માણસાઈના દીવા/પહેલી હવા

Revision as of 08:39, 4 January 2022 by KhyatiJoshi (talk | contribs)


પહેલી હવા

એ જુવાનને લોકો ‘ભગત' કહીને બોલાવતા. ‘ભગત'ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતાં હોય ત્યાં ‘ભગત' અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત'ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જેલે જવું પડે. “કાં, અલ્યા ભગત!” પેટલાદ જેલના જેલરે આ જુવાન કેદીને ખબર આપ્યા : “તારી મુલાકાતે આવી છે તારી મા હેતા.” મા-દીકરાને મુલાકાતે વળગાડીને પોલીસો માંહોમાંહે વાતો કરતા હતા : “ઓરતો તો ઘણી દીઠી પણ આવી આ હેતા તો ભયંકર છે. આવું તો કોઈ રૂપ દીઠું નથી.” “છોકરો તો બાપડો એની મા આગળ બચોળિયું લાગે છે. ભજનો ગાતે ગાતે લગાર વળી એણે ચોરીનો સ્વાદ લીધો; બાકી, કંઈ વધુ વેતા નથી બળી લાગતી!” “ના રે ના! પણ મા તો જુઓ! દા'ડેય દેખીને ફાટી પડીએ ને!” આ દરમિયાન ‘લૉકપ'ના જાડા સળિયાની પાછળ ઊભો ઊભો આ ‘ભગત' પોતાની માને છેલ્લા બોલ ફક્ત આટલા જ સંભળાવીને ચૂપ રહ્યો : “તું તારે જા હવે. ને મારે માટે કાલે સાંજે શેવો કરી રાખજે; હું શેવો ખાવા આવી પહોંચું છું.” “તારે ઠીક પડે તેમ કરજે. પણ મુખીનો ત્રાસ હવે સહ્યો જતો નથી, હો બાબરિયા!” એટલું કહી મા ગઈ. પેટલાદની લૉકપમાં શાંતિ છવાઈ ગઈ, અને ગાયકવાડી ગામ કણિયાના પાટીદારને ઘેરથી ઓરી કરી પકડાયેલો ‘ભગત' તુરંગમાં બેઠો બેઠો ભજનની ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો :

કાયા મેલી ના જાયેં, મારા હંસલા!
કાયા મેલી ના જાયેં હે હાં-જી-હાં.

વળતે દિવસે હોળીનું પર્વ હતું. સાંજે ગામ-ભાગોળે હુતાશની પ્રગટાઈ તે ટાણે પેટલાદથી ત્રણ ગાઉ દૂર ગોરેલ ગામના પાટણવાડિયા વાસને એક ઘેરે ઉંબરામાંથી અવાજ સાંભળ્યો : “કાં, મા, શેવો તૈયાર છેને? ઝટ લાવ – ખઈ લઉં — પોલીસ મારી પાછળ જ છે.” મા હેતા શેવનું મિષ્ટાન્ન રાંધીને જ બેઠી હતી. “આવ્યો ભગત!" એમ કહીને એણે ઠામમાં ઝટ ઝટ પીરસેલી શેવ લુશ લુશ ખાઈને એ જુવાન ધારિયું લઈ, કમ્મરે છરી બાંધી બહાર નીકળી ગયો, સાંજે પાંચ વાગ્યે એ પેટલાદની તુરંગમાંથી નાઠો હતો. તે જ રાત્રીએ ગોરેલની બજાર વચ્ચે એ ‘ભગતે' ગામના મુખીને જાનથી માર્યો. એ ક્યાં જઈ ભરાયો છે તેની કોઈએ ભાળ લીધી નહીં. સને ૧૯૧૯નું વર્ષ : ચરોતર જેવો ધારાળાઓની કોમે ખદબદતો મુલક મહી-વાત્રકનાં ઊંડાં ખાતરાંઓમાં સાડા પાંચ ફૂટનું એક માનવપ્રાણી લપાઈ જાય તેની કોઈને નવાઈ નહોતી. સરકારે બાબરની માને અદાલતમાં ખડી કરી. મૅજિસ્ટ્રેટની સામે એ ભયંકર હેતા બોલી ઊઠી : “હજુ એક દીપડું છૂટું મેલ્યું એમાં આટલા અકળાઓ છો; ત્યારે મારા પાંચ શી-લંકાને છૂટા મેલીશ તે દા'ડે શું કરશો?” ('શી-લંકા' એટલે સિંહના જેવી કટિવાળા દીકરા!)


[૨]


