કાફકા/8

Revision as of 08:52, 22 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગામડાનો દાક્તર| }} {{Poem2Open}} હું ભારે મૂંઝવણમાં પડ્યો હતો; મારે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગામડાનો દાક્તર

હું ભારે મૂંઝવણમાં પડ્યો હતો; મારે તાબડતોબ એક ખેપ કરવી પડે તેમ હતું; ગંભીર માંદગીમાં પડેલો એક રોગી દસ માઇલ દૂર એક ગામડામાં મારી રાહ જોતો હતો; એની ને મારી વચ્ચેની આખીયે વિશાળ જગ્યામાં બરફનું ગાઢ તોફાન ઠસોઠસ ભરાઈ બેઠું હતું. મારી પાસે એક રેંકડી હતી, મોટાં પૈડાંવાળી હલકી રેંકડી, બરાબર અમારા ગામઠી રસ્તાને જ લાયક; રૂંવાદાર મફલરમાં વીંટળાઈને, મારા હાથમાં મારાં સાધનોની બૅગ પકડીને હું આંગણામાં એ મુસાફરી માટે તદ્દન તૈયાર ઊભો હતો; પરંતુ ક્યાંય ઘોડો મળતો નહોતો, ઘોડો ક્યાં? મારો પોતાનો ઘોડો રાતે જ મરી ગયો હતો, આ બરફભર્યા શિયાળાના થાકોડાથી એની જાત ઘસાઈ ગઈ હતી; મારી કામવાળી છોકરી અત્યારે ગામમાં ઘેરઘેર એકાદ ઘોડો માંગી લાવવા દોડાદોડ કરતી હતી. પણ એમાં કંઈ વળે એવું નહોતું, એ હું જાણતો હતો, અને એટલે હું ત્યાં હાથ ઘસતો એકલો ઊભો હતો, ને બરફના થર મારા પર વધુ ને વધુ ગાઢાં છવાતાં જતાં હતાં. હાલવાચાલવાનું વધુ ને વધુ અશક્ય થતું જતું હતું. દરવાજે છોકરી દેખાઈ, એકલી, અને એણે લાલટેન હલાવ્યું; અલબત્ત આવે સમે આવી ખેપને માટે ઘોડો તે કોણ આપે? મેં ફરી એક વાર આંગણામાં લાંબે ડગલે આંટો માર્યો; મને કોઈ બારી દેખાતી નહોતી; મૂંઝારાના માર્યા મેં વરસ આખાના થ્વડ પડેલા ડુક્કરના ભંડકિયાના ખખડધજ બારણાને લાત લગાવી. બારણું ફટાક ઊઘડી ગયું અને ઝ્રમજાગરાં પર આમથી તેમ પછડાવા લાગ્યું. અંદરથી ઘોડાનો હોય છે તેવો બાફ ને ગંધ નીકળ્યાં. અંદર એક દોરડા પર ઝાંખું તબેલાનું લાલટેન ઝૂલતું હતું. એક માણસ, એ નીચી જગ્યામાં જેમતેમ અધૂકડો વળી ગયેલો બેઠો હતો. એણે એનું ખુલ્લું ભૂરી આંખોવાળું મોં બતાવ્યું. ‘ઘોડા પલાણી દઉં કે?’ એણે હાથેપગે થઈને બહાર આવતાં આવતાં પૂછ્યું. શું કહેવું તેની મને સમજ ન પડી એટલે ફક્ત ભંડકિયામાં બીજું શું શું છે તે હું નીચો નમીને જોવા લાગ્યો. કામવાળી છોકરી મારી બાજુમાં ઊભી હતી. ‘તમારા પોતાના ઘરમાં તમને શું જડશે તે જ તમને કદી ખબર પડતી નથી.’ એણે કહ્યું અને અમે બંને હસ્યાં. ‘એઈ અલ્યા ભાઈલા, એઈ અલી બેનડી!’ સાઇસે બૂમ પાડી, અને બે ઘોડાં, જોમદાર જાંઘોવાળાં બે ધીંગાં જાનવર એકની પાછળ બીજું, એમના પગ એમના ડીલને ચપોચપ ભીડીને, પોતપોતાની મરોડદાર ગરદન ઊંટની જેમ ઝુકાવીને, ફક્ત પૂંઠથી જોર કરીને, એ દર જેવા દરવાજાને ફાટફાટ ભરી દેતાં, બહાર નીકળી આવ્યાં. પણ તરત જ એ ખડા થઈ ગયા. એમના પગ લાંબા હતા અને એમનાં ડીલમાંથી ગોટેગોટા બાફ નીકળતો હતો. ‘એને જરા હાથ દે તો.’ હું બોલ્યો, અને હોંશથી એ છોકરી સાઇસને ઘોડા પર પલાણ બાંધવામાં હાથ દેવા દોડી. પણ એ હજી એની બાજુમાં પહોંચીયે નહોતી ત્યાં તો સાઇસે એને ઝડપ મારીને જકડી લીધી અને એના મોં પર પોતાના મોંનો ધસારો કર્યો. છોકરી તો ચીસ નાંખતીકને મારા ભણી ભાગી; એના ગાલ પર દાંતની બે હારનાં લાલ નિશાન તગતગતાં હતાં. ‘જંગલી ક્યાંનો,’ હું ગુસ્સાથી બરાડી ઊઠ્યો, ‘તને ચાબુકે માર ખાવાનું મન થયું લાગે છે, કેમ?’ પણ તે જ પળે મને વિચાર આવ્યો કે એ માણસ તો અજાણ્યો હતો; એ ક્યાંથી આવ્યો તે કાંઈ હું જાણતો નહોતો, અને જ્યારે બીજા બધાએ મને દગો દીધો હતો ત્યારે એ એની સ્વેચ્છાએ મને મુશ્કેલીમાં મદદ કરવા આવ્યો હતો. કેમ જાણે એ મારા વિચારો જાણતો જ હોય, એમ એણે મારી ધમકીથી જરાયે ખોટું ન લગાડ્યું, ઊલટું તે પછીયે ઘોડાનો સાજ કસતો કસતો ફક્ત એક વાર મારા તરફ વળીને એણે નજર કરી. ‘બેસી જાઓ,’ પછી એ બોલ્યો, અને ખરે જ બધું તૈયાર હતું. હું તો જોઈ રહ્યો, શું પાણીદાર ઘોડાંની જોડી હતી, એવાં ઘોડાંની સવારીમાં આપણે તો ભાઈ કદી બેઠા નહોતા, અને હું હરખાતો હરખાતો રેંકડીમાં ચડ્યો, ધહું તો રોઝની સાથે રહીશ.’ ‘ના.’ રોઝે ઘર ભણી દોટ મૂકતાં ચીસ નાંખી. એને વાજબીપણે જ દહેશત લાગતી હતી કે એનું નસીબ ટાળ્યું ટળે તેમ નહોતું; એ બારણે સાંકળો ભીડતી હતી તેનો ખખડાટ મેં સાંભળ્યો; તાળામાં ચાવી ફરતી મેં સાંભળી; ઉપરાંત એણે પ્રવેશખંડમાં બત્તીઓ ઠારી નાંખી અને પછી આગળ ભાગતાં ભાગતાં તમામ ઓરડાઓની બત્તીઓ પણ ઠારતી ગઈ, જેથી પોતે પકડાઈ ન જાય તે પણ હું જોઈ શક્યો. ‘તારે મારી સાથે આવવાનું છે.’ મેં સાઇસને કહ્યું, ‘નહીં તો મારી ખેપ તાકીદની હોવા છતાં હું જવાનો નથી. આ ખેપને ખાતર કાંઈ છોકરી તારે હવાલે કરવાનો મારો વિચાર નથી.’ ધહેહેઈ મારા બાપલા!’ એણે ઘોડાને લલકાર્યા; હાથથી તાળીઓ પાડી રેંકડી વહેળામાં લાકડું તણાય તેમ ઘૂમરડી ખાતીકને વછૂટી; સાઇસના હલ્લા હેઠળ મારા ઘરનાં બારણાં ફાટ્યાં ને કડડભૂસ થઈ ગયાં એટલું જ ફક્ત હું સાંભળી શક્યો અને પછી તો વાવંટોળના ધસારાથી હું આંધળો ને બહેરો થઈ ગયો અને ધીરે પણ મક્કમ હાથે એ વંટોળે મારા તમામ ભાનસાનને સુન્ન કરી નાંખ્યાં, પણ આ તો ફક્ત એકાદી પળ પૂરતું, કારણ, કેમ જાણે મારા દરદીની વાડી મારા ઝાંપાને લગોલગ જ આવેલી હોય તેમ હું ક્યારનોય એને ત્યાં પહોંચી પણ ચૂક્યો હતો; ઘોડાં ચબ્પચાપ ખડાં રહી ગયાં હતાં; વાવાઝોડું શમી ગયું હતું; ચોતરફ ચાંદની હતી. મારા દરદીનાં માબાપ ઝટપટ ઘરમાંથી બહાર આવી લાગ્યાં; એની બહેન