પરિષદ-પ્રમુખનાં ભાષણો/૯.

Revision as of 11:17, 25 December 2021 by KhyatiJoshi (talk | contribs)


શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું ભાષણ

નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ: નડિયાદ
ઓક્ટોબર: ૧૯૨૮

શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
જન્મ ઈ.સ. ૧૮૬૯

ગુજરાત ધનનું દાન બીજા અનેક પ્રાન્તોને કરે છે એ તો પ્રસિદ્ધ બાબત છે અને આ પ્રમાણે બીજાને પોષી શકે એટલી સમૃદ્ધિ ગુજરાતમાં છે એની પણ ના નહીં. પણ સંસ્કાર, શિક્ષણ અને જ્ઞાનની લહાણ કરનાર વ્યક્તિ પણ ગુજરાત આપી શકે છે એ સત્ય આનન્દશંકર ધ્રુવના કાશીગમનનું રહસ્ય છે. સંસ્કૃતભાષાની અને સાહિત્યની પરમ ઉપાસના સાથે, સાહિત્ય, તત્ત્વવિવેચન, ઇતિહાસ, વગેરે વિષયોનો એમને સૂક્ષ્મ અભ્યાસ છે. અંગ્રેજી સાહિત્યનો એમને પરિચય પણ વિપુલ છે. રાજ્યનીતિ, વિજ્ઞાન વગેરે વિષયોમાં પણ એમનો પ્રવેશ ઊંડો છે. વસ્તુતઃ કોઈપણ વિષયમાં ઊંડા ઊતરી શકે એવી સમર્થ બુદ્ધિપ્રભા એમનામાં છે. એની ગુજરાતને પ્રતીતિ થઈ છે. ગુજરાતના જ્ઞાનની વસંત મહોરતી જોઈ એમણે એ વસંતને મૂર્ત સ્વરૂપ આપ્યું. અભ્યાસ, ચિન્તન, વિવેચન અને અન્ય સર્જનોથી ભરેલા ‘વસંત’ના અંકો આજે પણ પોતાની પ્રવૃત્તિનો ઇતિહાસ કહેતા મોજૂદ છે. આનન્દશંકરભાઈથી ચાલ્યું ત્યાં સુધી એમણે ‘વસન્ત’ને અવશ્ય ચલાવ્યું. પછી તો ગુજરાતની ઋતુ જાણે બદલાઈ હોય તેમ ‘વસન્ત’ આછું આછું થતું ગયું. ‘આપણો ધર્મ’ એ એમનો ગ્રન્થ વર્ષો સુધી ચિન્તનના જ્વલંત દીપ સમો ગુજરાતને આકર્ષી શક્યો છે. તે પછીનાં એમનાં અનેક લખાણો સાહિત્ય અને ઇતર વિષયનાં છે, જે ગુજરાતને પુસ્તકરૂપે મળતાં જાય છે. સાહિત્યસેવા, તત્ત્વવિચારણા, સ્વતંત્રમતદર્શન, સંસ્કારશોધન, રસોદ્ઘાટન, જ્ઞાનપ્રસાર, વગેરે અનેક પ્રવૃત્તિઓ માટે ગુજરાત આનન્દશંકરભાઈનું ઋણી છે. આવા સમર્થ ગુજરાતી પંડિત નડિયાદ જેવી સાક્ષરનગરીમાં મળેલી નવમી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન વિભૂષિત કરે છે.



ઉપોદ્‌ઘાત

इदं कविभ्यः पूर्वभ्यो नमोवाकं प्रशास्महे ।
विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।।

આપણા ક્રાન્તદર્શી પ્રાચીન સાહિત્યકારોને પ્રણામ કહી પ્રાર્થીએ કે – એ વાણી આપણી હો, કે જેનાં અંગે અંગ તેજે ઘડ્યાં હોય, જે સદા જીવંત હોય, અને જે ‘આત્માની કલા’ નામ, સુકલિત અંશ, અને તે પણ આત્માનો અંશ – હોય. પાંડિત્ય અને સહૃદયતાના સમન્વરૂપ, અક્ષર તત્ત્વના મહાન ઉપાસક, કવિ ભવભૂતિનું આ મંગલાચરણ, જે જગતની સર્વ સાહિત્યપરિષદનું એક સનાતન મંગલાચરણ થવાને યોગ્ય છે, એ જ આપણી આ નવમી ગુજરાતી સાહિત્યપરિષદની પણ મંગલ પ્રાર્થના હો! આટલી પ્રાર્થના કરી, આજનું કાર્ય આરંભીએ. સાહિત્યપ્રેમી ભાઈઓ અને બહેનો, આપે મને આ નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રમુખપદનું માન આપ્યું છે તે માટે હું આપ સર્વનો અન્તઃકરણથી ઉપકાર માનું છું; ખાસ કરીને એટલા માટે કે આપ મારી ખામીઓ અને મુશ્કેલીઓ જાણો છો, છતાં પણ આપે મારી પસંદગી કરી છે. હું વર્ષમાં ઘણો ભાગ દૂર પ્રાન્તમાં રહું છું, અને તેથી આપણી પ્રિય ગુર્જરભૂમિની સેવા મારાથી થોડી જ બને છે, તથા એની સાહિત્યવિષયક પ્રવૃત્તિ સંબંધી પણ હું કાંઈક અજ્ઞાન હોઉં એ સ્વાભાવિક છે. એટલું જ નહિ, પણ ભૂતકાળમાં તેમજ અત્યારે વખતોવખતના મારા અત્રેના વાસમાં જે કાંઈ મેં જાણ્યું છે, સંગ્રહ્યું છે, વિચાર્યું છે, એને પણ બરાબર ગોઠવી એનો આપની સેવામાં આવે મહાન પ્રસંગે ઉપયોગ કરું એટલો સમય હું મેળવી શક્યો નથી. તે માટે મારી સર્વ ખામીઓ ઉદારતાથી સહી લેવા આરંભમાં જ હું આપને વિનંતિ કરૂં છું. આવે પ્રસંગે મારા દૂરવાસ માટે મને તીવ્ર ખેદ થાય છે, પરંતુ તેમાં સંતોષનું કાંઈ પણ મિશ્રણ હોય તો તે એટલું જ છે કે ગૂજરાતની પ્રાચીન સીમા જે હું દશ વર્ષ પહેલાં માત્ર પુસ્તકોથી જ જાણતો હતો તેનો હવે મને સાક્ષાત્કાર થયો છે. આપણે ‘ગૂજરાત’ અને ‘બહદ્ગુજરાત’ એવા શબ્દો વાપરીએ છીએ ત્યારે વર્તમાન ગૂજરાત અને પૂના, કાશી, કલકત્તા, મદ્રાસ, બ્રહ્મદેશ, આદિ આપણા ભાઈઓએ હાલમાં કરેલાં નિવાસસ્થાન એવો ભેદ વિવક્ષિત હોય છે, પણ મધ્યકાલીન ગૂજરાતનો ઇતિહાસ જોતાં જણાય છે કે ગુજરાતની તે સમયની એક સીમા ઉત્તરમાં બહુ દૂર સુધી પહોંચતી. આ વાત ઉપર સ્વર્ગસ્થ ભાષાપંડિત ટેસિટોરીએ પશ્ચિમ રાજસ્થાનની ભાષાના અન્વેષણથી જે પ્રકાશ નાખ્યો છે તેનું સ્વરૂપ હસ્તામલકવત્ હું હવે જ દેખતો થયો છું. ગુર્જરભૂમિનો પ્રદેશ એક વખતે રાજસ્થાનને અન્તર્ગત કરતો એ વાત, જે સ્થળે ‘ગુર્જરત્રા’ શબ્દવાળા શિલાલેખ મળ્યા છે અને એમાં જે સ્થળોનો ઉલ્લેખ છે તેનાથી, અત્યારે સુવિદિત થઈ ચૂકી છે. અને શૌરસેની અપભ્રંશ, શૌરસેની પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા, તથા રાજસ્થાન અને મથુરાની આસપાસના શૂરસેન દેશ દ્વારા, હિન્દીની ભૂમિ સુધી જૂની ગૂજરાતીનો સંબંધ પહોંચે છે એ જોતાં, બહુ દૂર સુધીના ભાગને પ્રાચીન પરિભાષામાં ગૂજરાત જ ગણવો જોઈએ એ સ્પષ્ટ છે. એને આપણે વર્તમાન ‘ગૂજરાત’ અને ‘બૃહદ્ગૂજરાત’થી ભિન્ન પાડીને ઓળખાવવા ‘મહાગૂજરાત’ કહી શકીએ. આપે ઇતિહાસવિભાગના પ્રમુખ તરીકે મારા મિત્ર મહામહોપાધ્યાય પંડિત ગૌરીશંકરજી ઓઝાને સ્વીકાર્યા છે એ આ દૃષ્ટિબિન્દુને અનુરૂપ છે.

નિવાપાંજલિ

નડિયાદની ભાગોળમાં પેસતાં જ કેટલા બધા વિદ્વાનો વિદ્યોત્તેજકો અને સાહિત્યવિલાસી સજ્જનોનાં નામ સ્મરણગોચર થાય છે! દેસાઈશિરોમણિ હરિદાસભાઈની સાક્ષરો ઉપરની પ્રીતિ જાણીતી છે. ઝવેરલાલભાઈ, મનઃસુખરામભાઈ મણિલાલ, બાળશંકર, ગોવર્ધનભાઈ, તનસુખભાઈ, દોલતરામ આવી સાક્ષરરત્નમાળ કોઈ પણ એક શહેરમાં મળવી કઠણ છે. તેથી સાક્ષરરત્નોની ખાણ હોવાનું અભિમાન નડિયાદ યથાર્થ રીતે રાખી શકે છે, પછી ભલે એ રત્નોના ઝવેરીબજાર થવાનું સૌભાગ્ય અન્ય શહેરોને પ્રાપ્ત થયું હોય. બીજું, છેલ્લાં બે વર્ષમાં આપણે જે ગુર્જર સાક્ષરરત્નો ગુમાવ્યા છે એમના વિના પણ આપણી આજની સભામાં ખામી પડે છેઃ સ્વર્ગસ્થ ભાઈ રમણભાઈની સંસ્કારી સાહિત્યસેવા અનુપમ હતી, અને એમની શાન્ત સીધી અને ઝીણી સલાહની ખોટ તો ગૂજરાતને પગલે પગલે જણાયાં કરશે, તે સાથે ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, રતિપતિરામ પંડ્યા, મૂળચંદ્ર તેલીવાલા, સૌ. ચૈતન્યબાળા અને ગજેન્દ્રરાય બુચ જેવા કુમળા છોડ ઉપર પણ ક્રૂર મૃત્યુનો અગ્નિ પડ્યો એ જોઈ ગુજરાતના સહુ સાહિત્યરસિક સજ્જનોને તીવ્ર શોક થયા વિના રહેશે નહિ. આવી સ્થિતિમાં કાંઈ પણ આશ્વાસન મળતું હોય તો તે એટલા જ મનનથી અને શ્રદ્ધાથી મળે છે કે – મરણ એ મનનશીલ પ્રાણીને જીવનની સીમા વિસ્તારનારી – બાંધનારી નહિ પણ વિસ્તારનારી – પરમાત્માની મોટામાં મોટી બક્ષીસ છે; અને ઉક્ત સહુ વડીલો, ભાઈઓ અને બહેનો પરલોકને ઝરૂખે બેસીને આ સરસ્વતીસત્ર જુવે છે જ, અને આપણે પણ એમની દૃષ્ટિ અને સમાગમમાં રહીને જ આપણું કર્તવ્ય કરીએ છીએ.

ચરોતરને ધન્યવાદ

આ પરિષદ ધાર્યા પ્રમાણે, તેમજ ધારા પ્રમાણે, વખતસર મેળવી શકાઈ નહિ તેમાં નડિયાદનો દોષ નથી; બલ્કે વિલમ્બનું કારણ જોતાં નડિયાદ આપણા અભિનન્દનને પાત્ર છે. ગયા વર્ષની રેલમાં અને આ વર્ષના બારડોલી પ્રકરણમાં ચરોતર અને એના કેન્દ્રભૂત નડિયાદે જે દેશસેવા કરી છે, એમાં ઉત્સાહ પરાક્રમ ધૈર્ય સંયમ બન્ધુસેવા, આદિ ઉદાત્ત ગુણોના આવિષ્કારથી ગૂજરાતના જીવનને વધારે તેજસ્વી કર્યું છે. અને જે ઉપાદાનકારણથી સાહિત્ય બને છે એમાં સત્ત્વ પ્રેરી, સાહિત્યપરિષદ મેળવવી એના કરતાં જરા પણ ન્યૂન નહિ એવી સાહિત્યસેવા આ બે વર્ષથી ચરોતર બજાવી રહ્યું છે, એ સેવા માટે એને ધન્યવાદ હો!

ઉદ્દેશવિચાર

આ મહાન સંસ્થાના મારા પૂર્વગામી પ્રમુખોએ પ્રમુખપદેથી ગુજરાતી પ્રાચીન અને અર્વાચીન સાહિત્યસમૃદ્ધિનાં, આપને આંખ ભરીને દર્શન કરાવ્યાં છે, તથા આપણા આગળના કર્તવ્યપથ ઉપર પુષ્કળ પ્રકાશનાં કિરણો નાંખ્યાં છે એમાં મારી નાની દીપિકા નહિ ઉમેરું. સહુ કોઈ જોઈ શકશે કે હવે પરિષદનો ઊર્મિકાળ બલ્કે પાંડિત્યકાળ પણ ગયો છે, અને કર્મકાળ – ઊર્મિથી નહિ પણ વિચારથી અને દૃઢતાથી કામ કરવાનો કાળ – આવ્યો છે. પાંડિત્યભર્યાં અનેક વ્યાખાનો થયાં. છતાં આપણે ઇચ્છીએ છીએ તેવો સાહિત્યવિકાસ થયો નથી. આપણા ભાઈઓ હવે કાંઈક કરવું એવા વિચાર ઉપર આવ્યા. આજકાલ તો વિચારથી કંટાળેલા જગતની જીવનના સર્વ પ્રદેશમાં પ્રભુ પ્રત્યે એક જ પ્રાર્થના થતી સાંભળીએ છીએ. “Knowledge we ask not – knowledge Thou hast lent, But, Lord, the will – there lies our bitter need, Give us to build above the deep intent The deed, the deed.” “The deed, the deed”: કાંઈક કરવું, એ ખરું પણ કર્મ વિનાનું જ્ઞાન જેમ પાંગળું છે તેમ જ્ઞાન વિનાનું કર્મ આંધળું છે. જ્ઞાનનો અત્યન્ત તિરસ્કાર જીવનના ઇતર પ્રદેશોમાં કદાચ નભે – જો કે ત્યાં પણ મને લાગે છે કે ન નભે – પણ આપણા આ મંડળના કાર્યમાં તો તે નિઃસંદેહ ન જ નભે. આપણું તો કર્મ જ્ઞાનથી ભરેલું જ હોઈ શકે, તેમ આપણા કર્મની રૂપરેખા ઉપર અસર કરે એટલું જ્ઞાન, એટલો વિચાર – તો આપણે પહેલો જ કરી લેવો જોઈએ. સાહિત્યપરિષદનું ઉદ્દેશ્ય – એના અસ્તિત્વનું પ્રયોજન શું? લગભગ પચીસ વર્ષ જૂની અને આઠ બેઠકો બેઠી ચૂકેલી એવી આ સંસ્થા માટે આ પ્રશ્ન ઘણાને પ્રથમ દૃષ્ટિએ કાલાતીત યાને અસૂરો – લાગશે. પણ વસ્તુતઃ જગજૂનું મનુષ્યજીવન જો એના ઉદ્દેશ્યના પ્રશ્નથી આજ પણ મુક્ત નથી, તો આપણી આ બાલ સંસ્થા – જેને કાંઈક ભાંગ્યું-તૂટ્યું બોલતાં આવડ્યું છે પણ ચાલતાં બિલકુલ નથી આવડ્યું, તેને માટે આપણે ચાલણગાડી કરી છે પણ તેમાં હજુ એને બેસતાં શીખવવાનું બાકી છે – એ બાલ સંસ્થાનો જીવનઉદ્દેશ વખતોવખત દેશકાલાનુસાર વિચારતો અને ઘડાતો આવે એ સ્વાભાવિક તેમજ આવશ્યક છે, એ ઉદ્દેશ સંબન્ધી અપૂર્ણ કે અસ્પષ્ટ વિચાર રહેવાથી આપણા ભાઈઓમાં એના કાર્ય વિષે વારંવાર આ પ્રશ્ન પુછાયા કરે છે કે સાહિત્ય પરિષદે આજસુધીમાં કર્યું શું? અને એ પ્રશ્નમાં હંમેશ જોડાએલું એક પ્રિય વિશેષણ સંભારીએ તો ‘સંગીન’ કાર્ય પરત્વે અશક્ય આશાઓ અને ખોટી કાર્યકલ્પનાઓ બંધાયા કરશે, અને સામસામા પવનથી આમ તેમ ખેંચાતા વહાણની માફક આપણી પરિષદ એનો માર્ગ કાપી શકશે નહિ. તે માટે (૧) પ્રથમ તો આપણે એક વાત એ સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે આપણે વખતોવખત શા સારુ મળીએ છીએ? સાહિત્યનો ઉત્કર્ષ સાધવા માટે કે સાહિત્ય લોકપ્રિય કરવા માટે? કે બંને માટે? બેમાંથી એક અમુક જ એમ ઝટ નિર્ણય કરી એ ઉદ્દેશ સાધવા આપણે તન મન ને ધનથી મચી શકીએ, અને એ ઉદ્દેશમાં જેટલા સાથે રહે તેટલા ખરા, પણ ન રહે તેટલા માટે હર્ષ શોકનું કારણ નહિ – એવી આત્મસંતોષની વૃત્તિ રાખી શકીએ. અથવા તો બેમાંથી એક જ નહિ, પણ બંને એમ પણ આપણે નિર્ણય કરી શકીએ. પરંતુ એમ કરવામાં સામસામા કારણથી અસંતોષનો ધૂમાળો અગ્નિ વખતોવખત સળગ્યા કરવાનો અને આપણા કૂંળા પ્રયત્નને બાળ્યા કરવાનો સંભવ છે. તે માટે કાર્ય કરવું હોય તો તેની સ્પષ્ટ રૂપરેખા દોરી લેવી જોઈએ અને તે માટે જે કાંઈ યોજના ઘડવી તથા અમલમાં મૂકવી પડે તે વિષે વિચાર અને નિર્ણય કરી લેવો જોઈએ. આમ કર્યા પછી અસંતોષતું કારણ નહિ રહે, અને રહેશે તો તે એટલું નિયમન કરવા કામ લાગશે કે જેથી વહાણ એક બાજુના ભારથી નમી ન પડે અને ઉભય તરફ સરખું વજન રહી સમતાથી ચાલે. (૨) બીજું – કાર્યની રૂપરેખા વિષે કાંઈ વિચાર કરતાં પહેલાં મતભેદનો એક બીજો વિષય પણ આપણે ચોખ્ખો કરી નાખવો જોઈએઃ સાહિત્યપરિષદે કેળવવાનું, પોષવાનું સંવર્ધવાનું સાહિત્ય કયું? સકલ વાઙ્મય, કે એનો એક પ્રદેશ કવિતા – નામ, શબ્દ અર્થ અને રસમાં આવિર્ભૂત થતી આત્માની કલા? અહીં પણ પાછો બે વચ્ચે વિકલ્પ – બેમાંથી એક પસંદ કરી લેવાનો પ્રસંગ – ઉત્પન્ન થાય છે, પણ તેમ ન કરતાં બેનો સમુચ્ચય – બંનેનો એક સાથે સ્વીકાર કરીએ તો શું? પરંતુ એમાંનું બીજું સંકુચિત અર્થમાં સાહિત્ય યાને કવિતા, એને સાહિત્યપરિષદ કેટલે અંશે ઉપજાવી શકે એ પણ એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે. (૩) ત્રીજું – પૂર્વોક્ત કાર્ય માટે સ્થાયી અને સુઘટિત એવી સંસ્થા રાખવી સારી કે પરિષદે પોતે પોતાના વિચારમન્ત્રી અને પ્રમુખ દ્વારા, અન્ય સ્થાયી સંસ્થાઓને જણાવી, એની પાસે કામ કરાવવું એ ઠીક? અહીં પણ પણ બે જુદી જુદી ભાવના સંભવે છેઃ એક ‘સદ્યોવધૂ’ની અને બીજી ‘બ્રહ્મવાદિની’ની અર્થાત્ એક મત એવો કે પરિષદે તરત ગૃહસ્થાશ્રમ માંડવો. એના ક્લેશ, કઠણાઈ અને કર્તવ્યભારથી ડરી ન જતાં, એને સુન્દર રીતે ધીરતાથી અને વીરતાથી ચલાવવો; બીજો મત એવો કે પરિષદે ગૃહસ્થાશ્રમની જંજાળમાં ન પડવું. ‘બ્રહ્મવાદિની’ રહેવું, ‘બ્રહ્મોદ્ય’ના સ્વતન્ત્ર કાર્યમાં જ સર્વ શક્તિ વાપરવી. મને લાગે છે કે પરિષદે પોતાના બંધારણનો કાયદો ઘડ્યો, પોતાનું મંડળ બાંધ્યું અને ધનપરિગ્રહ કર્યો ત્યારથી એનું સ્વતન્ત્ર છૂટું જીવન પૂરું થયું અને પ્રથમ પક્ષ જ હવે વિચારવાનો રહ્યો. પરંતુ ઉપનયનસંસ્કાર પામી ઝટઝટ બ્રહ્મચર્ય સંકેલી લઈ વિવાહિત થઈ જવું એ એક અન્તની કોટિ છે, તેમ યાવજ્જીવ બ્રહ્મવાદિની જ રહેવું એ બીજા અન્તની કોટિ છે. બે કોટિની વચ્ચે મધ્યમ પ્રતિપદા (મધ્યમ માર્ગ)એ છે કે બ્રહ્મચર્ય પળાઈ તદન્તર્ગત વિદ્યાભ્યાસ થઈ જાય એટલે સંસારમાં જોડાવું. પરિષદનો આ શાસ્ત્રોક્ત બીજો કાળ આવી ગયો છે એમ એનું વય (૨૩ વર્ષ) જોતાં માની શકાય. અને બ્રહ્મચારી કરતાં ગૃહસ્થાશ્રમી વધારે લોકોપકાર કરી શકે એ પણ સ્પષ્ટ છે. આ ત્રણે વિચારણીય પ્રશ્નોમાં સમુચ્ચયનું દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખી તેમજ એક એક પક્ષની મર્યાદા બતાવી મેં ગઈ પરિષદ વખતે પરિષદના કાર્ય સંબન્ધી જે ચર્ચા કરી હતી એનું સ્મરણ આપવામાં આપનો કાંઈક સમય લઉં તો તે ક્ષમા કરશો. મેં કહ્યું હતું: “અત્યાર સુધીમાં સાહિત્યપરિષદમાં નિબન્ધો ઘણા વંચાઈ ગયા, હવે તો સાહિત્યપરિષદે કાંઈ કામ કરી બતાવવું જોઈએ એવા ઉદ્ગાર આપણે ઘણીવાર સાંભળીએ છીએ, અને પરિષદની દૃષ્ટિ સંસ્થાઓ રચવા તરફ અત્યારે વળતી અને વાળવામાં આવતી આપણે જોઈએ છીએ. હાલનો જમાનો વિશેષતઃ યન્ત્રોનો, સંસ્થાઓનો છે. અને એ દ્વારા ઘણું કાર્ય થઈ શકે છે એ અમે માનીએ છીએ. પણ અનાજ ઓર્યા વિનાની ઘંટી ઘર્ષણ જ કર્યા કરે, એમાંથી લોટ નીકળે નહિ – એટલું ધ્યાનમાં રાખીને જ ઘંટી ફેરવવા અમારા ભાઈઓને અમારી વિનંતિ છે. કોઈ કહેશે કે અનાજ પણ ઘંટીમાં આકાશમાંથી ઊતરશે? અનાજ ઉત્પન્ન કરવા માટે પણ ખેતીની યાન્ત્રિક યોજના જરૂરની છે. આ કહેવું ખરું છે; પણ અર્ધું જ ખરું છે. મનુષ્ય જીવે છે – સુન્દરતાથી જીવે છે – તે માત્ર અનાજ ખાઈને જ નહિ; પણ સુન્દર વૃક્ષો ઉપરથી લચતાં ફળ ખાઈને પણ. એ ફળ ઘંટીમાં ઓરાતાં નથીઃ प्रीतिर्मधुररसार्द्रासु मञ्जरीष्विव जायते તેમ તે સાથે મનુષ્યને અનાજની પણ જરૂર છે. આ રીતે સાહિત્ય સૃષ્ટિના બે ભાગ પડે છેઃ એક અનાજ અને એક ફળ – એક યાન્ત્રિક યોજના યાને સંસ્થાઓ દ્વારા ઉત્પન્ન થતો જ્ઞાનરાશિ, અને બીજો નૈસર્ગિક રીતે કવિપ્રતિભાના કલ્પતરુ ઉપર ફળરૂપે જામતો રસપ્રવાહ. આ બેમાંથી રસપ્રવાહ ઉત્પન્ન કરવામાં પરિષદ બહુ ન કરી શકે, અને એ ન કરી શકે એમાં એની હીનતા પણ નથી, કારણ કે એ કાર્ય એના ઉદ્દેશમાં હોઈ જ ન શકે. એનું વિશેષ કાર્ય જ્ઞાનરાશિ ઉપજાવવાનું છે – જો કે જ્ઞાન અને રસ વચ્ચે જેટલો સંબંધ છે તેટલા પૂરતી જ્ઞાનની કરેલી સેવા રસને પણ ઉપકારક થાય છે. ઉપરની ઉપમા ફરી ઉપયોગમાં લઈને બોલીએ તો વનનાં ફળ પણ હવે બગીચામાં પ્રયત્નપૂર્વક ઉગાડીને વધારે રસીલાં અને સુન્દર બનાવવામાં આવે છે, તેટલા પૂરતી પરિષદ પણ કુશળ બાગવાનનું કામ કરે તો કવિપ્રતિભાનાં ફળને પણ તેવાં જ બનાવી શકે. પણ આ કાર્ય એને માટે હજી કઠણ છે, એનું વિશેષ કાર્ય જે જ્ઞાનરાશિ ઉપજાવવાનું તે પરિષદ વધારે સારી રીતે કરી શકે. પરિષદ આગળ બહોળાં અણખેડ્યાં ક્ષેત્ર પડ્યાં છે, અને અમે આશા રાખીએ છીએ કે એ ખેડવા માટે, એમાં ખાતર પૂરવા માટે, નાના નાના જમીનના કકડા એકઠા મેળવવા માટે, નવા કૂવા ખોદવા માટે, પાણીની નહેરો ખેતરમાં વાળવા માટે, ખેડૂતોનાં પરસ્પર સહાયક મંડળો રચવા માટે, પરિષદ વિશાળ અને વિવિધ યોજના પરિષદ આગળ રજૂ કરશે.” ગઈ પરિષદે પરિષદમંડળ સ્થાપીને અને તે સાથે પોતાનું અસ્તિત્વ અને નિયામક શક્તિ કાયમ રાખીને, યન્ત્ર અને જીવન બંનેનો સમન્વય કરવા પ્રયત્ન કર્યો છે. આ રીતે આપણે અત્યારસુધી અશરીરી રહેલા આત્માને શરીરી કર્યો છે, જેથી એ વિશેષ કાર્યસાધક થઈ શકે. (જૂની વાંચનમાળામાં “ત્રણ દૈત્યની વાત”માં ઉદકપ્રવાહના પુત્ર વરાળિયાની વાત સ્મરણમાં લાવવા જેવી છે.) આપ પૂછશો કે પરિષદના આત્માએ દેહ ધારણ કર્યા પછી શું શું કાર્ય કર્યું? પરિષદમંડળના આવેદનપત્રથી એ આપના જાણવામાં આવશે. પણ એટલા કાર્યથી આપને અસંતોષ રહેશે તો એ ‘દિવ્ય અસંતોષ’ અભ્યુદયનું જ બીજ છે એમ વિચારી અધિકારી મંડળ આનન્દ પામશે. પણ હું એક વાત આપને ધ્યાનમાં લેવા વીનવું છું. પરિષદમંડળ એટલે આપણે પોતે જ આપણે જો ધાર્યા જેટલી ગૂજરાતી સાહિત્યની સેવા કરી શક્યા નથી તો તેનું કારણ શું? આપણા આ ક્ષેત્રમાં તેમજ અન્ય દિશામાં અનેક પ્રયાસો ઢીલા પડે છે એ કોઈપણ સાચા દેશહિતચિન્તકને જણાયા વિના રહે એમ નથી. એનું કારણ જરા તપાસીએ.

