પ્રભુ પધાર્યા/નિવેદન

Revision as of 12:22, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિવેદન
[પહેલી આવૃત્તિ]

`ફયા લારે' (પ્રભુ પધાર્યા) : દેવ આવ્યા : એ બરમા લોકોની સ્વાગતવાણી છે. સકળ હિંદવાસીઓમાં વધુ પ્રિય એવા ગુજરાતીઓને તેઓ આ વાક્યે સત્કારે છે; મતલબ કે ગુર્જર-બરમા પ્રજાના સંસ્કાર-સંપર્કને આલેખતી આ વાર્તા છે. ૧૯૪૨ના વર્ષમાં બ્રહ્મદેશથી હિંદવાનોની જે હિજરત થઈ તે ઇતિહાસમાં અપૂર્વ બની ગઈ છે. એ હિજરતનાં જ પ્રસંગ-ચિત્રો એકત્રિત કરીને પુસ્તકાકારે આપવા ઉમેદ જન્મી હતી. પછી થયું કે એ સંકલ્પ દુ:સાધ્ય છે; વધુ આલેખવાને પાત્ર તો ઇતર પ્રાંતોની પ્રજાઓ સાથેના ગુજરાતી પ્રજાના સંપર્ક-સંઘર્ષો છે. ગુજરાતીઓ મહારાષ્ટ્ર ને સિંધ, બંગાળ ને મદ્રાસ, બર્મા ને આફ્રિકા, બધે જઈ પેઢાનપેઢીથી વસે છે; તે છતાં તેમના અને સ્થાનિક પ્રજાના સહચારમાંથી પ્રકટતું સુવિશાલ જીવન કલામાં, સાહિત્યમાં કે ચિત્રપટમાં ઊતરતું નથી એ એક મોટી ખામી છે, અને એક પહોળા સાહિત્યપટને ગુમાવી દેવા બરોબર છે. આ વિચારે મન પરની પકડ વધુ મજબૂત બનાવી, અને મન ઉપર બ્રહ્મદેશમાંનું ગુજરાતી પ્રજાજીવન પહેલો કબજો લઈ બેઠું. કારણ એ બન્યું કે મારાં કેટલાંક અતિનિકટનાં આપ્તજનો બ્રહ્મદેશનાં ચિરવાસીઓ હતાં; તદુપરાંત ત્યાં લાંબો કાળ રહી આવેલા તેમ જ છેલ્લી હિજરતમાં મણિપુર માર્ગે નીકળી આવેલા કેટલાક ભાઈઓનો સમાગમ થયો. આ ભાઈઓમાં નોંધપાત્ર સ્તુત્ય વસ્તુ જે લાગી તે બ્રહ્મદેશની સંસ્કારિતા પ્રત્યેની તેમની લાગણીભરી દૃષ્ટિ હતી. આંહીં ખાતેની રાષ્ટ્રભાવનાથી અંકિત ઉચ્ચ આત્મસંસ્કારિતા, અને ત્યાંના બ્રહ્મી સંસારના સીધા સંબંધમાંથી ઉદ્ભવેલી માનબુદ્ધિ : એ બેઉનું મિશ્રણ મને નવાઈભર્યું લાગ્યું. તેમણે મને વાતાવરણ બાંધી આપ્યું, કેટલીક વિગતો પૂરી પાડી, પછી વાર્તાસૃષ્ટિ મેં ખડી કરી. મારા એ સહાયકોનાં નામો ઇરાદાપૂર્વક અહીં આપતો નથી. તમામ પાત્રો કલ્પિત છે. વાર્તાની સંકલના કલ્પિત છે. છતાં આ કૃતિની પરિપૂર્ણ પીઠિકા વાસ્તવનિષ્ઠ છે. વલણોનાં વહેણ સાચાં છે. પાછલાં પ્રકરણોમાં યુદ્ધકાળનું આલેખન જેમ દર વિગતે વફાદાર અહેવાલ ન હોવા છતાં એનું કલ્પનારૂપ તથ્યાવલંબી છે, તે જ વાત આખી વાર્તા પરત્વે સાચી સમજી લેવાની