એમની પાછળ હતી. મને રેંકડીમાંથી લગભગ તેડીને જ ઉતારી લેવામાં આવ્યો; એમના ગોટાળિયા ઉદ્ગારોમાંથી હું એકે શબ્દ પકડી ન શક્યો; દરદીના ઓરડાની હવા મહાપરાણે શ્વાસ લેવાય તેવી ભારે ભારે હતી, ઉવેખાયેલી અંગીઠી ઘુમાતી હતી; મને એકાદ બારી ખોલી નાંખવાનું મન થતું હતું; પણ પહેલાં મારે મારા દરદીને જોવો જ રહ્યો. કંતાઈ ગયેલા, તાવ વિનાના, નહીં ટાઢા, નહીં હૂંફાળાં, સૂનમૂન આંખોવાળા, ખમીસ વિનાના, એ જવાન માણસે પોતાના ડીલને પીંછાની પથારીમાંથી ઊંચું કર્યું, એના હાથ મારા ગળાની આસપાસ નાંખ્યા અને મારા કાનમાં કહ્યું : ‘દાક્તર, મને મરવા દો.’ મેં ઓરડા ફરતી નજર નાંખી; કોઈએ એ સાંભળ્યું નહોતું; માબાપ મૂંગાંમૂંગાં આગળ ઝૂકીને મારા ચુકાદાને સાંભળવાની રાહ જોતાં હતાં; બહેને મારી હૅન્ડબૅગને માટે એક ખુરશી ગોઠવી હતી; મેં બેગ ખોલી અને મારાં સાધનોમાં ખાંખાંખોળાં કરવા માંડ્યાં. જવાન માણસ મને એની વિનવણીની યાદ દેવડાવવા માટે મારાદ્વ કપડાંને બાચકાં ભરતો રહ્યો; મેં એક ચીપિયો કાઢ્યો અને મીણબત્તીને અજવાળે એને તપાસીને પાછો હઢ્ઢઠે મૂકી દીધો. ‘હા,’ મેં નાસ્તિકની જેમ વિચાર્યું, ‘આવા પ્રસંગે દેવો વહારે ધાયા છે, ખૂટતો ઘોડો તો મોકલી જ આપે છે ને ઉપરથી તાકીદનો ખ્યાલ કરીને બીજો એક વધારાનોયે મોકલી આપે છે, અને સોનામાં સુગંધની જેમ સાઇસ પણ —’ અને છેક તે વખતે મને પાછી રોઝ સાંભરી; હું શું કરું, એને કેમ કરીને છોડાવું, પેલા દુષ્ટ સાઇસની ચૂડમાંથી દસ માઇલ દૂર રહ્યા તે એને કેમ કરીને ખેંચી કાઢું, ને તેય પાછું મારાં આ બે ઘોડાંની જોડીને આધારે, જે મારા કબજામાં જરાયે ન મળે. આ ઘોડાં, તે જ વખતે, કોઈક રીતે પલાણ ને લગામમાંથી સરકી આવ્યાં હતાં અને, ખબર નહીં શી રીતે પણ બહારથી એમણે બારીઓને ધકેલીને ઉઘાડી નાંખી હતી; બંનેએ એકએક બારીમાંથી માથું ઓરડામાં ખોસ્યું હતું અને એચમકી ગયેલા કુટુંબની ચીસાચીસથી પેટનું પાણીયે હાલવા દીધા સિવાય, નિરાંતે દરદી પર આંખો માંડીને ઊભાં હતાં. ‘તરત જ પાછાજતા રહેવું એ જ બહેતર છે.’ મારા મનમાં વિચાર આવ્યો, કેમ જાણે એ ઘોડાં મને પાછા ફરવા માટે બોલાવવા ન આવ્યા હોય છતાં હું તાપથી અસ્વસ્થ થઈ ગયો છું એમ ધારીને દરદીની બહેન મારો રૂંવાદાર કોટ ઉતારી લેવા આવી તેને મેં તે લેવા દીધો. મારે માટે ‘રમ’નો એક ગ્લાસ ભરવામાં આવ્યો. ડોસાએ મારો ખભો થાબડ્યો, એનો અમૂલ્ય શરાબ એ મને પીરસતો હતો. તેનાથી આમ ખભો થાબડવા જેટલી એની આત્મીયતાને સધિયારો મળતો હતો. મેં માથું હલાવ્યું; ડોસાના દિમાગની સાંકડી દીવાલો વચ્ચે મારો જીવ ગૂંગળાયો. પીણું લેવાની મેં ના પાડી તે એ એક જ કારણે. મા પથારી પાસે જ પડી હતી ને મને પણ આગ્રહથી તે તરફ ખેંચતી હતી; હું પલળ્યો અને એક ઘોડો છત તરફ મોં કરીને હણહણતો હતો ત્યારે મેં એ જવાન માણસની છાતી પર કાન માંડ્યાં, એની છાતી મારી ભીની દાઢી હેઠળ કાંપી ઊઠી. હું જે ક્યારનોય જાણતો હતો તે જ મેં પાકેપાયે કહ્યું : જવાન તદ્દન સાજો નરવો હતો, એના રક્તાભિસરણમાં સહેજ કસર હતી, એની દીકરાઘેલી માએ આગ્રહ કરી કરીને કોફી પિવડાવી પિવડાવીને એના લોહીને તરબતર કરી નાંખેલું એટલે, પણ આમ તો એની તબિયત સાવ તગડી હતી અને એને તો એક ધક્કો મારતાક ને પથારીમાંથી બહાર કાઢવો એ જ સહુથી સારો ઇલાજ હતો. હું કાંઈ દુનિયાને સુધારવા નીકળેલો માણસ નહોતો એટલે મેં મારી ફરજ છેલ્લી હદ સુધી બજાવી, ને તે એટલી હદે કે બહુ વધુ પડતી થઈ ગઈ. મારી આમદાની કંગાલ હતી અને છતાં હું ગરીબો તરફ ઉદારતાભર્યું અને મદદરૂપ વલણ રાખતો. મારે હજી રોઝની સલામતી અંકે કરી લેવાની બાકી હતી, અને આજુબાજુ આ જવાનિયો એનું મન ફાવે તો ભલે ને પડ્યો રહે અને મનેય મરવા દે. આ આરા કે ઓવારા વિનાના શિયાળામાં હું તે અહીં શી જખ મારતો હતો! મારો ઘોડો તો મરી પરવાર્યો હતો, અને ગામ આખામાંથી એકેય જણ મને બીજો ઘોડો ધીરવા તૈયાર નહોતું એટલે મારે મારા ડુક્કરખાનામાંથી જોડી કાઢવી પડી. એ જો નસીબ જોગે ઘોડાં ન હોત તો મારે ડુક્કર જોડીનેય ખેપ કરવી પડત. મારી આવી દશા હતી. અને મેં એ કુટુંબ તરફ માથું હલાવ્યું. એમને આ બધાની કશી ગતાગમ નહોતી, અને ખબર હોત તો પણ કંઈ એ એને સાચું માનત નહીં. દવાઓ લખી આપવી એ તો સહેલું છે, પણ લોકો સાથે સમજૂતી લેવી અઘરી છે. ઠીક તો, મારી મુલાકાત હવે એટલેથી જ પૂરી થતી, ફરી એકવાર મને વગર કારણનો ધક્કો લોકોએ ખવડાવ્યો, મને એય કોઠે પડ્યું હતું, આ આખા તાલુકાએ રાતે ઘંટડી વગાડી વગાડીને મારી જિંદગીને ત્રાસરૂપ બનાવી મૂકી હતી, પણ આ વખતે મારે રોઝનો પણ ભોગ આપવો પડે એ તો બહુ વધુ પડતું કહેવાય. એ ફૂટડી છોકરી મારા ઘરમાં મારું ધ્યાન પણ ખેંચ્યા વિના વરસો થયાં રહેતી હતી ને એને આમ જતી કરવી એ તો બહુ મોટો ત્યાગ કહેવાય, અને એટલે મારે મારી ખોપરી ખપાવીને બધી અક્કલ એકઠી કરીને કંઈકે પટ્ટી પાડ્યે જ છૂટકો. આ કુટુંબ પર પિત્તો ખસી ન જાય તે સાચવવું જ રહ્યું, કારણ એમ કરવાથી તો કોઈ કાળેય રોઝ પાછી મને હાથ લાગે નહીં, પણ મેં મારી બૅગ બંધ કરી અને મારો હાથ મારો રૂંવાદાર કોટ લેવા લંબાવ્યો તે વખતે એ કુટુંબ એકજથે ખડું થઈ ગયું હતું. બાપ એના હાથમાં ઝાલેલા રમના પ્યાલાનો સૂંઘતો હતો, મા દેખીતી રીતે જ મારાથી નાસીપાસ થઈને — પણ શીદને લોકો એવી બધી તે આશા રાખી બેસે છે? — એના હોઠ કરડતી હતી ને એની આંખોમાં આંસુ ઊભરાતાં હતાં, બહેન એક લોહીખરડ્યો