સાહિત્યના ઉત્થાન માટે આવશ્યક જીવન

કવિ મિલ્ટને કહ્યું છે કે કવિ થવા માટે કવિનું જીવન એક કાવ્ય હોવું જોઈએ. અને એમ હોય તો વ્યષ્ટિસમાષ્ટિન્યાયે આ પણ સત્ય નથી કે જનસમાજના હૃદયમાંથી કાવ્ય ઉદ્ભવવા માટે જનસમાજ પોતે કાવ્યરૂપ હોવો જોઈએ? અને કાવ્યરૂપ હોવું એટલે ‘એપીક’, ‘ડ્રામેટીક’, ‘લીરીક’ ત્રણે તત્ત્વોથી ભરપૂર હોવું; અર્થાત્, એના જીવનમાં વીર અને અદ્ભુતપ્રધાન મહાકાવ્યના સર્ગો સર્જાવા જોઈએ, એનાં પાત્રોમાં વિશિષ્ટતા વિવિધતા અને અલૌકિક સંવિધાન ભર્યાં જીવનનાં નાટકો – અનુકરણ નહિ, પણ ભાવનાચિત્રો – પ્રકટ થવાં જોઈએ, તથા એનું હૃદય રસના ઉછાળાથી ઊભરાવું જોઈએ. આ અત્યારે આપણા જીવનમાં છે? આવું જીવન હોય અને તે પુષ્કળ હોય તો તેમાંથી સાહિત્યના ધોધ – કાંઈ નહિ તો જોસદાર ઝરણાં – વહ્યા વગર રહે નહિ, પણ તે વહે છે? આત્મજુગુપ્સાના દોષ વિના અને વિષાદને વશ થયા વિના, આપણે કહી શકીએ છીએ કે જગતને ચકિત કરે કે મોહ પમાડે એવી ભવ્યતા કે સુન્દરતા હજી આપણા જીવનમાં આવી નથી, આપણા જીવનમાં વિશિષ્ટતા કે વિવિધતા નથી, જે છે તે ઘણું સામાન્ય – ‘કોમનપ્લેસ’ – અને ‘એક તેવું બીજું’ જેવું છે. અને આપણી વૃત્તિઓ પણ નચિકેતાના બાપે યજ્ઞના દાનમાં આપી હતી તેવી દૂબળી ઘરડી અને વસૂકેલી ગાયો જેવી છે. આવી સ્થિતિમાં સાહિત્યની લક્ષ્મી – સાદો મરાઠી શબ્દ વાપરીએ તો ‘ભરભરાટી’ – ક્યાંથી સંભવે? અત્યાર સુધી તો મોહનિદ્રામાંથી જાગી, આંખો ચોળી, ઊંઘ ઉરાડી, આસપાસ દૃષ્ટિ ફેરવવામાં અને બહુ તો પથારીમાંથી ઊભા થવામાં આપણો વખત ગયો છે. પરાક્રમને પંથે તો પ્રજા હજી હવે જ ચઢે છે. ઉત્થાનકાળની ઝાડી અને ડુંગરાની કરાડોમાંથી પસાર થઈને શાન્તિની અધિત્યકાએ પહોંચ્યા વિના સાહિત્યનો યુગ જામતો નથી. જગતના સાહિત્યસમુલ્લાસના સુપ્રસિદ્ધ મહાન યુગો – જેવા કે યુરોપમાં ગ્રીસનો પેરિક્લિસ યુગ, રોમન સામ્રાજ્યનો વર્જિલ-હોરેસ યુગ, મધ્યયુગની મૂર્છામાંથી જાગતા ઈટાલિનો ડૅન્ટી – પેટ્રાર્ક યુગ, લાલ સફેદ ગુલાબનાં યુદ્ધથી ખુવાર થઈ ગયા પછી પરદેશી સાહિત્ય અને સ્વદેશી પરાક્રમના અમૃતસિંચનથી ફૂલ્યો-ફાલ્યો એલિઝાબેથ યુગ; અને આપણા દેશના ઇતિહાસમાં દૈવાસુરસંગ્રામમાંથી આર્યતાના જીવનની મૂર્તિ ઘડનાર રામાયણ અને મહાભારત યુગ, સંસ્કૃત અને પ્રાકૃતના સમુલ્લાસથી અંકિત ગુપ્ત યુગ, હર્ષવર્ધન યુગ, યશોવર્મા યુગ, રાષ્ટ્રકૂટ ચાલુક્ય અને પરમાર યુગ, અને અર્વાચીન સમયમાં આવતાં મોગલપાદશાહી અને હિન્દુપદપાદશાહીના ભાષાયુગ – ઇત્યાદિ સર્વ યુગો એક જ મહાન નિયમ પોકારી રહ્યા છે કે ક્ષોભ – મન્થન – વિગ્રહ એ વિના ખરી શાન્તિ નથી, અને શાન્તિ વિના સાહિત્ય નથી. આમ ક્ષોભ અને શાન્તિ ઉભય પરસ્પર વિરુદ્ધ દીસતાં કારણોમાંથી સાહિત્યનાં અમૃત નીકળે છે. જડ જર્જર જીવનનો નાશ એ જીવનના પુનરુલ્લાસ માટે આવશ્યક છે. પાન ખરે છે ત્યારે જ નવી કુંપળો ફૂટે છે. આમ જીવનની વિષમતા એ સાહિત્યની માતા બને છે. અત્યારે આપણા દેશનું જીવન એવી વિષમતામાંથી પસાર થઈ રહ્યું છે, અને એ વિષમતામાંથી પ્રજામાં જે નવજીવન પ્રકટ્યું છે – ભાઈ મુનશીનો શબ્દ વાપરું તો જે – ‘મૂલ્યપરિવર્તન’ (‘ચેય્ન્જ ઑફ વેલ્યુઝ’) થઈ રહ્યાં છે, એમાં જ આપણા ભવિષ્યના સાહિત્યની આશા રહેલી છે. આથી એમ ન સમજાવું જોઈએ કે આપણા જીવનનું વહાણું હજી હવે જ વાય છે. દુર્ગારામ મહેતાજીના સમયથી જે પહો ફાટવા માંડ્યો હતો એમાંથી હવે ધીમે ધીમે ‘અરુણું પ્રભાત’ થતું આવે છે, અને જીવનના જે પ્રદેશમાં જોશો તેમાં એ જીવનનો વિસ્તાર અને વિકાસ થતો જ અત્યારે નજરે આવશે. પરંતુ સ્મરણમાં રાખવું પડશે કે મનુષ્યજીવનનાં ઉત્સર્પણ એક સીધી લીટીમાં, ઊભી સીડીનાં પગથિયાં પેઠે કે આકાશમાં ચઢતા સૂર્યની પેઠે, એકસરખાં થતાં નથી. ઘણી વાર એનું દર્શન અને ઘણી વાર એનું વિનશન (લોપ) થાય છે. પણ એ વિનશનમાં આગળની ગતિ માટે બળસંચય થતો હોય છે. ભાવના પણ કેટલીક વાર દીપ્તિમંત તો કેટલીક વાર ઝાંખી થાય છે, તેમાં ઝાંખપનો કાળ એ ઘણી વાર વિશ્રામનો હોય છે, એટલે જેટલો વિશ્રામ તેટલી જ એમાં આગળ વધવાની તૈયારી વા કોઈ નવા માર્ગની શોધ ગૂઢ રીતે ચાલતી હોય છે.

