તુલસી-ક્યારો/નિવેદન

Revision as of 05:54, 31 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>[પહેલી આવૃત્તિ]</center> આ વાર્તા પણ ‘વેવિશાળ’...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિવેદન
[પહેલી આવૃત્તિ]

આ વાર્તા પણ ‘વેવિશાળ’ની જેમ, ‘વેવિશાળ’ની પછી, ‘ફૂલછાબ’ની ૧૯૩૯-૧૯૪૦ની ચાલુ વાર્તા લેખે પ્રગટ થઈ હતી, ને તેની જ માફક કટકે કટકે લખાઈ હતી. ‘વેવિશાળ’માં એક વૈશ્ય કુટુંબનો સંસાર આલેખવાનો યત્ન હતો, ને આમાં એક બ્રાહ્મણ કુટુંબનો. આ બેઉ વાર્તાઓમાં મારી જે દૃષ્ટિ કામ કરી ગઈ છે તેને વિશે આપણા જાણીતા વિવેચક શ્રી નવલરામ ત્રિવેદીએ એવું લખ્યું છે કે – દરેક માણસ જગતની દૃષ્ટિએ મહાજન ન થઈ શકે, પણ નૈતિક જીવનમાં ઉન્નતિ મેળવી સાચી મહત્તા તો પ્રાપ્ત કરી શકે – એવું એમની આ નવલકથાઓમાં ખાસ દેખાયું છે. ‘ભાભુ’ (‘વેવિશાળ’) અને ‘ભાભી’ (‘તુલસી-ક્યારો’) જેવાં પાત્રો બતાવે છે કે ગુજરાતનાં ગામડાંની અભણ સ્ત્રીઓ પણ પોતાના દરરોજના જીવનમાં કેટલી વીરતા, ઉદારતા તથા ઉચ્ચતા બતાવી શકે તેમ છે. શ્રી મેઘાણીનાં આવાં સ્ત્રી-પાત્રો તેમ જ ‘માસ્તર’ જેવાં પુરુષ-પાત્રો સામાન્ય વાચકોનાં મનમાં સિદ્ધ થઈ શકે તેવી પ્રશસ્ય મહત્ત્વાકાંક્ષાઓના અંકુરો પ્રકટાવે છે... આથી વધુ કશું જ મારે મારી આ વાર્તાનાં પાત્રો વિશે ઉમેરવાપણું રહેતું નથી. ‘સામાન્ય માનવીમાં રહેલી આંતરિક મહત્તાની સિદ્ધિની શક્યતા’ – એ રૂપી તુલસી-ક્યારે જો મેં મારી શક્તિની આ નાની-શી ટબૂડી સીંચી હોય, તો તેને હું મારી જીવનભરની કૃતાર્થતા માનીશ. આ વાર્તાનો વાચક-સમૂહ ‘વેવિશાળ’માં જે આત્મીયતા અનુભવી ગયો છે, તે જ આત્મીયતા આમાં બતાવી ચૂક્યો છે. પણ ‘તુલસી-ક્યારો’ સાથેનો તેનો તાદાત્મ્યભાવ એક કદમ આગળ ચાલ્યો છે : અકસ્માત એવો થયો કે બીજા અંતરાયોને કારણે ‘તુલસી-ક્યારો’નાં છેલ્લાં ચારેક પ્રકરણોનો અંતભાગ મારે મોકૂફ રાખવો પડેલો. એટલે એ સમાપ્તિ હું કેવી રીતે લાવવાનો હોઈશ તે વિશેની પુષ્કળ અકળામણ, કંઈક ધાસ્તી ને કેટલોક સંદેહ અનુભવી રહેલાં વાચક ભાઈ-બહેનોએ મને ચેતવણીના કાગળો લખેલા. અમુક પાત્રને રખે તું અમુક રીતે બગાડી કે દુ:ખી કરી મૂકે! – એવા એવા એ ચેતવણી-સ્વરો પરથી મને લાગ્યું કે વાચકો પોતે જ આ વાર્તાનો અંત કેવો ઇચ્છે છે, ને કલ્પી શકે છે, તે તેમની પાસેથી જ જાણી લેવું. નિમંત્રણ દીધું. જવાબો આવ્યા. ‘ફૂલછાબ’માં એ જવાબો પ્રગટ કર્યા. અને જવાબોએ મને ખાતરી કરાવી કે વાચકો પોતાને પ્રિય થઈ પડેલી સર્જાતી વાર્તાને કેવળ વાંચતા જ નથી, પણ તેના સર્જનમાંય સક્રિય સાથ આપે છે, ને પોતાની ઉકેલબુદ્ધિથી એ પારકી કૃતિને (એનું પારકાપણું બિલકુલ ભૂલી જઈ) પોતાપણાથી રસી દે