પ્રભુ પધાર્યા/૭. ઝેરનું જમણ

Revision as of 11:45, 23 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. ઝેરનું જમણ|}} {{Poem2Open}} રતુભાઈ પાછો આવીને જ્યારે બાસામાં જમવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭. ઝેરનું જમણ

રતુભાઈ પાછો આવીને જ્યારે બાસામાં જમવા બેઠો ત્યારે એને ત્રાસ છૂટી ગયો. ખાદ્ય પદાર્થોનાં દુર્ગંધ અને કુસ્વાદ તે દિવસે હદ વટાવી ગયાં હતાં. ચોખ્ખું વેજિટેબલ ઘી, હલકામાં હલકી સોંઘી દૂધીનું શાક, રબ્બરની બનાવેલ છે કે આટાની તે નક્કી ન થઈ શકે તેવી તેલે તળેલી પૂરીઓ : ખાધા વગર જ એ ઊઠી ગયો અને એણે પોતાના પાંચ ગુજરાતી સાથીઓને પહેલી જ વાર કહ્યું : ``તમે બધા હદ કરો છો. આ રસોઈ તો ઢોરના પેટમાં પણ રોગ પેદા કરે તેવી છે. તમે આ કેમ કરીને આરોગો છો? ``શું કરીએ? ફિક્કાંફચ મોઢાં માંડ માંડ બોલ્યાં : ``બપોરે ઢાંઈ (નદીના ઘાટ કે જ્યાં વેચાવા આવતી કમોદની ખરીદી થતી) ઉપર તો અમને ચા અને આવી પૂરીનું જમણ પહોંચાડે છે. કાળી ગરમીમાં એ ખાઈને અમારે ખરીદીની ધડાપીટ કરવી પડે છે. કોને કહીએ? ``શેઠિયાઓને. ``અમારી શી ગુંજાશ? તુરત કાઢી મૂકે. ``હું કહું તો? ``તો મહેરબાની. ``પણ તમે મારે પક્ષેથી ખસી જશો નહીં ને? ``ના; કહેતા છયે જણાએ એકબીજા સામે જોયું. ``જોજો હો, હું તો એક ઘા ને બે કટકા કરીશ. ``હો. વળતે દિવસે શેઠિયાઓની મોટર-બોટ ગાજી અને કોઈ કોઈ મોરલા ઊડ્યા. બધા બાબુઓની વચ્ચે ઓફિસમાં જ રતુભાઈએ તાંડવ માંડ્યું. ``તમે તે શેઠ, અમને શું ઢોર ધારો છો? અમારા પેટમાં ઝેર શા સારુ રેડો છો? અમે બે હજાર માઈલથી આંહીં એક ફક્ત પેટ પૂરવા આવીએ છીએ, અને તમે અમને વિષ જમાડીને છેતરો છો, નજીવા પગાર આપો છો. અને કહો છો કે જમાડીએ છીએ. શું ઝેર જમાડીને અમારી પાસેથી કામ લેવું છે? ``તમને, મિસ્તર! મારવાડીના ભાગીદાર કાઠિયાવાડી શેઠિયા શામજીભાઈએ શાંતિથી દાઢીને શબ્દો કાઢ્યા : ``બોલવાનું ભાન નથી; તમને અમે ભાઈબંધની ભલામણથી રાખ્યા એ જ ખોટું કર્યું. ``ખોટું કર્યું હોય તો ભૂલ સુધારી લ્યો, શેઠિયા. બાકી આવો ખોરાક તો નહીં જ ચાલે. ``તો તમારે શું હુલ્લડ જગાવવું છે? ``એમ પણ થઈ શકે. ``તમારામાં ગરમી બહુ છે. ``એ ગરમીનો ભડકો કરનારું આ તમારું ગાયછાપનું ચોખ્ખું વેજિટબલ છે અને સસ્તામાં સસ્તાં ખરીદાતાં શાકભાજી છે. ``ઘેર શું ખાતા? ``ઘેર તો મા ધૂળ રાંધીને દેતી તે પણ ખાતા. આંહીં અમારી મા નથી, શેઠ, આંહીં તો પાણી પાઈને મૂતર જોખી લેનારા તમે છો. ``ભાઈ, આંહીં કાંઈ તમે સાયબી માગો તો અમે ક્યાંથી દઈએ? ``સાયબી! અરે શેઠ, હું તમને જાણું છું. જેતલસર જંક્શને તમે વીશ વર્ષ પર ભજિયાં તળતા હતા. આજે અહીં બે-ત્રણ મિલોના ધણી બન્યા છો. એ કોણે રળી દીધું? તમારી સાહેબી તમને મુબારક ભલે રહી, ફક્ત અમને ઝેર ન જમાડૉ. ``ઠીક, મને ક્લબમાં એકલા મળજો. બધું ઠીક કરી દેશું. ત્રણચાર દિવસમાં જ રતુભાઈને શેઠિયાઓએ અમૃતનો સ્વાદ ચખાડ્યો. ધાનની ખરીદીમાં કાંઈક ગોટાળો ઊભો થયો, અને તેમાં રતુભાઈની ભાગીદારીને ભોપાળારૂપે બહાર પાડવામાં આવી. કાઠિયાવાડી શેઠિયા રતુભાઈની ગરદન પર ચડી બેઠા. જેવા રતુભાઈએ સૌની વચ્ચે શેઠને બદનામ કરેલા તેથી સો ગણા કલંકિત રતુભાઈને શેઠે કર્યા. પછી એને પોતાની ઓફિસમાં એકલા લઈ ગયા, અને મારવાડી ભાગીદાર જૌહરમલ શેઠ પાસે હાજર કર્યા. એક આંખનો ઊંચો મિચકારો મારીને મારવાડી શેઠે કહ્યું, ``દેખો મૅનેજર, એક દફે ગલતી કબૂલ કર દો, પીછે બસ, હમ યહ મામલા બંધ કર દેંગે. ``શું કબૂલ કરું? તરકટ? એ કરતાં શેઠ, હું છૂટો થવું પસંદ કરીશ. ``તબ તો અચ્છા, પગાર લે જાના. ``લે જાના નહીં, અભી જ દે દો શેઠજી. ``નૈ, ઓફિસ પર આ કે લે જાના. ``સારું. રતુભાઈ છૂટો થઈને રહેમાન મિલમાં રહ્યો.