રા’ ગંગાજળિયો/૬. ચારણીનું ત્રાગું

Revision as of 11:05, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૬. ચારણીનું ત્રાગું

“દુહાઈ હો! જોગમાયાની દુહાઈ હો! નવ લાખ લોબડિયાળિયુંની દુહાઈ હો તમને!” ઊનાના પાદરમાં એ પાંચમા પ્રભાતના પહેલા પહોરે છેટેથી સાદ સંભળાયો. ભલકા પાસે ઊભેલો એક ભાટ અટકી જાય છે. એના હાથમાં ત્રણેક વર્ષનું બાળ હતું. બાળકને એ ભલકા ઉપર ઉછાળવાની તૈયારીમાં હતો. એના હાથ પાછા પડ્યા. એની પાછળ હારબંધ નાનાં છોકરાં લઈ ઊભેલા ભાટોએ આ સાદ કરનાર માનવીની સામે નજર કરી. કપાળે લમણાં લગી સિંદૂરની પીળ, ઓડ્યેથી (ગરદનથી) અરધોઅરધ વહેંચાયેલ ચોટલાની છાતી માથે ઢળતી કાળી લટો, માથે મુરતવંતી ચૂંદડી, અને ચૂંદડી ઉપર ઊનનો કાળો ભેળિયો, એવી એક બાઈ ઉતાવળે પગલે ઊંચા હાથ રાખીને ‘દુહાઈ! દુહાઈ! જગદંબાની દુહાઈ!’ બોલતી ચાલી આવે છે. વીસથી વધુ ચોમાસાં એણે જોયાં જણાતાં નથી. “ચારણનું બાળ લાગે છે.” ભાટો ઓળખી શક્યા. શ્વાસે ધમાતી, જીવતી ધમણ સરીખી એ ચારણીએ આવીને પહેલું કયું કામ કર્યું? ભલકા ઉપર પરોવાઈ જવાની જેને ઝાઝી વાર નહોતી એ બાળકને એણે ભાટના રૂંછડિયાળા કાળા હાથના પંજામાંથી ઉપાડી લીધું—કાંટાળી વાડમાંથી કૂણું એક કોઠીંબડું ઉતારી લે તેટલી નરમાશથી લઈને બાઈએ એ બાળકને છાતીએ તેડ્યું. પૂછ્યું : “આ શું કરે રિયા છો, બાપ?” “ત્રાગું.” “આવું તે કાંઈ ત્રાગું હોય, મોળા (મારા) વીર?” “આઈ, અમારે ભાટુંને માથે કે’દીય નો’તી થઈ તેવી થઈ છે. અકેકાર ગુજર્યો છે.” “મું ઈ જાણેને જ આવી છું, મોળા વિસામા, પણ આ ગભરુડાંનાં લોયનાં ત્રાગાં હોય કે’દી?” એમ બોલતી બોલતી એ અજાણી સ્ત્રી પોતાને હૈયે ભિડાયેલા બાળકનું માથું પંપાળીને આખે અંગે, છેક પગ સુધી પંજો ફેરવે છે. બાળકના ફફડાટ એના કલેજામાં પડઘા પાડે છે. બીજાં નાનાં છોકરાં ઉપર એની નજર રમે છે. એ નજર એક પલકમાં રંગો બદલીને ભાટોને પૂછે છે, “કીસે ગો તમારી વહુવારુનો ચોર? ક્યાં લપાઈ બેઠો છે?” “આ સામો કળાય એ રાજગઢમાં.” “ઓલી અધૂઘડી બારી દરશાય ત્યાં?” “હા, આઈ.” “ઠીક બાપ. ભલકાં ઉપાડી લ્યો. છોકરાંને સંતાપવાં નથી. તમારાં ભાટુંનાં ત્રાગાં સંકેલી લ્યો, વધાવી લ્યો.” ભાટોને સમજ પડી નહીં. મૂંઝાઈને ઊભા થઈ રહ્યા. “મૂંઝાવ મા, વિસામા! અંદેશો રાખો મા. ચારણનું જણ્યું આવી ચડે તે પછી બીજાનું ત્રાગું બંધ થાય. ને હવે તમે ત્રાગાં વધાવીને તમારે રસ્તે પડજો.” એમ બોલતે બોલતે જુવાન ચારણીએ, જેણે