હાથરૂમાલ ફરકાવતી હતી એટલે હું કોક રીતેય શરતી સ્વીકાર કરવા તૈયાર હતો કે છેવટે જવાનિયો કદાચ માંદો હોય પણ ખરો. હું એના તરફ ગયો. કેમ જાણે એને ઉત્તમ પૌષ્ટિક ખોરાક આપવા જતો હોઉં એમ એણે મારા તરફ મોં મલકાવ્યું — અરે, હવે તો બંને ઘોડાં સામટાં હણહણવા મંડ્યાં હતાં; હું ધારું છું કે એ ઘોંઘાટ મને મારા રોગીની પરીક્ષામાં મદદ કરવા માટે જ સ્વર્ગમાંથી ખાસ મોકલવામાં આવ્યો હશે — અને આ વખતે મેં જોયું કે ખરેખર જ જવાનિયો ઝ્રબમાર હતો. એ ગુલાબ જેવો લાલ હતો, કિનારી પાસે આછો હતો, પોચાં દાણાદાર એ ચાંદામાં ક્યાંક લોહીના ગાંઠા જામેલા હતા. અને સપાટી પરની ખાણની જેમ વ્રણ ઉજાસ માટે ખુલ્લો હતો. પણ એ આવો દેખાતો હતો તે તો જાણે આઘેથી. નજીકથી તપાસતાં બીજી એક ગડબડ પણ જણાતી હતી. મારા મોંમાંથી એક સિસકારી સરી પડી. મારી ટચકી આંગળી જેવડી ઇયળો તેય ગુલાબ જેવી લાલ અને એય લોહીના ટશિયાવાળી વ્રણના અંદરના ભાગમાંથી ઉપર ઉપર અજવાળા તરફ આવવા સળવળતી હતી. એમનાં ઝીણાં માથાં ધોળાં હતાં. બિચારો જવાનિયો, એને હવે કશી જ સહાય કરવાનો સમય વીતી ચૂક્યો હતો. મેં એનો મહાન વ્રણ શોાૂી કાઢ્યો હતો. એના પડખામાં ખીલેલું આ ચાંદું એનો નાશ કરી રહ્યું હતું. કુટુંબ હવે ખુશ હતું, એમણે મને કામમાં પરોવાયેલો જોયો; બહેને માને કહ્યું, માએ બાપને અને બાપે અંદર આવતા કેટલાય મહેમાનોને કહ્યું. મહેમાનો ચાંદનીમાં થઈને ખુલ્લા દરવાજામાંથી પગના આંગળા પર ચાલતા ને હાથ પહોળા કરીને સમતોલપણું સાચવતાં આવતાં હતાં. ‘તમે મને બચાવશો?’ જવાનિયો ડૂસકું ખાતો બોલ્યો. એના ઘામાં જીવ જોઈને એની આંખે સાવ અંધારાં આવી ગયાં હતાં. આવા છે મારા પ્રદેશના લોકો, કાયમ દાક્તર પાસેથી અશક્યની આશા રાખે છે. એમણે એમની જટ્ટનવાણી આસ્થાઓ ગુમાવી દીધી છે; પાદરી તો એના ઝભ્ભાની કરચળીઓ સરખી કરતો ઘેર બેઠો હોય છે, પણ દાક્તરે તો એની દયાની છરી હાથમાં લઈને નસ્તર મૂકવા સર્વવ્યાપી થઈને રહેવું જોઈએ એમ મનાય છે. બહુ સારું. એમને ગમ્યું તે સાચું; મેં કાંઈ મારી સેવાઓ એમને માથે મારી નથી; એ લોકો જો પવિત્ર ઉદ્દેશો માટે મારો દુરુપયોગ કરે છે, તો મારી તે દશાયે થવા દઉં છું; આથી બહેતર બીજા શેની હું આશાયે રાખું? હું તો જૂનો ને જાણીતો ગામડાનો દાક્તર રહ્યો, ને મારી કામવાળી છોકરીયે હું તો ખોઈ બેઠો છું! અને એટલે એ લોક આવ્યાં, કુટુંબના લોકો અને ગામના મત્નવડીઓ, અને એમણે મારા અંગ પરથી કપડાં કાઢી નાંખ્યાં; નિશાળિયાઓનું એક સરઘસ શિક્ષકની આગેવાની હેઠળ ઘર આગળ ખડું થઈ ગયું અને સાવ સાદા ઢાળમાં આવું ગીત ગાવા લાગ્યું :

કપડાં એનાં કાઢી લો તો સાજાં આપણને કરશે,
ને ના કરે તો ઠાર મારો!

