માણસાઈના દીવા/શનિયાનો છોકરો

Revision as of 10:47, 3 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શનિયાનો છોકરો|}} {{Poem2Open}} ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શનિયાનો છોકરો

ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ “મહારાજ અમારે ત્યાં ના આવે? “ “ના શા માટે આવે?” એમ કહેવરાવીને ચરોતરવાળા એક વાર મહારાજને સાંપરા તેડી ગયા. ત્યાં સાંપરાવાળાઓએ પેટની વાત કહી કે, “અમારા ગામમાં હાજરી છે તે ભલા થઈને કઢાવો.” મહારાજ ત્યાં મહીજી નામના પાટણવાડીયાને ઘેર ઊતર્યા. થોડી વાર બેસી, બીજી-ત્રીજી વાતો કરી મહારાજ પાછા ફર્યા. પછી પોતે સાંપરાની તેમજ નજીકમાં બીજાં બે ગામની હાજરી કઢાવી નાખી. ને ફરી એક વાર મહારાજ મહી-પારથી સાંપરે ગયા. મહીજીની બૈરી મહારાજને મળવા બહાર આવી ત્યારે એના રંગ ઢંગ બદલી ગયા હતા. એના મોં પર રૂપ ફૂટ્યું હતું. એણે પગે લાગીને કહ્યું કે, “મહારાજ , તમારો ચેલો હવે સુધર્યો છે.” પછી ઘરમાં જઈને શરમાઈ બેઠેલા મહીજીને બહાર તેડી લાવી. પગે લાગતા મહીજીને મહારાજે પૂછયું:" મહીજી, આ સાચું કહે છે?” મહીજી કહેઃ “હા, મહારાજ , આજ સુધી હું કુતરો હતો, હવે પૂછો આવી આને.” “સારું કર્યું, મહીજી!” બૈરી કહે : “હવે તમારા ચેલાને કંઈક આલો, મહારાજ!” “શું આલું?” “કંઈક શબદ આલો .” મહારાજને થોડી વારે સમજાયું: આ લોકો મને કોઈક ચમત્કારી પુરૂષ માને છે. કંઈક સિદ્ધિમંત્રની આશા કરતાં જણાય છે! “પણ હું શું આપું! મારી કને શી સિદ્ધિ ને શા મંત્ર બળ્યાં છે!” “ના મહારાજ!” મહીજીની બૈરીએ હઠ પકડીઃ"આલો ને આલો. તમે તો પરતાપી પુરુષ છોઃ જે ધારો તે આલી શકો.” છેવટે મહારાજે પોતાની પાસે એક માળા હતી તે ઉતારીને આપી કહ્યું: “લે આઃ મારા ગુરુજીની આપેલ છે .એ તું નાહી-ધોઈ, ઘીનો દીવો કરી ફેરવજે અને રામ-નામ લેજે. એ પતિતપાવન છે.” એ પછી દોઢ-બે વર્ષે જ્યારે મહારાજ પાછા સાંપરે આવ્યા ત્યારે મહીજીને ઘેર ઊતર્યા. મહીજીની બૈરીની કપડાં-લત્તાની ભભક અને મોં પરની ચમક વધી હતી, એણે પરસાળમાં ખાટલો ઢાળી આપ્યો બેઠેલા મહારાજને કહ્યું કે , બાબરિયાના બાપા હમણાં જ આવે છે.” પરસાળમાં બેઠા બેઠા ઘરના બારણાની આરપાર મહારાજની દ્રષ્ટિ ઘરના વાડામાં પડતી હતી. ત્યાં એમને વાડાની પાછલી વાડ પર બૈરીઓનાં લૂગડાં દેખાયાં; મોંતો દેખી શકાતાં નહોતાં. ને મહીજી વાડા પાસે જઈ કંઈક પોટલી જેવું લેતો ને થોડી વારે એ પોટલી જેવું પાછું દેતો હોય તેવો ભાસ થયો. આશ્ચર્ય થયું! મહીજી આટલી બધી વાર ત્યાં શું કરતો હશે તે આવતો જ નથી!. ઝાઝી વારે મહીજી આવ્યો આનંદમાં જણાયો . પછી મહારાજ નાહવા માટે પાછલા વાડામાં ગયા ત્યાં તેમણે પારાવાર માખીઓ બણબણતી જોઈ અને એક ખૂણામાં ગંધાતી મિઠાઈના લાડવા દીઠા. નાહીને પાછા આવી બેઠા પછી મહીજીએ નિરાંતે બેઠા બેઠા વાત કરીઃ “હવે તો, બાપજી, તમારે પરતાપે લીલાલહેર છે. કૂતરાનો ધંધો કરવો પડતો નથી. તમે આપેલી માળા ફળી છે.” “એવું શું છે?” “હવે તો વેપાર કરું છું .” “શાનો?” “લાડવાનો. બધું સારું ચાલે છે, બાપજી! રોજના રૂપિયા બે જેટલું પડી રહે છે. તમારે પરતાપે લે'ર છે.” “લાડવાનો