પ્રભુ પધાર્યા/૩. વધુ ઓળખાણ

Revision as of 12:28, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩. વધુ ઓળખાણ

બ્રહ્મદેશમાં ડૉ. નૌતમ પહેલી જ વાર આવતા હતા તે છતાં પત્નીને જલદી તેડાવી હતી તેનું કારણ હતું. આ પ્રદેશના ગુજરાતીઓએ જ એમને સારી પ્રૅક્ટિસનું ચોક્કસ વચન આપીને રાજકોટથી તેડાવ્યા હતા. વળી હેમકુંવરબહેનને પણ ખબર હતી કે બ્રહ્મદેશ એ તો જૂની વાર્તાઓ માંહેલો મશહૂર કામરૂ દેશ છે. ત્યાંની કામરૂ ત્રિયાઓ હજુ પણ પતિને પગે દોરો મંત્રી પોપટ કાં ઘેટો બનાવી દેશે એ વાતની એમને ધાસ્તી હતી. પોતે સત્વર આવવાની હઠ પકડી હતી. ઉપરાંત બાળકનો બોજો નહોતો. ફાવશે તો રહેશું નહીંતર ફરી તો આવશું, એ ગણતરીથી પોતે બ્રહ્મદેશ ખેડ્યો હતો. ડૉ. નૌતમને પહેલેથી જ એક વાતની ચીડ હતી. કોઈ માણસ એમ કહે કે આ દેશ અથવા આ ગામ તો ખરાબ અને ખટપટી છે, કંજૂસ અને નીતિભ્રષ્ટ છે, આ ગામમાં તો ચેતીને ચાલવા જેવું છે, ત્યારે એની ખોપરી ફાટી જતી. પોતે કાઠિયાવાડ-ગુજરાતનાં ત્રણેક સ્થળો બદલાવ્યાં હતાં, છતાં પોતાને કોઈ ગામની બદમાસી નડી નહોતી. જે કાંઈ બદમાસી-બદી હતી તે તો પ્રત્યેક ગામે સર્વસામાન્ય હતી. જે કાંઈ ખાનદાની અને સુજનતા હતી તે પણ પ્રત્યેક ગામની વસ્તીમાં સરખી જ હતી. એટલે પોતાના જ ગામની બદબોઈ કરી ભલું લગાડવા આવનારાઓને પોતે સખત અવાજે સંભળાવી દેતા : ``જે ભૂમિ આપણને સુખેદુ:ખે રોટલી રળી ખાવા દે, પાણી પીવા આપે અને રાતવાસો રહેવા દે, જે ભૂમિમાં આપણી રોટીમાં કોઈ ઝેર ભેળવી ન દેતું હોય, પાણીના માટલામાં કોઈ કોલેરાના જંતુ ન મૂકી જતું હોય, અને ઊંઘવા ટાણે જે ભૂમિ ઓચિંતા ભૂકંપથી આપણને ગળી ન જતી હોય, તે ભૂમિ આપણને સંઘરનારી મા છે. એને વગોવવા હું તૈયાર નથી. બ્રહ્મદેશમાં આવતાં પણ એમને એ જ અનુભવ થયો હતો. તઘુલાના ઉત્સવમાં ફર્યા પછી એક સોનાચાંદી અને ઝવેરાતના મોટા વેપારીએ જ એમને શિખામણ આપેલી કે બર્મામાં બહુ ચેતીને ચાલવા જેવું છે, સાલી બહુ ક્રૂર ને ઘાતકી પ્રજા છે; વિલાસી તો બેહદ છે, ચારિત્ર્ય ખાતે તો મીંડું છે; બેઈમાન બનતાં ને કજિયો કરતાં વાર ન લગાડે. ત્યારે ડૉ. નૌતમ, આ વેપારી પોતાને તેડાવનારાઓ પૈકીના એક અગ્રણી