તુલસી-ક્યારો/૧૧. દેવુનો કાગળ

Revision as of 07:57, 31 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. દેવુનો કાગળ|}} {{Poem2Open}} બે વર્ષથી ઊગતો આવતો આ વીરસુત-કંચનનો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧. દેવુનો કાગળ

બે વર્ષથી ઊગતો આવતો આ વીરસુત-કંચનનો જીવન-બાગ કેવોક મહેકતો હતો તેની તો સુગંધ લઈને જ તે દિવસની રાતે ભદ્રા સૂતી હતી. કજિયાની રાત પૂરી થઈ હતી. પણ કજિયો શું હજી ચાલુ હતો? કજિયાનાં લાંબાં મનામણાં એ પણ શું કજિયાનું જ બીજું સ્વરૂપ નથી? વહેલી ઊઠીને નાહી-પરવારી દૂધપાણી તૈયાર કરીને ભદ્રા ક્યારની બેઠી હતી. દેર-દેરાણી બહાર આવીને તરત દાતણપાણીથી પરવારી લે એટલા માટે આસનિયાં પાથરી બે લોટા અને બે લીલાંછમ સીધાં દાતણ પણ તૈયાર રાખેલાં. દાતણ કરવા બેસે કે તરત ચા પલાળવા પાણી ક્યારનું ચૂલે ખદખદતું રાખ્યું હતું. દા’ડો ચડ્યો તોય બેઉ સળવળતાં નથી. ઓરડો કેમ સૂનકાર છે? માડી રે, કાંઈ સાહસનું કર્મ તો કરી નહીં બેઠાં હોય ને બેઉ જણ? ભદ્રાનો ધ્રાસકો વધતો ગયો. એનાં કલ્પના-ચક્ષુ સામે શબો દેખાયાં. એણે ધીરે ધીરે એક-બે અવાજ કરી જોયા. પણ ઓરડાની શાંતિ તૂટી નહીં. બી ગયેલી ભદ્રાએ થોડી વાર વિચાર કર્યા પછી બંધ બારણાં તરફ પગલાં માંડ્યા ને કાન પણ માંડ્યા. એટલેથી પણ પાકી ખબર ન પડી, તેથી તેણે અંતરીક્ષમાં હાથ જોડીને કહ્યું : ‘હે ઈશ્વર! રંડવાળ્યનો અપરાધ માફ કરજો!’ એટલું કહીને તેણે તરડમાં આંખો માંડી. ‘હાશ, મારા બાપ! હવે શાંતિ થઈ’ – એમ રટતી એ વળતી જ મિનિટે ઊંચા પગે ઓરડા બહાર નીકળી ગઈ ને કહેવા લાગી : ‘રાતે ભયંકર લડાઈ લડેલાં. અત્યારે પાછાં ગુલતાન છે; એકબીજાંને મનાવી રહેલ છે. ઈશ્વર એમને ક્ષેમકુશળ રાખો! મા’દેવજી એમની સૌ આશા પૂરી કરો!’ પછી તો ભદ્રાએ ઈશ્વરની વિશેષ ક્ષમા માગવાની જરૂર ન જોઈ : વારંવાર તેણે તરડમાં જોયું – અને પ્રત્યેક વાર જોઈ-કરી પાછી હસતી હસતી એ રસોડામાં પેસી ગઈ! સારી એવી વાર થઈ ત્યારે ભદ્રા કંટાળી : “આ મનામણાં તે કેટલાં ચાલતાં હશે! આ મનામણાં તો કજિયા કરતાંયે સવાયાં! અમને તો એક ધોલ લગાવી દેતા, અમે રડી લેતાં ને વળતી ટંકે પાછું માફામાફી કરવા જેવું કશું સાંભરતુંય નો’તું.’ આઠેક બજ્યે પતિ-પત્ની બહાર નીકળ્યાં. જેમતેમ દાતણ પતાવ્યું. લુશલુશ ચા પીધી. પ્રોફેસરે હાથમાં રૅકેટ લીધું ને પ્રોફેસરની પત્નીએ મોટર બહાર કઢાવી. ત્યાં ટપાલીએ આવીને કાગળો દીધા. એક કવર પર કાચી હથોટીવાળા અક્ષરો હતા. ફોડીને કંચન વાંચવા લાગી. વાંચીને એણે ભદ્રાને કહ્યું : “ભાભીજી, આ તો તમારે ઘેરથી કાગળ છે. ઓહો! તમે તો અનસુને ઘેર મૂકીને આવેલ છો એ તો મને યાદ જ નહીં રહેલું. આ લો કાગળ.” “તમે જ વાંચી સંભળાવો ને, મારી બેન કરું! મારા હાથ અજીઠા છે.” ભદ્રાએ રોટલીનો કણક બાંધતે બાંધતે કહ્યું. કંચન મનમાં ને મનમાં તો કાગળ પૂરેપૂરો વાંચી ગઈ. પણ છેવટે એણે કહ્યું : “આટલું બધું લપસિંદર શું લખ્યું છે છોકરાએ? મારું તો માથું દુખવા આવ્યું. લો, તમે જ વાંચી લેજો, ભૈસાબ! મને એના અક્ષરો ઊકલતા નથી.” એમ કહી, કાગળને ઉઘાડો ને ઉઘાડો રસોડામાં ફેંક્યા જેવું કરીને કંચન મોટરમાં ચાલી ગઈ. તે પછી ભદ્રાએ રસોઈ પતાવીને કાગળ હાથમાં લીધો. પહેલાં તો એ ચોળાઈ ગયો હતો તેની સરખી ગડી વાળી, પછી કવરમાં નાખ્યો, ને પછી પોતે કવર ખોલીને અંદરથી પહેલી જ વાર કાઢતી હોય એવા ભાવથી એણે કાગળ ઉઘાડી વાંચવા માંડ્યું : ગંગાસ્વરૂપ ભદ્રા ભાભુના ચરણમાં છોરુ દેવુના સાષ્ટાંગ દંડવત. તમે ગયાં તે પછી અનસુ આખો દિવસ રમી છે. ફક્ત એક જ વાર ‘બા! બા!’ કરેલ છે. એને બરડામાં દુખાવો થતો હતો ત્યારે દાદાએ તેલ ચોળી દીધું છે. એનું માથું બા-ફોઈએ મીંડલાં લઈને ગૂંથી દીધું છે. તમે ઘેર નથી એટલે બા-ફોઈ ડાહ્યાં થઈ ગયાં છે. અનસુ તમને યાદ કરે છે કે તરત હું અનસુને ‘ખાઉ ખાઉ’ આપું છું. દાદાજીએ કહ્યું છે કે, દેવુ, આજે જ ભાભુ ગયાં તો પણ આજ ને આજ કાગળ લખી નાખ, કેમકે ભાભુને ચિંતા થાય. ચિંતા કરશો નહીં, ને બા માંદાં છે તે સારાં થાય ત્યાં સુધી નિરાંતે રહેજો. બાને કાગળ લખવા કહેજો. ને ભાભુ, અનસુ મારી પાસે જ બેઠી છે. એણે આ કાગળમાં બાને કાગળ લખ્યો છે. આ લીટા એણે કર્યા છે, આ ડાઘા એના હાથના છે. દાદાજી આજે પાંચ વાર અનસુના ઘોડા થયા હતા. કાલે પાછો બીજો કાગળ લખશું. રોજેરોજ અનસુના ખબર લખશું. જીવ ઊચક રાખશો નહીં. દાદા ફરી લખાવે છે કે બાનું શરીર સારું થાય ત્યાં સુધી રોકાજો. બાને વાયડી ચીજ ખાવા દેશો નહીં. બાને ભજિયાં ખાવાં હોય તો મગની વાટી દાળનાં કરી દેજો, ચણાની દાળનાં નહીં. બાને શું શું થાય છે તે બાપુ નહીં લખે, શરમાશે, માટે તમે લખજો. દાદા દવા મોકલશે. બાને દાદાએ આશીર્વાદ લખાવ્યા છે. બાને બા-ફોઈએ સંભાર્યાં છે. અનસુ ઊંઘી ગઈ છે. ત્યાં બાપુજી શું કરે છે? ઘી ચોખ્ખું જો’તું હોય તો દાદા મોકલે. લિ. દેવુ
