તુલસી-ક્યારો/૮. માણી આવ્યાં

Revision as of 07:41, 31 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૮. માણી આવ્યાં

અનસુ યાદ આવતી હતી, એટલે ઊંઘ આવતી નહોતી. પણ ભદ્રાએ મનને મનાવી લીધું કે, ઘરમાં એકલી છું તેથી ઊંઘ નથી આવતી. એકલી વિધવા બધાં બારણાં બંધ કરીને અંદરના ઉંબરા પાસે બેઠી હતી. દેર-દેરાણી બહાર ગયાં પછી એ વિમાસી રહી હતી કે, બેય જણાં ઘડીક દુ:ખી દેખાય છે ને ઘડીકમાં પાછાં સુખની કેવી લહેરે લહેરાઈ રહે છે! બહાર નીકળીને મોટરમાં બેઠાં ત્યારે બાજુબાજુએ બેસવા માટે કેટલી મીઠી ધમાચકડ મચાવી’તી, માડી! વીરસુત કહે : “કંચન, તું જ આગલી સીટ પર એકલી બેસીને હાંક. હું અહીં પાછળ પડ્યો છું.” ને કંચન કહે કે, “નહીં, મારી પાસે જ બેસવું પડશે; હું એકલી કંઈ શોભું?” દેર કહે : “કંચન, તું બાજુમાં શૉફરને બેસારીને તારા હાંકવામાં જે કચાશ રહી છે તે કાઢી નાખ.” દેરાણી કહે : “એને માટે પૂર્ણિમા નહીં બગાડું. પૂર્ણિમાનો પ્રકાશ તો કોઈ બીજું જ ભણતર ભણવા માટે પેટાય છે, ને એ ભણતર તો તમે મને અને હું તમને ભણાવી શકીએ. આવી જાઓ આગળ, ડાહ્યાડમરા થઈને ચાલ્યા આવો. પેટ દુખવાનો પાઠ ભજવો ના; નહીંતર હું તમને ઉપાડીને આગળ આણીશ!” ‘આવું તો સ્વપ્નેય માણ્યું નહીં, બૈ! સાચુકલાં માણે તેની તો બલિહારી!’ એવો વિચાર કરતી ભદ્રા બેઠી હતી ત્યારે બહારની ચાંદનીમાં એક મોટર કશો અવાજ કર્યા વગર દરવાજે આવી અટકી, અને અંદર જે એક જ માણસ બેઠો હતો તેની હાક સંભળાઈ : “કાં... કંચન! વીરસુત!” આ સ્વરો સાંભળનારી ભદ્રા એકદમ તો જવાબ ન દઈ શકી. એ લગાર હેબત ખાઈ ગઈ. આ સ્વરો એને અજાણ્યા છતાં તાજેતરના જ પરિચિત લાગ્યા. એ તો ગામડાની વિધવા ખરી ને, એટલે દીવાબત્તી બુઝાવી-કરીને જ બેઠેલી. “ઓ બહેરાંઓ!” બૂમ ફરી વાર આવી ત્યારે ભદ્રાએ વીજળીનો ફક્ત એક જ દીવો ચેતાવ્યો ને શાંતિથી જવાબ દીધો કે : “બહાર ગયાં છે, ભૈ! ઘેર નથી!” “ઓહો! ગયાં ને! તો તો સારું થયું. હું એમને તેડવા જ આવેલો. બધાં એમની વાટ જોઈ રહેલ છે.” થોડી વાર એ બોલતો અટક્યો. પણ સામે કશો જવાબ કે હોંકારો ન જડ્યો, એટલે એ ફરી વાર બોલ્યો : “એ બેઉ એના ઓવરકોટ તો સાથે લઈ ગયાં છે ને? ન લઈ ગયાં હોય તો હું લેતો જાઉં.” સામેથી હોંકારો ન આવ્યો. વચગાળાની મિનિટોને ફક્ત બગીચાનાં બગલાંના તી-તી-તી સ્વરોએ જ ભરી દીધી. ભદ્રાએ જવાબ ન દીધો એટલે એણે ફરીથી ફોડ પાડ્યો : “એ તો હું ભાસ્કર : સાંજે આવેલો ને, તે જ!” ભદ્રાને યાદ આવ્યું કે ભાસ્કરભાઈ તો ઘરના આત્મજન જેવા છે. તેણે ઊઠીને દરવાજો ઉઘાડ્યો. ઉઘાડીને