વેપાર! લાડવા કોણ લે છે?” “ઘણાં લઈ જાય છે. પુરુષો ચોરીનો માલ લાવે. છોકરાં ખેતરમાંથી ચોરી લાવીને મને આલે. બૈરાં પણ લેવા આવે.” “તું ક્યાં વેચે છે? હાટડી રાખી છે?” “ના રે ના , મહારાજ! હાટડી તો એકલી ના ચાલે. અહીં પાછલા વાડામાં વેચું છું.” “વાડામાં બૈરીઓ શી રીતે લેવા આવે છે?” “પાછલી વાડથી સ્તો. ભાગોળે કૂવે પાણી ભરવા આવે ત્યારે મારા વાડા પછવાડે વાડ પર થઈને દાણાની પોટલી લંબાવે , ને સામી લાડવા લેતી જાય. હું એ પોટલીમાં જ મીઠાઈ બાંધી દઉં.” “ઓહો! વારું.” એટલું કહીને મહારાજ અટકી ગયા. એમને દુઃખ તો ઘણું લાગ્યું પણ માંડ ચોરી છોડીને ધંધે લાગેલા મહીજીને શું કહેવું! ટંક-બપોર રહી, ખીચડી રાંધી-ખાઈને પાછા સ્ટેશને જવા તૈયાર થયા. “બાબરિયાના બાપા!” બૈરીએ મહીજીને કહ્યું: “તમેય જાઓ જોડે, ને ટિકસ કઢાવી આલો.” “હોવે ,જઉં છું. ચાલો, મહારાજ!” “તું શીદ ટિકટ કઢવી આલે, મહીજી?” મહારજ હજુ પણ શાંતિ સાચવી બહાર ચાલ્યા. “મારે ઠીક છે.” એમ કહેતો મહીજી સાથે ચાલ્યો. “ના, પાછો વળ.” “પણ મારે સ્ટેશને કામ છે.” “શું?” “લાડવા લેવા છે.” પછી લાડવાની વાત ચાલી. મહારાજે પૂછ્યું: “હેં મહીજી, લાડવા લેવા કોણ આવે?” “બધાં: પુરુષો, બૈરાં — ને છોકરાં પણ.” “તે એ ઘેર જઈને ખાય?” “ના ,છાનામાનાં વાડા પછાડી જ ખાઈ લે.” “ઘેર લઈ જઈ કોઈને ના આલે?” “ના રે ના , પેટનાં બાળકોને પણ નહીં.” “શું કારણ?” “હં -હં … કારણ ન સમજ્યા? કારણ કે દાણા તો ઘરમાંથી ચોરી કરીને પોટલામાં લાવે ખરાં ને!” “હેં મહીજી!” મહારાજે થોડું વિરામી જઈને પછી, ગળામાં કંઈક લાકડા જેવું સલવાઈ ગયું હોય ને એ ગળા હેઠ ઉતારવા મથતા હોય તેવી મથામણ કરતે કરતે પૂછ્યું: “તારી વહુ જો એમ કરે તો?” “શું કરે?” “ઘરમાંથી દાણા ચોરી જઈને પછી કોઈને ત્યાંથી લાડવા લઈ, તને ને બાબરિયાને મૂકીને ચોરીથી ખાઈ લે, તો?” “તો તો ડોંગારી જ નાખું ને સાસરીનીને!” કહેતે કહેતે મહીજીએ પોતે પકડેલી ડાંગ ઊંચી કરી. “બાબરિયો કરે તો?” “તો એને પણ.” “ત્યારે પેલી ગામની બૈરીઓ લઈ જયા તેનું કેમ?” “એ તો તેની જાણે લેવા આવે છે.” “બહુ પાપ બેસે છે, મહીજી! — બહુ પાપ બેસે છે તને. આ ગંધારી સડેલી મીઠાઈ : તેને પણ ચોરીછૂપીથી ગામલોકો ખાય — બૈરી ધણીને મૂકીને અને મા પેટનાં છૈયાંથી છૂપી છૂપી ખાય – એ તો, મહીજી, પૃથ્વી રસાતાળ જવા જેવું. કુદરતના કાનૂન બદલી ગયા!” મહારાજનું કાળજું વલોવાઈ ગયું. એને લાગ્યું કે આ કરતાં તો મહીજી ચોર હતો તે જ ભલો હતો. મહીજીએ કહ્યું: “તો હું બંધ કરું. પણ એથી કશો ફેર નહીં પડે.” “શાથી?” “ગામમાં એક લવાણો ને એક પાટીદાર – બે જણા આવી જ રીતે મીઠાઈ વેચે છે!” મહીજીની વાત મહારાજ ને સાચી લાગીઃ ને એના મનમાં પ્રશ્ન જાગ્યોઃ આ ભ્રષ્ટાચાર ગામડામાં કોણ પહેલું લઈ આવ્યું? ને આ જાહેરમાં અનીતિ શાથી ચાલુ રહે છે? વ્યક્તિગત સાચવણીની વૃતિએ જોર કર્યું તેથીસ્તો! જાહેર અનીતિનો કોઈ વિરોધ કરે નહીં કારણ કે સૌ વિચારે છે જ વ્યક્તિગત દૃષ્ટિએ — કે, ‘મૂઉં! ભેંસના શીંગડાં ભેસને ભારે પડશે. આપણે શું! આપણે આપણી જાતને સાચવીને રહો!” એ મનોદશા ભયંકર છે. એ પરિતાપ સાથે પોતે ટ્રેનમાં બેઠા.