ગઈ સાઠીની સાહિત્યપ્રવૃત્તિનું અવલોકન

મીરાંનાં પદ, નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં, પ્રેમાનન્દનાં આખ્યાન, સામળભટના છપ્પા અને વાર્તા, અખાની જ્ઞાનવાણી, ભોજા ભગતના ચાબખા, દયારામની ગરબીઓ, ઇત્યાદિ મધ્યકાલીન ગૂજરાતનું ઘેર ઘરે ગાવાતું અને પ્રેમથી સંગ્રહાતું સાહિત્ય છે. એના ગુણ અને ગુણની મર્યાદાનું ચિન્તન રસિક છે. પરંતુ એ સર્વ અત્યારે ‘દૈવતરૂપાંકિત’ યાને લક્ષ્મીપૂજનમાં પ્રતિષ્ઠિત થઈ ગએલું એવું સાહિત્યદ્રવ્ય છે, વ્યવહારમાં ઉપયોગી થાય – જેના આધાર ઉપર આપણા નવા જમાનાનો વહેવાર ખેડીએ – એવું એ દ્રવ્ય નથી. ભવિષ્યની આશા કેટલે અંશે સકારણ છે એનો જ્યાં વિચાર કરવાનો છે ત્યાં વર્તમાન સ્થિતિની જ સમાલોચના ઉપયોગી અને પ્રાસંગિક છે. તે માટે, એની ન્યૂનતાના કારણથી નહિ, પણ પ્રસ્તુત વિચાર માટે અનુપયોગિતાના કારણથી, એ જૂના સાહિત્યને રહેવા દઈ – આપણા અર્વાચીન સાહિત્યની ગઈ સાઠીના ઇતિહાસ ઉપર જ નજર ફેરવીએ. એ સાહિત્યને આપણે કાલક્રમના ત્રણ ખંડમાં વહેંચી શકીએ છીએઃ પહેલા ખંડનું ખાસ લક્ષણ જ્ઞાનવૃદ્ધ માટે સભાઓનું સંસ્થાપનઃ ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી, બુદ્ધિવર્ધક સભા, જ્ઞાનપ્રસારક સભા, ફૉર્બસ સભા, ઇત્યાદિ, અને એમાં ગુજરાતી સાહિત્યને સેવા કરનાર મહાપુરુષો ફૉર્બ્સ, ભોળાનાથ, મહીપતરામ, નન્દશંકર, દલપતરામ, નર્મદાશંકર, મનસુખરામ, રણછોડભાઈ, ઝવેરીલાલ, નવલરામ, વ્રજલાલ શાસ્ત્રી, ભગવાનલાલ ઇન્દ્રજી, ઇત્યાદિઃ એ પુરુષોને હાથે ઐતિહાસિક શોધ, કવિતા, નવલકથા, નાટક, તત્ત્વજ્ઞાન અને વિવેચનશાસ્ત્રના પાયા નંખાયા. એમાંના એક ભગવાનલાલ ઇન્દ્રજીનું સ્થાન તો પ્રાચીન શિલાલેખના શોધક અને અભ્યાસક તરીકે અર્વાચીન હિન્દુસ્થાનના મહાન વિદ્વાનોમાં છે. પરંતુ એ જમાનામાં અંગ્રેજીનો અભ્યાસ હાલ જેટલો વિશાળ ન હતો, અને જીવન હાલ કરતાં ઘણું ઓછું સંકુલ હોઈ એના વિચારમાં વિશેષ સાદાઈ હતી. એનું પ્રતિબિમ્બ તે વખતની કવિતામાં નાટકમાં તેમ જ નવલકથામાં આપણે જોઈએ છીએ. ઘડીકમાં સભાનું મનરંજન કરી દે એવી દલપતરામની કવિતા. નર્મદનાં સૃષ્ટિસૌન્દર્યનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો વિગતભર્યાં પણ મર્મગ્રાહી નહિ. એમનાં શૃંગાર વીર અને દેશભક્તિ રસના ઉછાળા તેમાં કૃત્રિમતા નહિ તેમ કલા પણ નહિ, માત્ર સીધો અને પ્રબળ આવેશ. “જયજય ગરવી ગૂજરાત! દીપે અરુણું પ્રભાત” એ ઉત્થાનિકામાં આપણી માતૃભૂમિની ઉચ્ચ, ઉદાર અને મનોહર સ્વરે જયઘોષણા, પણ તે પછી એ ઘોષણાના સ્વરને આકાશમાં ટકાવી રાખે એ બલવતી પ્રતિભા નહિ, ગુજરાતનાં ઇતિહાસ અને ભૂગોળ ઉદાત્તાલંકારથી જે કાંઈ ઊંચાં સ્મરણો કરાવી શકે તે કરાવીને, અન્તે ‘કોની કોની છે ગુજરાત’ એમ નિશાળિયાઓ એકે અવાજે ઉચ્ચારે એવું કથન. રણછોડભાઈના ‘લલિતાદુઃખદર્શક’ નાટકની કળા સહજ સમજી લેવાય એવી. ‘કરણઘેલો’ અને ‘વનરાજ ચાવડો’ એમાં, વિશેષરૂપે ‘કરણઘેલા’માં, ઐતિહાસિક સમયનું ચિત્ર સાદું અને સુન્દરઃ તથા તે વખતના આચારવિચાર તથા કોમળ સ્ત્રીપુરુષના મનોભાવના વર્ણનની શક્તિ સારી; અને સાદી પણ ઊંચવર્ણી, ભાષાનું બળ ધ્યાન ખેંચે એવું. નવલરામ ગુજરાતી ભાષાના વિદ્વાન, પણ એમની વિશિષ્ટતા સાહિત્યવિવેચનમાં. એમનામાં સાહિત્યના ગુણદોષ સમતોલબુદ્ધિથી પારખવાની અદ્ભુત સ્વાભાવિક શક્તિ, પણ બહુ વિશાળ સાહિત્યના જ્ઞાનથી એ સંસ્કાર પામેલી નહિ, તેમ વિશાળ બનેલી પણ નહિ; જેવું તે સમયનું સાહિત્ય, તેને અનુરૂપ એમની વિવેચના; પરંતુ તે સાથે આગામી સમય સમજવા જેટલી ઉદાર સહૃદયતા ખરી, અને તેથી ‘કુસુમમાળા’નું ગુણદર્શન. મનઃસુખરામભાઈનું વેદાન્ત તે ‘વિચારસાગર’, ‘પંચદેશી’ અને ‘શાંકરભાષ્ય’નો શબ્દાર્થ અને વાક્યાર્થ અને ‘સંપ્રદાયસિદ્ધ’, અર્થ જાણવા પૂરતું, અને એમની પિપાસા પણ સાંપ્રદાયિક જ્ઞાન માટે જ; પણ તે માટે ખરા હૃદયનો પ્રેમ અને આગ્રહ આ સમયમાં ઝવેરલાલભાઈએ ‘શાકુન્તલ’ અને ‘મનુસ્મૃતિ’નાં ભાષાન્તર કર્યાં, એની કિંમત આ માર્ગની આદ્ય કૃતિઓ તરીકે સારી. એ જમાનાના કાર્યની મારી આ વિહંગદૃષ્ટિથી આપને કદાચ લાગશે કે હું એની કદર કરવામાં મન્દ છું. પણ વસ્તુતઃ તેમ નથી. હું એટલી જ દૃઢતાથી માનું છું કે નર્મદાશંકરમાં સાચું હૃદયનું કવિત્વ હતું, કવિત્વના અનેક પ્રદેશમાંથી એમણે પોતાની શક્તિ પ્રસારી છે. એમના અનન્યસાધારણ કવિજીવન માટે, એમના નીડર સાંસારિક જીવન માટે, એમણે ઉત્તમ કાળમાં દર્શાવેલી વિરલ સત્યનિષ્ઠા અને ઐતિહાસિક દૃષ્ટિ માટે (પછી ભલે એમાં આપણે સંમત થઈએ વા ન થઈએ) તેમજ એકલ હાથે ગૂજરાતી ભાષાની એમણે કરેલી સેવા માટે મારું શિર એમને ચરણે નમે છે. દલપતરામની શાણી કવિતા – એનાં સાદાં સીધાં રમુજી વર્ણન, વાર્તાશૈલી અને મીઠો હાસ્યરસ મને આનન્દ આપે છે. સાદી ગુજરાતી ભાષા કેટલું કામ આપી શકે છે એ દલપતરામ અને નન્દશંકર જેવું કોઈએ બતાવ્યું નથી. નન્દશંકરનો કરણઘેલો આપણે આનન્દથી વાંચીએ છીએ, અને વર્તમાન સમયની સંકુલતાથી કંટાળેલા આપણે ઘણીવાર એ ભૂતકાળની સાદાઈ તરફ વળીએ છીએ – જેમ બ્રાઉનીંગ શૈલી કાર્લાઈલ કે મેરેડિથની ઊંડી ખીણોમાંથી નીકળી કોઈવાર ગોલ્ડ્સ્મિથ અને સ્કૉટની સપાટ ભૂમિમાં વિહરવાનું મન કરીએ તેમ. નવલરામની પારખ અને સમતોલપણું વિવેચનના કામમાં આજ પણ દુર્લભ છે. મનઃસુખરામે દેશી રાજ્યની ખટપટ અને જાહોજલાલીમાં વિચરતાં છતાં, વિદ્યા પ્રત્યે જે સાચો પ્રેમ અને આદર, સંસ્કૃત ઉપર અભિરુચિ અને શ્રમ, ભાષાનું વલણ તથા આવશ્યકતા સમજવામાં દીર્ઘદર્શિતા દર્શાવ્યાં છે એ ભુલાય એમ નથી. રણછોડભાઈએ સમયોચિત રસિક નાટકોથી ગૂજરાતમાં સંસારસુધારાના પ્રશ્નો જોવા પ્રજાને જાગૃત કરી હતી. હરગોવિન્દદાસભાઈ પ્રથમ ખંડના હોઈને એમનું કામ બીજા ખંડમાં થયું છે, એમનો સંસારસુધારાનો, કેળવણીનો, અને પ્રાચીન ગુજરાતી કાવ્યોનો શોખ સાચો અને પુષ્કળ છે, પણ એમાં વિચારની ઊંડી ગડમથલમાં એ ઊતર્યા નથી. પણ નાથાશંકરની સહાયતાથી અને મહારાજાશ્રી સયાજીરાવ તથા મણિભાઈ જશભાઈની ઉદાર રાજ્યનીતિના આશ્રયથી ‘પ્રાચીન ગુજરાતી કાવ્યમાળા’ પ્રસિદ્ધ કરવામાં એમણે જે શ્રમ ઉઠાવ્યો છે અને હજી પણ સ્વાશ્રયભાવે ઉઠાવે છે તે માટે ગુજરાત એમનું સદાનું ઋણી રહેશે. આ સર્વ લેખકોમાંથી હરગોવિન્દદાસ ઉપરાંત નર્મદાશંકર અને નવલરામ તે પછીના યુગ સાથે પોતાના યુગને સાંધે છે. આ બીજા યુગના સાહિત્યકારો તે ગોવર્ધનરામ, મણિલાલ, હરિલાલ, બાળાશંકર, નરસિંહરાવ, કેશવલાલ, ડાહ્યાભાઈ, નૃસિંહાચાર્ય, કમળાશંકર, ઇત્યાદિ અને એમના નાના ભાઈઓ – રમણભાઈ, મણિશંકર, કૃષ્ણલાલ, બળવંતરાય, કલાપી, વગેરે. આ યુગની મહાન કૃતિ ગોવર્ધનરામનું ‘સરસ્વતીચંદ્ર’ – પ્રાચીન આર્ય ભાવના, વર્તમાન જનસમાજ, અને પાશ્ચાત્ય અંગ્રેજી કેળવણીની અસર – એ ત્રિવેણીની ભમરીઓનું આપણને દર્શન કરાવે છે. એની અદ્ભુત કલ્પના, પાત્રાલેખન, અને ચિત્રણકલા, ગૌરવભરી બુદ્ધિ, સૂક્ષ્મ વિચારશક્તિ અને યુગાનુરૂપ ભાષા તથા શબ્દભંડાર, આ ગુણો ગૂજરાતી સાહિત્યના ઇતિહાસમાં એ મહાન કૃતિને અદ્વિતીય પદ અપાવે છે, અને મારા નમ્ર મત પ્રમાણે જગતના સાહિત્યમાં અત્યારે કોઈ પણ ગૂજરાતી પુસ્તકને સ્થાન મળવું યોગ્ય હોય તો તે ‘સરસ્વતીચન્દ્ર’ને જ છે. એ કૃતિ ગૂજરાતી સાહિત્યમાં – સંસ્કૃત સાહિત્યમાં ‘કાદમ્બરી’ની પેઠે – જો કે જુદા જ ગુણોથી – અમર રહેશે. છતાં પણ કહેવું જોઈએ કે આજે એ પુસ્તક વિષે બહુ બોલાતું લખાતું નથી, કારણ કે પ્રજાની સહૃદયતા કાંઈક બીજે માર્ગે વહેવા લાગી છે, જેમાં વિસ્તીર્ણ કથાનું સ્થાન ટૂંકી વાર્તાએ અને જ્ઞાનભરી કલાનું સ્થાન કેવળ કલાએ લીધું છે. અત્યારના વિવેચનશાસ્ત્રમાં વિચાર કરતાં કલાની સમરેખતા, અને ભાવના કરતાં યથાસ્થિત જીવન વધારે પસંદ થાય છે. જો કે ‘સરસ્વતીચન્દ્ર’માં પૂરેલા, ભાવનાના જગતમાં વિરહતા, મનુષ્યહૃદયની વૃત્તિઓના રંગ કદી પણ ઝાંખા પડશે નહિ, તથાપિ એની વિચારમાલાનાં ફૂલ હવે વાશી થવા લાગ્યાં છે એમ ઘણાને જણાય છે. નરસિંહરાવે ‘કુસમમાળા’માં ગૂજરાતને એક નવી જ ભૂમિનું દર્શન કરાવ્યું. અને ગુજરાતમાં જો કીટ્સ જેવો કવિ હોત તો ચૅપમેનનો હોમર વાંચીને એના મનમાં સ્ફુરેલા ભાવ એક સૉનેટમાં જેમ એણે અમર કર્યા છે તેમ આપણો કવિ કરત. માત્ર એ ભૂમિના લાક્ષણિક સ્વરૂપમાં ભવ્યતાને બદલે સૌન્દર્ય એ જુદી વાત. ‘કુસુમમાળા’ એક અપૂર્વ કૃતિ છે અને નથીઃ એ સર્વથા અપૂર્વ પ્રતિભાથી સર્જાયેલી નથી. એમાં પશ્ચિમની કવિતાનું, વિશેષ ભાગે પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ની ચોથી કરંડિકાની કવિતાનું, અને તેમાં સહુથી વિશેષ વર્ડ્ઝવર્થના કવિહૃદયનું, અનુકરણ છે. અનુકરણ છે, પણ તે અનુવાદ નથી. અર્થાત્ એ નિર્જીવ પરાધીન ફોટોગ્રાફ નથી, પણ મૂળમાંથી પ્રેરણા પામી ઉપજાવેલું સ્વતન્ત્ર જીવતું ચિત્ર છે. પણ હજી આ કૃતિમાં આગલા જમાનાની સાદાઈ છે. ‘કુસુમમાળા’માં પ્રકટ થએલી નાનીશી શક્તિ ‘હૃદયવીણા’માં અને ‘નૂપુરઝંકાર’માં વધારે સમર્થ થાય છે. નવા આકાર પણ રચે છે. તે પછી કવિએ ‘સ્મરણસંહિતા’માં ટેનિસનના ‘ઇન્મેમોરિયમ’ની માત્ર આકૃતિ લઈ એમાં સ્વતન્ત્ર બળથી જ્ઞાન, શ્રદ્ધા અને કરુણરસની ત્રિવેણી વહેવરાવી છે. નરસિંહરાવની ‘કુસુમમાળા’ અને ‘હૃદયવીણા’ એ બે કૃતિઓએ એમના પાછળના ઘણા નાના મોટા કવિઓમાં કવિતા પૂરી છે. આ સર્વ હોઈને પણ, એમની કવિતાનું સ્વરૂપ અને ભાષાની વિશિષ્ટતા એવી છે કે એ સર્વને આકર્ષક ન થાય, જો કે જેને થાય તેને મુગ્ધ કરી મૂકે. નરસિંહરાવની કવિતામાં વિચાર કે ભાવનું વૈવિધ્ય, હૃદયનો જોસ કે નર્માળી આનન્દવૃત્તિ એ ગુણોની ખોટ છે. આ જાતની આનન્દવૃત્તિ જે ઊંચી કવિતા કરતાં ગદ્યને વધારે શોભે એ ‘સ્મરણમુકુર’માં ભરપૂર ભરેલી છે. પણ એ સ્વાનુભવરસિક કવિમાં સામાના હૃદયનું ભાન થોડું હોઈ અજાણ્યે એમણે કેટલાંક હૃદયને દુભવ્યાં છે, અને તેથી સાહિત્યના એક વિશિષ્ટ પ્રકાર તરીકે એની કિંમત ઊંચી હોવા છતાં એની પૂરી કદર થવામાં વાંધો આવ્યો છે. ‘વસન્ત’માં પ્રકટ થતી ‘વિવર્તલીલા’ ગંભીર આકાશમાં સ્વચ્છન્દે ઊડતા વિચારપંખીઓની શ્રેણિ છે. એ ઉપરાંત અભિનય સંગીત આદિ ઉપરના એમના નિબન્ધગ્રન્થ તે તે વિષયનો પૂરો અભ્યાસ બતાવે છે. નરસિંહરાવની સાહિત્યકાર તરીકે જેઓ ઊંચી કદર કરતા નથી તે પણ એક ઊંચા ભાષાશાસ્ત્રી તરીકે અને જોડણીના આગ્રહી આચાર્ય તરીકે એમને સ્વીકારે છે, અને વિવાદમાં એમની બુદ્ધિની એવી ઝીણવટ અને ચોકસાઈ છે કે એમને પહોંચી વળવું એ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષમાં જીવન ગાળતા કાશીના પંડિતને પણ ભારે પડે. મણિલાલને બાહ્ય પ્રકૃતિ આકર્ષતી ન હતીઃ ‘કુસુમમાળા’નાં કુસુમો એમને નિર્ગન્ધ વિલાયતી ફૂલ લાગ્યાં. કારણ એ હતું કે એમની કાવ્યરુચિ મનુષ્યહૃદયના ભાવ ઉપર જ હતી. અને એ ભાવમાં પણ પ્રેમ, પ્રેમના ઘા, પ્રેમની ઠગાઈ સાચાઈ નિખાલસપણું, નિર્વેદ, આત્મનિમજ્જન, અભેદપિપાસા એમાં જ એમનું કવિહૃદય ડૂબેલું રહેતું એમણે એ એકતારા ઉપર જ કામ કર્યું છે, અને તે થોડું કર્યું છે, પણ જેટલું કર્યું છે તેટલું હૃદયવેધક છે. કવિ તરીકેની એમની ખામી એમની વિવેચકદૃષ્ટિમાં પણ ઊતરી છે. ગૂજરાતના સાહિત્યના ઇતિહાસમાં એમનું સ્મરણ કવિ કે વિવેચક તરીકે નહિ – જો કે એમનાં કેટલાંક કાવ્યો અને વિવેચનો ચિરાયુ રહે એવાં છે – પણ એક મહાન તત્ત્વજ્ઞાની અને સમર્થ ગદ્યકાર તરીકે રહેશે. એમનાથી દશ પંદર વર્ષ પછીનો અમારો જમાનો – બલ્કે ફિલૉસોફિના તે વખતના ગ્રૅજ્યુએટો પણ હજી મિલના જનહિતવાદમાં અને બુદ્ધિવાદમાં ભરાઈ રહ્યા હતા. તે વખતે મણિલાલે ‘નિઓ-હેગેલિયનિઝમ’ યાને અભિનવ હેગલના તત્ત્વજ્ઞાનનું પાન કરી લીધું હતું, અને એમનું અભિનવ વેદાન્ત ગૂજરાતને પાઈ રહ્યા હતા. એમના પહેલાંના ગદ્યસાહિત્યમાં, નર્મદાશંકર અને નવલરામની ભાષામાં કેટલીક ખૂબી હતી, પણ અદ્ભુત બળ વીર્ય અને અભિમાનભરી મણિલાલની ગદ્યશૈલી ગૂજરાતી ભાષામાં એકલી જ વિરાજે છે. સુફી હૃદયનો અને સુફી કાવ્યનો ગૂજરાતને પરિચય કરાવનાર કવિ બાળાશંકર, મણિલાલના એ મિત્ર, અને મણિલાલને સુફી ગઝલનો શોખ લગાડનાર પણ એ જ. જાત અનુભવ અને દિલદર્દથી એમની કવિતા અંકાયેલી છે. હરિલાલ ધ્રુવની સાહિત્યસેવા જુદા જ પ્રકારની છે. ભાષાની કર્કશતા, સંગીતની વિષમતા, એ એમની કવિતાના દોષો છે, તેમ તે ગુણ પણ છે. એ ગુણોએ જ એમના કાવ્યમાં અનન્યસાધારણ જુસ્સો પૂર્યો છે. એમનો દેશભક્તિનો વેગ નર્મદાશંકરનું સ્મરણ કરાવે છે, પણ એમના કરતાં એ બહુ આગળ જાય છે. જેમ બાયરનના પુષ્કળ લખાણમાંથી ચિરસ્થાયી થાય એવું થોડું જ રહે છે. તેમ હરિલાલ ધ્રુવના કાવ્યકુંજમાંથી સૂકી ગૂંચવાએલી લતાઓ ઘણી નીકળી જશે; છતાં છેવટે કેટલીક ડાળીઓ રહેશે, જે દેશભક્તિના રસથી ઉછળતી સદા ઝૂલ્યાં કરશે. આ યુગના બીજા સાહિત્યસેવકોમાં ભીમરાવ, કેશવલાલ, ડાહ્યાભાઈ, છગનલાલ, નરસિંહાચાર્ય, કમળાશંકર, અને વયમાં પછીના યુગના હોઈને પણ પૂર્ણયુગના ઉત્તરાર્ધમાં જેમણે સાહિત્યસેવા કરી છે એવા નગીનદાસ સંઘવી, એમાં ડાહ્યાભાઈનું “બુલબુલ” એના હૃદયના આવેશથી નિખાલસ ઉદ્ગારથી અને લલિત પદાવલીથી અને ભીમરાવનું ‘આ અણગણ તારાવૃન્દ દીપે શ્યામ નિશામાં’ ઇત્યાદિ સુરપાળની છાવણીનું ચિત્ર એની મર્મગ્રાહી ભવ્યતા અને વિષયાનુરૂપ પદ્યબન્ધથી મન હરે છે. એ કાવ્યના કવિઓએ એમની અન્ય કૃતિઓ હોઈને પણ – એક એક કાવ્ય થકી જ ગૂજરાતી સાહિત્યમાં ચિરંતન સ્થાન પ્રાપ્ત કર્યું છે. દોલતરામની પ્રભાવશાલી સંસ્કૃત સરણિ અને નગીનદાસ સંઘવીની દલપતશાહી છતાં સંસ્કૃત પાંડિત્યવાળી કવિતા એ પણ આ યુગમાં ધ્યાન ખેંચે છે. નૃસિંહાચાર્યે નવી કેળવણીના ધોરી માર્ગથી જુદી જ શ્રેણિએ કામ કર્યું છે. સામાન્ય તેમજ કાંઈક વિચારશીલ જનની ધાર્મિક તૃષા છીપાવે, અને વર્તમાન જમાનાના વહેણમાં ન તણાતાં કુશળ રીતે સંસાર ચલાવવાનો સ્ત્રીઓને પણ માર્ગ બતાવે, એવા વાર્તાનિબન્ધો સાદી ભાષામાં અને આકર્ષક સ્વરૂપમાં એમણે લખ્યા છે. મણિલાલ પેઠે એ પણ આપણા જનસમાજને પ્રાચીન સંસ્કૃતિ તરફ વાળવા યત્ન કરે છે, પણ તે મણિલાલ કરતાં વધારે મીઠાશથી, પણ ઓછા વિદ્યાબળથી અને ઓછા ભાષાબળથી. કમળાશંકરભાઈની શિષ્ટતા અને પ્રતિષ્ઠા અસાધારણ છે, પણ એમની સાહિત્યસેવા ઘણે ભાગે સંસ્કૃતને કરવામાં આવી છે અને તેથી ગૂજરાતી વાચકનું ધ્યાન એણે ઘણું ખેંચ્યું નથી. પણ એમની વિદ્વત્તાએ સંસ્કૃત વિદ્યાને કરેલી સેવાથી હિન્દુસ્તાનના વર્તમાન વિદ્વાનોમાં ગૂજરાતને અભિમાન લેવા યોગ્ય સ્થાન અપાવ્યું છે તે માટે ગૂજરાત એમનું ઋણી છે – કેળવણીકાર તરીકે પણ ગૂજરાતમાં એમનું સ્થાન મોટું છે. ડોળ નહિ પણ સત્ય; ગતાનુગતિકતા નહિ પણ સ્વમતમાં દૃઢતા; શિષ્ટતા, પણ તે સાથે પુરાણાપણું કાંઈક વિશેષ, જમાનાને રુચે તે કરતાં વધારે; પણ સર્વમાં સત્યનિષ્ઠાઃ એ એમની ખાસિયતો. ભાષાન્તરકાર તરીકે છગનલાલ અને કેશવલાલે મણિલાલ કરતાં અધિક યશ પ્રાપ્ત કર્યો છે. છગનલાલનું ‘કાદમ્બરી’નું ભાષાન્તર એ ગૂજરાતી ભાષાનું મહાન પરાક્રમ છે. કેશવલાલ બીજા ખંડના હોઈને પણ એમનું ઘણુંખરું કાર્ય એના ઉત્તરાર્ધમાં અને ત્રીજા ખંડમાં થયું છે. છતાં એની અત્રે જ નોંધ કરી લેવી ઠીક પડશે, ભાષાન્તર એ નિશાળિયાનો તરજુમો નથી પણ સાહિત્યનો એક માનવંતો પ્રકાર છે એનું ભાન પૂરેપૂરું ગુજરાતી વાચકને કેશવલાલભાઈએ જ કરાવ્યું છે. એમની ભાષાન્તરપ્રવૃત્તિ ‘અમરુશતક’ અને ‘ગીતગોવિન્દ’થી શરૂ થઈ ‘મુદ્રારાક્ષસ’, ‘વિક્રમોર્વશીય’, ‘પ્રિયદર્શિકા’ અને ભાસનાં નાટકો ઉપર ફરી વળી છે. એમાં યથાર્થ શબ્દશક્તિ, અને નાટકોનું સૂક્ષ્મ સંશોધન, તથા ઉપોદ્ઘાત માટે પુષ્કળ શોધ અને શ્રમ એ એમની કૃતિનાં લક્ષણ છે. આ ઉપરાંત પ્રાચીન ગૂજરાતીનો અભ્યાસ, એને લગતી શોધખોળ, નિર્જીવ કવિના કાવ્યની એક હસ્તલિખિત પ્રત જડતાં પણ ‘એક માત્રાલાઘવથી પુત્રોત્સવ માનનાર વૈયાકરણ’ જેટલો આનન્દ – આ એમના મોટા ગુણો છે. આ બીજી પ્રવૃત્તિમાં કેશવલાલભાઈ સાથે ડાહ્યાભાઈનો સહયોગ પણ ચાલુ જ છે. બીજા જમાનાના નાના ભાઈઓમાં, નવલરામનું સ્થાન રમણભાઈએ લીધું. નવલરામની સુન્દર વિવેચકબુદ્ધિ તેમજ સીધી વિશદ ભાષા રમણભાઈમાં આવી. પણ નવલરામ કરતાં રમણભાઈની વિદ્વત્તા ઘણી વધારે, તેથી એમનાં વિવેચન વધારે ઊંડાં, વિશાળ, અને ઉદાહરણથી સંપન્ન; અને ભાષાની સંસ્કૃતિ પણ વધારે ઊંચી; તથા શબ્દભંડાર વધારે મોટો; પણ રમણભાઈની વિવેચનશક્તિની કદર એમના યુવાવસ્થાના લેખોથી થાય છે એમાં કાંઈ ભૂલ દેખાય છે. એ લેખો અમુક પ્રકારની જ કવિતાથી પ્રેરાયા હતા, અને તેટલા પૂરતી એમની કવિતાની કસોટી એકદેશી થઈ છે. પાશ્ચાત્ય વિવેચનનાં તત્ત્વોની પોતાની બુદ્ધિમાં મિલાવટ, અને આપણા સાહિત્યના ઉદાહરણથી એની પરિપુષ્ટિ, એ એમનાં વિવેચનોનો વિશિષ્ટ ગુણ હતો. અને તેથી વર્તમાન જમાનાના વિવેચકોમાં એ આજસુધી પ્રથમ સ્થાને રહ્યા છે. રમણભાઈની પ્રકૃતિ ગંભીર સંસ્કારી અને શિષ્ટ હતી, અને તદનુસાર એમની સાહિત્યસેવા પણ એ જ પ્રકારની છે. ‘રાઈનો પર્વત’ વર્તમાન શિષ્ટ નાટકોમાં સર્વોત્તમ છે. ભાવના અને વાસ્તવિકતાનો એમાં વિરલ સંયોગ છે. પણ શિષ્ટતાની બહુ દરકાર ન કરનારો વર્ગ ‘ભદ્રંભદ્ર’ને જ ઊંચું પદ આપશે. ‘ભદ્રંભદ્ર’ એ અત્યુક્તિદ્વારા ઉપજાવાતા હાસ્યરસના પ્રકારનું આપણા સાહિત્યમાં એકનું એક ઉદાહરણ છે. ‘ગોલ્ડન ટ્રેઝરી’નું સ્મરણ જેમ નરસિંહરાવે કરાવ્યું તેમ ‘પિકવિક પેપર્સ’નું રમણભાઈએ કરાવ્યું. પણ એથી એ મહાન સાહિત્યકારોની હીનતા સમજવાની નથી. કારણ કે શેક્સપિયર, ટેનિસન, વગેરે અગણિત કવિઓ એ જ રીતે અન્ય કવિઓમાંથી પ્રેરણા લઈને કવિઓ બન્યા છે, છતાં એમની પ્રતિષ્ઠા ઓછી ગણાઈ નથી. રમણભાઈ સાથે બળવંતરાય અને મણિશંકરનાં નામ ઉપસ્થિત થાય છે. મણિશંકરનાં ‘વસન્તવિજય’ ‘સાગર અને શશી’ વગેરે કાવ્યો સુરેખ સૌન્દર્યના કટકા છે. એમાં શબ્દની અને અર્થની સુન્દરતા એક બીજા સાથે એવી મળી – ભળી છે કે એમને છૂટી પાડવી અશક્ય છે. એમણે સંગીતકલ્પ કાવ્યની સૂચના નરસિંહરાવમાંથી લીધી; સામે, ‘વસન્તવિજય’ની અપૂર્વ આકૃતિને ‘હૃદયવીણા’ના કવિએ અનુકરણનું માન આપ્યું. ‘થોડું પણ તે અતીવ સુન્દર’ એટલા શબ્દો ‘કાન્ત’ની મનોહર કાવ્યવૃત્તિ ઉપર સદા લખાયેલા રહેશે. એમના ધાર્મિક પરિવર્તને એમની કવિત્વશક્તિમાં વધારો ન કર્યોઃ એ સમયનાં કાવ્યોમાંથી થોડાંજ ચિરંજીવ રહે એવાં છે. બળવંતરાય ઠાકોર જેવી અનેકપ્રદેશસંચારી બુદ્ધિ નરસિંહરાવ અને રમણભાઈને બાદ કરતાં કોઈની જ નથી. કાવ્ય, નાટક, ગદ્ય, નિબન્ધ, ઇતિહાસ, વિવેચન, આદિ વાઙ્મયની ઘણી શાખામાં એમણે ગૂજરાતની સેવા કરી છે. પ્રૉફેસરને શોભતો વિચારનો પરિપાક એ એમની બુદ્ધિનું ખાસ લક્ષણ છે. એમનાં કાવ્યોમાં એના બંધારણને અનુકૂળ અસાધારણ અર્થગૌરવ હોય છે, અને કલાની ‘ટેક્નિક’ પારિભાષિક વિગત – ઉપર પુષ્કળ લક્ષ્ય દેવાય છે. પણ એમનાં કાવ્યમાં મોહકતા થોડી છે – એમનો રસ દ્રાક્ષનો નહિ પણ શેરડીનો છે. કલા ઉપર પુષ્કળ લક્ષ્ય છતાં, એમનો ઉદ્દંડ વિલક્ષણતાનો પ્રેમ એવો છે કે એને પરિણામે એમની કૃતિઓ ઘણીવાર વિષમ બને છે, અને ચૂંટી ચૂંટીને મૂકેલા અર્થભર્યા સુન્દર શબ્દોને અન્તે કે વચમાં એકાદ બેડોળ શબ્દ આવીને બેઠો હોય છે. પણ બળવંતરાય જે કરે છે તે બુદ્ધિપૂર્વક કરે છેઃ એમની ખામીઓ પણ પોતે જાણી જોઈને ગુણ માનીને ઉત્પન્ન કરેલી હોય છે. ‘કલાપી’ – ઠાકોરશ્રી સુરસિંહજી – મણિલાલ અને મણિશંકરમાંથી પ્રેરણા પામ્યા છે. પોતે સ્વભાવે નમ્ર અને ઉમદા હોઈ એ પ્રેરણા લેતાં સંકોચાયા નથી, પણ વસ્તુતઃ કવિત્વનો સ્ફુલિંગ એમનો પોતાનો જ છે, અને પ્રેમ, વિશ્વાસ, સ્વાર્પણ, અનુકમ્પા, – આદિ આત્મગુણના અનેક ટહુકા ‘સુરતાની વાડી’ના એ ‘મીઠા મોરલા’ને કંઠેથી નીકળ્યા છે. એમની ભાષામાં વિદ્યાનો સંસ્કાર નથી, પણ સાચી સીધી સાદી વાણીનો પ્રસાદ મન હરે છે. ‘કલાપી’ના મંડળના ‘જટિલ’ અને ત્રિભુવન પ્રેમશંકર અહીં યાદ આવે છે. જટિલના અકાળ અવસાનથી ગૂજરાતે એક આશાજનક કવિ અને એથી પણ વિશેષ વિવેચક ખોયો છે, જો કે નવું ગૂજરાત કદાચ એમને ઓળખતું પણ નહિ હોય. ત્રિભુવન એક મસ્ત કવિ હતા. તે વખતના બીજા સૌરાષ્ટ્રવાસી સેવકોમાં ‘કાઠિયાવાડી’એ ગૂજરાતને એમર્સનના નિબન્ધો અને શેક્સપિયરનાં કેટલાંક નાટકો ગૂજરાતીમાં ઉતારીને આપણા સાહિત્યની બહુ કિંમતી સેવા કરી છે. તેવું જ એક સ્મરણીય નામ જો કે સાહિત્યના જુદા જ ક્ષેત્રમાં અમૃતલાલ પઢિયારનું છે. સામાન્ય મનુષ્યજીવનને ઉચ્ચતર કરવા માટે એ ખરા હૃદયથી તલસતા હતા, અને યથાશક્તિ એમની સાધુ વાણીથી એ માર્ગે સેવા કરતા હતા. આ સમયના ઉત્તરાર્ધના સાહિત્યકારમાં કૃષ્ણલાલની સાહિત્યસેવા સહુ કરતાં જુદા જ પ્રકારની છે. પણ એ કાર્ય આ સાઠીના ત્રીજા ખંડમાં થયું છે. ગૂજરાતના અત્યાર સુધીના સહુ સાક્ષરોમાં એમણે એકલાએ જ ગુજરાતના સાહિત્યનો પરિચય પરદેશી અને પરપ્રાન્તી વાચકોની કરાવ્યો છે, અને એ રીતે ગૂજરાતી સાહિત્યની પ્રતિષ્ઠા વધારી છે. ત્રીજા ખંડના સાહિત્ય ઉપર આવતાં પ્રથમ નામસ્મરણ આ મહાન સંસ્થાના આદ્યસ્થાપક રણજીતરામનું કરવાનું છે. એ અને એમના ઉત્સાહી સહયોગી ઠાકોરલાલ મારે ઘેર ગોવર્ધનભાઈને મળવા આવ્યા અને સાહિત્યપરિષદની યોજના વિષે વાત કરી ત્યારે અમે વૃદ્ધજનોએ (? હવે મને યાદ આવે છે કે હું તો ૩૫ વર્ષનો જ હતો!) અમારી લાક્ષણિક રીતે એમના ઉત્સાહ ઉપર કેટલું ટાઢું પાણી રેડ્યું હતું, એ જે જાણશે તે જ એ યુવકભાઈઓની સેવાનું પૂરું માપ લઈ શકશે. રણજીતરામ એટલે તે સમયના ‘ગૂજરાતની ભાવના.’ બીજા ખંડના ઉત્તરાર્ધમાં અને ત્રીજાના પૂર્વાર્ધમાં ગૂજરાતી વાચકને એમની અપૂર્વ પ્રતિભા અને શૈલીથી ચકિત કરનાર કવિ તે નાનાલાલ. એમની છન્દ વિનાની કવિતાથી મૂંઝાએલું ગૂજરાત પણ એમના રાસને ગરબે ચઢ્યું છે, અને અર્થસૌન્દર્ય, શબ્દમાધુર્ય, અને ભાવનાપ્રકર્ષના વિરલ સંયોગથી નાનાલાલે રાસનું એક અનેરું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. બે વર્ષ ઉપર એ કવિના આયુષ્યનો સુવર્ણમહોત્સવ ઊજવીને ગુજરાતે એમના કવિત્વની પૂરી કદર કરી છે. નાનાલાલ જેટલા ‘તેજે ઘડ્યા’ શબ્દો ગૂજરાતી ભાષાને કોઈએ આપ્યા નથી. દેશભક્તિ અને આર્યસંસ્કૃતિનો પ્રેમ એમની કૃતિઓમાં વ્યાપી રહ્યો છે. પ્રાચીન અને મધ્યકાલીન સૌરાષ્ટ્ર અને ગુજરાતનું જીવન એમણે તન્મયતાથી પ્રત્યક્ષ કર્યું છે. લગ્નની વિશુદ્ધ ભાવના એમણે તેજસ્વી રંગે રંગી છે. અને ભાવનાના જીવનનો મધુર રસ એમનાં નાટકોમાં અને રાસમાં ગુજરાતને ખૂબ પાયો છે. નાટકોમાં એમની ભાવનાની પ્રેરણા ગોવર્ધનરામમાંથી આવેલી લાગે છે, પણ ગોવર્ધનરામ નવલકથાકાર હોઈ ભાવનાનાં ગિરિશૃંગ ઉપરથી જીવનની વાસ્તવિક ભૂમિ ઉપર પણ ઊતરે છે, કવિ નાનાલાલ હમેશાં હિમાલયને શિખરે જ વસે છે. એમની કવિતા ‘તેજે ઘડ્યાં મુજ અંગ’ એમ જગતને કહી શકે છે, પણ એમાં પાર્થિવ અંશની જેટલી ખોટ છે તેટલી એની મનુષ્યજીવનથી વિદૂરતા છે. એમના કવિહૃદયમાં દૈવી તેજ પુષ્કળ છે, મનુષ્યહૃદયનો જુસ્સો થોડો છે, જો કે ભાવનાબળ અમાપ છેઃ એ જ એમની કવિતાનો ગુણ અને એની ખામી. કવિતા ઉપરાંત ગૂજરાતી સાહિત્યની એમણે બીજી મોટી સેવા એ કરી છે કે કેટલાક જૂના કવિઓ અને ઇતિહાસોનાં ચિત્રો ઉપરથી ધૂળ ખંખેરી એને ઉજ્જવળ કરી ગુજરાત આગળ મૂક્યાં છે. ખબરદારના આદ્યગુરુ એક મલબારી અને બીજા પારસીભાઈઓના પ્રિય કવિ દલપતરામ. દલપતરામનો પ્રિય છંદ મનહર ખબરદારને પણ પ્રિય છે. સૃષ્ટિસૌન્દર્યની એમની કવિતા, આરંભમાં એમાં ઊંડો ભાવ શોધનારને બહુ પસંદ પડે એવી નહોતી. પણ નવા જમાનાનો શોખ એ તરત જ સમજી ગયા, અને એમનાં પછીનાં કાવ્યો ગુજરાતને બહુ ગમ્યાં છે. સાદી ભાષાથી કામ કરવાની એમની શક્તિ એમણે પૂરેપૂરી ખીલવી છે. એમનો અંગ્રેજી કવિતાનો પરિચય પણ સારો છે, અને બળવંતરાયની માફક એમણે પણ છન્દોવિચિત ઉપર સારી પેઠે ધ્યાન દીધું છે. પણ એમની સર્વોત્કૃષ્ટ સેવા આ છે કે એમણે હિન્દનો વર્તમાન પ્રજાયુદ્ધનો ધ્વનિ બહુ જોસ અને આદરપૂર્વક ઝીલ્યો છે, તથા એનાં રણગીત ગાયાં છે, જેમાંના કેટલાક ગૂજરાતી સાહિત્યની કિંમતી સમૃદ્ધિ થઈ પડશે. વીર અને શૃંગારથી ભરપૂર કાવ્યો લખવા ઉપરાંત કોન્ગ્રેસના આદિકાળનાં પ્રજાગીત જેમ હરિલાલ ધ્રુવે ગાયાં; વિશિષ્ટ પ્રકારનાં સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક ઊર્મિગીત અને ખંડકાવ્યની કુસુમાંજલિ ગૂજરાતને અર્પવા ઉપરાંત બંગાળાની સ્વરાજ્ય અને સ્વદેશી જાગૃતિનાં ગીત જેમ મગનભાઈએ ગાયાં; તેમ અન્ય કાવ્યપ્રવૃત્તિ ચાલતી રાખીને ગાંધીજીના સમયમાં પ્રજાગીત ખબરદારે ગાયાં. પણ જે એક કાવ્યથી ખબરદારની કીર્તિ ગુર્જરસાહિત્યમાં સદા ઝળકતી રહેશે તે વીસ વર્ષ ઉપર મુંબાઈની સાહિત્યપરિષદ વખતે એમણે સર્જેલું “ગુણવંતી ગુજરાત.” ગુર્જર માતાને કંઠે ધરેલી એ પુષ્પમાળ કદી કરમાશે નહિ. નાનાલાલ અને ખબરદાર એ બીજા જમાનાના ઉત્તરાર્ધમાંથી ત્રીજા જમાનાના પૂર્વાર્ધમાં ઊતરી આવેલા કવિઓ છે. અને એમની કાવ્યપ્રવૃત્તિ પહેલાં કરતાં ઊતરતી વા મન્દ, પણ હજી ચાલતી, છે. ત્રીજા જમાનામાં ‘લલિત’ના મંજીરાનો મંજુલ ધ્વનિ આપણે સાંભળીએ છીએ, ગૃહજીવનની પવિત્રતા અને બાલોદ્યાનની સુન્દરતા ગાનાર અને એમાં પ્રભુનાં દર્શન કરાવનાર આ નાના કવિની કદર હજી ગૂજરાતે જોઈએ તેવી કરી નથી. પણ ‘મઢૂલી પેલે તીર’ એટલા અંગુલિનિર્દેશથી એ કવિએ ગૂજરાતને ઘણું સૂચવ્યું છે. આ જ ખંડના ઉત્તરાર્ધમાં બોટાદકર એ નવા વહેણમાં ન ખેંચાયેલા, પણ વર્તમાન વાતાવરણમાં છૂટથી શ્વાસોચ્છવાસ લઈ શકતા, અને અંગ્રેજીની ખોટ સંસ્કૃતથી પૂરી પાડતા એવા શુદ્ધ શબ્દસંસ્કાર અને કોમળ ભાવ દર્શાવનારા કવિઃ એમણે પણ ઘણાનું ધ્યાન ખેંચ્યું છે. આ કવિઓની સમાલોચનાને અન્તે એક સુન્દર સહૃદય વિવેકી માલાકાર – હિમ્મતલાલ અંજારિયા–નું નામ ભૂલવું ન જોઈએ. એમનું “કાવ્યમાધુર્ય” એ પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ના જેવી જ સહૃદયતાની સુન્દર કૃતિ છે. આ જ સમયમાં સંસ્કૃતના પ્રેમથી કીલાભાઈએ જેમ ‘મેઘદૂત’ અને ‘વિક્રમોર્વશીય’નાં ભાષાન્તર કર્યાં છે તેમ બળવંતરાયે અને મગનભાઈએ ‘શાકુન્તલ’નાં કર્યાં છે. એ સર્વ કેટલાક અંશમાં કેશવલાલભાઈનાં ભાષાન્તરનાં સમાનકક્ષ ન ગણી શકાય, છતાં સર્વ સફળ છે અને કીલાભાઈનો પ્રસાદ કેશવલાલભાઈ કરતાં પણ કોઈ કોઈ સ્થળે ચઢી ગયો છે. કીલાભાઈના સમાનવયસ્ક મણિલાલ છબારામે વાર્તા, નવલકથા વગેરે રચીને ગૂજરાતની જે સેવા કરી છે તેમાં ભાષાની સરળતા શુદ્ધતા અકૃત્રિમતા આગલા જમાનાનું સ્મરણ કરાવે છે. ઉત્તમલાલ કેશવલાલની સાહિત્યસેવા માટે હું શું કહું? ગૂજરાતે એ સાક્ષરનું સ્વરૂપ પૂરેપૂરું જાણ્યું જ નથી – જાણવાનો પ્રસંગ જ આવ્યો નથી. જે વાંચન, જ્ઞાન, વિચારોનો ખજાનો એ પુરુષમાં ભર્યો હતો, એમાંથી થોડું થોડું જ બહાર આવ્યું છે. પણ એમની સંસ્કારી કલમ જ્યારે જ્યારે ચાલી છે ત્યારે ત્યારે પુખ્ત વિચારથી ભરેલી ચાલી છે. કૃષ્ણરાવ દીવેટિયા અને સત્યેન્દ્રરાવ દીવેટિયા એમનામાં એમના કુટુમ્બની સુન્દર સાહિત્ય રુચિ હતી. એકે નવલકથાથી અને બીજાએ લઘુકાવ્યોથી ગૂજરાતની સેવા કરી છે. સત્યેન્દ્રરાવ યુવાવસ્થામાં જ પરલોકવાસી થયા અને તે જ પ્રમાણે નલિનકાન્ત દીવેટિયા સાહિત્યની સેવા કરવા માંડતાં જ છેક નાની ઉમ્મરે મૃત્યુથી ઝડપાઈ ગયા. મોહનલાલ દવેએ સાહિત્યપ્રવૃત્તિ કવિતામાં તેમજ વિવેચનમાં સુન્દર રીતે શરૂ કરી પણ વહેલી છોડી દીધી. પણ તે ફરી ગ્રહણ કરશે એમ આશા રાખીએ છીએ. અતિસુખશંકર અને જયેન્દ્રરાવ દૂરકાળે ગૂજરાતીમાં અંગ્રેજી ઢબનો ‘એસે’ યાને સ્વૈરવિહારી અનિબદ્ધ નિબન્ધ દાખલ કર્યો છે. જનાર્દન પાઠકજી અને વ્યોમેશચન્દ્ર જૂનાં સ્મરણો અને અવલોકન લખે છે. સ્વ. વિભાકર અને ઉમરવાડિયા – એમણે પશ્ચિમના સાહિત્યની છાયાવાળાં જોરદાર નાટકો રચ્યાં છે. વિભાકર તો તરુણ વયમાં જ પરલોકવાસી થયા એટલે એમની કલાની પરિપાકદશા જોવાનો ગૂજરાતને પ્રસંગ જ ન આવ્યો. ઉમરવાડિયા એમની સાહિત્યપ્રવૃત્તિ ચાલુ રાખશે તો સાહિત્યને સારી સેવા થશે એમ આશા રહે છે. રંગભૂમિની અદ્વિતીય સેવા કરનાર બીજા ખંડના સાક્ષર ડાહ્યાભાઈ ધોળશા, અને મૂળશંકર પછી, હાલમાં ગજેન્દ્રશંકર પંડ્યાએ એ કર્તવ્ય ઉપાડ્યું છે અને તેમની સાહિત્યશક્તિ સાથે સારાસારતત્ત્વગ્રાહી બુદ્ધિ જોડશે તો ઊગતી પ્રજાની સારી સેવા કરી શકશે. ગદ્યલેખકમાં ચન્દ્રશંકરનું ગદ્ય આરસપહાણનાં સુન્દર ઘડેલાં ચોરસાંની ફરસબંદી છે. એની કૃત્રિમતા ખુલ્લી છે, પણ કૃત્રિમતા સાથે ભાષાની જડતા કે વિચારની નિર્માલ્યતા નથી, તેથી એ કૃત્રિમતા પણ સુન્દર હોઈ સાહિત્યમાં સ્થાન પામે છે. એથી ઊલટી જ, સીધી અને જુસ્સાદાર શૈલી ઇન્દુલાલની. રમણીયરામ ચાલુ રાજકીય પ્રશ્નો ઉપર ઉત્સાહથી લખે છે. ગૂજરાતમાં ઘણાં વર્ષો જેણે સાહિત્યસેવા કરવા માંડી હતી તેવું અમદાવાદમાં સ્થપાયેલું એક યુવક મિત્રમંડળ ‘બન્ધુસમાજ’ એ મંડળમાંથી ભોગીન્દ્રરાવ, શિવાભાઈ, ડાહ્યાભાઈ યુવાન વયમાં જ મૃત્યુથી ઝડપાઈ ગયા, રામમોહનરાય અને શંકરરાય સેવા કરે છે. પણ ઉચ્ચભાવના અને સેવાવૃત્તિથી પ્રેરાયેલા એ સાહિત્યપ્રેમી મંડળના કેટલાક બન્ધુઓ ઉપર ક્રૂર મૃત્યુનો હાથ ન પડ્યો હોય તો એ મંડળ ગૂજરાતી સાહિત્યને સારી સેવા કરી શકત એમ લાગે છે. આ મંડળની મુખ્યસેવા સ્ત્રી-ઉપયોગી સાહિત્યમાં તથા સંસારસુધારાની નવલકથા અને લઘુવાર્તા રચવામાં છે. આ અન્યવ્યવસાયપરાયણ દોડાદોડના યુગમાં પશ્ચિમમાં લઘુ વાર્તાનું સાહિત્ય પુષ્કળ ઉત્પન્ન થયું છે. એમાં ઉચ્ચ કલાના નમૂના પણ છે, અને ટૂંકાણ સિવાય બીજો કોઈ જ ગુણ નહિ એવાં નિર્માલ્યતાનાં દૃષ્ટાન્તો અસંખ્ય છે. આનો પડઘો આપણા દેશમાં પણ પડ્યો છે. એના અનેક લેખકોમાંથી સારા લેખક તરીકે વિશિષ્ટ રૂપે ‘ધૂમકેતુ’નું નામ યાદ આવે છે. કવિશિરોમણિ રવીન્દ્રનાથ ટાગોરે ગૂજરાતમાં લઘુ વાર્તાનું અને વિશેષમાં ગદ્યકાવ્યના સ્ફુલિંગોનું કેટલુંક સાહિત્ય પ્રેયું છે. આમાં પૃથુ શુક્લનું ‘ફુલપાંદડી’ જાણીતું છે. સૌન્દર્યનું પાન કરીને અને કરાવીને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કેટલીક સેવા કરી છે. મંજુલાલ દવે, વિજયરાય કલ્યાણરાય, મુનિકુમાર અને ગગનવિહારી અને રમણલાલ યાજ્ઞિક અંગ્રેજી સાહિત્ય અને વિવેચકતાનો ગુજરાતને પરિચય કરાવતા રહે છે. અને ‘કુસુમાકર’ પણ વખતોવખત ઊર્મિકાવ્યો તથા સૂચક વિચારમાળાનું ગદ્ય ગૂજરાતને આપે છે. ઊછરતા લેખકોમાં જ્યોતીન્દ્ર દવેએ હાસ્યરસથી અંકાયેલી અવલોકનની વિશિષ્ટ શૈલી દાખલ કરી છે. ઇતિહાસના વિષયમાં આજકાલ નવી જાગૃતિ ઉત્પન્ન થઈ છે. રાયચુરા અને મેઘાણી વગેરે સૌરાષ્ટ્રીભાઈઓએ જે લોકગીત અને રાસાનું સાહિત્ય પ્રકાશમાં મૂક્યું છે એ કાંઈક ઇતિહાસ (તવારીખ) કરતાં વિશાળ અર્થમાં ઇતિહાસ તેમજ સાહિત્યને ઉપયોગી થાય એવું છે. શુદ્ધ ઇતિહાસ-માર્ગે રત્નમણિરાવે ગુજરાતનાં શહેરો, મસ્જિદો અને બીજાં શિલ્પકામનો ઇતિહાસ ઉકેલવા માંડ્યો છે. એ બાલપાદપ વિસ્તરશે તો ભવિષ્યમાં મોટું વૃક્ષ થવાની આશા પડે છે. મહાપુરુષનાં ચરિત્રલેખમાં સાહિત્યની કોટિમાં આવી શકે તેવું માત્ર વિનાયકભાઈનું ‘નન્દશંકરનું જીવનચિત્ર’ છે. આધારભૂમિ અને પરિસ્થિતિભૂમિના ચિત્ર સાથે મુખ્ય પુરુષનું જીવનચિત્ર એમાં આલેખ્યું છે. નર્મદાશંકરનું નવલરામે લખેલું અને નવલરામનું ગોવર્ધનરામે લખેલું જીવન એ બે વિચારની બાબતમાં બહુ ઉચ્ચ કલાની કૃતિઓ છે. કાન્તિલાલનું ગોવર્ધનરામનું જીવનચરિત્ર એની ભાષાથી મન હરે છે. કાન્તિલાલે ‘ગૂજરાતી’ પત્રમાં જે ‘વિજ્ઞાનમન્દિર’ ઉઘાડ્યું છે તેની નૂતનતાથી ગુજરાતમાં વિજ્ઞાનનો પ્રેમ જાગશે એમ આશા રહે છે. એમના સહકારી પોપટલાલ શાહ, પર્જન્યરાય મેઢ, ખંડુભાઈ નાયક, વીરમિત્ર દીવેટિયા અને વિજયલાલ ધ્રુવ વગેરે મળીને ગુજરાતમાં એક સુન્દર વૈજ્ઞાનિક મંડળ બાંધવા ધારે છે એ હર્ષનું કારણ છે. વર્તમાનયુગમાં પુરાતત્ત્વમન્દિરે અને રાષ્ટ્રીય વિદ્યાપીઠના અન્ય સજ્જનોએ પણ ગૂજરાતી સાહિત્યની બહુ સેવા કરી છે. કાલેલકરની મધુર પ્રાસાદિક અને સંસ્કારી શૈલી વાચકને મુગ્ધ કરે છે. મહાદેવભાઈએ પણ મધુર સાદી અને અસરકાર, કાંઈક ગાંધીજીને અનુસરતી, એક વિશિષ્ટ શૈલી કેળવી છે. જિનવિજયજી, બહેચરદાસ અને સુખલાલ પંડિતે પ્રાકૃત અને અપભ્રંશ ભાષા અને પ્રાચીન જૈન દર્શનના ગ્રન્થો ઉપર સારો પ્રકાશ નાખવા માંડ્યો છે. રસિકલાલ અને રામનારાયણ પાઠકે સાહિત્ય, અલંકાર અને નાટ્યશાસ્ત્રનાં ક્ષેત્ર ખેડ્યાં છે. વાલજી દેસાઈ એમની લાક્ષણિક શૈલીમાં પ્રાચીન આર્ય સંસ્કૃતિની વાતો કહે છે. નરહરિ વિનયમન્દિરને યોગ્ય સાહિત્ય રચે છે. ભાવનગરમાં દક્ષિણામૂર્તિભવનમાં બાલશિક્ષણનાં શાસ્ત્ર અને કલાની નૃસિંહપ્રસાદ ભટ્ટ અને ગીજુભાઈ બધેકા અપૂર્વ સેવા કરી રહ્યા છે. બાલોપયોગી સાહિત્ય ઉત્પન્ન કરવામાં જેમ એમણે ભાગ લીધો છે તેમ રવિશંકર રાવળે કુમારાવસ્થાના શિક્ષણમાં કલાના રંગ પૂર્યા છે. ગયા ખંડમાં પ્રાચીન ગૂજરાતી કાવ્યો શોધવામાં હરગોવિંદદાસની સેવા ગણાવી તે સાથે ઇચ્છારામ સૂર્યરામ અને છગનલાલ રાવળની પણ ગણાવવી જોઈએ. અને એજ વર્ગની સેવા ત્રીજા રામલાલ મોદી, અને કેશવલાલ અને ડાહ્યાભાઈ સાથે હીરાલાલ પારેખ કરે છે, અને ઇચ્છારામ, સૂર્યરામનો એ સેવાનો પ્રેમ અંબાલાલ જાનીમાં ઊતર્યો છે. મટુભાઈ કાંટાવાળા પોતે સાહિત્યના તન્ત્રી તરીકે સેવા કરે છે તે ઉપરાંત મધ્યકાલીન ગૂજરાતીના ઝીણા અભ્યાસી છે; તથા આમવર્ગની જોડણીના પ્રબળ હિમાયતી છે. જૂની ગુજરાતી અને અપભ્રંશના ગ્રન્થોનો ઉદ્ધાર કરવામાં ચિમનલાલ દલાલનો વિદ્વત્તાભર્યો પરિશ્રમ જગજાહેર છે. તે ઉપરાંત મોહનલાલ દલીચંદ દેસાઈએ પણ આ દિશામાં બહુ ઉપયોગી સેવા કરી છે. દુર્ગાશંકર શાસ્ત્રી મધ્યકાલીન ધાર્મિક સંપ્રદાયનો ઇતિહાસ અને એના ગ્રન્થોના કાલનિર્ણય સંબન્ધી મનનભર્યા લેખ લખે છે. આમ પ્રાચીન સાહિત્ય શોધવામાં આપણી પ્રવૃત્તિ મંદ પડી નથી. પણ ભગવાનલાલ ઇન્દ્રજીએ શરૂ કરેલું અને બીજા ખંડના આરંભમાં હરિલાલ ધ્રુવ, રતિરામ દુર્ગારામ અને વલ્લભજી આચાર્યે ચાલુ રાખેલું કામ એ જ જમાનાના ઉત્તરાર્ધથી બંધ થઈ ગયું છે, તે હવે ગિરિજાશંકર આચાર્ય ફરી ઉઘાડશે એમ આશા રાખીએ છીએ. તત્ત્વજ્ઞાનના વિષયમાં મણિલાલની ગાદી સૂની જ છે. તો પણ નર્મદાશંકર મહેતાની વિદ્વત્તાએ ગૂજરાતી વાચકને હાલમાં આપણા તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ પૂરો પાડ્યો છે, અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી તરીકે તથા એના પ્રવાચક તરીકે અત્યારે ગૂજરાતમાં એમનું ઊચું સ્થાન છે. હીરાલાલ શ્રૉફે પૂર્વના તત્ત્વજ્ઞાનના અભ્યાસ સાથે પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાંથી કેટલાક અંશો જોડ્યા છે, અને એક તત્ત્વચિન્તક તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવી છે. તેમજ કેળવણીના કામમાં યશસ્વી ભાગ લીધો છે. હરસિદ્ધભાઈ દીવેટિયાએ પશ્ચિમના માનસશાસ્ત્રનો એક મહાન ગ્રન્થ ગૂજરાતીમાં ઉતાર્યો છે. મગનલાલ શાસ્ત્રી અને મૂલચંદ્ર તેલીવાળા એમણે શ્રીવલ્લભાચાર્યના સાંપ્રદાયિક ગ્રન્થો પ્રકટ કરવામાં તથા એ સંપ્રદાયના સિદ્ધાન્ત પ્રતિ પ્રજાનું ધ્યાન ખેંચવામાં બહુ પ્રશંસાપાત્ર શ્રમ ઉઠાવ્યો છે. નથુરામજી જેમનું કાર્ય ત્રીજા ખંડના પૂર્વાર્ધથી આગળ પડતું થયું છે એમણે બ્રાહ્મણધર્મને એમનાં ભાષાન્તરોથી તેમજ પ્રવચનોથી ઉજાળ્યો છે. અખંડાનન્દજીએ કેટલાક અર્વાચીન રસના ગ્રન્થો ઉપરાંત પ્રાચીન ધર્મગ્રન્થો ભાષાન્તર કરાવીને પ્રકટ કર્યા છે. ગૂજરાતનાં દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રૈમાસિકનો ઇતિહાસ લખવા બેસીએ તો એક પુસ્તક રચાય એટલી વસ્તુ છે. પારસીભાઈઓને જેમ ગૂજરાતીમાં સાંસારિક નવલકથા ઉત્પન્ન કર્યાનું માન છે તેવું જ વર્તમાનપત્રોનો પાયો નાખ્યાંનું માન છે. બીજા યુગમાં ‘ગુજરાતી’ના તન્ત્રી ઇચ્છારામ સૂર્યરામે, ‘પ્રજાબન્ધુ’એ અને ‘ગૂજરાતી પંચે’ ઐતિહાસિક અને સાંસારિક નવલકથાનું બહોળું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. માસિકત્રૈમાસિકોએ સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, આદિ શાખાઓમાં કરેલી સેવા જાણીતી છે. પ્રથમ યુગમાં ‘બુદ્ધિપ્રકાશ’ ‘બુદ્ધિવર્ધક’ ‘વિજ્ઞાનવિલાસે’ બુદ્ધિનો પ્રકાશ કરવા માંડ્યો; આ સાંકડી કર્તવ્યભાવનાને બીજા યુગમાં ‘પ્રિયંવદા’ ‘સુદર્શન’ અને ‘જ્ઞાનસુધા’એ વિસ્તારી; ત્રીજા યુગમાં ‘સુદર્શન’ અને ‘જ્ઞાનસુધા’ના વિવાદથી તટસ્થ એવો સાહિત્યસેવાનો માર્ગ ‘સમાલોચકે’ લીધો, જતે દહાડે ‘વીસમી સદી’એ પશ્ચિમના લોકપ્રિય માસિકોની ઢબનો ગૂજરાતને પરિચય કરાવ્યો, અને અત્યારે ગૂજરાતની આશાનાં અસંખ્ય કિરણો ‘ગૂજરાત’, ‘શારદા’, ‘નવચેતન’, ‘સાહિત્ય’, ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’ આદિ માસિકત્રૈમાસિકમાંથી સમસ્ત ગૂજરાતમાં પ્રસરી રહ્યાં છે. આ ત્રીજા યુગનું એક ખાસ લક્ષણ છે. સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ તપાસીએ તો પ્રથમ યુગ અંગ્રેજી કેળવણીથી પ્રાપ્ત થયેલી સામાન્ય વિદ્યા અને માહિતીનો, બીજો ધર્મ અને તત્ત્વજ્ઞાનનો, અને ત્રીજો સાહિત્ય અને કલાનો અને વિશેષ રૂપે માસિકોનો જોવામાં આવશે. છેવટે આપણા સાહિત્યમાં આપણા મુસલમાન અને પારસી ભાઈઓનો હિસ્સો અલગ ગણાવવા જેવો છે, પણ તે પણ ભૂલવા જેવો નથી. પારસીઓ પૈકી પહેલા જમાનામાં મલબારીએ રચેલું દેશભક્તિનું અને સંસારસુધારાનું કાવ્યસાહિત્ય એ સમયનાં લાક્ષણિક ગુણ અને ખામીઓ ધરાવે છે. કાબરાજીની સેવા પણ એ જ જમાનાના ઉત્તરાર્ધમાં શરૂ થઈ છે અને એમની કેટલીક નવલકથાઓ એનાં સાંસારિક ચિત્ર અને બોધથી પારસીઓમાં તેમ હિન્દુઓમાં પ્રિય થઈ પડી છે. ત્રીજા યુગના આરંભથી ખબરદારે કરવા માંડેલી સાહિત્યસેવા જે આપણે અવલોકી ગયા એ હિન્દુ લેખકને પણ અભિમાન કરાવે એવી છે. તે ઉપરાંત આ નવીન યુગમાં સંજાણા અંગ્રેજી સાહિત્યના વિશાળ પરિચયનો અને તજ્જન્ય વિવેચક દૃષ્ટિનો ગૂજરાતને કોઈ કોઈ વાર લાભ આપે છે. મુસલમાન ભાઈઓ પૈકી પહેલાબીજા યુગના નાનજિયાણીનું નામ સહુને જાણીતું છે. એમના પછી ત્રીજા યુગમાં કરીમ મહમ્મદ માસ્તરે ગૂજરાતી ભાષાની સેવા કરવા માંડી છે. પરંતુ એ વર્ગમાંથી આ નવીન યુગમાં મોટામાં મોટી સેવા ‘વીસમીસદી’ના યોજક અને પ્રકાશક મર્હૂમ હાજી મહમ્મદ અલારખિયાએ કરી છે. હાલમાં સાદિક અને શયદા એ બે મુસલમાનભાઈઓએ આરંભેલા કાર્યમાં બે ઘડી મોજ સાથે એક ઘડી ગંભીર વિચારની પણ ઉમેરાશે તો ગૂજરાતને સારી સેવા થશે એમ લાગે છે, કારણ કે ભૂલવું ન જોઈએ કે આપણી મીઠામાં મીઠી મોજ એ જ છે કે જેમાં એકાદ ક્ષણ પણ ચિન્તનની હોય. સ્ત્રીલેખકો એ આ યુગનું વિશિષ્ટ લક્ષણ છે. વિદ્યાબહેન અને સૌ. શારદાબહેનની ગંભીર અને ઉત્સાહી સેવા આ ત્રીજા ખંડના આરંભથી શરૂ થઈ ચૂકી છે. તેમાં એ જ માર્ગે સૌ. સરોજિનીબહેને પણ જોસદાર લખાણથી ઉમેરો કર્યો છે. કવિ તરીકે સ્વ. સુમતિબહેને પહેલ કરી હતી તે પછી સ્વ. કનુબહેન ચૈતન્યબાળા અને સૌ. દીપકબાનાં નામ સુપ્રસિદ્ધ છે. સૌ. હંસાબહેને ત્રણ નાટક સારાં લખ્યાં છે. તે ઉપરાંત સૌ. જયમનબહેને પિતા અને માતામહના યશને શોભતી સાક્ષરજીવનની શરૂઆત કરી છે. સૌ. લીલાવતીએ લેખક તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સંસ્કારી ભાવના સાથે વિચાર અને કલ્પનાની હિંમતનો સંયોગ એમનાં રેખાચિત્રને સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે. સૌ લવંગિકા બહેને એમની ડિગ્રીના વિષયને શોભતી રીતે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સેવા આરંભી છે. પણ આ યુગના સાહિત્યના નભોમંડળમાં ‘ફલેશ લાઈટ’ યાને ચમકતા તેજપટ પેઠે વિસ્તરી રહેનાર, અને પોતાના પ્રભાવથી અન્ય સર્વ જ્યોતિર્ગણને દાબી દેનાર વર્તમાન સાહિત્યજ્યોતિ તે કનૈયાલાલ મુનશી. એમની નવલકથાઓએ એની સત્યાતિક્રામી કલ્પનાથી એના વિશાળ ચિત્રપટથી, અને પ્રભાવશાલી પાત્રાલેખનથી, તેમજ વૃત્તાન્તના બાહુલ્યથી ગૂજરાતને ચકિત કરી નાખ્યું છે. એમનાં નાટકો એમની નવલકથા જેટલાં આકર્ષક થતાં નથી. પરંતુ એમાં પણ એમની કલ્પનાનો અને ભાષાનો જુસ્સો ઊભરાય છે. નિર્માલ્યતા જેવું પાપ જેમ પ્રકૃતિમાં તેમ મુનશીના નીતિશાસ્ત્રમાં બીજું નથી. એમનામાં સંસ્કારી બલ્કે કાંઈ પણ સંયમ ભાગ્યે જ છે, અને જીવનનો ઉલ્લાસ પુષ્કળ છે. ભાષા જોડણી શબ્દશુદ્ધિ એ સહુને મુનશીએ, નાનાલાલે વૃત્તનાં ઝાંઝર તોડીને ફેંકી દીધાં હતાં તેટલા જ જુસ્સાથી, ફેકી દીધાં છે. પણ અત્યારે તો જ્યારે નરસિંહરાવ નાનાલાલ ખબરદારનાં નીર કંઈક થંભ્યાં લાગે છે તે વારે વહેતો પ્રવાહ મુનશીનો જ દેખાય છે. પહેલા ત્રણ વિષે છેવટનો મત ઉચ્ચારવાનો કાળ પાકી ગયો છે, પણ મુનશીનું સાહિત્ય હજી યુવાવસ્થામાં હોઈ, એ ઉપર સમગ્રદૃષ્ટિનો મત બાંધવાને વાર છે. અન્તમાં એક મહાપુરુષ – જેનું સઘળું અન્ય સહુથી અનેરું જ છે – એની નોંધ લેવી બાકી રહે છે. ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રન્થકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગૂજરાતી ભાષામાં સાદી સીધી અને સચોટ, છતાં તળપદી નહિ, કિંતુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.