હોઈને, ચૂપ તો રહેલા, પણ એમના અંતરમાં ખેદ થયેલો. છતાં દિલમાં થયેલું કે હશે ભાઈ! આમ તો એ ભારી પરોપકારી અને હિંદમાં ગાંધીજીની ખાદી વગેરે પ્રવૃત્તિના પોષક છે, વરસોથી અહીં વસવાટ કરે છે, એટલે કાંઈક કડવા અનુભવને કારણે જ ચેતવણી આપતા હોવા જોઈએ. પણ આ રતુભાઈ નામનો યુવાન કંઈ વધુ જાણવા-સમજવા જેવો જણાય છે. એનામાં દાક્તરનું કુતૂહલ જન્મ્યું હતું. એ વણપરણેલો યુવાન દેશની થોડીએક પિછાનને દાવે અહીં પોતાનો માર્ગદર્શક બન્યો હતો. એને પોતે પૂછ્યું : ``હેં રતુભાઈ, આ લોકોના આચારવિચારમાં કંઈક શિથિલપણું તો ખરું, હો? ``દાક્તર સાહેબ! રતુભાઈએ જવાબ દીધો : ``એ રીત જ મિસ મેયોવાળી છે. જેટલું સ્વાભાવિક જીવન છે, તેટલું નીતિહીન ન કહેવાય. અહીં જે કાંઈ છે તે બ્રહ્મીઓનું સ્વાભાવિક જીવન છે. સાંજ પડતી અને દાક્તરના રહેઠાણની પાછળ થોડે દૂર દેખાતા એક મકાનમાંથી સંગીતના સ્વરો આવતા. અને કોઈક હિંદી વાણીમાં ગાતો સ્ત્રીકંઠ બ્રહ્મદેશની પાર્થિવ શીતળતામાં આકાશી સુગંધ સીંચતો. ત્યાં કોણ રહેતું હશે તે પ્રથમ તેમણે સોનાચાંદીવાળા શેઠ શાંતિદાસને પૂછતાં શાંતિદાસે કહેલું : ``દાક્તર સાહેબ! એ હું કહેતો હતો તે જ છે. આ બ્રહ્મી સ્ત્રીઓનું કાંઈ પૂછવા જેવું જ નથી. મદ્રાસ તરફના ચોલિયા મુસલમાનનું ઘર માંડ્યું છે, છોકરીઓ પેદા થઈ છે; તેની બર્મી માતા કોણ જાણે શીયે તાલીમ દઈ રહી હશે! પછી રતુભાઈને પૂછતાં એમણે સમજ પાડી. તેમાં વાત તો એકની એક હતી પણ સમજણ જુદી હતી : ``લગ્ન એ આંહીંની બ્રહ્મી સ્ત્રીઓનો સંપૂર્ણ સ્વતંત્ર જીવનપ્રદેશ છે. આંહીંની સ્ત્રીઓ બચપણથી જ શિક્ષણ લે છે. પુરુષો કરતાં પણ વધુ ભણતી હોય છે — ``બધી જ? ``એકેએક — ગામડાંની સુધ્ધાં! ``એટલી બધી નિશાળો છે? ``હા, પણ તે સરકારી નહીં, સાધુઓની. ફુંગીઓના ચાંઉ (મઠો)માં પ્રત્યેક બર્મી બાળક ફરજિયાત ભણે છે. એક ગામડું પણ લોકોમાં સ્વાભાવિક શિક્ષણકાર ફુંગી સાધુ વગરનું નથી. આ સ્ત્રી પણ ભણીગણીને પછી માબાપ કે વડીલ કોઈની પણ રજાની પરવા વગર મદ્રાસી મુસલમાનને પરણી છે. પણ એ પોતે પતિની તામિલ ભાષા પકડી શકી નથી. પતિ સાથેનો વ્યવહાર બ્રહ્મીમાં તેમ જ હિંદીમાં કરે છે. અને વખતે હિંદ જવું પડે તો શું