છે. ગુર્જર-બ્રહ્મી આંતરલગ્નો, ઝેરબાદી પુરાણ, હુલ્લડો, ફુંગીઓને લગતી વાતો, બ્રહ્મીજનો પ્રત્યેની ધૂર્તતા વગેરે સાચાં છે. આઠ વાસાના બાળને લઈને સુવાવડી માતા, તેમ જ પ્લેગનાં દરદી, મણિપુર-માર્ગને પાર કરીને જીવતાં હિંદ પહોંચી આવ્યાના કિસ્સા બન્યા છે. અને ગોરા સાહેબનું દુ:ખગૌરવ પણ મેં બિલકુલ નિરાધાર નથી ગાયું; એવો કિસ્સો બનેલો છે. આ લખાણ એકધારું કર્યું છે, અને એક સર્જક તરીકે મારી પ્રત્યેક કૃતિના સર્જન દરમ્યાન તેમ જ તે પછી જે સુખસંવેદન મને દેવી શારદાનો વરદ હસ્ત આપે છે, તે તેણે આ વેળા તો મૂઠી ભરીને નહીં, પણ ખોબલે ભરીને આપ્યું છે. આ પુસ્તક મેં સંતોષનો ઘૂંટડો ભરીને સમાપ્ત કર્યું છે. છતાં લોભી વાચક! તમે તો કહ્યા વગર રહેવાના જ નથી કે પછી શારદુ-રતુભાઈનો હસ્તમેળાપ કેમ ન કરાવ્યો? પેલી ભત્રીજી તારાનું શું? ને પાછળ મૂકેલ શિવને, મા-હ્લાને, નીમ્યાને, ઢો-સ્વેને કેમ લટકતાં જ મૂક્યાં? અરે, શામજી-શાંતિદાસની શેઠ-જોડલીને પહાડો વચ્ચે હજારો રૂપિયાની નોટો છતાં `પાણી! પાણી!' કરતી તરફડી મરતી કેમ ન બતાવી? કારણ કે ભાઈ! અથવા બાઈ! હું વિશ્વનો વિધાતા નથી. અરે, ખુદ વિદ્યાત્રીયે બાપડી આપણા જીવનના કેવા અણઘડ ઘાટ મૂકીને રફુ થઈ જાય છે! રાણપુર : ૧૧-૬-૧૯૪૩

[બીજી આવૃત્તિ]

આ વારતાના વાચન પરથી, બ્રહ્મદેશમાં વસી આવેલા ગુર્જરભાઈઓનાં ખુદનાં જ હૃદયમાં ત્યાંના વસવાટનાં મધુર સ્મરણો જાગ્રત થયાં છે. એ પોષક ભૂમિને માટે ઊંડી મમતા તેમ જ એના વિચ્છેદ માટે તીવ્ર મનોવ્યથા પેદા થઈ છે. તદુપરાંત, એ કેવળ સારાંમાઠાં સાધનો દ્વારા કમાણી કરવાનો જ દેશ નહોતો, પણ સંસ્કારદૃષ્ટિએ ઓળખવા જેવો, એને આત્મિક ભાવે ચાહવા-પૂજવા જેવો દેશ હતો એવું ભાન આ પુસ્તકના વાચને જન્માવ્યું છે. મારી વારતાના સાફલ્યનો સર્વોપરી સંતોષ હું આ કારણે જ લઈ રહ્યો છું. બ્રહ્મદેશ રહી આવેલા સંખ્યાબંધ ભાઈઓએ પત્રો લખી લખી `પ્રભુ પધાર્યા'નું આલેખન શુદ્ધ અને સત્યનિષ્ઠ હોવાનું જણાવ્યું છે, અને વધુ કંઈ નહીં તો છેવટે બ્રહ્મી ભાષાપ્રયોગોમાં રહી ગયેલા દોષોના પણ સુધારા લખી મોકલી, ઝીણવટથી એ ભાષાની વ્યાકરણની-રચના પર પણ મારું લક્ષ દોરી, એ દેશની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો છે. એ સહુનો હું ઋણી