અત્યારનો જમાનો

આ અવલોકન – જે આપને કંટાળો આપે એટલું લાંબું છે અને વ્યક્તિઓને અન્યાય કરે એટલું ટૂંકું – છે એનો હેતુ તે તે સાહિત્યકારની કૃતિઓને ઠીક કસોટીએ ચઢાવીને એનું મૂલ્ય આંકવાનો નથી. હું જાણું છું કે આ આંકણી પર્યાપ્ત નથી, અને જેટલી છે તેટલીમાં પણ મતભેદને પુષ્કળ અવકાશ છે, મોટા લેખકોને નાનાની સાથે બેસાડ્યા છે, એકની પણ સઘળી કૃતિઓનો નિર્દેશ કરી શક્યો નથી, અને કોઈ સારાં લેખકનું વિસ્મરણ થઈ ગયું હોય એ પણ સંભવિત છે. અને ઉપરનું લખ્યા પછી એવાં વિસ્મરણ કોઈ કોઈ સ્મૃતિગોચર થયાં પણ છે. – જેને, મારા બન્ધુઓ મારી ગલતીનો અન્યથા અર્થ નહિ કરે એમ પૂર્ણ શ્રદ્ધા હોઈ, છાપખાનાંને કંટાળો ન આપવાના હેતુથી મેં ઉપરના અવલોકનમાં તે તે સ્થાને ઉમેર્યો નથી – જેવા કે, કેશવરામ હરિરામ, વિશ્વનાથ વૈદ્ય, છોટાલાલ ‘મુનિ’, હરિલાલ ભટ્ટ, કેશવ હ. શેઠ ‘સાહિત્યપ્રિય’, નવલરામ, મનહરરામ, ભરતરામ, કેશવપ્રસાદ, વાડીલાલ, જેઠાલાલ, રમણિક મહેતા, ઠક્કર, ફૂલચંદ, વિશ્વનાથ, મણિલાલ દોશી, ચાંપશી, વર્મા, મહાસુખભાઈ, મણિલાલ ઈચ્છારામ, પર્ધુભાઈ, દેશળજી, માનશંકર, બુચ, વગેરે. હું આ અવલોકનથી જે એક વાત બતાવવા માગું છું, ને હું આશા રાખું છું કે હું બતાવી શક્યો છું, તે એ કે ગઈ સાઠીના લગભગ વીસપચીસ વર્ષના ત્રણ ખંડ પાડીએ તો પહેલો ખંડ બાલપાદપનો હતો, બીજા ખંડમાં વૃક્ષ ખૂબ ફૂલ્યુંફાલ્યું જે, અને ત્રીજા ખંડમાં કાંઈક સૂકવણો વાયુ વાઈ વાઈને અન્તે નવી કૂંપળો ડાળીઓ નીકળે છે, પણ તે બીજા ખંડની ઉન્નતિને પહોંચી નથી. એક વૃક્ષને બદલે વનનું રૂપક લઈએ તો પહેલા ખંડમાં ઉમદા વૃક્ષો હતાં, પણ તે બહુ પત્ર શાખા કે ફળના ભારથી લચેલાં નહિ; બીજા ખંડમાં વૃક્ષો વધારે ઊચાં, અને વધારે વિસ્તીર્ણ, તેમ એનાં ફળ પણ મોટાં; ત્રીજા ખંડમાં ધ્યાન ખેંચે એવાં મોટાં વૃક્ષો થોડાં, પણ ઝાડી વધારે ગાઢીઃ એમાંથી ઉમદા ફળ આપે એવાં મોટાં વૃક્ષો આગળ જતાં કેટલાં નીકળે એ જોવાનું : છતાં સ્થિતિ, અવનતિમાં હોઈને પણ, નિરાશા ઉપજાવે એમ નથી. પ્રત્યક્ષ દેખાતી અવનતિમાં જ આગામી ઉન્નતિનાં બીજ રોપાતાં દેખાય છે. અત્યારે સાક્ષાત્ને બદલે આડકતરી રીતે, અને એકને બદલે અનેકને હાથે, સાહિત્યસેવા ચોતરફ ચાલી રહી છે. મેઘાણી અને રાયચુરા સૌરાષ્ટ્રની રસધાર ગુજરાતીમાં રેલાવી રહ્યા છે; મુનિ જિનવિજયજી, મોહનલાલ દલીચંદ વગેરે જૈનભાઈઓ જૂની ગુજરાતી અને અપભ્રંશ યુગના પડ ઉકેલવા મથી રહ્યા છે; હરિપ્રસાદ ડૉક્ટર, રવિશંકર રાવળ અને નાનાલાલ મહેતા કલાની કદર કરવા પ્રજાનાં નેત્ર ઉઘાડી રહ્યા છે; કાન્તિલાલ વગેરે વૈજ્ઞાનિકો વિજ્ઞાનમંડળ ઊભું કરી ગૂજરાતની સેવા કરવા તલપી રહ્યા છે; અને અન્ય નામોના મોટા લેખકો નવી ઢબની વાર્તાઓ, નવી ઢબનાં નાટકો, ગદ્યના નવા પ્રકારો ગૂજરાતને આપવા નીકળી પડ્યા છે. આપણી બહેનો પણ એમનો સંસાર અને ગૃહજીવન સુધારી રહ્યાં છે. સ્ત્રીકેળવણી અને સ્ત્રીસ્વતન્ત્રતા વધતાં આવે છે અને ગૂજરાતના સામાજિક જીવનમાં પણ સ્ત્રીઓએ ભાગ લેવા માંડ્યો છે. કેળવણીના વિવિધ પ્રયોગો થાય છે, એના પાયા વિસ્તારવાની અને શિખર ઊંચાં કરવાની ઇચ્છા પ્રકટ થવા માંડી છે, અને આ જીવનના પ્રમાણ તરીકે આપણાં માસિકોમાં થયેલો અસાધારણ વધારો અને સુધારો છે આ સર્વચિહ્નો શુભસૂચક છે.

સાહિત્ય અને પ્રજા જીવનનો સંબન્ધ

પણ અહીં પ્રશ્ન થશે કે સાહિત્ય – ખરું અને ઊંચું સાહિત્ય એક બગીચાની રીતે કૃત્રિમતાથી ઊત્પન્ન કરી શકાય ખરું? જગત્ના મહાન સાહિત્યના ઇતિહાસ ઉપર દૃષ્ટિ નાખીએ છીએ તો જણાય છે કે “यमेवैष वृणते तेन लम्यस्तमेष आत्मा विवृणुते तनूं स्वाम्” – એ અક્ષર પદાર્થ – જેને રાજશેખર ‘કાવ્યપુરુષ’ કહે છે – તે જ્યાં પ્રકટ થવા ઇચ્છે ત્યાં પ્રકટ થાય છે, એને કોઈ બાલાત્કારે પ્રકટાવી શકતું નથી. આ ખરું છે, તથાપિ એના પ્રાકટ્યના કાંઈક નિયમો આપણે જાણી શકીએ છીએ, અને એના ઉપર આપણી આશાઓ બાંધી શકીએ છીએ તથા યોગ્ય વાતાવરણ રચી શકીએ છીએ. ઇતિહાસમાં એવા દાખલા દેખાય છે કે જ્યારે દેશમાં બૂરામાં બૂરી સ્થિતિ ચાલતી હોય તેવે વખતે – પ્રતિકૂલ વાતાવરણમાં – પણ મહાન કવિ કે સાક્ષારનો અવતાર થાય છે. પરંતુ વસ્તુતઃ જેમ કવિનો આત્મા કાવ્યરૂપ હોવો જોઈએ એ વચનથી યથાર્થતા સમજવા માટે આપણે કવિનું સ્થૂલ જીવન ભેદી એનું સૂક્ષ્મ યાને આન્તર જીવન જોવું પડે છે, તેમ સાહિત્યને પ્રતિકૂળ એવા વાતાવરણમાં પણ ધ્યાનમાં રાખવાનું છે ખરું જોતાં ઉપરના પડની નીચે ગૂઢ શક્તિઓ કામ કરી રહી હોય છે, જે કવિ યાને સાક્ષારના આત્મામાં પ્રકટ થાય છે, અને સમય પાકતાં એ પરિસ્થિતિમાં પરિવર્તન કરે છે. વૉલ્ટેર, રૂસો, ટૉલ્સ્ટૉય એ આ જાતના પરિવર્તક ક્રાન્તદર્શી આત્માઓ છે. ઉચ્ચ સાહિત્યના ઉત્થાન માટે પ્રજાજીવન સુખી જ હોવું જોઈએ અથવા તો રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરી ચૂક્યું હોવું જોઈએ એમ કાંઈ નથી. ડૅન્ટી અને ગેટે જન્મ્યા તે સમયે ઈટાલિ અને જર્મનીનું રાષ્ટ્રીય જીવન અને સામાજિક દશા છિન્નભિન્ન હતાં. પણ મનુષ્ય ભાવનાથી જીવે છે, સ્થૂલ દેહ કે બુદ્ધિથી જીવતો નથીઃ એ કવિદૃષ્ટિનું સૂત્ર એમને પ્રત્યક્ષ થયું હતું. એલિઝાબેથના સમયમાં ઇંગ્લંડની લોકસ્થિતિ કેવી હતી તે એક ઇતિહાસકારના નીચેના શબ્દોથી સમજાશેઃ “At the first glance the political and moral situation in England does not present that aspect of civilisation which one would expect at the time of Shakespeare. The population hardly amounts to five millions, and stagnates under conditions of revolving inequality fostered by the violence of the nobles, the profound demoralisation of the clergy and the idleness of the lower classes. On the one hand there are the magnificent gardens and verdant lawns of the abbeys, of the majestic castle walls of the bloodthirsty baron; on the other the miserable collection of huts which constitute the village. There are endless marshes and wide expanses of health, which cover the greater part of the country. Neither industries nor commerce exist to ward off the menace of famine. The inhabitants of town and country are a prey to epidemics and the victims of extortion. Finally, ignorance among high and low was so great that the majority of the peers of the realm were unable to read and write.” પરંતુ આ ઉપરથી સાહિત્ય અને પ્રજાજીવનની ઋતુઓ એક બીજાથી વિરુદ્ધ છે અથવા તો એમનો પરસ્પર સંબંધ નથી એમ માનવું બરાબર નથી. એ વચ્ચેનો કાર્ય કારણભાવ કેટલીક વાર પૂર્વાપરસંબન્ધે અને કેટલીક વાર સહચારસંબંધે હોય છે, પ્રજાજીવનના કેટલા અંશો આગલા જમાનામાંથી ઊતરી આવેલા તે જીર્ણ થતા જાય છે, અને નવું જીવન જે પૃથ્વી ફાડી બહાર નીકળવાનું તે હજી સ્થૂલ નેત્રે શકાતું નથી. વસ્તુતઃ સામાન્ય રીતે, સાહિત્યના મહાન યુગો એ પ્રજાજીવનની વિશાલતા અને વિપુલતાના યુગો જોવામાં આવ્યા છે. ગ્રીક સાહિત્યનો પોંરક્લિસ યુગ યુદ્ધમાં જય અને દરિયાઈ વેપાર, સફળ સંસ્થાન આદિ ક્ષાત્ર અને વૈશ્ય જીવનના પ્રાકટ્યનો હતો. અને રોમન ઑગસ્ટન યાને વર્જિલ યુગ પણ રોમન સામ્રાજ્યના વિસ્તાર અને ઘટનાનો હતો. મધ્યયુગની યોગનિદ્રામાંથી યુરોપની જાગૃતિનો યુગ, અને એની અસર તળે જન્મેલો ઇંગ્લંડનો એલિઝાબેથ યુગ – એમાં મનુષ્યજીવન કેવું પ્રબળ પરાક્રમી અને પ્રભાવશાળી થવા લાગ્યું હતું એ સુપ્રસિદ્ધ છે. આ પ્રશ્નના વિચારમાં આપણા દેશના ઇતિહાસ ઉપર પણ દૃષ્ટિ ફેરવવી ઉપયોગી થશે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ એ પ્રજાજીવનના જ ઉદયાસ્તની કથા છે એ કોણ નથી જાણતું? એક કૌંચપક્ષીના વધથી વાલ્મીકિ મુનિના હૃદયમાં પ્રકટેલો કરુણરસ જ્યાં પ્રકટ્યો ત્યાં જ શમી જાત, અને પરિણામે બહુ તો એક કરુણરસનું ઉર્મિગીત જગતને મળ્યું હોત, પણ પ્રજાના અન્તરાત્મામાં જે આર્યતાની ભાવના વિરાજતી હતી તે જ વાલ્મીકિની પ્રતિભામાં પ્રકટ થઈ શબ્દબ્રહ્મરૂપે પરિણમી. મહાભારતકાલમાં આર્યપ્રજા જે આત્મઘાત કરી રહી હતી એનું કરુણ અને ભવ્ય ચિત્ર વ્યાસ મુનિએ દોર્યું છે; અને એ કરુણતાને, સામા પડછામાં પ્રાચીન આર્યજીવનની ભાવનનાં કેટલાંક આખ્યાનો, ઉપદેશો વગેરે મૂકીને, ઘેરી બનાવી છે. એક દ્રષ્ટા ઋષિનું તો બીજુ મનનશીલ મુનિનું કાવ્ય છેઃ પણ ઉભય હિન્દની ઊગતી અને આથમતી રાષ્ટ્રીય એકતામાંથી જન્મેલાં કાવ્યો છે. બૌદ્ધ કાળનું સાહિત્ય ખીલ્યું – વિસ્તર્યું તે સમયે હિન્દુસ્તાનની પ્રજા કેટલી, પરાક્રમી હતી તે અશોકના શિલાલેખથી અને મધ્ય એશિયા ગાંધાર, તિબેટ, ચીન, જાવા, આદિ સ્થળે મળતાં પુસ્તકો ચિત્રકામ બાંધકામ ઇત્યાદિથી સિદ્ધ થાય છેઃ બૌદ્ધ ત્રિપિટકની સ્થાપના, ‘જાતક’ની રચના, જૈનશાસનોનો સંગ્રહ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’, વાત્સ્યાયનનું ‘કામશાસ્ત્ર’, પતંજલિનું ‘મહાભાષ્ય’, અશ્વઘોષનાં કાવ્યો તથા નાટકો, ગુણાઢ્યની બહત્કથા, બૌદ્ધ મહાયાનનો પ્રાદુર્ભાવ, ‘લલિતવિસ્તાર’, ‘લંકાવતાર’, ‘સદ્ધર્મપુંડરીક’, ‘માધ્યમિકકારિકા’ બ્રાહ્મણ ‘ધર્મસૂત્ર’ ‘ગૃહ્યસુત્ર’ ન્યાયયોગાદિદર્શનસૂત્ર આદિ સર્વ સાહિત્ય એ યુગમાં પ્રકટ્યું છે. ઈ.સ. બીજા સૈકા પછી દોઢસો વર્ષનો ઇતિહાસ અંધારામાં પડેલો છે. પરંતુ એ સમય સાહિત્યની પાનખર ઋતુનો હોય તો નવાઈ નહિ. એ પછી ગુપ્ત રાજાઓના સમયમાં ફરી બહાર (વસન્ત) આવ્યો. એ સમય હિન્દના ઇતિહાસમાં ઇંગ્લેંડના એલિઝાબેથના યુગ કરતાં પણ વધારે તેજસ્વી છે. બ્રાહ્મણ અને બૌધના સમત્વનો એ સમય; પુરાણ સ્મૃતિ આદિ ધર્મશાસ્ત્રોના પુનરુજ્જીવન અને પુનર્ઘટનાનો એ સમય; બૌદ્ધ મહાયાનના વિકાસનો એ સમય; કાવ્ય, કોષ, જ્યોતિષ. આદિ શાસ્ત્રોમાં કાલિદાસાદિ નવરત્નોના ઝણઝણાટનો એ સમય; ભામહાદિ આલંકારિકોનો એ સમય; વસુબન્ધુ, દિઙ્નાગ વગેરે, ન્યાયશાસ્ત્રાચાર્યોનો એ સમય; દર્શનસૂત્રોના અન્તિમ ગ્રન્થનનો એ સમય, દેવર્દ્ધિગણી, સિદ્ધસેન દિવાકર, આદિ જૈન શાસ્ત્રોના ઉદ્ધારક અને પ્રવર્તકનો એ સમય, આ સમયમાં ગુપ્ત રાજ્યની અને એના પ્રભાવની સીમા એક વખતે પશ્ચિમે કાઠિયાવાડના પશ્ચિમ કાંઠા સુધી અને ઉત્તમ-પૂર્વમાં તિબેટ અને લગભગ ચીનની સરહદ સુધી પહોંચી હતી. અને તેથી એનો વ્યવહાર પશ્ચિમે ઇશાનકોણમાં ચીન અને અગ્નિકોણમાં જાવા સુધી, ચાલતો હતો. આ કારણથી હિન્દુસ્તાનનાં વિવિધ શાસ્ત્રો ઉપર પરદેશી અસર થયેલી કહેવાય છે તેટલી બધી તો નથી જ થઈ તો પણ પરદેશ સાથેના વ્યવહારમાં હિંદુસ્થાનનો ગુપ્ત સામ્રાજ્યનો સમય એલિઝાબેથના સમયને મળતો હતો એમાં સંશય નથી, આટલો દેદીપ્યમાન યુગ હિન્દુસ્તાનમાં ફરી આવ્યો નથી. તોપણ યશોવર્મા અને હર્ષવર્ધનનાં રાજ્ય તેમજ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્ર કૂટ પરમાર અને સોલંકી રાજ્યો પણ એમનાં રાજકીય પરાક્રમો માટે તેમજ સાહિત્યની પ્રફુલ્લતા માટે યશસ્વી થયાં છે. ભવભૂતિ, બાણ અને રાજશેખર, ઉદ્યોતકર, ધર્મકીર્તિ, કુમારિલ, શંકર અને વાચસ્પતિ, હેમાદ્રિ, સાયણ માધવ, સોમદેવ અને હેમચન્દ્ર એ સમયના નભોમંડળના તેજસ્વી તારાઓ છે.

આપણી આશાનાં કારણ

આપણા વર્તમાન યુગના સાહિત્યના ભવિષ્ય માટે મોટી આશાઓ પડે છે. કારણ કે જગતના સાહિત્યોત્થાનના મોટામાં મોટા યુગો સાથે એનું અનેક રીતે મળતાપણું છે. સાધારણ રીતે યુરોપની ૧૩થી ૧૬મી સદીની જાગૃતિનો યુગ અને એનાં લક્ષણો સહુને સારી રીતે જાણીતાં હોઈ એની સાથે આપણા અર્વાચીન સાહિત્યના જન્મકાળની સરખામણી કરીએ. યુરોપનો એ કાળ ધાર્મિક સુધારાનો કાળ હતો પણ એટલું જ હોત તો એ પછીનું યુરોપીય સાહિત્ય જેવું ઘણે ભાગે ધાર્મિક સાહિત્ય જ નીવડત. પણ વસ્તુતઃ એ યુગમાં પ્રાચીન ગ્રીક અને લૅટિન સાહિત્યનો ઉદ્ધાર થયો. ઇતિહાસકાર કહે છે કે ઇટાલિની ભૂમિ ઉપર એક ચમત્કાર બન્યો. સૌન્દર્યની દેવી જે ઘણા સમયથી લોક ગુમાવી બેઠા હતા તે તેમને જડી. તેઓ જેને મરી ગઈ માનતા હતા તે માત્ર નિદ્રાવશ થઈ હતી. ૧૪૮૫ના એપ્રીલની ૧૮મી તારીખે વસન્ત ઋતુ બેસતી હતી તેવે એક દિને લૉમ્બર્ડીના મજૂર લોકો રોમમાં કાંઈ ખોદાણ કામ કરતા હતા. તેમાંથી એમને એક શ્વેત સંગેમરમરની કબર નજરે પડી. ઉપરનું આચ્છાદન દૂર કર્યું ત્યાં એક દેવી સૂતેલી દેખાઈ; જાણે જીવતી જ! એઓએ એના ઉપર સુગન્ધી વનસ્પતિઓ ફેરવી. એટલામાં એ જાણે આંખ ઉઘાડતી હોય એમ એમને દેખાયું. એના ગાલ ગુલાબી, અને અધર ઉપર સ્મિત રમતું હતું. આ મધુર ચમત્કારથી જનતાનું હૃદય હાલ્યું, લોકોનાં ટોળેટોળાં ભરાયાં. દેવીને ભક્તિભાવથી કૅપિટૉલ યાને રોમના ટાઉનહૉલમાં લઈ ગયા. ત્યાં આખું શહેર એને જોવા ઊલટ્યું અને એ દૈવી આકૃતિ જોઈ મુગ્ધ બન્યું. પાદરીઓને ભય પેઠોઃ રખેને લોકમાં મિથ્યાત્વ અને પ્રતિમાપૂજા ઉત્પન્ન થાય. પોપે રાતોરાત એને ત્યાંથી ઉપાડીને અન્યત્ર દાટી દેવાનો હુકમ કર્યો. પણ લોકોએ એ દેવીનાં દર્શન એક વખત કર્યાં તે કર્યાં જ. એક લેખક કહે છે તેમ; “She had a beauty of ancient time; through having simply gazed upon her the world began to blossom once more.” આમ પ્રાચીન ગ્રીક અને લૅટિન સાહિત્યના ઉદ્ધાર અને સૌન્દર્યદેવીના પ્રાકટ્ય સાથે, શુષ્ક ધાર્મિકતાની બેડીઓ પણ તૂટવા લાગી; અને પ્રાચીન ગ્રીકરોમન સંસ્કૃતિનું જે ખાસ લક્ષણ-ઐહિક જીવનમાં રસ–તે ફરી ઉત્પન્ન થયો; અને પ્રજા પરાક્રમને પંથે ચડી. આ સર્વના પ્રતિધ્વનિ ઇંગ્લંડ સુધી પહોંચ્યા. પ્રાચીન સાહિત્યના અનુવાદો ઈટાલિયન અને ફેંચ ભાષામાં થયા અને ત્યાંથી અંગ્રેજીમાં ઉતર્યા. આપણા અર્વાચીન સાહિત્યના જન્મની પણ એ જ હકીકત છે. અહીં પણ ગયા શતકમાં આપણી પ્રાચીન ભાષાને જે સ્થાન અપાયું તથા પરદેશી (અંગ્રેજી) સાહિત્ય સાથે સંપર્ક શરૂ થયો, એમાંથી ધાર્મિક સુધારો, નવી સ્વાતન્ત્ર્યની ભાવના, ઐહિક જીવનમાં રસ અને એ રસથી તરબોળ એવું નવીન સાહિત્ય ઉત્પન્ન થયું એ યુરોપના સંજીવનના યુગમાં, અને વિશેષે કરી એલિઝાબેથના ઇંગ્લંડમાં, પ્રજાજીવનમાં જેમ અપૂર્વ વેગ પરાક્રમ અને સમુલ્લાસનો પ્રાદુર્ભાવ એ એના સાહિત્યનું કારણ બન્યું હતું, તે જ પ્રમાણે આપણા અર્વાચીન સાહિત્યમાં પણ બન્યું છે, માત્ર આપણી નસોમાં એ વેગ પરાક્રમ અને સમુલ્લાસનું બળ જેટલું ઓછું, તેટલું આપણું સાહિત્ય પણ એલિઝાબેથના સમયના ઇંગ્લંડના સાહિત્ય કરતાં ઊતરતું છે. ઇંગ્લંડનો વહાણવટી નવી ભૂમિ શોધવા, લૂટવા, તાબે કરવા સમુદ્ર ખેડતો હતો, કષ્ટમાં આનન્દ પામતો હતો, અને પોતે સ્વતંત્ર છે એ અદ્ભુત બલદાયી લાગણીથી ભરેલો રહેતો. આપણે ત્યાં આ સર્વ સ્થિતિ શરૂ થવા લાગી છે, પણ તે કૂંપળ અવસ્થામાં છે, સિદ્ધને બદલે સાધ્ય અવસ્થામાં છે, પૂરી વસ્તુસ્થિતિને બદલે ઘણું આકાંક્ષામાં છે, પણ જે છે તે ઉત્સર્પણને માર્ગે હોઈ આશાજનક છે.

