી શકાશે, એમાં શક નથી. જે થોડી સ્ત્રીઓથી બને તેઓ અંગ્રેજી ભણી પુરુષોની બરોબરી કરી, તેઓના જેવી પદવીઓ મેળવે, તેમાં કંઈ હરકત દીસતી નથી, પણ તેવો લાભ લેવાનું ઘણી થોડીથી જ બનશે. સામાન્ય રીતે સ્ત્રીઓને અધકચરું અંગ્રેજી જ્ઞાન આપવાથી કંઈ પણ વિશેષ ફળ નથી. માટે તે ભણવાનો કાળ ઉગારી, તેને બદલે બીજું વિજ્ઞાન ને સારા સંસ્કાર આપણી ભાષા દ્વારા આપણી બહેનદીકરીઓને આપવાનું આપ સર્વને લાભકારી જણાશે. આ અર્થે સ્થાપેલી સ્ત્રીઓની ઉચ્ચ શાળાઓનો લાભ આપણા સંસારના રિવાજોને લીધે ઘણી સ્ત્રીઓ તુરતમાં લઈ શકશે નહિ, તો પણ કન્યાશાળાનો અભ્યાસક્રમ થોડે થોડે વધારી, તે માર્ગે માર્ગે ચાલી ઉચ્ચ શિક્ષણનો આરંભ કરવાનું હાલ બની શકે એમ દીસે છે. શિક્ષકોની ખોટને શીખનારની અછત હાલ પણ નડે છે ને હજુ કેટલાક કાળ લગી નડશે; પણ ધીમે ધીમે તે ઘટતી જશે. અને સ્ત્રીઓ વાચકવર્ગમાં દાખલ થશે, ત્યારે લેખકના લેખોના સત્ત્વમાં સુધારો થશે, એટલું જ નહિ પણ ભાષાની શુદ્ધિ ને સરળતા પણ વૃદ્ધિ પામશે, ને લેખકોને ઘણું ઉત્તેજન મળશે. વળી સ્ત્રીઓ પોતે પણ સાહિત્યના સમૂહમાં કીમતી વધારો કરશે, ને પાછી મીરાંબાઈ, ગાર્ગી, મૈત્રેયી જેવી અલૌકિક નારીઓ આ દેશમાં અવતરી, સર્વત્ર સદ્ગુણ, દેશભક્તિ, પાતિવ્રત્ય, ધર્મ અને સુજ્ઞાનની ક્રાન્તિ પ્રસારશે.

ગુજરાતી દ્વારા શિક્ષણ

અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ જ્ઞાન ગુજરાતી ભાષા દ્વારા આપવાની અગત્ય વિષે મેં મારા વિચાર અનેક વાર દર્શાવ્યા છે. પચીસ વરસ પૂર્વે સર વુલિયમ હન્ટરના શિક્ષણ કમિશન આગળ મેં તે નિવેદન કર્યાં હતાં, ને ત્યાર પછી પ્રસંગે પ્રસંગે તેમ કરવાની તક આવી ત્યારે તે પ્રગટ કરવાને ચૂક્યો નથી. પણ હજુ તેનું કંઈ પણ ફળ થયું નથી અથવા ફલાશા બંધાય એવા ચિહ્ન પણ દીસતાં નથી. હવે જો એ વાત માલ વગરની કે સામાન્ય ગૌરવની હોત તો કદાચ તે હું મૂકી પણ દેત. પણ જેમ જેમ કાળ જાય છે, તેમ તેમ તેનું મહત્ત્વ મને વધારે વધારે લાગતું જાય છે, માટે આપ સર્વની રૂબરૂ વિનયથી પણ આગ્રહપૂર્વક ફરીને તે હું મૂકું છું. હાલ પ્રચારથી આપણા યુવાનોને તનની, મનની અને તેની જોડે ધનની ભારે હાનિ થાય છે, માટે એ વાત મૂકી દઉં તો દેશસેવાના અંગની મારી કર્તવ્યતામાં ઘણો ભ્રંશ થાય. જગતમાં કોઈ પણ સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો વિપરીત શિક્ષણક્રમ નહિ હોય; વળી આગળ જ્યારે અંગ્રેજી શાળામાં ઘણું શિક્ષણ આપણી ભાષા દ્વારા અપાતું હતું, તે વખતનાં ફળ જોડે વર્તમાન પ્રચારનાં ફળ સરખાવ્યાંથી પણ મારી પ્રતીતિ દૃઢ થઈ છે. ચાલતા શિક્ષણમાં શીખેલા પુરુષોની કૃતિ, વિચાર, હોંશ, ઇત્યાદિમાં સામાન્ય રીતે જે મન્દતા અને નિર્માલ્યપણું કેટલીક વાર નજરે પડે છે, તેનાં કારણોમાંનું એક મૂળભૂત કારણ આ હાનિકારક પદ્ધતિ છે. એ પદ્ધતિ જેમ બને તેમ વહેલી પડતી મૂકી અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, પદાર્થવિજ્ઞાન, ખગોળ, ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃત-સારાંશ કે અંગ્રેજી સિવાયના બધા વિષય માતૃભાષા દ્વારા શીખવવામાં આવે, તો વિદ્યાર્થીને પડતો શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક યુવાનના આવરદાનાં કમીમાં કમી બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે એટલું જ નહિ પણ આપણાં બાળકોના તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય. ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ ઇચ્છનારાઓની આ મહા સમાજ સમક્ષ એ સૂચના ઘણી આશાભર હું મૂકું છું. વળી ગુજરાતનું રાજ્યસ્થાન જે કાઠિયાવાડ, તેના ધોરી સ્થળમાં એ સૂચના મૂકવાથી તે વિષે વ્યવહારુ પગલાં લેવાઈ અનુભવ મેળવવાની પણ સુગમતા વધારે થવા જોગ છે. આ વિષય ઉપર શાન્તતાથી લક્ષ પહોંચાડવાની સર્વને મારી ખાસ વિનંતી છે. વ્યવહારુ રીતે ગ્રહણ કરીને આ સૂચનાને મેં નિયમિત કરી અંગ્રેજી ઉચ્ચ શાળાઓના ક્રમ વિષે દાખલ કરી છે, તેમાં પુસ્તકોની ખોટરૂપી અડચણ આવવાનો સંભવ હવે રહ્યો નથી, ને શિક્ષકો પણ મળી શકે છે. આ આરંભથી આગળ વધતાં વધતાં અન્તિમ નિશાન આપણી માતૃભાષા સર્વ પ્રકારનું જ્ઞાનવિજ્ઞાન આપવાનું છે. તે સાધવાનો માર્ગ બેશક વધારે વિકટ છે. અને પુસ્તકો તથા શિક્ષકો તેમજ પરિભાષા વગેરેની અડચણો જોઈ જોઈને ઊભા રહેવાથી અડચણો દૂર થતી નથી. તેમના સન્મુખ જવાથી તે ઓછી થાય છે. સર્વ જ્ઞાનનું દ્વાર માતૃભાષાને એટલે ગુર્જરખંડમાં ગુજરાતીને આપણે બનાવવી છે અને એમ થઈ શકશે ત્યારે જ આપણા સાહિત્યમાં ખરો જુવાનીનો જીવ અને ઉત્સાહ આવશે એ વાત નિઃસંશય છે.

અભિવૃદ્ધિ; સરકાર અને રાજ્યનો વ્યવહાર

સાહિત્યની અભિવૃદ્ધિનો રાજ્યકારભારના વ્યવહારની જોડે નિકટ સંબંધ છે એ સિદ્ધ વાત છે. હિંદમાં બ્રિટિશ ભાગમાં અનેક કારણોથી અંગ્રેજી વિદ્યાની કેળવણી લેવાના તથા તેમાં ઉચ્ચ જ્ઞાન ને શક્તિ મેળવવાના ફાયદા એટલા પ્રસિદ્ધ થયા છે, કે તેથી તે કેળવણી પાછળ આપણા ગુર્જર દેશના લોક પણ ટોળાબંધ વળ્યા છે. વળી દેશી રાજ્યોમાં પણ તે કેળવણીને પ્રસંગવશાત્ ઉત્તેજન આપવામાં આવ્યું છે. તો પણ તે રાજ્યનો બધો કારભાર; દફતર આદિ ગુજરાતી ભાષામાં ચાલે છે, ને ન્યાયના ફેંસલા પણ તેમાં લખાય છે. આ રિવાજ સાહિત્યના હિતમાં ઘણો લાભકારી છે. માટે તેને દૃઢ કરી તેનો પ્રચાર કરવાની આપણા ગુર્જર ખંડના સ્વદેશી રાજકર્તાઓની પાસે સાહિત્યસેવકો માગણી કરે તો તે અસ્થાને નથી. વડોદરામાં ઇન્સાફના અગત્યના ફેંસલા દેશી ભાષાઓમાં લખવાનું ઠર્યા પછી ગુજરાતી ભાષાની શૈલી અને શુદ્ધતામાં ઘણો સુધારો થયો છે; એટલું જ નહિ, પણ શબ્દાર્થ પણ નિર્ણિત અને ચોક્કસ થયા છે. કાઠિયાવાડ એ ગુજરાતનું રાજસ્થાન છે. તેમાં એ જ નિયમ ગ્રહણ કર્યાથી એ કરતાં પણ વધારે લાભ થાય એમાં શક નથી.