થોડા જ સમય પર પોતાના ધણીને ગીરની વનરાઈના ઉંબરમાં જીવ્યા-મૂઆના જુહાર કીધેલા એણે, પહેલો પોતાના દેહ પરથી ભેળિયો ઉતારવા માંડ્યો અને આજ્ઞા કરી : “તમારામાંથી વધુમાં વધુ જોરાવર હાથવાળો જણ આમ આવે.” એની જીભ જાણે ઝાઝા કાળથી હુકમ દેવા ટેવાયેલી હોય એવા એ શબ્દો હતા. “ને ભેળી એક તરવાર લાવો.” બોલતે બોલતે એણે તેડેલ બાળકને હૈયે દાબીને હેઠે મૂક્યું. કહ્યું : “બચ્ચા, જાવ માને ખોળે, હવે તમે નરભે (નિર્ભય) છો. જાવ, સૌ બાળારાજા!” ગરદનની બેય બાજુએ છાતી પર ઝૂલતી ચોટલાની લટોની એણે કપાળે ગાંઠ વાળી લીધી. સાકરકોળાના રંગ સાથે મળતા રંગની એની ગરદન ઉઘાડી થઈ. ડોકનું માદળિયું પણ એણે કાઢીને કોરે મૂક્યું, ને એ ઊના ગામના ઝાંપાની સન્મુખ, પડખોપડખ જઈ ગોઠણભર બેસી ગઈ. જાણે ધરતીમાં ખોડાઈ ગઈ હોય તેવી જુક્તિથી એણે આસન વાળ્યું. પછી એણે પોતાના દેહ પરથી મુરતવંતી ચૂંદડીને ઉતારવા માંડી. ચૂંદડી ખેંચાતી ગઈ તેમ તેમ એના દેહનો મરોડ દેખાયો. એ તો હતી દૂધનું ઝાડવું. ભેંસોનાં દહીંએ-દૂધે સીંચેલી દેહકળાનો ચીકણો ઉજાસ દેખી ભાટો સ્તબ્ધ બન્યા. “આવ્યો તરવારવાળો?” એણે ફરી હાક દીધી. “મુછાળાઓ, શું વિચારમાં પડ્યા છો? હવે વિચારને માટે વેળુ નથી. આવી જાવ એક જણો મોખરે.” એમ કહેતી એણે ગરદન જરા બંકી કરી. સીધી ને કૂણી એ ડોક કોઈ સંઘેડિયાએ સમા હાથે ઉતારેલ હોય તેવી ભાસી. “જોજે હો વીર!” એણે તરવારધારી ભાટને ચેતવણી આપી, “ઝઝખીશ નહીં, જોજે હાથ થોથરાય નહીં. એવો ઝાટકો દેજે કે વાધરીયે વળગી ન રહે.” એમ કહીને એણે આખીય ચૂંદડી ઉતારીને ભોંય ઉપર મૂકી : જાણે કેસૂડાં ને આવળનાં ફૂલોનો ધરતી ઉપર ઢગલો થયો. ને કોણ જાણે ક્યાંથી સૂસવવા લાગેલો અણધાર્યો પવન એ ચૂંદડીને પોતાની ઘૂમરીઓમાં ઉપાડ ઉપાડ કરવા લાગ્યો. “ઓલી… સામી કળાય ઈ બારી કે? તિયાં બેઠેલ છે તમારી વહુવારુનો ચોર કે?” “હા આઈ, ત્યાં જ.” “ઠીક બાપ! કર ઘા ત્યારે.” એમ બોલીને એણે પોતાના બેઉ હાથ ધરતી પર ચોડી દીધા, ને એની ગરદન ઝાટકાના લાગમાં આવે તેવી જુક્તિથી ઝૂકી પડી. પળ પછી જ્યારે એનું મસ્તક છેદાઈને નીચે પડ્યું ત્યારે એ માથા વગરનું ધડ ધરતી પરથી હાથ ઉઠાવી લઈને ફરી પાછું ટટ્ટાર બેઠું. બેઉ હાથનો ખોબો વાળ્યો. ખોળામાં પોતાનું જ રુધિર ઝીલ્યું. ઝીલીને ત્રણ ખોબા એ મસ્તક વગરના ઢૂંઢે ઊનાના દરવાજા ઉપર છાંટ્યા, પછી એ દેહ ત્યાં પડી ગયો. સૂસવતો પવન ચૂંદડીને ચક્કર ચડાવીને ક્યારે ઉપાડી ચાલ્યો તેની સરત કોઈને રહી નહીં.