તુલસી-ક્યારો/૪૧. છૂપી શૂન્યતા

Revision as of 06:28, 3 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. છૂપી શૂન્યતા|}} {{Poem2Open}} પ્રવાસે જતા દેરને વળામણાં દઈને ભદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૧. છૂપી શૂન્યતા

પ્રવાસે જતા દેરને વળામણાં દઈને ભદ્રા, યમુના અને અનસુ સાથે, કાઠિયાવાડ ચાલી. આટલા મહિનાથી સાચવેલું દેરનું ઘર એને આખી વાટ યાદ આવ્યા કર્યું. પોતે દેરના ઘરનો કયો કયો સામાન ઠેકાણે પાડવામાં ભૂલ કરી હતી, કઈ કઈ ચીજો બંધ ઘરમાં સાચવીને મૂકતાં ચૂકી હતી, તે ઉપરાઉપરી યાદ આવવા લાગ્યું. જે કપડાં એને પોતાને કદી પહેરવાનાં નહોતાં તેની પેટીઓમાં ને કબાટોમાં ડામરની ગોળીઓ નાખવી રહી ગઈ તેથી ભદ્રા પરિતાપ પામી. કંચનને વાપરવા જેવી ચીજો પોતે સાથે લીધી હતી તેમાં પણ અમુક શણગાર ત્યાં ભુલાઈ ગયા હતા. ‘મૂઈ રે હું તો હૈયાફૂટી!’ એમ બોલીને મનમાં મનમાં બળ્યા કરી : ‘હૈયું જ કોણ જાણે કેમ ફૂટી ગયું! દેરનો સામાન પૅક કર્યો તેમાં ખમીસનાં બટન મુકાયાં કે વીસરી ગઈ? દેરનાં બીજી જોડ ચશ્માં બહાર તો નહીં પડ્યાં રહ્યાં હોય! દેરને રસ્તે તાવ-માથું કંઈ થાય નહીં, અને દેરનું સર્વ પ્રકારે ક્ષેમકુશળ રહે, તે માટે તુળસીમાની બાધાનો મેં દોરો કરાવેલો, તે તો દેરને આપવાને બદલે મારી પાસે નથી રહી ગયો ને!’ સંભારીસંભારીને શંકા પડતાં ભદ્રાએ રેલગાડીમાં પોતાની ટ્રંક વીંખી, બિસ્તર ફેંદ્યું, પોતાના કબજાનાં ગજવાં પાંચ વાર ફરીફરીને અને છઠ્ઠી વાર અવળાં કરીકરીને તપાસ્યાં. દોરો ક્યાંય ન મળે. એક કલાક ખુવાર મળી. સામે બેઠી બેઠી યમુના દાંત કાઢ્યા કરે. પણ એને ગાંડીને ખબર હશે એવું તો હૈયે જ ક્યાંથી ચઢે? છતાં છેવટે ભદ્રાએ અનસુને પૂછ્યું : “અનસુડી, તેં તો ક્યાંઈ નો’તો મૂકી દીધોને દોરો?” એ પછી યમુનાને પણ પૂછ્યું : “યમુની! તને કંઈ ભાન છે દોરાનું?” આવી તોછડાઈથી તો ભદ્રા નાની અનસુને ને ગાંડી યમુનાને કોઈક જ વાર બોલાવતી. એવી તોછડાઈ ભદ્રાના મોંમાંથી નીકળે ત્યારે એમ સમજાય કે આજે ભદ્રાબાની માનસિક અકળામણનો કોઈ પાર ન રહ્યો હોવો જોઈએ. આટલી તોછડાઈ સિવાય ભદ્રાના માનસિક સંતાપની તીવ્રતા માપવાનું કોઈ પણ ચિહ્ન નજરે પડતું નહીં; કારણકે એ બરાડો કદી પાડતી નહીં. આંખો તો એની છૂપી રીતે રડી હોય ત્યારે જ લાલ બનતી, ને હાથ તો એ કોઈ પર ઉપાડતી નહીં. “બોલ તો ખરી, ઓ ગાંડી! ઓ જમની!” મૂંગી યમુનાને ભદ્રાએ એમ કહેતે કહેતે જરી હાથ અડકાડ્યો. “કેમ મારો છો વળી!” યમુનાએ ગાડીનો ડબો ગજવવાની તૈયારી હોય તેવી બનાવટ ધારણ કરી. એણે તો એક સપાટે મોં રડવા જેવું કરી નાખ્યું. “બાપુ! મારો દોરો...” ભદ્રા ઢીલી પડી ગઈ. “મને ગળે ફાંસો દેવો છે શું દોરો લઈને?” યમુના હસવા લાગી : “શીનો દોરો?” “વીરસુતભાઈને કાંડે બાંધવાનો.” “તમને એકને