શુદ્ધ ભાષા

શુદ્ધ ભાષા તે શું ને કેવા શબ્દરૂપને તથા વાક્યપ્રયોગને શુદ્ધ ગણવાં અને કેવાંને અશુદ્ધ ગણવાં એ વિષય ઉપર આપણા વિદ્વાનોનું લક્ષ દોરાયેલું છે, એ સંતોષની વાત છે. પણ આ પ્રશ્નનો નિર્ણય કરતાં પહેલાં શુદ્ધાશુદ્ધનું ધોરણ પ્રથમ નક્કી કરવું આવશ્યક છે. શુદ્ધ એટલે શું ને અશુદ્ધ એટલે શું ને એમાં વાદ પડે, તો કયા સામાન્ય નિયમ પ્રમાણે વર્તવું, એનો પ્રથમ નિર્ણય થવો જોઈએ. એવો નિયમ ન થાય ત્યાં લગી, ઘણું મતાંતર અને શબ્દયુદ્ધના ઝઘડા થવાનો સંભવ છે. જે શબ્દરૂપ કે વાક્યપ્રયોગને વિષે સામાન્ય રીતે એક જ મત હોય તે રૂપ અને પ્રયોગ તે મત પ્રમાણે જ થવાં જોઈએ, ને તેથી ભિન્ન થાય તો તે અશુદ્ધ ગણાય. આટલે લગી મતફેરનો માર્ગ નથી. વળી સામાન્ય રીતે શબ્દ ને વાક્યના અર્થ ચોક્કસ ને નિશ્ચિત વ્યાપ્તિવાળા જોઈએ. એ વિષે પણ વાદ થવાનો સંભવ નથી. પણ એટલેથી આગળ વધતાં શબ્દશુદ્ધિનો નિર્ણય કરવાનો એક તરફથી એવો માર્ગ પકડવાનું વલણ દીસે છે કે સંસ્કૃત મૂળ રૂપ સરખો જ શબ્દ તેને શુદ્ધ શબ્દ સમજવો અને જે તેથી આઘો ગયો હોય તેને અશુદ્ધ ગણવો. એટલા માટે ઘણા જ વિનય સાથે કહેવાની જરૂર છે કે, આ નિયમમાં મતફેરનો ઘણો અવકાશ રહે છે. સંસ્કૃત ઉપરથી ગુજરાતીનો શબ્દસમૂહ તથા વાક્યરચના નીકળ્યાં છે, એ વાત ખરી છે. બેશક, ગુજરાતી ભાષા એ સંસ્કૃતની પુત્રી છે; પણ માની આંગળી પકડી ચાલનાર બાળપુત્રી તે નથી. તેણે પોતાનો વ્યવહાર ઘણાં સૈકા થયાં પોતાને માથે ઉપાડી લીધો છે. સેંકડો વર્ષની રાજક્રાન્તિઓ, વ્યવહારક્રાંતિઓ, ધર્મક્રાન્તિઓ વગેરે મોટી આફતોમાં તેણે પોતાનું અસ્તિત્વ અને જીવન જાળવ્યું છે. કાળને નમીને પોતાનાં ચલણવલણ તે બદલતી ગઈ છે. ટૂંકામાં કહીએ તો તે સ્વતંત્ર ભાષાના પદને પામી છે, તેથી બીજી સ્વતંત્ર ભાષાના સમાન જ પોતાની ગણના થવાનો હક્ક તે માગી શકે છે. હવે દરેક સ્વતંત્ર ભાષામાં તે ભાષાની સ્થાપિત થયેલી શબ્દરૂઢિ અને વાક્યરૂઢિ જ સર્વથા પ્રબળ ગણાય છે. તે રૂઢિ મૂળ ભાષાથી જુદી હોય તો પણ તે શુદ્ધ ગણાય છે ને તેવો પ્રચાર