સાહિત્યપરિષદનું કર્તવ્યઃ સાહિત્યને અનુકૂળ વાતાવરણ
ઉત્પન્ન કરવું

પરિષદને વિચારવાનું સાહિત્ય તે વિશેષ અર્થમાં ‘સાહિત્ય’. સામાન્ય અર્થના સાહિત્યની ઇતર શાખાઓની વિલક્ષણ એવું, વિશેષ અર્થમાં સાહિત્યનું સ્વરૂપ શબ્દની યોજનાથી આપણા પૂર્વજોએ બતાવ્યું છે. “शब्दार्थो सहितौ काव्यम्” જેમાં શબ્દ અને અર્થ વિશિષ્ટ રૂપે એક બીજાની સાથે મળેલા હોય; “वागर्थाविव सम्पृत्कौ” શિવપાર્વતીવત્ જ્યાં અર્થ અને વાણી એક બીજાનાં અર્ધાંગ હોય એ કાવ્યસાહિત્ય. આ કાવ્યસાહિત્ય એ સાહિત્ય સામાન્યનો આત્મા છે. ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન સઘળાં શાસ્ત્રનું પર્યવસાન કાવ્યમાં. કાવ્ય એ ક્રાન્તિદર્શીની દૃષ્ટિ; પછી એ ગદ્ય હો વા પદ્ય હો. પદ્યમાં અર્થસંગીત સાથે શબ્દસંગીતનો સહચાર, તેટલું પદ્ય ગદ્ય કરતાં કાવ્યને વિશેષ અન્તરંગ, અને ગદ્યમાં જેટલો શબ્દસંગીતનો અભાવ તેટલું તે કાવ્યને બહિરંગ, અન્ય શાસ્ત્ર અને વિદ્યાથી કાવ્યનો વ્યાવર્તક ધર્મ એ કે શાસ્ત્ર અને વિદ્યા મનુષ્યબુદ્ધિના અમુક અમુક ખંડને ઉજાળે, ત્યારે કાવ્ય અખંડ વસ્તુનું – વસ્તુના ઊંડા અન્તરમાં વિરાજતા દિવ્ય તત્ત્વનું – સાક્ષાત્ દર્શન કરાવે. પ્લેટોની ગુફાના ઉદાહરણથી સમજવા યત્ન કરીએ તો બહાર જતાં આવતાં મનુષ્યોના ગુફાની ભીંતે પડતા પડછાયા ઉપરથી અનુમાન કરવું તે શાસ્ત્ર અને વિદ્યા, અને ગુફાના મુખ સામે બેસી જનતાને સાક્ષાત્ નિહાળવી એ કવિધર્મ; અને સાક્ષાત્ દર્શન પણ અખંડ વસ્તુનું એના અમુક અમુક પાસાનું નહિં. બેશક, એ અખંડતાને કવિ તરફ વળેલું પાસું કહેવું હોય તો તે જુદી વાત. આમ કાવ્ય એ શાસ્ત્ર અને વિદ્યાથી ભિન્ન છે. છતાં સર્વનો વાસ મનુષ્યના આત્મામાં છે, અને તેથી એમની પરસ્પર અસર થયા વિના રહેતી નથી. રાજશેખર કવિતાઓના ત્રણ ભેદ પાડે છેઃ સારસ્વત, આભ્યાસિક અને ઔપદેશિક, સારસ્વત કવિઓ તે કે જેઓ ઉપર સરસ્વતીનો અનુગ્રહ હોઈ, એમની કવિત્વશક્તિ ‘સહજા’ છે, અર્થાત્ પૂર્વજન્મમાંથી ઊતરી આવી છે, અને આ જન્મમાં માત્ર થોડોક જ સંસ્કાર મળતાં ખીલી ઊઠે છે. આભ્યાસિક કવિઓ તે કે જેની કવિત્વશક્તિ ‘આહાર્યા’ એટલે કે આ જન્મના અભ્યાસથી – અર્થાત્ સંસ્કારથી કેળવણીથી – પ્રાપ્ત કરવામાં આવી છે. અને ઔપદેશિક કવિઓ તે કે જેઓમાં સ્વભાવિક કવિત્વશક્તિ બિલકુલ નથી પણ જેઓ મહેનત કરી કરીને કાવ્ય રચતાં શીખ્યા છે. આ ત્રીજા વર્ગને તો આપણે લક્ષમાં જ નહિ લઈએ. પણ જગતના મહાન કવિઓ બધા સારસ્વત યાને કેવલ સરસ્વતીના પ્રસાદ થકી જ કવિ થએલા છે એમ નથી. ઘણાં મોટાં મોટાં નામો – મિલ્ટન, ટેનિસન, ભવભૂતિ, રાજશેખર, આદિ અસંખ્ય – આ જન્મમાં પ્રાપ્ત કરેલી ઊંચી કેળવણીથી કવિ બન્યા છે. અને આ જાતના કવિઓ માટે ફલદ્રુપ ભૂમિ રચવાનું જનસમાજના હાથમાં છે. બીજા બે વર્ગમાંથી પહેલા વર્ગના – ‘સારસ્વત’ – કવિઓ આપણી ભૂમિમાં નિપજાવવાની પ્રભુની ઇચ્છા હશે તો તે સાહિત્યપરિષદના કાર્યની વાટ નહિ જુવે. ગુજરાતમાં સૃષ્ટિસૌન્દર્ય અને જનસ્વભાવનું વૈવિધ્ય અર્થાત્ કવિતાની સામગ્રી થોડી નથી. છતાં વર્તમાન જમાનામાં સર્વથા સ્વાભાવિક કવિત્વશક્તિ ધરાવનાર એવા સારસ્વત કવિઓ ઉત્પન્ન ન થાય તો તેમાં આશ્ચર્ય નથી. કારણ કે, સારસ્વત કવિઓનો જમાનો તો એક રીતે ક્યારનોએ વહી ગયો છે. જેમ મનુષ્યજાતિનો સુધારો વ્યવસાયી અર્થાત્ જ્ઞાનગ્રાહી થયો છે, અને અત્યારે એનાં સઘળાં પગલાં અનુવ્યવસાયી દશામાં જ ભરવામાં આવે છે, તે જ પ્રમાણે વર્તમાન યુગમાં વ્યવસાયી કવિની એટલે કે માત્ર કાવ્યસામગ્રીના સાંનિધ્યથકી જ પ્રજ્વળી ઊઠનાર એવા હોમરની જાતના કવિની ઉત્પત્તિ થવાનો સંભવ થોડો છે; વર્તમાન કવિઓમાં તો થોડીક સ્વભાવિક શક્તિ ઉપર આ જન્મના સંસ્કારો – એટલે કે જીવનનો અનુભવ અને વાચનની કેળવણી – એની છાપ પુષ્કળ પડે છે, અને એમાંથી એમનું કવિત્વ સ્ફુરે છે. બેજહૉટ ‘પ્રાયમરી’ અને ‘સેકન્ડરી’ અર્થાત્ સહજ અને આહાર્ય એવા કવિઓના બે વર્ગ પાડે છે તે આ રીતે જ; હોમર, શેક્સપિયર, આદિ પ્રથમ વર્ગમાં આવે છે, વર્જિલ, મિલ્ટન, વગેરે દ્વિતીય વર્ગમાં આવે છે. પણ પ્રથમ વર્ગના સર્વ કવિઓ દ્વિતીય વર્ગના સર્વ કવિઓ કરતાં ચઢિયાતાં હોય એમ કાંઈ નિયમ નથી. માત્ર આ બે વર્ગ એ કવિતાની ઉત્પત્તિનું કારણ લક્ષમાં લેતાં પડેલા બે પ્રકાર છે. અને પહેલા વર્ગના એક કવિતા કરતાં બીજા વર્ગનો એક કવિ ચઢિયાતો હોય એ તદ્દન સંભવિત છે. સ્પેન્સરને અંગ્રેજી કાવ્યસાહિત્યના ઇતિહાસમાં “પોયેટ્સ પોયેટ”નો ઈલકાબ મળ્યો છે, અને અગણિત અંગ્રેજ કવિઓ ગ્રીક, લૅટિન, ઇટાલિયન કવિઓમાંથી ઉત્પન્ન થયા છે એ કોણ નથી જાણતું? નવીનતાના મોહને વખોડી કવિસંપ્રદાયનો મહિમા વર્ણવતાં. ન્યૂબોલ્ટ એક ઠેકાણે કહે છેઃ

"To be in the tradition is not to be obsolete, either in civilization or in poetry; to be ‘derivative' is not necessarily to be inferior, even in the aeroplane factory. The truth on the other side is that the human spirit grows not by singularity but by admiration and assimilation; that the deepest waters of human life come from no private well, but from an underlying pool, vast and immemorial, and that poetry, as Shelley knew, is not an unrelated collection of separate inventions, but a vision of the eternal which all poets like the co-operating thoughts of one great mind, have built up since the beginning of the world," આ જાતનું કાવ્યવાતાવરણ સાહિત્યપરિષદ રચી શકે છે. આ માટે ઊંચી જાતના વિવેચનશાસ્ત્રની જરૂર છે – જે સામાન્ય વાચકમાં ઊંચી વિવેચનદૃષ્ટિ ઉત્પન્ન કરે એટલું જ નહિ, પણ જેને આધારે શાળામાંથી બાળકોને શિક્ષણશાસ્ત્રની ભાષામાં જેને ‘એપ્રિસીએશન લેસન’ કહે છે તેવા પાઠ દ્વારા કવિતાના સૌન્દર્યનો ઉપભોગ કરતાં શીખવી શકાય. વામનમાંથી સૂચના લઈ રાજશેખરે ‘ભાવક’ યાને સહૃદયના પ્રથમ બે વર્ગ પાડ્યા છે; અરોચકી અને સતૃણાભ્યવહારી. એટલે એક તો એવા કે જેમને કહ્યું રુચે જ નહિ, અને બીજા એવા કે જે ઘાસ સુદ્ધાંત ગમે તે ખાઈ જાય. આ બંને અવિવેચક છે. તેમાં ત્રીજો વર્ગ એક ‘મત્સરી’ એટલે કે અદેખા અને સામાના દોષ જોયા કરે એવાનો ઉમેરે છે, અને ચોથો વર્ગ ‘તત્ત્વાભિનિવેશી ' એટલે ખરા તત્ત્વ ઉપર ચિત્ત લગાડનારનો જણાવે છે. આ છેલ્લો વર્ગ જ સાહિત્યને ઉપકારક થઈ પડે છે. હજુ સુધી ગુજરાતીમાં કાવ્યકલાની તત્ત્વાભિનિવેશી મીમાંસા બહુ થોડી જ થઈ છે. પ્લેટો એરિસ્ટોટલથી માંડીને કિવલર કૂચ, સેઈન્ટ્સબરિ, ગૉસ, ન્યૂબોલ્ટ અને સ્કાયર સુધી, સૂર્યથી માંડી નાનાના દીવા સુધી, કાવ્ય અને એના વિવિધ ભેદનાં તત્ત્વ ઉપર પ્રકાશ નાખનાર જ્યોતિઓ અસંખ્ય થયા છે, અને જેમ જેમ કાવ્યનાં નવાં નવાં રૂપ પ્રકટ થયાં તેમ તેમ એ તત્ત્વોના વિવેચનમાં તેમજ એના પ્રયોગના વિચારમાં ઘણું કામ થયું છે. આપણે ત્યાં પણ પ્રાચીન આલંકારિકોએ કેટલું બધું કર્યું છે એનું જ્ઞાન સામાન્ય પ્રજાને બલ્કે સુશિક્ષિત જનમાં પણ થોડું છે. આ ખોટ પૂરી પાડવા સાહિત્ય પરિષદ બહુ સારો પ્રબન્ધ રચી વા રચાવી શકે છે. આવી સારાસારગ્રાહી ઉચ્ચ વિવેચનની વિદ્યાને અભાવે – કાવ્યક્ષેત્રમાં પુષ્કળ ઘાસ ઊગે છે, અને બિચારા ઘાસને હું ઘાસ છું એટલું ભાન થવું પણ અશક્ય રહે છે. રાજશેખર કવિઓનું તારતમ્ય બતાવતાં નોંધે છે કે –

"एकस्य तिष्ठति कवेगृह एव काव्य
मन्यस्य गच्छति सुहृद्भवनानि यावत् ।
न्यस्याविदग्धवदनेषु पदानि शाश्वत्
कस्यापि संचरति विश्वकुतूहलीव ॥’’

— કોઈ કવિનું કાવ્ય તો એના ઘરમાં જ રહે છે; બીજાનું મિત્રોના ઘર સુધી પહોંચે છે; કોઈકનું જ એવું હોય છે કે જે અવિદગ્ધજનના મુખ ઉપર પગ મૂકીને—એમના વચનની દરકાર કર્યો વગર—જાણે વિશ્વ જોવાના કુતૂહલથી બહાર નીકળી પડે છે. આવા ગૃહકવિઓની અને મિત્રકવિઓની ઉપેક્ષા કરી, બહુ તો એમને સહી લઈ, વિશ્વકવિઓના ગુણ પારખી, એનો આસ્વાદ લઈ જાણવો એ ખરા વિદગ્ધનું કામ છે. એ કર્તવ્ય અંગે, આપણા ગુર્જર કવિઓ અને કાવ્યો ઉપર આપણે સવિશેષ આદર ધરાવીએ એ સ્વાભાવિક છે અને કેટલેક દરજ્જે ઠીક પણ છે; પણ ઘરદીવડાંના પ્રેમથી મુગ્ધ બની આપણી રસવૃત્તિને સાંકડી કરી રાખીએ તો તેથી આપણી વિદગ્ધતાને હાનિ થાય છે એટલું જ ન પણ કવિઓના રસાત્માને પણ જોઈતું પોષણ મળતું નથી. ખરું છે કે કવિ અને ભાવક (સહૃદય વિદગ્ધજન) એક હોતા નથી. "एकः सूते कनकमुपलस्तत्परीक्षाक्षमोडन्यः — સુવર્ણ એક જાતના પત્થરમાંથી પેદા થાય છે અને એની કસોટી કાઢનાર પત્થર જુદો હોય છે. તથાપિ કવિ જ્યાં સુધી પોતાના કાવ્યનો વિવેચક ન થાય અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય, ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે, અને વિવેચન મર્મગ્રાહી ન બને આપણું કાવ્યો આપણી ભૂમિમાં જ પાકવાં જોઇએ, અને આપણાં વિવેચન પણ સ્વદેશી હોવાં જોઈએ એ દૃષ્ટિબિન્દુ સ્વાભાવિક છે. તથાપિ મનુજ આત્મામાં સ્વ અને પરનો અદ્ભુત સમન્વય હોય છે – મનુજ પોતાની ભૂમિનો વતની છે તે સાથે મનુજ હોઈ સમસ્ત બ્રહ્માંડનો વાસી છે, અને તેથી એને પોતાનું વૈશિષ્ટ્ય કેળવવાનું છે તે સાથે એના વિશેષણમાં સ્વ અને પર ઉભય તત્ત્વો રહેલાં છે એ ભૂલવાનું નથી. જગતનાં સર્વ મહાન સાહિત્યો એ રીતે જ ઉદ્ભવેલાં છે. કોઈ પણ પ્રજા જે પરદેશી સાથે આત્માની આપ લે કરવા તૈયાર નથી તે પોતાના આત્માને કદી ખીલવી શકતી નથી. જેમ પરદેશી રસ ચૂસ્યા કરનાર પોતાના આત્માને ખુવે છે, તેમ એ રસથી વિમુખ રહેનાર પોતાના આત્માને ગૂંગળાવે છે. વર્તમાન સમય સંક્રાન્તિનો હોઈ સ્વ અને પરનાં ઉભય તત્ત્વ યોગ્ય માપમાં રહેવાં કઠણ છે. અત્યારે પશ્ચિમની નવલકથાઓનું, ટૂંકી વાર્તાઓનું અને નાટકનું અનુકરણ પુષ્કળ થવા લાગ્યું છે, પણ ધીમે ધીમે એમાંથી ઊભરો નીકળી જઈ માત્ર સાર જ રહેશે અને આપણા સાહિત્યના વિશિષ્ટ આત્મામાં ભળી શકે એટલું જ પરદેશી તત્ત્વ છેવટે રહી જશે. તેથી આપણા સાહિત્યે ધારણ કરેલા વર્તમાન વલણથી આપણે ક્ષોભ પામવા કારણ નથી, જો કે કાંઈક ચેતતા રહેવાની અને સ્વદેશાભિમાનને જાગતું રાખવાની તો જરૂર છે જ. પશ્ચિમના જે રસસ્વરૂપને આપણા સાહિત્યમાં સત્કાર આપવો ઇષ્ટ છે તે એ રસસ્વરૂપને કે જે એના મહાન સાહિત્યમાં મૂર્તિમન્ત થએલું છે. છેલ્લી આગબોટમાંથી ઊતરેલાં નૉવેલો વા માસિકોની વાર્તાઓ એ યુરોપનું મહાન સાહિત્ય નથી; એનું ચર્વણ એ તો ઘણીવારનું ચર્વણ કરવા સમાન હોય છે. એના મોટા ઇક્ષુદંડ વર્તમાન સમયમાં પણ ‘ડાય્નેસ્ટ્સ’ કે ‘સેંય્ન્ટજોન’ જેવી કૃતિઓ જ ગણાય છે, અને વસ્તુતઃ એનાં અમરફળ તો અ કરતાં પણ જુદાં હોય છે. આ વિષયમાં ખરી વિવેકભરી રસવૃત્તિ ઉત્પન્ન કરવી એ નવીન વિવેચનશાસ્ત્રનું, અને તે માટે યોગ્ય પ્રબન્ધ કરવો એ સાહિત્યપરિષદનું, કામ છે. નાટક વિષે લખતાં ડ્રાય્ડને ત્રણ જાતના ‘પબ્લીક્સ’ યાને ભોક્તા ગણાવ્યા છે. એક તો ખરા વિદગ્ધ અને સંસ્કારી, જેની સંખ્યા સહુથી ઓછી; બીજા ‘વૉર્મ યંગ મેન’ ઉત્સાહી યુવકો, જેમનો કલાવિષયક ઉત્સાહ સાચો પણ કેટલીકવાર ઉપરછલ્લો અને ભ્રાન્તઃ એમની સંખ્યા વધારે; અને ત્રીજા સામાન્ય લોક, જે સાહિત્યની કૃતિમાંથી કેવળ આનન્દ જ માગે છે – એમની સંખ્યા બહુ મોટી. આમ વિદ્વદ્ભોગ્ય, યુવકભોગ્ય અને લોકભોગ્ય એમ સાહિત્યના ત્રણ વર્ગો પડે છે. અહીં વિવેચનશાસ્ત્રીનો વિકટ પ્રશ્ન આવીને ઊભો રહે છે કે આમાંથી કયા વર્ગના પ્રેક્ષક કે વાચક માટે કવિએ કાવ્ય નાટક કે નવલકથાઓ રચવી? વર્તમાન સમયમાં આ ત્રીજા વર્ગ તરફ તાણી જનારાં બે જબરાં વહેણ છે; એક તો આ જમાનો ‘ડેમોક્રેટીક’ યાને લોકસામાન્યના મતની દરકાર કરનારો છે; બીજું, એ દ્વારે ધનની પ્રાપ્તિ હોઈ કવિને પણ એ માર્ગે જ સરવાનું મન થાય છે. યુવકો એ ભવિષ્યની પ્રજા હોઈ, અને નવી રસભાવનાની ઉત્પત્તિનું સ્થાન હોઈ, એમની દૃષ્ટિમાં નવાં તેજ પ્રકટ થતાં હોય એ સ્વાભાવિક છે; પણ સાહિત્ય એ જીવનનું પરિપક્વ દર્શન હોય તો યુવકોની સાહિત્યભાવના કાચી હોવાનો પણ સંભવ છે જ. ખરા વિદગ્ધ અને સંસ્કારી વિવેચકો જડ ન થઈ જાય તો એમની દૃષ્ટિ સહુથી ઉત્તમ છે, અને ખરા કવિને એમના જ મતની દરકાર હોવી જોઈએ. પણ એઓ પણ ઊગતી ભાવનાને જોઈ ન શકે એવી ટૂંકી દૃષ્ટિવાળા અને જડ હૃદયના થઈ જવાનો સંભવ છે. તેથી ઉત્તમ વિવેચકો પહેલા અને બીજા વર્ગના સમન્વય રૂપ છે. પણ તેથી ‘ડેમોક્રેટીક’ સાહિત્ય અવગણનાયોગ્ય છે એમ કહેવાનું તાત્પર્ય નથી. જગતનું પરમ મહાન સાહિત્ય ‘રામાયણ’ અને ‘મહાભારત’ પંચતન્ત્ર અને ઈસપની વાર્તા – એ લોકભાગ્ય નથી? એ લોકભોગ્ય છે તેવું જ વિદ્વદ્ભોગ્ય પણ છે. પ્રાકૃતજન પણ મનુષ્ય જ છે અને તેથી મનુષ્યની બુદ્ધિ અને રસના શાશ્વત અંશોને એ સાહિત્ય સ્પર્શે છે એમાં એની મોટાઈ છે. પણ પ્રાકૃતજનની પ્રાકૃતતાને પરિણામે એનામાં જે ભ્રાન્ત અને ઉપરછલ્લી દૃષ્ટિ હોવાનો સંભવ છે, જે કાન્તદૃષ્ટિગમ્ય ઊંડા તત્ત્વ જોવાની એનામાં અશક્તિ છે, તેને પણ પૂજવી એ ‘ડેમોક્રસી’ અને ‘મોબ રૂલ’ વચ્ચે ભેદ ન સમજવા જેવી ભૂલ છે. વિવેચનશાસ્ત્રમાં આપણે ઘણું કરવું બાકી છે. સાપ્તાહિક કે માસિક પત્રમાં જે ગ્રન્થાવલોકન થયા છે તેમાં આ વિશાળ ક્ષેત્રની સીમા પણ ભાગ્યે જ ખેડાય છે. વિવેચનશાસ્ત્રની રચનાને અંગે, કલાના અને તે ઉપરથી સાહિત્યના તત્ત્વનું અન્વેષણ કરવું એ એનો એક પ્રકાર છે; સાહિત્યના વિવિધ પ્રકાર લઈ એનાં સ્વરૂપલક્ષણ બાંધવા એ બીજો પ્રકાર છે; અમુક કૃતિના ગુણની મર્યાદા અવલોકવી એ ત્રીજો પ્રકાર છે; તેમ ગુણદોષનો વિચાર પડતો મૂકી માત્ર એનું સૂક્ષ્ય સ્વરૂપ ઊંડા ઊતરીને સમઝવા યત્ન કરવો એ ચોથો પ્રકાર છે; સર્વાનુભવરસિકથી ભિન્ન સ્વાનુભવરસિક વિવેચન–જેમાં વાચકના બોધ માટે નહિ પણ પોતાના જ ઉપભોગ માટે અમુક સાહિત્યકૃતિનું નિરીક્ષણ થાય છે અને, એ રીતે એક વિશિષ્ટ સાહિત્યનો પ્રકાર ઉત્પન્ન કરવામાં આવે છે, એ એનો પાંચમો પ્રકાર છે – ઇત્યાદિ અગણિત રૂપે વિવેચનકલા ખીલવવાની જરૂર છે. કારણ કે જેમ ઊંચું સાહિત્ય વિવેચનશાસ્ત્ર માટે નવું વસ્તુ ઉત્પન્ન કરે છે, તેમ ઊંચુ વિવેચન સાહિત્યને નવા માર્ગ સુઝાડે છે. કાવ્યના અર્થમાં સાહિત્યની ઉત્પત્તિ માટે, અને એને અંગે ઊંચી વિવેચનશક્તિ કેળવવા માટે, આ પરિષદનું શું કર્તવ્ય છે એ આપણે જોયું. પરંતુ એ જાતના સાહિત્યને ખીલવા માટે બુદ્ધિ અને હૃદયના સંસ્કાર પણ ઊંચા કરવાની જરૂર છે. એ સંસ્કારની પોતાની કિંમત – સાહિત્ય સાથે એના સંબન્ધ વિના સ્વતંત્ર રૂપે પણ – થોડી નથી. પણ સાહિત્ય એ ‘ફાઈનર બ્રેથ ઑફ ઑલ નોલેજ’ જ્ઞાન માત્રનો વધારે સૂક્ષ્મ અને સુન્દર પ્રાણ છે, તો એ પ્રાણને વસવા માટે સ્થૂલ દેહ પણ જોઈએ. પંકજ પણ પંક વિના થતું નથી. તો કવિતાસાહિત્ય પણ બુદ્ધિ અને હૃદયને કેળવે એવાં શાસ્ત્રના ક્યારા વિના કેમ ઊગે? તે સારું, બીજાં શાસ્ત્રની કેળવણી માટે પણ આ પરિષદે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે.