છે. આવા ઉકેલો અનેક આવ્યા. આપણા વાર્તાસાહિત્યના સર્જનની એ નવીન વિશેષતાને એક ઐતિહાસિક પાના લેખે આંહીં ગ્રંથસ્થ કરવાની મારી ઉત્કટ ઇચ્છા હતી. મેં આણેલી સમાપ્તિમાં બધું જ સુખ, સુખ ને સુખ જ નથી વેરી દીધું. કંચન-વીરસુત વચ્ચેનો વિયોગ મૂકવાની મારી ગણતરી તો અગાઉથી જ હતી. લડાઈનો અકસ્માત તો એ નક્કી કરેલ સમાપ્તિને લટકાવવાની ખીંટી બનેલ છે. વસ્તુત: મારે તો વાર્તાને કંચનની પ્રસૂતિવાળા ૪૩મા પ્રકરણના છેલ્લા બોલ ‘બડકમદાર’ સાથે જ થંભાવી દેવી હતી. ‘સુખકારક સમાપ્તિ’ની મારી જે કલ્પના છે તે ત્યાં જ બંધબેસતી થતી હતી. કોઈ કહેશો ના કે ભદ્રાને કે ભાસ્કરને મારે હજુ આગળ લઈ જવાં જોઈતાં હતાં. નહીં, એમ કરવા જતાં મેં વાર્તાનું પ્રધાન દૃષ્ટિબિંદુ જ ગુમાવી દીધું હોત. આ વાર્તા ભદ્રાના પુનર્લગ્ન કે ચિરવૈધવ્યનો પ્રશ્ન છણવા માટે લખાઈ જ નથી. કુટુંબજીવનના ક્યારામાં ‘તુલસી’ સમી શોભતી ભદ્રાને એ ક્યારામાંથી ઉપાડી બીજે કોઈ ઠેકાણે વાવવાનું કશું પ્રયોજન નહોતું. ભદ્રાને તો જે રૂપે મેં આલેખી છે એ રૂપે જ એ મારા મનોરાજ્યમાં પરિપૂર્ણપણે જીવતી છે – ને એ રૂપે એનું જીવન મને સભરભર ભાસે છે. જીવનની એ ‘સભરતા’માં દુ:ખ ને સુખ, હાસ્ય ને આંસુ, ઉચ્છ્વાસ ને નિશ્વાસ ભેળાં જ ભર્યાં છે. એને પરણાવી દેવા જેવું કે કોઈ દવાખાનાની નર્સ નિમાવી દેવા જેવું બનાવટી જીવનસાફલ્ય બતાવીને શું કરું! ‘ભદ્રા જીવતી છે’ એમ કહ્યું તે પરથી રખે કોઈ કલ્પજો કે મેં ભદ્રાને જીવતા કોઈ માનવ-સંસારમાંથી ઉઠાવી છે! ‘વેવિશાળ’ના વાચકો તેમ જ વિવેચકોમાં પણ એ ભ્રમણા રમી ગઈ છે કે આવાં હૂબહૂ પાત્રો કોઈક જીવતાં માનવજીવનમાંથી મને જડ્યાં હોવાં જોઈએ. આ વિભ્રમ પર લંબાણથી લખવાની જરૂર છતાં અહીં એ શક્ય નથી. પણ ખાતરી આપું છું કે ‘વેવિશાળ’ કે ‘તુલસી-ક્યારો’માંનું એક પણ પાત્ર આલેખતી વેળા મારી જાણનું કોઈ જીવતું માનવી મારી નજર સામે હતું નહીં. એ બધાં પાત્રો આ બેઉ વાર્તાઓમાં સાવ સ્વતંત્રપણે જન્મેલાં, જીવેલાં, હસેલાં ને રડેલાં છે. ને મારે મન તો એ સત્ય-જગતનાં માનવીઓ જેવાં જ – બલકે એથી પણ વધુ – ‘જીવતાં’ છે. વાચકની લાગણીમાં પણ એ ‘જીવતાં’ છે. પણ તેનું કારણ એ નથી કે તેઓ કોઈ જીવતાં માનવીની તસવીરો છે. એના વાચનથી આસપાસની દુનિયાનાં અમુક માનવો યાદ આવે છે એ વાત ખરી; પણ તે તો વાચકે વાચકે જુદાં જુદાં માનવો હોય છે. એ જ બતાવે છે કે અમુક ચોક્કસ નરનારીઓ પરથી આ આલેખનો થયાં હોવાનું સંભવિત નથી. વાર્તા લખાઈ ગયા પછી એક અકસ્માત થયાનું યાદ આવ્યું છે : ‘નિરંજન’ની જેમ આંહીં પણ માસ્તર પિતા ને પ્રોફેસર પુત્ર પેસી ગયા છે. આમ કેમ બન્યું હશે? હું પણ સમજી શક્યો નથી.

રાણપુર : ૨૭-૭-’૪૦

ઝવેરચંદ મેઘાણી