હાલ જગતની સર્વ ભાષા વિષે છે. અંગ્રેજી ભાષા ઍન્ગ્લો-સૅક્સન (Anglo-Saxon) ઉપરથી નીકળી છે અને ફ્રૅન્ચ ભાષા લેટિન ઉપરથી નીકળી છે, તો પણ હાલ એ ભાષાઓમાં વપરાતા કોઈ અમુક શબ્દ કે વાક્યોનો પ્રયોગ મૂળથી જુદો હોય માટે તે અશુદ્ધ ગણાતો નથી. તેમ જ ગુજરાતીમાં કોઈ અમુક શબ્દ કે વાક્યપ્રયોગ મૂળ સંસ્કૃતના વ્યાપારથી અર્થમાં કે જોડણીમાં જુદો કે ઊલટો હોય, તેટલા જ કારણથી તેને અશુદ્ધ ગણવો એ ઘટિત નથી. જ્યાં ચાલતી આવેલી રૂઢિ નક્કી થઈ શકે. સ્થાપિત રૂઢિ એ જ શુદ્ધતા ને અશુદ્ધતાનું સર્વસ્વીકૃત માન છે. આ વિષે મારા જૂના મિત્ર શ્રી. દોરાબજી એદલજી ગીમી, જે આ પ્રદેશમાં કેટલાક કાળ વિદ્યાગરુને સ્થાને બિરાજતા હતા, તેમણે ભાષા-ઉત્પત્તિ વિષે એક નાનું પણ ઘણી વિદ્વત્તાવાળું ચોપાનિયું રચ્યું છે, તે ઉપર વિદ્વજ્જનોનું લક્ષ જવું ઘટે છે. તે એમ લખે છે કે, “સંસ્કૃત પ્રમાણે ગુજરાતીમાં લખવું જોઈએ એ દલીલ ખોટી છે; કોઈ પણ શબ્દ ભાષામાં બદલાતો બદલાતો આજ જે સ્વરૂપમાં કાયમ થયો હોય, તે જ તેનું ખરું સ્વરૂપ માનવું જોઈએ.” શબ્દશુદ્ધિ વિષે આ નિયમ સ્વીકારવામાં આવશે, તો ઘણી તકરારો તથા ચર્ચાનો પ્રસંગ રહેશે નહિ. આ સંબંધે વિચારમાં ભિન્નતા, ભ્રાંતિ કે દોષ જે જોવામાં આવે છે તે ધોરણ નક્કી નથી તેને લીધે છે. એક ભાષા બીજી ભાષામાંથી જન્મ પામી હોય, માટે તેણે તેની માતાનું જ સર્વ સ્વીકારવું જોઈએ, એવો ગર્ભિત સિદ્ધાંત કેટલાક સજ્જનોએ માન્ય કર્યો છે, તે જ આ મતભેદનું મૂળ છે. એ સિદ્ધાંત જો સર્વથા ગ્રહણ કરવામાં આવે, તો સંસ્કૃત ને લેટિન આદિ ભાષાઓને મૂકીને પણ તેમની માતૃભાષા જે મૂળ આર્યભાષા–તેના લગી જવાની અવસ્થા પ્રાપ્ત થાય. ગમે તેમ હોય તો પણ હાલની જીવતી ભાષાઓ એ પ્રમાણે કરવાને કે પોતાની માતૃભાષા ઉપર જ આધાર રાખી બેસી રહેવાને કબૂલ નહિ જ થાય. આ વિષયમાં કેટલોક નકામો ગૂંચવાડો “અપભ્રંશ” શબ્દના પ્રયોગથી થયો છે. અપભ્રંશ એટલે મૂળથી બદલાયેલો શબ્દ એમ હું સમજું છું. પણ સાધારણ રીતે એમ સમજ હોય છે કે, મૂળથી બદલાઈને બગડેલું રૂપ તે