ઇતિહાસસંશોધન

આપણા ઇતિહાસવિભાગે વિચારવાના પ્રશ્નો ઘણા છેઃ પ્રથમ તો ગૂજરાતનો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ ધ્યાનમાં રાખી, એનું નિરૂપણ જે અત્યાર સુધી ગૂજરાતની વર્તમાન ચતુઃસીમાની દૃષ્ટિએ જ કરવામાં આવ્યું છે એમાં મૌલિક પરિવર્ત કરવો જોઈએ. ગૂજરાતનો પ્રાચીન ઇતિહાસ એટલે ઉત્તરમાં પંજાબ સુધીના પ્રદેશનો, અને દક્ષિણમાં દક્ષિણના ઉત્તર વિભાગના પ્રદેશનોઃ એ ઇતિહાસનાં ઘણાં બાકાં હજી હવે પૂરવાનાં છે. ઘણાં વર્ષો પૂર્વે આપણા ઇતિહાસનું શિક્ષણ મોગલ અને બ્રિટિશ અમલની જ દરકાર કરતું. તે પછી મહમદ ઘોરી અને મહમદ ગિઝની સુધી, અને તે પછી પ્રાચીન ઇતિહાસસંશોધનની કિંમત થતાં સિકંદરની સવારી સુધી, આપણે ભૂતકાળમાં ગયા. પરંતુ તે પહેલાંનો સમય કેવળ પૌરાણિક એટલે ઇતિહાસદૃષ્ટયા અપ્રામાણિક એવી વાર્તાઓથી જ ભરેલો હોઈ ઇતિહાસના અભ્યાસના માટે નકામો છે એવી સમઝણ ઘણો વખત ચાલી. પરંતુ વધતી જતી શોધને પરિણામે સમજાયું કે પુરાણમાં કરેલી નોંધ હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરનાર પશ્ચિમની પ્રજાઓના ઇતિહાસકારોએ તથા અન્ય મુસાફરોએ જે નોંધ કરી છે તેની સાથે અદ્ભુત રીતે મળતી આવે છે. આથી પુરાણની પ્રમાણ તરીકે પ્રતિષ્ઠા વધી, અને પુરાણના મહાન અભ્યાસી પાર્જિટરે અ પ્રતિષ્ટાનું સારાસારવિવેચનપૂર્વક એટલું બધું ગૌરવ વધારી દીધું કે વેદાદિક ગ્રન્થ કરતાં પણ એનું પ્રમાણ વધારે માન્યું. આટલે સુધી જવું મધ્યસ્થ ઇતિહાસકાર માટે અશક્ય છે, પણ અન્ય પ્રમાણથી બાધિત ન હોય, અથવા અન્ય પ્રમાણને બાધિત કરે એટલું સંભવિત હોય તો પુરાણાના કથનને ઇતિહાસરૂપે માનવાને અત્યારે સહુ ઇતિહાસકારો તૈયાર છે. તે જ પ્રમાણે તે પછીના સમયમાં આવતાં કેવળ શિલાલેખ, સિક્કા અને તામ્રપટ્ટના જ પ્રામાણ્યને વળગી ન રહેતાં ઇતિહાસ રચવામાં બાધાબાધના સામાન્ય નિયમાનુસાર સાહિત્યનો ઉપયોગ કરવો પણ ઉચિત છે; વળી વિશેષ, સાહિત્ય જ્યારે તારીખો નક્કી કરવામાં ઉપયોગી નથી થતું, ત્યારે પણ પ્રજાના વાસ્તવિક કે ભાવનાત્મક જીવનની ઝાંખી કરવા માટે બહુ કામનું થઈ પડે છે. પરંતુ આપણા ઇતિહાસના પ્રકાશનું એક મોટું સાધન હજી હવે જ આશાક્ષિતિજ ઉપર ઊગતું દેખાય છે. સિંધ અને પંજાબની સરહદો ઉપર અને હરપ્પાના ખોદાણકામથી ‘ઋગ્વેદ’ના બલ્કે તેથી પણ પૂર્વના મનાતા કાળ ઉપર પ્રકાશનાં કિરણો ફૂટ્યાં છે. પણ હજી એ માત્ર કિરણો જ છે, એટલામાં તો ઇન્ડિયન આર્કિઓલોજીના ડિરેક્ટર સર જૉનમાર્શલ લખે છે કેઃ “The opinion has lately been gaining ground that the cradle of Sumerian and Egyptian civilization is to be sought somewhere east of Mesopotamia. If indeed, such a cradle ever existed, it is as likely as not to have been in the vast richly watered plains of Northen India. Migrations there undoubtedly were – and those on a large scale, and nothing is more probable than that the teeming populations of Northern India expanded westward through Seistan across the Iranian plateau and northward to the plains of Transcaspia.” આ અનુમાન જે અત્યાર સુધી ચાલતી આવેલા પાશ્ચાત્ય ઇતિહાસકાર અને પુરાતત્ત્વવિદની માન્યતાથી તદ્દન વિપરીત છે એ પુરાણની હકીકત સાથે મળે છે, અને પરિણામે હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરનાર અને એની વસ્તીમાં ભળી જનારે ‘ફોરેય્ન ટ્રાય્બ્ઝ’ યાને પરદેશી જાતિઓ સંબન્ધી આપણા અર્વાચીન વિદ્વાનોના લેખો જુદી દૃષ્ટિથી તપાસવા પડશે એમ સૂચવે છે. કાઠિયાવાડની ઐતિહાસિકરત્નગર્ભા વસુન્ધરા હજી ખોદવી તદ્દન બાકી છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને વલભીપુરનાં ઇતિહાસનાં કેટલાંએ પડ એ ભૂમિમાં દટાયેલાં કોઈ વાર બહાર નીકળશે એ કહેવાતું નથી, અને એ નીકળશે ત્યારે આપણા અત્યાર સુધી માનેલા ઇતિહાસને ટેકો આપશે કે ઉથલાવશે એ વિષે અત્યારે કાંઈ પણ પ્રામાણિક કલ્પના થઈ શકતી નથી. પણ એ શોધ ઇતિહાસના યર્થાથ જ્ઞાન માટે અત્યન્ત આવશ્યક છે એટલું તો નક્કી જ છે. બીજું આપણા ઇતિહાસના રાજવંશો અને એમની તારીખો આપણે ચોક્કસ રીતે જાણી શક્યા છીએ તેમાં પણ હજી લોકસ્થિતિ વિષે ઘણું જ્ઞાન ઉમેરવું બાકી છે. સાહિત્ય એ આ જાતના કાર્ય માટે એક મોટું સાધન હોય છે, પણ દુર્ભાગ્યે, આપણા તે કાળના ઘણાખરા કવિઓએ એમના સાહિત્યને ધર્મ સિવાય કોઈ પણ રસથી ભીંજાવા દીધું નથી. આથી લોકસ્થિતિ જાણવાના વિષયમાં આપણને ઘણી મુશ્કેલી પડે છે. રત્નમણિરાવે મુસલમાન સમયના ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ પ્રકટ કરવા માંડ્યો છે, તથા એને અંગે માત્ર સામાન્ય નિરુપણથી સંતોષ ન માનતાં વિગતવાર માહિતી એકઠી કરવા માંડી છે. એ પદ્ધતિએ ઘણું કામ કરવા જેવું છે. રાયચુરા અને મેઘાણી કાઠિયાવાડની જૂની વાર્તાઓ રાસ વગેરે સાહિત્ય એકઠું કરે છે એનું મૂલ્ય ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ હોય પણ સમયનું ચિત્ર દોરવામાં તો ઘણું જ કામનું છે. વળી એક સંસ્કૃત અલંકારશાસ્ત્રી લખે છે તેમ સર્વ શાસ્ત્રો કાવ્યમુખપ્રેક્ષી છે – અર્થાત્ કાવ્યનું જ મુખ નિહાળતાં – કાવ્યનાં સેવક – છે અને તે પ્રમાણે ઇતિહાસ પણ કાવ્યરૂપ થયા વિના એનું તત્ત્વ પૂરેપૂરૂં પ્રકટ કરી શકતો નથી. કવિપ્રતિભા વિનાનો ઇતિહાસ એ જીવંત માંસ અને રુધિર વિનાનું માત્ર કાલનું મૃત હાડપિંજર છેઃ તે આપણો ઇતિહાસ ખરી રીતે જાણવા માટે આપણે નન્દશંકર તુળજાશંકર અને કનૈયાલાલ મુનશીની અપેક્ષા રાખીએ છીએ. કલા ખાતર સત્યનો ભોગ આપવાની જરૂર હોય તો ગુજરાતના ઇતિહાસ ખાતર કલાનો ભોગ આપવા પણ ભાઈ મુનશીને આપણે વિનંતિ કરીશું. આપણે એમને કહીશું કે સત્ય અને કલા – ઇતિહાસ અને કલા ઉભયનો સુન્દર સમન્વય કરી શકે એવું એમનામાં સામર્થ્ય છે, એકનો ભોગ આપવો પડે એવા એ કલામાં અનિપુણ કે ઇતિહાસમાં યથાર્થની કિંમત ન સમઝી શકે એવા પ્રાકૃત નથી. છતાં ભોગ આપવો પડે એટલા એ અશક્ત હોય તો કલાનો ભોગ આપે ઇતિહાસનો નહિ; કારણ કે કલાનાં ક્ષેત્ર ઘણાં છે, ઇતિહાસનું એક છે. વળી, એક પ્રશ્ન ઇતિહાસ અને ભાષાશાસ્ત્રની સીમા ઉપર આવેલો અને તેથી ઉભય વિદ્યાના વિદ્વાનોએ વિચારવાનો એ છે કે આપણા પ્રાન્તના નામની વ્યુત્પત્તિ શી? ‘બોમ્બે ગેઝેટીયરે’ सं. गुर्जरराष्ट्र, प्रा. गुर्जररट्ट ઉપરથી ગુજરાત શબ્દની વ્યૂત્પત્તિ માની હતી. પરંતુ ‘ગુર્જરટ્ટ’ ઉપરથી ‘ગૂજરાઠ’ કે ‘ગૂજરાટ’ થાય, ‘ગૂજરાત’ ન થાયઃ એ શબ્દો કોઈ પણ લેખમાં મળતાં નથી અને ગૂર્જરરાષ્ટ્ર ઉપરથી ગૂજરાત કાઢવું એ વ્યુત્પત્તિશાસ્ત્રના નિયમથી વિરુદ્ધ છે. તેથી પછીના વિદ્વાનોએ ‘गुर्जरत्रा’ શબ્દ જે ડેડવાણકના તથા મંગલાનકના લેખમાં મળે છે તે ઉપરથી વ્યુત્પત્તિશાસ્ત્રનુસાર એ શબ્દ ઉપજાવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રને અવગણી શકાતું નથી એ ખરું પણ તે સામે થોડાક વિચાર પણ આવ્યા વિના રહેતા નથી. એક તો ‘ત્રા’નો આવો પ્રયોગ, સર્વનામને त्र (अत्र, तत्र, सर्वत्र, अन्यत्र) લાગે છે તે સિવાય, કોઈ દેશવાચક શબ્દમાં થયો જાણ્યો નથી. તે સાથે સુરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાષ્ટ્ર એ નામ એક બીજાની પાસે આવેલા ત્રણ દેશવિભાગના વાચક છે તેથી પાસેનો એક વિભાગ ‘ગુર્જરરાષ્ટ્ર’ કહેવાયો હોય તો આશ્ચર્ય છે? વ્યુત્પત્તિશાસ્ત્રનો વાંધો વજનદાર છે, પણ અશોકના घंमयुतस च योणकंबोज गंधारानं रिस्टिक पेतेणिकानं ये वापि अंञे अपराता (ગિરનાર), घेमयुतस्य योनकंबोजगंधालेसु लठिकपितेनिकेसु ए वा पि अंने आपलंता (ધૌલી), घ्रमयुतस योनकंवोयगंघरनं रस्टिकनं पितिनिकनं ये वपि अपरंत (શહબાઝગઢી), ध्रमयुतस योनकंबोजर्गधरनं रट्रकपिति निकन ये व पि अञे अपरत (માનસેરા) એમ ચાર જુદાં જુદાં સ્થળના લેખમાં, पेतेणिक, पितेनिक, पितिनिक શબ્દ છે તેનો મૂળ સંસ્કૃત શબ્દ દેવદત્ત ભાંડારકર સિવાય સર્વ વિદ્વાનોએ प्रतिष्ठानिक માન્યો છે, ત્યાં પૂર્વોક્ત વ્યુત્પત્તિશાસ્ત્રનો નિયમ કે ष्ठ નો ठ થાય ‘ત’ ન થાય એ વાંધો ગણ્યો નથી. દેવદત્ત ભાંડારકરે વ્યુત્પત્તિશાસ્ત્રને ત્યાં પણ માન આપીને पितनिक શબ્દનો જુદો જ અર્થ કર્યો છે. અંગુત્તર નિકાયમાં रठ्ठिकस्स पेत्तनिकस्य અને रठ्ठिको पेत्तनिको એમ એ શબ્દયુગલ બે વાર આવે છે ત્યાં એનો સહચાર गामगामि कस्य पूगगामणिकस्स गामगामको पूगगामणिको ઇત્યાદિ રાજ્યના અધિકારી વાચક શબ્દો સાથે થયો છે, અને ત્યાં પિતાથી પ્રાપ્ત અધિકાર ભોગવતો રાષ્ટ્રિક કહેવાતો રાજ્યાધિકારી એવો અર્થ ટીકાકારે કર્યો છે. એટલે અશોકના શિલાલેખમાં પણ रिस्टिक पेतेणिकનો એ જ અર્થ થવો ઘટે છે. અર્થાત્ पेतेणिक એ प्रतिष्ठानिक = પેઠણનું એમ નહિ. પરંતુ દેવદત્ત ભાંડારકરના આ पेतनिक = पैतृक સામે એક વિદ્વાન તરફથી વ્યુત્પત્તિશાસ્ત્રનો બીજો વાંધો લેવામાં આવ્યો છે કે तृ નું त्त કેમ થાય? પણ तृ નો त्रु ઉચ્ચાર થવાથી त्त થાય એ સંભવિત હોઈ એ વાંધામાં માલ દેખાતો નથી. તથાપિ એક વિકટ સ્થિતિ એ આવીને રહી છે કે અંગુત્તર નિકાયમાં रट्टिकपेतनिकનો સહચારી શબ્દ જોતાં અમુક રાજ્યધિકારી એવો અર્થ બંધ બેસે છે, ત્યારે અશોકના લેખમાં સ્પષ્ટ ‘યવન – કમ્બોજ – ગાંધાર – રાષ્ટ્રિક – પેતેણિક (પિતિનક) અને બીજા અપરાન્ત (સામ્રાજ્યના સામા છેડાના વા પશ્ચિમ સમુદ્રકાંઠાના) દેશ’ એમ દેશ તરીકે ‘રાષ્ટ્રિક પેતેણિક’ની ગણના કરી છે. બંને પક્ષનું સમાધાન એ રીતે થઈ શકે કે અમુક રાજ્યાધિકારીઓ મૂળ ધણીથી સ્વતન્ત્ર થઈ રાજ્ય વસાવે ત્યારે પણ મૂળ રાજ્યાધિકારીવાચક નામથી ઓળખાયાં કરે, અને એ રીતે રાજ્યાધિકારીવાચક શબ્દ લોકવાચક અને દેશવાચક થઈ જાય. આ રીતે रठ्ठिक पेतनिक શબ્દની ગતિ થઈ હોય. ગમે તેમ હોય પણ पेतनिक શબ્દનો प्रतिष्ठान શબ્દ સાથે સંબન્ધ સર્વમાન્ય ન રહ્યો એટલે અશોકના લેખના ઉદાહરણથી गुर्जरराष्ट्र ઉપરથી ગુજરાત શબ્દ અવતારવાનો આપણો યત્ન સફળ થતો નથી – જો કે ઉપર કહ્યું તેમ દેવદત્ત ભાંડારકર સિવાય સહુ વિદ્વાનોએ અશોકના લેખમાંએ વ્યુત્પત્તિની મુશ્કેલી અવગણી છે. હજી ‘રાષ્ટ્ર’ ઉપરથી ‘રાત’ ઉપજાવવાનો એક મન્દ યત્ન સંભવે છે અને તે એ કે મૂર્ધન્ય णનો દન્ત્ય न થાય છે અને ष નો स થાય છે, તેમ – અહીં મૂર્ધન્ય ट નો – દન્ત્ય त કેમ ન થાય? વળી પ્રકૃતસ્થળમાં ट મૂળ त (राज्+त्र=राष्ट्र) જ હતો એટલી મુશ્કેલી ઓછી છે. વળી ભરતે કહ્યું છે કે चर्मण्वतीनदीपारे ये चार्बुदसमाश्रिताः । तकारबहुलां नित्यं तेषु भाषां प्रयोजयेत् - અર્થાત્ ચંબલ નદીનો પારના અને આબુના વાસીઓ त વધારે બોલે છેઃ એ વાક્ય પણ કાંઈ પ્રકૃત પ્રશ્ન ઉપર પ્રકાશ ન નાંખે? આ વિચારપરંપરાનું બીજ गुर्जरत्रा શબ્દની વિચિત્રતા, અને દેશવાચક રાષ્ટ્ર શબ્દની સ્વાભાવિકતા એ છે; વ્યુત્પત્તિશાસ્ત્રની મુશ્કેલી વિસ્મરણ નથી. વળી એક બીજી સૂચના પણ કરવાની સૂઝે છેઃ ગૂજરાત = ગુર્જરરાષ્ટ્ર હોય તો તે = ગુર્જરોનું રાષ્ટ્ર એમજ શા માટે હોવું જોઈએ? ગુર્જર (ઉત્તર ગૂજરાત) અને રાષ્ટ્ર જે લાટ (દક્ષિણ ગુજરાત) નામે પ્રસિદ્ધ છે તે મળીને થએલો દેશ અથવા ગુર્જરોનો લાટ, ‘દક્ષિણ લાટ’થી ભિન્ન ‘ઉત્તર લાટ’ એમ અર્થ પણ ન હોઈ શકે? ‘લાટ’ એ ‘રાષ્ટ્ર’ ઉપરથી થએલો શબ્દ છે. અને ટૉલેમી, વાત્સ્યાયન, વગેરેને જાણીતો હોઈ, અશોકના લેખમાં लठिक નામનો જે એક ‘અપરાન્ત’ (સામ્રાજ્યમાં અપર નામ સામે અંતે કે પશ્ચિમ છેડે આવેલા પ્રદેશ-દેશમાંનો એક) કહ્યો છે તે લાટ જ હોવાનો સંભવ છે. લાટ-અન્તર્ગત ભરૂચ નગરમાં ગુર્જરોની એક શાખાએ રાજ્ય સ્થાપ્યું હતું, અને તેજ પ્રમાણે રાષ્ટ્રકૂટ અથવા રટ્ટ જાતિના રાજાઓ, જેઓ મૂળ ઉત્તરના હતા કે દક્ષિણના એ અનિશ્ચિત છે તથાપિ ઉત્તરના હોય એમ વિશેષ સંભવ છે, એમણે દક્ષિણમાં મોટું રાજ્ય સ્થાપ્યું હતું અને ગૂજરાતમાં આવેલા લાટ ઉપર પણ એમની સત્તા કોઈ કોઈ વાર પહોંચી જતી. આપણો પ્રાન્ત ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના પશ્ચિમ ભાગના દક્ષિણઉત્તર પ્રદેશ મળીને બનેલો છે, અને તેમાં ત્રીજો ખંડ સૌરાષ્ટ્રનો ઉમેરતાં, એકતા અને અનેકતાની એક અદ્ભુત ત્રિમૂર્તિ – બ્રહ્મા વિષ્ણુ અને શિવ સમી અને કાંઈક એ મતે મળતી – આપણી દૃષ્ટિ આગળ ચીતરાઈ જાય છે. આ રાજકીય ઇતિહાસમાંથી ફલિત થતો ગુજરાતના જનસમાજના બંધારણનો અને એની ભાષાનો ઇતિહાસ પણ ઇતિહાસના ગવેષકોએ હજુ પુષ્કળ શોધવાનો છે, ગૂજરાત જેટલી જ્ઞાતિઓ હિન્દુસ્તાનનાં બીજા કોઈ ભાગમાં નથી, અને જ્ઞાતિવિભાગનાં જે કારણે બીજા ભાગમાં પ્રવર્તેલાં છે તે ઉપરાંત અહીં બહુ વિશેષ છે. એ સર્વ જ્ઞાતિઓના ઇતિહાસ અને રિવાજ સંબન્ધી ઘણી માહિતી ‘બોમ્બે ગેઝેટિયર’માં સંકલિત કરેલી છે, તથાપિ ઘણાં વર્ષો ઉપર થયેલા એ કાર્યને અત્યારે ફરી શોધવાવધારવાની જરૂર છે, તેમજ ગુજરાતને એક અલગ પ્રાન્ત માનીને એની જ્ઞાતિઓનો ઇતિહાસ લખાયો છે તેને પણ ઉત્તર દક્ષિણ હિન્દુસ્તાનની જ્ઞાતિઓના ઇતિહાસ સાથે જોડીને ફરી રચવાની જરૂર છે.

ભાષા

ત્રીજું આપણી ભાષાનો ઇતિહાસ પણ હજી ઘણો વધારે શોધવાનો છે. સર જ્યોર્જ ગ્રિયર્સન એમનાથી જે બન્યું તે કરીને લખે છેઃ “We have thus a connected chain of evidence as to the growth of the Gujarati language from the earliest times. We can trace the old Vedic language through Prakrit down to Apabhramsa and we can trace the development of Apabhramsa from the verses of Hemachandra, down to the language of a Parsi newspaper. No single step is wanting for nearly four thousand years.” આ આપણી ગરવી ગૂજરાતની ગરવી ભાષાની વિશિષ્ટતા છે. અને તેથી જ એને માટે આપણું કર્તવ્ય ઘણું છે. ગ્રિયર્સને તો ભાષાશાસ્ત્રીઓની શોધોના આધારે માત્ર થોડીક લીટીઓ જ દોરી છે. પરંતુ ટેસિટોરી અને નરસિંહરાવભાઈએ એમાં ઘણું વધારે કામ કર્યું છે. પણ તેઓએ કર્યું છે તે કરતાં હજી ઘણું ઘણું વધારે કરવું બાકી છે. અપભ્રંશ સાહિત્યના છૂટક અવશેષો કેટલાક સમયથી ઉપલબ્ધ હતા, પણ સળંગ કાવ્યો હજી હવે જ પ્રસિદ્ધ થવા લાગ્યાં છે, અને અપભ્રંશ એટલે એક સ્થિર અવિકારી ભાષા – જેનું વ્યાકરણ હેમચન્દ્રે ઘડી આપ્યું છે – એમ મનાઈ રહ્યું છે, તેને બદલે હવે એનો એક જીવંત અને વિકારી ભાષા તરીકે અભ્યાસ થવો ઘટે છે; જેટલું અપભ્રંશ સાહિત્ય ઉપલબ્ધ છે એ પ્રકાશમાં મૂકી આ અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ. અત્યારે ઉત્તર હિન્દુસ્થાન – રાજસ્થાન–થી માંડી દક્ષિણમાં રાષ્ટ્રકૂટ રાજ્યના પ્રદેશ સુધીના ભાગમાં જે અપભ્રંશ સાહિત્ય જડ્યું છે તે રચવામાં પણ મોટો અંશ જૈનોનો છે. પણ હેમચન્દ્ર વગેરેએ ઉદ્ધરેલાં ઉદાહરણો જોતાં કેટલુંક સાહિત્ય જૈનેતર થકી પણ રચાએલું હોય તો તે સંભવિત છે. એ સઘળું સાહિત્ય શોધવાનો આપણે પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે અપભ્રંશ સાહિત્ય મૂળ હિન્દુસ્થાનના ઉત્તર દક્ષિણ ‘અપરાન્ત’નું છે, તથાપિ એના સૌથી વિશેષ ઉત્તરાધિકારીઓ આપણે ગૂજરાતી છીએ. આપણા ગૂજરાતમાં આવ્યાના ઇતિહાસ ઉપરથી આપણી ભાષાનો ઉદ્ભવ – પ્રાચીન આર્ય ભાષા, પછી સંસ્કૃત પછી પાલી, પછી શૌરસેની પ્રાકૃત, પછી શૌરસેની અપભ્રંશ અને તે ઉપરાંત ગુર્જરોની મૂળ ભાષા દર્દસ્તાની યા પૈશાચીઃ આટલાં તત્ત્વોમાંથી થએલો મનાય છે. હવે આ સઘળાં તત્ત્વોને પૃથક કરી આપણી ભાષાના પ્રત્યેક શબ્દની ઉત્પત્તિ આપણા કોષમાં આપણે બતાવવી જોઈએ. તેમાં પૈશાચીનું તત્ત્વ શોધવું કઠણ છે તથાપિ તે માટે યત્ન થવો જોઈએ, અને અશિષ્ટ મનાતા એના ખૂણાખાંચરાની બોલીના શબ્દો પણ એકઠા કરીને તપાસવા જોઈએ. આ સઘળું કાર્ય અસાધારણ મહત્ત્વનું છે તેવું જ ખર્ચનું છેઃ વળી વર્તમાન જમાનામાં કોઈ પણ કોષ જ્યાં સુધી સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ રૂપી મૂળ ઉપરાંત, હિન્દી મરાઠી અને બંગાળી સાથેના સમાનતાના અંશો નહિ દર્શાવે ત્યાં સુધી એ અપૂર્ણ જ ગણાશે. ‘પોલીટીકલ ફેડરેશન’ની ભાવના સાથે ‘લિંગ્વિસ્ટીક ફેડરેશન’ની ભાવનાને જોડવી જ પડશે.

વિજ્ઞાન

હવે વિજ્ઞાનવિભાગના વિષયમાં આપણે શું કરવાનું છે એ જોઈએઃ આ વિષયમાં જે કાર્ય કરવાનું હોઈ શકે તેના બે પ્રકાર છેઃ એક નવી શોધ, અને બીજો લોકપ્રચાર. નવી શોધની બાબતમાં તો ગુજરાતે આખા હિન્દને બલ્કે સમસ્ત પૃથ્વીના વિજ્ઞાનશાસ્ત્રીઓની સાથે રહીને કામ કરવાનું છે. પણ જે નાનું કામ – છતાં અતિ આવશ્યક કામ – સાહિત્ય પરિષદ પોતે ઉપાડી શકે એવું છે તે વિજ્ઞાનના લોકપ્રચારનું છે. છેલ્લાં દશપંદર વર્ષમાં આપણા પ્રથમ અને મધ્યમ કક્ષાના શિક્ષણમાં વિજ્ઞાનશાસ્ત્રને આપણે સ્થાન આપ્યું છે, અને સારી નિશાળોમાં એ કામ થતું હશે એમ પણ આપણે માની લઈએ, તો પણ એની બહાર સામાન્ય લોકમાં વિજ્ઞાનનો પ્રચાર હજુ નહિ જેવો છે. અને એ પ્રચાર સારી પેઠે થાય તે માટે સાહિત્યપરિષદે ખરા અન્તઃકરણથી મોટી યોજના રચવાની આવશ્યકતા છે. મારા મિત્ર મિ. કોઈલાં – જે હમણાં થોડા વખત ઉપર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એન્જીનિયરિંગ કૉલેજના વાઈસ પ્રિન્સિપાલ હતા અને હાલમાં પટણાની એન્જીનિયરિંગ કૉલેજના પ્રિન્સિપાલ થયા છે – એમણે ‘કલકત્તા રિવ્યૂ’માં ઔદ્યોગિક કેળવણી ઉપર લેખ લખવા માંડ્યા છે, એમાં એક સ્થળે કહ્યું છે કે ઇંગ્લંડનો ઔદ્યોગિક વિકાસ ઔદ્યોગિક શાળાને નહિ પણ ઔદ્યોગિક કારખાનાંને આભારી છે. આ કહેવું ઇંગ્લંડ પરત્વે ખરું છે, પણ અન્ય પ્રાણી કરતાં મનુષ્યોમાં વિશેષ એ છે કે જે સ્વાભાવિક હોય એને પણ એ પ્રયત્નજન્ય કરી શકે છે. ઔદ્યોગિક કારખાનાંથી ઇંગ્લંડનો ઔદ્યોગિક વિકાસ થયો એ ખરી વાત, પણ એ કારખાનાંને સુધારવામાં ઔદ્યોગિક શાળાનું વિજ્ઞાન અત્યારે મોટો ભાગ લે છેઃ બલ્કે ઇંગ્લંડ પણ શાળા અને કારખાનાંને પરસ્પર જોડવામાં અન્ય દેશોથી – ઉદાહરણ તરીકે જર્મનીથી – પછાત છે તેટલી એની ઔદ્યોગિક સ્થિતિ પણ હાનિ સહન કરે છે. આપણા દેશમાં કારખાનાંના કામમાં શાળામાં મેળવેલી વૈજ્ઞાનિક કેળવણી બહુ ઉપયોગી થશેઃ બલ્કે, આપણા દેશની સ્થિતિ એવી છે કે જ્યાં સુધી વૈજ્ઞાનિક શિક્ષણથી આપણી હવાને ભરી દેવામાં નહિ આવે, ત્યાં સુધી આપણાં કારખાનાં પણ ગતાનુગતિક અને જમાનાથી પચાસ વર્ષ પછાત રહેવાનાં. તે માટે સાહિત્યપરિષદે વિજ્ઞાનને લોકપ્રિય કરવા સારું જે કાંઈ યત્ન થઈ શકે તે કરવા મચી પડવું જોઈએ. આરંભમાં વિજ્ઞાનનાં લોકપ્રિય ભાષણો અને પ્રયોગો ગુજરાત અને કાઠિયાવાડનાં અમુક શહેરોમાં કરવા માટે ગોઠવણ કરી દેવી જોઈએ, અને એ કામમાં પ્રજાની સેવા કરવા ડૉ. કાન્તિલાલ, ડૉ. નાયક, પ્રોફેસર વીરમિત્ર દીવેટિયા, રા. પોપટલાલ શાહ, રા. સાંકળચંદ શાહ, રા. પર્જન્યરાય મેઢ, અને રા. વિજયલાલ ધ્રુવ તૈયાર છે એમ હું જાણું છું. અન્ય પણ ઘણા ભાઈઓ સાહાય્ય કરશે.