થોડા મહિના — અને એ જ ગોરેલ ગામમાં એ જ ‘ભગતે' એક આદમીને એને ઘેર જઈ, શરીરમાં તલવાર ઘોંચી દઈ, ઢસડતે ઢસડતે ભાગોળે લઈ જઈ ઠાર માર્યો. લોકોને ખબર પડી કે સગા કાકાને જ ભત્રીજે ઠાર માર્યો. એક ચોરી, તુરંગનું તૂટવું અને બે ખૂન – એ ચાર ગુનાઓએ ચરોતરના મુલકને ચકડોળે ચડાવ્યો. જિલ્લાની અને વડોદરાની — બંને પોલીસની દોડધામ મચી ગઈ. તેવામાં થોડા મહિના પછી એક દિવસે, ગામ જોગણમાં એક પાટણવાડિયો પોતાના ઘરને આંગણે બેઠો છે, ખોળામાં નાનું બાળક ખેલી રહ્યું છે, સામે ઊભી ઊભી એક બાઈ – એ બાળકની મા અને એ આદમીની ઓરત – કંઈક કામ કરે છે, તે વખતે ‘વોય બાપ!' એવી બૂમ પાડતો એ બાળ રમાદતો આદમી હેબતાઈ ઊઠ્યો. અને ઓરત ખડકી તરફ જુએ તો એક જુવાન ઊભો છે : હાથમાં ભરેલી બંદૂક છે. “છૈયાને લઈ લે, ફુઈ!” બંદૂકધારી જુવાને શાંત શબ્દોમાં બાઈને સૂચના આપી. પણ ફુઈ ન સમજી. “અરે, ભગત!” એટલું કહીને એ પોતાના બંદૂકધારી ભત્રીજાની સામે જોઈ રહી. “છૈયાને લઈ લે મારા ફુવાના ખોરામાંથી!” બંદૂકિયાએ ફરી આંખો ફાડીને કહ્યું. ફુઈ હેબતાઈ ગઈ, ધણીના ખોળામાંથી બાળકને ન ઊઠાવી લઈ શકી. ધુ…ઉ…મ! બંદૂક છૂટી. ખોળામાં બાળક છતે એ પુરુષને વાગી. પુરુષ ઢળી પડ્યો. બાળક જીવતું રહ્યું. બંદૂકિયો નાસી ગયો. સગા ફુવાને ઠાર કરનાર એ ‘ભગત' બાબર દેવા હતો. ત્રીજું ખૂન – અને બાબર દેવા બહારવટિયો જાહેર થયો. ભજનોની મંડળીમાં બેસનારો એક કંગાલ પાટણવાડિયો જુવાન ‘બહારવટિયો બાબર દેવો' એવા બિહામણા નામે ઓળખાવા લાગ્યો. બાબર દેવાની ટોળી બંધાઈ ગઈ. લૂંટફાટ ને ખૂનોથી આખો મુલક સૂપડે સોવાઈ રહ્યો, ચરોતરની ધરતીમાં ધૂંધૂંકાર ચડ્યા. પોલીસને બાતમી દેવાની શંકા માત્રથી પણ બાબરિયો પોતાના સગા કાકાને અને ફુવાને ઠાર મારી ગયો, એ વાતથી માણસોના ગાઢ વછૂટી ગયા. બાબરનાં માબાપને અને ત્રણ જુવાન ભાઈઓને પોલીસે પકડી વિજાપુર ‘ક્રિમિનલ સેટલમેન્ટ'માં મૂકી દીધા. એમની જમીન ખાલસા કરી. એમનાં તમામ મકાનો તોડી નાંખ્યાં — તેમાંથી સાચાં મોતી નીકળ્યાં કહેવાય છે. બાકી રહ્યા બાબરના બે બાળક ભાઈઓ. એની તપાસે ચડેલી પોલીસ પત્તો ન મેળવી શકી. એને કોઈકે છુપાવ્યા હતા. પકડો બાબરિયાનાં સર્વ સગાંને! એને બહેન છે. ક્યાં છે? ઝારોળા ગામે પરણાવેલી છે. પકડો એને! પણ એ ઝારોળે હતી નહીં, ક્યાં ગઈ! રહેતે રહેતે જાણ થઈ : બાબરિયાની ટોળી ભેગી એક ઓરત પણ લૂંટમાં દેખાય છે, એ એની ઝારોળાવાળી બહેન જ છે.


[૩]


બાબરના બહારવટાને વરસેક વીત્યું હશે. બહેનને વિશે છણભણ છણભણ વાતો ચાલતી હશે. એ વાતો એક દિવસ ભાઈને કાને આવી પહોંચી. “અલ્યા ભગત!” બાબરના સાથી પાટણવાડિયા જગા ઊમઠે એક વાર જંગલના રહેઠાણમાં બાબરને એકલો દેખી કહ્યું : “તું આવો મોટો ફરછ, પણ …” “પણ શું?” બાબર જગાને થોથરાતો જોઈ બોલી ઊઠ્યો. “કશું નહીં.” “ના, કહે જે પેટમાં હોય તે.” “લેને ત્યારે કહી દઉં : પેટમાં રાખ્યે શો સાર! તું આવો મોટો ફરછ, પણ તારી બે'ન તો તરકડાને જવા બેઠી છે.” વાતની ચોખવટ થઈ : બહેન એક મુસલમાન સિપાઈ સાથે હળી ગઈ છે! હવસ આંધળો છે : કોઈક દા'ડો સગા ભાઈનેય સોંપી દેતાં વાર નહીં લગાડે. વાત સાચી હો કે ખોટી, બાબરને વહેમ પડી ગયો કે બહેન કોઈક દા'ડો દગો દેશે — બહેન ખૂટશે! એક દિવસ ઝારોળાથી એક માઈલ આવેલા ચૂવા ગામના ખેતરમાં બાબર પડ્યો હતો. બહેન આવી ભાઈની પાસે બેઠી, આડીઅવળી વાતો કરવા લાગી. વાતો કરતે કરતે એ બાબરની બાજુમાં પડેલી એની બંદૂક હાથમાં લઈને તપાસવા લાગી. ભાઈના મનમાં ઘોળાતો વહેમ સજ્જડ થયો. “એમ ન જોવાય બંદૂક… એંહ, આમ જો — આમ… જોવાય.” એમ કહેતે કહેતે બહેનના હાથમાંથી બંદૂક સેરવી લઈને એણે બહેનના કપાળમાં નોંધી, છોડી : બહેનની ખોપરીનાં કાચલાં થઈ ગયાં.


[૪]


બામણવાડાની સીમમાં બાબર ચૂપચાપ બેઠો છે. કોઈકની વાટ છે. અંતરમાં અધીરાઈ છે, પણ કળાવા દેતો નથી. આખરે આવેતુ દેખાયો. એ હતો ઝૂલંદવાળો રાવળિયો — જેને બાબરે પોતાના બે નાનકડા નિરાધાર ભાઈઓ ભળાવ્યા હતા. એ બે બાળકોની છૂપી સાચવણીના બદલામાં જેને પોતે લૂંટો કરીને ખરચી પૂરી પાડતો હતો એને દીઠો. કપાળની કરચલીઓ સાપોળિયા જેવી સળવળી ઊઠી. ખસિયાણે ચહેરે રાવળિયો આવીને બેઠો. એના મોં પર તેજ નહોતું. એની જીભ ઊપડી નહીં. બાબરે કહ્યું : “બસ, નાનાં છૈયાંને સોંપી દીધાં!” “શું કરું, ભગત!” રાવળિયો પગે લાગી બોલ્યો : “મારા પર પોલીસ માછલાં ધોવા લાગી; મારે સૂપી દેવાં પડ્યાં.” “ક્યાં સોંપ્યાં? ચાલ, બતાવ જગ્યા.” આગળ રાવળિયો : પાછળ બાબર. સીમમાં એક ખેતર હતું. ખેતરમાં મોલ હતા. રાવળિયે કહ્યું : “આ પાકમાં સંતાડેલ. આંહીંથી કાઢીને બેઉ સોંપ્યાં.” બાબરે ચોમેર નજર કરી. સામે જ એક ઝાડ ઊભું હતું. રાવળિયાને એ ઝાડ પાસે લીધો. ઝાડ સાથે ઊભો રાખીને ઝાડને બાથ ભરાવી બેઉ હાથના પંજા ઉપરાઉપરી ગોઠવ્યા. પછી પોતે ખિસ્સામાંથી ખીલો કાઢ્યો. રાવળિયાની છાતી પાછળ ખીલો લગાવી, પથરે પથરે ઠોકી ઝાડ સાથે જડી દીધો — ને ઉપરાઉપરી છ ભડાકે એને ખતમ કર્યો. બાબરની પરણેલ બાયડી બહારવટે સંગાથે હતી. એ પકડાઈ અને જેલમાં ગઈ. પાછળથી બહારવટું ખેડતો ખેડતો બાબર નવી બૈરીને પરણ્યો, એ પણ બહારવટે ચડી. માણસો મારવાની ફાવટ બાબરને બરાબર આવી ગઈ હતી. ભાઈઓ ‘સેટલમેણ્ટ'માં નહોતા પુરાયા તે પહેલાં તો ભાઈઓને પણ મળી પૂછી જતો કે, ‘કોઈ સતાવે છે? કોઈને મારવા છે?' ભાઈઓ ના કહેતા. પણ જેલ ગયેલા બૈરીના ભાઈ બાબર મોતીએ બનેવીને એક કરપીણ કામ સોંપ્યું : “બાબર! તું જો ધોરીભાઈનું કાસર કાઢે ને, તો મારાથી પાછા કણજટમાં રહેવા જવાય!” “કાઢીએ!" કહીને બાબરે દિવસ ઠરાવ્યો. ધોરીભાઈ એક શ્રીમંત પાટીદાર હતો. કણજટ એના સસરાનું ગામ. સસરો ન-વારસ ગુજરી ગયો. જમાઈ ધોરીભાઈ કણજટમાં સસરાની મોટી ઈસ્કામતનો વહીવટ કરવા માટે ઉચ્છેદે આવીને વસ્યો, ને એને એક ઓરતને કારણે બાબર મોતી સાથે વેર બંધાયું. એક સ્ત્રીનું દિલ પરણેલા-પસટેલા પાટણવાડિયા બાબર મોતી પર કેમ લટી પડ્યું એ કોણ જાણે! કમરે ફૂમતાં ઝુલાવતી છરી બાંધનાર બાબર મોતીની સાથે એ યુવતી બાપ અને પતિ — બેઉનાં ઘરોની સા'યબીનો ત્યાગ કરી ચાલી નીકળી હતી. બંને જણાં બીજે કોઈક ગામ રહેતાં હતાં. વર્ષો વહી ગયાં. ધોરીભાઈની બીકે કણજટ છોડી ગયેલા મોતીની પાસે વતનમાં જઈ વસવાનો એક માત્ર ઈલાજ હતો : ધોરીભાઈનું પોતાના બનેવીને હાથે કાસળ નીકળે તો જ જવાય. દિવસ-વેળા હતી. સસરાના ખેતરમાં ધોરીભાઈ નીંદામણ કરાવતો મજૂર પર પહાડ-શો ઊભો હતો, એવે કોઈકે આવીને ચેતવણી આપી : “ધોરીભાઈ, નાસો; તમારું ખૂન કરનાર છે.” “કોણ?" વણગભરાટે આ પડછંદ, નિર્ભય પાટીદારે પૂછ્યું. “બાબર દેવો : બાબર મોતીનો ચડાવ્યો આ ચાલ્યો આવે. નાસો!” “માર્યા, માર્યા! આવવા દે : એ કોળાં શું કરવાના હતાં! એ કોળાંઓ જેવાં તો મારા પેટમાં કરમિયાં છે.!” એટલું જ કહીને જવાંમર્દ પાટીદાર ત્યાં ખેતરમાં જ ઊભો રહ્યો. બાબર દેવા ધસી આવ્યો. સામસામી ગાળો દેવાઈ, અને બાબરે બંદૂક છોડી. પહેલી ગોળી ચોંટી, પણ ધોરીભાઈ એવો ને એવો ટટ્ટાર