પોતે ઉતાવળે પગલે પાછી આવી રસોડામાં લપાઈ ગઈ. ને ભાસ્કર ચટાક ચટાક એક પછી એક ઓરડાની બત્તીઓ ચેતાવતો કંચન-વીરસુતના ઓરડામાં જઈ, બે ઓવરકોટ સાથે બહાર નીકળ્યો. એની પાછળ એક પછી એક બત્તી બંધ થતી આવી. એણે સીધાં સડેડાટ બહાર ચાલ્યા જતાં જતાં ફક્ત એટલું જ કહ્યું કે, “બેવકૂફ! બેઉ એકીસાથે બેવકૂફ! પોતાની તબિયત નાજુક છે એમ બેઉ જાણે છે, હવામાં શરદી છે એ પણ જાણે છે, છતાં પોતાની સંભાળ રાખવાનું બેમાંથી એકેયને સૂઝતું નથી. એ પણ મારે કરી દેવું!” પોતે જાણે કોઈને સંભળાવવા માટે નહીં, પણ પોતાના જ મનની ઊર્મિ ઠાલવવા માટે આ બબડાટ કરતો ગયો હોય તેવી અદાથી સીધોસટ બહાર નીકળી મોટરનું બારણું રોષમાં ને રોષમાં પછાડી મોટર પાછી હંકારી ગયો. મોટર એની એક સ્ત્રી-મિત્રની હતી. રસોડામાં ઊભી ઊભી ભદ્રા તો થરથર ધ્રૂજતી હતી. શા માટે ધ્રૂજતી હતી તે જો કોઈએ એને પૂછ્યું હોત તો પોતે જવાબ ન આપી શકત. વિધવા યુવતી, અમદાવાદ શહેર, સોસાયટીનું મકાન, પડોશ વગરનું એકલવાયું ઘર, ચાંદની રાત – ને તેમાં એક એવા પુરુષનો ગૃહપ્રવેશ કે જેનું આ ઘર જ નહીં પણ ઘરનાં મનુષ્યો પર પણ પૂર્ણ સ્વામિત્વ છે – તે વખતે કંપારી સહેજે છૂટે : ‘માડી રે! કેટલી બી ગઈ હતી! આ ગાલે ને કપાળે ને ગળે પરસેવાના ઢગલા તો જો, મૂઈ! પરસેવે આખું અંગ નાહી રહ્યું છે. અરરર! મેં પણ મૂઈએ કેવી કલ્પનાઓ કરી નાખી! એટલી વારમાં મેં તો એને આંહીં ધસી આવતો ને કંઈનું કંઈ કરતો કલ્પ્યો... એને વિશે આટલું માઠું – આટલું બધું હીણું – ધારી બેસવામાં કેટલું પાપ લાગ્યું હશે! એ તો બાપડો સીધેસીધો દેર-દેરાણીની સાચવણ સાટુ થઈને જ આવ્યો ને ચાલ્યો ગયો. “મંછા ભૂત ને શંકા ડાકણ’ – કહેતી કાંઈ ખોટી છે!” એમ વિચારતે વિચારતે, બેઠાં બેઠાં જ એ ઝોલે ચડી ગઈ, ને ઘડીક ભાસ્કરનાં તો ઘડીક અનસુનાં સ્વપ્નાં જોતી જોતી પોતે લાદી ઉપર જ ઢળી ગઈ. તે પછી છેક રાતના એક વાગ્યે મોટરના ધમધમાટ થયા ત્યારે ભદ્રાએ દીવો પેટાવ્યો; દ્વાર ઉઘાડ્યાં. દ્વારની પાછળ લપાઈને પોતે ઊભી રહી. પહેલા દિયર દાખલ થયા, તે પછી દેરાણી અંદર આવી; ને ત્રીજો માણસ મોટરમાં જ બેસી રહ્યો. પાછળ રહેલી કંચને કહ્યું : “અંદર નહીં આવો, ભાસ્કરભાઈ?” “ના, હવે નહીં. સૂઈ જાઓ નિરાંત કરીને; નીકર માંદાં પડશો!” એટલું કહી ભાસ્કરે ગાડી હંકારી મૂકી ત્યારે ભદ્રા બારણાં આડે લપાઈને ભાસ્કરને જ જોતી હતી. કંચન અંદર આવી ત્યારે ભદ્રાએ એને એક જ પ્રશ્ન પૂછ્યો : “કેટલા – ઘણા સાદ પાડવા પડેલા, હેં?” “ના, ના, અમે તો સાદ પાડ્યા જ નથી.” એટલું જ ફક્ત બોલીને કંચન અંદર ચાલી ગઈ. એ એટલું પણ કાં ન બોલી? – કે, ‘ભાભીજી, તમારે જાગવું પડ્યું ને! તમારી તે ઊંઘ કેટલી હળવી! મોટરના અવાજે જ જાગી ઊઠ્યાં ને! કે પછી તમે અમારી વાટમાં ને વાટમાં પૂરું સૂતાંયે શાનાં હશો!’ આવું કશુંય કહ્યા વગર ચાલી ગયેલી કંચન ઘરમાંથી બહાર નીકળતી વેળાની કંચન કરતાં છેક જ જુદી પ્રક્ૃતિનું માનવી લાગી : તોછડી દેખાઈ; મિજાજી માલૂમ પડી. ‘શહેરી અને ભણેલગણેલ માણસનો કાંઈ ધડો છે, બૈ?’ એમ વિચાર કરતી, દિલમાં જરી દુભાતી ભદ્રાએ પોતાના ઓરડાની બત્તી ઓલવી, ત્યાં તો ભદ્રાને કાને ફરી પાછા પેલાં બે જણ વચ્ચેની કશીક વાદાવાદીના, કશીક શબ્દ-ટપાટપીના તીખા સ્વરો આવી અફળાયા. અધરાત પછીનો સમય પ્રણય-કલહનો નથી હોતો. ને પ્રણયકલહના સ્વરો આટલા કર્કશ પણ નથી હોતા. આ બેઉ તો દાંત કચકચાવીને બોલતાં હતાં : “તો પછી મને લઈ નહોતો જવો.” “શો ગુનો કર્યો!” “મને એકલો બેસારીને જુદી બેઠક કેમ જમાવી ત્યારે?” “પોતાને જ એકલા પડવું હતું પેલી લલિતા માટે, એમ કેમ નથી બોલી શકાતું!” “હેવાન!” “જીભ સંભાળજો, હો!” “નહીંતર... શું, ખેંચી કાઢીશ? આ લે : ખેંચ, ખેંચ, ખેંચ, હે-વા-ન!” “હેવાન તમે–તું–તું–” “ગધ્ધી!” “તું–તું ગધ્ધો” તે પછી થોડા તમાચાના સ્વરો પણ સંભળાયા; ને ભદ્રા હવામાં બફારો હોવા છતાં ગોદડું ઓઢી, લપાઈ, હેબતાઈ, ‘ઈશ્વર! ઈશ્વર! ઈશ્વર!’ રટણ કરતી સૂનમૂન પડી રહી. પોતાને કાને આ બધા શબ્દો પડ્યા તે બહુ ખોટું થયું લાગ્યું. જે માણસો બોલી રહ્યાં હતાં તેની હીનતાનો તો ભદ્રાએ વિચાર જ છોડી દીધો હતો; સાંભળનાર તરીકે પોતાની જ શરમભરી સ્થિતિ તેને સાલી રહી. પોતે કંચનનાં હીબકાં સાંભળ્યાં. વીરસુતની આહ, નિશ્વાસ અને ‘શું કરું, જીભ કરડી મરું? ઝેર પીને સૂઈ જાઉં?’ એવા શબ્દો સાંભળ્યા. ભદ્રા ભયભીત બની ગઈ. ઘરની આખી ઇમારત ઓગળતી, નીચે ધસી આવતી, અજગરની માફક સૌને ગળી જતી લાગી. બિછાનું ભમરડાની પેઠે ફરતું હતું. પૃથ્વીનું પડ જાણે ઊંધું વળતું હતું. આ બેમાંથી કોઈક પોતાના મન પરથી કાબૂ ખોઈ બેસી કદાચ કાંઈનું કાંઈ કરી બેસશે તો – એ બીકે ભદ્રા મોડી રાત સુધી જાગ્રતાવસ્થામાં જ પડી રહી. ને જાગ્રત હોવા છતાં એને સૂતેલી હોવાનો ડોળ ચાલુ રાખવો પડ્યો; કારણ કે પોતાની લડાઈ કોઈ ત્રીજાએ સાંભળી છે એવું આ બેઉને જો લાગી જશે તો સવારે એ પાછાં મોઢું શી રીતે દેખાડી શકશે? – આ હતી ભદ્રાની એકમાત્ર ચિંતા. મોડે મોડે ત્રણેક વાગ્યે જ્યારે બે પરિણીત શિક્ષિતોનું તપ્ત શયનાગાર ટાઢું પડી ગયું, ને બેઉ જણાં ઊંઘી ગયાં છે એવી ભદ્રાને ખાતરી થઈ, ત્યારે જ ભદ્રાએ આંખો મીંચી.