પ્રભુ પધાર્યા/૧૭. પતિ પલાયન

Revision as of 12:17, 23 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. પતિ પલાયન| }} {{Poem2Open}} રોજની માફક એક બીજી મધરાતનો સાદ : ``નીમ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૭. પતિ પલાયન

રોજની માફક એક બીજી મધરાતનો સાદ : ``નીમ્યા એ... રોજની માફક મેડી પરથી એનો પડઘો : ``શિંય! અને રોજની માફક મેડીની સીડી પરથી નીચે ઊતરતી પત્નીના ફનાનો હળવો ધબકાર. બારણું ઊઘડે છે. બારણું ફરી બિડાય છે. બીજો કશો બોલાશ કે સંચળ સંભળાતો નથી. ઝમઝમ કરતી રાત્રિ ચાલી જાય છે. માત્ર થોડી વાર બત્તીનું અજવાળું ઝબૂકી જાય છે. સૂતેલી નીમ્યાના મોં પર પુરુષની મીટ બે ઘડી દોડાદોડ કરે છે, અને પરોઢિયા પહેલાં એ ઘરનાં ત્રણ જણમાંથી એક ઓછું થાય છે. સવારે ઊઠેલી નીમ્યાના બિછાના પર એક નાનકડી ચિઠ્ઠી પડી છે. ચિઠ્ઠી વાંચે છે : ``ચિનિ પાઈસાં ટભ્યામા મયાબુ. ધી લો અલા ફયા સુ બુધુ મા મલૌબાને. (એના ખિસ્સામાંથી મને એક પૈસો પણ નથી મળ્યો. પ્રભુને ખાતર, આવું કામ કોઈ કરશો નહીં.) અક્ષરો પતિના હતા. પણ પૂરો અર્થ પમાયો નહીં : કેવું કામ કોઈ કરશો નહીં? કોના ખિસ્સામાંથી એક પૈસો પણ ન મળ્યો? ચિઠ્ઠી મૂકીને એ ક્યાં ચાલ્યો ગયો? ધીમે ધીમે અર્થ અંતરમાં ઊગવા લાગ્યો. કાંઈક બૂરું કામ, કશુંક કલીકમા કરીને તો એ નહીં ચાલ્યો ગયો હોય? પૂરો અર્થ બેસતાં પ્રભાતે વાર લાગી નહીં. પોલીસ આવી પહોંચી હતી. એક ચેટ્ટીનું રાતે ખૂન થયું હતું. ખૂનીનો સગડ નીમ્યાને ઘેર નીકળતો હતો. પોલીસે પૂછપરછ કરવા માંડી — હમણાં પતિ શો ધંધો કરતો હતો? પૈસા લાવતો હતો કે નહીં? નવાં નવાં વસ્ત્રો, ઘડિયાળ અને વીંટીની ખરીદી કરી લાવ્યો હતો? એનાં નાણાં કોણે ચુકાવ્યાં હતાં? નીમ્યાનાં નેત્રોમાંથી ચુપચાપ પાણી દડવા લાગ્યાં. બે જ દિવસ પર પતિ એના સારુ ને બાળક સારુ નવીનકોર વસ્તુઓ લાવ્યો હતો. કહેતો કે પોતાને સારી નોકરી મળી છે! પોતે એ નવાં આભરણો પહેર્યાં નહોતાં. પોતે તો બેઠી બેઠી લગ્નજીવનનું પાંચમું કર્તવ્ય કર્યા જ કરતી હતી : પતિનાં ફાટેલાં વસ્ત્રો સાંધી-તૂની, ધોઈ-ધફોઈ, ગડીઓ પાડી આલમારીમાં મૂકવાનું કામ. પોલીસ પૂરી તપાસ કરીને ચાલી ગઈ. પછી પોતે એકલી ઘરનાં બાર બીડીને ઘૂંટણભર બેઠી બેઠી રડતાં રડતાં એક જ વાક્ય બોલતી હતી : `મખાં નાંઈ બૂ : મખાં નાઈ બૂ!' (મારાથી આ સહન નથી થતું. ઓહ! સહન નથી થતું.) પતિ મોડી રાતે ઘેર આવતો, કેમ બેકાર બેઠો બેઠો સેલે ફૂંકતો, કેમ બહુ બોલતો પણ નહીં, કેમ પ્રેમ પણ કરતો નહીં તેમ ગુસ્સે પણ થતો નહીં, તેનું રહસ્ય હવે સમજાયું. શાંતિદાસ શેઠના મહેતાનું ખૂન કર્યા પછી એની ધા અસૂરી વેળાના કલીકમા તરફ વળી ગઈ હતી. એનો બ્રહ્મી સ્વભાવ પુરબહારમાં ખીલી ઊઠ્યો હતો. થોડા નુંપેઝા (રૂપિયા) તો ઠીક, પણ થોડા ટભ્યા(પૈસા)ની લાલચ પણ એને મારફાડને માર્ગે લઈ જતી હતી. થોડું રડી લીધું. વધુ રડવાની વેળા નહોતી. વળતા દિવસે જ્યારે એની માતા ઢો-સ્વે મળવા આવી ત્યારે તો પોતે કાગળનાં ફૂલો બનાવીને વેચવા બજારે ચાલી ગઈ હતી. મા બજારે ગઈ, થોડી મિનિટમાં જ મા-દીકરીના વિલાપ, આશ્વાસન વગેરે પતી ગયું. વધુ સમય વેડફવાની વેળા નહોતી. દુનિયાદારીની જંજાળો જો માનવીનું લક્ષ રોકી લેવા ઊભી ન થઈ હોત તો માણસ દુ:ખને કયે દા'ડે વિસારે પાડી શકત! હેમકુંવરબહેન નીમ્યાને ઘેર આવ્યાં ત્યારે એણે આ કુટુંબના રંગઢંગમાં કોઈ મહાન વિપત્તિનાં બાહ્ય ચિહ્ન કશે નિહાળ્યાં નહીં. ઘર એવું જ ચોખ્ખુંફૂલ હતું. સઢોંઉનો શણગાર અને અંબોડાનાં પુષ્પો આબાદ હતાં. તનાખાનો ચંદન-લેપ નીમ્યાની ચામડીને છોડી નહોતો ગયો. હેમકુંવરબહેનને જોઈ નીમ્યાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, પણ તુરત તેણે પોતાના મન પર કાબૂ મેળવી કાઢ્યો અને રોજની રીતે વાતો કરતી બેઠી. હેમકુંવરે પૂછ્યું : ``ક્યાં ગયો હશે? ``કોણ કહી શકે? શિર પર મોત છે. ``પાછા વળવાની વકી નહીં ને? ``નહીં જ તો. ``તું બા સાથે રહેવા ચાલી જઈશ ને? ``ના રે ના, મારાં ઘરડાં સાસુ-સસરાને કોણ પાળે? ``તમારામાં તો માનો વારસો મળે ને? ``હા, એની તો બહુ ચિંતા નથી.