ખડો રહ્યો. બીજી ગોળી છાતીમાં ચોંટી છતાં ધોરીભાઈ પડતો નથી. છેવટે બાબરે આવીને એને બંદૂકના કુંદા વડે ધક્કો દઈ પાડ્યો, ત્યારે એ પડ્યો. માણસને મારવાની ઘાતકી તરકીબોમાં પાવરધો બની ગયેલો ‘ભગત' હાહાકાર વર્તાવતો થયો, અને એની ભેળો અલિયો ભળ્યો. અલિયો બોરસદનો હતો. એ પણ બાવીસ વર્ષનો જુવાન હતો. મુસલમાન, પણ પહેરવેશે તો ખેડુ જ. સૌની જેમ અલિયો પણ કાછડો વાળતો, માથે ફાળિયું બાંધતો. બાપ ખેડુ હતો. બાપ મૂઓ એટલે અલિયે જમીન વેચી છનાભાઈ વકીલને. પણ જમીનની જોડે એ જમીનની જોડે એ જમીન પર ઊભેલા આંબા વિશે પૂરી ચોખવટ થવી રહી ગઈઑ. અલિયો જાણે છે કે, આંબા તો મારા જ છે. છનાભાઈ વકીલ કહે કે, “ઘેલો થા ના ઘેલો!” “નહીં, છનાકાકા! આ ફલાણા આંબાની કેરીઓ તો હું જ ખાવાનો છું — હું તમને કહી રાખું છું.” “હવે જોયો ના હોય તો કેરી ખાવાવાળો!” “જોઈ લેજો ત્યારે, છનાકાકા!” વૈશાખ મહિનો આવ્યો. આંબા ફાલે લચી પડ્યા હતા. લૂંબાઝૂંબા કેરીઓ દેખીને અલિયો હોઠ ચૂસવા લાગ્યો. પણ છનાકાકા તો આંબા વેડવા લાગ્યા! અલિયો ઝાઝી વાર મોંમાં છૂટી રહેલા પાણીને ન સહી શક્યો. છનાકાકાનું ખૂન કરીને નાઠો. બે વર્ષ છૂપો રહ્યો. પછી આવી બાબર જોડે ભળ્યો. લૂંટોમાંથી લાગ મળે ત્યારે અલિયો બાબરિયાની રજા લેતો અને એનાં પગલાં હમેશાં … ગામની વાટે વળી જતાં. એ ગામની સીમમાં એક ખેતર હતું. ખેતરમાં કૂવો હતો. કૂવા પર એન્જિન-પંપ ચાલતો. એવી હરિયાળીવાળી એકાંતમાં એક મકાન હતું. આ મકાને અલિયાને માટે એક સ્ત્રી રાહ જોઈ રહેતી. એ હતી અલિયાની જુવાન ઓરત. એ સ્ત્રીને શરણું આપનારો આ મકાન અને ખેતરના માલિક અલિયાની લૂંટોમાંથી માતબર બનતો હતો, એવું એક અનુમાન છે. આ આશ્રયદાતાને એક દિવસ જિલ્લાના હાકેમની સમક્ષ ખડા થવું પડ્યું. એનાં માલમિલકત જપ્ત થવાની અને એનું શરીર સળિયા પાછળ પૂરવાની ધમકી મળી. “હા, સાહેબ!” માલિકે હાથ જોડ્યા : “અલિયાની વહુ જ છે. મારે ઘેર કામ કરે છે. કદાચ એ આવતો પણ હશે. હું પકડાવી આપીશ. પણ એથી તો મારા પર બાબરિયાનું મોટું વેર ઊભું થશે. એ કરતાં બીજો રસ્તો હું બતાવું? અલિયો ખુદ બાબરિયાને જ પકડાવી આપે તો તમે અલિયાને છોડી દેશો?” વાત સાહેબને ગળે ઊતરી. થોડે દિવસે એ આશ્રયદાતાની મારફત છૂપી રીતે અલિયો જિલ્લાના હાકેમને સોંપાઈ ગયો. સોંપાયા પછી પણ અલિયો તો ચારેક નવા સાથીદારોની ટોળી લઈ ભટકે છે, ચુનંદી નવી બંદૂક ફેરવે છે — અને એ તો નાનીમોટી લૂંટોયે કરે છે! સોંપાયા પછી પણ અલિયો તો ચારેક નવા સાથીદારોની ટોળી લઈ ભટકે છે, ચુનંદી નવી બંદૂક ફેરવે છે, ચુનંદી નવી બંદૂક ફેરવે છે — અને એ તો નાનીમોટી લૂંટોયે કરે છે! છતાં એને નથી જિલ્લાની પોલીસ અટકાવતી, નથી ગાયકવાડી સત્તા પકડતી, ને નથી પાડોશી રાજ્યો એને હાથ અડકાડતાં. કંઈક વાતો વહેતી થઈ : અલિયાના નવા સાથીદારો તો પોલીસવાળા છે : એની નવી બંદૂકો તો આ કે તે લાઈસન્સદાર ગૃહસ્થોની માલિકીની છે : એને કોઈએ નથી પકડવાનો, એવો કોઈક ‘સર્ક્યુલર' કર્યો છે : ને એણે થોડી થોડી લૂંટો કરતા રહેવું એવી પણ કોઈક સત્તાવાળાઓ સાથે અંદરખાનેથી સમજણ છે કારણ કે એવું જો એ ન કરે તો બાબર ચેતી જાય : અલિયો પોલીસને મળી ગયેલ છે એવી રંચ પણ શંકા બાબરને ન