અપભ્રંશ. પરંતુ ખરો પ્રકાર આ પ્રમાણે નથી. મૂળથી બદલાઈને નવાં થયેલાં કેટલાંક રૂપ તો એવાં સૂચક, મર્મવાળાં, અર્થવાન હોય છે કે, તેમનો અર્થ ને પૂર્ણ ભાવ મૂળ રૂપમાં હોતો નથી. આથી કરીને એવી ભ્રાંતિ થઈ છે કે, અપભ્રંશ તે અશુદ્ધ હોય. ઉદાહરણ તરીકે રાજાની ‘આણ’ કે દેવની ‘આણ’ એ પ્રયોગમાં જે અર્થ છે, તે અર્થ રાજ-આજ્ઞા કે દેવ-આજ્ઞામાં આવતો જ નથી; તેમ સાસરવાસા યોગ્ય કન્યાને જે આણું કરવામાં આવે, તેનો અર્થ આમન્ત્રણ કે આજ્ઞાપનમાં આવતો નથી. નૃત્ય શબ્દમાં નાચનું સામર્થ્ય નથી; કોઈ તવંગરનો ભરમ એ ભ્રમ નથી; કંથનો અર્થ કાન્તમાં નથી, મહંતનો મહાનમાં નથી, લહાવાનો અર્થ લાભમાં નથી. સબબ, મૂળ સંસ્કૃત શબ્દનું માહાત્મ્ય વધારવાથી, અથવા તેને પાછા લાવવાથી ભાષાની શુદ્ધિ કે વૃદ્ધિ થવાનો જોગ નથી. ભાષાશુદ્ધિને સારુ તથા તેની ખિલવણી સારુ આપણા મહાકવિ પ્રેમાનંદ, શામળ, દયારામ વગેરેના ગ્રંથોનો ઘણો બહોળો અભ્યાસ થવો જરૂરનો છે.

ફારસી ને દેશી શબ્દો

ફારસી શબ્દોને શુદ્ધ ગુજરાતી લખાણમાં રાખવા કે નહિ, એ પણ ઉપરના પ્રશ્નના ફાંટારૂપ પ્રશ્ન છે. લગભગ સાતસો વર્ષથી એવા શબ્દો દાખલ થતા આવ્યા છે ને એમાંના કેટલાક તો છેક ભાષાના અન્તર્ભાગમાં પેસી ગયા છે ને તે કદી કાઢી શકાય એવા નથી. કબજો, કાયદો, કેદ, મેજ, ખુરશી વગેરે કેટલાક બોલ તો એવા છે કે, તે કાઢવાનું મન કરીએ, તો તેની જગાએ એવા સાર્થક શબ્દ તરત ઘડવાનું બને નહિ ને કોઈ મનસ્વી રીતે ઘડે તો પણ, તેમાં જૂનાનો અર્થ આવી શકતાં કેટલાક કાળના કાળ જાય; પણ જો સવાલ પૂછવાની છૂટ હોય તો આપણે પૂછીએ કે, ફારસી શબ્દો ટાળવાનો વિચાર શા માટે કરવો જોઈએ? ગુજરાતના ઐતિહાસિક બનાવોના બળથી જેમ સંસ્કૃત શબ્દો ને દેશી શબ્દો ગુજરાતી ભાષામાં આવ્યા છે, તેમ ફારસી પણ ભળી ગયા છે ને તેમ જ હાલ અંગ્રેજી શબ્દો ભળતા જાય છે. જ્યાં ભાષાનો નિભાવ આપણા ચાલુ શબ્દોથી થતો હોય, ત્યાં માત્ર ગફલતથી કે શુદ્ધતાના અનાદરથી કે બીજાં એવાં જ કારણથી પરભાષાના શબ્દ વાપરવા, એ કોઈ પણ સંસ્કારવાળા જનને ગમે નહિ. પણ રૂઢ થઈ ગયેલા સાધારણ શબ્દો, પછી તે ફારસી કે બીજા હોય, તેનો ત્યાગ કરવાની ઇચ્છા શા માટે કરવી? એકાદ જણ પોતે પોતાના ઘરને ખૂણે બેસી ફારસી શબ્દ તજીને બધા સંસ્કૃત વ્યુત્પત્તિવાળા શબ્દો વાપરવાનો પ્રયત્ન કરે, તો તે તેના તરંગની વાત છે, પણ વિચારવંત પુરુષો તરફથી તેને ભાગ્યે જ ઉત્તેજન મળશે. આ સંબંધમાં બીજો એક વિચાર મને સૂઝે છે, તે આ મંડળ આગળ મૂકી આ પ્રકરણ સમેટવા ધારું છું. આપણ સર્વની એવી ઇચ્છા છે કે, આપણા ઇસ્લામી બંધુઓ આપણી જોડે સામેલ રહી, ગુર્જરી ભાષાની ખિલવણી ને ફાળવણીમાં સહાયક થાય. હવે દુનિયાદારીના વ્યવહારકુશળ પુરુષો દાખલ આપણે વિચારવાનું એટલું છે કે, ફારસી શબ્દ કેવળ વર્જવાથી આ હેતુ સિદ્ધ થશે કે નહિ? આપણા ઇસ્લામી બંધુઓ અનેક કારણોથી એવા શબ્દો આપણા કરતાં અનેક ગણા વાપરે છે; તેમને આથી સારું લાગશે ખરું? તેઓ આપણાં સંસ્કૃતમય પુસ્તકો હાલ પણ વાંચી શકતા નથી; સારાંશ કે, ફારસી શબ્દો ટાળવાની વાત વધારે પ્રસરશે તો, ગુજરાતમાં બે જાતનાં સાહિત્ય ચાલવાનો પ્રસંગ આવશે. (૧) મુસલમાન ભાઈઓ અને સામાન્ય લોકો સમજે તેવું અને (૨) સંસ્કૃત ભણેલા લોકો સમજી શકે તેવું; આવું પરિણામ સાહિત્યપ્રેમીઓને ઇષ્ટ નહિ જ હોય.

ઉર્દૂ વિષે

ઉર્દૂ ભાષા વિષે આવા મંડળ સમક્ષ બે બોલ બોલવા અનુચિત નહિ ગણાય. ગુજરાતમાં લગભગ ચોથા ભાગની વસ્તી આપણા ઇસ્લામી બંધુઓની છે. તેઓમાંનો એક ભાગ મૂળ હિંદુઓ હતા ને હજુ પહેરવેશ હિંદુઓના જેવો પહેરે છે ને ઘરમાં પણ ગુજરાતી બોલી બોલે છે. આટલે લગી તો એ સાહિત્યની દૃષ્ટિએ બધી સ્થિતિ મનમાનતી છે, પણ તે સિવાયનો બીજો ભાગ જે સંખ્યામાં નાનો છે, તે ઘરમાં તેમજ વ્યવહારમાં ઉર્દૂ કે હિંદુસ્તાનીનો ઉપયોગ કરે છે. આ બીજા ભાગ તરફથી એવી માગણી થાય છે કે, ઇસ્લામી ભાઈઓનું બધું શિક્ષણ ઉર્દૂ દ્વારા થવું જોઈએ. ગુજરાતનું ઐક્ય ને ગુજરાતી સાહિત્યનો દિન પર દિન ઉત્કર્ષ ઇચ્છનારે આ માગણી ઉપર જરૂર વિચાર કરવો ઘટે છે. સર્વ મુસલમાન ભાઈ ઉર્દૂ બોલી અને ફારસીની લિપિ શીખે ને તેમાં લખેલાં પુસ્તકો સહેલથી