છું, અને મૂળની ભાષાક્ષતિઓ મેં કાળજી રાખી સુધારી લીધી છે. આ નિવેદન તો આટલેથી સમાપ્ત કર્યું હોત, પણ દરમિયાન એક સ્નેહીનું પત્તું આવ્યું તે થોડીક ઉમેરણને અનિવાર્ય બનાવે છે. પત્તામાં લખ્યું છે કે : વડોદરા સાહિત્ય પરિષદમાંથી પાછા ફરતાં મારે વીરમગામ સ્ટેશને બે કલાક રોકાવું પડેલું ત્યારે એક સહપ્રવાસી સાથે વાતચીત થતાં, તે બર્મામાંથી છેવટ છેવટમાં દેશમાં આવી પહોંચેલામાંના એક ભાઈ છે એમ જાણવામાં આવ્યું. તમારા `પ્રભુ પધાર્યા'ની વાત નીકળી. એમણે એ પુસ્તક વખાણ્યું. એમાં વર્ણવી છે તેથી પણ વિશેષ મુશ્કેલીઓ એમને વેઠવી પડેલી એમ પણ એમણે કહ્યું. છેવટમાં એમણે એમ કહ્યું કે, આપણા દેશના ભાઈઓ બરમાઓને છેતરતા-લૂંટતા વગેરે જે ઉલ્લેખ થયો તે ઠીક નથી થયું. વાત સાચી હોવા છતાં, આપણા જ એક પ્રતિષ્ઠિત લેખક એ લખે છે એટલે સરકાર આજ સુધી જે વિધાન કરતી આવી છે તેને સમર્થન મળે છે. આથી આપણને નુકસાન છે વગેરે. ભાષા આ જ ન હતી, આવા અર્થની હતી. પરંતુ લખનાર સ્નેહીએ મને આથી આ પુસ્તકલેખન પાછળનું મારું દૃષ્ટિબિંદુ રજૂ કરવાની, તેમ જ એક કલાકારનો એકંદર સ્વધર્મ જનતા આગળ મૂકવાની તક પૂરી પાડી છે. કોઈ પણ કલાકારનો ધર્મ જેમને પોતે આલેખી રહેલ છે તે લોકોને માટે સરકાર શું ધારી લેશે — અને એમ ધાર્યા પછી એ લોકોને આર્થિક, રાજકારણી શી શી હાનિ પહોંચાડશે — એનો વિચાર કરવાનો કદાપિ હોઈ શકે નહીં. હિંદી તરીકે હિંદીવાનોની કે ગુજરાતી લેખે ગુજરાતીઓની સાચી ને ભયંકર એબો રાજદ્વારી કારણસર ઢાંકી છુપાવી રાખવાને કોઈ પણ કલાકારને કહેવું, અથવા તેની પાસેથી એવી આશા સેવવી, એ — વધુ આકરી ભાષા તો નહીં વાપરું — સાહિત્ય અને કલાનાં કર્તવ્યો વિશેની ગેરસમજ સૂચવે છે, એ વાત બર્માવાસી હિંદીવાન ભાઈઓને મારે કહેવી જોઈએ. એથી ઊલટી દિશામાં જોઈએ તો, પારકી કે પોતાની, કોઈ પણ પ્રજાની એકલી નબળી બાજુઓને જ આલેખનાર સાહિત્યકાર બેશક પોતાનું દૂષિત કલુષિત માનસ દાખવે છે અને કલા નાપાક કરતો હોય છે. સાચી હોય તે છતાંયે નિજની કે પરની, હેતુપૂર્વક નરી બદબોઈ કરવાનો કસબ કલાદેવીને દ્વારે મંજૂર નથી; પછી ભલે એ કસબ ચાહે તેટલો મનમોહક અને ચોટદાર હોય. `પ્રભુ પધાર્યા'ની કથા લખવા બેસતી વેળા મારી નજર સામે બ્રહ્મદેશને ઠગી, લૂંટી કે શોષી