પડવી જોઈએ : આવી આવી વાતોએ વેગ પકડ્યો. એક દિવસની અસૂરી વેળાએ કણજટ ગામમાં એક રાજસ્થાની અમલદાર છૂપા વેશે દાખલ થયા, એક પાટણવાડિયાને ઘેર જઈ પહોંચ્યા, અને કાનમાં ફૂંક મારી : “બાબર મોતી, ઝટ પહોંચી જા તારા બનેવી કને; ચેતવી દે : એને જિલ્લામાં પકડાવવાની તૈયારી છે.” “કોણ પકડાવશે?” “અલિયો.” “સારું!” કહીને બાબર મોતી રાતોરાત ઊપડી ગયો. અને રાજસ્થાની અધિકારી ઊંડો સંતોષ લઈને ગામ બહાર નીકળી ગયા. સંતોષ એ કે બાબરિયાને ઝાલવાનો જશ હવે જિલ્લાવાળાને મળી રહ્યો! મતલબ કે — પ્રજાને ત્રાહિ પોકરાવી રહેલ ડાકુને કોઈએ પણ ઝટ પકડી લેવાનો નહીં, પણ બાબરને પકડવાનું માન પહેલો કોણ ખાટી જાય એવી સ્પર્ધાનો હવે આ પ્રશ્ન હતો. લૂંટો કરતો, નવી બંદૂકો ફેરવતો અને નવા ચાર સાથીદારોથી રક્ષણ પામતો અલિયો પણ તે પછી એક રાતે કણજટમાં એ જ બાબર મોતીને ઘેર પહોંચ્યો. ઘેર એ નહોતો. એની વહુ હતી. અલિયાએ પૂછ્યું : “હેં ભાભી, ભગત હવડાં ક્યાં છે?” “એ તો કશી ખબર્ય નહીં, ભઈ! હવડાં તો કશાય સમાચાર નથી.” સ્ત્રીએ એવી તો સિફતથી કહ્યું કે અલિયાને કશો વહેમ આવ્યો નહીં. અલિયો બાબરની ગંધ બીજે ક્યાંકથી લેવા નીકળી પડ્યો. “હવે?” …ના ફોજદારે પૂછ્યું : “અલિયા, હવે આ બાબરિયાને ક્યાં ગોતવો?” “છે એક બીજું ઠેકાણું.” “કોણ?” “…નો પાટીદાર …ભાઈ.” “…ભાઈ! શું કહે છે! શી રીતે?” “બાબરિયાને બંદૂક જ એણે આલી છે.” કેવા કેવા સદ્ગૃહસ્થો આ ડાકુગીરીમાં ભળેલા હતા તેનો ઇતિહાસ દટાય ગયો છે. “ક્યાં રહે છે …ભાઈ?” “એને ખેતરે.” “ચાલો.” બાબરને બંદૂક પૂરી પાડનાર એ ગૃહસ્થના રામ રમી ગયા. ઊગરવાનો એક જ ઈલાજ હતો : બાબરને પોતાના ખેતરે બોલાવી પકડાવી દેવો. એણે કબૂલ કર્યું. એ ગૃહસ્થે સાત દિવસ સુધી બહારવટિયાને ફાંસલામાં લેવા મથામણ કરી. પણ બાબર ન આવ્યો. બાબર મોતીએ એને અલિયાના ફાંસલાથી ચેતવી દીધો હતો. અલિયો અને ફોજદાર પાછા બોરસદ ગયા. પોતાને સાંપડેલી ગુના કરવાની સત્તાનો હવે તો અલિયાને નશો ચડ્યો. બોરસદની ભરબજારે એણે પોતાના વિરોધી એક મુસલમાનને ઠાર માર્યો, અને બીજા એકનું નાક કાપ્યું. એ છતાં અલિયો સલામત હતો એ તો આ ગુના બાબર દેવાને પકડાવી આપવા માટે ખેલતો હતો ખરો ને! બાબર તો પકડાતો નથી. અલિયો ‘થોડા ગુના કરજે' એવા કોઈક મૂરખ સત્તાધીશના પરવાનાનો લહાવો લઈ રહેલ છે. દેશના આગેવાનો ઉઘાડે છોગે આહ્વાન આપે છે કે, આવી અલિયાશાહી વર્તાવનારને ફાંસીને માંચડે લટકાવો! અલિયાને આપેલું અભયદાન ઉઘાડું પડી ગયું. અલિયાને ફેંસલો કરવા વગર છૂટકો ન રહ્યો. “અલિયા!” એક દિવસ અલિયાને ચાર નવા સાથીદારો પૈકીના એકે ચેતાવી દીધો : “હવે તને પકડી લેશે.” “એમ! તો પછી હીંડો, આજ એક છેલ્લુકી વારની લૂંટ કરી લઈએ. પછી વળી જોવાશે કે પકડાઈને શું કરવું!” પછી છેલ્લી મોજ માણવા અલિયો ચારે મદદનીશો સાથે એક ભાગોળે વડલા તળે ગયો. પાંચેયે ભૂંસું ખાધું, દારૂ ઢીંચ્યો. સાથીદારો નશામાં લટી ગયા. એ ઊંઘતા ચારેયની બંદૂકો લઈને અલિયો નાસી ગયો. ઉત્તરસંડાની સીમમાંથી એક ખેતર ઘેરીને પોલીસે એને હાથ કર્યો. એને ફાંસી દેવાઈ. એની લાશ બોરસદ લાવવા દીધી. ત્યાં એને દફનાવી મુસલમાનોએ તે પર કબર કરી. આજ એ ‘અલિયો પીર' બન્યો છે! કબર પૂજાય છે!


*


“હેં ભૈ?” “બોલો, ભૈ!” “ભગત તો હવડાં કાંઠામાંથી આ પાર આપણા તાલુકામાં ઊતર્યા છે ને? તો મારે ઘેર ઈમનાં પગલાં ના કરાવો?” ભાઈ કહે : “શા સારુ ના કરાવું? જરૂર કરાવું.” “તો લાવો ને; મારે ભગતનાં દર્શન કરવાં છે.” ‘ભગત' ઉર્ફે બાબર દેવા, જે ખેડા જિલ્લો છોડી, મહી નદી પાર કરી હમણાં ભરૂચ જિલ્લામાં ઊતર્યો હતો, તેને પોતાને ‘ઘેર પગલાં કરાવવા'ના ઈંતેજાર આ પણ એક પાટીદાર હતા. ભરૂચ જિલ્લાના પાદરા તાલુકાના માસર ગામના એક આગેવાન હતા. એમનું ઘર મેડીદાર હતું, અને ‘ભગત'ની પોતાને ઘેર પધરામણી કરાવવાની જેની કને આ આગેવાને અરજ ગુજારી તે ભાઈ પાટણવાડિયા હતા. એ અને એનો ભાઈ – બેઉ પાદરા તાલુકા ખાતે ‘ભગત'ના ભાઈબંધો હતા ‘ભગત'ની સાથે ફરતા, ‘ભગત'ને સંતાડતા, ખવરાવતા, પિવરાવતા. એક રાત્રીએ આ ભાઈબંધે બાબરને જલાલપુરના પેલા આગેવાન પાટિદારને આંગણે આણીને પગલાં કરાવ્યાં. મકાન ઉપર મેડો હતો. મેડા પર પાટલે બેસારીને આગેવાને ‘ભગત'ને ભોજન કરાવ્યું. ને પછી સંતૃપ્ત પરોણાને પોતે અરજ કરી : “મારું એક કામ કરી આલો, ભગત?” “હોવે, કરી આલું.” બંદૂકધારી બાબરે કૃપા બતાવી. “એ બદલ હું તમને, ભગત, રૂપિયા પાંચશે આલું.” “હા, કહો ત્યારે.” “અમારા ગામના …ભાઈ મારા હરીફ આગેવાન છે : તેનો કાંટો કાઢી નાખો.” “બાબરને લાવનાર પાટણવાડિયો મિત્ર આભો બન્યો. પણ બાબરે માથું હલાવ્યું : “વારુ, એ કાઢી નાખું — પણ સામે મારુંયે કામ કરી આપવાની શરતે.” “કહો.” “ભટ ફોજદારે મને પકડવાનું બીડું ઝડપ્યું છે, એને મારે ઠાર કરવો છે. તમારે ત્યાં એને તેડાવી દો.” “ખરી વાત,” આગેવાન પાટીદારે સોદો વિચારીને જણાવ્યું : “પણ મારા ઘરમાં નહીં મારવો.” “કંઈ નહીં; તમારા ઘરમાંથી એ નીકળે તે પછી મારીશ, પણ બોલાવી દેશો ખરા ને?” “હોવે, બોલાવી દઉં.” સામાસામાં બે કરપીણ ખૂનનો સોદો થયો. બાબરે રજા લીધી. રસ્તે પાટણવાડિયા ભાઈબંધે બાબરને ઊંચકાવ્યો ઃ “હાળા, તું પણ મૂરખ છે ના! પેલો સામાવાળો પણ આપણને તો ખપનો છે. એને મારવાની તેં શું જોઈને કબૂલાત આપી, હાળા?” “પણ મારે ભટ ફોજદારને મારવો છે, તેનું શું થાય?” “તે ભટને મારવો હોય તો હીંડને, આપણે જઈને મારીએ.” “ડબકે જઈને?” “હા, થાણામાં જઈને મારીએ.” “લે, હીંડ ત્યારે.” “હીંડો.” ડબકા ગામને પોલીસ-થાને બેઉ ભાઈબંધો રાતોરાત પહોંચ્યા. કચેરીમાં ફાનસ બળતું હતું. એક અમલદાર બેઠો બેઠો લખતો હતો. બાબરે બંદૂક ફટકારી, લખતો અમલદાર ઢળી પડ્યો. ખૂનીઓ નાઠા. પોલીસ પાછળ પડી. બંદૂકોની ધાણી ફૂટી. એક પોલીસની ગોળી બાબરના પગમાં વાગી પણ અંધકારે એની રક્ષા કરી. એને ઊંચકીને એના સાથીદારો જલાલપુરના છોટા નામના લવાણાને ઘેર લાવ્યા. પાદરેથી ડૉક્ટર બોલાવ્યો. તેણે બાબરના પગમાં ગોળી કાઢી. ત્રણ મહિના સુધી બાબર ભાઈબંધ છોટા લવાણાના ઘરમાં પડ્યો રહ્યો. પડ્યા પડ્યા એને ખબર પડી કે ડબકા પોલીસ-થાણે જેને પોતે ઠાર કર્યો તે ભટ ફોજદાર નહોતો, પણ બાપડો નવાણિયો જમાદાર ટિપાઈ ગયો હતો : ભટ ફોજદાર તો તે જ રાત્રીએ ગામમાં ફેરણી પર ગયો હતો. એ ખૂનમાં પાટણવાડિયો મિત્ર પકડાઈને બત્રીસની ટીપમાં ગયો. બાબર સલામતી માણતો ભાઈબંધ છોટા લવાણાને આશરે રહ્યો. છોટાની સ્ત્રી મણિને બાબરે બહેન કરી. ત્રણ મહિને સાજો થઈને બાબર તુંડાવ ગામ ગયો. ત્યાં તુંડાવમાં પણ એનું આશ્રયસ્થાન એક પાટીદાર મુખીનું ઘર હતું. મુખી પોતે તો હતો ભગત જેવો. પણ એના બે દીકરા ‘ભગત'ની ભક્તિમાં ભેરુબંધો હતા.