વાંચવાને શક્તિવાન થાય ને વળી તેમનું પવિત્ર ધર્મપુસ્તક કુરાને-શરીફ પણ પઢી શકે, એટલું બેશક તેમને માટે અવશ્યનું છે. પણ આ અર્થ સાધવા સારુ બધું શિક્ષણ જુદું રાખવાની અગત્ય છે કે નહિ? આપણા પારસીભાઈઓ દેશ સમસ્તની સામાન્ય શાળાઓમાં શિક્ષણ લઈ, પોતાનાં ધર્મપુસ્તક વાંચવા અને સમજવા પૂરતો જુદો બંદોબસ્ત કરી શકે છે; જૈનો પણ કરે છે; તો તેમ ઇસ્લામી ભાઈઓ પણ સહેલાઈથી કરી શકે. નાગપુરમાં આપણા ગુર્જર ભાઈઓએ હિન્દુ, મુસલમાન, પારસી સર્વેએ મળી એક ગુજરાતી શાળા કાઢી છે, તેમાં હિસાબ, વાચન વગેરે પ્રાથમિક કેળવણી બધી જાતના છોકરાઓને એક હારે આપવામાં આવે છે, ને તે સિવાય ત્યાંના દાઉદી હોરાઓએ પોતાનાં છોકરાંને કુરાન વાંચતાં શીખવવાનો જુદો ઇલાજ લીધો છે. હવે નાગપુરમાં બન્યું છે, તે બીજાં સ્થળે પણ બની શકે તેવું છે. આ સૂચના કેવળ મિત્રભાવથી આગળ કરવામાં આવે છે. હિંદુ મુસલમાન એ હિંદની ડાબી–જમણી આંખો છે. ઈશ્વરે પોતાની અકલ-માયાને વાપરી બેઉનું પાનું ભેગું નાખ્યું છે, તે હવે ન નાખ્યું થાય તેવું નથી. બંને હિંદને પોતાનો દેશ ને માતૃભૂમિ ગણે છે. સંસારના બધા વ્યાપાર–રોજગારમાં ને બીજા અગત્યના વ્યવહારમાં બેઉ ભેગા ને ભેગા જ રહી સાથે કાર્ય કરે છે. આ પ્રમાણે એકતા વધારવાથી બેને લાભ થાય છે, એ ઉઘાડું છે. બેનાં હિતમાં ઘણીખરી વાતોમાં લગાર પણ વિરોધ નથી. જેમાં તેવો સંભવ હોય ત્યાં દરેક પોતપોતાનું કામ સંભાળી લે એ ઉચિત છે. પણ ગુર્જરખંડની ગુર્જરી ભાષાની ખિલવણી કરવામાં બેઉનો સરખો સ્વાર્થ રહેલો છે, એ મહંમદીય વિદ્વાનો પણ ઊંડો વિચાર કરતાં કબૂલ કરશે. આપણા ઇસ્લામી બંધુઓ ઘણા ઉદાર મનના ને ઝીણી અક્કલવાળા ને કળાકૌશલમાં કસબી છે. તેઓનાં સાહસ અને કસબથી ગુર્જરખંડને ઘણો લાભ થયો છે ને હજુ પણ થશે. એ લાભનું વહેણ સાહિત્યના પ્રદેશમાં હજુ વળ્યું નથી. તે દિન પર દિન વર્ધમાન વેગમાં વળે અને ગુર્જર સાહિત્યનો ઓઘ, વેગ અને સત્ત્વ વધારવામાં ઇસ્લામી બંધુઓ મોટો ભાગ લે, એવી આપણા સર્વની વાંછના છે; માટે આ ઇશારો કરવાની છૂટ લીધી છે.