આવેલા ગુજરાતીઓ ચડ્યા નહોતા; એમને ઉઘાડા પાડવાની દૂર દૂરનીયે ઇચ્છા નહોતી; તેમ નહોતું મારી નજર સન્મુખ બ્રહ્મદેશીઓનું આપણા લોકોના શોષિતો-પીડિતો લેખેનું નર્યું દયાજનક દૃશ્ય. એમના ઉપર કૃપા કરવા કે એમના દુર્ગુણોની વકીલાત કરવા મેં મારી કલમ નહોતી ઉપાડી. મારી સમક્ષ તો હિંદીવાનો અને બર્મી જનોના સામુદાયિક લોકસંપર્કનું એક નૌતમ દૃશ્ય રમતું હતું. એ એક એવી તસવીર હતી કે જેમાં રૂપ અને રેખાઓ હતાં, તેજ અને છાયા હતાં; ઉષા, સંધ્યા અને અંધારાભરી કે કૌમુદી-ઊજળી રાત્રિઓ હતી. એ સમગ્ર દૃશ્યે (નહીં કે એમાંના કોઈ એક છૂટક ટુકડાએ) મારા કૌતુકને ઉદ્દીપ્ત કર્યું અને મારામાં શુદ્ધ કલારસલક્ષી સંવેદન ઘોળ્યું. પછી મને પરવા નહોતી કે એમાંનો કયો વર્ગ કે કઈ વ્યક્તિ મારા આ સર્જન થકી આર્થિક અથવા રાજદ્વારી હિસાબે કયાં લાભહાનિને પામવાનાં છે. સર્જકને તો જોવું એટલું જ હતું, કે એની કૃતિમાં એનું સંવેદન સત્યનિષ્ઠતાને ચૂક્યા વગર કોઈ એક સર્વમંગલકર આકૃતિનો ઉઠાવ કર્યે જાય છે કે નહીં. આ હિસાબે મને મળેલો આત્મસંતોષ એકસો ટકાથી જરીકે ઊણો નથી રહ્યો, ને મારા વાચકગણની પણ મેં કશી દુર્ગતિ કરી નથી, તે વાતનો હવાલો સંખ્યાબંધ કાગળોએ આપેલ છે. ગુજરાતીઓના ઊજળા સંસ્કારોમાંથી એમનાં નબળાં તત્ત્વોને બાદ કરી દઈ વિલુપ્ત કરવાની ઠગવિદ્યા મેં વાપરી નથી, એ તો એક ગુજરાતી લેખે મારા ગૌરવની વાત છે. રાણપુર : ૩-૨-૧૯૪૫

[ત્રીજી આવૃત્તિ]

આ ત્રીજી આવૃત્તિની પ્રસિદ્ધિ વેળાએ વિશ્વયુદ્ધ નં. ૨ ખતમ થયું છે અને વિશ્વયુદ્ધ ત્રીજાનું નેપથ્યવિધાન ચાલતું જણાય છે. આ એક એવું ભયાનક, તથાપિ એવું મંગલ, વહાણું વાય છે કે જ્યારે પ્રજા-પ્રજા વચ્ચેની કેવળ આર્થિક, ઔદ્યોગિક અને રાજકારણી એકલક્ષિતા વડે ઉગાર કરવો હશે તો સાંસ્કારિક એકરૂપતાની સમજ અવલ દરજ્જે જરૂરી બનશે. ભારતીય અને બ્રહ્મદેશી પ્રજાઓની વચ્ચે એવી સાંસ્કૃતિક તદ્રૂપતાનું જેમાં સંવેદન છે એવી આ વાર્તા આપણાં ભારતીય ભાઈબહેનોનું, બ્રહ્મદેશ ખાતેના પુન:પ્રયાણ વખતે, આત્મિક ભાતું બનો; બર્મા જનારાં હિંદીવાનોને પોતાની એ પોષક-પાલક ભૂ-માતા પ્રત્યે મમત્વ જન્મો, બ્રહ્મદેશી માનવતામાં ભારતીય માનવતાનું એકરસ સંમિશ્રણ બની રહો, એવી આ લેખકની આશિષો છે. બોટાદ : ૧૬-૧૧-૧૯૪૫