*


બત્રીસ વર્ષની ટીપમાં ધકેલાઈ ગયેલા પાટણવાડિયા મિત્રના ભાઈએ એક રાતે તુંડાવ આવીને બાબરને કહ્યું : “ભગત, મારો ભાઈ તો તારે પાપે ગયો. હવે કંઈ એ કેદમાંથી જીવતો પાછો આવે નહીં. પણ એની છોડીઓનું શું?” “શું કહો છ, …ભઈ?” “કહું છું કે એની છોકરીઓને વરાવવા-પરણાવવાનું શું?” “જો, ભઈ!” બાબર પોરસમાં આવી ગયો, “…ભાઈની દીકરી એ મારી જ દીકરી. હું એને પરણાવીશ. તું-તારે આપણી ન્યાતમાં સારામાં સારો વર શોધી કાઢ. એકથી લાખનો ખરચ થશે તે હું આલીશ.” આ વાત લઈને પાટણવાડિયો ક્યાં ગયો? વડોદરાના પોલીસ કમિશનર કને. આ કાંઈ પોતાના ભાઈની છોડી પરણાવવાની વાત નહોતી : બાબરને પકડાવી દેવાનું કાવતરું હતું. બાબર અજિત બન્યો હતો. એનો કોઈ પત્તો નહોતો. એના ઠામઠેકાણાની બાતમી સીસવા ગામના એક પાટણવાડિયા પાસેથી માંડ માંડ મળી હતી. આ પાટણવાડિયો જબરો નિશાનબાજ હતો. ચોરીઓ કરતો કરતો કેદ પકડાઈ, એક પોલીસને ઠાર મારી, જેલમાંથી નાસી જઈ બાબરની ટોળીમાં ભળેલો. પછી સીસવાના દરજીના ઘરમાંથી હાથ આવેલો. એની પાસેથી બાતમી મળી હતી કે બાબરના સાગરીત કોણ કોણ હતા. એ બાતમીને આધારે પેલા પાટણવાડિયાની ગરદન ઝાલી પોલીસ કમિશનરે ફાંસલો ગોઠવ્યો હતો. એક કૂંડાળું કરી, વચ્ચે ઘીનો દીવો મૂકી, પછી પોલીસે એ પાટણવાડિયાને કહ્યું હતું કે, “ઉપાડ દીવો, ને વચન આપ કે, બાબરને પકડાવીશ.” કૂંડાળું, દીવો — એ બધું પોલીસને મન તો ફારસ હતું, પણ પેલા પાટણવાડિયાને મન એ દીવો ને કૂંડાળું પવિત્ર હતાં. એણે દીવો ઉપાડ્યો હતો. પછી એ ભત્રીજીનાં લગ્નની પોલીસે રચેલી વાત લઈને બાબર પાસે ગયો હતો. પોલીસ સાથે સંતલસ કરીને ફરી પાછો એ પાટણવાડિયો બાબર પાસે ગયો કહે કે, “છોડીને માટે અમૂક ઠેકાણું શોધી કાઢ્યું છે. રૂપિયા બે હજર જોઈશે.” “વારુ લે — હું છોટિયા પર બે હજારની ચિઠ્ઠી લખી આલું.” ચિઠ્ઠી લઈને પોલીસ પાસે પહોંચેલો એ ભાઈબંધ ફરી બાબર પાસે આવ્યો કહે કે, “છોટિયો કહેવડાવે છે કે, ‘કોઈ બીજાને રૂપિયા ન આલું : તને એકને જ હાથોહાથ આલું. અહીં આવીને લઈ જા. પણ નક્કી દને ને વખતે આવવાનું કરે તો તે મુજબ હું રૂપિયા લાવીને રાખવા પડે, ને તું ના આવે તો મારે રૂપિયા પાછા આપી આવવા પડે. ઘરમાં જોખમ ના રખાય.”' “વારુ!” બાબરે ભાઈબંધ પાટણવાડિયાની સાથે ચોક્કસ દિવસ ને વેળા જણાવી મોકલ્યાં એ ખબર લઈને આ ભાઈબંધ છોટિયા લુવાણાની પાસે શીદ જાય! વડોદરે જ ગયો. તે પછીથી ચોક્ક્સ દિવસે વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશનેથી પાદરા સુધી દોડતી સાંજની ટ્રોલી પાદરા થોભી જવાને બદલે આગળ વધી. ભોજ સ્ટેશન અને મોભા સ્ટેશનની વચ્ચે અંતરિયાળ એ ટ્રોલીનો વેગ ધીરો પડ્યો, અને એના એક ડબ્બામાંથી સૂર્યાસ્ત પછીના પ્રથમ અંધકારમાં સંખ્યાબંધ માણસો ઊતરી પડ્યા. એ ઊતરનાર પૈકીનો એક દક્ષિણી આદમી પાછો બેસી જવાને બદલે સૌની જોડે ચાલવા લાગ્યો. ત્યારે એને કહેવામાં આવ્યું : “તમે શીદ આવો છો?” “મને પણ, સાહેબ, મહેરબાની કરીને લઈ જાવ! મને પણ જશ મળશે.” “જશ મળશે!" એ શબ્દોએ આ ટોળામાં એક છૂપું હાસ્ય જગાવ્યું. “ઠીક, ભલા આદમી! ચાલો." એમ કહીને એ મંડળીને લઈને આગેવાન ખેતર સોંસરા આગળ વધ્યા. થોડી વારે આખું મંડળ ગાયબ બન્યું. એ હતા વડોદરાના પોલીસ કમિશનર અને એમના પચીસ-પચાસ જોડીદાર : પૂરેપૂરા હથિયારબંધ, ચુનંદા, ચૂંટીને લીધેલા. ને પેલો જશ લેવાની લાલચુ હતો રેલવેનો મરાઠો ફોજદાર. એ વગર વરધીએ જોડાયો : એને જશ મેળવવો હતો! જલાલપુર ગામમાં એ મંડળી કોઈ ન જાણે એમ ગોઠવાઈ ગઈ.