પછી મારાં કપડાં ઊપડી ગયાં અને હું લોકો સામે ચૂપચાપ જોઈ રહ્યો. મારાં આંગળાં મારી દાઢીમાં પરોવીને અને મારું માથું એક બાજુ વાંકું રાખીને બસ જોઈ રહ્યો. હું તદ્દન સ્વસ્થ હતો અને જે કાંઈ આવી પડે તેને માટે તૈયાર હતો. છેલ્લે બાકી મારે માટે કશો ઉગારો તો નહોતો જ. કારણ એમણે હવે મને ભીંતની પાસે સુવાડ્યો, પેલા વ્રણને પડખે. પછી એ લોકો બધાએ ઓરડામાંથી જતા રહ્યા; બારણું બંધ થયું; ગીત બંધ થયું. વાદળાંથી ચાંદો ઢંકાઈ ગયો; મારી આસપાસ પથારી હૂંફાળી લાગતી હતી; ઉઘાડી બારીઓમાંથી ઘોડાંનાં માથાં પડછાયાની જેમ હાલતાં હતાં. ‘તને ખબર છે,’ મારા કાન પર એક અવાજ અથડાયો, ‘મને તારા પર બહુ થોડો વિશ્વાસ છે. કેમ વળી, તું તો અહીં વંટોળિયે ઊડીને આવી પડ્યો એટલે આવ્યો, તું કાંઈ તારા પોતાના પગે ચાલીને નથી આવ્યો. મને મદદ કરવાને બદલે તું તો ઊલટો મારી મરણપથારીમાં ભીડ કરવા માંડ્યો છે. મારું ચાલે તો તારા ડોળા જ ખેંચી કાઢું.’ ‘ખરું છે’, મેં કહ્યું. ‘બહુ શરમની વાત છે. અને તોય હું પાછો દાક્તર છું. હું કરુંયે શું? મારું માન, મારે માટેય આ કંઈ બહુ સહેલું તો નથી જ.’ ‘મારે તારી આવી માફામાફીથી જ મન વાળવું જોઈએ એવી તું આશા રાખ’છ? શું થાય, મન વાળવું જ રહ્યું. મારું એમાં ચાલેય શું? મારે કાયમ બધું વેઠી લેવું પડે છે. મેં આ દુનિયામાં કાંઈ ઉપજાવ્યું તો તે ફક્ત આ મઝાનું ઘારું; બસ એટલી જ મારી દેણ છે.’ ‘જવાન દોસ્ત,’ હું બોલ્યો, ‘તારી ભૂલ એ છે કે તારો દૃષ્ટિકોણ પૂરતો વિશાળ નથી. હું તમામ રોગીના ખાટલા જોઈ વળ્યો છું, અને એવો હું તને કહું છું કે તારું ઘારું કાંઈ બહુ ખરાબ નથી. આમતેમ ચસકાય નહીં તેવા સાંકડા ખૂણામાં કુહાડીના બે ટચકાથી થઈ જાય. ઘણાય જણ પોતે થઈને પડખું ધરે છે અને જંગલમાં કુહાડીના ટચકાયે માંડ સાંભળી શકે છે. જેટલા નજીક આવે તેટલા ઓછા સંભળાય.’ ખરેખર એવું જ છે ને, કે પછી તું મને તાવમાં ધોળે દા’ડે તારા દેખાડે છે?’ ‘ના, ખરેખર જ એવું છે, હું એક સત્તાવાર દાક્તર તરીકે મારા ઇમાનના કસમ ખાઈને કહું છું.’ એણે એ વાત માની લીધી અને ગુપચુપ પડી રહ્યો. પણ હવે તો મારે નાસી છૂટવાનો લાગ શોધવાનો મારો વારો હતો. ઘોડાં હજીય એમણે ઠેકાણે વફાદારીપૂર્વક ખડાં હતાં. મારાં કપડાં, મારો રૂંવાદાર કોટ, મારી બેગ વગેરે ચપચપ ભેગાં થઈ ગયાં; કપડાં પહેરવામાં વખત બગાડવાની મારી ઇચ્છા નહોતી; ઘોડાં જેવાં આવ્યાં હતાં તેવાં જ પૂરપાટ જો ઘરભણી દોડ્યાં તો તો આ ખેપ મારે મન આ પથારીમાંથી મારી પોતાની પથારીમાં સીધો ઠેકડો મારવા બરાબર જ થવાની. આજ્ઞાંકિતપણે એક ઘોડો બારીમાંથી પાછો હટી ગયો; મેં મારું પોટલું રેંકડીમાં ફેંક્યું; રૂંવાદાર કોટ નિશાન ચૂકી ગયો અને બાંયથી એક ખીલામાં ભરાઈ ગયો. કાંઈ વાંધો નહીં. હું છલાંગ મારીને એ ઘોડા પર ચડી બેઠો. લગામ નીચે ઘસડાતી હતી, એક ઘોડો સમ ખાવા પૂરતો બીજા સાથે પલાણેલો હતો, રેંકડી પાછળ આમતેમ ડોલતી હતી, મારો રૂંવાદાર કોટ છેક છેવાડે બરફ પર ઘસડાતો હતો. ‘હેહેઈ મારા બાપલા!’ મેં ઘોડાને પડકાર્યા, પણ એમણે કાંઈ પવનવેગી દોટ કાઢે નહીં; ધીમે ધીમે, ઘરડાખખ માણસની જેમ અમારો સંઘ બરફીલા મેદાનમાં ગોકળગાયની ગતિએ ચાલવા માંડ્યો લાંબો લચક વખત અમારી પાછળ બાળકોનાં એક નવાં પણ ખોટાં ગીતના પડઘા પાડી રહ્યો :

હસો હસો ઓ માંદા લોકો
દાક્તરને નાંખ્યો છે દેખો
પથારીમાં તમ પડખે હો!

આ ઝડપે હું કોકાળે ઘેર નહીં પહોંચું; મારો ધીકતો ધંધો ધૂળમાં મળી ગયો; મારો ઉત્તરાધિકારી મને લૂંટી રહ્યો છે, પણ અમસ્તો જ, કારણ એ કાંઈ મારી જગ્યા લઈ શકે તેમ નથી; મારા ઘરમાં પેલો ગંધાતો સાઇસ ડાટ વાળી રહ્યો છે; રોઝ એનો શિકાર છે; માટે એ વાતનો હવે વિચાર જ નથી કરવો. નવસ્ત્રો કોઈ પણ જમાના કરતાં વધારે દુખિયારા આ જમાનાનાં હિમથી ઢૂંઢવાતો, આ દુનિયાની પાથિર્વ રેંકડીમાં કોઈ બીજી જ દુનિયાનાં અપાથિર્વ ઘોડાંઓને પનારે પડેલો હું પાછો બુઢ્ઢો માણસ, તે આ માર્ગ ભૂલીને આડોઅવળો અટવાઉં છું. મારો રૂંવાદાર કોટ રેકંડીની પાછળ લટકે છે, પણ મારા હાથ એને પહોંચી શકતા નથી, અને મારા તકવાદી દરદીઓનાં ટોળાં મને મદદ કરવા માટે આંગળી સરખીયે ઊંચી કરતા નથી. દગો! દગો! હું છેતરાયેલો જીવ છું. રાતવેળાની ઘંટડીની એક જુઠ્ઠી ધા સાંભળીને એક વાર જવાબ વાળ્યો કે ખલાસ — એ ભૂલ કદી સુધરવાની નહીં, કોઈ કાળેય નહીં. (અનુ. પ્રબોધ ચોક્સી)