જોડણી

ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી એકસરખી કરવી ઇષ્ટ છે, એ વિષે બે મત નથી. પણ તે એકતા શી રીતે સાધવી, એ હજી આપણને બરોબર સૂઝતું નથી. એ પ્રશ્ન ઉપર આપણા શિષ્ટ મંડળમાંના અનેક વિખ્યાત પુરુષોએ લક્ષ આપ્યું છે ને પોતપોતાના અભિપ્રાય દર્શાવ્યા છે. શ્રી. નવલરામ, મણિલાલ, માધવલાલ, નરસિંહરાવ, ગોવર્ધનરામ, કમળાશંકર વગેરે આ વિષય ઉપર ઘણી ઝીણી નજરે વિચાર કરી, પોતપોતાના મત બાંધ્યા છે; પણ હજુ નિર્ણયનું સ્થળ પાસે આવ્યું હોય એવાં ચિહ્ન દીસતાં નથી. વસ્તુસ્થિતિ એવી છે કે, દરેકનું ધોરણ કંઈ કંઈ અંશે જુદું છે ને એક ધોરણ વગર એકતા થાય નહિ. હવે એકતા સાધવાના માર્ગ માત્ર બે દીસે છે. (૧) કાં તો વાદવિવાદ કર્યા પછી એક ધોરણ નક્કી થાય તો તે માર્ગ, અથવા તો (૨) એક જ ધોરણ રાખવાનો પ્રયાસ મૂકી દઈ બાંધછોડ કરી, કંઈ વ્યવહારુ માર્ગ કાઢવો. શબ્દોના ઉચ્ચાર પ્રમાણે લેખન થાય એ વિષે મતફેર જણાતો નથી, પણ ભાગ ભાગના ઉચ્ચાર સરખા નથી તેથી શુદ્ધ ઉચ્ચાર કયો લઈને ચાલવું, એ પ્રશ્ન પાછળ બધી કટોકટી મચી રહી છે. તેથી મુશ્કેલી ને ગૂંચવણ પણ વધ્યાં છે. કેટલાક વિદ્વજ્જનો શબ્દની વ્યુત્પત્તિની સહાય લઈ ઉકેલ કાઢવા માગે છે ને કેટલાક વ્યત્પત્તિની દરકાર રાખતા નથી. આ રીતની સ્થિતિ છે. બીજી પરિષદમાં આ પ્રશ્નનો નિર્ણય કરવા એક કમિટી નીમી હતી. તે બેશક બધી બાજુનો વિચાર કરી નિકાલ કાઢશે. હાલ સૂચના કરવી ઘટિત હોય તો તે એટલી જ છે કે, સામાન્ય રીતે જોતાં ભાષાના શબ્દની ઘટના એક જ ધોરણ ઉપર ગતકાળમાં થઈ નથી ને હાલ પણ થતી નથી. ને શબ્દ ઘણાં ભિન્ન ભિન્ન બળોને વશ રહીને થાય છે ને ફરે છે. માટે એક ધોરણ ઉપર જ બધું જોડણીનું તંત્ર રચવાના પ્રયત્ન કરવા કરતાં બાંધછોડ કરી ઉચ્ચાર, રૂઢિ, સરલતા, વ્યુત્પત્તિ વગેરે સર્વ જુદાં જુદાં બળોને યોગ્ય વજન આપવાથી આ જૂના પ્રશ્નનો નિકાલ થવો જોઈએ. પરંતુ હાલ તુરતમાં આપણે એવા નિકાલ ઉપર આવી શકીએ એવો થોડો જ જોગ દીસે છે.

પદાર્થવિજ્ઞાનની પરિભાષા

પદાર્થવિજ્ઞાનનો પ્રસાર કરવામાં પ્રથમ પ્રશ્ન તેની પરિભાષાનો આવે છે. એવા શબ્દ હાલ કે આપણા જૂના શાસ્ત્રમાં અસ્તિત્વમાં નથી. તેની ખોટ શી રીતે પૂરવી? કેટલાકનો મત એવો છે કે, સંસ્કૃત કે ફારસીની મદદથી નવા શબ્દ રચવા અને કેટલાકનું કહેવું એવું છે કે, અસલ અંગ્રેજીમાં છે તે જ ગ્રહણ કરવા. પ્રથમનો મત ભાષાશુદ્ધિના અભિમાનને પુષ્ટિકારક છે, એ વાત ખરી. પણ તે સર્વત્ર ગ્રાહ્ય થઈ શકે એવો નથી. મહાપ્રયત્ન કરતાં પણ નવીન પદાર્થોની સંજ્ઞા આપણી પ્રાચીન ભાષા વડે ઘડવી સહેલ નથી. શ્રીકાશીક્ષેત્રની ‘નાગરીપ્રચારિણી સભા’એ આ કામ ઉપાડી લઈ વૈજ્ઞાનિક કોશ તૈયાર કરાવ્યા છે, તેમાં પણ પદાર્થનાં નામ તો અંગ્રેજીમાં જ જેવાં ને તેવાં કેટલેક ભાગે રાખ્યાં છે અને ક્રિયા તથા વિધિદર્શક શબ્દો કેટલાક સંસ્કૃત ઉપરથી તો કેટલાક ફારસી ઉપરથી નવીન રચ્યા છે. આપણે પણ એવો જ રસ્તો પકડવો પડશે, એમ મને લાગે છે.