*


છોટિયા લુવાણાના ઘરમાં એક દીવો ટમટમી રહ્યો છે. બારણાં અંદરથી બંધ છે. બારણાંની સામોસામ અંદર જે હિંડોળો છે તે રોજની માફક ધીરો ધીરો ચાલી રહ્યો છે : હિંડોળે એક મનવી બેઠું છે. તેના અંગ પર પહેરવેશ સ્ત્રીનો છે. છોટિયાની વહુ મણિનું એ હંમેશનું આસન છે. “મણિબોન!" રાત સારી પેઠે અંધારી થઈ હતી તે વેળાએ બહારથી બારણે એક તદ્દન હળવો ટહુકો પડ્યો : “મણિબે'ન! ઉઘાડ!" એમ કહ્યું હતું તે, બારણામાં પેઠો પણ પેસતાં જ તરત જ ખચકાઈ જઈ પગ પાCહો બહાર લેતોક, સાથીદારને કહી ઊઠ્યો : “અલ્યા, દગો લાગે છે.!” “હવે દગો તે શાનો, હાળા! ઝટ માંઈ પેસ ને!" ને એમ કહેતેકને સાથીદારે પેલા ‘દગો કરનારને અંદર ધક્કો દઈને એટલા જોરથી હડસેલ્યો કે આદમી બારણાની અંદર ભૂસ દઈને પટકાઈ પડ્યો. એ પાછો ઊઠે તે દરમિયાન તો બારણાની બેઉ બાજુથી બે જણા એના પર તૂટી પડ્યા, અને બાથ ભરી ગયા. પડનાર એટલો જોરાવર હતો કે બાથંબાથા મચી, ધમાચકડી બોલી. ત્યાં તો મેડા પરથી કોઈક ધસ્યું, એ ધસનાર ભૂસ કરતા મેડેથી પડ્યા. ત્યાં તો અંદરના બીજા ઓરડામાંથી બીજા છૂપાયેલા દોડ્યા. બારણામાં બે જણની બાથથી પટકાઈ પડનારો બાબર દેવો હતો. મેડી પરથી હેબતાઈને નીચે ઊતરતાં પડી જનાર વડોદરાના પોલીસ કમિશનર સાહેબ હતા. ઓરડેઓરડેથી ધસી આવનાર શસ્ત્રબંધ પોલીસો હતા. સર્વમાં ગભરાટ હતો. છેવટે સૌએ મળીને એક બાબરને દબાવી દીધો. બાબરને અંદર હડસેલી દઈને બહારથી જ નાઠેલા માણસની પાછળ દોડતા આવેલા પોલીસે એ દોટ કાઢનાર ચોરાવાળા માણસને બહારવટિયો સમજી બંદૂક છોડી. પીઠમાં ગોળી ચોંટતાં જ એ ચોરાવાળા માણસના ત્યાં ને ત્યાં રામ રમી ગયા. પોલીસ આવીને જુએ ત્યાં તો હાયકારો નીકળી ગયો : “આ તો રેલવે-ફોજદાર!” ના પાડવા છતાં જે આગ્રહપૂર્વક આ ટુકડી સાથે રેલવેમાંથી ‘જશ લેવા' જોડાયો હતો તે જ એ રેલવેવાળો મરાઠો ફોજદાર!


*


જલાલપુરની સીમમાં તે વખતે વેલડું લઈને બે આદમીઓ બેઠા હતા. ગામમાં બંદૂકોની ફડાફડી બોલી તે એમણે સાંભળી, લોકોનો દેકારો સાંભળ્યો. તેઓ પામી ગયા, વેલડું જોડીને નાઠા. ગામ તુંડાવથી બાબરને પોતાના વેલડામાં બેસારીને આંહીં લઈ આવનાર એ પેલા બે પાટીદાર ભાઈઓ હતા — જેમનો ભગત પિતા તુંડાવનો મુખી હતો. તુંડાવમાં ઘેર જઈને એમણે ઘરમાં રાહ જોઈ બેઠેલ એક જુવાન ઓરતને કહ્યું : “ચાલો, ભાભી!” “ક્યાં?" સ્ત્રીએ પૂછ્યું. “કાવી.” “કેમ?” “અમારે બાબરભાઈએ કહ્યું છે કે એને રોકત થઈ ગઈ છે તે તમને કાવી પહોંછતાં કરી દેવાં.” રાતોરાત એ સ્ત્રીને — બાબરની ઓરતને — એ બેઉ જણાએ ઉપાડી. પરોઢિયે બેઉ પાછા આવ્યા. તે પછી ઓરત ક્યાં ગઈ, કાવી પહોંચી કે નહીં, જીવતી રહી કે મૂઈ — તેનો પત્તો આજ સુધી મળ્યો નથી. આ બે પુત્રોનો ભગત પિતા, કે જેને બાબર પકડાઈ ગયાની ખબર પડી ગઈ હતી, બાબરની સ્ત્રીના અદૃશ્ય થવાથી વધુ હેબતાઈ રહ્યો. અને છોકરા તો બેઉ પ્રભાત પડ્યા પૂર્વે ફરી પાછા પલાયન થઈ ગયા. પ્રભાત પડ્યું. પોલીસ દોડાદોઅ આવી પહોંચી. ઝડતી માટે આ ઘરમાં પેસતાં જ પોલીસે દીઠું — મુખી પિતાનું દોરડે લટકતું મડદું. કાળું કામ કરનારા બંને છોકરાના બાપે ગળાફાંસો ખાધો હતો.


*


‘મેં બે'ન કહેલી મણિ શું ખૂટી?' બાબરની એ શંકાનું તો તરત સમાધાન થઈ ગયું : પોલીસે છોટાને અને મણિને તો બાજુના ઘરમાં પૂરી રાખ્યાં હતાં. હિંડોળે બેસીને મણિનો પાઠ ભજવનાર ને બારણાં ઉઘાડનાર એક પોલીસ હતો. જેને પકડવા જતાં નખશિખ શસ્ત્રધારી પોલીસ-વડા પણ મેડેથી ગબડી પડ્યા હતા, જેના તાપથી ચમરબંધીઓના પણ ગાઢ વછૂટતા હતા, તે બાબર દેવાને જ્યારે ૧૯૨૩માં ફાંસીને માંચડે ચડાવવા લઈ ગયા ત્યારે એ પોકે પોકે રદી પડ્યો. “હેઠ, મારા હાળા નામર્દ!" ડાભલો બહારવટિયો તે વખતે બોલી ઊઠ્યો : “આપણે પારકાંનાં ખૂન કરતા'તા તે દા'ડે શું ન'તી ખબર કે એક દન આપણે ચડવાનું જ છે! ખબર તો હતી, તે છતાં આજ રડવા બેઠો છે!” પણ એવા મહેણાની ચાનક બાબર દેવાને ચડી નહીં. એ તો ઢગલો થઈને ધરતી પર બેસી ગયો. એને પકડી, ઊંચકી, ફાંસીનું દોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો.[1]

  1. ખેડા અને ભરૂચ જિલ્લામાં ૧૯૧૮થી ‘૨૪ સુધી ચાલેલા આ ભયાનક બહારવટાની કથા રવિશંકર મહારાજે કહેલી વાતોમાંથી તારવી છે. કેટલાંક પાત્રો (જીવતાં તેમ જ મૂએલાં)નાં તેમ જ સ્થળોનાં નામ મેં પડતાં મૂક્યાં છે. — લેખક.