તત્ત્વજ્ઞાન

ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં આપણું બે જાતનું કર્તવ્ય છે. એક તો આપણા ગુજરાતી સાહિત્યમાં મીરાં અને નરસિંહ મહેતાથી માંડી આજ પર્યંત જે જે વિચાર આપણા સાહિત્યમાં પ્રકટ થયા છે, એ તારવવાનું, એનો ઇતિહાસ રચવાનું, તથા એને હિન્દુસ્તાનમાં અન્યત્ર પ્રકટ થએલા ધર્મ અને તત્ત્વવિચાર સાથે સાંકળવાનું મોટું કાર્ય છે. પણ એટલેથી જ સંતોષ પામવાનો નથી. જેમ સાહિત્યમાં જૂના સાહિત્યના પાનથી સંતુષ્ટ થવાનું નથી, પણ નવું સાહિત્ય રચવાનું છે, તે જ રીતે તત્ત્વજ્ઞાનમાં પણ આપણે આગળ પ્રગતિ કરવાની છે. આપણા પ્રાચીન પૂર્વજોએ જેમ ઇતિહાસ તેમ તત્ત્વજ્ઞાન સાહિત્ય સાથે ગૂંથ્યું હતું. પરંતુ એ કાર્ય મહાન કવિઓ જ કરી શકે, આપણે તો, એ જ કાર્યની સામગ્રી તરીકે, તત્ત્વજ્ઞાનને એક સ્વતન્ત્ર શાખારૂપે કેળવી પોષી સંવર્ધી શકીએ. તત્ત્વજ્ઞાન એ સંસારને વિલોકવાની એક દૃષ્ટિ છે, અને તે જેમ જ્ઞાનીને સિદ્ધ છે તેમ આપણ સહુને સાધ્ય છે અને આવશ્યક છે. તત્ત્વજ્ઞાન એ જ્ઞાનની અન્ય શાખાઓની સમાન કક્ષાનું એક શાસ્ત્ર છે એ સમજણ પણ ભૂલ ભરેલી છે. જ્ઞાનની સર્વશાખામાં તત્ત્વજ્ઞાન પ્રવેશ કરે છે, કારણ કે એ સર્વના મૂળરૂપે એનું સ્થાન છે. તેથી જીવ જગત અને પરમાત્માના સ્વરૂપનું, જ્ઞાનની એક સ્વતન્ત્ર શાખારૂપે, ચિન્તનઃ એટલામાં જ તત્ત્વજ્ઞાન સમાપ્ત થતું નથી. ઇતિહાસ અને વિજ્ઞાનનાં મૂળ શોધવા તથા એનો અર્થ કરવામાં પણ તત્ત્વજ્ઞાન પ્રવર્તે છે. આ દૃષ્ટિએ મનુષ્યનું બંધારણ, એનો આ પરિદશ્યમાન વિશ્વ સાથે સંબન્ધ, એની સ્વભાવિક પ્રવૃત્તિનિવૃત્તિની ભાવનાઓ – ઇત્યાદિ સર્વ વિચાર તત્ત્વજ્ઞાનના પેટામાં પડે છે. એ વિચારનું બહોળું પણ સુચિન્તન સાહિત્ય ઉત્પન્ન કરવાની જરૂર છે. એ જ ભવિષ્યના કાવ્યસાહિત્યમાં ઉચ્ચતા અને ગંભીરતા, એ સાહિત્યના પ્રાણરૂપે, પ્રેરી શકશે. અને એ વિના આપણું સાહિત્ય રંગબેરંગી પરપોટા જેવું જ રહેશે.

કેળવણી

કેળવણી વિભાગ સાહિત્યપરિષદનું આવશ્યક અંગ છે. આપણી કેળવણીનું સ્વરાજ્ય આપણને નામનું તો મળી ચૂક્યું છે; પરંતુ એને વાસ્તવિક કરવામાં અત્યારે મોટી મુશ્કેલી આ ખાતા માટે સરકાર પાસેથી નાણાં મેળવવાની છે. એ મેળવવાના માર્ગો પરિષદના પ્રદેશની બહાર છે, પરંતુ એના પ્રદેશની અંદર પણ ઘણું કરવાનું બાકી છે. જેટલાં સાધન આપણને પ્રાપ્ત છે તેટલાંનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવા માટે પ્રજામાં કેળવણી સંબંધી વિચાર કરનારાં મંડળો હોવાં જોઈએ. મિ. મારવિને કહેલું મને યાદ આવે છે કે – ઇંગ્લાંડમાં દર અઠવાડિયે સ્થળે સ્થળે કેળવણી માટે ઉત્સાહ ધરાવનારાં મંડળો મળે છે, ચર્ચા કરે છે, કેળવણીના વિસ્તાર અને સુધારા માટે ઠરાવો કરે છે, યોજનાઓ ઘડે છે, ત્યારે આ દેશમાં તો સઘળું શૂન્યવત્ પડ્યું છે! આપણે આપણા પ્રાન્તમાં કેળવણીના અનેક પ્રયત્નો આરંભ્યા છે, પણ તે હજી પરસ્પર અસૂત્રિત છે. પરિષદનું કામ એમાં સૂત્ર પરોવવાનું, અને એક મુખ્ય કેળવણીમંડળ સ્થાપી એ દ્વારા ગુજરાતની કેળવણી ઉપર દેખરેખ રાખવાનું, અને એના વિસ્તાર તેમજ ગુણમાં દિન પર દિન સુધારા કરવાનું છે. ક્ષણવાર વિચારો કે આજકાલ પશ્ચિમમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સરલ સુબોધ અને રસિક કરવા માટે કેટલા પ્રયત્નો ચાલી રહ્યા છે! કેળવણીના કાર્યમાં પડેલાને જાણીતું છે કે અત્યારે સેંકડો પુસ્તકો જગતના મહાન સાહિત્યને બાલ વિદ્યાર્થીના જીવનમાં ઉતારવા માટે રચવામાં આવે છે. તેમ, વર્તમાન વિજ્ઞાનની પ્રગતિથી પણ તેઓ અજાણ્યાં ન રહે તે માટે કઠિન વિજ્ઞાન પણ સુગ્રાહ્ય રૂપમાં મૂકવામાં આવે છે. આ કાર્ય સફળ રીતે કરવા માટે વિદ્વાન લેખકોની તેમજ બાહોશ પ્રકાશકોની જરૂર છે. બીજુઃ કેળવણી એ શાળાના શિક્ષણને અંતે જ સમાપ્ત થતી નથી એ શિક્ષણશાસ્ત્રનો એક સુવિદિત સિદ્ધાન્ત છે, પણ એ સૂત્રનો અત્યાર સુધી એ જ અર્થ થયો છે કે શાળામાંથી નીકળી મનુષ્ય જીવનમાં પડે છે ત્યારે જીવનરૂપી મહાશાળામાં એનું શિક્ષણ ચાલ્યા કરે છે. આ સત્ય છે. પરંતુ પશ્ચિમમાં એક બીજા અર્થ ઉપર પણ હવે ધ્યાન દેવાવા લાગ્યું છે તે એ કે જીવનના વ્યવસાયમાં પડ્યા પછી પણ મનુષ્યને આત્મશિક્ષણ માટે કાંઈક રૂપાન્તર સાથે શાળા કાયમ રાખવાની જરૂર છે. આ ‘એડલ્ટ એજ્યુકેશન’નો સિદ્ધાન્ત ગરીબોને જ માટે છે એમ નથી; ધનિકોએ પણ શાળા છોડ્યા પછી મૂર્ખ બની જવાનો એટલો જ સંભવ છે. ત્રીજું; કૃષ્ણ ભગવાને જેટલા પ્રેમથી ગોપાલ આહીરોને પોતાના માન્યા હતા તેટલા જ પ્રેમથી ગામડાંની વસ્તીની સાથે એકતા કરવાની જરૂર છે. અને તેથી ગામડાંની કેળવણીનો પ્રશ્ન,– એ કેળવણી કેવી હોવી જોઈએ તથા એને કેવી રીતે રોચક તેમજ હિતપ્રદ અને ઉપયોગી કરી શકાય એ પ્રશ્ન – પણ મન લગાડીને વિચારવાનો છે.

ઉપસંહાર

પરિષદના સામાન્ય ઉદ્દેશ સંબંધી, સાહિત્યના સમુલ્લાસ માટે જોઈતી વસ્તુસ્થિતિ સંબંધી, અને તે તે વિભાગમાં કરવાના કાર્યની દિશા સંબંધી યથાવકાશ મારા વિચારો આપની સમક્ષ મેં મૂક્યા. અન્તમાં હવે પૂર્વોક્ત કાર્ય સિદ્ધ કરવા માટે શાં શાં સાધનોની અપેક્ષા છે એ વિષે બે શબ્દો બોલીને મારું નિવેદન સમાપ્ત કરીશ. પરંતુ તે કરતાં પહેલાં આપણા કર્તવ્યપથમાં પડેલી એક બે મુશ્કેલીઓ નોંધવા જેવી છે. ગયા માર્ચ માસના ‘મૉડર્ન રિવ્ય’માં એક સ્થળે હિન્દુસ્તાનની જુદી જુદી ભાષા બોલનારની સંખ્યા આપી છે. તેમાં પ્રકૃતમાં ઉપયોગી મોટી ચાર ભાષાના આંકડા આ પ્રમાણે છેઃ હિન્દી બોલનારની સંખ્યા. ૯૮,૧૧૫,૦૦૦ બંગાળી બોલનારની સંખ્યા. ૪૯,૩૯૪,૯૦૦ મરાઠી બોલનારની સંખ્યા. ૧૮,૭૯૭,૦૦૦ ગૂજરાતી બોલનારની સંખ્યા. ૯,૫૫૨,૦૦૦ અર્થાત્ હિન્દી બોલનારની સંખ્યાના પ્રમાણમાં બંગાળી બોલનારની સંખ્યા લગભગ અડધી છે, મરાઠી બોલનારની પૂરી એક પંચમાંશ પણ નથી, અને ગૂજરાતી બોલનારની એક દશાંશ પણ નથી. આ કારણથી અન્ય પ્રાન્તોમાં લેખકોને એમના પુસ્તકના વિક્રયથી જે પરિતોષ મળી શકે છે તે આપણે ત્યાં દુર્લભ છે. વિશેષમાં આપણે ત્યાં બીજા પ્રાન્તો જેવા આર્થિક જવાબદારી માથે લઈને પુસ્તક છાપનારા (‘ગુજરાતી’ અને ‘સસ્તું સાહિત્ય’ એ બેને ગણીએ તો તે સિવાય) પ્રકાશકો નથી, તેથી મોટે ભાગે ગ્રન્થકર્તાને પોતાને ખર્ચે પોતાને આર્થિક જોખમે જ પુસ્તક છપાવવાં પડે છે, અને તેથી એક પુસ્તકની જાળમાંથી એ મુક્ત ન થાય ત્યાં સુધી એ બીજામાં પડી શકતો નથી. દેખીતી રીતે જૂજ અને હલકું જણાતું આ આર્થિક કારણ વસ્તુતઃ આપણા સાહિત્યના વિકાસમાં એક મોટું પ્રતિબન્ધક છે. એની સામેના ત્રાજવામાં મૂકી શકીએ એવી બે બાબતો છે. એક તો આપણા પ્રાન્તમાં મધ્યમ વર્ગની જનસંખ્યા અન્ય પ્રાન્તોના કરતાં વધારે ધનિક છે, અને બંગાળી બોલનારની અડધી હોઈને પણ હિન્દી કરતાં ચઢિયાતું સાહિત્ય બંગાળ ઉત્પન્ન કરી શક્યું છે તેમ ગૂજરાત પણ ધારે તો કરી શકે. અને પ્રકાશક મંડળની ખામી પણ આપણી સાહિત્યસંસ્થાઓ જરા ઉદારતાથી કામ કરીને પૂરી શકે. તે માટે આ પ્રતિબંધક કારણથી મુંઝાઈ ન રહેતાં, આપણી કાર્યસિદ્ધિ માટે શાં શાં સાધનોની અપેક્ષા છે એનો વિચાર કરીએ તો — श्लोकार्धेन प्रवक्ष्याभि એ ન્યાયે સઘળો ઉત્તર ત્રણ શબ્દોમાં સમાવી શકાય છેઃ (૧) માતૃભાષા; (૨) ગૂજરાત યુનિવર્સિટી અને (૩) તે તે વિષયનાં મંડળો. આમાં, માતૃભાષા એટલે ગૂજરાતીમાં સારી રીતે લખતાં આવડે, અથવા તે એનો એક સ્વતન્ત્ર વિષય તરીકે અભ્યાસ થાય, અથવા તો ગૂજરાતીને સંસ્કૃત પ્રત્યે માતૃબુદ્ધિને બદલે સપત્નીબુદ્ધિથી જોતાં શીખવાય એ વિવક્ષિત નથી. વિવક્ષિત એ છે કે ત્યાં સુધી આપણા વિદ્યાલયો અને છાત્રાલયો ગૂજરાતી ભાષામાં જ ચાલતા ઉચ્ચ શાસ્ત્રના ઊહાપોહથી ગાજે નહિ, ત્યાં સુધી એ ભાષામાં ઉચ્ચ વાઙ્મય ઉત્પન્ન થવાની આશા રાખવી મિથ્યા છે. પરંતુ આ કરવા માટે ગુજરાતના સ્વતન્ત્ર વ્યક્તિત્વને પોષે એવી એક યુનિવર્સિટી ગુજરાતમાં સ્થાપવાની જરૂર છે. ૧૮૫૭માં આપણી મુખ્ય યુનિવર્સિટીઓ સ્થપાઈ તે વખતે સર ચાર્લ્સ વૂડે પ્રકટ કરેલી આશા કે ગ્રેજ્યુએટો પોતાનું જ્ઞાન નીચેના વર્ગમાં ઉતારશે એ અત્યાર સુધી સફળ થઈ નથી તેનું કારણ ગ્રેજ્યુએટોનો દોષ નથી, પણ યુનિવર્સિટીના શિક્ષણમાં સર્વ શાસ્ત્રના મણિગણમાં માતૃભાષા સૂત્રવત્ પરોવાયેલી નથી. એ જ છે. રાજા રામમોહનરાય અને મેકોલેએ સ્થાપેલી અને સર ચાર્લ્સ વૂડે અભિષિક્ત કરેલી શિક્ષણપ્રણાલી લગભગ સો વર્ષ સુધી એના એ રૂપમાં જ ચાલ્યાં કરે એ જ એની જડતાની પૂરી નિશાની છેઃ સુભાગ્યે હવે એ પ્રણાલી બદલવા તરફ વિદ્વન્મત વળ્યા છે, અને ગુજરાત યુનિવર્સિટી સ્થાપીને ઉચ્ચ શિક્ષણનો નવો યુગ આપણે આરંભીએ તો તે માટે સમય પાકી ચૂક્યો છે. મુંબાઈમાં યુનિવર્સિટી છે તો પછી ગુજરાતમાં શા માટે જોઈ એ એમ પૂછવામાં આવે તો એનો ઉત્તર બે વર્ષ ઉપર મેં આપ્યા હતો એ જ આજ આપું છું. રાજ્ય—અર્થ—અને મનુષ્ય સંસ્કૃતિનાં શાસ્ત્રોથી સ્વીકારાયેલું આ સત્ય છે કે હરેક પ્રજાની સંસ્કૃતિ સમપ્રમાણુ વિસ્તરવી જોઈએ. ગામડાં તૂટીને ગામ વસે કે ગામ તૂટીને શહેરો વસે, કે શહેરો તૂટીને રાજધાની જ પરિપુષ્ટ થાય એમાં દેશનું કલ્યાણુ નથી. માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ એમાં અપૂર્ણતા છે એમ નથી. પણ રાષ્ટ્રદેહના અમુક અમુક અવયવોનો એમાં પક્ષઘાત છે, અને પક્ષપાતવાળું રોગી શરીર માત્ર અમુક અવયવમાં જ રોગી રહીને અટકતું નથી, પણ આખા દેશની તંદુરસ્તીને બગાડે છે, અને પરિણામે એનો વિનાશ કરે છે. ગૂજરાતની બુદ્ધિશક્તિ કે નૈતિક સામર્થ્ય કે ધનસંપત્તિ બધી મુંબાઈમાં જઈ વસે એ કદાપિ ઇષ્ટ નથી. ગૂજરાતના દરેક શહેર ગામ અને ગામડામાં આ શક્તિ સામર્થ્ય અને સંપત્તિનું રુધિર ફરતું રહેવું જોઈએ, જેથી એનો લાભ દરેક અવયવને મળતો જ રહે કેટલાક તરફથી આ સામે વિચારવા લાયક પણ વસ્તુતઃ ઊંડા વિચાર વિનાની એક દલીલ સાંભળશો કે મુંબાઈની કોલેજમાં ભણવા જવાથી ચાલાકી આવે છે, અને કેટલાક વિદ્યાર્થીએ જેમનું દુર્ભાગ્ય રજવાડાની સાંકડી ખટપટમાં ઊછરવાનું છે તેમને માટે આ મુક્તિ પણ છે. પણ આવી દલીલ કરનારને પૂછશો કે આ સ્થિતિ સાથી ઉદ્ભવી છે? એ દૂર કરવાનું મુખ્ય સાધન એ છે કે મુંબાઈની ઉચ્ચ કેળવણી અને સ્વતંત્રતાનું વાતાવરણ જે મુંબાઈમાં જ ભરી મૂક્યું છે. એનો વિસ્તાર ગૂજરાતના સર્વ ભાગમાં થવો જોઈએ; અને એ જ ખરું જીવન છે; રાજધાની એ જ પ્રજા નથી. કૂપમંડૂકવૃત્તિ બેશક ખોટી છે, પણ કૂવા અને નદીઓ વિનાનું મનુષ્યજીવન કેવું? સાગરથી નદીઓની ગરજ સરે? બલ્કે નદીઓ વિના સાગર કેવો? ગૂજરાત વિના મુંબાઈ પણ તેવું જ. મુંબાઈ માથે ભાર ઘણો છે, એ ભાર ઘટાડો. ગુજરાત યુનિવર્સિટી સ્થાપવા માટે ઘણાં કારણો છે, પણ અન્ય કોઈ પણ કારણ ન હોય તોપણ આ એક જ કારણ મુંબાઈના હિત ખાતર પણ થોડું નથી. મુંબાઈને પોતાને પોતાનું કામ સારી રીતે કરવા દેવું હોય તો એને માથે પડેલા ભારની વહેંચણી થઈ જવી જોઈએ. મુંબાઈથી પણ વિશિષ્ટતા વગરની, મુંબાઈની જ પ્રતિબિમ્બભૂત, ગૂજરાત યુનિવર્સિટી થાય તો તે પણ મુંબાઈનો ભાર ઘટાડવા માટે ઇષ્ટ છે. જો કે તેવી જ થશે એમ માનવાને કારણ નથી. અત્યારે પ્રશ્ન યુનિવર્સિટી માટે જોઈતા ધનનો જ રહ્યો છે અને ધન પણ ગૂજરાતમાં નથી એમ નથી. તેથી ખરો પ્રશ્ન તો ધનનો પણ નહિ, કિંતુ ધનને દાનમાં વહેવરાવવાનો જ. તે માટે પ્રબળ લોકમત ઉત્પન્ન કરવો, સર ચિમનલાલ જેવા અનુભવી જનોને અગ્રેસર કરવા, અને આપણા ધનિકોને રાજારજવાડાઓને અને બ્રિટિશ અધિકારીઓને કર્તવ્ય પરાયણ કરવા એ કામ પરિષદે વિના વિલમ્બે ઉપાડી લેવું જોઈએ. પરંતુ એ માટું કર્તવ્ય કરવામાં ગૂંથાતાં આપણાં નાનાં કર્તવ્ય ભૂલવાં ન જોઈ એ. એવું એક નાનું કર્તવ્ય તે વિવિધ જ્ઞાનવર્ધક મંડળોની સ્થાપના છે. આ કાર્ય માટે આપણા અર્વાંચીન, યુગના પહેલા ખંડના પૂર્વજોની પદ્ધતિમાંથી દાખલો લેવાનો છે: એ જમાનો મંડળસ્થાપનાનો હતો: ગૂજરાત વર્નાક્યુલર સોસાઇટી, બુદ્ધિવર્ધક સભા, ફૉર્બસસભા, વગેરે મંડળ રચીને સહકારની પદ્ધતિએ સાહિત્યસેવા કરવા માટે એણે ઊંડા પાયા નાખ્યા છે. એ જમાનાએ એના સમયને ઉચિત મંડળો રચવાનાં હતાં. પશ્ચિમની વિદ્યા પૂર્વમાં કેમ ઉતારવી એટલો જ એના આગળ પ્રશ્ન હતો. વર્તમાન જમાનાનો પ્રશ્ર એ વિદ્યાને પણ અનેક રીતે કસોટીએ ચઢાવી શુદ્ધ કરી અત્રે વસાવવાનો છે, એટલું જ નહિ પણ પ્રાચીન આર્ય સંસ્કૃતિને પણ પૂરા ન્યાય આપવા એણે તત્પર થવાનું છે, તે માટે તત્ત્વચિન્તક, ઇતિહાસશોધક, વિજ્ઞાનપ્રચારક, શિક્ષણસુધારક, સાહિત્યસંવર્ધક, કલાપ્રરોચક, આદિ અનેક વિષયનાં મંડળો સ્થાપી ગૂજરાતની બુદ્ધિને અને એની ભાષાને ઉચ્ચતર ભૂમિકાએ ચઢાવવાની છે. આપણી પરિષદ એકની એક પ્રણાલિકામાં ઘણાં વર્ષો ચાલી. હવે યુગપરિવર્તનો કાળ આવ્યો છે. અને સઘળી સ્થિતિ પરિવર્તને અનુકૂળ છે. ક્ષણવાર વર્તમાનને ભેદી ભવિષ્યમાં દૃષ્ટિ નાંખો. ચર્મચક્ષુથી આપણો સારસ્વત ઉદ્યાન નિહાળો. સર્વત્ર વસન્તના વાયુ વાઈ રહ્યા છે, વૃક્ષો નવપલ્લવ થઈ ગયાં છે, આંબે મોર બેઠો છે, ભ્રમરા ગુંજે છે – શ્રદ્ધા રાખો કે થોડા સમયમાં આમ્રફળ પણ આવશે, ડાળો ફળભારથી લચશે, અને વૃક્ષે વૃક્ષે કોયલ ટહૂકશે. આ આપણાં સ્વપ્નાં નથી. આપણા સાચા મનોરથ છે, આપણી આશાઓ છે. આ સુન્દર આસો માસની શરદ પૂનમની સંનિધિમાં વિશ્વના રામેશ્વર બંસીધરને આપણી પ્રાર્થનાઓ છે. આ પ્રાર્થના સફળ થાય, પ્રભુના અનુગ્રહના આપણે અધિકારી થઈએ. તે માટે શું કરીશું? મીરાં પ્રાર્થતી હતી તેમ પ્રભુના બાગમાં બાગવાન થઈશું: ક્યાં નવા રોપ રોપવા, ક્યાં પાણી પાવું, ક્યાં શું ખાતર પૂરવું, ડાળીઓ ક્યાં કેવી વાળવી, કેવી ટેકાવવી, ક્યાં કાતર મુકવી, કોની કલમ કાપવી, ક્યાં ચોટાડવી, ઇત્યાદિ અસંખ્ય વિગતોવાળી બાગવાનની કલા આપણે શીખીશું અને પ્રયોજીશું. એ જ્ઞાન અને શક્તિ આપણને પ્રાપ્ત થાય તે માટે સહુ પ્રાર્થના કરીએ કે: सह वीर्यं करवामहै । तेजस्विनोऽप्यधीतमस्तु मा विद्विषामहै मा विद्विषामहै मा विद्विषामहै।। शान्तिरस्तु पुष्टिरस्तु आत्मकलासमृद्धिरस्तु ॥ सर्वे मेधाविनः सन्तु सर्वे सन्तु निरामयाः। आत्मज्योतिश्च पश्यन्तु मा कश्चित्तम आप्नुयात् ॥ ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

* * *