જ વા’લા હશે, કાં ને!” “ના, બેન, ના...” ભદ્રાની આંખો જળે ભરાવા લાગી. “સૌને વા’લા છે, માટે તો તુળસી માની મેં રક્ષા મંતરાવી’તી. હીમખીમ એ પાછા આવે, પાછાં આપણે અમદાવાદ રે’વા જઈએ ...” “આવશે જ તો!” “દોરા વગર?” ભદ્રાના હૃદયમાં એવી જ એક છોકરવાદભરી વહેમજડતા ઘર કરી ગઈ કે પોતે કરાવેલો દોરો જો વીરસુતને નહીં પહોંચ્યો હોય તો વીરસુતનું ક્ષેમકુશળ ખંડિત થયા વિના રહેશે જ નહીં. “તો તો આવશે જ! લ્યો, કહું છું કે આવશે.” યમુના વિચિત્ર હર્ષચેષ્ટાઓ કરવા લાગી. “પણ, બેન, તને શી ખબર પડે! મેં જ ઊઠીને એમને દેશાટને જવા કહ્યું, મેં જ મૂઈએ એમને એમના પોતાના જ ઘરમાંથી જાકારો દીધો. મેં જ એમની ને એમના પિતાની વચ્ચે વછા પડાવ્યા, મેં જ એમને ને કંચનને મેળવી ન આપ્યાં : મારી તે કેવી ગફલતી!” પછી એની વાણી પ્રકટપણું ત્યજી દઈને હૃદયના નેપથ્યમાં કમ્પવા લાગી. કોઈ બીજાને કાને ન પડવા દેવાય તેવી એ ગુહ્ય વાણી હતી. માનવહૃદયનાં, તેમાં પણ સ્ત્રીહૃદયનાં, રહસ્યો જે પર ઝંકાર કરે છે, તે વીણા ઘનઘોર અંધકારની જ બનેલી છે. ચિદાત્માના દરબારને ઉંબરે એ વીણાનો બજવૈયો બેઠો છે. કલ્પના ત્યાં પહોંચી શકી નથી, તો કાન ક્યાંથી પહોંચે? ભદ્રાના મનમાં મંજુલ, મૃદુ કોઈ રવ ઊઠતો હતો : ‘આજે કેમ રડું રડું થઈ રહ્યું છે! એ ચીડિયા, નાદાન, ધડા વગરના દેરનું ઘર ચલાવવા જવાની ભૂલ હું ક્યાંથી કરી બેઠી! એનું સાન્નિધ્ય મને રાત ને દિવસ ડરામણું ભાસતું, તે છતાં આજે કાં એ સાન્નિધ્યમાંથી મળેલા છુટકારાને હું અંતરમાં અનુભવી શકતી નહીં હોઉં! ચિડાતો, અપમાન કરતો, ભય પમાડતો, ભૂલો કાઢતો ને કદી કદી તો બેહદ અકળાઈને જાકારો પણ બોલતો એ દેર દૂર થતાં મારું આખું જીવન પૂર્વે કદી જ ન અનુભવેલી એવી શૂન્યતાને ને અવનવી વિકલતાને કેમ અનુભવે છે! હે પ્રભુ, હે તુળસી મા, મને આમ કેમ થાય છે કે જાણે દેરનું પ્રયાણ કોઈ પણ કારણે અટકી પડે! તુળસી મા, મને એટલું બધું કાં થાય કે દેરને કોઈક અકસ્માત નડે તોય સારું!’ ‘અકસ્માત’ના વિચારે કલ્પનાની આખી પરંપરા ઊભી કરી : ‘મુંબઈમાં જ રેલગાડી પર જતે જતે કોઈ ટૅક્સીમાંથી પછડાય – પછડાય, પણ પાછું વાગે બહુ થોડું, હો તુળસી’મા! થોડું એટલે કેટલું? તે વખતે તો ન જઈ શકે તેટલું. એમનો તાર મળે, એ મને તેડાવે, હું મુંબઈ સુધી જઈ લઈ આવું પાછા. એના ઘરમાં રહી એને સાજા કરું, પણ પછી તો એને જવાનું જ ન બને તેવું કરી આપું : એને ને કંચનને હું ભેટાડી જ દઉં. પછી તો જવાનું કારણ જ શું રહે! એ જો કહે કે, ભાભી, કોઈ રીતે મને દેશવટો મોકલતાં અટકો, તો હું શરત મેલું કે, કંચનનો એના નાના બાળક સાથે જ સ્વીકાર કરી લો. એ જો હા પાડે તો હું બાપુજીને મનાવી લઉં. પણ પછી કંચન મને ઘરમાં રહેવા દે ખરી? દેર મને જ પૂછી કરીને પાણી પીએ તો કંચનને ઈર્ષ્યા ન આવે? પણ હું દેરને એમ કહું કે, મને તમારે કશું ન પૂછવું, બેઉ જણાંએ સમજીને બધું કરવું-કરાવવું, તો? તો મને ગમશે ખરું? … … શા માટે ન ગમે? મારે ને એને શું? હું તો મારી અનસુને ઉછેરીશ, મારા દેવુને મોટો કરીશ, મારા સસરાનું ઘડપણ સંભાળીશ …’ એ કરવા તો પોતે પાછી વળી રહી હતી. છતાં દેરનું ઘર પાછળ પાછળ દોડ્યું આવતું હતું. પોતાની પાછળ જાણે કબાટો ને હિંડોળા, રસોડું ને પાણીના નળ હડી કાઢતાં હતાં, એ બધાંને પાછાં એકઠાં કરીને કોઈક બગલમાં પૂરી દેતું હતું. ‘આવતે સ્ટેશને જ દેરનો તાર મળે કે, ભાભી, આવજો, મને તાવ ચડ્યો છે …. તો?’ તરત દોરો યાદ આવ્યો. દોરો દેરને દેવાનું ભૂલી ગઈ છે પોતે, તેથી શું થાય ને શું ન થાય! ‘હાશ, દોરો ભૂલી ગઈ હોઉં તો તો બહુ સારું; તો તો કશુંક થશેય તે – પણ થોડુંક જ થજો, હો તુળસી મા!’ દેરને ક્ષેમકુશળની અને પોતાના સ્વાર્થી સુખની – આ બે લાગણીઓ વચ્ચે તોફાન ચાલતાં પોતે પોતાની નબળાઈ અને વિચારહીનતા પર હૈયું ઠેરવ્યું, પોતે આવી આકુલતાના અનુભવ પર નિશ્વાસ નાખ્યો અને જાણે દેવ પોતાના જીવનમાં પહેલી જ વાર કોપ્યો હોય એવો મનોનુભવ થતાં ચોબાજુથી ઘેરાઈ ગયેલ કોઈ વિપદ્ગ્રસ્ત ધેનુની માફક અંતરમાં ભાંભરડા દેવા લાગી. રડી પડી. ત્યાં તો યમુના બોલી : “દીઠાં બહુ ડાયાં! રડવા બેઠાં! તમારો દોરો તો લઈ જઈને બાંધી આવી જ છું.” “ક્યાં?” “ભાઈને કાંડે.” સામાન્ય સંજોગોમાં માનવીને આવા સમાચાર મુક્તિની ને ચકિત આનંદની લાગણી કરાવે. પણ ભદ્રાના સંજોગો સામાન્ય ક્યાં રહ્યા હતા! એને ન ગમ્યું. દોરો તો દેરને કાંડે પહોંચી ગયો હતો. દેરની યાત્રા ક્ષેમકુશળ બનશે. એક વર્ષ સુધી તો દેર પાછા નહીં વળે. સાબરમતી નદી આવી. પુલ ઉપરથી ભદ્રાએ એક શ્રીફળ અને એક ચકચકતો નવો પૈસો નીચે વહી જતાં નીરમાં નાખ્યાં. એનો ઘા કરવામાં પૂરી કાળજી હતી. રમત-મેદાન પરના કોઈ ખેલાડીએ કદી કોઈ સન્નારી સામે આટલી હળવાશથી રબરના દડાનો ‘કૅચ’ નહીં નાખ્યો હોય! નદી એને મન સજીવ સત્ત્વ સમાન હતી. ‘મા, ભાઈની રખ્યા કરજો!’ એવી ટૂંકી પ્રાર્થના એ શ્રીફળ અને પૈસાની સાથે સાબરમતીનાં જંપતાં જળ ઉપર ઝિલાઈ. પણ એના અંતરના અણવદ્યા બોલ જુદા હતા : ‘ભાઈને કંઈક – થોડુંક કંઈક – કરીને પાછા વાળજો. ભાઈને મેં કંચનથી વછા પડાવ્યા છે. હું અદેખી છું. ભાઈ પાછા આવે તેમાં મારો શો સવારથ છે? ... ...સવારથ તો છે જ ને, પાજી! જૂઠું બોલે છ કે?.... ...જૂઠું બોલતી હોઉં તો, લો, ખાતરી કરાવી આપું : ભાઈ જો પાછા આવે તો હું એને મારું મોંય ન બતાવવા બંધાઉં છું ...’ પણ સાબરમતીનો નિષ્પ્રાણ પુલ એવી એવી માનસિક લવારી સાંભળતો પાછળ રહ્યો. ગાડી સાબરમતી સ્ટેશને પહોંચી. યમુના રખે દેખી જાય તેટલા માટે જ ભદ્રા બારી પર મોં દબાવીને બેસી રહી. એની આંખોનાં પાણી વરસાદનાં ટીપાં સાથે મેળ રાખીને બારીના પોલાણમાં ઊતરતાં હતાં.