ભદ્રા જ્યારે આ કાગળનો અક્કેક અક્ષર બેસારતી હતી ત્યારે મોટરમાં બેસીને ભાસ્કરને ઘેર જતી કંચન પણ આ કાગળનો અક્ષરેઅક્ષર યાદ કરતી જતી હતી. એ જૂઠું બોલી હતી. એને એકેય અક્ષર ઊકલ્યા વગર રહ્યો નહોતો (કેમકે જૂના જમાનાની માસ્તરગીરી કરનાર દાદાજીએ દેવુને નવી પદ્ધતિની દયા પર છોડી ન મૂકતાં કૉપીબુક વગેરે સારા અક્ષરો કાઢવાની જૂની ગણાતી પદ્ધતિથી પૂરી તાલીમ આપી હતી). કાગળ વાંચ્યે કંચનનું માથું દુખવા આવ્યું હતું તે વાત પણ જૂઠી હતી. એક નાનકડા કાગળની વાતમાં પોતે બે જૂઠાણાં શા માટે બોલી હતી તે વિચાર એને અચાનક આવ્યો. એ કરતાંય વધુ ગંભીર જૂઠાણાં તો પોતે કેટલીય વાર બોલતી હતી. પણ બોલ્યા પછી બીજી જ પળે એનો વિચાર-દોર પોતે કાપી નાખતી. દેવુના કાગળ બાબત આમ ન થઈ શક્યું. પ્રથમ તો પોતે છૂપો ગર્વ અનુભવ્યો કે, ‘મારા માટે આટલાં બધાં લોકો કેવાં લટ્ટુ થઈ રહ્યાં છે! થાય તો ખરાં જ ને – ન થાય તો જાય ક્યાં? ભૂંડી ગરીબીમાં સબડતાં હતાં તેમાંથી બહાર તો મારા ધણીએ કાઢ્યાં છે ને!’ ધણીની કમાઈનું એ ગુમાન એક પળમાં તો, મગર પૂછડું મારીને પાણીમાં પેસી જાય તેમ, કંચનના મન પર એક પ્રહાર લગાવીને શમી ગયું. ‘કોની કમાઈ? ધણીની? ધણી કોનો? મારો ગર્વ કેટલો કંગાલ? એણે મને રાતમાં લપાટો મારી છે. એણે મને પ્રભાતે મનાવી-પટાવી છે તે તો ભાસ્કરભાઈના ડરથી.’ પતિની કમાણીનું અભિમાન ઊતરી ગયું. તેને સ્થાને જાગ્યું બીજું ગુમાન : એ બધાં લટ્ટુ બને છે તે તો કેળવાયેલી વહુ દીકરાને વગર મહેનતે મળી ગઈ છે તેને લીધે. તેમને સૌને મારા શિક્ષિતપણાની શોભા જોઈએ છે. આગલી સ્ત્રીને કેમ હડધૂત કરી કરી મારી નાખી! ને આ દેવુ તો સૌથી પાક્કો લાગે છે : દસ-બાર વાર બા-બા-બા-બા લખ્યું છે. દુત્તો જણાય છે! જેમ જેમ પોતે કાગળના આવા ઊલટા સૂરો બેસારતી ગઈ, તેમ તેમ કાગળ એના મન પર વધુ ને વધુ ચોંટતો ગયો. ‘ભદ્રા દીકરીને છોડીને આવી છે તે કાંઈ સ્વાર્થ વગર નથી આવી! જશે ત્યારે પાંચ સાડલા તો લેતી જ જશે ને!’ – એ રીતે જેઠાણીના ઉપકારને ધોઈ નાખવા પણ પોતે પ્રયત્ન કરી જોયો; છતાં તે સૌ જાણે પોતાની પાછળ પડ્યાં હતાં. સૌથી વધારે જોરાવર તો બનતો જતો હતો : બા-બા-બા-બા : એ દેવુનો બોલ