થાય, એટલે પોતાની દીકરીઓને હિંદી શીખવે છે. ``તમને કેમ ખબર? ``હું અહીં રહેતો ત્યારે મેં જ એને હિંદી શિક્ષક શોધી આપ્યો હતો. ``પિતા એને પોતાની ભાષા ભણાવવાની ફરજ ન પાડી શકે? ``ફરજ તો બ્રહ્મી સ્ત્રીને કોઈ ન પાડી શકે. પરણે ગમે તેને, પણ સ્વત્વ સાચવીને જ સ્વમાનથી જીવે. તે રાત્રિને અધરાત ટાણે નજીકમાં કશોક આકરો કોલાહલ સંભળાયો અને દાક્તર નૌતમના દવાખાને કોઈ ઘંટડી બજાવવા લાગ્યું. બારણું ઉઘાડતાં રતુભાઈ ઊભેલા. સાથે એક લોહીલોહાણ માણસ હતો, નીચે એક ટોળું હતું. ``શું છે? ``ધા! ધા! લોહીલોહાણ માણસ ફક્ત બે જ અક્ષરની બૂમો પાડતો હતો. ``કોણ છે એ? શું કહે છે? ``તલૌ, તલૌ, ચીનો બોલતો હતો. રતુભાઈએ સમજ પાડી — ``તલૌ એટલે ચીનો. આ ભાઈ ચીના છે. આંહીં સામે જ સોડાલેમન વગેરેનું કારખાનું ચલાવે છે. એની બ્રહ્મી સ્ત્રીએ એને ધા લગાવી છે. ``બ્રહ્મી સ્ત્રી ધા લગાવે! પતિને! દાક્તર વિમાસણમાં પડ્યા. રતુભાઈએ કહ્યું : ``મેં સાંજે જ આપને જે કહેલું તે જ આ બનાવનું રહસ્ય છે. મેં બારીએ ઊભા રહીને નજરોનજર આ નીરખ્યું છે અને કાનોકાન કજિયો સાંભળ્યો છે. ઘણાખરા ચીના આંહીં આવીને જ પરણે છે. વરવહુ વચ્ચે કંઈક વાતમાં તકરાર થઈ પડી. પતિ ધમકાવતો હતો. એટલે સ્ત્રીએ કહ્યું કે `હું બ્રહ્મી છું. મને ડરાવી નહીં શકો'. આ કહે કે `તું મને તારા બ્રહ્મી મર્દો જેવો બાયલો ન ગણતી'. સ્ત્રી કહે કે `ખબરદાર, બ્રહ્મી મરદોને બાયલા કહ્યા છે તો! એ તો છે અમારા લહેરી લાલાઓ, બાયલાઓ નથી'. એટલે ધણી કહે કે `તો જા બ્રહ્મીનું ઘર માંડ'. પેલી કહે કે `એમ? હવે પંદર વરસે તું મને જવાનું કહે છે? મેં તારી સાથે પરણતાં પંચ કર્મોના સોગંદ લીધા. પાંચમું તારાં ફાટેલાં કપડાં સાંધવાનું ધર્મકર્મ બજાવ્યું અને હવે —!' એમ કહીને એ ધા ઉપાડીને છલાંગી, ધા ઠઠાડી; પણ વચ્ચે થાંભલો આવી ગયો, એટલે આને થોડુંક જ લાગ્યું છે. તે રાત્રિથી દાક્તર નૌતમને બ્રહ્મી લોકોની ધાનો ડર પેસી ગયો અને એણે જાગી ઊઠેલ હેમકુંવરને જઈને કહ્યું કે ``હવે તું તારે કામરૂ વિદ્યાના કામણની લેશમાત્ર બીક રાખીશ નહીં. ``કાં? ``કાં શું! ધા... આ... આ! એમ કહી પોતાનું મોં પત્નીની ગોદમાં સંતાડી સૂઈ ગયા.